breakup - beginnig of self love - 14 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 14

વિજય કોલેજના કામથી શનિવારે જામનગર આવવાનો હતો તેથી શ્રેયાએ વાણીને શનિવારે વિજયને મળવા કહ્યું હતું. વિજય શુક્રવારે જ અમદાવાદથી ઘરે આવી ગયો હતો. વિજય બીજા દિવસે સમયસર કોલેજ પહોંચી ગયો અને કોલેજનું કામ પૂરું કરી અગિયાર વાગ્યે કોલેજમાંથી બહાર નીકળી ગયો. સવારે વિજય ઘરેથી જ્યારે કોલેજ જવા માટે નીકળતો હતો ત્યારે જ વાણીએ મેસેજ કર્યો હતો કે તે તેને બાર વાગ્યે લાખોટા તળાવ પર મળશે તેથી તે કોલેજથી સીધો સ્ટેશન ગયો અને સંજયને કોલ કરી તેને સ્ટેશન બોલાવી લીધો. થોડીવાર પછી સંજય આવ્યો એટલે બંને મિત્રો લાખોટા તળાવ ગયા અને શ્રેયા અને વાણીની રાહ જોવા લાગ્યા. શ્રેયા અને વાણી બંને સાથે જ કોલેજ કરતી હતી તેથી દરેક જગ્યાએ હંમેશાં સાથે જતી. વિજય અને સંજય લાખોટા તળાવની પાર્કિંગમાં શ્રેયા અને વાણીની રાહ જોઈ રહ્યા હતા. વિજયથી રહેવાતુ ન હતું એટલે તે દર દસ મિનીટે વાણીને કોલ કરી પૂછ્યા કરતો કે તે ક્યારે પહોંચશે. બાર વાગ્યા એટલે વિજયની રાહ જોવાની ઘડી પૂરી થઇ. વાણી અને શ્રેયા બંને તેને પાર્કિંગ ગેટથી તેમની તરફ આવતા દેખાયા. ચારેય ટીકીટ લઇ અંદર ગયા અને ચાલતા ચાલતા બેસવા માટે જગ્યા શોધવા લાગ્યા. આગળ જતા બે બાંકડા ખાલી દેખાતા એકમાં સંજય શ્રેયા સાથે બેસી ગયો અને વિજયને વાણી સાથે બીજા બાંકડામાં બેસી જવા કહ્યું. વિજય સંજયના કહેવા પ્રમાણે વાણી સાથે બાંકડામાં બેસી ગયો. વિજય નર્વસ હતો. તેને સમજાતુ ન હતુ કે તે વાણી સાથે કઈ રીતે વાત કરે અને કઈ વાતથી વાત શરૂ કરે કારણ કે કોલમાં વાત કરવી અને રૂબરૂ એ વ્યક્તિ સાથે વાત કરવી જેને તમે પહેલી વખત મળી રહ્યા છો એ બંને અલગ બાબત છે. થોડીવાર બંને ચુપ રહ્યા પછી વિજય વાત શરૂ કરતા બોલ્યો,

“તમે તો અહીં ઘણી વખત આવી ગયા હશો. બરાબરને?”

“શું? એટલે તુ કહેવા શું માંગે છે?” વાણીને લાગ્યું કે વિજય બીજા અર્થમાં પૂછી રહ્યો છે.

“આઈમીન તમે અહીં જામનગરમાં જ રહો છો તો અહીં ઘણી વખત આવ્યા હશો.”

“ઓહ. હા ઘણી વખત. જ્યારે મન થાય ત્યારે આવી જાવ છું. ફ્રેન્ડ્સ સાથે હોય એટલે અહીં જ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ.”

“હું આ જગ્યા પર ત્રીજી વખત આવી રહ્યો છું. પહેલી વખત મારા ફ્રેન્ડ નીક સાથે આવ્યો હતો. અને પછી...” વિજય ચુપ થઇ ગયો.

“અને પછી?”

“અને પછી નિશુ સાથે આવ્યો હતો. જ્યારે હું તેની સાથે અહીં આવ્યો ત્યારે હું લાઈફમાં પહેલી વખત કોઈ છોકરીને આ રીતે મળી રહ્યો હતો. અમે આગળ બગીચો છે ત્યાં બેઠા હતા.”

“હમ્મ.”

“આજ લાઈફમાં બીજી વખત કોઈ છોકરીને મળી રહ્યો છું. બધું જ સેમ છે. જ્યારે નિશુને મળ્યો ત્યારે પણ શનિવાર જ હતો. મેં આજે પહેર્યા છે એ જ કપડા એ દિવસે પહેર્યા હતા. જગ્યા પણ એ જ છે જ્યાં અમે પહેલી વખત એકબીજાની નજીક બેઠા હતા. ફર્ક માત્ર એટલો જ છે કે આજ મારા હાથમાં નિશુએ આપેલી ઘડિયાળ છે અને હું કોઈ બીજી વ્યક્તિ સાથે બેઠો છું.”

“વિજય... તુ ઠીક છેને?” વાણીએ વિજયના ખભા પર હાથ રાખતા કહ્યું.

“હા. વાણી હું ઠીક છું. સોરી થોડો ઈમોશનલ થઇ ગયો હતો.”

“ઇટ્સ ઓકે.”

“વાણી સાચું કહું તો મને શહેરમાં જવું ગમતું જ નથી. મને જામનગર આવવું ગમતુ જ ન હતુ. નફરત હતી મને.”

“પણ એવું કેમ?”

“મને હંમેશાં ડર લાગતો. હું હંમેશાં ડરતો કે હું આ શહેરમાં ક્યાંક ગુમ ન થઇ જાવ. હંમેશાં વિચારતો કે અહીં માણસો કેવા હશે? કેવી રીતે રહેતા હશે? બીજી જગ્યાએથી આવતા લોકોને કેવી નજરથી જોતા હશે વગેરે. જ્યારે નિશુ લાઈફમાં આવી ત્યારે ખબર નહિ કેમ પણ મને આ શહેર સાથે પ્રેમ થઇ ગયો. મારા મનના જે કાલ્પનિક ડર હતા એ બધા જ દૂર થઇ ગયા. હવે મને લાગે છે કે મને જામનગર સાથે પ્રેમ હતો જ બસ તેને ફિલ કરવા માટે એક કારણ જોઈતું હતુ અને એ કારણ નિશા બની...”

“હમ્મ.”

“વાણી. મારી લવ સ્ટોરી સાંભળશો?”

“હા હા કેમ નહી?”

“સાંભળીને હસવું આવશે કારણ કે થોડી ફિલ્મી છે.” વિજયે હસીને કહ્યું.

“એમ! મને સાંભળવી ગમશે.”

“જ્યારે હું એચ.એસ.સીમાં હતો ત્યારે એક છોકરીએ મને રીજેક્ટ કર્યો હતો. એમ તો એ પહેલા પણ ઘણી વખત રીજેક્ટ થયો છું. જ્યારે રીજેક્ટ થતો ત્યારે ખૂબ ઉદાસ રહેતો. મને ઉદાસ જોઈ નીક જ્યારે મારી ઉદાસીનું કારણ પૂછતો ત્યારે હું તેને સાચે સાચું કહી દેતો અને એમ પણ કહેતો કે મારામાં જ કંઇક ખામી છે એટલે જ હું રીજેક્ટ થાવ છું. કાશ ભગવાને મને સારો લુક આપ્યો હોત તો મારી પણ એક જી.એફ. હોત. જ્યારે નીક આવી વાતો સાંભળતો ત્યારે ખૂબ ગુસ્સે થઇ જતો અને કહેતો કે મારા વિચાર ખૂબ નેગેટીવ છે. હું અત્યાર સુધી કોઈને પસંદ ન આવ્યો તેનો અર્થ એવો નથી કે મારામાં કોઈ ખામી છે અને મને કોઈ પસંદ નહિ કરે. તેણે જ મને કીધું હતું કે જો હું જામનગર કોલેજ કરું તો હું વધારે સમય સિંગલ નહિ રહું. શહેરની મોટી ભીડમાં કોઈક તો મળી જ જશે જે મારો હાથ પકડશે. જો કોલેજ આવ્યા પછી પણ હું સિંગલ રહું તો નીક જાતે પ્રયત્નો કરી મારી લાઇફમાં કોઈ વ્યક્તિને લઇ આવશે. કોલેજ આવ્યા પછી પણ હું સિંગલ હતો એટલે નીકે નિશાને એ કામ સોંપ્યું હતું કે તે તેની કોઈ ફ્રેન્ડને મારી લાઈફમાં લઇ આવે. આજે જ્યારે એ દિવસ યાદ કરું છું ત્યારે ખૂબ હસવું આવે છે. એ દિવસે જ્યારે નિશાએ નીકને મને બતાવવા કીધું ત્યારે નીકે એક સેલ્સમેન જેમ વસ્તુ બતાવે એમ મને નિશા સામે ઉભો રાખ્યો હતો.” વિજય હસવા લાગ્યો.

“કેવું વિચિત્ર ફિલ થતુ હશે એ દિવસે!” વાણી પણ હસવા લાગી.

“હા. ઘણું વિચિત્ર.”

“તો પછી નિશાએ કોઈ છોકરી બતાવી?”

“ના. તેણે અઠવાડિયા જેટલો ટાઈમ લીધો પણ કોઈ રીઝલ્ટ ન આપ્યું અને હું કંટાળી ગયો. મેં નીકને કીધું કે નિશા મને સિંગલ જ મારશે. એ સાંભળી નીકે મને કીધું કે વાંક મારો છે. જ્યારે નિશા સાથે તેની કોઈ ફ્રેન્ડ હોય તો મારે નિશાને વાત કરવી જોઈએ કે મને તેની ફ્રેન્ડ ગમે છે. મેં પણ કહી દીધું કે તેની કોઈ ફ્રેન્ડ મને પસંદ નથી આવી. એક કામ કર નિશાને જ કહી દે કે એ મને પસંદ છે. નીક મારી વાત સાંભળી ખુશ થઇ ગયો અને બીજા જ દિવસે મારી લાઈફમાં નિશુ આવી ગઈ. તેના બે દિવસ પછી અમે આ જગ્યાએ આવ્યા હતા. લાઈફમાં પહેલી વખત કોઈ છોકરીની નજીક બેઠો હતો જે મને પસંદ હતી. ઘણો ખુશ હતો. તેની સાથે ઘણી વાતો કરી હતી. મેં તેને સ્પષ્ટ કીધું હતુ કે હું એવો વ્યક્તિ નથી જે આજે તારી સાથે અને કાલે કોઈ બીજી વ્યક્તિ સાથે. હું તારી સાથે લગ્ન કરીશ. તારા પેરેન્ટ્સને એકપણ એવો મોકો નહી આપું કે તે મને રીજેક્ટ કરી શકે. એ માટે હું ઘણી મહેનત કરીશ પણ એ બધું કર્યા પછી જો તારા પેરેન્ટ્સ હું તમારી કાસ્ટનો નથી એ કારણ બતાવીને રીજેક્ટ કરશે તો પછી આપણી વચ્ચેનો સંબંધ ભૂલી જવો જ બેટર રહેશે કારણ કે હું બધું જ તારા માટે બદલી નાખીશ મારો સ્વભાવ, મારી આદતો, મારી પસંદ-નાપસંદ અને મારા ડ્રીમ્સ પણ બે બાબત હું ચાહીશ તોપણ નહિ બદલી શકું એક મારો ચહેરો અને બીજી મારી કાસ્ટ. લગ્નની વાત સાંભળી તે ઘણી ખુશ હતી. તેણે પણ કીધું હતું કે તે મારી સાથે જ મેરેજ કરશે. દરરોજ ચાર કલાક વાતો કરતા. દર શનિવારે હું તેની રાહ જોતો કેમ કે ત્યારે જ હું તેને મળી શકતો. હું તેને બેબી કહેતો. તેને બેબી કહીને બોલાવવું મને ખૂબ ગમતું.”

“તમે બંને એકબીજા સાથે ખુશ હતા તો આજ સાથે કેમ નથી?”

“જન્માષ્ટમી સુધી બધું જ બરાબર ચાલતુ હતુ પણ પછી અમારી વચ્ચેનું અંતર વધી ગયું. તે ઓનલાઈન હોય તોપણ રીપ્લાય નહતી આપતી. મને જોતા તેનુ મૂડ ઓફ થઇ જતુ. એ પછીના શનિવાર પણ મળ્યા વગરના જતા. તેને શનિવારે જ કોઈને કોઈ કામ આવી જતુ. મારા મિત્રો મને કહેતા કે નિશાની લાઈફમાં કોઈ બીજું છે પણ હું માનતો જ નહિ પણ એ સાચા હતા. નિશા મને ખબર ન પડે એમ લકી સાથે રિલેશનશીપમાં હતી. જ્યારે મને ખબર પડી ત્યારે હું લકીને રૂબરૂ મળ્યો અને નિશા સામે અમારા બંનેમાંથી કોઈ એકને ચૂઝ કરવાની ચોઈસ મૂકી. ચોઈસમાં નિશાએ મને ચૂઝ કર્યો હતો.”

“તેણે તને ચૂઝ કર્યો તોપણ તમે સાથે નથી? આ વાત ગળે નથી ઉતરતી.”

“હા. એ દિવસે આ વિજય વિજય થઈને પણ પરાજય થયો હતો. છેલ્લે જ્યારે હું નિશા સાથે હતો ત્યારે મેં લકીને નિશાની વાત સંભળાવવા મેં અમારી વાતો રેકોર્ડ કરી હતી. બીજા દિવસે જ્યારે મેં લકીને એ રેકોર્ડીંગ મોકલ્યું ત્યારે તે એ સાંભળી ગમમાં ચાલ્યો ગયો હતો કેમ કે રેકોર્ડીંગમાં નિશા સ્પષ્ટ બોલી રહી હતી કે તે મેરેજ કરશે તો મારી સાથે જ કરશે. તે લકીને છોડી દેશે. જ્યારે લકીને મેં એ રેકોર્ડીંગ મોકલ્યું હતું ત્યારે હું જીતની લાગણી અનુભવતો હતો. ખુશ થઇ ગયો હતો કે તે અમારી વચ્ચે હવે નહિ આવે. મનમાં બસ એક જ વિચાર વારંવાર આવી રહ્યો હતો કે નિશા બસ મારી છે. બસ મારી.”

“તો પછી એવું શું થયું કે આજ નિશા તારી પાસે નથી?”

“બીજા દિવસે નીકે મને લકીનો એક વીડિયો બતાવ્યો જેમાં લકી કોઈ ગુજરાતી સેડ સોંગ પર એક્ટ કરી રહ્યો હતો. રડી રહ્યો હતો. વીડિયો પૂરો થયો એટલે નીકે મને કીધું કે લકી પણ નિશાને સાચો પ્રેમ કરતો હતો. પહેલા મને નીકની વાતથી ફર્ક ન પડ્યો પણ નીકની વાતે મને વિચારવા પર મજબૂર કરી દીધો હતો. હું આખી રાત આ વાત પર વિચાર કરતો રહ્યો અને ઘણું વિચાર્યા પછી મેં પોતાની જાતને જ કીધું કે વિજય તુ આમ સેલ્ફીસ ન બની શકે. હું નિશાને હંમેશાં ખુશ જોવા માંગતો હતો અને નિશાની ખુશી લકી હતો. મેં બીજા દિવસે નિશાને લકી સાથે વાત કરવા મનાવી. જ્યારે નિશા લકી સાથે વોટ્સેપમાં વાત કરી રહી હતી ત્યારે મેં લકીને કીધું કે તે નિશાને પૂછે કે તેને કોણ જોઈએ છે? લકીએ જ્યારે એમ પૂછ્યું તો નિશાએ જવાબ આપ્યો કે તેને બંને જોઈએ છે. લકીને આ રીતે રહેવામાં પ્રોબ્લેમ ન હતો પણ મને હતો. મેં લકીને કીધું કે એક સાથે બે વ્યક્તિ પોસીબલ નથી. નિશાને બોલ કે ગમે તે એક ચૂઝ કરે. હું ન હતો ચાહતો કે કોઈ નિશાના ચરિત્ર પર સવાલ કરે કે તેના વિશે એમ કહે કે તે બે વ્યક્તિને સાચવી શકે છે તો ત્રીજો પણ સાચવી લેશે. કોઈ નિશાના ચરિત્ર પર સવાલ કરે એ મારાથી સહન ન થાત. જ્યારે લકીએ ગમે તે એકને ચૂઝ કરવા કીધું ત્યારે નિશાએ જવાબ આપ્યો કે તે મને છોડી દેશે. એ પછી હું તેને મનાવું કે તેની નજીક જવાની કોશિશ કરું તેનો કોઈ અર્થ જ ન હતો. બસ પછી... હું લકી અને નિશાની વચ્ચેથી નીકળી ગયો. વાણી અત્યાર સુધી મેં નિશાની રાહ જોઈ. મને વિશ્વાસ હતો કે તે જરૂર આવશે પણ આ છ મહિનામાં તેણે મારી સાથે વાત તો દૂર મને ચહેરો પણ નથી બતાવ્યો. હું તેને એટલો ચાહતો હતો કે કદી લાગ્યું જ નહિ કે તે મારી પાસે જૂઠું બોલે છે. કદી સપનામાં પણ ન હતું વિચાર્યું કે નિશા આમ અચાનક મારી લાઈફમાંથી નીકળી જશે. વાણી આ બધું કહીને હું એ સાબિત કરવા નથી માંગતો કે હું સારો વ્યક્તિ છું. વાણી હું સારો વ્યક્તિ નથી. હું ખૂબ ખરાબ વ્યક્તિ છું. મેં નિશાને ઘણા પ્રોમિસ કર્યા હતા. તેમાંથી એક પ્રોમિસ એ પણ હતો કે હું તેના ગયા પછી મારી લાઈફમાં કોઈ બીજી છોકરીને જગ્યા નહી આપું અને જો આજ હું તારી સાથે બેઠો છું. તો હું કઈ રીતે સારો વ્યક્તિ હોઈ શકું?” વિજયની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

To be continued…..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED