યોગ-વિયોગ - 43 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 43

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૩

એસ.વી. રોડ પરના ટ્રાફિકમાં અલય બરાબરનો સલવાયો હતો. ના આગળ જઈ શકાય એવું હતું, ના પાછા વળી શકાય એવી સ્થિતિ !

એનું મગજ અકળામણથી ફાટ ફાટ થતું હતું. ઘડિયાળ દસ ને પચીસનો સમય બતાવતી હતી અને હજી તો એ મલાડ પણ ક્રોસ નહોતો કરી શક્યો. રિક્ષાવાળાએ એને બેસતાની સાથે જ પૂછ્‌યું હતું, ‘‘હાઇવે સે લૂં ક્યા ?’’

ત્યારે અલયે કારણ વગરની બુદ્ધિ વાપરીને એને કહ્યું હતું, ‘‘નહીં, નહીં, એસ.વી. રોડ સે લે લો.’’

‘‘સાબ, બહોત ટ્રાફિક લગેગા...’’

અલયને ત્યારે એમ હતું કે પાર્લા વેસ્ટ જવા માટે કારણ વગર આગળ-પાછળ કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે ટ્રાફિકની વચ્ચે ફસાયેલો અલય મનોમન જાતને ગાળો દઈ રહ્યો હતો.

એણે મોબાઇલ કાઢ્યો, શ્રેયાનો નંબર લગાડ્યો.

‘‘ક્યાં છે તું ? બધા તારી રાહ જુએ છે.’’ શ્રેયાએ દબાયેલા અવાજે એને ધમકાવવા માંડ્યો.

‘‘ટ્રાફિકમાં ફસાયો છું.’’

‘‘ક્યાં છે ?’’

‘‘હજી તો મલાડ છું.’’

‘‘શીટ... તું નહીં પહોંચે અલય.’’

‘‘તો શું કરું ?’’ અલયના અવાજમાં ચીડ અને અકળામણ બંને હતા.

‘‘એક કામ કર, સીધો એરપોર્ટ પહોંચ.’’

‘‘આઈ થિન્ક ધેટ્‌સ બેટર.’’ અલયે રિક્ષાવાળાને કહ્યું, ‘‘અભી જહાં સે ભી રસ્તા મિલે, હાઈવે પે નિકાલ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ લે લો.’’

‘‘ફ્લાઇટ પકડના હૈ સાબ ?’’

‘‘યે જોક મારને કા ટાઇમ હૈ ?’’ અલય ચિડાઈ ગયો. રિક્ષાવાળો એનો મૂડ સમજ્યો અને નાની નાની જગ્યાઓમાંથી કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો. રિક્ષામાં ઊભડક મન સાથે ઊભડક બેઠેલો અલય સખત અકળાયેલો, વારે વારે ઘડિયાળ જોતો કોણ જાણે કેમ જાત સાથે લડી રહ્યો હતો.

‘‘તારે તો નહોતું જ પહોંચવું. હવે શા માટે અકળાય છે ?’’

અને સામે એનું જ મન એને કહી રહ્યું હતું, ‘‘ખબર છે ને અનુપમાને શું કહ્યું તે? આ છેલ્લી તક છે. આજે જો સમયસર નહીં પહોંચે તો એ એવું ધારી જ લેશે કે તું એમને મળવા નથી માગતો.’’

‘‘ધારી લે તો ધારી લે, સારું જ છે.’’ અલયના મને વળતી દલીલ કરી.

‘‘ના, મારે મળવું છે એમને. મારે કહેવું છે એમને કે મેં આખી જિંદગી એમને શોધ્યા છે, ઝંખ્યા છે એમને... આ જ પછી કદાચ ક્યારેય આ કહેવાની હિંમત નહીં આવે મારામાં. માંડ માંડ એકઠી કરેલી આ હિંમત હું જો સમયસર નહીં પહોંચું તો વેરાઈ જશે...’’

એણે ફરી ઘડિયાળ જોઈ.

લક્ષ્મી ગેસ્ટરૂમમાં બેસીને નીરવ સાથે જોરજોરથી દલીલો કરી રહી હતી.

‘‘આ તો ભાગવાની વાત છે નીરવ...’’

‘‘એમ તો એમ, મારાથી તને જતી નહીં જોવાય. હું એરપોર્ટ નથી આવવાનો.’’

‘‘ને મારે તને જોવો હોય તો ?’’

‘‘આંખ બંધ કરજે, હું તારી સામે જ હોઈશ.’’

‘‘આમ કેમ કરે છે નીરવ ?’’ ઉગ્ર અવાજે દલીલો કરતી લક્ષ્મીની આંખો ભરાઈ આવી, ‘‘બધા હશે ત્યાં, એક તું જ...’’

‘‘હું જ નહીં હોઉં. હું નહીં આવી શકું લક્ષ્મી, પ્લીઝ... આગ્રહ નહીં કર. મને અત્યારે જ એટલી બધી તકલીફ થાય છે, તારા જવાના વિચારથી. તારી પીઠ... મને છોડીને જતાં તારાં પગલાં અને છેલ્લી ક્ષણોની એ છલકાતી આંખો મારાથી નહીં જોવાય.’’ નીરવનો અવાજ પણ ભીંજાઈ ગયો હતો.

‘‘આટલું ચાહે છે મને ?’’

‘‘તને નહીં સમજાય, કેટલું ચાહું છું.’’

‘‘તો શું નડે છે નીરવ ? શા માટે આવીને ડેડી સાથે વાત નથી કરતો ? હજીયે સમય છે...’’

‘‘શા માટે ? કોને ખબર ? એ મને નથી સમજાતું...’’

‘‘નીરવ, હું છેલ્લી ક્ષણ સુધી તારી રાહ જોઈશ... પ્લીઝ, મારે હજી એક વાર તને જોવો છે.’’

‘‘હું નહીં આવું.’’ પછી તરત સુધાર્યું, ‘‘મારાથી નહીં અવાય.’’

‘‘નીરવ...’’ લક્ષ્મીનું ડૂસકું છૂટી ગયું, ‘‘આઈ... આઈ...’’

‘‘આઈ લવ યુ ટૂ લક્ષ્મી, તું ધારે છે અને માને છે એનાથી ઘણું વધારે ચાહું છું હું તને... જો જિંદગી આપણને ભેગા કરશે અને સાથે જીવીશું તો તને સમજાશે મારી આ માનસિકતા...’’ ક્ષણેક અટક્યો નીરવ અને પછી હતી એટલી હિંમત ભેગી કરીને કહી નાખ્યું, ‘‘નહીં તો... નહીં તો મને કાયર, ચીટર માનીને ભૂલી જજે...’’

ફોન કપાઈ ચૂક્યો હતો. લક્ષ્મી થોડીક ક્ષણો એમ જ અન્યમનસ્ક બેસી રહી. પછી એને નીચે દીવાલ પર લગાડેલી મોટી ઘડિયાળમાં વાગતા અગિયારના ટકોરા સંભળાયા.

એ જાતને ધક્કો મારીને ઊભી થઈ. બાથરૂમમાં જઈનો મોઢા પર પાણી છાંટ્યું, હેન્ડ લગેજ લીધું અને આ ઓરડાને છેલ્લી વાર જોઈને હળવેકથી બહાર નીકળી.

સૂર્યકાંતે દીવાલ પર લગાડેલી ઘડિયાળ સામે જોયું. અગિયારના ટકોરા વાગવા લાગ્યા હતા.

‘‘ધીમે ધીમે નીકળીએ ? ટ્રાફિક હશે તો વાર લાગશે.’’ અભયે જાણે કમને કહ્યું.

‘‘હું સામાન ગાડીમાં મૂકું છું.’’ શ્રેયાએ બેગ ઉપાડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. અજય હસી પડ્યો, ‘‘અલયે કહ્યું છે અહીં નહીં પહોંચે તો એરપોર્ટ તો આવશે જ. ટ્રાફિકમાં...’’ પછી બધાના ચહેરા તરફ જોયું. એની વાત જાણે કોઈ માનતું નહોતું, ‘‘ફસાયો છે બિચારો.’’

‘‘આજે જ ?’’ વૈભવીથી બોલ્યા વિના ના રહેવાયું.

‘‘ચાલો.’’ અભયે પહેલી બેગ ઉપાડી અને વસુમાની છાતીમાં જાણે કંઈક ચિરાઈ ગયું. એ જાણતાં હતાં કે અલય જિદ્દી છે. એને સૂર્યકાંતની વિરુદ્ધમાં ઘણી ફરિયાદો છે. પરંતુ એ સાવ છેક જ આવું કરશે એવું એમણે નહોતું ધાર્યું.

‘‘કાન્ત.’’ એમણે નજીક જઈને સૂર્યકાંતનો હાથ પકડ્યો, ‘‘અલય...’’

‘‘બાળક છે.’’ સૂર્યકાંતે સ્મિત કર્યું, ‘‘સમજું છું.’’

‘‘છતાંય... હું એના વતી માફી માગું છું.’’ કહેતાં કહેતાં વસુમાનો અવાજ ધ્રૂજી ગયો.

‘‘ડેડી...’’ લક્ષ્મી ઉપરથી નીચે ઊતરી રહી હતી, ‘‘તમારા ચશ્મા રહી ગયા.’’

‘‘બીજું ઘણું રહી ગયું છે દીકરા, જે સાથે લઈ જવાય એવું પણ નથી.’’ સૂર્યકાંતે વસુમાની સામે જોઈને કહ્યું અને ઘરમાં હવા જાણે થંભી ગઈ. વાતાવરણ ભીનું અને વજનદાર થઈ ગયું.

સૂર્યકાંતે જાનકીના માથે, અજયના માથે હાથ ફેરવ્યો. બંને એમને પગે લાગ્યાં.

પછી અભય અને વૈભવી પણ...

‘‘સુખી થાવ ને સુખી કરો.’’ સૂર્યકાંતે વૈભવીના માથે હાથ ફેરવ્યો.

લજ્જા અને આદિત્ય દાદાજીને ભેટી પડ્યા, ‘‘જલદી જ બોલાવીશ તમને.’’ સૂર્યકાંત જાણે બંનેને છોડવા જ નહોતા માગતા, ‘‘કંઈ પણ જોઈએ ત્યાંથી...’’ સૂર્યકાંતથી અનાયાસે વસુમા તરફ જોવાઈ ગયું, ‘‘તો દાદી, મમ્મી કે પપ્પા, કોઈને પૂછવાની જરૂર નથી. સીધું મને જ કહેજે.’’

શ્રેયા પગે લાગવા ગઈ, પણ સૂર્યકાંતે છાતીસરસી ચાંપી દીધી, ‘‘તારાં લગનમાં બોલાવજે...’’ શ્રેયાની આંખોમાં સૂર્યકાંતને ભેટીને આંસુ આવી ગયાં, ‘‘ને મારા માથાફરેલ, છટકેલ દીકરાનું ધ્યાન રાખજે.’’ સૂર્યકાંતનો અવાજ પણ હવે ભીનો થવા લાગ્યો હતો.

‘‘મા...’’ લક્ષ્મી વસુમાને ભેટીને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી, ‘‘આવા ટાઇમે મને તમારી જરૂર છે. મારો ભાઈ જેલમાં છે... અને તમે...’’

‘‘બેટા, ત્યાં આવીને પણ હું શું કરી શકત ?’’

‘‘મા, દીકરી જ્યારે તકલીફમાં હોય ત્યારે માની હાજરી જ પૂરતી છે. તમે ત્યાં હો એ વાતથી જ મને ખૂબ હિંમત રહેત...’’

‘‘બેટા, હિંમત કોઈ વ્યક્તિના હોવાથી નથી હોતી. હિંમત આપણી પોતાની હોય છે અને તું દીકરી નહીં, દીકરો છે તારા પિતાનો. તારે તો એમને હિંમત આપવાની છે...’’

‘‘મા... હું તમને બહુ મિસ કરીશ. તમારાં સવારનાં ભજન, તમારા હાથની રસોઈ, તમે જે રીતે મારા માથામાં તેલ નાખતાં એ અને તમારી સાથેના મોર્નિંગ વોક...’’

‘‘દીકરા, તુંય મને પળે પળે યાદ આવીશ.’’ ધ્રૂસકે ધ્રૂસકે રડતી લક્ષ્મીના બાકીના શબ્દો એના ડૂસકામાં હડસેલાતા ગયા.

અંજલિ નીચી વળવા જતી હતી, પણ સૂર્યકાંતે ખભેથીપકડી રાખી, ‘‘ના બેટા...’’ અંજલિ સૂર્યકાંતને વળગીને નાના બાળકની જેમ રડી પડી, ‘‘બાપુ...’’

‘‘ડિલિવરીનો સમય થાય કે મને જણાવજો.’’ ક્યારનો રોકી રાખેલો સૂર્યકાંતનો ડૂમો પણ છૂટી ગયો. અંજલિ જાણે આજે જ પરણીને વિદાય થતી હોય એમ સૂર્યકાંત પણ નાના બાળકની જેમ ડૂસકું છૂટ્ટું મૂકીને રડ્યા, ‘‘રાજેશ, મારી દીકરીને જીવની જેમ સાચવજો. ફૂલની જેમ ઉછેરી તો નથી શક્યો, પણ છે ફૂલ કરતાંય કોમળ... એને માટે જ્યારે, જે કંઈ જરૂર પડે તે...’’ સૂર્યકાંત આગળ બોલી ના શક્યા. રાજેશે એમનો હાથ પકડ્યો અને દબાવ્યો.

‘‘તમને સૌને એક વાત કહેવી છે જતા જતા...’’ સૂર્યકાંતે સૌના ચહેરા પર એક સરસરી નજર ફેરવી, ‘‘અલય પણ હોત તો સારું થાત...’’ એમણે ઊંડો શ્વાસ લીધો, ‘‘ખેર...’’

સૌના ચહેરા જાણે એમની વાત સાંભળવા ઉત્સુક હતા.

‘‘જિંદગીનાં આ પચીસ વર્ષ હું તમને પાછા નહીં આપી શકું. પણ આ પચીસ દિવસ દરમિયાન તમે સૌએ મને જે રીતે આવકાર્યો, જે રીતે સ્વીકાર્યો, જે માન-સન્માન અને વહાલથી રાખ્યો એ બધા માટે હું તમારો આભારી છું.’’ એમણે હાથ જોડ્યા, ‘‘ગુનેગાર છું તમારો અને આ જીવન પૂરતો તો રહીશ જ. માફી નથી માગતો તમારી, માફ કરવાને લાયક પણ નથી હું, પણ તમે મારાં સંતાનો છો. મારું લોહી... મારા વારસદારો...’’ એમણે વસુમા સામે નજર નોંધી. મારી સંપત્તિમાં તમારા સૌનો ભાગ છે અને હવે જઈને જે વીલ કરીશ હું એમાં તમારાં બધાનાં નામ...’’ બાકીનું વાક્ય એ ગળી ગયા. વસુમાના ચહેરા પર જે ફેરફાર થયા એ જોયા પછી આગળ બોલવાની એમનામાં હિંમત નહોતી, કદાચ !

‘‘અરે પપ્પાજી, એ તે કંઈ કહેવાની વાત છે ? એટલું તો અમે સમજીએ જ ને ?’’ વૈભવી તરફ અભયે જે રીતે જોયું એ પછી એ પણ આગળ કશું ના બોલી.

અજયે ગાડીના બૂટમાં સામાન ગોઠવવા માંડ્યો. સૂર્યકાંત ત્યાં જ ઊભા હતા. આસપાસ કોઈ નથી એવું ચેક કરીને અજયે ખૂબ હળવેથી કહ્યું, ‘‘બને એટલી ઉતાવળ કરજો.’’

સૂર્યકાંતે એના ખભે હાથ મૂક્યો, ‘‘રોહિતનું પતે કે તરત હું તારું જ કામ હાથમાં લઈશ.’’

‘‘હું અહીંથી જતો રહેવા માગું છું, ક્યાંય પણ...’’ એણે ગળા પાસે હાથ મૂક્યો, ‘‘અહીં સુધી, અહીં સુધી ધરાઈ ગયો છું હું.’’

સૂર્યકાંતે એનો ખભો થપથપાવ્યો, ‘‘સમજું છું બેટા.’’ ઓટલા પર ઊભેલી જાનકી આ દૃશ્ય જોઈ રહી હતી. રોડ પરની સ્ટ્રીટલાઇટમાં અજય શું બોલ્યો એ એને ભલે ના સંભળાયું હોય, પણ એના ચહેરાના હાવભાવ, એનો ગળે મુકાયેલો હાથ જાનકીને દેખાઈ ગયો હતો.

એણે એ જ પળે નક્કી કર્યું કે આવતી કાલે સવારે જ એ વસુમાને અજયનો નિર્ણય જણાવી દેશે.

પોતાની ગાડીની ચાવી લઈને વૈભવી સડસડાટ નીચે ઊતરી, ‘‘હું ગાડી ખોલું.’’

‘‘જરૂર નથી.’’ અભયના અવાજમાં એક ગજબ ઠંડક હતી.

વૈભવીની આંખો ચકરાઈ ગઈ, ‘‘કેમ ?’’

‘‘શ્રેયા છે, હું છું. બે ગાડી તો બહુ થઈ ગઈ.’’ અભયે વૈભવીની સામે જોયા વિના બેગ લઈને બહાર જવા માંડ્યું.

‘‘પણ...’’

વૈભવીને સમજાયું કે આ સીધું જ પોતાને નહીં લઈ જવાનું બહાનું હતું. આમ પણ ઘરમાં વૈભવીની ગાડી વાપરવાનું બધા જ ટાળતા.

વૈભવી જાણતી કે અજય અને અલય બંને ગાડી ચલાવી શકતા અને છતાં ઘરમાં વૈભવીની ગાડી પડી હોય તોય રિક્ષા કે ટેક્સીમાં જવાનું પસંદ કરતા. એ વખતે વૈભવીને એમાં પોતાની જીત લાગતી.

પોતાની પાસે ગાડી માગવાની કોઈની હિંમત નથી એવું માનીને આજ સુધી પોરસાતી વૈભવી અભયના વર્તનથી આજે જાણે બે ટુકડામાં કપાઈ ગઈ ગોય એમ ઝાંખી પડી ગઈ.

‘‘મારે આવવું છે... એરપોર્ટ.’’

‘‘તારી તબિયત સારી નથી વૈભવી, અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તો અમસ્તુંય કોઈ અંદર નથી જવાનું. ગાડીમાંથી ઉતારીને બધા જ પાછા વળશે.’’

‘‘પણ મારે તમારી સાથે આવવું છે.’’

‘‘હું પણ તરત જ પાછો આવીશ. ખોટો ધક્કો શું કામ ખાય છે?’’

વસુમા પોતાના ઓરડામાંથી બહાર આવ્યાં ત્યારે બંને વચ્ચે દલીલ ચાલુ હતી. વસુમાએ અનિચ્છાએ કહ્યું, ‘‘એ ખરું કહે છે, ગાડીમાં ભીડ કરવાનું કોઈ કારણ નથી.’’

‘‘બરાબર છે.’’ વૈભવીનો મૂળ સ્વભાવ ઊછળી આવ્યો. એનાથી બોલ્યા વિના ના રહેવાયું, ‘‘હું જઈશ તો ભીડ થશે.’’ પછી અભયની સામે જોઈને લગભગ દાંત કચકચાવતા ઉમેર્યું, ‘‘પેલીને લઈ જવાના હશો ને ?’’

અભયે વસુમા સામે એક વાર જોયું અને પછી સડસડાટ ઘરની બહાર નીકળી ગયો. વૈભવી ત્યાં જ સોફા પર બેસી મોટે મોટેથી રડવા લાગી. આજે સવારે જે રીતે વર્તી હતી વૈભવી એનાથી વસુમાને લાગ્યું હતું કે હવે કદાચ પરિસ્થિતિ બદલાય, પરંતુ અત્યારનો એનો રંગ જોતાં વસુમાએ મનોમન એક નાનકડી ચોકડી મારી દીધી અને બહાર નીકળીને ઓટલા પરથી નીચે ઊતર્યાં.

સામેથી સડસડાટ આવતી શ્રેયાએ વસુમાને કહ્યું, ‘‘ચલો મા, જલદી કરો.’’

‘‘હું...’’ વસુમાએ સહેજ શ્વાસ લીધો, ‘‘હું નથી આવવાની.’’

‘‘મા ?’’ શ્રેયાને લાગ્યું એણે સાંભળવામાં કંઈ ભૂલ કરી હતી.

‘‘હું એરપોર્ટ નથી આવવાની.’’

‘‘પણ મા, પપ્પાજીને કેવું લાગશે ?’’

વસુમાએ સ્મિત કરીને શ્રેયાના ગાલ પર હાથ મૂક્યો, ‘‘બેટા, આવજો અહીં પણ કહેવાનું છે અને આવજો ત્યાંથી પણ કહેવાનું છે. સામાન ખૂબ છે, કારણ વગર ગાડીમાં... તું, અજય, જાનકી, અભય... અને પાછા આવતા કદાચ અલય પણ.’’

‘‘પણ મા, પપ્પાજી...’’

‘‘એ જાણે છે મને, ઓળખે છે અને હવે તો સમજે પણ છે...’’

‘‘ગાડી સુધી તો...’’ વસુમા કશું જ બોલ્યાં વિના શ્રેયા સાથે ચાલવા લાગ્યાં. બંને ગાડી સુધી આવ્યાં.

શ્રેયા આગળ જઈને ડ્રાઈવિંગ સીટ પર બેસી ગઈ. અજય પણ ડેકી બંધ કરીને અભયની બાજુમાં બેસી ગયો. જાનકી શ્રેયાની બાજુમાં ગોઠવાઈ. લક્ષ્મી પણ એ જ ગાડીમાં બેસી ગઈ.

‘‘વસુ...’’ શ્રેયાની ગાડીની પાછળ ઊભેલા સૂર્યકાંતે વસુમાની આંખોમાં જોયું, ‘‘એરપોર્ટ તો નહીં આવે તું...’’ ઊંડો નિઃશ્વાસ નાખીને ઉમેર્યું, ‘‘જાણું છું.’’

‘‘કાન્ત, તમને ફરક પડતો હોય તો...’’

‘‘ના, ના... એટલા માટે નથી કહેતો. જતી વખતે તારો ચહેરો હમણાં જ નજરમાં ભરી લેવો કે હજી એરપોર્ટ સુધી જોઈ શકીશ તને એટલું જ સમજવા માગતો હતો.’’

‘‘કાન્ત, અલય આવશે કદાચ.’’

‘‘ન પણ આવે તો મને માઠું નહીં લાગે. એને કહેજે કે મેં છેલ્લી ઘડી સુધી એની રાહ જોઈ.’’ એમનું ગળું સહેજ ભરાઈ આવ્યું, ‘‘રોહિત અને અલય બંને...’’

બંને જણા ખાસ્સી ક્ષણો એમ જ ચૂપચાપ ઊભા રહ્યા. એકબીજાની આંખોમાં જોતાં, અશબ્દ...

પછી સૂર્યકાન્તને અચાનક શું થયું કોને ખબર, એમણે વસુમાને ખેંચીને પોતાની પાસે લીધાં અને એકદમ જ એમને ભેટી પડ્યા. થોડીક ક્ષણો સ્તબ્ધ થઈ ગયેલાં વસુમા શું કરવું એ સમજી ના શક્યા. પછી હળવેથી એમણે પણ સૂર્યકાંતની પીઠી પર હાથ મૂકી દીધા. સૂર્યકાંતના હાથ વસુમાની પીઠ ઉપર એમના વાળમાં, એમના ખભે એવી રીતે ફરતા રહ્યા જાણે વસુમાના સ્પર્શની યુગોની તરસ છીપાવતા હોય.

વસુમાનો લાગણીભર્યો હાથ પણ હળવે હળવે, મૃદુતાથી સૂર્યકાંતની પીઠ પસવારતો રહ્યો.

રીઅર વ્યૂ મિરરમાંથી આ દૃશ્ય જોઈ રહેલી શ્રેયાએ અને જાનકીએ પોતપોતાની રીતે આંસુ લૂછી કાઢ્યાં. લક્ષ્મી તો રડી જ પડી. એનાથી બોલ્યા વિના ના રહેવાયું, ‘‘ઓલ વેલ, ધેટ્‌સ એન્ડ વેલ.’’

અભય અને અજય બંને આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

ઓટલા પર ઊભેલી વૈભવીને મોઢું મચકોડ્યું અને મનોમન કમેન્ટ કરી, ‘‘આખી જિંદગી એકબીજાનું મોઢું ના જોયું અને હવે ઘેલા કાઢે છે.’’

બંને જણા છૂટા પડ્યાં ત્યારે સૂર્યકાંતની આંખો છલછલાઈ આવી હતી. વસુમા શાંત અને સંયત હતાં, પરંતુ એમની આંખોમાં પણ આછી ભીનાશ તરવરી ઊઠી હતી.

‘‘વસુ, તું મને ચાહે કે નહીં, હું તને ખૂબ ચાહું છું. તું મને મિસ કરીશ કે નહીં, હું તને ખૂબ મિસ કરીશ અને તું મને કહે કે નહીં, હું તને ફરી એક વાર કહું છું કે મારે બાકીની જિંદગી તારી સાથે જીવવી છે...’’ આટલું બોલીને સૂર્યકાંત આંસુ લૂછતા અભયની ગાડીમાં પાછળ બેસી ગયા.

‘‘ચાલો.’’ એમણે કહ્યું.

ગાડીઓ ઘરની સામેથી મુખ્ય રસ્તા તરફ ચાલી નીકળી.

વસુમા ગાડીઓ આંખથી ઓઝલ થઈ ત્યાં સુધી ત્યાં જ ઊભાં રહ્યાં અને પછી ધીમા પગલે પગથી પર થઈને શ્રીજી વિલાના ઓટલા પર આવ્યાં.

જાણે ખાલી ઘરમાં જતાં અચકાતાં હોય એમ ઘડી ભર ઓટલા પર જ ઊભા રહી ગયાં. એમની અંદરનું વજન કે ખાલીપો સમજ્યા વગર વૈભવીએ બોલી નાખ્યું, ‘‘શું ફાયદો કર્યો ? ગયાં હોત તો પપ્પાજીને સારું લાગત.’’

‘‘કોઈને સારું લગાડવા માટે કંઈ પણ કરવાની મનોવૃત્તિમાંથી હું બહાર નીકળી ગઈ છું વૈભવી.’’ વસુમાને ખરેખર જવાબ આપવાની ઇચ્છા નહોતી, પરંતુ એમને લાગ્યું કે આ વાતનો જવાબ નહીં આપવાથી વાત અહીં પતશે નહીં, ‘‘હું કંઈ પણ કરું કે ના કરું, તો એ એટલા માટે, કારણ કે એ મારી ઇચ્છા છે.’’

‘‘આવા લોકોએ જંગલમાં જઈને રહેવું જોઈએ. માણસોથી દૂર, એકલા-અટૂલા.’’

‘‘હું એમ જ રહું છું બેટા ! એને માટે જંગલમાં જવાની જરૂર નથી.’’ વસુમાએ માર્દવથી વૈભવીની સામે જોયું અને જાણે છેલ્લું વાક્ય બોલતાં હોય એમ ઉમેર્યું, ‘‘જે છે તેનું સુખ માણવું અને જે નથી તેનો અફસોસ કર્યા વિના આગળ નીકળી જવું, એ જ જીવવાનો સરળ રસ્તો છે દીકરા.’’

‘‘બરાબર છે. હવે તમારા દીકરાએ લફરું કર્યું એટલે તમને ફિલોસોફી જ સૂઝે ને ?’’ વૈભવીએ ‘જે છે અને નથી’નાં વાક્યોને સીધેસીધા અભય અને પોતાની સાથે જોડ્યાં, ‘‘તમારો ઉછેર, તમારા સંસ્કાર, તમારું શિક્ષણ, તમારો ન્યાય ક્યાં ગયું બધું ? ક્યાં ગઈ એ તમારી મોટી મોટી વાતો, જેમાં તમે દીકરી અને વહુને સમાન અધિકારો આપવાની વાત કરો છો ? રાજેશભાઈએ આવું કર્યું હોત તો તમે આવું જ વર્તન કર્યું હોત ?’’ વૈભવીએ પોતાનો આક્રોશ ઠાલવ્યો.

‘‘બેટા, તમને શ્રદ્ધા પડે કે નહીં, પણ મેં એ લોકોના અંગત સંબંધ અંગે આવું જ વલણ અખત્યાર કર્યું હોત. મારા માટે તમારી અને અંજલિ વચ્ચે ખરેખર કોઈ તફાવત નથી.’’ વસુમાની આંખોમાં સચ્ચાઈની અને વહાલની ચમક હતી, પણ વૈભવી તો અભય જે રીતે ગયો એ પછી ખરીખોટી કરી નાખવાના જ મૂડમાં હતી.

‘‘હું નથી માનતી. તમે મારી અને અંજલિ વચ્ચે ઘણા તફાવત રાખ્યા છે.’’

‘‘ઘણાતો નહીં, પણ હા, એક બાબતમાં મેં ભેદ રાખ્યો છે.’’ વસુમાએ વૈભવીની સામે જોયું, ‘‘ અંજલિ રાજેશ સાથે, જે રીતે તમે અભય સાથે વર્તો છો એમ વર્તતી હોત તો મેં ન જ ચલાવ્યું હોત. તમે કોઈનાં દીકરી છો. એટલે તમને કશું ના કહેવું એમ પણ, અને તમારી પાસે આ રીતે વર્તવા માટે તર્ક અને કારણો હશે એમ માનીને મેં તમને ક્યારેય એ અંગે કશું કહ્યું નહોતું.’’

‘‘બરાબર છે, હરીફરીને દોષનો ટોપલો તો મારા જ માથે આવશે ને ? હું તમારી જગ્યાએ હોત અને આદિત્યએ એવું કર્યું હોત તો જાહેરમાં એક તમાચો મારી દેત...’’ વૈભવીની આંખો લાલ લાલ થઈ ગઈ હતી. એ રડી પડવાની તૈયારીમાં હતી.

વસુમાના ચહેરા પર સ્મિત આવી ગયું. વૈભવી વધુ ગુસ્સે થઈ ગઈ.

‘‘બહુ આનંદ થતો હશે નહીં તમને? મને હારેલી, તૂટેલી જોઈને. તમે તો અભયનો જ સાથ આપશો એવી ખાતરી છે મને. સ્ત્રી થઈને સ્ત્રીના સન્માનની રક્ષાની વાતો કરશો, પણ પોતાના ઘરમાં જ ભેદભાવ રાખવાના. મારો દીકરો આવું કરત તો ુહું આદિત્યને ઘરમાંથી કાઢી મૂકતા પણ અચકાત નહીં.’’

‘‘બેટા, ઘરમાંથી તો હું આ પળે કાઢી મૂકું... પણ એથી તો એને જે જોઈએ છે તે મળશે !’’ વૈભવીની આંખો પહોળી થઈ ગઈ. આ રીતે તો એણે વિચાર્યું જ નહોતું. વસુમાએ એટલા જ શાંત અવાજે ઉમેર્યું, ‘‘સવાલ તો એને ઘરમાં કઈ રીતે રાખવો... એ છે ! ખરું કે નહીં? ’’

‘‘મા !’’

‘‘વૈભવી, તમને નહીં ગમે છતાંય એક ફિલોસોફીની વાત કહી દઉં, કશું તોડી નાખવું, છોડી દેવું, કાઢી મૂકવું કે છૂટાપડી જવું બહુ સરળ હોય છે. એક જ વાર દુઃખ થાય, અને સાથે સાથે આપણે સામેની વ્યક્તિને છોડી દીધાની, અહં પંપાળ્યાની લાગણી પણ પોષાય.’’

વૈભવી સ્તબ્ધ થઈને જોઈ રહી એમની સામે.

‘‘બેટા, અઘરું તો એ છે કે સામેની વ્યક્તિ દુનિયાના કોઈ પણ ભાગમાં રહે, તમારી નજર સામે રહે કે ના રહે, એને તમારી કરીને રાખવી. એને તમારા સિવાય બીજો કોઈ વિચાર ના આવે, એવી સંબંધનું નિર્માણ કરવું. એ જ્યારે સુખ શોધે ત્યારે એને ફક્ત તમારો વિચાર આવે, અને એ જ્યારે તકલીફમાં હોય અને પીડામાં હોય ત્યારે પણ એને તમારા સિવાય બીજું કંઈ ન સૂઝે...’’ એક ક્ષણ માટે એમણે વૈભવીની આંખોમાં આંખો પરોવી, ‘‘વૈભવી, જિંદગી કરી દેખાડવું, બતાડી આપવું, હરાવી દેવું કે છોડી દેવા જેવી બાબતોથી ઘણી વધુ વિશાળ અને ઘણી વધુ અગત્યની છે...’’ પછી વૈભવીના ખભે હાથ મૂકીને ખભો થપથપાવ્યો, ‘‘વિચારજો.’’

અને સડસડાટ અંદર ચાલી ગયાં.

મુખ્ય દરવાજામાંથી અંદર દાખલ થતાં જ એમણે જોયું કે અંજલિએ કપડાં બદલીને નાઇટ સૂટ પહેરી લીધો હતો. ડાઇિંનગ ટેબલ પર બેઠેલી અંજલિ જોરજોરથી ‘ના’માં ડોકું ધુણાવતી હતી. એના માથા પર હાથ ફેરવતો રાજેશ લાડથી પોતાના હાથમાં પકડેલો દૂધનો ગ્લાસ એના મોઢા પાસે ધરીને એને પીવા સમજાવી રહ્યો હતો.

વસુમા થોડીક વાર આ દૃશ્ય જોઈને અટક્યાં. આટલાં વર્ષોમાં કોઈ દિવસ નહીં ને આજે જ, કોણ જાણે કેમ એમને અલય પોતાના પેટમાં હતો ત્યારના દિવસો સાંભરી આવ્યા. એક અભાવની લાગણી એમના મનને અડી-ના અડી, ને એમણે ખંખેરી નાખી. પછી, આગળ વધ્યાં. રાજેશના માથા પર હાથ ફેરવ્યો,

‘‘અંજુ દીકરા...’’ એમની નજર હજુ રાજેશના ચહેરા પર જ હતી, ‘‘આટલો સ્નેહ, આટલું વહાલ અને આટલી સંભાળ લેનારા બહુ મુશ્કેલીથી મળે છે જીવનમાં... એને સામે બધું બમણું કરીને આપજે.’’

અને, ભરાયેલા ગળે સડસડાટ પોતાના ઓરડામાં ચાલી ગયાં.

અંજલિને કોણ જાણે શું થયું તે દૂધનો ગ્લાસ મોઢે માંડીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

‘‘તારાં આંસુ દૂધમાં પડે છે.’’ રાજેશે અંજલિના ગાલ પર હાથ ફેરવ્યો, ‘‘દૂધ ખારું થઈ જશે.’’

અંજલિ ભીની આંખે હસી પડી.

ગુસ્સામાં અને અકળામણમાં ઘરમાં દાખલ થતી વૈભવીએ આ કરુણ-મંગલ દૃશ્ય જોયું. ખભા ઉલાળ્યા અને છણકો કરીને ઉપર જતી રહી.

પોતાના ઓરડામાં પહોંચતાં જ એને બંને બાળકોની પ્રેગનન્સી વખતે અભયે કરેલા લાડ યાદ આવ્યા અને બદલામાં પોતે અભય સાથે કઈ રીતે વર્તતી રહી એ વિચારીને એને રડવું આવી ગયું. એ પલંગ પર ઊંધી પડીને ક્યાંય સુધી રડતી રહી.

ટ્રાફિકમાં ફસાયેલો અલય એરપોર્ટ ઊતર્યો ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જનારાઓની ભીડથી એરપોટર્ ભરેલું હતું. કેટલાય લોકો ટેક્સીઓમાંથી ઊતરતા હતા. કેટલીયે ગાડીઓ સગાંવહાલાંને ઉતારીને આગળ વધી જતી હતી.

‘‘આ ભીડમાં ક્યાં શોધીશ એ બધાને ?’’ અલયની અકળામણનો પાર નહોતો. એણે મોબાઇલ કાઢીને નંબર જોડ્યો.

‘‘અલય ! ક્યાં છે તું ?’’ શ્રેયાના અવાજમાં ઉચાટ હતો.

‘‘એરપોર્ટ ઉપર.’’

‘‘થેન્ક ગોડ, આખરે પહોંચી ગયો. અમે પાંચ મિનિટમાં પહોંચીશું. તું સિંગાપોર એર લાઇન્સ માટેના ગેટ નંબર ૨-સી પર ઊભો રહે. અમે પહોંચીએ જ છીએ. ’’ ફોન કપાઇ ગયો.

અલય જઈને ડિપાર્ચર માટેના ગેટ ૨-સી પાસે ઊભો રહ્યો. એનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. અનુપમાના શબ્દો એના મનોમસ્તિષ્કમાં પડઘાઈ રહ્યા હતા, ‘‘જા, જઈને કહી દે તારા બાપુને કે તેં આખી જિંદગી એમની રાહ જોઈ છે. ઝંખ્યા છે એમને... જિંદગીના પ્રત્યેક પગલે તને એમની ખોટ સાલી છે...’’

અલય આવતી-જતી દરેક ગાડી ડૂમો ભરાયેલા ગળે અને ગોરંભાયેલી આંખે જોતો રહ્યો.

પાંચ મિનિટમાં શ્રેયાની ગાડી આવી. સામાન લઈ ટ્રોલીમાં મૂકી લક્ષ્મી આગળ વધી.

‘‘ભાઈ...’’ લક્ષ્મી અલયને ભેટીને ફરી રડવા લાગી. પછી હળવેથી છૂટી પડી અને આજુબાજુમાં જોઈને પોતે જ સાંભળી શકે એટલા ધીમેથી બોલી, ‘‘નીરવ આખરે ન જ આવ્યો.’’

સૂર્યકાંત લક્ષ્મીની બાજુમાં આવીને ઊભા રહ્યા. એમણે અલયની સામે જોયું. બે જણની આંખો મળી અને અલય કંઈ સમજે તે પહેલાં એની અંદરથી એક ધક્કો આવ્યો. એ સૂર્યકાંતને ભેટી પડ્યો.

‘‘બાપુ...’’ અલયને ખૂબ રડવું હતું, પણ કોણ જાણે કેમ એ રડી ના શક્યો. સૂર્યકાંતનો હાથ ક્યાંય સુધી અલયની પીઠ પર મૃદુતાથી ફરતો રહ્યો. એક પણ અક્ષર બોલ્યા વિના અલય ખાસ્સી ક્ષણો એમને ભેટીને ઊભો રહ્યો.

સામાન લઈને આવેલા અજય અને અભયની આંખો પલળી ગઈ.

જાનકી અને શ્રેયા પણ રડવું રોકી ના શક્યાં.

પણ અલય... પોતાની અંદરથી પથ્થર ફોડીને કોઈ ઝરણું વહી નીકળે એની રાહ જોઈ જોઈને થાક્યા પછી હળવેથી છૂટો પડ્યો. ડૂમાથી એની છાતી ભીંસાઈ જતી હતી. શબ્દો એના મોઢામાંથી બહાર નહોતા નીકળતા અને છતાં એની આંખો તદ્દન કોરી, રેતાળ હતી...

સૂર્યકાંતે એના માથે હાથ ફેરવ્યો અને એક જ વાક્ય કહી શક્યા, ‘‘તારી માનું ધ્યાન રાખજે બેટા, હું એને તારા ભરોસે મૂકીને જાઉં છું.’’

પોતાના ઓરડામાં બેઠેલાં વસુમાએ ઠાકોરજીને હાથ જોડ્યા અને મનોમન પ્રાર્થના કરી, ‘‘મારા વહાલા, એમની જિંદગીમાં આવેલાં તમામ વિઘ્નો દૂર કરીને સૌને સુખ-શાંતિ આપજે.’’

વસુમાની બંધ આંખોમાંથી સરકી પડેલાં આંસુનાં બે ટીપાં કૃષ્ણમૂર્તિનાં ચરણ પખાળી રહ્યાં. (ક્રમશઃ)