મૃત્યુ પછીનું જીવન - 5
પ્રેમીકાનાં પ્રેમમાં ફરી એકવાર ડૂબીને રાઘવ સાતમાં આસમાનમાં ઊડી રહ્યો હતો , ત્યાં જ અચનક ....
જાણે કોઈએ એની ગતિ રોકી લીધી , હીના આગળ ચાલતી રહી, પણ રાઘવ એનાથી દૂર થઇ રહ્યો હતો ...શું થયું એકદમ ...?
એને એવું કેમ લાગી રહ્યું હતું કે કોઈ એને ખેંચીને દૂર એક ખૂણામાં લઈ જઈ રહ્યું છે ? રાઘવને કોઈનાં કન્ટ્રોલમાં રહેવાની ટેવ જ નહોતી , સિવાય કે ડેસ્ટીની ....! અરે યાર ...મૃત્યુ પછી પણ આ ડેસ્ટીની સુકુનથી જીવવા નથી દેતી ? કોણ મને આમ અટકાવી રહ્યું છે ? હવે હું એનાથી દૂર નથી રહેવાનો , જીન્દગીભર તડપ્યો છું આ ક્ષણો માટે , હવે હું આને માટે ડેસ્ટીની સાથે પણ લડી લઇશ ..
“ હવે તારે માત્ર એનાથી જ નહી , બધાથી દૂર જવાનો સમય આવી ગયો છે. ”
એકદમ ઘેરો અને સ્પષ્ટ અવાજ આવ્યો...કોણ બોલ્યું આ ...? આખી દુનિયાને ડરાવનારો ડોન એક સેકન્ડ ડરી ગયો અને પાછળ હટી ગયો…રાઘવ આજુબાજુ , ઉપર નીચે ,ચારે તરફ જોવાં લાગ્યો...એને સામે કંઈક વાદળનાં ગોટા જેવું દેખાયું . ધીરે ધીરે એ વાદળ જેવો આકાર નજીક આવ્યો , પછી એની બાજુમાં બીજો એવો જ આકાર પ્રગટ થયો ... ધીરે ધીરે ધૂંધળા દેખાતાં એ પ્રકાશપુંજ હવે એને એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યાં ...
રાઘવ એમની આભા , એમનાં તેજ , એમનાંમાંથી નીકળતાં અવિરત પ્રકાશ ...આ બધું તાકી રહ્યો ..આ બધુ શું છે ? કોણ મને ડરાવી રહ્યું છે ? આ કોઈ ૫ ડાઇમેન્સનલ ગેઈમ છે કે શું ? અંશ મને હોન્કોંગમાં લઈ ગયેલો એવી કોઈ ...! હું ક્યાં છું ? મને આ બધું અકળાવે છે, નક્કી આ કોઈ લાંબુ અજુગતું સ્વપ્ન છે ...ગોમતી મને ઉઠાડી દે , પ્લીઝ ; કાલથી હું વધારે નહી પીવું ... રાઘવ માટે ફરી એક નવો અનુભવ ...!
“રાઘવ , તું સ્વીકારી લે , તારું મૃત્યુ થઇ ચુક્યું છે .તારા શરીરને અંતિમ સંસ્કાર અપાઈ રહ્યાં છે , ચાલ અમારી સાથે ..તને બતાવીએ ...”
“ તમે કોણ છો , હું તમારી વાત કેમ માનું ? “’’
“ અમે તને મદદ કરવાં આવ્યાં છીએ ,અમે તારા પથદર્શક છીએ , તને રાહ બતાવવાં આવ્યાં છીએ ..”
“ તો તમે દેખાતાં કેમ નથી ? ’’
“ આ જ અમારું સાચું સ્વરૂપ છે ’’
“ મને તમારા આવા સ્વરૂપથી ડર લાગે છે , હું તમારી સાથે ક્યાંય નહી આવું , મારે મારી હીના સાથે રહેવું છે .. સ્ટીનીએ અમને ખુબ દૂર કરી દીધા , હવે એ મારી પાસે આવી છે અને હું એની સાથે જ રહીશ ...”
“ રાઘવ , હવે તું એની સાથે નહીં જ રહી શકે , તમારી દુનિયા અલગ છે, હવે થોડાં સમય પછી તમારાં બે ય નાં ડાયમેન્સન પણ અલગ હશે..”
“ એ વળી શું ? નક્કી આ કોઈ 5 ડાયમેન્સનની ગેઈમ છે . ’’
હાહા...બંને પ્રકાશપૂંજ જોરજોરથી હસવા લાગ્યાં ,એમનો અવાજ કોઈ પહાડ પરથી આવતો હોય એમ પડઘાતો હતો ..
“ હવે તારી ગેઈમ પૂરી થઇ રાઘવ , અને તારો સમય પણ પૂરો
થયો ...”
“ મતલબ , હવે કશુંય મારા હાથમાં નહીં ? ’’
“ હા, અમે તને ૬૦ વરસનો સમય આપ્યો , તને જે કરવાનું મન થયું, તેં કર્યું ...હવે તારા કર્મોના હિસાબે અમે તને આગળનો રસ્તો બતાવશું.... ’’
“ એટલે મારે ચુપચાપ તમે કહો એમ કર્યા કરવાનું , આવું તો અમે દુશ્મનો ને બાનમાં લઈએ ત્યારે કરતાં ...”
“ હા , સાચી વાત , હવે તારે અમારી દુનિયામાં આવવું પડશે , અમારા કહ્યા પ્રમાણે આગળ વધવું પડશે, ઓલ માઈટી પાસે ...”
“ ઓલ માઈટી ? એ કોણ વળી ? કોઈ નવો ડોન છે ? મલેશિયા , દુબઈના ડોનને મળ્યો છું , પણ આ ....”
હાહા હા.. ફરી હસ્યાં ..બંન્ને નાં હસવાના પડઘાં ચારે તરફ સંભળાતા હતાં ...
“ હા , તારી ભાષા માં કહીએ તો આખાયે બ્રહ્માંડ નાં ડોન , ભગવાન, ઈશ્વર , ગોડ....”
“તારી સત્તા અહીં પૂરી થઇ ...ચાલ અમારી સાથે ..”
“ નહીં ,હું નહીં આવી શકું ,મારે હીના સાથે રહેવું છે , રાશીદ સાથેનો હિસાબ પૂરો કરવાનો છે ..”
“હવે તારો બધો હિસાબ અમે જોઈશું , જો લેણદેણ બાકી હશે તો હીના તને જરુર મળશે બીજા જન્મમાં અને રાશીદ જેવા સાથે પણ જમા
ઉધાર સરભર કરવાનો મોકો મળશે , પણ એ માટે તારે ઓલમાઈટીનાં સ્પીરીટ વર્લ્ડમાં આવવું પડશે..”
“ શું ઓલ માઈટી ત્યાં રહે છે ? ”
“ નહી , ત્યાં માત્ર તમારાં જેવાં સ્પીરીટ નાં લેખાં જોખાં થાય છે ,એ આ દુનિયાથી ઉપરનું ડાયમેન્સન છે .. ઓલમાઈટી તો સૌથી ઉપરનાં ડાયમેન્સનમાં રહે છે ...તું ચાલ અમારી સાથે , ધીરે ધીરે તને બધુંય સમજાવા માંડશે , બસ તારે અમારી સાથે રહેવાનું છે ...
-અમીષા રાવલ
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
શું રાઘવ હીનાનાં મોહને છોડીને , રાશીદનાં વેરને છોડીને , પોતાનાં પાવરને છોડીને સ્પીરીટ વર્લ્ડમાં પ્રવેશી શકશે ? હીનાનું શું થશે ? ગોમતીનું શું થશે ? આ બધું જાણવા વાંચો , એપીસોડ ૬ ....
મિત્રો , આપ સૌનાં પોઝીટીવ રિસ્પોન્સ બદલ ખુબ ખુબ આભાર ...