પ્રેમનું વર્તુળ - ૧૧ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું વર્તુળ - ૧૧

પ્રકરણ-૧૧ વૈદેહીની નિષ્ફળતા

ઘણા વખતે આજે વૈદેહી એના માતાપિતાના ઘરે લાંબો સમય રોકાઈ શકાય એમ આવી હતી. એ અને સુરુચિ બંને ઘણા સમયે શાંતિથી ભેગા થયા હતા. વૈદેહી પિયરમાં રહેવાની મજા માણી રહી હતી. એ આવી એને લગભગ ચાર દિવસ જેવું થઇ ગયું હતું. પાંચમાં દિવસે એનું ફોરેસ્ટ ઓફિસરનું રીઝલ્ટ આવવાનું હતું, જેની એ અને રેવાંશ બંને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
અંતે ઇન્તઝાર કી ઘડિયા ખત્મ હુઈ અને એ દિવસ આવી જ ગયો. વૈદેહી એ રીઝલ્ટ જોવા સાઈટ ખોલી. પરંતુ નેટવર્ક બરાબર ન હોવાને કારણે સાઈટ ખુલી રહી નહોતી. એટલે એણે રેવાંશને ફોન કર્યો અને કહ્યું, મારું રીઝલ્ટ જોઈ આપોને. મારે અહી ખુલતું નથી. સામે છેડેથી રેવાંશે જવાબ આપ્યો, “મેં ક્યારનું જોઈ લીધું છે. અને તમે ફેઈલ થઇ ગયા છો.”
માત્ર એટલું જ કહી અને રેવાંશએ ફોન મૂકી દીધો. વૈદેહીના પગ તળેથી જમીન સરકી ગઈ. એને લાગ્યું હતું કે, એ પાસ થઇ જશે. પરંતુ એ નિષ્ફળ થઇ હતી. એ પછી એણે ફરી રેવાંશ ને ફોન કર્યો પરંતુ સામે છેડેથી કોઈ જ પ્રત્યુતર ના મળ્યો. એ વારંવાર રેવાંશને ફોન કરતી રહી પરંતુ એણે વૈદેહીના એક પણ ફોન ઉપડ્યા નહિ. એટલે વૈદેહીએ ફોન મુકી દીધો. એણે મહેકને ફોન કર્યો. મહેક એ ફોન તો ઉપાડ્યો પરંતુ મહેક પણ એને પ્રેમમાં નિષ્ફળતા મળવાને કારણે દુઃખી હતી જે વાતથી વૈદેહી બિલકુલ અજાણ હતી. એટલે વૈદેહી મહેકને ફોન કરીને એટલું પૂછ્યું કે, રેવાંશ કેમ મારી જોડે વાત નથી કરતા?”
મહેકે કહ્યું, “ભાભી, એ તમારા ફેઈલ થવાથી ખુબ દુઃખી થયો છે. એને એમ હતું કે, તમે પાસ થઇ જશો પરંતુ એ શક્ય બન્યું નથી. બને તો તમે અહી જલ્દી આવી જાવ. બધું સરખું થઈ જશે.”
“હા, સારું. હું કાલે જ આવી જાવ છું.” એટલું કહી અને વૈદેહીએ ફોન મૂકી દીધો. આ બધી વાતથી વૈદેહીના માતાપિતા બિલકુલ અજાણ હતા. ફોન મુકીને વૈદેહીએ જવાની વાત કરી એટલે માનસીબહેને કહ્યું, “બધું બરાબર તો છે ને બેટા? કેમ એટલી જલ્દી જવાની વાત કરે છે?”
“હા, મમ્મી, બધું બરાબર જ છે. પણ હવે મારે ઘરે જવું છે.” એટલું કહી માનસી ત્યાંથી બીજા રૂમમાં ચાલી ગઈ અને તકિયા નીચે માથું છુપાવી રડવા લાગી. પરંતુ માનસીબહેનથી વૈદેહીનું દુઃખ છાનું રહ્યું નહિ. એ સમજી ગયા કે, કઈક તો ગડબડ છે. એ પણ વૈદેહીની પાછળ રૂમમાં આવ્યા. વૈદેહી ત્યાં રડી રહી હતી. માનસીબહેને એના માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું, “શું વાત છે દીકરા? પરીક્ષામાં ફેઈલ થઇ એનું દુઃખ થયું છે? પણ પરિક્ષામાં ફેઈલ થવાથી કઈ તું એટલું બધું ના રડે. રેવાંશ જોડે કઈ ઝગડો થયો છે?”
“ના, ના કઈ નથી મમ્મી. એ તો બસ એમ જ.” વૈદેહી બોલી.
“બેટા, હું જોઈ રહી છું કે, જ્યારથી તારું રીઝલ્ટ આવ્યું છે ત્યારથી તું રેવાંશ જોડે વાત નથી કરી રહી. શું વાત છે બેટા?” માનસી બહેને પૂછ્યું.
હવે વૈદેહીથી ના રહેવાયું એટલે એ એકદમ રડવા લાગી અને બોલી, “મમ્મી, રેવાંશ મારા ફોન જ નથી ઉપાડતા. એ મારી જોડે વાત જ નથી કરતા. એટલે મારે કાલે જ ઘરે જવું છે.”
“સારું, તું કાલે જતી રહેજે. તારા પપ્પા ટીકીટ કરાવી આપશે.” માનસીબહેનને અત્યારે પતિ પત્નીના ઝગડામાં વચ્ચે પડવું યોગ્ય ન લાગ્યું. અને આમ પણ એમને પોતાની દીકરી પર વિશ્વાસ હતો કે, એ લડી લેશે. એટલે બીજા દિવસે એમણે રજતકુમાર ને કહીને વૈદેહીની ટીકીટ બુક કરાવી આપી.
શું રેવાંશના અબોલા વૈદેહી જોડે તૂટશે? વૈદેહીનું ફરી સાસરામાં કેવી રીતે સ્વાગત થશે? જયારે વૈદેહી પિયર આવી ત્યારે શું બની રહ્યું હતું રેવાંશના ઘરમાં? એની વાત આવતા અંકે....