kaya shixshan no mahima ane kaya shixsanu gaurava - Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

ક્યા શિક્ષણનો મહિમા અને ક્યા શિક્ષણનું ગૌરવ? – દિવ્યેશ ત્રિવેદી

થોડા દિવસ પહેલા આપણી ઉજવણીશૂરી પ્રજાએ ‘શિક્ષક દિન’ ઊજવ્યો. સ્કૂલ કૉલેજોમાં એક દિવસ માટે વિદ્યાર્થીઓ શિક્ષક બની ગયા. કેટલેક ઠેકાણે ભાષણબાજીઓ થઈ. અને શિક્ષણનું નિકંદન કાઢી રહેલા થોડાક દંભીઓએ બરાડા પાડીને શિક્ષણનો મહિમા ગાયો. અને શિક્ષણના ગૌરવની છળકપટભરી વાતો કરી. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવો પણ આવા કર્મકાંડોમાં જોડાઈને સચિવોએ લખી આપેલા, ડાહ્યાડમરા શબ્દોનું રટણ કરી ગયા. ટીવી પર અને અખબારોમાં એ ભાષણો છપાયાં અને શિક્ષકનું ગૌરવ લીધાનો લાંબોલચક ઓડકાર લઈ લીધો. હવે આવતા વર્ષે પાછો શિક્ષક દિન એટલે આપણે શિક્ષણ અને શિક્ષકની ફરી એક વાર બૂરી વલે કરી શકીએ.

આપણે જે બાબતનું ગૌરવ જાળવવામાં નિષ્ફળ જઈએ છીએ એને ઉજવણીમાં ફેરવી નાંખીએ છીએ. આ એક પ્રકારની સામાજિક અને રાજકીય ચાલબાજી છે, જે આપણને બરાબર ફાવી ગઈ છે. નશાબંધીનો અમલ ચાલુ હોય ત્યાં જ ધૂમ દારૂ પીવાતો અને પીવડાવાતો હોય છે. એની આપણને જાણ હોય છે. એટલે જ આપણે ‘નશાબંધી સપ્તાહ’ ઉજવીએ છીએ. શિક્ષક અને શિક્ષણનું પણ આવું જ છે. આપણામાં હવે તો એવી ય હિંમત નથી રહી કે આપણે આપણી જાતને એવું પૂછીએ કે આ બધું નાટક આપણે ક્યા ધોરણે કરીએ છીએ? ક્યા શિક્ષણનો આ મહિમા કરાય છે અને ક્યા શિક્ષકના ગૌરવનો દંભ થઈ રહ્યો છે? શિક્ષણને પવિત્ર વ્યવસાય ગણવતા આપણી જીભ સૂકાતી નથી. પરંતુ એ યાદ રાખવા જેવું છે કે શિક્ષણ સાથે વ્યવસાય શબ્દ જોડીને આપણે સિફતપૂર્વક ‘પવિત્ર’ શબ્દની ઠંડે કલેજે હત્યા કરી નાંખી છે. આજે તો જ્યાં જુઓ ત્યાં શિક્ષણના એ શબ પર બેસીને ગીધડાં મિજબાનીઓ જ માણે છે.

ઘણી વાર એવું લાગે છે કે આપણી પાસે આપણા ભવ્ય ભૂતકાળને વાગોળવા સિવાય અને આપણી ઉત્તમોત્તમ પરંપરાઓને યાદ કરીને આપણા ફેફસાં ખાલી કરવા સિવાય ભાગ્યે જ કશું બચ્યું છે. શિક્ષણમાં પણ કંઈક આવું જ બનેલું દેખાય છે. શિક્ષણનો આપણો ભવ્ય ભૂતકાળ અને શિક્ષણની આપણી ઉત્તમોત્તમ પરંપરાઓ ખરા અર્થમાં તો આજની ઘડીએ આપણને સખત અને સખત રીતે પજવનારી બની રહેવી જોઈએ. તક્ષશિલા અને નાલંદા જેવાં નામો બોલવાનો અધિકાર પણ આપણે ગુમાવી ચૂક્યા છીએ. ગુરૂકુળોની પરંપરાઓને આપણે ઉચ્છેદી નાખી છે. દ્રોણાચાર્ય જેવો શિક્ષક, જનક વિદેહી જેવો પરીક્ષક, ચાણક્ય જેવો વિદ્વાન સંમાર્જક, પુરનૈયા પંડિત જેવો પથદર્શક કે છેલ્લા કાળમાં રાધાકૃષ્ણન્ જેવો ચિંતક આપણી પ્રેરણાના દાયરામાંથી બહાર છે. વૃક્ષ નીચે કુદરતને ખોળે ધૂણી ધખાવીને વિદ્યાદાન કરવાની વાતો આપણને હાસ્યાસ્પદ લાગે છે. શિક્ષણ સાથે જોડાયેલા ‘વ્યવસાય’ શબ્દને ય એટલો સડો લાગ્યો છે કે આજે એને ‘ધંધો’ કહીને ઓળખાવીએ તો ય એનો પરિચય અધૂરો રહે છે.

સ્કૂલ હોય કે કૉલેજ, આજે એણે એક દુકાનનું સ્વરૂપ લીધું છે. ચાર ચોપડી ભણેલો વેપારી આ ક્ષેત્રમાં આવી ગયો છે અને શટર ખોલીને બેસી ગયો છે. એ દુકાનમાં બધું જ ચાલી શકે છે, માત્ર શિક્ષણને જ સ્થાન નથી. શિક્ષણને ધંધાનું સ્વરૂપ આપવા માટે શિક્ષક, વિદ્યાર્થી અને છેવટે તંત્ર વહન કરતી સરકાર પણ એટલી જ જવાબદાર ઠરે છે. ભણાવવા જેવી પવિત્ર પ્રવૃત્તિને પરવાનગી અને મંજૂરીઓનો લકવા લાગ્યો છે. માની લઈએ કે વિકસતા સમાજમાં કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી હોય છે. અને એ માટે ક્યારેક નિયમો તો ક્યારેક નિયમનો પણ જરૂરી બને છે. પરંતુ એ બધું જ વ્યવસ્થાને સ્વસ્થ બનાવવાને બદલે ઉધઈ લગાવવાનું નિમિત્ત બને ત્યારે તો એવી ધૂંસરીઓને ફગાવ્યે જ છૂટકો થાય. પરવાનગીઓ અને મંજૂરીઓએ જ ભ્રષ્ટાચાર જન્માવ્યો છે, પોષ્યો છે અને ફેલાવ્યો છે. આ આરોપનામાનો જવાબ આપવાની કોઈનામાં તાકાત રહી નથી. પરવાનગીઓ આપનારાઓને પાયાની શરતોના પાલનમાં રસ નથી. એમને તો એમના અંગત સ્વાર્થોમાં રસ છે. એટલે જ તેઓ નિયમોને ઘોળીને પી જઈ શકે છે. મકાન પણ ન હોય એ જગ્યાએ સ્કૂલ – કૉલેજની માન્યતા મળી જાય છે, જ્યાં દારૂના અને જુગારના અડ્ડા ચાલતા હોય ત્યાં શિક્ષણનું ધામ (કહો કે કબ્રસ્તાન) બનાવવાની છૂટ અપાય છે, ત્રણ વર્ષ સુધી ગ્રાન્ટ નહીં આપવાના નિયમનો છડેચોક ભંગ કરીને ક્યારેક આ જૂથના તો ક્યારેક પેલા જૂથના દબાણને તો વળી ક્યારેક બહુમતીના નામે ગ્રાન્ટ પણ આપી દેવાય છે. શિક્ષકની ભરતી માટે લેવાતા પચાસ હજારથી બે લાખ રૂપિયામાં આ બધાં જ હિંસક વરૂઓની ભાગીદારી હોય છે. યથા રાજા તથા પ્રજા એવી ઉક્તિ શિક્ષણમાં પણ સતત સાર્થક થતી જોવા મળે છે.

એક કાળે કહેવાતું હતું કે શિક્ષણની બાબતમાં આપણો દેશ અજોડ છે. ‘સ્વં સ્વં ચરિતમ્ શિક્ષેરન્ પૃથિવ્યામ્ સર્વ મનવાઃ’ એ વાતનું આપણને ગૌરવ હતું. આજે વાત સાવ જ ઊલટાઈ ગઈ છે. આપણા શિક્ષણનું કોઈને કશું ગૌરવ નથી. કોણે કર્યા આવા હાલહવાલ શિક્ષણના? કોઈ એક વ્યક્તિ કે વર્ગ પર આંગળી મૂકીને વાત કરવાનું મુશ્કેલ બની ગયું છે. સૌ સરખાં સામેલ છે. આમ છતાં થોડુંક વિચારવા બેસીએ તો શિક્ષકને દોષ દેવાનો વારો આવી જાય છે. શિક્ષકની જે વિભાવના હતી એવો શિક્ષક સર્ચલાઈટ લઈને શોધવા જઈએ તો પણ મળે એમ નથી. લાખ કે બે લાખ રૂપિયા આપીને નોકરી મેળવનાર શિક્ષક ટ્યુશનિયો ન બને તો જ નવાઈ લાગે. આખરે એણે પણ પેટ ભરવાનું છે. કાયદાએ શિક્ષકને નોકરીની સલામતી બક્ષી છે. એટલે એક વખત શિક્ષક બની ગયા પછી શિક્ષણ શબ્દને દફનાવી દેતાં એને મૂંઝારો અનુભવાતો નથી. સંચાલકને એના પૈસા મળી ગયા પછી શિક્ષક ભણાવે છે કે નહીં અને ભણાવે છે તો શું ભણાવે છે એ પૂછવાની કે જોવાની જરૂર જણાતી નથી. એને મન વિદ્યાર્થીઓની સંખ્યા, મસ્ટરમાં શિક્ષકની સહી, સરકારની ગ્રાન્ટ અને ગોરખધંધાની આવક કરતાં વિશેષ મહત્ત્વનું કંઈ જ હોતું નથી. શિક્ષકને પૂછનાર કોણ છે? ટ્યુશનનું કારખાનું ચાલતું રહે છે, વેકેશનની રાહ જોવાય છે, મોંઘવારી ભથ્થાંના આંકડા મૂકાય છે અને પૈસા વધી પડે ત્યારે સ્ટાફરૂમમાં જ્ઞાન – ચર્ચાનું સ્થાન શૅરબજારમાં કઈ કંપનીના શૅરમાં કેવા પ્રોસ્પેક્ટસ્ એની ચર્ચા લઈ લે છે.

સ્કૂલોની અને કૉલેજોની કામગીરી પર દેખરેખ રાખવાની જેમની જવાબદારી છે એવા તંત્રવાહકોને પણ શિક્ષણના ચોખલિયાવેડામાંથી રસ ઊડી ગયો છે. ભણવું અને ભણાવવું એ સિવાયની બધી જ બાબતો પર તેઓ દેખરેખ રાખે છે. લેતીદેતીના વ્યવહારોમાં એમનો રસ બેવડાતો રહે છે. નવું સત્ર ખૂલે ત્યારે પરવાનગીઓ અને માન્યતાઓની ટંકશાળ ખૂલે છે અને સત્ર સમાપ્ત થાય ત્યારે પરીક્ષાની મોસમ ચાલે છે. ભણનારા અને ભણાવનારા બંને પરીક્ષાલક્ષી બની ગયા છે. એક એક માર્કનો ભાવ બોલાય છે. માર્કને આપણે ગુણ કહીએ છીએ, પરંતુ શિક્ષણનો એ જ સૌથી મોટો અવગુણ બની ગયો છે.

બદીઓ અને બદબૂઓ ફેંદીને શિક્ષકની નોકરી મેળવી લેનારમાંથી સતત બદબૂ આવ્યા કરવાનું ખરું કારણ કદાચ શિક્ષકની પોતાની જાત સાથેની પ્રામાણિકતા પરનું પૂર્ણવિરામ છે. નોકરી ભલે એ રીતે મળી, પરંતુ એનામાં શિક્ષકત્ત્વ પ્રગટતું નથી. એ બેંક-ક્લાર્ક કે મિલ-મજદૂરથી વિશેષ ક્શું બની જ શકતો નથી. જે વ્યક્તિ પોતાની જાત પ્રત્યે થોડીક પણ પ્રમાણિક હોય છે એ કમ સે કમ પોતાને મળેલા સ્થાન માટેની સજ્જતા તો કેળવે જ છે. આજના શિક્ષકને એ જ વાતની ખબર નથી કે શિક્ષકે ભણાવવા માટે ભણવું જરૂરી છે. એ પોતે ભણતો નથી માટે ભણાવી શકતો નથી. અમદાવાદની એક કૉલેજમાં ચોવીસ વર્ષથી ગુજરાતી શીખવતા એક અધ્યાપકને પૂછ્યું કે ‘લક્ષ’ અને ‘લક્ષ્ય’ વચ્ચે શું તફાવત? એ મહાન આત્માએ સહેજ પણ વિચાર કર્યા વિના મોંમાં મસાલો ચાવતાં ચાવતાં જવાબ આપ્યો, “કોઈ ફેર નથી. બંનેનો અર્થ એક જ છે!” સાદું સંશોધન કરીએ તો પણ આવા જ શિક્ષકો અને અધ્યાપકોની બહુમતી દેખાય છે.

થોડા સમય પહેલાં કેટલીક કૉલેજોના આચાર્યો ભેગા મળ્યા હતા અને વિદ્યાર્થીઓના ઉધ્ધત તથા અવિનયી વર્તન વિષે એમણે વ્યાપક બળાપો વ્યક્ત કર્યો હતો. કૉલેજમાં વિદ્યાર્થીઓ વિનય – વિવેક ચૂકે છે, અધ્યાપકો સામે ગમે તેમ વર્તે છે, આચાર્ય સામે ક્યારેક મુક્કો પણ ઉગામે છે, કૉલેજ કૅમ્પસમાં તોફાન મચાવે છે અને વર્ગમાં હાજરી આપતા નથી અથવા આપે છે તો શિક્ષક કે અધ્યાપકનો હૂરિયો બોલાવવા જ આપે છે. એમની આવી ફરિયાદોમાં વજૂદ હોવા છતાં એમને એક સવાલ પૂછવો જોઈએ કે, એ લોકો આમ કેમ કરે છે એ વિષે કદી કોઈએ આત્મમંથન કર્યું છે ખરું?

શિક્ષક કે અધ્યાપક વર્ગમાં જઈને શું આપે છે? એક કલાક ભણાવવા માટે જે શિક્ષક ચાર કલાક ભણતો નથી એનો હૂરિયો બોલાવાતો હોય તો એમાં બહુ ઓછું આશ્ચર્ય છે. હજુ હમણાંની જ વાત છે. પ્રોફેસર ફિરોઝ કાવસજી દાવર, પ્રોફેસર એસ. આર. ભટ્ટ કે પ્રોફેસર નિરંજન ભગતના વર્ગોમાં હૂરિયો બોલાવાતો હતો ખરો? દંતકથા જેવી સાચી વાત તો એ છે કે પ્રોફેસર દાવર કે એસ. આર. ભટ્ટ્નો પિરિયડ ભરવા માટે બીજા વર્ગના નહિ, બીજી કૉલેજના વિદ્યાર્થીઓ પણ ચૂપચાપ આવીને બેસી જતા હતા. એમણે ક્યારેય વિદ્યાર્થીઓના અવિનયની ફરિયાદ કરવી પડી નહોતી, કારણકે તેઓ પોતે સજ્જ હતા. અને શસ્ત્રસજ્જ સૈનિકનો મુકાબલો કરતાં પહેલાં ગમે તેવા મહાવીરને પણ બે ઘડી વિચારવું પડતું હોય છે.

શિક્ષક પાસે પાંચ ‘વ’ની અપેક્ષા રખાય છે. વિવેક, વિનય, વાણી, વર્તન અને વ્યવહાર. આ પાંચે ય ‘વ’ શોધ્યા જડતા નથી. કૂવામાં જ પાણી ન હોય ત્યારે એ હવાડામાં ક્યાંથી આવવાનું હતું? ગાંધીજી કહેતા હતા કે વ્યભિચારી શિક્ષક વિદ્યાર્થીને શું શિક્ષણ આપવાનો હતો? ગાંધીજીને કદાચ ‘વ્યભિચારી’ શબ્દનો શબ્દકોષીય અર્થ અભિપ્રેત નહીં હોય. શિક્ષક પેલા પાંચ ‘વ’ ચૂકે, સજ્જતા ગુમાવે અને પોતાના શિક્ષકત્ત્વના આચારથી ચલિત થાય એ જ વ્યભિચાર એવો અર્થબોધ આ ક્ષણે ગાંધી વિધાનમાંથી થાય છે.

ગાંધીજી ભલે શિક્ષણશાસ્ત્રી નહોતા પરંતુ એમના હ્રદયમાં શિક્ષણનો મહિમા અને શિક્ષણની ચિંતાને ઊંચું સ્થાન હતું. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણની વાત કરી હતી. તેઓ શિક્ષણને હ્રદયની કેળવણી કહેતા હતા. હ્રદયમાં લાગણી હોય ત્યાં સુધી ઠીક છે. અત્યારે તો હ્રદયની શિરાઓ અને ધમનીઓમાં ખણખણિયાંનું જ પંમ્પિંગ થાય છે અને એથી જ દિવસે દિવસે શિક્ષણ શબ્દની ચારેકોર કાળાં વાદળાં જામતાં દેખાય છે તથા આદર્શ શિક્ષકનો ચહેરો કાળો પડતો જાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED