યોગ-વિયોગ
કાજલ ઓઝા વૈદ્ય
પ્રકરણ -૪૧
ઘસઘસાટ ઊંઘતા સૂર્યકાંતનો મોબાઇલ ક્યારનો રણકી રહ્યો હતો.
લક્ષ્મીએ ઘડિયાળમાં જોયું. ત્રણ ને ચાળીસ.
‘‘૦૦૧, ઘરેથી ?’’ લક્ષ્મીએ ફોન ઉપાડ્યો, ‘‘હા મધુકાંતભાઈ...’’
‘‘લક્ષ્મી બેટા... રોહિતને... રોહિતને...’’
‘‘શું થયું રોહિતને ?’’ લક્ષ્મીએ લગભગ ચીસ પાડી.
સૂર્યકાંત ગભરાઈને બેઠા થઈ ગયા.
‘‘શું થયું બેટા ? કોનો ફોન છે ?’’ એમણે ઘડિયાળમાં જોયું અને ફોન લીધો. આંખો ચોળી ચશ્મા પહેર્યા, ‘‘બોલો મધુભાઈ.’’
‘‘ભાઈ, બાબાને પોલીસ લઈ ગઈ છે.’’
‘‘એ તો થવાનું જ હતું મધુભાઈ.’’ લક્ષ્મીને પિતાના અવાજની સ્વસ્થતાથી નવાઈ લાગી, ‘‘કેમ કરતાં થયું બધું ?’’
‘‘રોહિતબાબા મારા ઘરે આવ્યા હતા. પૈસા માગ્યા, હું તમારી રજા વિના કેમ આપું ? એમણે બંદૂકના ધડાકા કર્યા... પછીતો ભાઈ હુંય કંઈ કરી શકું એમ નહોતો.’’
‘‘તો હવે ?’’
‘‘ખબર નથી ભાઈ, પણ મને લાગે છે લાઇસન્સ વગરની બંદૂક, લૂંટનો કેસ અને નશો... બહુ કેસ બનશે બાબા સામે.’’
‘‘ટૂંકમાં હું પાછો આવી જાઉં ?’’
‘‘શું કહું ભાઈ ? ત્યાંની સ્થિતિ જાણતો નથી... પણ મને લાગે છે કે...’’
‘‘મધુભાઈ, ખૂલીને વાત કરો.’’
‘‘ભાઈ, ઓફિસનાં ઘણાં કામ એમ ને એમ પડ્યાં છે. એમાં આ રોહિતબાબાએ... મહિનો થવા આવ્યો ભાઈ, પાછા તો આવવું જ પડશે.’’
સૂર્યકાંત જાણે અન્યમનસ્ક થઈ ગયા. એ પછી મધુભાઈએ શું કહ્યું એ એમને સમજાયું જ નહીં અથવા સંભળાયું નહીં...
‘‘ભલે. હું કાલે જ નીકળું છું.’’ એમણે લક્ષ્મીના હાથમાં ફોન આપ્યો.
‘‘મધુકાકા, રોહિતનું ધ્યાન રાખજો. અમે... અમે પહોંચીએ છીએ.’’ લક્ષ્મીએ ફોન કાપ્યો અને ટેબલ પર પડેલા ફ્લાસ્કમાંથી પાણી લઈ પિતાના હાથમાં ગ્લાસ પકડાવ્યો. સૂર્યકાંત હાથમાં ગ્લાસ પકડી જાણે શૂન્યમાં તાકી રહ્યા હતા.
‘‘બેટા, મને લાગે છે મારે તો જવું પડશે. મધુભાઈની વાત સાચી છે. પરમ દિવસે એક મહિનો થશે આપણને આવ્યે... તું ઇચ્છે તો...’’
‘‘ના ડેડી, હું તમારી સાથે જ આવીશ. આવી પરિસ્થિતિમાં હં તમને એકલા તો ન જ જવા દઉં.’’
‘‘પણ તું આવીને શું કરીશ ત્યાં ? નીરવ અહીં છે... તારે ઘણા નિર્ણયો કરવાના છે.’’
‘‘ડેડી, હું તમને ઓળખું છું. આ પરિસ્થિતિમાં ત્યાં તમે એકલા...’’
‘‘જેમ તું ઠીક સમજે તેમ.’’ સૂર્યકાંત પાણી પીને આડા તો પડ્યા, પણ હવે બાપ-દીકરીની આંખમાંથી ઊંઘ ઊડી ગઈ હતી. બંને સવાર પડવાની રાહ જોવા લાગ્યાં.
‘‘ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સહેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે...’’
વસુમાનો અવાજ બગીચામાં ગૂંજવા લાગ્યો હતો. સૂર્યકાંત ફ્રેશ થઈને નીચે ઊતર્યા. લક્ષ્મી પણ જાગતી હતી, પણ એણે વસુમા અને સૂર્યકાંતને એકલા છોડી દેવાનું યોગ્ય સમજ્યું અને પડી પડી નીરવ સાથે કઈ રીતે વાત કરવી એ વિચારવા લાગી.
અભય જાગી ગયો હતો. બાજુમાં ઘસઘસાટ ઊંઘતી વૈભવીની સામે જોઈ રહ્યો હતો. એના મનમાં હજાર વિચારો આવતા હતા.
‘‘શા માટે આ સંબંધ આવી રીતે વણસી ગચો ?... પ્રેમલગ્ન કરીને પરણેલાં અમે બંને લગ્નના બે દાયકામાં એકબીજાથી આટલા દૂર કેવી રીતે થઈ ગયા ?’’ એણે વૈભવીના ચહેરા પર હાથ ફેરવ્યો.
એ વૈભવીને ધિક્કારી નહોતો શકતો.
એના સ્વભાવ મુજબ વૈભવીના મનમાં શું થતું હશે એ વિચારીને એને દુઃખ થતું હતું.
‘‘આ દુનિયામાં કોઈ માણસ એકબીજાને ધિક્કારવા માટે તો લગ્ન નથી જ કરતાં.’’ અભય છત તરફ જોઈ રહ્યો હતો. એની નજર સામે જાણે બનેલા પ્રસંગો એક પછી એક ફિલ્મની પટ્ટીની જેમ ચાલતા હતા. જિંદગી જીવતા જીવતા જિંદગીની ઝડપમાં પોતે એવો તો અટવાયો હતો કે આટલી શાંતિથી વિચારવાનો ક્યારેય સમય કાઢી જ નહોતો શક્યો એ.
‘‘કદાચ હું ત્યારેય વૈભવીને પ્રેમ નહોતો કરતો, પરંતુ વૈભવીના પિતાના ઉપકારો સામે ના કહેવાની હિંમત નહોતી મારી...’’ અભયનો મનોમન સંવાદ ચાલતો હતો, ‘‘પણ એમાં વૈભવીનો શું વાંક ?’’ એના જ મને એને સવાલ પૂછ્યો.
‘‘એ તો આવી જ હતી પહેેલેથી... પ્રિયા મળ્યા પછી અચાનક જ તને વૈભવી સામે વાંધા પડવા માંડ્યાં ? ખરું પૂછો તો માએ ગઈ કાલે કહેલી એ વાત સાચી છે. આ પરિસ્થિતિને અહીં સુધી લાવવા માટે હું જ જવાબદાર છું... વૈભવીને સજા કરવાનો શું અધિકાર છે મને?’’ અભય વધુ ને વધુ ગૂંચવાતો જતો હતો.
નીચે વસુમાનો અવાજ ગૂંજતો હતો,
‘‘અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગેથી...
ન માગે દોડતું આવે...’’
અભયને જાણે પોતાના સવાલોનો જવાબ મળી ગયો.
‘‘વૈભવી મારી જવાબદારી છે. જિંદગીના બબ્બે દાયકા મારી સાથે જીવી છે એ. એ જેવી છે તેવી જ રહેવાની છે. એને બદલવાનું કે ફરિયાદો કરવાનો પ્રયાસ કરવાના બદલે મારે પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું રહ્યું...’’ એ ઊભો થયો અને વોશબેસિન તરફ ગયો. તાજા ઠંડા પાણીની છાલક ચહેરા પર વાગતાં એને જરા સારું લાગ્યું, ‘‘ને પ્રિયા પણ મારી જ જવાબદારી છે. પ્રેમ કરે છે મને... હવે એ બંનેનું સહઅસ્તિત્વ મારી જિંદગીનો ભાગ છે અને મારે એ ગોઠવવું જ રહ્યું. બેમાંથી કોઈને તકલીફ ના પડે એમ...’’
અભય જાણે એકદમ તાજો થઈ ગયો હતો. મન પર કેટલાય દિવસથી ઝળૂંબતો ભાર અચાનક જ ઊતરી ગયો. એણે ઊંઘતી વૈભવીના ચહેરા પર ફરી એક વાર હાથ ફેરવ્યો. એના ચહેરા પર આવી ગયેલા વાળ સરખા કર્યા.
ઘસઘસાટ ઊંઘમાં પણ વૈભવી જાણે અભયને સ્પર્શ અનુભવી શકી હોય એમ એના ચહેરા પર શાંતિના ભાવ આવી ગયા. એ પડખું ફરીને સૂઈ ગઈ અને અભય નીચે ઊતરી ગયો.
સૂર્યકાંત બગીચામાં પહોંચ્યા ત્યારે વસુમા તન્મય થઈને પારિજાતનાં છોડ પરથી ખરી પડેલાં ફૂલો વીણી રહ્યાં હતાં. એમના હાથમાં નાનકડી વાંસની છાબ હતી અને ગળામાં સુંદર ભજન...
એમની આછા ગુલાબી રંગની લખનવી ભરતની સાડી અને બંધ ગળાનો સફેદ બ્લાઉઝમાં એે પારિજાતનાં ફૂલો જેટલાં જ તાજાં અને સુગંધી દેખાતાં હતાં. વાળ ધોયા હતા કદાચ. એટલે ભીના વાળ ખુલ્લા હતા... નિતંબથી નીચે પહોંચતા લગભગ બધા જ કાળા વાળમાં ક્યાંક ક્યાંક આછી સફેદી ઝળકી જતી હતી.
સૂર્યકાંતને જોઈને એમની આંખોમાં આશ્ચર્ય આવ્યું.
‘‘કાન્ત ! આટલા વહેલા ?’’
‘‘થોડી વાત કરવી છે વસુ.’’
‘‘બોલોને.’’ સૂર્યકાંત વસુંધરાની સામે જોઈ રહ્યા. આજે આ ઉંમરે પણ આ સ્ત્રીના ચહેરા પર નમણાશ અને સ્ત્રીત્વ ઊભરાઈ પડતું હતું. આછા સુકાયેલા, આછા ભીના વાળમાં જાણે એ કોઈ ચિત્રમાં ચીતરેલી સુંદરી હોય એવા દેખાતાં હતાં. ચામડીની કુમાશ અને તાજા સ્નાનને કારણે ચમકી રહેલી ત્વચા એમની ઉંમરનાં દસ-બાર વર્ષ તો ખાઈ જ જતા હતા.
‘‘કાન્ત ! ક્યાં ખોવાઈ ગયા ?’’
‘‘તારામાં.’’ સૂર્યકાંતે બહુ જ સાહજિકતાથી કહ્યું, ‘‘તું હજીયે એટલી જ અને એવી જ સુંદર છે વસુ.’’
‘‘તમારે કંઈ વાત કરવાની હતી.’’ વસુમાના અવાજમાં આ ઉંમરે પણ ભારોભાર સ્ત્રીત્વનો સંકોચ હતો.
‘‘મારે તરત પાછા જવું પડે એમ છે.’’ સૂર્યકાંત પથ્થરની બેઠક પર બેસી ગયા. વસુમા ફૂલો વીણવાનું છોડીને છાબ પથ્થરના ટેબલ પર મૂકીને એમની સામે ગોઠવાયાં.
‘‘કેમ ?’’ એમના અવાજમાં ચિંતા હતી, ‘‘બધુ કુશળ તો છે ને ?’’
‘‘નથી. રોહિત જેલમાં છે.’’
‘‘ઓહ !’’ આગળ શું બોલવું એ વસુમાને સૂયું નહીં, કદાચ.
‘‘વસુ, પિતા વગરનાં ચાર ચાર સંતાનોને તેં સુંદર રીતે ઊછેરીને સાબિત કરી દીધું કે એક મા પિતા વિના કુટુંબ ચલાવી શકે છે... અને હું... એક દીકરાને પણ...’’ સૂર્યકાંતના અવાજમાં ભારોભાર અફસોસ હતો, ‘‘કરોડોની મિલકત છે સ્મિતાની, કોને સોંપીશ ? શું કરીશ એનું ?’’
‘‘ઈશ્વરમાં શ્રદ્ધા રાખો.’’
‘‘વસુ, તું માને છે એટલી સરળ વાત નથી. અમેરિકામાં કાયદા સાવ જુદા અને કડક છે. વળી, બધું જ હોવા છતાં અશ્વેત લોકો માટે ત્યાં જરા જુદી જ વર્તણૂક થાય છે.’’
‘‘શું કરશો તમે કાન્ત ?’’
‘‘કોને ખબર. પહોંચું એટલે સમજાશે. લાખો ડોલરનું આંધણ ને તોય બદનામી તો થવાની જ. અમેરિકાનો ગુજરાતી સમાજ બહુ નાનો છે વસુ. અહીંથી બે-ત્રણ દાયકા પહેલાં ગયેલા ગુજરાતીઓનાં માનસ ત્યાં જ ફ્રીઝ થઈ ગયાં છે... સંસ્કૃતિ સાચવવાના ઉધામામાં વધુ ને વધુ સંકુચિત થતો જાય છે ત્યાંનો સમાજ...’’
‘‘તો ?’’ વસુમાને સૂર્યકાંતની આ વાતનો સંદર્ભ સમજાયો નહીં.
‘‘નથી પૂરા ભારતીય રહી શકતા કે નથી પૂરા અમેરિકન બની શકતા અમે... રોહિત પણ એ બેની વચ્ચે અટવાઈને રહી ગયો છે. એનો ને મારો સંબંધ ડોલર માગવાનો અને ડોલર આપવાનો જ રહ્યો છે... એ માને છે કે મેં એની મા સાથે લગ્ન કરીને એની સંપત્તિ પડાવી લીધી.’’ સૂર્યકાંત આંખમાં છલકાઈ આવેલી ભીનાશ છુપાવવા બીજી બાજુ જોઈ ગયા.
‘‘પણ કાન્ત, તમે એની સાથે વાત કરો, સમજાવો એને.’’
‘‘બહુ પ્રયાસ કર્યા છે, પણ એ વારે વારે સ્મિતા સાથેના મારા લગ્નની સમજૂતીને આગળ ધરે છે...’’
‘‘જુઓ કાન્ત, હું તો પૂરી વિગત જાણતી નથી.’’ ઘડીક શ્વાસ લીધો એમણે. વાત કઈ રીતે કહેવી એ ન સમજાતું હોય એમ છાબમાં પડેલાં પારિજાતનાં ફૂલો સાથે એમની આંગળીઓ રમત કરતી રહી. પછી ઊંડો શ્વાસ લઈને ઝૂકેલી નજરે જ ઉમેર્યું, ‘‘સ્મિતા સાથેનાં લગ્ન...’’
‘‘એક સમજૂતી હતાં. મને અમેરિકન પાસપોર્ટ જોઈતો હતો, ત્યાં વસી જવા માટે અને લક્ષ્મી સ્મિતાના પેટમાં હતી.’’
‘‘એટલે તમે...’’ વસુમા હજીયે આંખ ઊંચી નહોતાં કરી શકતાં, પરંતુ હાથમાં પકડેલાં પારિજાતનાં ફૂલોની મુઠ્ઠી વળાઇ ગઈ એમનાથી.
‘‘હું આવ્યો એ જ દિવસે કહેવા માગતો હતો તને. પણ તેં કદાચ...’’ સૂર્યકાંતે હળવેકથી મુઠ્ઠી છોડાવીને એમનો હાથ પોતાના હાથમાં પકડ્યો, ‘‘સાંભળવાની જરૂરિયાત નહીં અનુભવી હોય...’’
‘‘સ્મિતાને એના ઘરડા પિતા સામે એના ઉદરમાં આકાર લઈ રહેલા બાળક માટે એક પિતા જોઈતો હતો... ને મારે અમેરિકન પાસપોર્ટ.... લેવડ-દેવડથી આગળ કશુ ંજ નહોતું શરૂઆતમાં.’’
‘‘ઓહ !’’ વસુમાનો નિઃશ્વાસ હતો કે આ સાંભળીને એમને રાહત થઈ એ સૂર્યકાંત ના સમજી શક્યા.
‘‘રોહિત અને એક મહિનાની લક્ષ્મીને મારા ખોળામાં નાખીને સ્મિતા ગઈ... એ જાણતી હતી કે એ નહીં બચે...’’
‘‘કાન્ત !’’ વસુમાની આંખો છલછલાઈ આવી હતી, ‘‘આટલું બધું એકલા જ સહેતા રહ્યા ? ક્યારેક લખ્યું હોત... કહ્યું હોત મને તો ?’’
‘‘કયા મોઢે ?’’ સૂર્યકાંત વસુમાનો હાથ પંપાળી રહ્યા હતા.
‘‘પહેલાં યશોધરા અને પછી સ્મિતા...’’ એમણે વસુમાના ચહેરા પર નજર નોંધી, ‘‘હું તને ભૂલી નથી શક્યો વસુ, એક ક્ષણ માટે પણ નહીં. ક્યારેક મારો અપરાધભાવ રોકતો રહ્યો તો ક્યારેક મારો અહં. ક્યારેક જવાબદારીઓએ પગમાં બેડી નાખી તો ક્યારેક તારા જાકારાના ભયે હું અટકી ગયો...’’ એમણે ખાસ્સી ક્ષણોના મૌન પછી હળવેકથી કહ્યું, ‘‘હવે જતાં જતાં આટલી વાત થઈ ગઈ તો જાણે જે ભાર લઈને આવ્યો હતો એ મૂકીને જાઉં છું એનો સંતોષ છે.’’
‘‘કાન્ત, જે સ્થિતિ છે એમાં રોકાઈ જાવ એમ તો કેમ કહું ?’’ એમની છલછલાઈ આવેલી આંખો ચૂવા લાગી હતી, ‘‘પણ આ ઘર તમારું છે. આ તમારો પરિવાર છે... જ્યારે મન થાય ત્યારે...’’
‘‘તારે કહેવું પડશે ? હવે ?’’ સૂર્યકાંતની આંખોમાં પણ પાણી ઊભરાઈ આવ્યાં હતાં, ‘‘કેવું છે નહીં વસુ, હાથમાંથી સરકી ગયેલાં વર્ષોની કિંમત જ્યારે સમજાય ત્યારે દસ ગણી થઈ જાય છે... મેં જે ખોયું છે એ તો આ જન્મમાં ભરપાઈ નહીં થઈ શકે, પણ છતાંય હિંમત કરીને પૂછું છું, હું લઈ જાઉં તો આવીશ મારી સાથે અમેરિકા?’’
વસુમા જોઈ રહ્યાં સૂર્યકાંત સામે, પછી ‘ના’માં ડોકું ધુણાવ્યું.
‘‘આ જમીનમાં મારાં મૂળ બહુ ઊંડાં ઊતરી ગયાં છે કાન્ત, આ બગીચો, આ બંગલી, આ પથ્થરની બેઠક... સવારનો સાડા આઠના નાસ્તાનો અફર નિયમ... ને મારા ઠાકોરજી... આ બધાને મૂકીને કેમ આવું ?’’
‘‘ને હું ? હું કંઈ નથી તારા માટે ? તારા ઠાકોરજીએ જ આટલા વર્ષે પાછા મેળવ્યા છે આપણને.’’ આંખમાં સરકી પડેલાં આંસુ લૂછીને સૂર્યકાંતે વસુમાનો હાથ મજબૂતીથી પકડ્યો, ‘‘સાથે જીવવાનું મન નથી થતું વસુ ? જિંદગીનાં છેલ્લાં વર્ષો એકબીજાના ટેકે, એકબીજાના સહારે જીવવાની ઝંખના નથી તને ?’’
‘‘કાન્ત, સહારા બધા છૂટી ગયા છે ને ટેકા હવે નથી લેવા.’’ વસુમાના અવાજમાં ફરી એ જ સ્વસ્થતા પાછી આવી ગઈ.
‘‘વસુ, હું હજીયે સમજી નથી શકતો કે આ તારું સ્વમાન છે કે અભિમાન... ક્યારેક ખૂબ માન થાય છે તારા માટે ને ક્યારેક એવો તો ક્રોધ આવે છે...’’
‘‘કાન્ત, સંબંધોનું સત્ય જ આ છે... આ અભિમાન કે સ્વમાન નથી, સ્વતંત્રતા છે મારી.
‘‘એટલે ? હવે તું ફરી પરતંત્ર થવા નથી માગતી એમ તો નથી કહેતી ને ?’’
ખડખડાટ હસી પડ્યાં વસુમા. એમની મોતીના દાણા જેવી શ્વેત દંતપંક્તિઓ જોઈ રહ્યા સૂર્યકાંત, ‘‘હવે તારી લાગણીનો દુરુપયોગ નહીં કરું હું એટલો તો વિશ્વાસ રાખ.’’
‘‘કાન્ત, કોઈ પણ તમારી મરજી વિના તમારો દુરુપયોગ કેવી રીતે કરી શકે ? તમારા દુઃખનું કારણ તમે પોતે છો. કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ આપે છે, કારણ કે તમને એની પાસે કંઈ લેવા જાવ છો. તમે જે માગો છો તેના બદલામાં એ તમારી પાસે બીજું કંઈ માગે છે. આ લેવડ-દેવડમાં જ્યારે તમને તમારી અપેક્ષિત વસ્તુ મળતી બંધ થઈ જાય છે ત્યારે તમને છેતરાયાની, એક્સપ્લોઇટ થયાની લાગણી થાય છે અને ત્યારે તમારામાં ભય જન્મે છે અને ભય તો હવે મને કશાયનો નથી જોઈતો કાન્ત...’’
‘‘વસુ, જીવનભર આવી જ રહીશ ?’’
‘‘જીવન ? હવે જીવન કેટલું રહ્યું છે કાન્ત ? લગભગ તો જીવાઈ ચૂક્યું, ને બદલાવ સામે કોઈ વિરોધ નથી મારો, પણ બદલાવ સહજ હોય, સરળ હોય... મને મારી સ્વતંત્રતા ખૂબ વહાલી લાગવા માંડી છે. સ્વતંત્રતાની સાથે આવેલી આ એકલતા એકાંત બની ગઈ છે હવે અને એની સાથે જોેડાયેલો ખાલીપો અવકાશ બન્યો છે. જેમાં બીજું ઘણું ભરાયું છે કાન્ત, મારું સ્વત્વ અને મારું વ્યક્તિત્વ...’’
‘‘વસુ, ફરી એક વાર પૂછું છું, તું નહીં જ આવે મારી સાથે ? હું આટલે દૂર બધું છોડીન ેતારા માટે આવ્યો અને તું...’’ સૂર્યકાંતનું ગળું ફરી એક વાર ભરાઈ આવ્યું.
‘‘ના કાન્ત, હવે શ્રીજી વિલા જ મારું સરનામું છે. હું અહીં જ, આ જ જમીન સાથે જોડાઈને જીવી જઈશ મારી બાકીની જિંદગી...’’ વસુમાએ આ વાક્ય એવી રીતે કહ્યું જાણે ચર્ચા પર પૂર્ણવિરામ મુકાતું હોય. હજી સૂર્યકાંત કંઈ કહે એ પહેલાં જ અભય સામેથી આવતો દેખાયો.
‘‘ગુડ મોર્નિંગ બાપુ, ગુડ મોર્નિંગ મા...’’ અભયને હળવો જોઈને બંનેનાં મન પણ જાણે હળવાં થઈ ગયાં.
સવારના સાડા આઠે નાસ્તાના ટેબલ પર આજે ફરી એક વાર બધા જ હાજર હતા. વૈભવીને જગાડીને એને પણ અભય નીચે લઈ આવ્યો હતો. ગઈ કાલના પોતાના વર્તનની શરમિંદગી અનુભવતી વૈભવીએ શરૂઆતમાં થોડી આનાકાની કરી. પછી અભયનું બદલાયેલું વર્તન જોઈને એણે પણ નીચે જવામાં જ પોતાની ભલાઈ માની હોય એમ વ્યવસ્થિત નાહી-ધોઈ અને સલવાર-કમીઝ પહેરીને આવીને ટેબલ પર બેઠી હતી.
જાનકી અંદરથી ગરમ ગરમ દૂધીનાં થેપલાં લઈને આવી.
પાછળ લજ્જા ચાની મોટી કિટલી લઈને આવી. અલય તૈયાર થઈને જતો હતો, વસુમાએ એને રોક્યો.
‘‘અલય, દસ મિનિટ બેસ.’’
‘‘પણ મા શૂટ...’’
‘‘થોડી વાત કરવી છે. દસ મિનિટ મોડો જજે.’’ અલય એક પણ અક્ષર બોલ્યા વિના ખુરશીઓ ભરાઈ ગઈ હોવાના કારણે સ્ટૂલ ખેંચીને લજ્જાની બાજુમાં બેસી ગયો.
‘‘બાપુ જાય છે.’’
‘‘ક્યારે ?’’ અજયની ચમચી હાથમાં જ અટકી ગઈ.
‘‘જેટલી ઝડપથી ટિકિટ મળે.’’ સૂર્યકાંતે અજય સામે જોયું.
‘‘પણ કેમ ?’’
‘‘ત્યાં થોડી જરૂરિયાત ઊભી થઈ છે...’’
સૂર્યકાંતને બદલે વસુમાએ જવાબ આપ્યો એટલે સૌને સમજાયું કે બંને વચ્ચે વાત થઈ ચૂકી છે.
‘‘તો... પછી ?’’
‘‘પછી શું બેટા ? જેને ત્યાં આવવું હોય એને માટે ઘર ખુલ્લું છે...’’
‘‘પણ બાપુ, તમે જશો તો...’’ અજય લાગણીશીલ થઈ ગયો. એનો અવાજ ભરાઈ આવ્યો.
નાસ્તાના ટેબલ પર ઘણા વખતે ઘરના બધા જ સભ્યો સૂર્યકાંત સહિત હાજર હતા... પણ આજનું વાતાવરણ વજનદાર હતું. સૌના ડૂમા ગળામાં અટવાયેલા હતા. સૌ પોતપોતાની રીતે વાત કરવાનો પ્રયાસ તો કરી જ રહ્યા હતા, એક માત્ર અલય ચૂપ હતો.
‘‘ચાચુ, તું કેમ ચૂપ છે ?’’ લજ્જાએ ટેબલની નીચેથી એને પગ માર્યો. અલયે લજ્જાની સામે ડોળા કાઢ્યા, ‘‘સવારે ચાર વાગ્યે આવ્યો છે.’’ લજ્જાએ વસુમાની સામે જોઈને કહ્યું.
‘‘અલય !’’
‘‘અ...બ... મા, પાટર્ી હતી.’’
‘‘આજકાલ પાર્ટી બહુ કરવા માંડ્યો છે.’’ લજ્જાને વાતાવરણ હળવું કરી નાખવું હતું... ‘‘જરા કન્ટ્રોલમાં રાખો દાદી, તમારા દીકરાને.’’
‘‘બસ લજ્જા, કાકા છે તારા.’’ બધાના આશ્ચર્ય વચ્ચે પહેલી વાર વૈભવીએ લજ્જાને ટોકી હતી.
‘‘બેટા અલય...’’ સૂર્યકાંતનો અવાજ સાંભળ્યો હોવા છતાં અલયે એમની સામે જોવાનું ટાળ્યું, ‘‘તારી ફિલ્મમાં જે મદદની જરૂર પડે... અમેરિકા શૂટિંગ કરવું હોય કે બીજું કંઈ પણ...મને કહેજે.’’
‘‘થેન્ક્સ.’’ અલય ઊભો થઈ ગયો, ‘‘હું નીકળું મા ?’’ અને જવાબની રાહ જોયા વિના ઘરની બહાર નીકળી ગયો.
નાસ્તાના ટેબલ પર બેઠેલા બધાના ચહેરા સહેજ ઊતરી ગયા.
અંજલિ અને રાજેશ બેગ સાથે શ્રીજી વિલાના દરવાજામાંથી દાખલ થયા ત્યારે સૌ હજી નાસ્તાના ટેબલ પર જ હતા. અંજલિ આવીને વસુમાને વળગી, ‘‘મા... હું રોકાવા આવી છું.’’
‘‘ને ઝઘડ્યા વગર...’’ પાછળ દાખલ થતાં રાજેશે કહ્યું. અલય જે રીતે ગયો એનો ઓથાર રાજેશના દાખલ થવાની સાથે જ જાણે વીખરાઈ ગયો.
આક્સા બીચ પર મઢ નજીક એક બંગલામાં શૂટિંગ ચાલતું હતું. મેક-અપ વેન્સ તો આવી જ હતી...
બંગલાની અંદર લાઇટ્સ અને બીજી બધી તૈયારી પરફેક્ટ હતી. કામ પણ ધાર્યા કરતા ઝડપથી થઈ રહ્યું હતું.
તેમ છતાં વાતે વાતે ચીડાઈ જતાં, ઝૂંઝલાતા, અકળાતા અલયને જોઈને અનુપમાથી ના રહેવાયું. એ એની પાસે ગઈ. ખભે હાથ મૂકીને પૂછ્યું, ‘‘કંઈ પ્રોબ્લેમ છે ?’’
‘‘કોઈ પ્રોબ્લેમ નથી. તારી લાઇન્સ થઈ ગઈ ?’’ અલયના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે એ કોઈ વાત ટાળી રહ્યો હતો. અનુપમાએ ફરી એક વાર અલયનો હાથ પકડી લીધો, ‘‘અલય, કહી દેવાથી મન હળવું થાય... શું થયું છે ? શ્રેયા સાથે કંઈ...’’
‘‘કશુંયે નથી થયું. ઊલટાની નિરાંત થઈ છે. સૂર્યકાંત મહેતા જાય છે આજે.’’
‘‘તારા ડેડ ?’’
‘‘સો કોલ્ડ...’’
‘‘અલય, તારી અંગત જિંદગીમાં બહુ બોલવાનો મને અધિકાર નથી, પણ એક વાત કહું ? જો બની શકે તો એ જાય એ પહેલાં માફ કરી દેજે એને.’’ અનુપમાએ એના બંને ખભે બે હાથ મૂક્યા, ‘‘બાકી હું તને જે રીતે ઓળખું છું એ રીતે એમના ગયા પછી તરફડીશ.’’
‘‘તારું કામ કર, સમજી ?’’ અલયે કહ્યું તો ખરું, પણ જાણે અનુપમા એના મનને વાંચી ગઈ હોય એવું લાગ્યું એને.
‘‘શું થાય છે આ મને ?’’ અલયે જાતને પૂછ્યું. જે માણસનું નામ સાંભળવા હું તૈયાર નહોતો, એ માણસ સાથે બે-ચાર અઠવાડિયાં રહેવાથી હવે એના જવાની તકલીફ થાય છે મને ?’’ અલયે જાતે જ હસી કાઢી, ‘‘સ્ટૂપીડ...’’
પરંતુ અનુપમા જોઈ શકતી હતી એની અકળામણ, એની તકલીફ.
ગઈ કાલનો અને આજનો અલય જાણે સાવ જુદા હતા. આજના અલયને કોઈ એક વાત એટલી તો ઊંડે કોરતી હતી કે એના તમામ વર્તનમાં એ વાત ઊભરાઈ ઊભરાઈને ચાડી ખાતી હતી, પરંતુ હવે એને કશું ના કહેવામાં જ ભલાઈ છે એમ માનીને અનુપમા પોતાનું કામ કરતી રહી. લંચમાં એણે અલયને પૂછ્યું, ‘‘ક્યારની ટિકિટ છે તારા ડેડની ?’’
‘‘મને શું ખબર ? મારે શું નિસ્બત ?’’ અલયે જવાબ તો આપી દીધો, પરંતુ એનાથી ઘરે ફોન કર્યા વિના ના રહેવાયું.
‘‘મા...’’
‘‘રાતની ટિકિટ છે બેટા.’’ સવાલ પુછાય એ પહેલાં જ વસુમાએ જવાબ આપી દીધો.
‘‘મેં તો અમસ્તો, એમ જ ફોન કરેલો...’’ અલયે બહુ પાંગળો, પણ બચાવ તો કર્યો જ.
‘‘દીકરા, આ કુખમાં આળોટીને મોટો થયો છે તું. હું તને ના ઓળખું એવું ના બને. તું ભલે તારી જાતથીયે છુપાવે, પણ તારી માથી નહીં છુપાવી શકે.’’
‘‘મા... શું થાય છે મને ?’’ હવે અલયનું ગળું ભરાઈ આવ્યું હતું.
‘‘પિતા છે તારા. ગમે તેટલા મતભેદ હોય... તું લોહી છે એમનું બેટા, ને એ વાત દુનિયાનું કોઈ શાસ્ત્ર કે કોઈ મેડિકલ સાયન્સ સમજાવી નથી શકતું... એ પણ તું ગયો ત્યારથી ઉચાટમાં છે. રાતના ત્રણ વાગ્યાની ફ્લાઇટ છે. સાડા અગિયારની આજુબાજુ ઘરેથી નીકળશે... અવાય ને આવી જાય તો સારું.’’ વસુમાનો અવાજ તો સંયત હતો, પણ એમાં લાગણીની હળવી ભીનાશ અનુભવી શક્યો અલય. કશું બોલ્યા વિના એણે ફોન મૂકી દીધો. પછી ખૂણામાં રાખેલી એક ખુરશીમાં જઈને સૂનમૂન બેસી ગયો. યુનિટના બીજા સભ્યો લંચ પછી ટોળટપ્પા કરતા, કે આરામ કરતા હતા. અભિષેક એની વેનમાં હતો. અનુપમાએ અલયને એકલો બેઠેલો જોયો.
એ આવીને એની બાજુમાં ખુરશી નાખીને બેઠી. બંનેના ચહેરા દરિયા તરફ હતા.
‘‘અલય, તને એક વાત કહું ?’’ અલયે અનુપમાની સામે પણ ના જોયું, ‘‘આપણે જ્યારે કોઈને માફ નથી કરતા ત્યારે આપણે જાત ઉપર જ વેર લઈએ છીએ.’’
‘‘હં... ’’ અલયે માત્ર હોંકારો ભણ્યો.
‘‘અલય, મને પણ બહુ વેર હતાં... બહુ અભાવો, બહુ ફરિયાદો હતી, પણ જે દિવસથી તને પ્રેમ કરવા લાગીને એ દિવસથી જાણે બધું જ ધોવાઈ ગયું.’’ હવે અલયે એની સામે જોયું. એની આંખોમાં એક સચ્ચાઈ અને નરી નિદરેષતા હતી.
‘‘પ્રેમ માણસને બહુ સારો બનાવી દે છે... અને તારી તો આજુબાજુ પ્રેમ જ પ્રેમ છે. તારી મા... શ્રેયા... અને...’’ સહેજ અચકાઈને ઉમેર્યું, ‘‘હું પણ ! જે માણસને આટલો અઢળક પ્રેમ મળતો હોય એના મનમાં કોઈ પણ મલિનતા, કોઈ વેર ટકે જ કેવી રીતે અલય ?’’
‘‘એટલે તું એમ કહેવા માગે છે કે એ માણસનો કોઈ વાંક જ નહોતો ?’’ અલયને પોતાને પણ ખબર ના પડે એમ એનું ગળું ભરાઈ આવ્યું, ‘‘આંગળી પકડીને ચાલતા શીખવવાના બદલે અમને એકલા-અટૂલા છોડીને ભાગી ગયેલો એ... જ્યારે મારે એની સૌથી વધારે જરૂર હતી ત્યારે નહોતો એ... હવે મારે જરૂર નથી એની. હું એને ઓળખવા પણ તૈયાર નહોતો. એ આટલા દિવસ આવીને રહ્યો, કારણ કે મારી મા...’’ આજે પહેલી વાર અલયની કથ્થઈ આંખો પલળી ગઈ હતી અનુપમા સામે.
‘‘તારી ભીની આંખ જ દેખાડે છે કે તારે માફ કરવું છે એને. ભેટી પડવું છે અને આટલાં વર્ષોથી જેને તેં તારો ઇગો બનાવીને સાચવી રાખ્યા છે એ આંસુથી ધોઈ નાખવું છે તારા વેરને.’’
‘‘કોઈ ફિલ્મનો ડાયલોગ હોય તો સારો લાગે. આ જિંદગી છે અનુપમા, અને એના ગણિત આપણા હાથમાં નથી હોતાં. વર્ષો ઉમેરતા જ જઈએ અને છેવટે સરવાળો શૂન્ય આવે ત્યારે સમજાય...’’ એણે માથું ઝટકાર્યું, ‘‘બોલવું સહેલું છે. તું માફ કરી શકીશ તારા કહેવાતા બાપને અને તારી માને ?’’
અનુપમાએ અલયના ખભે હાથ મૂક્યો, ‘‘મેં ફોન કર્યો હતો... આજે સવારે તારા ગયા પછી.’’
અલયની આંખો ફાટી ગઈ, ‘‘તેં... કોને ફોન કર્યો હતો ?’’
‘‘મારા બાપને, કોલકાતા.’’ અનુપમાની આંખો ભરાઈ આવી. એણે ખુરશી નજીક ખેંચીને અલયના બાવડે હાથ લપેટ્યો અને માથું એના ખભે મૂકી દીધું, ‘‘એ ખૂબ રડ્યા. માફી માગી મારી... અને કહ્યું કે... ઘેર આવ બેટા. એણે મને બેટા કહ્યું અલય...’’
‘‘અનુ !’’
‘‘અલય, વાત સાચી છે તારી. જિંદગીનાં ગણિત આપણી સમજની બહાર જ હોય છે, પણ જિંદગીનાં ગણિતનાં સત્યો તડકા જેવા હોય છે. આંધળાનેય ખબર પડે કે તડકો છે... મને પણ આ લાગણીનો કુણો તડકો, સંબંધોની હૂંફ સમજાવા લાગી છે અલય અને એને માટે મારે તારો આભાર માનવો જોઈએ...’’ અનુપમાનાં આંસુ અલયનો ખભો ભીંજવી રહ્યાં હતાં અને દૂર શૂન્યમાં દરિયા અને આકાશને જોડતી ક્ષિતિજ તરફ જોતો અલય જાત સાથે ઝઝૂમવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો.
(ક્રમશઃ)