આજે ફરીથી એની યાદ આવી પણ આ વખતે એની યાદ મારી આંખોમાં આંસુ ના લાવી કે ના મનમાં ઉદાસી અનુભવાઈ. બસ એક અલગ જ શાંતિ હતી મારા મનમાં જાણે હવે બધું મૂકી દેવું છે. બહું થયો આ દેહનો સાથ હવે આ આત્માના સથવારે એની પાસે જવું છે. પણ એની પાસે જવું કેવી રીતે એ તો મારાથી ખૂબ જ દૂર છે. મે સામેથી એણે મારાથી દૂર કરી છે અને હું એ પણ જાણું છું કે એ મને ક્યારેય માફ નહિ કરે. માફી માંગુ તો પણ ક્યાં મોઢે માફી માંગવી મારે, કદાચ એ હક પણ હું ગુમાવી ચૂક્યો છું.
છતાં પણ હૃદયના એક નાનકડા ખૂણામાં હજીએ એની યાદોને સંઘરી રાખી છે. જ્યારે પણ એની યાદ આવે ત્યારે એ યાદોને ફરીથી જીવી લઉં છું અને મનોમન એણે યાદ કરી લઉં છું. હજીએ યાદ છે મને જ્યારે એ પહેલીવાર મળી હતી મને, એક નિર્દોષતા હતી એની આંખોમાં, એની સરળતા જોઈને જ તો મારું મન એના તરફ ખેંચાવા લાગ્યું હતું. એ જ્યારે પણ મારી પાસે હોય ત્યારે બધું જ શાંત લાગતું, એના વ્યક્તિત્વ ની અસર હતી એ કે ક્યારેય એની સામે મે ગુસ્સો નથી કર્યો.
એ મને હંમેશા કહેતી કે ગમે તે થાય તું આમ જ રહેજે ક્યારેય બદલાતો નહિ. જ્યારે મનમાં ને મનમાં હું બોલી જતો કે તું હંમેશા મારી સાથે રહેજે તો હું આમ ને આમ જ રહીશ છેલ્લા શ્વાસ સુધી આમ જ રહીશ.
પણ એક દિવસ એવો આવ્યો કે એ મારાથી દુર થઇ ગઇ.
મારી એક નાનકડી ભૂલની કે મજાકની મને આટલી મોટી સજા મળી કે એ દિવસે જ્યારે મે એણે હંમેશા માટે ખોઈ દીધી. જ્યારે એણે એના મારા પ્રત્યેના પ્રેમની સાબિતી આપી. એ દિવસે હું ખૂબ જ ખુશ હતો કારણ કે મારા ઘરેથી અમારા લગ્ન માટે હા કહી હતી પણ ત્યારે જ મારા એક મિત્રના કહેવાથી એના પ્રેમની પરિક્ષા લેવાનું વિચાર્યું. હજીએ કઈ મોડું નહોતું થયું એટલે નક્કી કર્યું કે આજે સાબિતી લઈ જ લેવી.
મારા મિત્રએ મારા ફોનથી એણે ફોન કરી કહ્યું કે મારો અકસ્માત થયો છે અને હાલત ખૂબ જ ગંભીર છે. આ સાંભળતા જ એ મારી પાસે આવવા નીકળી ગઈ, હું ક્યાં છું એ મેસેજ એણે કરી દીધો હતો એટલે અમે પહેલાથી જ ત્યાં જવા નીકળી ગયા. અમારે જાણવું હતું કે એના હાવભાવ શું છે.
જ્યારે એ ત્યાં આવી ત્યારે હું રોડની આ બાજુ ઉભો હતો. જેવી જ એની નજર મારા પર પડી એ મારી તરફ દોડી, એણે એ પણ ના જોયું કે રોડ પર વાહનોની અવરજવર ચાલુ છે અને એક પર ઝડપે આવતી કાર સાથે એ અથડાઈ ગઈ. આ બધું એટલી જલ્દી બની ગયું કે હું કઈ જ વિચારી ન શક્યો.
જ્યારે એ એના છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે એની આંખોમાં ગુસ્સો નહોતો ફક્ત પ્રેમ હતો અને ખુશી હતી કે હું સહી સલામત છું અને એના આખરી સમયે હું એની સાથે છું.
એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી કે મે એના પ્રેમની પરિક્ષા લીધી. હવે એણે મળીને મારી આ ભૂલની માફી માંગી એણે મારી બનાવવી છે. આ દુનિયામાં નહિ તો એ જે દુનિયામાં છે એ દુનિયામાં જઈને અને એની માફી માંગી હમેશાં એની સાથે રહેવું છે. પછી ક્યારેય એનો સાથ નથી છોડવો.
- કિંજલ પટેલ (કિરા)