પ્રતિશોધ દ્વિતીય અંક: - 8 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 8

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-8

200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન

અંબિકા નામક એક જોબનવંતી યુવતીના રૂપથી મોહિત વિક્રમસિંહ એનો બિલ્લીપગે પીછો કરી રહ્યા હતાં. આખરે અંબિકા તલવાર લઈને આટલી મોડી રાતે ક્યાં જઈ રહી હતી એ જાણવાની ભારે ઉત્સુકતા સાથે માધવપુરનાં રાજવી વિક્રમસિંહ પૂરી સાવચેતી સાથે, ચોરની માફક છૂપતા-છૂપાવતા અંબિકાની પાછળ જઈ રહ્યા હતાં.

આખરે અંબિકા મેળાની નજીક આવેલા એક ખુલ્લા મેદાની ભાગમાં આવી પહોંચી, જ્યાં મનુષ્યનું કોઈ નામોનિશાન નહોતું. આ એ જ સ્થળ હતું જ્યાં પુષ્કર મેળાની જાણીતી એવી તલવારબાજીની સ્પર્ધાનું આયોજન થવાનું હતું.

અહીં પહોંચીને અંબિકાએ ચારેતરફ નજર ઘુમાવીને એ ચકાસી જોયું કે કોઈ એનો પીછો તો નથી કરી રહ્યું ને! અંબિકાએ જેવી નજર વિક્રમસિંહ તરફ ઘુમાવી એ જ સમયે વિક્રમસિંહે રેતીના ઢૂંવા પર ચત્તા સુઈ જઈને પોતાને અંબિકાની નજરોમાં આવવાથી રોકી લીધા.

રેતીનાં એ ઢૂંવા નજીક છુપાઈને વિક્રમસિંહે અંબિકાની હરકત પર નજર રાખવાનું શરૂ કર્યું. અંબિકાએ મ્યાનમાંથી તલવાર નીકાળી મ્યાનને જમીન પર મૂકી, અને તલવારને કપાળે લગાવી પોતાના હાથમાં રહેલા શસ્ત્રને ક્ષત્રિયની માફક આદર આપ્યો.

બીજી જ ક્ષણે અંબિકાએ તલવારને પોતાના જમણા હાથમાં મજબૂતાઈથી પકડી અને ખૂબ જ કાબીલ યોદ્ધાની માફક તલવારને વીંઝવાનું શરૂ કર્યું. જે કુનેહ અને કરતબથી અંબિકા હાથમાં મોજુદ તલવાર ઘુમાવી રહી હતી એ જોઈ વિક્રમસિંહની આંખો ચાર થઈ ગયો. વર્ષોની આકરી તાલીમ બાદ જે પ્રકારની તલવારબાજીમાં પારંગત થવાય એટલી પારંગત અંબિકા જણાઈ રહી હતી.

આજ પહેલા વિક્રમસિંહે કોઈ સ્ત્રીને આટલી કુશળતાથી તલવાર ચલાવતા જોઈ નહોતી, એટલે આશ્ચર્યચકિત બની તેઓ અંબિકાની આ તલવારબાજી નિહાળી રહ્યાં હતાં.

લગભગ દોઢેક કલાક જેટલી તલવારબાજી બાદ અંબિકાએ પોતાની તલવારબાજીને વિરામ આપ્યો. તલવારને મ્યાનમાં મૂકી અંબિકા પુનઃ પોતાની હાટડી તરફ ચાલતી થઈ. પોતે અંબિકાની નજરોમાં ના આવે એ રીતે વિક્રમસિંહ ત્યાંથી નીકળીને અંબિકાની હાટડી નજીક આવીને છુપાઈ ગયાં.

અંબિકા બિલ્લીપગે જ્યાંસુધી પોતાની હાટડીમાં પ્રવેશી ત્યાંસુધી વિક્રમસિંહ એની તરફ ધ્યાન રાખી રહ્યા. સવારનો સમય થવા આવ્યો હતો, ધીરે-ધીરે પ્રાતઃઆરતી માટે લોકો મંદિર તરફ જવા અગ્રેસર થશે એ જાણતા વિક્રમસિંહે પણ સ્નાનાગૃહ તરફ ચાલતી પકડી.

અંબિકાની આ હરકત બાદ વિક્રમસિંહ માટે એનું પાત્ર વધુ ને વધુ રહસ્યમય બની ગયું હતું. એક ગરીબ લુહારની દીકરી જનસેવાનો ગુણ તો ધરાવતી જ હતી પણ સાથે આટલી ઉત્તમ રીતે તલવારબાજી કરતી હતી એ વિક્રમસિંહ માટે ભારે નવાઈની વાત હતી. આખરે અંબિકાના મનમાં શું ચાલી રહ્યું હતું એ પ્રશ્નનો ઉત્તર એની જોડે પોતે મેળવીને જ રહેશે એવી મનોમન ગાંઠ વાળી, સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી વિક્રમસિંહ આરતી માટે મંદિર ભણી ચાલી નીકળ્યા.

આરતી માટે મંદિર પરાશર નજીક એકઠાં થયેલા ટોળામાં અંબિકાને જોઈ વિક્રમસિંહ ગેલમાં આવી ગયાં. કાલે સંધ્યા આરતી વખતે જે રીતે અંબિકા સાથેની પ્રથમ મુલાકાત બાદ જે રીતે અંબિકા વિક્રમસિંહને શોધી રહી હતી એ પછી તો વિક્રમસિંહ જાણી ગયાં હતાં કે પોતાની ઉપર નજર પડતા જ અંબિકા એમની સાથે વાત કરવાની કોશિશ અવશ્ય કરશે.

વિક્રમસિંહની ગણતરી ત્યારે સાચી પડી જ્યારે એમની ઉપર નજર પડતા જ સંધ્યા આરતી બાદ અંબિકા એમની સમીપ આવી. અંબિકાને પોતાની તરફ આવતી જોઈ વિક્રમસિંહ જાણીજોઈને ત્યાંથી ચાલવા લાગ્યા.

"સાંભળો છો..!" વિક્રમસિંહને અવાજ આપતા અંબિકાએ કહ્યું. "હા હું તમને જ કહું છું." વિક્રમસિંહને ચહેરો ઘુમાવી અંબિકાની તરફ જોયું.

"બોલો." પોતાના મનની લાગણીઓને મનમાં જ ધરબી રાખી વિક્રમસિંહ બોલ્યાં.

"કાલના મારા વર્તન માટે હું દિલગીર છું." અંબિકાએ કહ્યું. "તમે મારી સમક્ષ ગઈકાલે જે રીતે માનવતાની વાત કરી રહ્યા હતાં એ પરથી લાગે છે તમે પણ મારી માફક જરૂરતમંદ લોકોની સેવામાં માનો છો."

"આપે સાચું કહ્યું." વિવેકપૂર્વક વિક્રમસિંહ બોલ્યા. "હું માનું છું કે ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો દિનદુખિયા અને જરૂરતમંદ લોકોની સેવા થકી જ પાર કરી શકાય છે."

"મારું નામ અંબિકા છે..!" પોતાનો પરિચય આપ્યા બાદ અંબિકાએ પૂછ્યું. "અને તમારું?"

"વિક્રમસિંહ.."

"ક્યાંથી આવો છો?"

"માધવપુર. અને તમે?"

"જેસલમેર. અમારી અહીં લોખંડનાં ઓજારોની દુકાન છે." અંબિકાએ કહ્યું. "અને તમે ખાલી મેળો જોવા આવ્યા હોય એવું લાગે છે?"

"હા, મેં સાંભળ્યું હતું કે આ મેળામાં ખૂબ સારી રોનક હોય છે." વિક્રમસિંહે કહ્યું. "એટલે અહીં આવી પહોંચ્યો."

"આવીને શું લાગ્યું.?" અંબિકાના સવાલ ચાલુ જ હતાં.

"મતલબ?"

"મતલબ એમ કે તમને આ મેળાની રોનક કેવી લાગી?"

"જેટલી ધારી હતી એનાંથી ક્યાંય વધુ..!" આ બોલતી વખતે વિક્રમસિંહનું ધ્યાન પોતાની લટને કાન પાછળ સેરવતી અંબિકા પર કેન્દ્રિત હતું.

"તમે અહીં મેળામાં મળતી રબડી પીધી?"

"ના."

"અરે તો પછી તમે હજુ મેળાની ખરી મજા લીધી જ નથી."

"સાચું કહું તો મેં મેળામાં હજુ વધુ કંઈ જોયું જ નથી..અને કંઈ ખાધું-પીધું પણ નથી."

"ખરા માણસ છો તમે પણ.! મેળામાં આવ્યા અને હજુ ખરી મજા લીધી જ નથી." આટલું કહી અંબિકા થોડો સમય કંઈક વિચારતી હોય એમ ઊભી રહી અને પછી કંઈક યાદ આવતા જ બોલી." બે ઘડી બાદ તમે મને ચકડોળ જોડે મળજો..હું તમને મેળો ઘુમાવીશ."

વિક્રમસિંહ આ સાંભળી મનોમન એટલા ખુશ થયાં કે શું પ્રત્યુત્તર આપવો એની જ એમને સમજણ નહોતી પડી રહી..એમને ફક્ત હકારમાં ગરદન હલાવી અને સસ્મિત અંબિકાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. વિક્રમસિંહને બે કલાક બાદ મેળામાં આવેલા ચકડોળ જોડે આવી જવાનું પુનઃ જણાવી અંબિકા પોતાની હાટડી તરફ અગ્રેસર થઈ.

અહીં મેળામાં આવવાનો પોતાનો સાચો મકસદ આખરે પૂરો થઈ ગયો હતો એ વિચારી વિક્રમસિંહ મનોમન ઝૂમી રહ્યા હતાં. અંબિકાએ સામે ચાલીને જે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો એને પોતે પકડી તો લીધો હતો પણ આ મિત્રતાને પ્રેમનું સ્વરૂપ કેમ આપવું એ વિચારવામાં બે કલાક ક્યાં વીતી ગયાં એની વિક્રમસિંહને ખબર જ ના રહી.

બે કલાક બાદ તેઓ મેળામાં આવેલા ચકડોળ જોડે આવી ગયા, ત્રણ લોકો હાથ વડે ધક્કો મારી ચકડોળને ફેરવી રહ્યાં હતાં અને એમાં બેસેલાં લોકો મોજની ચિચિયારીઓ પાડી રહ્યા હતાં. વિક્રમસિંહના ત્યાં પહોંચ્યાનાં દસેક મિનિટમાં તો અંબિકા ત્યાં આવી પહોંચી. સવારે જ્યારે અંબિકા વિક્રમસિંહને મળી ત્યારે એ સાદગીમાં સજ્જ હતી પણ અત્યારે એ મેળામાં આવેલી અન્ય યુવતીઓની માફક પોતાની જાતને સજાવી-શણગારીને આવી હતી.

"ચલો, મારી સાથે." વિક્રમસિંહની નજીક પહોંચી અંબિકા બોલી અને ત્યાંથી જાદુના અને મદારીના ખેલ ચાલતા હતાં એ તરફ ચાલી નીકળી. વિક્રમસિંહ યંત્રવત એની પાછળ-પાછળ અગ્રેસર થયાં. માધવપુર જેવા સમૃદ્ધ રાજ્યનો રાજા એક લુહારની છોકરીની પાછળ-પાછળ જઈ રહ્યાં હતાં એ આમ જોઈએ તો ખરેખર અચંબિત કરનારું હતું.

અંબિકા વિક્રમસિંહને પહેલા જાદુનો ખેલ જોવા લઈ ગઈ અને પછી મદારીનો. ત્યારબાદ એ લોકો ચકડોળમાં પણ બેઠા. ચકડોળ જ્યારે ઉપર જતું ત્યારે અંબિકા ડરથી વિક્રમસિંહનો હાથ કસકસાવીને પકડી લેતી, આ ક્ષણને વિક્રમસિંહ હૈયાના એક નક્કી ખૂણે કેદ કરવા માંગતા હતાં.

ચકડોળની મજા લીધાં બાદ એ લોકો નાસ્તા અને પકવાનોની હાટડીઓ તરફ ગયાં. જ્યાં એમને રબડી, જલેબી અને કચોરીનો નાસ્તો કર્યો. અંબિકા વિક્રમસિંહને આ દરમિયાન આદેશ આપતી અને પોતાના કહ્યાં મુજબ વર્તવા કહેતી. પોતે એક રાજા હોવા છતાં વિક્રમસિંહ સહજ બની અંબિકાના કહ્યા મુજબ વર્તી રહ્યા હતાં.

મેળામાં ખૂબ મોજમજા કરી લીધાં બાદ વિક્રમસિંહે અંબિકાને સુંદર બંગડીઓની ભેટ આપી, જે થોડી આનાકાની બાદ અંબિકાએ સ્વિકારી લીધી. અંબિકાના પોતાની તરફનાં વ્યવહાર પરથી વિક્રમસિંહ સમજી ગયાં હતાં કે અંબિકા મનોમન પોતાને પસંદ કરવા લાગી છે, પણ આ બાબતને વધુ પુખ્ત કરવી જરૂરી હોવાથી વિક્રમસિંહ અંબિકાને લઈ લોકોની ભીડથી દૂર એક શાંત જગ્યાએ આવ્યાં.

"ખૂબ મજા આવી મેળામાં ફરવાની.." વિક્રમસિંહે અંબિકાને ઉદ્દેશીને કહ્યું. "તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સમય નીકાળી મેળામાં ઘુમાવ્યો."

"આ આભારનો ભાર આપણને ના ફાવે." હાથમાં રહેલી શેરડીને દાંત વડે છોલતા અંબિકા બોલી. "આ તો હું આજે મેળામાં ફરવા જવાની હતી તો થયું એકથી ભલા બે."

"એ તો છે..આમ પણ એકલતા બહુ ખરાબ વસ્તુ છે." વિક્રમસિંહ હવે મૂળ મુદ્દા તરફ આગળ વધવા ઈચ્છતા હતાં.

"તમારે મારો આભાર માનવો જ હોય તો મારું એક નાનકડું કામ કરી આપવું પડશે." અંબિકા બોલી.

"બોલોને!"

"ગઈકાલે રાતે તમે જે કંઈપણ જોયું એ વિશે કોઈને કંઈ ના કહેતા."

અંબિકાની આ વાત સાંભળી વિક્રમસિંહને આંચકો લાગ્યો હોય એમ ફાટી આંખે અંબિકા ભણી જોવા લાગ્યાં. અંબિકાને માલુમ હતું કે પોતાનો પીછો થઈ રહ્યો હતો? તો શું એટલે જ અંબિકા પોતાને મેળો ઘુમાવવા લઈ આવી હતી? અંબિકાને પોતાની તરફ આકર્ષણ નહીં પણ ખાલી વાત છુપાવવા માટેનું આ પગલું હતું?

આવા અનેક પ્રશ્નોનાં ઉત્તર જાણવાની ઈચ્છા સાથે વિક્રમસિંહ પ્રશ્નસૂચક નજરે અંબિકા તરફ એકધાર્યું જોવા લાગ્યા.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)