મૃત્યુ પછીનું જીવન - ૬ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૬

મૃત્યુ પછીનું જીવન - ૬

જીવનભર હીનાનાં સંગાથ માટે તડપતાં રાઘવને મૃત્યુ પછી હીનાનાં પ્રેમનો અહેસાસ થતાં જ , રાઘવ પોતાની હીના માટેની નફરત ભુલીને ,હીનાની સાથે સુકુન ભરી પળો માણતો રહે છે , પણ આ શું ? કોઈ એને રોકી રહ્યું છે ...શું ડેસ્ટીની મર્યા પછી પણ એને સુકુનથી જીવવા નહીં દે... ? પણ એટલામાં રાઘવને રોકનારા બે પ્રકાશપુંજ એને સ્પષ્ટ દેખાવા માંડ્યા ...જે એને સાથે લઇ જવાં આવ્યાં હતાં .પણ રાઘવ સાથે જવાં તેયાર નહોતો . હવે આગળ વાંચો .....

“હવે તું એક સ્પીરીટ છે .” પ્રકાશપુંજ બોલ્યાં .

“એટલે?”

“ સ્પીરીટ એટલે આત્મા ,જે કદી મરતો નથી ,જેમનું એક અલગ ડાયમેન્શન છે . હમણાં જેનું મૃત્યુ થયું , તે તારું શરીર હતું ,તું નહીં .."

"તો મારું શરીર એટલે હું નહીં ? ૬ ફૂટનો રાઘવ હું નહી? ગોમતીનો વર હું નહી ? માફિયા ડોન હું નહીં ? મારી આઇડેન્ટીટી હું નહીં? તો હું કોણ ? તમે બે આમ કન્ફયુઝ નહીં કરો , પ્લીઝ , મને આ બધું સાંભળીને ગભરામણ થાય છે .”

" સાંભળ રાઘવ , ઓલમાઈટી એ દરેક આત્માને એનાં કર્મ પ્રમાણે એક શરીર આપ્યું છે ,એનો સમય પૂરો થતાં એણે એ શરીર છોડવું પડે છે અને ફરી કર્મોનાં હિસાબ અને આત્મા પર પડેલાં સંસ્કાર પ્રમાણે એને નવું શરીર મળે છે. જેમ તમે લોકો નાટક કરો છો ને એમ જ ...અમિતાભ બચ્ચન એક મૂવીમાં કુલી નો રોલ કરે , પછી બીજા મૂવી માં શહેનશાહ નો રોલ કરે , પણ એ રોલ એનું સત્ય નથી હોતું , બિલકુલ એવું જ કઈંક અહી પણ છે , સમજાયું ..?”

“ થોડું થોડું , પણ સ્વીકારવાનું મન નથી થતું , પ્લીઝ મને મારો રાઘવ નો રોલ જ ગમે છે , મને એ પાછો અપાવી દ્યોને ?''

''એ શક્ય જ નથી , રાઘવ .. તારા જ લોકો તારા એ શરીરને બળી રહ્યાં છે .''

'' તો એમને રોકો , પ્લીઝ ..''

'' એ લોકો એમનું કર્મ કરી રહ્યાં છે . તારા ભલા માટે જ ...''

'' મારું શરીર મારા જ લોકો બાળી રહ્યાં છે અને તે પણ મારા ભલા માટે ...વાહ ...''

''કારણકે હવે એ તારા કામનું જ નથી , તારા કર્મો પ્રમાણે તને નવું શરીર મળશે.''

'' પણ એ રાઘવ જેવું તો નાં હોયને , એવો પાવર , એવી તાકાત , એવી પોઝીશન થોડી હોય ? ''

'' તારા આ શરીર અને પાવરનું તે તારી રીતે આ જીવનમાં સર્જન કર્યું , હવે ફરી નવાં શરીર સાથે નવો વિકાસ કરજે ..જો તારે જોવું છે , કેવી રીતે તારું શરીર બળી રહ્યું છે , તો જ તું રાઘવના શરીરની માયામાંથી મુક્ત થઇ શકશે . અને મુક્ત થશે તો જ આગળ વધશે ...જુનું છોડશે તો જ નવું મળશે ..દરેક આરંભ નો અંત છે જ અને અંતમાં જ આરંભ છુપાયેલ છે ..''

'' બંને પ્રકાશપૂંજ રાઘવના સ્પીરીટ શરીરને આજુબાજુ થી હળવો સ્પર્શ કરી ને સ્મશાન ભૂમિ પર લઈ જાય છે , જ્યાં રાઘવ એનાં બળતાં શરીરને જોઇને ખુબ જ રડે છે ... એનાં બળતાં શરીરની આજુ બાજુ ફરતો રહે છે , અગ્નિની જ્વાળાઓ એને દ્ઝાડી શકતી નથી , પણ સામે પડેલાં એનાં શરીરને તહસ નહસ કરી રહી છે , ખાખ કરી રહી છે.. એનું શરીર ધીમે ધીમે ખાખ થઇ રહ્યું છે ,અને એ કઈં જ નથી કરી શકતો , બસ જોઈ જ રહ્યો છે . જીવતે જીવ આ શરીર પર માખીયે અડવા ન દેતો એ જ શરીર , સૂર્ય નમસ્કાર , દંડ કરીને પુસ્ત બનાવેલું , એ જ શરીર , રોજેરોજ ભાવતું ભોજન કરીને મસ્ત બનાવેલું , એ જ શરીર બળીને ખાખ થઇ રહ્યું હતું ...

ભોજનથી યાદ આવ્યું , એણે કલાકોથી કઈં જ ખાધું નહોતું ...હવે એને સખત ભુખ લાગી રહી હતી ..એટલામાં ત્યાં જ થોડે દૂરથી કોઈ મનગમતી સુગંધ આવી રહી હતી ...અરે આ તો મારા ફેવરીટ ફાફડાની સુગંધ ....આહા ... અરે ચાયની પણ ...અહાહા...

થોડે દૂર લોકો ટોળે વળીને બેઠાં હતાં , જોઉં તો ખરો કોણ છે આ બધાં...અરે આ બધાં તો મારા ખાસમખાસ માણસો ....જીવો , મારો દોસ્ત સલીમ , મારો કઝીન કેશુ , પરેશ , શરદ ....આ લોકો આવાં નીકળ્યાં ? છેક આવાં ...એક તરફ મારું શરીર બળી રહ્યું છે અને એક તરફ આ લોકો મજા કરી રહ્યાં છે ? અરે આ શરદ તો ઉઠીને અંશ અને મોટાં પાસે જાય છે ...એમને પણ સમજાવી રહ્યો છે ખાવા માટે ...ઓહ ગોડ ...આ લોકો આવાં નીકળ્યાં ?

એટલામાં ફરી પ્રકાશ પૂંજ બોલ્યાં ...

“ આ જ દુનિયા છે , રાઘવ અને આજ દુનિયામાં તું ફરી જન્મ લેશે , કદાચ તું પણ આવું કરતો હશે ...”

“ તમે આમને કેમ રોકતાં નથી ? ”

“ એ લોકો એમનું પેટ ભરી રહ્યાં છે , કોઈને મારતા તો નથીને ...! અને તેં ય ઘણાને માર્યા , ત્યારે અમે તને રોક્યો ? ”

“ પણ મને ય ભુખ લાગી છે , મને ય ખાવું છે ..”

“ હવે તારું શરીર નથી , જેને તારે પુષ્ટ કરવાનું હોય ...છતાય મનની તૃપ્તિ માટે તું એક કામ કરી શકે ,ત્યાં જઈને તારા ગમતાં આહારને સુંઘી આવ ...”

રાઘવ એ ટોળાની વચ્ચે ગયો , ફાફડાની ડીશ પાસે એકદમ નજીક જઈને સુંઘતો રહ્યો ....અહાહા...મોજ પડી ગઈ , ખાધા જેવો જ આનંદ થયો ...બાજુ માં પરેશના કપમાં પડેલી ચાયને પણ સુંઘતો રહ્યો ..વાહ તાજ ...શું ઈલાયચી ફ્લેવર છે ..?

“ બહુ થયું હવે ...ચાલ અમારી સાથે ...મોડું થાય છે ...”

નહી મને તો આમ જ મજા પડી રહી છે , હીના સાથે રહેવાનું , ચાયની ને ફાફડાની મજા માણવાની ....એક અલગ જ મજા છે આ બધી ...!

- અમીષા રાવલ

--------------------------------------------------------------------

શું રાઘવ બંને પ્રકાશપૂંજ સાથે સ્પીરીટ વર્લ્ડમાં જવાં તેયાર થશે ? કોઈનું નહી સાંભળનાર રાઘવ બંને પ્રકાશપૂંજ ની વાત માનશે ખરો ? જો એ નહી જાય તો ...?

આગળ વાંચતા રહો અને તમારા દરેક પ્રશ્નોનાં જવાબ મેળવતાં રહો ...

આપ સૌનાં પ્રેમભર્યા પ્રતિભાવ બદલ ખુબ આભાર ...