Yog-Viyog - 40 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 40

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૦

અભયે અજયના ફોનના જવાબમાં એવું કહી તો દીધું કે ‘‘હું મિટિંગમાં છું અને રાત્રેજ ઘરે આવીશ.’’

પણ એના સ્વભાવે એ ચિંતા તો થઈ જ હતી. એ.સી. ઓફિસમાં એને અચાનક જ પરસેવો થવા લાગ્યો. એણે ટાઇ ઢીલી કરી. શર્ટનું પહેલું બટન ખોલી નાખ્યું. પગ લાંબા કરીને રિવોલ્વિંગ ચેર પર જાતને લંબાવી દીધી. બે કેબિન વચ્ચેની કાચની દીવાલમાંથી પ્રિયાએ આ જોયું. એણે અભયના ચહેરા પર ચિંતાના અને અકળામણના ભાવ જોયા.

અભય પાસે કામ લઈને, કે કંઈ પૂછવા ગયેલા બે-ત્રણ માણસોની સાથે અન્યમનસ્કની જેમ વર્તતા અભયની અકળામણ એનાથી કોઈ રીતે છાની રહે એમ નહોતી.

પ્રિયા ઊભી થઈ, અને બે જણની કેબિનની વચ્ચેનો દરવાજો ધકેલી અભયની કેબિનમાં દાખલ થઈ. સામાન્ય રીતે પ્રિયા બોલાવ્યા વિના ક્યારેય અભયની કેબિનમાં નહોતી જતી, પણ આજે એનાથી રહેવાયું નહીં.

‘‘અભય...’’ સરને બદલે ‘અભય’નું સંબોધન સાંભળીને અભયે એની સામે જોયું, ‘‘કોઈ ટેન્શન છે ?’’

‘‘વૈભવી...’’ અભયે માથું પણ પાછળ ઢાળીને આંખો બંધ કરી દીધી, ‘‘વૈભવીએ આપઘાતનો પ્રયાસ કર્યો.’’

‘‘ઓહ માય ગોડ !’’ પ્રિયાના ચહેરા પર ડર અને સહાનુભૂતિ બંને હતા, ‘‘ક્યાં છે એ ? અને તમે અહીં શું કરો છો ?’’

અભયે બંધ આંખે પોતાના કપાળ પર હથેળી પછાડી, ‘‘રડું છું, મારા નસીબને, મારી ભૂલોને અને મારી બેવકૂફીને.’’

‘‘અભય, તમારે ઘરે જવું જોઈએ. વૈભવીને તમારી જરૂર છે.’’

‘‘મને પણ એની જરૂર હતી ક્યારેક... પિતાના વિનાના ઘરને મારા ખભે ઊંચકીને જ્યારે ચાલતો હતો હું, ત્યારે મને હતું કે વૈભવી મારો બોજો ના ઘટાડે તો કંઈ નહીં, ઓછામાં ઓછું મારી સાથે તો ચાલશે જ... પણ એણે તો મારા બોજામાં વધારો કરવા સિવાય કંઈ કર્યું જ નથી પ્રિયા.’’ અભયનો અવાજ ગળગળો થઈ ગયો, ‘‘આજે પણ આ નાટક કરીને એ મારા પર માનસિક દબાણ વધારવા માગે છે... બીજું કંઈ નથી.’’

‘‘આવું શું કામ વિચારો છો ?’’

‘‘આ સત્ય છે. એણે ક્યારેય મારો વિચાર કર્યો જ નથી. સતત પોતાનો જ વિચાર કરતી રહી એ. આજે આ મિનિટ સુધી...’’

‘‘તો ?’’

‘‘તો હું મારા સમયે ઘરે જઈશ.’’

‘‘પણ... બીજા બધા...’’

અભયનો અવાજ અચાનક જ ફાટી ગયો. એનાથી જેટલા જોરથી બૂમ પડાય એટલા જોરથી એણે કહ્યું, ‘‘કોણ બીજા બધા? આઈ ડોન્ટ કેર... આ મારી જિંદગી છે અને હું મારી રીતે જીવવા માગું છું. સમજ પડે છે ?’’

પ્રિયા એક ક્ષણ એની સામે જોઈ રહી. પછી એક પણ અક્ષર બોલ્યા વિના આગળ વધી અને ખુરશી પર માથું ઢાળીને બેઠેલા અભયના માથામાં હાથ ફેરવવા માંડી.

અભય અચાનક જ બંને હાથે પ્રિયાને વળગી પડ્યો. એના પેટ પર માથું મૂકીને અભય નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો, ‘‘હું થાકી ગયો છું પ્રિયા, હું બહુ થાકી ગયો છું... મને આરામની જરૂર છે... હું નેક્સ્ટ વીક સિંગાપોર કોન્ફરન્સમાં જાઉં છું. તને કહ્યું હતું એમ સાથે લઈ જઈશ આ વખતે. ત્રણ દિવસની કોન્ફરન્સ છે, પણ આપણે અઠવાડિયું રોકાઈશું. જસ્ટ લાઇક ધેટ!’’

પ્રિયા એક પણ અક્ષર બોલ્યા વિના અભયના વાળમાં હાથ ફેરવતી રહી. અભય રડતો રહ્યો.

કોઈ અચાનક બારણું ખોલીને અંદર આવી જશે એવો ભય પણ જાણે આ ક્ષણે એ બંનેને નહોતો લાગતો.

વૈભવીએ ઘડિયાળમાં જોયું. છ ને વીસ.

એ પોતે બપોરની પોતાના રૂમમાં આવી ગઈ હતી. અત્યારે પાંચ કલાક ઉપર થઈ ગયા હતા, પણ કોઈ એની ખબર પૂછવાય નહોતું આવ્યું. સાડા ચાર વાગ્યે જાનકી એક કપ ચા લઈને આવી હતી. એ પણ બે-પાંચ મિનિટ ઊભી રહીને નીચે ચાલી ગઈ હતી. એ પછી એને જોવા માટે કોઈ અહીં ફરક્યું નહોતું.

‘‘આ લોકો પોતાના મનમાં સમજે છે શું ?’’ વૈભવીને ગુસ્સો વધતો જતો હતો. એણે ધાર્યું હતું એવું કશું જ નહોતું બન્યું.

એને હો-હા કરવાની, ધમાધમ મચાવી દેવાની ઇચ્છા હતી, પરંતુ વસુમાની ફર્સ્ટ એઇડ ટ્રિટમેન્ટ કામ કરી ગઈ હતી. અને વૈભવીને જોઈતું મહત્ત્વ નહોતું મળી શક્યું. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી એનો ધૂંધવાટ પળેપળ વધતો જતો હતો...

સાત... આઠ... નવ વાગવા આવ્યા હતા.

રાત્રે - અભય ઘરે આવ્યો ત્યારે મોટા ભાગના બધા જમીને પોતપોતાના ઓરડામાં ચાલી ગયા હતા. માત્ર વસુમા અને સૂર્યકાંત ઘરની બહાર બગીચામાં ખુલ્લામાં પથ્થરનીબેઠક પર બેસીને સંગીત સાંભળી રહ્યા હતા. અભયની ગાડી જેવી શ્રીજી વિલાના ગેટ પાસે આવી કે વસુમા ઊભાં થવા ગયાં.

સૂર્યકાંતે એમનો હાથ પકડ્યો.

વસુમાએ પ્રશ્નાર્થભરી નજરે સૂર્યકાંતની સામે જોયું.

‘‘એને આવવા દે. મારે પણ એની સાથે વાત કરવી છે.’’

‘‘તમે હમણાં એને કંઈ આડુંઅવળું નહીં કહેતા. એ બોલતો નથી, પણ મને ખબર છે એના પર શું વીતી રહી હશે.’’

‘‘મને લાગે છે આજે મને એના બાપ તરીકે વર્તવાની તક મળી છે. આટલાં વર્ષોમાં ક્યારેય ન કરી શકાયું એ આજે કરવા મળ્યું છે મને... ’’

અભય ગેટ ખોલીને અંદર પ્રવેશી ચૂક્યો હતો. સૂર્યકાંત એની તરફ આગળ વધ્યા. એમણે અભયના ખભે હાથ મૂક્યો.

બાપ-દીકરો એકબીજાની આંખોમાં જોઈ રહ્યા.

કોઈ કશું ના બોલ્યું, તેમ છતાં જાણે બંને વચ્ચે એક સંવાદ રચાઈ ગયો.

‘‘અભય... બેટા !’’ સૂર્યકાંતે એના ચહેરા પર હાથ ફેરવ્યો.

અભય એકદમ જ સૂર્યકાંતને વળગી પડ્યો, ‘‘હું સમજું છું બેટા... તું જરાય ચિંતા ના કરીશ. અહીંબધું બરાબર છે. વૈભવીને...’’

અભયે વચ્ચે જ વાત કાપી નાખી, ‘‘મારે નથી જાણવું એના વિશે. એ ચિઠ્ઠી લખીને મરી જાય ને પોલીસ મને એના ખૂનના ગુનામાં પકડી જાય તો પણ...’’

‘‘બેટા, આ કારણ વગરનો ધિક્કાર નથી ?’’ વસુમાએ અભયની આંખોમાં જોયું, ‘‘આજ સુધી આ પરિસ્થિતિને અહીં લઈ આવવામાં તારા સિવાય કોણ જવાબદાર છે ?’’

સૂર્યકાંત અને અભય બંને ડઘાઈને વસુમા સામે જોઈ રહ્યા, ‘‘બેટા, તને કદાચ મારા પર ગુસ્સો આવશે. તને લાગશે કે તારી મા તારા પક્ષમાં નથી બોલતી અને આવા મુશ્કેલીના સમયમાં પણ તારો વાંક શોધે છે.’’ એક ક્ષણ અટકીને એમણે અભય સામે જોયું, ‘‘પણ દીકરા, કોઈ પણ માણસ કે એના વર્તનની સરહદ આપણે જ નક્કી કરતા હોઈએ છીએ. વૈભવી પહેલા જ દિવસથી આમ જ વર્તતી આવી છે. આજ સુધી આ વર્તનને તું ઢાંકતો રહ્યો...’’

‘‘આ ઘરની શાંતિ માટે મા.’’

‘‘પણ શાંતિ તો રહી જ નહીં.’’ વસુમાએ પોતાની વાત ચાલુ રાખી, ‘‘શું લેવા માટે શું આપતો રહ્યો તું એનો અંદાજ છે તને ?’’

‘‘એણે મારી ભલમનસાઈનો દુરુપયોગ કર્યો છે.’’

‘‘કોઈ પણ તમારી મરજી વિના તમારો દુરુપયોગ કેવી રીતે કરી શકે ? તમે જે માગો છો એના બદલામાં સામેનો માણસ તમારી પાસે કંઈક માગે છે. આ લેવડ-દેવડમાં જ્યારે તમારી અપેક્ષિત વસ્તુ મળતી બંધ થઈ જાય ત્યારે તમને છેતરાયાના, એક્સ્પ્લોઇટ થયાની લાગણી થાય છે...’’

‘‘મા, મને ફિલોસોફી નથી સાંભળવી.’’ અભયે પોતાનો હાથ વસુમાના ખભે લપેટીને માથું એમના ખભા પર મૂકી દીધું, ‘‘મને ભૂખ લાગી છે.’’

‘‘ચાલ બેટા.’’ વસુમા બાપ-દીકરાથી સહેજ વધુ ઉતાવળે અંદર જવા લાગ્યાં.

જમીને સૂર્યકાંત, લક્ષ્મી અને અજય સાથે ખાસ્સી વાતો કરીને અભય જ્યારે ઉપર ગયો ત્યારે અગિયાર વાગવાની તૈયારી હતી.

એ સીધો ડ્રેસિંગરૂમ તરફ જવા લાગ્યો.

‘‘જમ્યા ?’’

‘‘હા...’’ અભયે એની સામે જોયા વિના કહ્યું, ‘‘તું ? જમી?’’

‘‘છેક હવે યાદ આવ્યું ?’’

‘‘મને યાદ આવે કે નહીં એની રાહ જોતી હતી તું ?’’

‘‘તમે મારી સાથે આવી રીતે કેમ વાત કરો છો ?’’

‘‘તારો હાથ કપાયો છે વૈભવી, પગ નહીં... મારી ગાડીનો અવાજ સાંભળીને તું પણ નીચે આવી શકત...’’

‘‘હું... હું તમારી રાહ જોતી હતી.’’ વૈભવીનો અવાજ ઢીલો થઈ ગયો. ગઈ કાલ સુધી જે ડોકું હલાવવાથી કામ ચાલે તો મોઢેથી હા-ના નહોતો બોલતો એ માણસ આજે જે રીતે વાત કરી રહ્યો હતો એ વૈભવી માટે અઘરું હતું.

‘‘અભય...’’ વૈભવી ઊઠીને અભયની નજીક આવી, ‘‘હું... હું મરી ગઈ હોત તો ? તમને મારી જરાય દયા નથી આવતી ?’’

‘‘વૈભવી, આઈ એમ સોરી.’’ અભયે એની આંખમાં આંખ નાખી, ‘‘હું જ્યાં સુધી તને ઓળખું છું ત્યાં સુધી આ પ્રયત્ન મરવા માટેનો નહોતો. મને ડરાવવા માટેનો હતો...’’ અભય ડ્રેસિંગ રૂમ તરફ આગળ વધી ગયો. જતાં જતાં એણે ઉમેર્યું, ‘‘મેં હવે ડરવાનું બંધ કર્યું છે... તારાથી અને જાતથી પણ.’’

એણે અકળામણમાં જોરથી પોતાના ક્લોઝેટનો દરવાજો પછાડ્યો.

વૈભવીનું કબાટ લોક કરેલું નહોતું. અભયના દરવાજાના ધક્કાથી હોય, કે વૈભવીના બદનસીબે હોય, પણ અભયના નસીબનો દરવાજો ખૂલતો હોય એટલી સરળતાથી વૈભવીનું ઠાંસોઠાંસ ભરેલું કબાટ આપોઆપ ખૂલી ગયું.

ઉતાવળમાં ડૂચાની વચ્ચે મૂકેલી બ્લડની બોટલ આપોઆપ સિલ્કનાં કપડાં પરથી લસરીને કબાટની બહાર પડી.

અભયે બોટલ ઉપાડી, પ્લાસ્ટિકની કોથળી ખોલીને બોટલ જોઈ... એને પળભરમાં બધું જ સમજાઈ ગયું.

એ બહાર ગયો. પલંગ પર બેસીને રડી રહેલી વૈભવીના હાથમાં એણે એ બ્લડ બોટલ આપી અને હસી પડ્યો, ‘‘તું એમ મરે એમ નથી વૈભવી, એવી મને ખબર હતી, પણ હવે ખાતરી થઈ ગઈ.’’

*

ઘેર પહોંચીને રાજેશે અંજલિને પલંગમાં સૂવડાવી.

એના પગ નીચે તકિયો મૂક્યો અને એને એકદમ આરામદાયક પોઝિશનમાં ગોઠવીને એ ઓરડાની બહાર જવા લાગ્યો ત્યારે અંજલિએ ધીમેથી કહ્યું, ‘‘ઓફિસ જાવ છો ?’’

‘‘અંજુ, હવે અત્યારે ઓફિસ જઈને શું કરું ? કાલથી જ જઈશ.’’

‘‘તો બેસોને, અહીં મારી પાસે.’’

‘‘હું આવું. સાંજના જમવાની અને બીજી વ્યવસ્થા કરી દઉં.’’

‘‘રાજ... એક મિનિટ...’’ રાજેશ હળવે ડગલે અંજલિ પાસે આવ્યો. અંજલિએ એનો હાથ પકડ્યો. એક ક્ષણ રાજેશની આંખોમાં જોઈ રહી પછી જાણે રાજેશને ઓછું અને જાતને વધારે કહેતી હોય એમ હળવેથી ગણગણી, ‘‘રાજેશ, શફ્ફાકે મને માત્ર ચુંબન કર્યું છે, એથી આગળ કશુંયે...’’

‘‘મૂરખ, મેં પૂછ્‌યું તને ?’’

‘‘તમે પૂછો કે નહીં, મારે કહેવું જોઈએ. મેં એવું કંઈ જ નથી કર્યું, જેનાથી તમારી અને મારી વચ્ચે...’’

‘‘શું બકવાસ કરે છે ?’’ રાજેશ જાણે પોતે નાનો થઈ ગયો હોય એમ અકળાઈ ઊઠ્યો, ‘‘તને ક્યારેય લાગ્યું એવું મારા વર્તનમાં?’’ એણે અંજલિની નજીક જઈને એને હચમચાવી નાખી, ‘‘અંજુ, મારા વિશ્વાસમાં, મારા વહાલમાં તને કોઈ ખોટ દેખાઈ ?’’

‘‘ખોટ નહીં, પણ જાણે મારાથી દૂર રહેવાનો એક પ્રયત્ન છે તમારો. તમે મને ટાળો છો રાજેશ, હું જોઈ શકું છું કે તમે મારી કાળજી તો કરો છો, પણ મને વહાલ નથી કરતા...’’ આટલું કહેતાં કહેતાં તો અંજલિનું ગળું ભરાઈ આવ્યું હતું. એનો અવાજ ઊંચો થઈ ગયો હતો, ‘‘ભૂલ થઈ ગઈ મારી, દુનિયાનો કોઈ પણ માણસ ભૂલ તો કરી જ શકે ને ? કાં તો સજા કરો મને મારી ભૂલની, કાઢી મૂકો ઘરમાંથી, છૂટાછેડા આપો અને કાં તો મારો પૂરેપૂરો સ્વીકાર કરો રાજેશ, આમ દયાની ભીખ આપતા હો એમ મારી કાળજી કરો અને મારાથી દૂર દૂર રહો એવું મારે નથી જોઈતું.’’ હવે અંજલિ ડૂસકે ચડી ગઈ હતી. એની આંખોમાંથી આંસુ અને નાકમાંથી પાણી વહી રહ્યું હતું.

રાજેશ હસી પડ્યો. પછી ખિસ્સામાંથી રૂમાલ કાઢીને અંજલિના નાક પાસે ધર્યો, ‘‘ફીં કર...’’ એણે કહ્યું અને અંજલિના માથામાં એક ટપલી મારી, ‘‘સ્ટૂપીડ.’’

અંજલિએ જોરથી નાક સાફ કર્યું. રાજેશે રૂમાલ બાજુમાં મૂક્યો અને એનો ગાલ થપથપાવ્યો, ‘‘હું શું કામ દૂર રહું તારાથી ? રહી શકું ખરો ?’’

‘‘મને પટાવવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે.’’ અંજલિએ ડૂસકું અંદર ખેંચતા નાક સીકોડ્યું.

‘‘બધી ખબર પડે છે... મૂરખ છોકરી, ખબર પડતી હોત તો આવું કરત ?’’ રાજેશે એના માથે હાથ ફેરવવા માંડ્યો, ‘‘અંજુ, ઈશ્વરની કૃપા છે કે તારી અને શફ્ફાક વચ્ચે એવું કંઈ નથી થયું જેને માટે તું તારી જાતને માફ ના કરી શકે, પણ કદાચ તું એની જોડે ભાગી ગઈ હોત અને બે મહિને, ચાર મહિને કે વર્ષે પાછા આવીને તેં મને કહ્યું હોતને કે રાજેશ, હું તમારા વિના ના રહી શકી એટલે પાછી આવી, તો મેં તને આ ઘરમાં આવકાર આપ્યો હોત. અંજુ, તું જાણે છે, મારા માટે આવી બધી વસ્તુઓનું કોઈ મહત્ત્વ નથી. મારો અને તારો સંબંધ શરીરનો ક્યારેય હતો જ નહીં. મેં તારી સાથે જીવવાનું નક્કી કર્યું છે અને સાથે જીવવું એટલે એકબીજાને જેવા છે તેવા સ્વીકારીને, એકબીજા સાથે શ્વાસ લેવા.’’

‘‘તો પછી શા માટે તમે...’’ અંજલિની આંખો હજીયે વહી રહી હતી.

‘‘જો અંજુ, તારા શરીરના અંદરના ભાગોને ઈજા થઈ છે.’’ રાજેશે ઊંડો શ્વાસ લીધો. ‘‘હું તને કહેવા નહોતો માગતો, પણ આપણી વચ્ચે ગેરસમજ થાય એ મને ક્યારેય મંજૂર નથી. મને ડોક્ટરે થોડોક સમય તારાથી દૂર રહેવાનું કહ્યું છે.’’

‘‘સાચું બોલો છો ?’’ નાક ચડાવતી અંજલિ પાંચ વર્ષની બાળકી લાગતી હતી. આંખોમાં આંજેલું કાજળ ધોવાઈને ગાલ પર આવી ગયું હતું. રાજેશે હાથથી કાજળનો લીટો ભૂંસી નાખ્યો.

‘‘તારા સોગંદ...’’ અને પછી એણે બહુ જ ધીમા પણ ગંભીર અવાજમાં અંજલિની આંખોમાં જોઈને કહ્યું, ‘‘અંજુ, હું તને વહાલ કરું અને મારી જાત પરનો કાબૂ ખોઈ બેસું એ બહુ સ્વાભાવિક વાત છે. હું નથી ઇચ્છતો કે પાંચ-દસ મિનિટના એ ઉન્માદનો ભોગ તારી તબિયત અને તારું શરીર બને.’’

અંજલિ એની સામે જોઈ રહી. ભારોભાર શ્રદ્ધાથી.

કઈ માટીનો બનેલો હતો આ માણસ ! જે સ્ત્રીશરીરને આટલા સન્માનથી અને આટલા સ્નેહથી જોઈ શકતો હતો. જ્યારે બેડરૂમમાં થતાં બળાત્કારો છાપાના સર્વે રિપોર્ટસમાં હેડલાઇન બનતા હોય એવા સમયમાં પત્નીનો વિચાર કરીને પોતાના ઉન્માદ પર કાબૂ રાખનારા પુરુષો કેટલા ?

અંજલિએ પોતાાના બંને હાથ લાંબા કર્યા અને હથેળીઓ હલાવીને રાજેશને પોતાની પાસે બોલાવ્યો. રાજેશ નજીક આવીને એને ભેટ્યો. એની છાતી પર માથું મૂકીને રાજેશે કહ્યું, ‘‘બેબી, એક વાત સજેસ્ટ કરું ? ચીડાતી નહીં.’’

‘‘બોલ.’’ રાજેશના આલિંગનના સંતોષમાં આંખ મીંચીને પડેલી અંજલિ અત્યારે સ્વર્ગનું રાજ્ય પણ લખી આપવા તૈયાર હતી.

‘‘થોડા દિવસ મા પાસે રહી આવ.’’

‘‘કેમ ? તમને મારો કંટાળો આવે છે ?’’

‘‘જો પાછી.’’ રાજેશે કહ્યું અને બંને હસી પડ્યાં.

આમ વાત બહુ નાની હતી, પરંતુ રાજેશે આ બહુ સમજી-વિચારીને કહ્યું હતું. અત્યારે સૂર્યકાંત અહીં છે ત્યારે જો અંજલિ ત્યાં રહી શકે તો એ ઘરના ઘણા પ્રશ્નોમાં મદદરૂપ નીવડી શકે. વસુમા, જે પોતાની વાત ક્યારેય કોઈને નથી કહેતાં એમને દીકરીની હાજરીથી કદાચ સધિયારો મળે એમ રાજેશને લાગતું હતું.

સામાન્ય રીતે અંજલિ પિયર રહેવા જાય એ રાજેશને બહુ ફાવતું નહીં, પણ આ વખતે પહેલી વાર એને લાગતું હતું કે અંજલિ અહીંયા કરતાં ત્યાં વધારે શાંતિ અને આરામથી રહી શકશે.

અને અંજલિએ પણ જાણે રાજેશના કહેવાની જ રાહ જોતી હોય એમ સ્વીકારીને કહ્યું, ‘‘આજે બહુ થાકી છું, મને કાલે સવારે મૂકી જજો.’’

સંજીવે અનુપમાના ખભે હાથ મૂક્યો અને સંજીવ પોતાની ગાડી તરફ આગળ વધી ગયો.

એક ક્ષણ અનુપમા ત્યાં જ ઊભી રહી અને ધોધમાર વરસતા આકાશ તરફ જોઈ રહી... ત્યાં અંદરથી અલયની બૂમ સંભળાઈ, ‘‘અનુપમા... મને બદલવા માટે શટર્ મળશે ?’’

અનુપમાના ચહેરા પર એક સ્ત્રીત્વથી ભરેલું સ્મિત આવ્યું. એ અંદર ગઈ. એને ટોવેલ અને શર્ટ લઈને અલય તરફ જતી જોઈને બાઈ દોડી આવી, ‘‘મને આપો, હું કરું છું.’’

‘‘ના, તમે તમારું કામ કરો.’’ અને એણે ટોવેલ અલયના માથા પર નાખ્યો. ઘસીને અલયનું માથું લૂછવા લાગી.

‘‘શું કરે છે ?’’ ટોવેલની મૂવમેન્ટ સાથે અલયનું આખું માથું હાલતું હતું.

‘‘તારા ભેજામાંથી ભૂંસું કાઢું છું.’’

‘‘તો કશું બચશે જ નહીં.’’ અલયે ટોવેલ ખેંચીને પોતાનો ચહેરો ઉઘાડી નાખ્યો. પછી અનુપમાની આંખોમાં જોયું, ‘‘તને કોઈએ ક્યારેય કહ્યું છે કે તારામાં થોડીક બુદ્ધિ ઓછી છે ?’’

‘‘ઓછી ? મને તો બધાએ કહ્યું છે કે જરૂર કરતાં વધારે બુદ્ધિ છે મારામાં.’’

‘‘એ કહેનારામાંય બુદ્ધિ ઓછી.’’

‘‘શાબાશ, એક તું જ ઇન્ટેલિજન્ટ છે, ખરું ?’’

‘‘નથી ?’’ કોણ જાણે શું હતું અલયની આંખોમાં, જેનો સામનો અનુપમા કરી ના શકી. એના વીખરાયેલા વાળ એના કપાળ પર ફેલાઈ ગયા હતા. વરસાદમાં ભીંજાવાના કારણે ચામડી વધુ ચોખ્ખી થઈને તગતગતી હતી. ભીના શર્ટમાંથી ડિઓડરન્ટની ખુશ્બૂ ઊઠતી હતી. અનુપમાની સાવ નજીક આવી ગયેલો અલય જાણે આજે અનુપમાના હોશકોશ ખોવડાવવાની પૂરી તૈયારી કરીને આવ્યો હતો.

‘‘અ...’’ અનુપમાએ મહામુશ્કેલીએ જાતને સંભાળી, ‘‘શર્ટ.’’ અને અલયના હાથમાં લી કૂપરનું વ્હાઇટ ટી-શર્ટ પકડાવ્યું.

‘‘મેઇલ શટર્‌ૂસ ઘરમાં રાખે છે ?’’ અલયે શર્ટ હાથમાં લઈને ઊંચું કરીને જોયું.

‘‘તારે જ માટે સાચવ્યાં છે, આટલાં વર્ષોથી.’’ આટલું કહીને અનુપમા ઊંધી ફરી અને પોતાના રૂમ તરફ જવા લાગી, ‘‘ચેન્જ કરી લે. પછી ડ્રિન્ક બનાવું.’’

અલયે ત્યાં જ શર્ટ કાઢી નાખ્યું અને ટી-શર્ટ પહેરી લીધું. એ દરમિયાન અલયના ખભા, એની છાતીના વાળ અને એના શરીરના હલન-ચલને અનુપમાનું એક એક રૂંવાડું ઊભું કરી દીધું હતું.

અનુપમા પોતાના રૂમમાં ગઈ. પછી એણે બૂમ પાડી, ‘‘ત્યાં જ બેસવાનો છે ?’’

‘‘કોઈ બોલાવે તો આવું ને ? એમ કોઈના બેડરૂમમાં ધસી થોડા જવાય ? ખાસ કરીને જેના બેડરૂમનાં સપનાં હિન્દુસ્તાનના સોળથી છાસઠ સુધીના બધા જ પુરુષો જોતાં હોય...’’

અલય આ બોલતો બોલતો ડોર ક્લોઝરવાળો દરવાજો ધકેલીને જેવો બેડરૂમમાં દાખલ થયો કે એણે ધાર્યું નહોતું એવી રીતે દરવાજાના બિલકુલ બાજુમાં ઊભેલી અનુપમા એની સાવ નજીક આવી ગઈ. એણે અલયની આંખોમાં જોઈને એના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી. અનુપમાના શ્વાસ લગભગ અલયના હોઠ પર અથડાતા હતા.

‘‘કોણ મારાં સપનાં જુએ છે એ અગત્યનું નથી અલય, હું કોનાં સપનાં જોઉં છું એવું પૂછ મને...’’ આટલું કહેતાં કહેતાં તો અનુપમાની આંખોમાં નશો ઊતરી આવ્યો હતો.લાંબી લાંબી પાંપણોવાળી એની આંખો અડધી બંધ થઈ ગઈ હતી. એના અને અલયના શરીર વચ્ચે માંડ અડધો ફૂટની જગ્યા હતી.

અલયની છાતીમાં ધડકી રહેલા હૃદયનો અવાજ સાંભળી શકાય એટલી નજીક હતી અનુપમા, ‘‘પૂછ...’’ એ બે ઇંચ વધુ નજીક આવી, ‘‘પૂછ મને કે હું કોનાં સપનાં જોઉં છું, માત્ર ઊંઘમાં જ નહીં, જાગતી હોઉં ત્યારે પણ...’’

‘‘અનુપમા...’’ અલયે પોતાના બંને હાથ એના ખભે મૂક્યા. ખૂબ જ દોસ્તાના અંદાઝમાં એને એક હળવો ધક્કો માર્યો. પાછળ જ પડેલી લેધરના નરમ સોફામાં અનુપમા ફસડાઈ પડી, ‘‘મારી ઉંમર અઠ્ઠાવીસ વર્ષની છે અને તું મારા જીવનનીપહેલી સ્ત્રી નથી. એટલે તારી આંખોમાં લખાયેલું આકર્ષણ અને આમંત્રણ બંને મને વંચાય છે. અને સાચું કહું તો હું કોઈ ફરિશ્તો નથી કે તારા જેવી સ્ત્રીનું આમંત્રણ નકારી દેવું મારા માટે સરળ હોય...’’

‘‘તો ? શું રોકે છે તને ?’’ અનુપમાએ ઊભા થઈને અલયના ગળામાં હાથ નાખ્યા. અલયનું આ વાક્ય સાંભળ્યા પછી એનામાં જાણે હિંમત આવી ગઈ હતી, પોતાની વાત કહેવાની હિંમત ! ગઈ કાલ સુધી જે અલય એને શ્રેયાનો લાગતો હતો એ અલય આ પળે એને સાવ પોતાનો લાગ્યો, ‘‘આવી ટુકડે ટુકડે જોડેલી થોડી પળોના સહારે તો હું જીવી જઈ શકું...’’ એણે વિચાર્યું.

એણે આંખો મીંચી અને માથું અલયના ખભે મૂકી દીધું. એણે લગભગ જાતને અલયના હાથમાં સોંપી દીધી, ‘‘હું કંઈ નહીં માગું તારી પાસે. કોઈ વચન કે સલામતી નથી જોઈતી મારે... લગ્ન શ્રેયા જોડે જ કરજે તું, પણ મને...’’

‘‘અનુ.’’ અલયે બહુ જ હળવેથી અનુપમાની પીઠ પર હાથ ફેરવ્યો, ‘‘હું તારી વાત સમજી શકું છું. બહુ નસીબદાર છું હું કે તું મારા પર આટલો વિશ્વાસ કરે છે. સામે કશું જ માગ્યા વિના તારું સર્વસ્વ મને સોંપવા તૈયાર છે તું...’’ પછી એણે અનુપમાને સહેજ દૂર કરી. બે હાથે એનો ચહેરો પકડ્યો, ‘‘પણ અનુ, હું આ વાત સ્વીકારી નથી શકતો. જિંદગીભર તને કશું જ આપ્યા વિના તારી પાસેથી લીધા કરવાનું મને નહીં પોસાય.’’

‘‘પણ અલય...’’

‘‘હું તારી લાગણી સમજું છું, ને તારી માગણી પણ. કોઈ સતો થવાનો પ્રયત્ન નથી કરતો. તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો કદાચ...’’ એણે બે હથેળી પોતાના ચહેરા પર ઘસી અને માથું જોરથી ધુણાવીને વિચારો ખંખેર્યા. પછી હળવેથી અનુપમાનો ખભો પકડીને એને સોફામાં બેસાડી. પોતે એની સામે નીચે જ બેસી ગયો. કોણી વાળીને એના પગ પર ગોઠવી...

‘‘અનુ, સ્વીકાર માત્ર શરીરથી નથી હોતો. આપણે બંને માત્ર શરીરથી જ જોડાઈ શકીએ એવું નથી ને ? આ ફિલ્મ... આપણા બંનેના સાયુજ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. એક સ્ત્રી-પુરુષ મળીને જેમ બાળકને જન્મ આપે એમ આ ફિલ્મ જન્મી રહી છે આપણા સાયુજ્યમાં...’’

અનુપમાની આંખો છલકાઈ ઊઠી.

‘‘અલય, આ બધી કહેવાની વાતો છે. એક સ્ત્રીને એક પુરુષ પાસેથી, એના મનગમતા આરાધ્ય પુુરુષ પાસેથી સ્વીકાર જોઈતો હોય છે. સંપૂર્ણ સ્વીકાર. એના મનનો, એના તનનો, એના આત્મા સહિતનો આખા અસ્તિત્વનો સ્વીકાર... એક વાર અલય, એક વાર તું મને...’’ અનુપમાને આંખો લૂછીને ચહેરો ફેરવીલીધો. પછી દીવાલ તરફ જોઈને જ કહ્યું, ‘‘તને હું બેશરમ કે નફ્ફટ લાગીશ કદાચ, પણ મારા માટે કેટલાય લોકોની લાલચુ નજરોથી લીંપાયેલું, વીંધાયેલું અને કલુષિત થયેલું આ શરીર તારા પુરુષત્વની ગંગામાં ઝબોળીને મારે પાવન થવું છે. હું જીવનભર ક્યારેય એવો આગ્રહ નહીં રાખું કે...’’

અનુપમાના પગ પર મુકાયેલા અલયના હાથ એના ઘૂંટણ પર ભીંસાઈ ગયા. પકડ એટલી સખત હતી કે અનુપમાથી હળવી ચીસ નખાઈ ગઈ, ‘‘તું નહીં અનુ, પછી કદાચ હું આગ્રહ રાખીશ.’’

‘‘હું જાણું છું તને. તું એવો નથી.’’

‘‘અનુ, તું મને નથી જાણતી. તને એક વાર બાહુપાશમાં લીધા પછી, ચૂમ્યા પછી... હું તને ઈશ્વરના ભરોસે પણ ના છોડું એટલો પઝેસિવ છું અને જો હું તને એક સલામત અને સન્માન સાથેનો સંબંધ ના આપી શકવાનો હોઉં તો મને એવો કોઈ અધિકાર નથી કે હું...’’

‘‘એટલે તું ક્યારેય મને...’’

‘‘અનુ, આજે ફિલ્મ શરૂ થયાનો પહેલો દિવસ છે. હું સમજીને જ આવ્યો છું આજે... આપણી વચ્ચે આજે જ આ વાત થઈ જાય તો તારે આગળ ઉપર કઈ રીતે વર્તવું એ તને સમજાય...’’

‘‘એટલે ?’’

‘‘ગેરસમજ નહીં કરતી અનુ, પણ તને હજી અધિકાર છે આ ફિલ્મ છોડવાનો.’’ અલય ઊભો થઈ ગયો અને વ્યગ્રતામાં આંટા મારવા માંડ્યો, ‘‘જોકે તું નહીં હોય તો આ ફિલ્મ પણ અહીં જ અટકી જશે.’’ એ અટક્યો. એણે સ્તબ્ધ બેઠેલી અનુપમા સામે જોયું, ‘‘પણ એથી તારા નિર્ણયમાં કોઈ ફેર ના પડવો જોઈએ. હું તારી અપેક્ષા પ્રમાણે નહીં વર્તી્ર શકું અનુ, એ પછી તારે આ ફિલ્મ કરવી કે નહીં એનો નિર્ણય તારે કરવાનો છે.’’

અનુ ઊભી થઈ.

એ સ્થિર અને સ્તબ્ધ નજરે જોતી અલયની પાસે પહોંચી.

એણે અલયનો ચહેરો બે હાથ વચ્ચે પકડ્યો. ખૂબ નજીક લાવી, પગના પોંચા ઉપર ઊંચા થઈ એણે અલયનું કપાળ ચૂમી લીધું.

‘‘શ્રેયાની ઈર્ષ્યા ન કરવાનું એક પણ કારણ તેં બાકી નથી રાખ્યું.’’ એણે કહ્યું અને પછી અલયને એક નિદરેષ, વહાલસોયું આલિંગન કર્યું.

‘‘આ ફિલ્મ તો થશે જ અલય, જેમ અને જે રીતે થતી હતી એ જ રીતે.’’

‘‘થેન્ક્સ અનુ.’’ અલયે કહ્યું. પછી અનુપમાથી સહેજ છૂટો પડીને એણે અનુપમાની સામે જોયું, ‘‘હું આજે એટલો જ આવ્યો કે આપણી વચ્ચે કેટલીક વાતોની સ્પષ્ટતા થઈ જાય. તને કોઈ ગેરસમજ ના થવી જોઈએ.’’

‘‘નથી. મને કોઈ ગેરસમજ નથી અલય. ઊલટાની હું વધુ સ્પષ્ટતાથી સમજી ગઈ છું કે હું તને અને માત્ર તને જ ચાહું છું...’’ અલય કંઈક બોલવા જતો હતો, પણ અનુપમાએ હાથ ઊંચો કરીને એને અટકાવ્યો, ‘‘સામે પક્ષે એ પણ સમજી ગઈ છું કે તું મને ક્યારેય નહીં ચાહી શકે.’’

‘‘એવું નથી.’’ અલય સહેજ ઝંખવાયો.

‘‘એવું જ છે અલય... અને છતાં, તને એક વાત કહી દઉં, આ અનુપમા ઘોષ અલય મહેતા નામના માણસની છે. તું મને શરીરથી સ્વીકારે કે નહીં, મારું શરીર તારું છે. મારું મન માત્ર તારું છે અને આ આત્મા હવે પછી તારા સિવાય કોઈ સાથે જોડાઈ નહીં શકે.’’ અલય ડઘાયેલો એની સામે જોતો રહ્યો, અનુપમા ટ્રોલીમાં ગોઠવાયેલા ડ્રિન્ક્સના સામાન તરફ વળી.

‘‘સોડા કે પાણી ? આઇસ કેટલો ?’’

‘‘અ...’’ અલય કંઈ બોલે તે પહેલાં ક્રિસ્ટલ ગ્લાસમાં એક પેગ મોલ્ટ વ્હીસ્કી રેડીને, એમાં ત્રણ આઈસનાં ક્યુબ નાખીને અનુપમાએ અલયના હાથમાં ગ્લાસ પકડાવી દીધો.

એ પછી રાતના કહો કે વહેલી સવારના, સાડા ત્રણ વાગ્યા સુધી અલય અને અનુપમા એકબીજા સાથે જાતજાતની વાતો કરતાં રહ્યાં. સવારે અનુપમાએ સેલ્ફ ડ્રાઈવ કરીને અલયને શ્રીજી વિલાના ગેટ પર ઉતાર્યો ત્યારે ઘરે મોલ્ટ વ્હીસ્કીની બોટલમાં એક છેલ્લો પેગ જ બાકી રહ્યો હતો...

ઘસઘસાટ ઊંઘતા સૂર્યકાંતનો મોબાઇલ ક્યારનો રણકી રહ્યો હતો.

લક્ષ્મીએ ઘડિયાળમાં જોયું. ત્રણ ને ચાળીસ.

‘‘૦૦૧, ઘરેથી ?’’ લક્ષ્મીએ ફોન ઉપાડ્યો, ‘‘હા મધુકાંતભાઈ...’’

‘‘લક્ષ્મી બેટા... રોહિતને... રોહિતને...’’

‘‘શું થયું રોહિતને ?’’ લક્ષ્મીએ લગભગ ચીસ પાડી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED