આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં રેમન્ડોનો વિજય..
રેમન્ડો અને અમ્બુરા ટુમ્બીયા પર્વત તરફ સુતર્બ નામની જડીબુટ્ટી લેવા ગયા..
________________________________________
"રેમન્ડો..' કોણ હશે..? રેમન્ડો નામ સાંભળતાની સાથે જ આજુબાજુની જનમેદનીમાં સોપો પડી ગયો. ફક્ત જાતર્ક કબીલાના લોકો જે બાજુએ બેઠા હતા એ તરફથી રેમન્ડો.. રેમન્ડોના અવાજો આવવા લાગ્યા.
આ જોઈને અમ્બુરાનું મોં વિલાઈ ગયું.
"યુવાન કોણ છે.. તું..? વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પોતાના આસન ઉપરથી ઉભો થતાં બોલ્યો. અને પોતાને અમ્બુરાની તલવારના ઘા થી બચાવનાર પ્રભાવશાળી યુવાન તરફ વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો.
"આપાજી હું જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુનો પુત્ર રેમન્ડો છું.. અને અહીંયા આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવા માટે આવ્યો છું..' રેમન્ડો કમ્બુલા સામે જોઈને વિનમ્રતાથી બોલ્યો.
કમ્બુલા વેલ્જીરિયા પ્રદેશના બધા જ કબીલાનો મુખીયો હતો એટલે એને બધા 'આપાજી' ના હુલામણા નામથી બોલાવતા.
રેમન્ડોએ કમ્બુલાને આટલા આદરથી કહ્યું એટલે કમ્બુલા રેમન્ડો ઉપર ખુશ થઈ ગયો.
"પણ બેટા દ્વંદ્વયુદ્ધ તો પુરુ થઈ ગયું છે. અને વિજેતા પણ ઘોષિત થઈ ગયો છે. તું થોડાંક સમય માટે લેટ થઈ ગયો..' કમ્બુલાએ નિરાશ સ્વરે રેમન્ડો તરફ જોઈને કહ્યું.
"પણ.. આપાજી અમારા કબીલા તફથી કોઈએ આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લીધો નથી અને હજુ વિજેતાને સેનાપતિનો તાઝ પણ અપાયો નથી..એટલે આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવાનો મને પુરો અધિકાર છે..' રેમન્ડો પોતાની વાત સાથે અડગ રહેતા કમ્બુલા તરફ જોઈને બોલ્યો.
"હા..પિતાજી હજુ વિજેતાને સેનાપતિનો તાઝ અપાયો નથી. એટલે એમને પુરે પુરો અધિકાર છે દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવાનો..' શાર્વી એના પિતા તરફ જોઈને બોલી.
કમ્બુલા ઉભો થયો અને એણે બ્યુગલ વગાડનારને પાસે બોલાવ્યો અને પછી એના કાનમાં કંઈક કહ્યું. પછી બ્યુગલ વગાડનારે જનમેદની તરફ ફરીને જોરથી બ્યુગલ વગાડ્યું. વિજયઘોષણા પછી ફરીથી બ્યુગલ વાગ્યું એટલે બધા લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. શું ફરીથી કોઈ નવી ઘોષણા થશે..? કે પછી અમ્બુરાએ મુખિયા કમ્બુલા સાથે જે વર્તન કર્યું એ માટે અમ્બુરાને સેનાપતિ પદ ઉપરથી બરતરફ કરવામાં આવશે.? આવા પ્રકારના પ્રશ્નો લોકોના મનમાં ઉદ્દભવવા લાગ્યા.
ત્યાં ફરીથી બ્યુગલ વાગ્યું. અને બધાનું ધ્યાન બ્યુગલ વગાડનારની ઉપર કેન્દ્રિત થયું.
"સૌ લોકો ધ્યાનથી સાંભળે.. દ્વંદ્વયુદ્ધ હજુ સમાપ્ત નથી થયું. જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુનો પુત્ર રેમન્ડોએ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા જાહેર કરી છે.. એટલે ફરીથી દ્વંદ્વયુદ્ધ શરૂ કરવામાં આવે છે.. જો રેમન્ડો આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં જીતશે. એ પછી રેમન્ડો અને અમ્બુરા સેનાપતિ તરીકે પોતાને શ્રેષ્ઠ બતાવવા માટે વેલ્જીરિયા પ્રાંતના ડાબી તરફ આવેલી ટુમ્બીયા પર્વતની ગુફામાં થતી સુતર્બ નામની જડીબુટ્ટી લાવવાની રહેશે. બે માંથી કાલ સવાર સુધીમાં સુતર્બ જડીબુટ્ટી લઈને જે પહેલો આવશે એને વેલ્જીરિયા પ્રાંતનો સેનાપતિ બનાવવામાં આવશે. તો હવે શરૂ થાય છે રેમન્ડો અને આખલા વચ્ચે દ્વંદ્વયુદ્ધ..' બ્યુગલ વગાડનારે પોતાની ઘોષણા પુરી કરીને બ્યુગલને એક બાજુ મૂક્યું.
ઘોષણા સાંભળીને જનમેદનીમાં ફરીથી ગણગણાટ શરૂ થઈ ગયો. બીજા અલમસ્ત આખલાને મેદાનમાં ઉતારવામાં આવ્યો. રેમન્ડો પણ તૈયાર થઈને પુરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યો. રેમન્ડો જેવો મેદાનમાં ઉતર્યો કે તરત જ જાતર્ક કબીલાના લોકો તરફથી રેમન્ડો રેમન્ડોના અવાજો આવવા લાગ્યા. તો બીજી તરફ વેંજીર કબીલાના લોકો રેમન્ડોને કાયર કહીને એની મજાક ઉડાવવા લાગ્યા. પણ રેમન્ડોએ આ બધી વસ્તુઓ તફથી પોતાનું ધ્યાન હટાવી દીધું.
ચાર-પાંચ હટ્ટા કટ્ટા માણસો આખલાને મજબૂત જાડા દોરડા વડે પકડીને ઉભા હતા. ફરીથી દ્વંદ્વયુદ્ધ શરૂ થવાનું બ્યુગલ વાગ્યું એટલે એમણે આખલાને રેમન્ડો જે તરફ ઉભો હતો એ તરફ છુટ્ટો મુક્યો.
આખલો પોતાના નસકોરા બોલાવતો પુરી ઝડપે રેમન્ડો તરફ આવવા લાગ્યો. જેવો આખલો નજીક આવ્યો કે રેમન્ડો ડાબી તરફ ચપળતાથી ખસી ગયો. પણ આ આખલો રેમન્ડો કરતા પણ હોશિયાર નીકળ્યો. રેમન્ડોની પાછળ આખલો પણ ડાબી તરફ વળ્યો અને એક જ ઝાટકે રેમન્ડોને દૂર ફેંક્યો.
આ જોઈને બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. શાર્વી તો પોતાના આસન પરથી ઉભી થઈ ગઈ. શાર્વીના મોંઢા પરથી તો ચમક જ ગાયબ થઈ ગઈ આ જોઈને એનાથી થોડેક દૂર ઉભેલા અમ્બુરાના મુખ ઉપર શેતાની હાસ્ય ફરકી ગયું. લોકોમાં પાછો ગણગણાટ શરૂ થઈ ગયો. જાતર્ક કબીલાના લોકોનું મોઢું ઉતરી ગયું. વેંજીર , મેરાઉ અને ઝાબુર કબીલાના લોકો તો રેમન્ડોની આ દશા જોઈને જોર જોરથી હસવા લાગ્યા.
આખલાએ પોતાની સમગ્ર તાકાત અજમાવીને પોતાના બે શિંગડાઓ વડે રેમન્ડોને ઉછાળીને દૂર ફેંક્યો હતો. અને રેમન્ડોમાં તો આ જોરદાર ઝાટકાથી ઉભી થવાની પણ હાલત બચી નહોતી. પણ નીચે પડ્યા પડ્યા એનું ધ્યાન પોતાના કબીલાના લોકો તરફ ગયું. એના કબીલાના લોકોના મોંઢા ઉતરેલા હતા પણ એમના મોંઢા ઉપર રેમન્ડો જીતશે એવી આશા હજુ પણ જીવંત હતી.
રેમન્ડોએ પોતાના સ્નાયુબદ્ધ શરીરને તાકાત અજમાવીને કડક કર્યું પછી તાકાતથી ઉભો થયો અને ગુસ્સાભરી નજરે આખલાને તાકી રહ્યો. ફરીથી રેમન્ડોને ઉભો થયેલો જોઈને આખલાના નસકોરા બોલવા લાગ્યા. અને આખલાએ રોષે ભરાઈને ફરીથી રેમન્ડોની સામે દોટ મૂકી.
પણ આ વખતે ઘાયલ હોવા છતાં રેમન્ડો સાવધ હતો એ ધીમેથી થોડોક પાછળ ખસ્યો. આખલાને એમ થયું કે રેમન્ડો એના ડરથી પાછળ ખસી રહ્યો છે એટલે રેમન્ડોને મારી નાખવા માટે અખલાએ પુરી તાકાત લગાવીને દોટ મૂકી. આ વખતે રેમન્ડો તરફ આખલો એટલી ઝડપે આવી રહ્યો હતો કે ધૂળની ડમરીઓ ઉડવા લાગી. આ જોઈને બધા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. શાર્વીના મોંઢા ઉપર ચિંતાની રેખાઓ ગાઢ બનવા લાગી. કમ્બુલા પણ પોતાના આસન ઉપરથી ઉભો થઈને આ ખતરનાક ખેલ જોવા લાગ્યો.
રેમન્ડોએ ધીમેથી પાછળ ખસી અને નીચે પડેલો એક અણીદાર પથ્થર ઉઠાવ્યો. જેવો આખલો પાસે આવ્યો કે રેમન્ડોએ ઉપર છલાંગ લગાવી. સૌ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. કારણ કે આવુ દ્રશ્ય એમણે ક્યારેય જોયું નહોતું. આખલો પણ ત્યાં જ થંભી ગયો કારણ કે એની આગળ જે માણસ હતો એ અચાનક ગાયબ થઈ ગયો.
રેમન્ડોએ ઉપર છલાંગ લગાવી. એનું શરીર હવામાં આખલા ના શરીર કરતા બમણી ઊંચાઈએ ઉછળ્યું અને રેમન્ડો ધબ અવાજ સાથે આખલાની પીઠ ઉપર ચડી બેઠો. અને જેવો એ આખલાની પીઠ બેઠો કે તરત જ એણે પુરી તાકાત એકઠી કરીને આખલાના માથામાં એના હાથમાં રહેલો અણીદાર પથ્થર ઘુસાડી દીધો. અને આખલો મોટી રાડ પાડીને જમીન ઉપર ઢળી પડ્યો. રેમન્ડો આખલાના શરીર ઉપરથી છલાંગ લગાવીને મેદાનની એક બાજુ ઉભો રહ્યો.
આ જોઈને શાર્વી પોતાના આસન ઉપરથી ઉભી થઈ ગઈ એના ચહેરા ઉપરની ગાયબ થયેલી ચમક પાછી આવી ગઈ. બધા લોકો તો નવાઈમાં જ ડૂબી ગયા કારણ કે રેમન્ડોએ ઘડીના છઠ્ઠા ભાગમાં આખલાને પરાસ્ત કરી નાખ્યો હતો.
જાતર્ક કબીલાના લોકો તો રેમન્ડો આખલા સામે જીત્યો એટલે ખુશીથી નાચવા લાગ્યા. પછી રેમન્ડો પહેલા પોતાના પિતા અને જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુ પાસે ગયો અને પિતા-પુત્ર હેતથી ભેંટી પડ્યા.
ત્યાં બ્યુગલ વાગ્યું. બધા લોકોનું ધ્યાન બ્યુગલ વગાડનાર તરફ ગયું.
"સૌ લોકો ધ્યાનથી સાંભળો હવે અમ્બુરા અને રેમન્ડો ટુમ્બીયા પર્વતની ગુફામાં સુતર્બ જડીબુટ્ટી લેવા જશે. આવતીકાલે સવારે જે જડીબુટ્ટી લઈને વહેલો પરત ફરશે એને વેલ્જીરિયા પ્રદેશનો સેનાપતિ બનાવવામાં આવશે. આજે બાકીના લોકો પોત પોતાના કબીલાઓમાં જઈ શકે છે.. કાલે સવારે વહેલા બધાએ સેનાપતિ કોણ બનશે એ જાણવા માટે અહીંયા આવી જવું..' આટલું કહીને બ્યુગલ વગાડનારે પોતાની ઘોષણા પુરી કરી.
રેમન્ડો અને અમ્બુરાએ પોત પોતાના ખચ્ચર ઉપર બેસીને સુતર્બ જડીબુટ્ટી લેવા માટે ટુમ્બીયા પર્વત તરફ પ્રસ્થાન કર્યું. અને જનમેદની પણ ધીમે ધીમે પોત પોતાના કબીલા તરફ જવા લાગી. શાર્વી ખચ્ચર ઉપર બેસીને જઈ રહેલા રેમન્ડોની પીઠને પાછળથી તાકી રહી.
(ક્રમશ)