પ્રેમનું વર્તુળ - ૮ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું વર્તુળ - ૮

પ્રકરણ-૮ વૈદેહીનો સાસરીમાં પહેલો દિવસ

વૈદેહી રેવાંશની રાહ જોતી પલંગ પર બેઠી હતી. ત્યાં જ થોડીવારમાં રેવાંશ એના રૂમમાં દાખલ થયો. જાંબલી રંગના ગાઉનમાં વૈદેહી ખુબ જ સુંદર લાગી રહી હતી. વૈદેહીને જોતા જ રેવાંશ એના પર એકદમ મોહિત થઇ ઉઠ્યો. એણે વૈદેહીને પોતાની ગોદીમાં ઉઠાવી લીધી અને એના ગાલ પર ચુંબન કર્યું. વૈદેહી એ પણ શરમાતા શરમાતા રેવાંશ ને ચુંબન કરી પ્રત્યુતર આપ્યો.
એ પછી રેવાંશ એ વૈદેહીને કહ્યું, “વૈદેહી, મને ખબર નથી આ વાત અત્યારે કરવી જોઈએ કે નહિ પણ મને લાગે છે કે કરવી જોઈએ એટલે હું તને કહું છું.”
“એવી શું વાત છે?” વૈદેહી એ પૂછ્યું.
“આપણે બાળકો માટે ક્યારે વિચારીશું?” રેવાંશ એ કહ્યું.
“એક વર્ષ પછી?” વૈદેહીએ પોતાના મનની વાત કહી.
“ના, ના, ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી તો આપણે આ બાબતે નહિ જ વિચારીએ. જ્યાં સુધી મારી મમ્મી રીટાયર ન થાય ત્યાં સુધી તો આપણે આ બાબતે નહિ જ વિચારીએ.” રેવાંશ બોલ્યો.
રેવાંશની આવી વાત સાંભળીને વૈદેહી છળી ઉઠી. એ બોલી, “એટલો બધો સમય? વધીને ૨ વર્ષ સુધી બરાબર છે પણ પાંચ વર્ષનો સમયગાળો તો બહુ વધારે છે.”
“આપણે બંને જ્યાં સુધી એકબીજા જોડે સેટ ન થઈએ ત્યાં સુધી તો આ વાત વિચારી જ કેમ શકીએ?” રેવાંશ એ કહ્યું.
“સારું, એટલું કહી વૈદેહીએ વાતને વિરામ આપ્યો. અત્યારે એને વધુ કઈ પણ બોલવું નિરર્થક લાગ્યું. એને લાગ્યું, “ધીમે ધીમે બધું સરખું થઇ જશે.” એ ઘરમાં શાંતિ જાળવવા ઇચ્છતી હતી એટલે એણે આ વાતને ત્યાં જ વિરામ આપવાનું વિચાર્યું.
પણ રેવાંશ ક્યાં જાણે એક નવવધૂના અરમાનો. એને કોઈએ એવી સમજણ જ નહોતી આપી કે, એક નવવધૂ જોડે આવી વાત ન કરાય. એની લાગણીને કેટલી ઠેસ પહોંચે? એ તો પઢાવેલા પોપટની જેમ આ બધું બોલી ગયો હતો એનો તો વૈદેહીને બહુ મોડેથી ખ્યાલ આવ્યો પણ ત્યાં સુધીમાં તો સમય હાથમાંથી સરી ગયો હતો.

બીજા દિવસની સવાર પડી. બંને ખુબ ખુશ હતા. સવાર પડતા જ વૈદેહી ઉઠીને સવારનો નિત્યક્રમ પતાવી નાહીધોઈને તૈયાર થઈ ગઈ. એ દરમિયાન રેવાંશ હજુ સુતો જ હતો. વૈદેહીએ એને સુવા દીધો. સુતેલા રેવાંશને જગાડવાનું એને મન ન થયું. ગાઢ નિદ્રામાં પોઢેલો રેવાંશ ખુબ સરસ લાગી રહ્યો હતો. વૈદેહીએ પોતાના મોબાઈલમાં સુતેલા રેવાંશનો એક ફોટો ક્લિક કર્યો અને પછી એ તૈયાર થઈને નીચે રસોડામાં આવી.
વૈદેહીના સાસુ જાગી ગયા હતા. વૈદેહી આવીને એમને પગે લાગી. એના સાસુએ એને આશીર્વાદ આપ્યા. એ પછી વૈદેહીએ ચા બનાવી અને એની સાસુએ ભાખરીનો નાસ્તો બનાવ્યો. રેવાંશ પણ હવે ઉઠીને નીચે આવ્યો. ઘરના બધાં સદસ્યો ચા પીવા માટે એકઠા થયા. બધાને વૈદેહીની ચા ખુબ ભાવી. ચા નાસ્તો પતાવ્યા પછી વૈદેહી અને રેવાંશ ને એની સાસુએ દર્શન કરવા માટે મંદિરે જવા કહ્યું. એ પછી બંને ઘરની નજીકમાં જ મંદિર હતું ત્યાં દર્શન કરી આવ્યા.
મંદિરેથી આવીને પછી વૈદેહીએ એની સાસુને પૂછ્યું, “મમ્મી, હવે શું કામ કરવાનું છે?
સાસુમા એ જવાબ આપ્યો, “તું આખા ઘરમાં કચરા પોતા કરી નાખ અને પછી ચા નાસ્તાના વાસણ સાફ કરી નાખજે. ત્યાં સુધીમાં હું કપડાં ધોઈ નાખું અને રસોઈ આજે હું બનાવી નાખીશ. કાલથી તો પછી મારે નોકરીએ જવાનું છે એટલે તારે બનાવવાની જ છે.”
“સારું.” એટલું કહી વૈદેહી સાવરણી લઈને આખા ઘરમાં કચરો વાળવા લાગી. એની નણંદ મહેકે એને પૂછ્યું, “ભાભી, તમને ફાવશેને કે હું મદદ કરું?”
“ના ના મને ફાવશે. હું કરી નાખીશ.” વૈદેહી એ પ્રત્યુતર આપ્યો અને પછી એ કામે લાગી ગઈ.
કચરો વાળતાં વાળતાં એની આંખોની કોર સહેજ ભીની થઇ. એને લાગ્યું હતું કે, આવડો મોટો બંગલો છે તો ઘરમાં કામવાળા તો હશે જ ને? લગ્ન પહેલા એને આ વાત પૂછવી જરૂરી નહોતી લાગી પણ સાસરે આવીને એણે જાણ્યું કે, અહી તો કોઈ જ કામવાળા નથી અને ઘરનું બધું જ કામ એણે જાતે જ કરવાનું છે.
જે વૈદેહીએ પોતાના પિતાના ઘરે ક્યારેય સાવરણી પણ હાથમાં નહોતી લીધી એ જ વૈદેહી આજે પોતાના ઘરમાં કચરા પોતા કરી રહી હતી. સમયનો આ કેવો ખેલ છે?
છતાં પોતાના મનને મનાવતી વૈદેહી રેવાંશના ઘરમાં સેટ થવાનો ધીમે ધીમે પ્રયત્ન કરી રહી હતી.
શું વૈદેહી રેવાંશ ના ઘરમાં સેટ થઇ શકશે? શું રેવાંશ એને એમાં સાથ આપશે? એની વાત આવતા અંકે...