વ્યક્તિ પોતાના કર્મોથી મહાન બને છે. પરંતુ સામાન્ય માણસથી મહાન વ્યક્તિત્વ ધારણ કરવાનો જે રસ્તો છે એ ખુબ જ કંટકોની ભરેલો હોય છે.આ માર્ગ પર ચાલતી વખતે કોઈ પણ સાથે નથી હોતું. વ્યક્તિ મહાન ત્યારે બને જ્યારે તે પોતાને સંપૂર્ણ રીતે સમાજને સમર્પિત કરી દેતો હોય છે. પોતાની જાતને ઘસી નાખીને બીજાને સુખી કરીને સમાજમાં પરોપકારની સુવાસ ફેલાવવાવાળી વ્યક્તિઓ માટે કહેવાય છે કે,
" જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે,
ઘસીને જાતને સંતો, અન્યને સુખિયા કરે "
ભારતમાં મહાત્મા ગાંધી કરતાં પણ પહેલા એક મહાત્મા થઈ ગયા જેમણે પોતાનું સમગ્રજીવન સમાજના પછાત વર્ગ, દલિતો, શોષિત અને પીડિતોના ઉદ્ધાર માટે ખર્ચી નાખ્યું. સતત સંઘર્ષમય જીવન જીવીને ગરીબ તેમજ પછાત વર્ગને સમાજમાં સમાન અધિકાર અને સમાન મોભો મળે તે માટે વર્ષ ૧૮૭૩ માં ' સત્યશોધક સમાજ ' ની સ્થાપના કરનાર મહાત્મા એટલે જ્યોતિબા ફુલે. નામ તો ખરેખર જ્યોતિરાવ ફુલે હતું પરંતુ પોતાના કર્યોથી સમાજમાં મહાત્મા જ્યોતિબા ફુલે તરીકે ઓળખાયા.૧૮૨૭ માં મહારાષ્ટ્રના સતારાના કટગાંવમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા જ્યોતિબા એ સમયે ભારતીય સમાજમાં ચાલતા જાતિવાદ, માનવ માનવ વચ્ચે આભડછેડ, એ સમયે પોતના ચરમ પર પહોંચેલા છૂત અછૂતના દુષણને દુર કરવા તથા મહિલાઓના અધિકાર માટે સતત કાર્યરત રહ્યા હતા. તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલે પણ તેમની સાથે તેમના સમાજસેવાના કાર્યમાં ભાગીદાર હતા. સાવિત્રીબાઈ એટલે ભારતમાં નારીવાદની ( ફેમિનિઝમ ) માતા. સાવિત્રીબાઈને પ્રાથમિક શિક્ષણ તેમના પતિ જ્યોતિબાએ જ આપ્યું હતું. ખેતરમાં આંબાના ઝાડ નીચે, આંબાની જ ડાળખી વડે જ્યોતિબા સાવિત્રીબાઈ અને તેમના ફોઈ સગુણાબાઈ ને ધૂળમાં ‘ ક- ખ- ગ ‘ લખીને અક્ષરજ્ઞાન આપતાં હતાં. એ વખતે કદાચ સાવિત્રીબાઈને ખ્યાલ પણ નહિ હોય કે તેઓ માત્ર ધૂળમાં જ ‘ ક- ખ- ગ ‘ નથી લખતાં પરંતુ એક નવો ઇતિહાસ લખી રહ્યા છે.
સાવિત્રીબાઈને શિક્ષણનું એવું તો ઘેલું લાગ્યું કે તેઓ ભણવામાં જ વ્યસ્ત રહેતાં અને તેમને થતું કે બીજી છોકરીઓ પણ તેમની જેમ ભણે. શરૂઆતમાં તેઓ અડોશપડોશની છોકરીઓને ભણાવતાં. આપણને એમનું જે કામ અત્યારે પુણ્યનું કામ લાગે છે એ જ કામને એ જમાનામાં સામાજિક પરંપરા તોડવાના ઘોર અપરાધ તરીકે જોવામાં આવતો. એ જમાનામાં મહિલાઓ પર ખુબ જ આકરા પ્રતિબંધ હતા. મહિલાનું સ્થાન માત્ર ઘરની ચાર દીવાલોમાં જ છે એમ મનાતું હતું અને શિક્ષણ લેવું એ પાપ ગણાતું. સાવિત્રીબાઈનું કામ એ સમયે લોકો પાપની નજરે જોતા હતા. સમાજમાં તેમના કામનો ખુબ જ વિરોધ થયો. લોકો તેમને અપમાનિત કરવાં લાગ્યાં. જ્યોતિબા અને સાવિત્રીબાઈ જે ઘરમાં રહેતાં હતાં એ ઘર તેમના પિતા ગોવિંદરાવની માલિકીનું હતું. ગોવિંદરાવ આમ તો ઉદાર માણસ હતા, પરંતુ સમાજના વિરોધ આગળ ઝાઝું ટકી શક્યા નહિં અને એક દિવસ એમણે જ્યોતિબા અને સાવિત્રીબાઈને રોકડું પરખાવ્યું, " તમારું છોકરીઓને ભણાવવાનું કામ છોડી દો, નહિં તો ઘર છોડી દો. " ફુલે દંપતીએ બીજો વિકલ્પ સ્વીકારીને ઘર છોડી દીધું. ઘરની બહાર પગ મૂકતાં જ ફુલે દંપતીને જાણે સ્વતંત્રતા મળી ગઈ હોય એમ પોતાનું સેવા કાર્ય પૂરજોશમાં શરૂ કર્યું.
બેઘર થયેલા ફુલે દંપતીને એક મુસ્લિમ વ્યક્તિએ પોતાના ઘરમાં આશરો આપ્યો. જ્યોતિબાના મિત્ર ઉસ્માન શેખે તેમને પોતાના ઘરમાં કન્યા કેળવણીનું કામ આગળ ધપાવવા માટે છૂટ આપી અને એટલું જ નહિ, પોતાની બહેન ફાતિમા બેગમને પણ એ કામમાં સાથ આપવા કહ્યું.ફાતિમા પણ થોડું ઘણું લખવાં વાંચવાનું જાણતી હતી એટલે એણે ખુબ જ ઝડપથી શિક્ષણ મેળવી લીધું. સાવિત્રીબાઈ અને ફાતિમા બેગમે એ સમયે પુણેની ' નોર્મલ સ્કુલ ' માં શિક્ષિકા બનવાનો કોર્સ પૂરો કર્યો અને એ સમયે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોને એક સાથે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકાઓ મળી. સાવિત્રીબાઈ ભારતમાં પ્રથમ મહિલા શિક્ષિકા બન્યાં અને ફાતિમા બેગમ પણ ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા બન્યાં. ૧૮૪૮માં સાવિત્રીબાઈ અને ફાતિમા બેગમે કન્યા કેળવણીનું બીડું ઝડપ્યું અને શરૂઆતમાં પાંચ મહિલા શાળાઓની સ્થાપના કરી. આ શાળાઓમાં મુખ્યત્વે ગરીબ અને પછાત વર્ગની કન્યાઓને પ્રવેશ આપવામાં આવતો. પરંતુ સંઘર્ષની કહાની હજુ બાકી હતી. સૌ પ્રથમ તો તેમને સ્થાનિક લોકોનો જ વિરોધ સહન કરવો પડ્યો. મહિલાઓને ભણાવવાની વાત સાંભળીને જ લોકો ઉકળી પડતાં અને હિંસા પર ઉતરી આવતાં. જ્યારે પણ સાવિત્રીબાઈ અને ફાતિમા બેગમ ગામડાઓમાં છોકરીઓને ભણાવવા જાય ત્યારે પોતાની બેગમાં એક સાડી વધારાની મૂકી રાખતાં. જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતાં તો લોકો એમને ભગાડવા એમની પર કાદવ કીચડ, ઉડાડતાં અને પથ્થર પણ ફેકતાં. શાળાએ પહોંચીને તેઓ પોતાની કાદવ અને લોહીથી ખરડાયેલી સાડી બદલીને તરત જ ભણાવવાનું શરૂ કરી દેતાં.
સાવિત્રીબાઈની લડાઈ ફક્ત સમાજના રૂઢિચુસ્ત માન્યતાઓ પ્રત્યે જ નહોતી, તેમની લડાઈ તો જાતિવાદ, ધર્મભેદ અને એ જમાનામાં પોતાના ચરમ પર પહોંચેલા છૂતઅછૂતનાં ભેદ સામે પણ હતી.તેમને ગરીબ-અમીર, દલિત-સવર્ણ જેવી માનવ-માનવ વચ્ચે ઊભી થયેલી દીવાલ તોડવાનું પણ કામ કર્યું. ફાતિમા બેગમે પણ કટ્ટર મુસ્લિમોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જેણે કાંઈ કરવાનું નક્કી કરી જ લીધું હોય એની સામે સમાજના મોટા મોટા વિરોધ પણ પાણી ભરે છે.કવિ નર્મદે પણ કહ્યું છે કે,
" કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો "
એ સમયે ભલે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હોય પરંતુ હાલના સમયમાં મહારાષ્ટ્રમાં સાવિત્રીબાઈ ફુલેનું નામ ખુબ જ આદરભાવથી લેવામાં આવે છે. વર્ષ ૧૯૯૮ માં ભારત સરકારે સાવિત્રીબાઈના સન્માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આજે તેમના નામના અનેક રસ્તાઓ અને અનેક ચોક મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ૩ જાન્યુ. ૧૮૩૧ માં જન્મેલા સેવાની મૂર્તિ એવા સાવિત્રીબાઈ વર્ષ ૧૮૯૭ માં પુણેમાં ફાટી નીકળેલાં પ્લેગના રોગચાળા સમયે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને પ્લેગના દર્દીઓની સેવા કરવા લાગ્યાં અને સેવા કરતાં કરતાં તેમને પણ પ્લેગનો ચેપ લાગ્યો. છેવટે તેમના સેવા યજ્ઞમાં તેમણે પોતાની જ આહુતિ આપીને ૧૦ માર્ચ, ૧૮૯૭ માં આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું.
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
Mo :- 9687809977
Email :- parthbloggspot18@gmail.com