Yog-Viyog - 44 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 44

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૪

શ્રીજી વિલાની સવાર આજે રોજ કરતા જુદી નહોતી.

પોતાના ઓરડામાં સૂતેલાં અજય અને જાનકી, અને તૈયાર થઈ રહેલા અલયને વસુમાનું ભજન સાંભળીને સહેજ નવાઈ લાગી.

બધાએ ધાર્યું હતું કે સૂર્યકાંત જે રીતે આવ્યા અને આટલું રોકાઈને ગયા એ પછી એમના જવાથી વસુમા સહેજ વિચલિત થયાં હશે.

આજની સવાર કદાચ સહેજ જુદી સવાર બનીને ઊગે તો વસુમાને સંભાળી લેવાની માનસિક તૈયારી સાથે જાનકી તૈયાર થઈ રહી હતી. પરંતુ સાડા છના ટકોરે વસુમાના ગળામાંથી સૂરીલું ભજન સાંભળીને શ્રીજી વિલાનો બગીચો ગદગદ થઈ ગયો.

‘‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ?

‘તે જ હું’ ‘તે જહું’ શબ્દ બોલે,

શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે,

અહીંયા કો નથી કૃષ્ણ તોલે.’’

અભય જાગીને પોતાની પથારીમાં બેઠો હતો.

સૂર્યકાંતનું આવીને જવું જાણે એક સ્વપ્નસમું ભાસી રહ્યું હતું. જે પિતાને ઝંખતા આટલાં વર્ષો કાઢી નાખ્યાં એ પિતા અચાનક દરવાજે આવીને ઊભા રહ્યા, અને પાછા પણ ચાલી ગયા.

‘‘કેવી છે નિયતિની રમત?’’ અભય મનોમન વિચારી રહ્યો, ગઈ કાલ સુધીજે પ્રિયાને મળતાં એને કેટલાંય જુઠ્ઠાણાં ચલાવવા પડતાં એ પ્રિયા આજે એની જિંદગીનો ભાગ બનીને આ ઘરમાં સ્વીકારાઈ ચૂકીહતી... અલયની ફિલ્મ જે સાવ જ અશક્ય લાગતી હતી એ શરૂ થઈ ગઈ હતી અને હવે થોડાક જ દિવસોમાં પૂરી થવાની હતી. વૈભવી ધાર્યા કરતાં સાવ જુદી રીતે વર્તી રહી હતી... પરિસ્થિતિએ અજબ વળાંક લીધા હતા અને એ પણ કેટલા ઓછા દિવસોમાં !

વસુમા સૂર્યકાંતના આવવાથી જાણે સાવ જ બદલાઈ ગયાં હતાં! અભયને અચાનક ખ્યાલ આવ્યો. સામાન્ય રીતે ઓફ વ્હાઇટ, બ્રાઉન, મરૂન કે ભૂરા રંગનાં વસ્ત્રો પહેરતાં વસુમા છેલ્લા થોડા દિવસથી સુંંદર અને બ્રાઇટ્‌સ કલર્સ પહેરતાં થયાં હતાં. એમના ચહેરા પર એક અજબ આભા દેખાતી હતી છેલ્લા થોડા દિવસથી...

‘‘શું આ બધું બાપુના આવવાને આભારી હતું ?’’ અભયનું મગજ ચકરાવે ચડી ગયું, ‘‘એક માણસની ગેરહાજરીમાં જીવી ગયેલો આખો પરિવાર એના પાછા ફરવાથી આમ અને આવી રીતે બદલાઈ શકે ?’’ અભય મનોમન ગૂંચવાઈ રહ્યો હતો.

એ જ વખતે નીચેથી વસુમાનો સૂરીલો અવાજ સાંભળાવા લાગ્યો. અભય ઊભો થયો. મોઢું ધોઈને નીચે જવા લાગ્યો, ‘‘ક્યાં જાવ છો ?’’ વૈભવીની આંખો અડધી બંધ અને અવાજ ઊંઘરેટો હતો.

‘‘નીચે, મા પાસે.’’

‘‘મારી પાસે આવો અભય, મારે તમારી સાથે વાત કરવી છે.’’

‘‘અત્યારે ?’’

‘‘અત્યારે નહીં તો ક્યારે ? હમણાં તમે તૈયાર થઈને ઓફિસ જતાં રહેશો. પછી આઠ, નવ, દસ... કોણ જાણે કેટલા વાગ્યે આવશો. મારે... અગત્યની વાત કરવી છે.’’

‘‘બોલ.’’ અભય વૈભવીની બાજુમાં બેસી ગયો. વૈભવીએ હાથ લંબાવીને એને પડખામાં ખેંચ્યો. પછી એક પગ એના પર નાખી, હાથ લંબાવીને આખો લપેટી લીધો. અભયના કાનની બૂટ ઉપર ચુંબન કરીને એણે કહ્યું, ‘‘તમે કેટલાય વખતથી મને વહાલ જ નથી કર્યું.’’

‘‘એ વાત હતી ?’’ અભયે ઊભા થવાનો પ્રયાસ કર્યો.

‘‘હા, કેમ ? એ અગત્યની વાત નથી ?’’ વૈભવીના અવાજમાં ઉન્માદ છલકાતો હતો.

‘‘વૈભવી, તું જાણે છે, મારા અને પ્રિયાના સંબંધો...’’ અભયને સાવ અજુગતું લાગ્યું. આટલું બધું જાણ્યા પછી, આટલો મોટો તાયફો થયા પછી આ સ્ત્રી શું ઇચ્છતી હતી ?

‘‘અભય, આમાં પ્રિયા ક્યાં આવી ? હું પત્ની છું તમારી. મારો અધિકાર છે તમારા મન પર.’’ પછી અભયના ગળા પર એણે હોઠ ઘસવા માંડ્યા, ‘‘તમારા શરીર પર...’’

‘‘તું સમજતી કેમ નથી ?’’ અભયના અવાજમાં ચીડ ઊતરી આવી, ‘‘તને સ્વમાન નથી ? કોઈ સ્ત્રી સાથે શરીરસંબંધ ધરાવતો હોય એવા પતિ સાથે સૂતા તને સ્વમાન પણ નહીં નડે ?’’

અભયને એક ધક્કો મારીને હડસેલી દીધો વૈભવીએ અને પછી ચીડાઈને ઊભી થઈ ગઈ, ‘‘તમે તો તમારો રસ્તો કરી લીધો. મારે ક્યાં જવાનું ?’’ વૈભવીએ અભયની સામે જોઈને પૂછ્‌યું. પછી અરીસા સામે જોઈને ઊભી રહી. એની બેબી પિન્ક કલરની નાઇટીમાંથી એનું આખું શરીર દેખાતું હતું. એનાં સ્તનોનો ઉભાર, પાતળી કમર, ફ્લેટ પેટ... એ અરીસામાં જોઈ રહી.

પછી અભય સામે ફરી... એની નજીક આવી. આંખમાં આંખ નાખીને ઊભી રહી, ‘‘જુઓ અભય, તમારે પસંદગી તો કરવી જ પડશે. કાં તો હું, કાં તો પ્રિયા... આ ઘરવાલી-બહારવાલીની રમત બહુ લાંબો સમય નહીં ચાલે.’’

‘‘મેં પસંદગી કરીજ લીધી છે.’’ અભયે શાંત અવાજે કહ્યું.

‘‘તો હું પપ્પાને ત્યાં જઈને રહીશ.’’

‘‘જેવી તારી ઇચ્છા.’’ અભય ઓરડાની બહાર જવા લાગ્યો. વૈભવીએ એનો હાથ પકડ્યો.

‘‘હું એક વાર અહીંથી ગઈ તો પાછી નહીં આવું અભય.’’ વૈભવીએ કહ્યું, ‘‘અને પપ્પાને ખબર પડશે તો તમે પપ્પાને ઓળખો છો.’’

‘‘મને ધમકી આપે છે ?’’

‘‘ધમકી નથી આપતી. સમજાવું છું. આવા નાના-મોટાં લફરાં થઈ જાય આ ઉંમરે. એમાં પણ જ્યારે પ્રિયા જેવી અનાથ, ચાલાક, સેક્સી અને ચાલુ સેક્રેટરી હોય, ત્યારે હું તમારો વાંક નથી જોતી.’’

‘‘તેં બોલી લીધું ?’’ અભયે હાથ છોડાવ્યો. પછી વૈભવીની સામે જોઈને કહ્યું, ‘‘પ્રિયા એક સમજદાર, સરળ, શુદ્ધ ચારિત્ર્યની અને પ્રેમાળ છોકરી છે. આઈ લવ હર...’’

‘‘અભય, તમે જાણતા નથી અહીં, શ્રીજી વિલામાં કેવા કેવા પ્લાનિંગ થઈ રહ્યા છે.’’ એણે પલટી મારી, ‘‘અજયભાઈ અમેરિકા જવાનું પ્લાનિંગ કરે છે. પપ્પાજી જઈને તરત એમને પેપર મોકલાવવાના છે.’’

‘‘તો ?’’

‘‘તો શું ?’’ વૈભવીએ આંખો નચાવી, ‘‘તમારામાં એટલી પણ બુદ્ધિ નથી ? કેટલાય બિલિયન ડોલરનો માલિક થઈ જશે તમારો ભાઈ...’’

‘‘છેલ્લા બે શબ્દો બહુ અગત્યના છે વૈભવી.’’ અભયે એનો ગાલ થપથપાવ્યો, ‘‘મારો ભાઈ. કોઈ બીજું નહીં વૈભવી, મારો ભાઈ.’’ ઓરડાની બહાર નીકળતા અભયે છેલ્લી વાર વૈભવી સામે જોયું, ‘‘એ સુખી થતો હોય તો હું એનાથી વધારે સુખી થઈશ.’’

અભયના ગયા પછી વૈભવીએ પગ પછાડ્યા.

વૈભવીના નાનાં-મોટાં તમામ ત્રાગાં, સમજાવટ, ઝઘડા નકામા ગયાં હતાં. એ જ્યારે જ્યારે પ્રિયાની વાત કાઢતી ત્યારે અભયના અવાજમાં વધુ ને વધુ દૃઢતા સાંભળી શકતી હતી.

અભય જાણે સાવ બદલાઈ ગયો હતો. એની ભાષા, એનું વર્તન આત્મવિશ્વાસથી સભર થઈ ગયું હતું. પહેલાં જ્યારે જ્યારે વૈભવી એની સાથે દલીલમાં ઊતરતી ત્યારે એની વાત ખોટી હોય તો પણ કાં તો થાકીને, કાં તો કંટાળીને, અને કાં તો હારીને અભય એની વાત માની લેતો... પણ હવે અભય પોતાની વાત કહેતો હતો. એટલું જ નહીં, સાચું કહેતાં એ અચકાતો નહોતો.

પહેલાં નાની-નાની વાતમાં ખોટું બોલતા અભયને પકડી પાડવાની અને નાનો દેખાડવાની મજા હવે વૈભવીને મળતી નહોતી. એટલું જ નહીં, દરેક વખતે એમની વચ્ચે થતો આ પ્રકારનો સંવાદ વૈભવીને વધુ ને વધુ હરાવતો હતો અને અભયને વધુ ને વધુ મજબૂત બનાવતો હતો.

સૂર્યકાંતના આવ્યા પછી, એમના વિશે જાણ્યા પછી વૈભવીએ એવો પ્રયાસ કર્યો કે એ કોઈ પણ હિસાબે સૂર્યકાંતની વહાલી થઈ જાય. પણ બનતી ઘટનાઓએ એનો સાથ નહોતો જ આપ્યો.

વૈભવીએ આજે આ વાતનો ફેંસલો કરવાનું નક્કી કર્યું અને નાઇટીને કાઢીને એક બાજુ ફેંકી દીધી. સીધી બાથરૂમમાં જઈને શાવર નીચે ઊભી રહી...

ગઈ કાલે અજય સાથે થયેલી વાતચીત પછી જાનકીનું મન ઉદાસ થઈ ગયું હતું. એ કોઈ રીતે અજયના નિર્ણય સાથે સહમત થઈ શકતી નહોતી.

‘‘જોકે હજી તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે...’’ એના મને એક વાર દલીલ પણ કરી હતી ! પણ એ અજયને ઓળખતી હતી. એ અમુક વસ્તુઓ નક્કી કર્યા વિના ક્યારેય બોલતો નહીં અને એણે જે રીતે અમેરિકા જવાની વાત કરી હતી એ ઉપરથી બહુ જ સ્પષ્ટ હતું કે એને સૂર્યકાંત સાથે પાકી વાત થઈ ગઈ હતી.

જાનકીએ આજે જ એ વાત વસુમા સાથે કરી લેવાનું નક્કી કર્યું હતું. રોજની જેમ તૈયાર થઈને એ રસોડા તરફ આગળ વધી ત્યારે એણે અભયને પગથિયા ઊતરતો જોયો.

‘‘ગુડ મોર્નિંગ...’’

‘‘વેરી ગુડ મોર્નિંંગ...’’ અભયે જવાબ વાળ્યો. પછી જાનકીને સીધું જ પૂછી નાખ્યું, ‘‘અજય અમેરિકા જવાનો વિચાર કરે છે ?’’

‘‘તમને કોણે કહ્યું ?’’ જાનકીથી નહીં ધારેલો પ્રતિભાવ અપાઈ ગયો.

‘‘એ અગત્યનું નથી. હા કે ના ?’’ જાનકીના પ્રતિભાવથી અભયની શંકા જરા વધારે દૃઢ થઈ. એણે વૈભવીને તો જવાબ આપી દીધો હતો, પરંતુ એના મનમાં આ વાતનો કીડો સળવળવા લાગ્યો હતો.

‘‘હા.’’ જાનકી ક્યારેય જુઠ્ઠું નહોતી બોલતી.

અભય આશ્ચર્યચકિત થઈ ગયો, ‘‘આ સ્ત્રીની હિંમતને ધન્ય છે. એક તો અજયને અમેરિકા જવા ઉશ્કેર્યો છે અને શરમ વગર સીધેસીધી હા પાડે છે મને !’’

એણે જાનકીની સામે જોયું. એની આંખોમાં કોણ જાણે શું ભાવ હતો કે જાનકીની આંખો ઝૂકી ગઈ.

સૂર્યકાંત મહેતા અહીં આવીને આવી રીતે એમના ઘરમાં ફૂટ નાખી જશે એવું અભયે ક્યારેય ધાર્યું નહોતું. એને બાળપણથી એક જ વાત શીખવાડવામાં આવી હતી અને સમય સાથે એના મનમાં દૃઢ થઈ ગઈ હતી, ‘‘તમે ત્રણ ભાઈઓ એકબીજાનો સહારો છો. ત્રણે મળીને અંજલિનો સહારો બનજો...’’

વૈભવીએ જ્યારે કહ્યું ત્યારે અભયે ધાર્યું હતું કે આ વાત એણે અમસ્તી જ કહી છે, પરંતુ અત્યારે જાનકીનો પ્રતિભાવ જોઈને અભય માટે કોઈ શંકા ના રહી.

‘‘જાનકી ! મને લાગ્યું હતું કે તું જુદી છે. વાતો છુપાવવી, અહીંની વાત ત્યાં કરવી અને બીજા અમુક પ્રકારની સ્ત્રીસહજ પ્રકૃતિ તારામાં નથી એમ હું માનતો હતો.’’

‘‘પણ અભયભાઈ મેં...’’

‘‘પતિની પ્રગતિ સારી વાત છે જાનકી, એને માટે પત્નીએ એમ્બિસિયસ હોવું પણ જોઈએ, પણ તને તારા સસરાની એક જ મહિનામાં એવી માયા લાગી ગઈ કે પાંચ પાંચ વર્ષથી તને મા થઈને સ્નેહ કરતી સ્ત્રીની લાગણી કે સન્માનનો પણ વિચાર ના આવ્યો?’’

‘‘તમે ખોટું ધારો છો અભયભાઈ, ’’

‘‘હવે ધારવા જેવું કંઈ રહ્યું નથી જાનકી, હું તો માનતો હતો કે તું સાવ જુદી છે. તારામાં અને વૈભવીમાં આભ-જમીનનો ફેર છે, પણ ડોલરની ચમકે તારા પરને ગિલેટ ઉતારી નાખ્યો જાનકી, પાંચ પાંચ વર્ષ સુધી તેં પહેરી રાખેલું મહોરું ફક્ત થોડા ડોલરના અજવાળામાં ઉઘાડું પડી ગયું.’’

અભય સડસડાટ બહાર ચાલી ગયો.

લાકડાના કઠેડા પાસે ઊભેલી જાનકી કંઈ જ સમજી ના શકી. અભયભાઈએ એવું કેવી રીતે ધારી લીધું કે પોતે અજયને અમેરિકા જવા ઉશ્કેર્યો હશે ?

‘‘વસુમા પણ આવું જ ધારશે ?’’ જાનકીની આંખો ભરાઈ આવી. એણે બહાર જવાનું માંડી વાળી રસોડા તરફ જવાનું નક્કી કર્યું.

અભય સાથે થયેલા સંવાદે એને ભીતરથી હચમચાવી નાખી હતી. આટલાં વર્ષોનો પોતાનો સ્નેહ, સચ્ચાઈ, સમર્પણ અને લાગણીઓ કોઈને ના દેખાઈ ? કોઈ એવું ધારી જ કેવી રીતે શકે કે જાનકી અજયને આ ઘર છોડવા ઉશ્કેરે, અને એ પણ એવા માણસની સહાય લઈને જેણે એની મા જેવી સાસુને આટલાં વરસ...

ગેસપર ઊકળતી ચામાં આંસુનાં ટપટપ ટીપાં પડી રહ્યાં હતાં.

વિમાનમાં સૂર્યકાંત જાણે વીતેલા દિવસોની સફરે નીકળ્યા હતા.

શ્રીજી વિલામાં બનેલી એક એક ઘટના એમને રહી રહીને લાગણીશીલ બનાવી જતી હતી. વસુમાએ જે રીતે એમની સાથે આવવાની ના પાડી એનાથી એમના અભિમાનને સારી એવી ઠેસ પહોંચી હતી. શ્રીજી વિલાને અભયની ગાડીના પાછળના કાચમાંથી જોતાં એમણે મનોમન અલવિદા કહી દીધું હતું.

એમણે નક્કી કર્યું હતું કે પોતે એક વાર વસુમાના કહેણ પર ભારત જઈ આવ્યા. હવે જો વસુમાને એમની જરૂર હોય તો એ અમેરિકા આવશે. પોતે ફરી કોઈ પણ સંજોગોમાં ભારત નહીં જાય.

એ આવ્યા ત્યારે એવું નક્કી કરીને આવ્યા હતા કે વસુંધરા સાથે ભૂતકાળની બધી જ વાતો ભૂંસીને નવેસરથી એક નવો સંબંધ શરૂ કરવો. એમણે પ્રયાસ પણ કર્યા, પણ કોણ જાણે કેમ, વસુમાનું વર્તન એમના ગળે ના જ ઊતર્યું.

સૂર્યકાંત મહેતાના મગજમાં અત્યારે એક એક વાત જાણે ફૂંફાડા મારી રહી હતી. જે બધું ભૂલવા એ ભારત આવ્યા હતા એ જ વાતો અત્યારે એમને પીડા આપી રહી હતી.

ત્રણ ત્રણ દાયકા પછી પિતાનો અગ્નિસંસ્કાર ન કરી શકાયાનો વસવસો... હવેલી છોડતી વખતે દેવશંકર મહેતાએ કહેલી વાતો... શ્રીજી વિલામાં માલિક તરીકને વસુંધરાનું નામ... અને એવી તો કેટલીય વાતો અત્યારે એમના મનને ડંખી રહી હતી.

‘‘શું ઘસાઈ જાત એનું, જો થોડી નીચી નમીને મને સ્વીકાર્યો હોત તો ?’’ સૂર્યકાંત મહેતા જાત સાથે જ વાત કરી રહ્યા હતા, ‘‘ગેસ્ટરૂમમાં રાખ્યો... છોકરાંઓની સામે જે રીતે વર્તી એ પછી પણ મેં તો હાથ લંબાવ્યો એનાતરફ... જેને સુખને લાત જ મારવી હોય એને કોણ બચાવી શકે ?’’ એમનું મન કડવાશથી ભરાઈ ગયું હતું.

‘‘હું વસુને ક્યારેય માફ નહીં કરું.’’ એમણે ફરી એક વાર જાત સાથે ગાંઠ વાળી, ‘‘સ્મિતાએ આટલી સંપત્તિ એક ઝટકામાં મારા નામે કરી દીધી... સમર્પણ એનું નામ !’’ પચીસ પચીસ વરસ સુધી જે સ્ત્રીની સ્મૃતિ સંઘરીને જીવતા રહ્યા એ સ્ત્રી જાણે આજે એમને પારકી લાગવા માંડી હતી.

અજયની સાથે શ્રીજી વિલામાં થયેલી વાતચીત જાણે હુકમનું પાનું હોય એમ એ વારે વારે મમળાવી રહ્યા હતા.

‘‘હુંં કંટાળી ગયો છું બાપુ, આ ઘરમાં મને કોઈ માન નથી આપતું. હું સમય સાથે શીખ્યો છું, જ્યો પૈસા હોય ત્યાં માથાં નમી જાય છે...’’

‘‘બેટા, આમ જોવા જઈએ તો બધા જ કહે છે કે પૈસાની કોઈ કિંમત નથી, પણ ખરું પૂછો તો જેની પાસે પૈસા નથી એની કોઈ કિંમત નથી...’’ સૂર્યકાંતના મનમાં જાણે ભૂતકાળની કડવાશ ફરી એક વાર ઊભરાઈ આવી. પિતા સાથે જે કંઈ થયું એમાં પોતાની નિર્ધનતા જ જવાબદાર હતી એમ આજ સુધી માનતા રહેલા સૂર્યકાંત મહેતાએ દીકરાને પણ એ જ જ્ઞાન આપ્યું.

‘‘બાપુ, મારે પૈસા કમાવા છે.’’ અજયનું ગળું ભરાઈ આવ્યું હતું, ‘‘ખૂબ ખૂબ... ખૂબ પૈસા કમાવા છે. આ બધાના મોઢાં બંધ થઈ જાય એટલા પૈસા. આમની આંખો અંજાઈ જાય એટલા પૈસા.’’

‘‘બેટા, એટલા પૈસા તો તારી પાસે છે જ.’’

‘‘આ ? શ્રીજી વિલાની વાત કરો છો ? મારી મા એ ક્યારેય વેચવા નહીં દે. કેટલી વાર કહ્યુંં કે આ મકાન વેચીને અહીં ફ્લેટસની સ્કીમ કરી નાખો. ત્રણેયનાં ઘર જુદા કરી નાખો. બધા પાસે એટલા પૈસા આવશે કે શાંતિથી રહી શકાય... પણ સાંભળે તો ને ?’’ આજે પહેલી વાર અજયે આ ભાષામાં અને આ ટોનમાં વાત કરી હતી.

‘‘શ્રીજી વિલા વેચાશે તો કેટલા રૂપિયા આવશે ? કરોડ ? દોઢ કરોડ ? એમાંથી તારા હાથમાં શું આવશે ? હું તો કરોડો ડોલરની વાત કરું છું...’’ જાણે-અજાણે સૂર્યકાંતથી રમત રમાઈ ગઈ.

‘‘કરોડો ડોલર ?’’

‘‘બેટા, આટલો મોટો વ્યાપાર છે અમેરિકામાં, કેટલાય દેશોમાં ઓફિસ, કેટલા બિલિયન ડોલરનું ટર્નઓવર છે.’’ સૂર્યકાંતનું ગળું પણ ભરાવા લાગ્યું હતું. એમને બોલતા બોલતા જ સમજાતું હતું કે આ બધી સંપત્તિની સામે એમની પાસે એમનો ભાર ઉપાડી લે એવો એક પણ ખભો નહોતો.

‘‘એટલે તમે એમ કહેવા માગો છો કે...’’

‘‘હા, હું એમ જ કહેવા માગું છું. મારી સાથે અમેરિકા ચાલ અને મારો બિઝનેસ સંભાળીલે.’’

‘‘પણ... મા...’’ અજયને ઓફર તો લલચાવી ગઈ, પણ એ દીકરો વસુમાનો હતો. એને માટે લાગણીઓનાં બંધન તોડી નાખવા એટલા સરળ નહોતાં જ.

‘‘જો બેટા, જિંદગીમાં કશું મેળવવા માટે કશું ગુમાવવું પડે એવું તારી મા જ કહે છે.’’ સૂર્યકાંત જાણે-અજાણે પોતે બિછાવેલી ચેસની બાજીનાં એક પછી એક મહોરાં ખસેડતા જતા હતા.

‘‘પણ... એ હા પાડશે ?’’

‘‘નહીં જ પાડે, સ્વાભાવિક છે.’’ સૂર્યકાંતે અજયના ખભે હાથ મૂક્યો, ‘‘એને મારી સામે વિરોધ છે ને ?’’

ત્રણેય ભાઈઓમાં અજય સૌૈથી સરળ હતો. આઈ.એ.એસ. સસરા અને વૈભવી સાથે રહીને ધંધો કરીને અભય પ્રમાણમાં ઘણો ચાલાક થઈ ગયો હતો. અલય જન્મથી જ પોતે પોતાની જગ્યા બનાવવાની છે એવું સમજતો હતો. પોતાની જિંદગી પોતે જ ઝઝૂમીને જીવી લેવાની છે એવું એને નાની ઉંમરે જ સમજાઈ ગયું હતું. પોતાને જોઈતી દરેક વસ્તુ માટે જાનની બાજી લગાવી દેવી પડે એવું અભયને સમજાઈ ગયું હતું અને કદાચ એટલે જ એ પણ પ્રમાણમાં હોંશિયાર થઈ ગયો હતો. બધાની વચ્ચે એક માત્ર અજય થોડો ભોળો કહી શકાય એવો હતો. દુનિયાદારી એને ક્યારેય બહુ આવડી નહોતી.

‘‘તો પછી...’’ અજય મૂંઝાઈ ગયો હતો.

‘‘એને પૂછવાની શી જરૂર ? એને માત્ર કહી દેવાનું...’’ સૂર્યકાંતે પોતાનું મહોરું એક ઘર વધુ ખસેડ્યું.

‘‘પણ ના પાડે તો ?’’

‘‘તો તારે નક્કી કરવાનું અજય.’’ સૂર્યકાંતનો ચહેરો બદલાઈ ગયો હતો, ‘‘હું જો એ બધાનું કહ્યું માનીને અહીં જ રહ્યો હોત તો દેવું ભરતા મારી કમર તૂટી ગઈ હોત અને જિંદગીમાં ક્યારેય બે પાંદડે થયો ના હોત. સમજે છે તું ?’’

અજયે ડોકું હલાવીને હા પાડી.

‘‘જે પુુરુષ પરદેશ ખેડે એ કમાય... મારી મા કાયમ કહેતી, ખારવાનો દીકરો વહાણે ચડે, ને વેપારીનો ગામતરે જાય... તો જ ઘરમાં લક્ષ્મી ટકે.’’ એમણે અજયની પીઠ પસવારી, ‘‘તું વેપારીનો દીકરો છે બેટા, દેવશંકર મહેતાની પેઢીને ફરી ઊભી કરવાનું મારું સપનું કદાચ તારી હસ્તરેખામાં લખાયું છે.’’

અજયની આંખો ભરાઈ આવી. એને થોડી જ ક્ષણોમાં જાતજાતના વિચારો આવી ગયા, ‘‘જો દેવશંકર મહેતાની પેઢી ફરી ઊભી થાય તો કદાચ મા પોતાનો વિદ્રોહ માફ કરી દે. દાદાજીના નામની શાખને જે બટ્ટો લાગ્યો છે એ ધોઈ શકાય અને પિતાનું સપનું પૂરું થઈ શકે.’’ અજયે જાણે મનોમન સેંકડો સપનાં જોઈ નાખ્યાં. એણે આંખો લૂછી અને પિતાને કહ્યું, ‘‘જઈને તરત જ મારા પેપર મોકલાવો, મારે આવવું છે.’’

‘‘બેટા, તારું આવવું તારા માટે નહીં, મારા માટે ઉપકાર છે. આટલા મોટા ધંધામાં મારી પાસે મધુકાંતભાઈ સિવાય એક પણ મારો માણસ નથી.’’ સૂર્યકાંતે નિઃશ્વાસ નાખ્યો, ‘‘તારી મા સમજતી નથી. કાલે સવારે મારી આંખ બંધ થઈ જશે તો આ બધું ગેરવલ્લે જશે. એ પહેલાં તું આવીને સંભાળી લે બેટા.’’ એમની પણ આંખો ભીની થઈ ગઈ હતી.

ઘરની બહાર નીકળતા અલયે બગીચામાં બેઠેલાં વસુમાના ખભે હાથ મૂકીને ગાલ ઉપર એક પપ્પી કરી.

‘‘મોમ, મને તો એમ કે તું સારા મૂડમાં નહીં હોય.’’

‘‘કેમ ?’’ વસુમા પાછળ ફર્યાં. એમના ગોરા ચહેરા પર સહેજ માટી લાગી હતી. કપાળ ઉપર પરસેવો જામ્યો હતો. વાળની એક-બે લટો ખૂલી આવી હતી.

‘‘ફ્રી...ઇ...ઇ...ઝ...’’ અલયે બે હાથથી કેમેરાની ફ્રેમ બનાવતા બૂમ પાડી. વસુમા હસી પડ્યાં.

‘‘તને ખબર છે તું કેટલી રૂપાળી છે ?’’ અલયે બે હાથ વસુમાના ગાલ પકડી લીધા અને બગીચામાં ઘૂંટણભેર જમીન પર જ બેસી ગયો.

‘‘અરે અરે, કપડાં બગડશે.’’ વસુમાએ કહ્યું.

‘‘મોમ ! તને એક વાત કહું ?’’ અલયની આંખોમાં વહાલ ઊતરી આવ્યું હતું. વસુમા નવાઈથી જોઈ રહ્યા હતાં. અલય ખૂબ ઓછો બોલતો. બાળપણથી જ જાણે જાતમાં કેદ થઈ ગયો હતો. આજે અલયનો મૂડ જોઈને વસુમાને નવાઈ લાગતી હતી.

‘‘તારી વાત સાચી છે.’’ અલયે કહ્યું.

‘‘કઈ વાત ?’’

‘‘આમ તો બધી જ વાત...’’ અલયે વસુમાના ચહેરા પરથી માટી ખંખેરી, ‘‘પણ બાપુ વિશે તેં કહેલી વાત. ગઈ કાલે હું એમને ભેટ્યો ત્યારે મને એવું લાગ્યું કે જાણે મારા માથે સેંકડો મણનો ભાર ઊતરી ગયો છે.’’ વસુમાએ વહાલથી અલયના ચહેરા પર હાથ ફેરવ્યો, ‘‘જે વેર પંપાળીને જીવ્યો હું આટલાં વરસ અને એમ માનતો રહ્યો કે એ વેર તારું છે... મારી આંખોબંધ હતી મા, વેરથી બંધ, ક્રોધથી બંધ... એટલું જ જોઈ અને વિચારી શકતો હતો, જેટલું મારે જોવું કે વિચારવું હતું.’’

‘‘એમ જ હોય બેટા, વેર આંખો બંધ કરી દે છે.’’ વસુમાની આંખોમાં ગજબની શાંતિ હતી, ‘‘ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ.’’

‘‘હું બાપુને ભેટ્યો ત્યારે લાગ્યું કે જાણે આ જ ઘડીની રાહ જોઈને જીવી ગયો આટલાં વરસ... આંખો ઊઘડી ગઈ મારી ! અને આંખો ઊઘડી ત્યારે સમજાયું કે એ વેર તો તારું હતું જ નહીં મા. તને તો કોઈ માટે વેર છે જ નહીં !’’

‘‘બહુ વહેલી બુદ્ધિ આવી તારામાં.’’ વસુમાએ અલયના કપાળને હળવો ધક્કો માર્યો અને અલય હસતો હસતો ઊભો થઈ ગયો.

‘‘નાસ્તો કરીને જજે.’’

‘‘મા... મોડું થાય છે.’’ અલયે ફરી એક વાર વસુમાને પપ્પી કરી અને ભાગવા લાગ્યો. એને શ્રીજી વિલાનો ગેટ ખોલીને બહાર જતો વસુમા જોઈ રહ્યાં. એમણે નજર ફેરવી ત્યારે અભય એમની સામે ઊભો હતો. અભયના ચહેરા પર જે ભાવ હતા તે જોઈને વસુમા નવાઈ પામ્યાં.

‘‘શું થયું ?’’ એમનાથી પૂછ્‌યા વિના ના રહેવાયું.

‘‘નાસ્તાના ટેબલ પર વાત કરીશ.’’ અભયે કહ્યું અને દોડતા અલયને બૂમ પાડી.

‘‘મારે અગત્યની વાત કરવી છે. નાસ્તો કરીને જા.’’

‘‘મોડું થાય છે.’’ અલયે ઝાંપાની બહારથી જ કહ્યું.

‘‘આઈ વોન્ટ યુ ઓન ધ ટેબલ. એટ એઇટ થટર્ી.’’ અભયે કહ્યું અને અંદર ચાલી ગયો.

વસુમા અને અલય બંનેએ સામસામે ખભા ઉલાળ્યા. અલય ગેટ ખોલીને પાછો અંદર આવ્યો.

સામાન્ય રીતે નાસ્તાનું ટોબલ ગોઠવતી જાનકી કંઈક ગણગણતી હોય અને એના ચહેરા પર સ્મિત હોય જ.

અલય ટેબલ પર બેસીને પોતાનું કામ કરી રહ્યો હતો. એણે બે-ત્રણ વાર જાનકીની સામે જોયું. એની આંખો રડેલી હતી. એણે અલય સામે જોવાનું ટાળ્યું.

‘‘ભાભી, બાપુ ગયા એનું દુઃખ એકલા તમને જ છે કે શું?’’

જાનકીએ કોઈ જવાબ ના આપ્યો.

‘‘ડોલર-બોલરના આપી ગયા એટલે રડો છો ?’’ અલય આટલું બોલ્યો કે જાનકી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

‘‘તમને બધાને કેમ એવું લાગે છે કે મને પપ્પાજીના પૈસામાં રસ છે ? મેં ક્યારેય એવું કોઈ વર્તન કર્યું કે તમને મેં કોઈ એવાં સિગ્નલ આપ્યાં ?’’ જાનકી રડતાં રડતાં બોલતી હતી, એના અડધા શબ્દો એના રડવામાં ખોવાઈ જતા હતા, ‘‘આટલાં વર્ષો સુધી તમારા બધાની સાથે જે રીતે રહી એ પછીપણ તમે કોઈએ મને ઓળખી નહીં? તમને હું મટીરિયાલિસ્ટિક, પૈસા પાછળ પાગલ લાગી ? તમે એવું ધારી જ કેવી રીતે લીધું કે હું અજયને અમેરિકા જવા ઉશ્કેરી શકુંં?’’

અલયની આંખો ઝીણી થઈ ગઈ, ‘‘શું વાત કરો છો ? મને તો કંઈ ખબર જ નથી.’’

‘‘તમારા ભાઈએ અમેરિકા જવાનું નક્કી કર્યું છે અને અભયભાઈ માને છે કે એને માટે હું જવાબદાર છું.’’ જાનકીએ આંખો લૂછી. કોઈ દિવસ નહીં ને આજે પહેલી વાર જાનકીના મોઢામાંથી નીકળ્યું, ‘‘હું વૈભવીભાભી નથી અલયભાઈ...’’

અલય ઊભો થયો. એણે જાનકીના ખભે હાથ મૂક્યો. એનો ખભો થપથપાવ્યો. કોણ જાણે કેમ જાનકી પીગળી ગઈ. હજી સંઘરી રાખેલું એનું કેટલુંય રડવું અચાનક જ ઊભરાઈ આવ્યું. એણે અલયના ખભે માથું મૂકી ડૂસકું છોડી દીધુંં.

અભયે સવારે કહેલી વાત એના મનમાંથી કોઈ રીતે જતી નહોતી. અલય ધીરે ધીરે એની પીઠ પસવારી રહ્યો હતો અને જાનકી છૂટ્ટા અવાજે રડી રહી હતી.

નાસ્તા માટે નીચે ઊતરતી વૈભવીએ આ દૃશ્ય જોયું અને એ ઉપર રેલિંગ પકડીને પેસેજમાં જ રોકાઈ ગઈ.

‘‘ઇન્ટરેસ્ટિંગ...’’ એણે મનોમન કહ્યું.

‘‘ઉઘરાવી લે.’’ અજય પોતાના રૂમની બહાર આવી ગયો હતો, ‘‘જેટલી સહાનુભૂતિ ઉઘરાવાય એટલી ઉઘરાવી લે. મને કોઈ ફેર નથી પડતો.’’ એ ખુરશી ખેંચીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો.

અભયે ઘરમાં દાખલ થઈને જાનકીને રડતી જોઈ.

પણ એ સીધેસીધો ખુરશી ખેંચીને બેસી ગયો.

‘‘વેરી ગુડ.’’ રેલિંગ પકડીને ઊભેલી વૈભવીના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘ધ્રૂસકે ધ્રૂસકે રડતી ગૃહલક્ષ્મીને આજે કોઈ માનવતું નથી... એનો પોતાનો વર પણ નહીં !’’

વસુમા બગીચામાંથી ઘરમાં દાખલ થયાં અને એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

અભય અને અજય ટેબલ પર બેઠા હતા.જાનકી અલયના ખભે માથું મૂકીને રડી રહી હતી.

‘‘શું થયું ?’’ કોઈએ જવાબ ના આપ્યો, ‘‘શું થયું જાનકીને?’’

‘‘પોતાના નસીબને રડે છે.’’ અજયના અવાજમાં કડવાશ હતી, ‘‘રડવા દો.’’

‘‘જે થવાનું હતું એ થઈ ચૂક્યું જાનકી, હવે તમારી ભૂલ છુપાવવા માટે રડવાનો કોઈ અર્થ નથી.’’ અભયે કહ્યું અને અજય તરફ જોઈને કહ્યું, ‘‘તું કહે છે કે મારે કહેવાનું છે ?’’

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED