સાર્થક જીવન Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાર્થક જીવન


(Day 4)

મારા અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. એ પહેલાં મારો સમગ્ર ભૂતકાળ આંખો સામે આવીને નીકળી રહ્યો છે, તો ચલો તમે પણ જાણી જ લો મારા આ જનમની દાસ્તાન..

(Day 1)

સોમવારે મારો જન્મ થયો હતો. મારી માઁ તો ઈંડા મૂકીને ખબર નહીં ક્યાં નાસી ગઈ હશે! મારી સાથે જ મારા બીજા બે ભાઈ અને ચાર બહેનોનો જન્મ થયો હતો. જન્મ્યાં બાદ અમે તો ગાંડાઓની જેમ એકબીજાની સામું જોઈ રહ્યા હતાં. હજુ અમારી આસપાસ બીજા ઢગલો ઈંડા પડેલાં હતાં. મને ઘડીક તો થઇ ગયું કે મારી માઁએ ઈંડા મુકવાનું જ કામ કર્યું લાગે છે.

અમે થોડા સ્વસ્થ થયાં બાદ અમારાં શરીરનાં અંગો જોવા લાગ્યા. બે પાતળાં નાજુક હાથો, બે પગ, આંખો અને ઉડવા માટેની પાંખો! પાંખો વિશેનું જ્ઞાન એ સમયે બિલકુલ નહોતું પણ જયારે અમે આકાશ તરફ નજર કરી તો અમારાં જેવા હજારો ઉડતા હતાં. એ જગ્યા ભરપૂર સુગંધથી ભરપૂર હતી. અમારી જાતિના લોકોને જોઈને અમારામાં આત્મવિશ્વાસ આવ્યો. અમે પણ ઉડવા માટે સજ્જ બની ગયાં.

મારા ભાઈ અને બહેનોએ અમે ઉડવાનો પ્રયાસ કરવા માંડ્યો. અમે જન્મ્યાં એની કરતાં શક્તિશાળી થઇ ગયાં હતાં. મેં ખૂબજ ઉમંગમાં આવીને જોરથી પાંખો ફફડાવી ને હું ગગનમાં લહેરાવા લાગ્યો. મારી પ્રથમ સફરનો રોમાંચ હું હજુ અનુભવું ત્યાં તો મેં મારા ભાઈ બહેનો તરફ નજર કરી. એ લોકો કચરાની નીચે દબાઈને મરી ગયાં. મારી નજરો સામેનું એ દ્રશ્ય જોઈને મને કંપારી છૂટી ગઈ. આંખમાં આવેલ આંસુ લૂછીને હું મારી આગળની મંઝિલ શોધતો ફરી હવામાં લહેરાવા લાગ્યો. મારી નજર મારા ભાઈ બહેનોનાં હત્યારા ઉપર ગઈ.

પાંચ ફૂટીયો, માયકાંગલો! એણે જોયા જાણ્યા વગર પોતાનાં હાથમાં રહેલી થેલી મારા ભાઈ બહેન પર નાખી દીધી. મારા મનમસ્તિષ્ક પર બદલાની ભાવના જાગી ગઈ હતી. મેં તે માણસનો પીછો કરવાનું શરુ કર્યું.

કચરાનાં ઉકરડામાંથી જે સુગંધ આવતી હતી એ હવે સીધા સપાટ રોડો પર જરાંય નહોતી આવતી. ત્યાંથી હું એક ફળોની દુકાનમાં પ્રવેશ્યો. મારી જેવા બીજા કેટલાય ત્યાં ઉડી ઉડીને પોતાનું પેટ ભરતાં હતાં. હું પણ એ લોકો સામું એમની માફક નજર નાખ્યા વગર મારી ભૂખ સંતોષવા લાગ્યો. ત્યાં મારી જાતિની બીજી રૂપાળીઓ પણ હતી પણ મારા ભાઈ બહેનોની હત્યાનો આઘાત હું જીરવી શકું એમ નહોતો!

હું તે માણસનો પીછો કરવા લાગ્યો. એ ત્યાં એક મોલમાં જઈને પોતાની નોકરી કરવા લાગ્યો. કલાક સુધી ત્યાં ઉડતા ઉડતા મને કંટાળો આવ્યો. ત્યાંથી નીકળીને હું ગરીબોની વસ્તીમાં આવ્યો. ત્યાં જ્યાં ને ત્યાં મળમૂત્ર પડેલાં હતાં. હું તેમની પર બેસીને પોતાનું પેટ આરોગવા લાગ્યો! ત્યાંથી ઉડીને મેં તરત મારા હાથ સાફ કરી લીધા. ત્યાંથી હું એક મીઠાઈની દુકાને ગયો. ત્યાં મને ગળપણની વાસ આવી રહી હતી. ત્યાં થોડી મીઠાઈ આરોગીને હું આગળ રવાના થયો.

ઉડતા ઉડતા હું હવે થાકી ગયો હતો. સામે એક મોટું મકાન જોઈને ત્યાં પાણી પીવા હું પેઠો. ત્રણ રૂમનાં આવડા મોટા મકાન જોઈને મારી તો આંખો જ અંજાઈ ગઈ. ટપકતાં નળે પાણી પીધું ને હું ઘરની શોભા વધારતી ચીજવસ્તુઓ ધારી ધારીને જોવા લાગ્યો. મોટો હોલ હતો જ્યાં તેમનાં ઘરપરિવારનાં સભ્યોનાં ફોટાઓ કાચની ફ્રેમ સાથે દીવાલ પર લટકતા હતાં. ફોટાઓ જોઈને હું એટલો અંદાજો લગાવી શક્યો કે ઘરમાં એક પતિ પત્ની અને તેમની આશરે દસેક વર્ષની પુત્રી હશે! એ છોકરીને જોઈને મને પણ મારા ભાઈ બહેનોની યાદ આવી ગઈ. મારી આંખોમાંથી પણ આંસુ આવી ગયાં.

અચાનક બેડરૂમનો દરવાજો ખુલ્યો. એક મોટી પડછંદ વ્યક્તિ એમાંથી બહાર આવી. પોતાનાં શર્ટના બટનો બંધ કરીને એ ક્યાંક જવાની તૈયારી કરતો હતો. તેણે ફ્રેમ સામે નજર કરી ને તેના આંખોના ખૂણા ભીના થતાં હું જોઈ રહ્યો. છ ફૂટ બે ઇંચ હાઈટ, કથ્થઈ આંખો, ગોરા લિસા ચહેરા પર ચમકતી રૂવાબદાર મૂછો અને કસરત કરીને કસાયેલું શરીર તેની શોભાને વધું નિખારી રહ્યા હતાં. આટલાં સુંદર ચહેરાને સ્પર્શવાનું મને ઘડીક મન થઇ ગયું ને હું તેમનાં નાક આગળ બેસવા ગયો ત્યાંજ તેમણે તેમનો અઢી કિલોનો હાથ હવામાં લહેરાવ્યો ને હું મારો જીવ બચાવવાં ઉડી ગયો. એ મોભાદાર વ્યક્તિ પણ પોતાનાં માથે ટોપી પહેરીને ત્યાંથી નીકળી ગઈ. મને તેની પાછળ જવાની ઉત્સુકતા જાગી. મારે જાણવું હતું કે, 'એ ફોટાને જોઈને શું કામ રોઈ પડ્યા હશે?!'

હું તેમની જીપમાં ગોઠવાઈ ગયો. સારું થયું કે તેમણે કાચ બંધ કર્યા એ પહેલાં જ હું અંદર પેસી ગયો નહીં તો તેમની પુરપાટ વેગે દોડતી જીપ સામે મારી સુંદર નાજુક પાંખોનું થોડી કાંઈ આવત! જીપ રોકીને તેઓ એક જગ્યાએ પ્રવેશ્યા. તે જગ્યા વિશે મને કોઈ અંદાજો નહોતો પણ આસપાસનાં લોકોની વાતો સાંભળીને મને એટલો તો અંદાજો આવી જ ગયો કે આ માનવજાતિને કોઈ પણ તકલીફ ઉભી થાય તો તે અહીંયા આવીને પોતાની સમસ્યા કહે અને અહીંયા બેઠેલા લોકો તેને કાગળ પર લખીને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે. એકાદ બાઈનાં મોંઢે મેં આ જગ્યાનું નામ પોલીસ સ્ટેશન એવું સાંભળ્યું. મતલબ આ જગ્યાને "પોલીસ સ્ટેશન" કહેવાતું હતું. અરે આ નામ ને જગ્યાની ગડમથલમાં હું તે મોભાદાર વ્યક્તિ પાસે જવાનું જ ભૂલી ગયો. બહાર ઘણાં બધા તેના કપડાં જેવા કપડાં પહેરીને બેઠા હતાં પણ તે ક્યાંય નહોતો.

વધુ અંદર જઈને મેં તે વ્યક્તિની બેસવાની જગ્યા શોધી લીધી. ત્યાં બહુ જ ખરાબ વાસ આવતી હતી. મારું માથું ફાટ ફાટ થતું હતું એ દુર્ગંધથી... છતાંય હું નાક દબાવીને ઉડતો ઉડતો એ વ્યક્તિની ક્રિયાઓને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. મારા જેવા બીજા મારા સ્નેહીજનો એ વાસનાં લીધે મૃત્યુ પામ્યા હતાં તો ઘણાંય ત્યાંથી નાસી છૂટ્યા હતાં. એકાએક એક બીજી વ્યક્તિએ એ કેબિનમાં પ્રવેશ કર્યો.
"અનુરાગ કેમ આમ ઉદાસ બેઠો છું? " તે વ્યક્તિનાં શબ્દો મારા કાને પડ્યા ને મને એ મોભાદાર વ્યક્તિનાં નામની ઓળખાણ થઇ. "અનુરાગ" કેટલું સુંદર નામ હતું! બાયધવે મારું નામ તો મારી કોઈ ફઈબા ના હોવાથી નથી પાડી શકી પણ તમે મને મારી જાતિનું જ નામ દઈ દો તોય હાલશે!! તો હું છું માખી! મિસ્ટર માખી મખ્ખીજા. હાહાહા કેટલું સુંદર નામકરણ કર્યું મેં નહીં! છોડો એ બધું હવે આ અનુરાગ સાહેબની એકલતા જાણવાની મને તો તાલાવેલી જાગી છે. તો મેં કાન માંડ્યા એ તરફ ને સાંભળતો રહ્યો તેમનો વાર્તાલાપ!

"રિશી તું અહીંયા?? આવ બેસ.. " અનુરાગ સાહેબે સામે પડેલી ખુરશી પર ઈશારો કરતાં કહ્યું.

"તું ફોન કેમ નથી ઉપાડતો! તને કેટલા ફોનકોલ્સ કર્યા પણ તું છે કે એ ઉપાડવાની પણ તસ્દી નથી લેતો." રિશીએ ફોનની સ્ક્રીન ખોલીને અનુરાગ તરફ બતાવતાં કહ્યું.

"રિશી પ્લીઝ હું અત્યારે વાત કરવાના બિલકુલ મૂડમાં નથી. તું અહીંથી જઈ શકે છે. " અનુરાગે ચહેરાની રેખાઓ તંગ કરતાં કહ્યું.

"અનુ પ્લીઝ યાર કોઈ પ્રોબ્લેમ હોય તો કહે મને. આપણે બેઉ સાથે મળીને એનું નિરાકરણ લાવશું!" રિશીએ ચિંતાતુર સ્વરે કહ્યું.

"રિશી પ્લીઝ ગો એન્ડ લિવ મી!" અનુરાગે જોરથી બરાડતાં કહ્યું.

રિશી પોતાની જગ્યાએથી ઉભો થઈને નીકળી ગયો. આ અનુરાગ સાહેબની બૂમથી તો ઘડીક મને પણ હાર્ટ એટેક આવી જાત એવી રાડ હતી. રિશિના ગયા બાદ મેં પણ ત્યાંથી જવાનું જ વિચાર્યું કે ત્યાંજ અનુરાગ સાહેબનાં શબ્દો મારા કાને અથડાયા.

"કઈ રીતે કહું રિશી... મારી છોકરીને કોઈએ મહિનાથી કિડનેપ કરી છે અને જો હું એને એની માંગેલી રકમ નહીં દઉં તો એ મારી ફૂલ જેવી છોકરીને વીંખી નાખશે!" આટલું કહેતા તો અનુરાગ સાહેબની આંખોમાં આંસુ આવી ગયાં.
આટલી પડછંદ વ્યક્તિની આંખોમાંના આંસુ મને પણ પીગળાવી ગયાં. કાશ હું કાંઈક કરી શકત!
મને અનુરાગ સાહેબની સ્થિતિ બિલકુલ મારા જેવી લાગી. પોતાનાને ખોવાનો ડર મારાથી વિશેષ કોણ સમજે!

મને એ વાત નાં સમજાઈ કે અનુરાગ સાહેબની છોકરીને કોઈએ કિડનેપ કરી છે તો તેઓ એને પકડી કેમ નથી લેતા. તેમની જોડે મસ્ત મજાની ગન પણ તો હશે.તો એમની છોકરીનું પછી શું થયું હશે? આવા કાંઈકેટલાય સવાલો મારા મગજમાં ચકરાવે ચઢ્યા હતાં. જોતજોતામાં મને ત્યાં ને ત્યાં ઊંઘ પણ આવી ગઈ!

મારી આંખો ખુલી તો સંપૂર્ણ અંધકાર છવાયેલું હતું. હું ત્યાંથી કંટાળીને બહારથી આવતાં એક તેજસ્વી પ્રકાશ તરફ ફંટાયો! બહાર બીજા મારી જાતનાં લોકોએ મને સલાહ સૂચન આપી કે હવે હું જુવાન થઇ ગયો છું તો કોઈ માદા સાથે મળીને અમારી જાત વધારવાનું કાર્ય કરું! પણ મને એ બાબત રાસ ના આવી ને હું ત્યાંથી હામી ભરતો નીકળી ગયો. અંધકારે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. ઠેર ઠેર વિજળીનાં ચમકારા થઇ રહ્યા હતાં. મને મારા જાતનાં લોકોથી જાણવા મળ્યું કે અમારું સરેરાશ આયુષ્ય માત્ર ચાર જ દિવસનું હોય. મને હવે મારો આ જન્મ જ નિરર્થક લાગતો હતો. મારી જીજીવિષા મરી પરવારી હતી. ઉડતા ઉડતા રાત વીતી ગઈ.

(Day 2)

સવારમાં પંખીઓનો કલરવ કેટલી આહલાદકતા આપે એવો હતો. મને ઘડીક તો થઇ ગયું કે આ પંખીઓ પણ પોતાનાં અસ્તિત્વને સાર્થક કરે છે તો મારા જેવી માખીની જાત શું લોકોને હેરાન કરવા જન્મતી હશે? શું ભગવાને મારો જન્મ ફક્ત ચોર્યાસી લાખ જન્મોને સિદ્ધ કરવા પૂરતો જ આપ્યો હશે? મારી આંખમાં આંસુ આવી ગયાં. મેં આસપાસ નજર કરી તો બધે લીલોતરી છવાઈ ગઈ હતી. માણસોનાં ટોળાઓ બાગની ગોળ ગોળ ઘૂમી રહ્યા હતાં. મારી નજર લાલ રંગના સુંદર પુષ્પ ઉપર પડી. તેમાં એક મધમાખી ફૂલોમાંથી રસ ચૂસીને લીમડાનાં ઝાડ ઉપર મધ એકત્ર કરી રહી હતી. મને એ જોઈને ફરી લાગી આવ્યું કે આ મધમાખી પણ પોતાનાં જીવન દરમ્યાન કાંઈક સારું કાર્ય તો કરે છે! હું ત્યાંથી નીકળવાં જતો હતો ત્યાં જ ખબર નહીં મારા શરીર ઉપર કાંઈક કપડાં જેવું પડી ગયું. હું આમતેમ ગોથાં ખાઈ રહ્યો હતો. મને સાચેમાં ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો પણ મારા જેવો જીવ કરી પણ શું શકે!

આશરે કલાક બાદ મારી ઉપરથી એ કપડું હટ્યું. મેં જોયું તો કોઈક સ્ત્રીનાં રૂમાલમાં હું ભરાયો હતો. ત્યાંથી ફટાફટ નીકળીને હું બાજુનાં ઘરમાં પ્રવેશ્યો. ઘરની બારીથી લઈને દરવાજો જડબેસલાક બંધ હતો. બારીનો કાચ કદાચ બોલથી તૂટ્યો હતો તે હું એમાંથી અંદર પ્રવેશ્યો. મને કોઈક તીણો તીણો અવાજ આવી રહ્યો હતો. હું તે રૂમ તરફ ઉડતો ગયો. રૂમ તો લોક હતો પણ ચાવીનાં કાણાંમાંથી હું અંદર પ્રવેશ્યો ને મેં જોયું તો મારી આંખો તો ફાટી ને ફાટી રહી ગઈ..

મારી નજર સામે એક નાની છોકરીનાં હાથ પગ બંધાયેલી અવસ્થામાં હતાં. તેના મોંઢા ઉપર પણ પટ્ટી બાંધેલી હતી ને તે તેમાંથી છૂટવા માટે પોતાનો પગ પાસે પડેલાં તેલનાં ડબ્બા ઉપર લાતો મારી રહી હતી. મને એને જોઈને એવું થઇ આવ્યું કે મેં એને પહેલાં પણ ક્યાંક જોઈ છે પણ ક્યાં એ મને યાદ નહોતું આવતું. મને થયું કે મારી ઝીંદગીમાં મારે આવા બેબસ અને મતલબી લોકોને જોવાના લખ્યા હશે!! એકાદ માખીભાઈએ કહ્યું હતું કે આ માણસોનાં લેખ તેમનાં જન્મનાં છઠ્ઠા દિવસે લખાતાં હોય છે. મને તો આ સાંભળીને હસું આવી ગયું કે અહીંયા તો આયુષ્ય જ માત્ર ચાર દિવસનું હોય એમાં વળી ક્યાં અમારાં લેખ લખાતાં હશે!

મેં આગળ આવીને એ છોકરીનો ચહેરો ધ્યાનપૂર્વક જોયો તો મને એ ઓળખવામાં સફળતા મળી. એ બીજું કોઈ નહીં પણ અનુરાગ સાહેબની જ દીકરી હતી પણ તેને આમ કોણે અને કેમ બાંધી હશે?? હજુ આ સવાલોનાં અવઢવમાં હું મુકાયો જ હતો કે ત્યાંથી કોઈએ ચાવી વડે દરવાજો ખોલ્યો ને હું ભાગવા માટે આમથી તેમ વલખા મારવાં લાગ્યો. એ વ્યક્તિ અંદર પ્રવેશી તો મારી આંખો ફાટી ગઈ. એ એ જ વ્યક્તિ હતી જેણે મારા ભાઈ બહેનોને માર્યા હતાં. મને એ હરામખોરનો ચહેરો હજુ યાદ હતો. તેણે એ છોકરીને ખાવાનું આપ્યું એ જોઈને મને તેના માટે ઘડીક તો માન થયું પણ એ ઝાઝું ન ટક્યું.

"છોકરી ખાઈ લે ધરાઈને! કાલે બપોરે બાર વાગે હાઇવે પર તારો સોદો થવાનો છે. મારે કોઈ મગજમારી નાં જોઈએ. બપોરે તારા સોદાગર પાસેથી પૈસા લઈશ અને સાંજે તારા બાપ પાસેથી!" આટલું કહેતો એ વ્યક્તિ જોરજોરથી હસવા લાગ્યો.

તે છોકરીની આંખોમાં આંસુ જોઈને મને પણ તેની દયા આવી ગઈ. મેં તે વ્યક્તિને કોઈકને ફોન કરતાં સાંભળ્યો.

"છોકરી રેડી છે ભાઈ! મોન્ટી એક વાર જબાન આપે એટલે પાક્કું હમજવાનું ભાઈ." તે વ્યક્તિએ પોતાની ઓળખ મોન્ટી આપી. પોતાની બડાઈ હાંકતો જોઈને મને તેની ઉપર અપાર ગુસ્સો આવી ગયો.

મારા મગજમાં હવે એક પછી એક વિચારો આવવા લાગ્યા. મને મારી મંઝિલ દેખાવા લાગી હતી. મારા જીવનનો હેતુ સાર્થક કરવાનો અવસર મને ભગવાને આપ્યો હતો જેને હું કોઈપણ ભોગે પૂરો કરવા ઇચ્છુક બન્યો હતો. પહેલાં તો એ મોન્ટીનાં ગાલ પર જઈ જઈને તેને પરેશાન કરી મૂક્યો ને પોતાનાં ને પોતાનાં ગાલે પોતાનાં જ હાથોથી તમાચા ચોડાવ્યા. આ જોઈને પેલી છોકરી ખીલખીલાટ કરતી હસી પડી. મોન્ટી કંટાળીને ત્યાંથી ઉભો થઈને નીકળી ગયો. મેં ઘડિયાળ તરફ નજર કરી તો બપોરનાં બાર વાગ્યાં હતાં. મારી પાસે કાલ સુધીનો સમય હતો આ છોકરીને બચાવવાનો!

ઘરમાંથી બહાર નીકળીને હું અનુરાગ સાહેબનાં ઘર જવાનો રસ્તો શોધવા લાગ્યો. ભગવાને અમને માત્ર ચાર દિવસનું આયુષ્ય ભલે દીધું હોય પણ અમારી તર્કશક્તિ ચાલીશ વર્ષનાં મનુષ્ય જેટલી જરૂર દીધી હતી. રસ્તામાં મેં મારા માખી જાતિના લોકોને આ બાબતે જાગૃત કર્યા તો તેઓ પણ મારી જેમ આ કાર્યમાં ભાગ લેવા ઉત્સાહિત બન્યા. બીજા મધમાખીઓનો પણ મેં સહારો લેવાનું નક્કી કર્યું. મારી પાસે ફુલપ્રુફ પ્લાન હતો બસ મારે હવે અનુરાગ સાહેબને જાણ કરવાની હતી કે તેઓ કાલે બપોરે બાર વાગતાં હાઇવે ઉપર આવે. ઘડિયાળ તરફ નજર કરી તો રાતનાં આઠ વાગી ચૂક્યા હતાં. હું અનુરાગ સાહેબની રાહ જોતો તેમનાં ઘરમાં બેસેલો હતો. તેમનો દરવાજો ખુલ્યો ને હું જોશમાં આવી ગયો.

અનુરાગ સાહેબ ઘરમાં આવીને વારેવારે કોઈકને ફોન કરતાં હતાં. અડધો કલાક બાદ એક રિંગ આવી ને તેમનાં ચહેરા ઉપર ચમક આવી.

"ભાઈ મારી દીકરી સલામત તો છે ને? તે કહ્યું હતું કે તું મને પૈસા માટે ફોન કરીશ. બોલ કયારે અને કેટલા આપવાના છે મારે? પ્લીઝ મારી દીકરીને જલ્દી મારી પાસે મોકલી દે!" આટલું કહેતા અનુરાગ સાહેબની આંખોમાં પાણી આવી ગયાં.

સામે છેડેથી પેલો મોન્ટી જ બોલ્યો હશે. હું ભૂખ લાગી હોવાથી આંટાફેરા કરવા લાગ્યો. મંદિર પાસે મીઠાઈનો ચોસલો પડ્યો હતો ત્યાં જઈને હું મીઠાઈ આરોગતો હતો કે મારું ધ્યાન બાજુમાં રાખેલાં સુખડનો હાર ચઢાવેલાં ફોટા ઉપર પડી. તેમાં અનુરાગ સાહેબની પત્નીનો ફોટો હતો. મને અનુરાગ સાહેબની એકલતા જોઈને ખરેખર લાગી આવ્યું કે સારું છે એની કરતાં અમે માત્ર ચાર દિવસ જ જીવીએ! એકલતા તો મનેય ભાસતી હતી પણ મારા જીવવાનો મને એક ઉદ્દેશ મળી ચૂક્યો હતો.

હું અનુરાગ સાહેબની આગળ પાછળ તેમને સમજાવવાના નિરર્થક પ્રયત્નો કરવા લાગ્યો પણ મને તેમાં સફળતા નાં સાંપડી! રાતનાં બાર વાગી ચૂક્યા હતાં પણ હું તેમને આવનારા બાર વાગવાની હકીકત ન જણાવી શક્યો. તેઓ આંખમાં આંસુ સાથે નસકોરાં બોલાવવા લાગ્યા. મને હવે સમજ નહોતી પડતી કે હું કઈ રીતે અનુરાગ સાહેબને સમજાવું. મારે હવે ઠંડા મગજે કામ લેવાનું હતું. મને એક વિચાર આવ્યો ને હું તરત બાથરૂમમાં ગયો. ત્યાં હું મારા કામની વસ્તુ શોધવા લાગ્યો. અચાનક મારી નજર દાઢી કરવાની ટ્યુબ ઉપર ગઈ જે ખુલ્લી પડી હતી. મેં તેના ઉપર કૂદાકૂદ કરી પણ તેમાંથી કાંઈ પણ બહાર ના આવ્યું. મેં ત્યાં રહેલી ગરોળીની મદદ માંગી જોઈ. મારા આશ્ચર્ય વચ્ચે તેણે હામી ભરી ને તેણે મારી મદદ કરી પણ તેનાથી એ ટ્યુબ નીચે સફેદ ટાઇલ્સ ઉપર પડી ગઈ જેમાંથી ક્રીમ થોડીક બહાર ઢળી ગઈ. મેં તેનો આભાર માન્યો ને એ ત્યાંથી નીકળી ગઈ.

હું હવે મારા કામને અંજામ આપવા જઈ રહ્યો હતો. મને નહોતી ખબર કે તેના માટે કેટલો સમય લાગવાનો હતો પણ હું તે કરતો ગયો કરતો ગયો.

Day 3

આખરે સવાર પડી. મેં વોશ બેસીન ઉપર લટકતા દર્પણમાં ક્રીમ વડે "હાઇવે" લખી દીધું હતું પણ હજુ "બાર" લખવાનું બાકી હતું. હું ફરી મારા કામમાં લાગી ગયો. સૂરજદાદાના કિરણો બાથરૂમમાં ફેલાઈ રહ્યા હતાં. "બાર" લખ્યા બાદ હું મનોમન ખુશ થતો બહાર આવ્યો ને ઘડિયાળમાં જોયું તો અગિયાર વાગી ચૂક્યા હતાં. મને નવાઈ લાગી કે અનુરાગ સાહેબ હજુ સુધી શા માટે બાથરૂમમાં પ્રવેશ્યા નહીં! મેં બેડ ઉપર જોયું તો ત્યાં કોઈ નહોતું. તેમની ગઈકાલે ઉતારેલી વર્ધી પણ ત્યાં તેના સ્થાને નહોતી. હું મારું માથું પકડીને ત્યાંજ હિંમત હારતો બેસી ગયો. મારી આંખો આંસુથી છલછલાઈ ઉઠી. મારી આંખો થાકનાં લીધે મીંચાઈ ગઈ હતી.

મારી ઊંઘ ત્યારે હરામ થઇ જયારે અનુરાગ સાહેબે દરવાજો ખોલ્યો. મને ફરી એક આશાનું કિરણ દેખાયું. તેઓ તરત આવીને પોતાની વર્ધી ઉતારવા લાગ્યા. મને ખ્યાલ આવ્યો કે કદાચ તેમને રાતે કોઈ કારણોસર જવું પડ્યું હશે એટલે જ તેઓ બાથરૂમમાં નહીં આવ્યા હોય! તેઓ તરત બાથરૂમમાં પ્રવેશ્યા. મેં ખુશ થતાં ઘડિયાળ તરફ નજર કરી તો બાર વાગવામાં ફક્ત બે જ મિનિટની વાર હતી. તેઓ મારો સંદેશો વાંચીને દોડતાં પોતાની વર્ધી પહેરવા લાગ્યા. હું સમજી ગયો કે તેઓ મારો મેસેજ વાંચીને જ આમ કરતાં હતાં. હું પણ તેમની જીપમાં ફટાફટ ઉડતો ઉડતો ગોઠવાયો. તેઓ તો જીપને ચલાવતા નહોતા પણ ઉડાવતાં હતાં. તેમણે તરત ફોન કરીને કોઈકને હાઇવે પર ચેકીંગ કરવાનું સૂચવી દીધું.

મારા ધબકારાની ગતિઓ પણ અનુરાગ સાહેબની માફક ધક ધક થઇ રહી હતી. એકલતાથી પીડાતા અમે બે જીવો પોતાની મંઝિલને સાર્થક કરવાના યત્નોમાં લાગ્યા હતાં. ત્યાંજ હાઇવે ઉપર અમને એક સફેદ ગાડી દેખાઈ. અનુરાગ સાહેબે તરત જીપને સાઈડમાં લગાવી ને આગળ રહેલ ગાડીમાં જોયું. ગાડીમાં ડ્રાઈવર નહોતો મતલબ ડ્રાઈવર વગરની ગાડી હતી એ! અનુરાગ સાહેબ આસપાસ નજર કરતાં હતાં. બાજુમાં ઘનઘોર જંગલ જેવો પરિસર હતો. તેઓ ત્યાં દોડતાં જઈ રહ્યા હતાં. મને તે ગાડી મોન્ટીની જ હતી એ સમજતા વાર ના લાગી પણ ગાડી અહીં હતી તો મોન્ટી અને પેલી છોકરી ક્યાં હતાં?

હું ગાડીની અંદર જઈને શોધખોળ કરી રહ્યો હતો. ત્યાંજ ગાડીનાં પાછલા ભાગમાંથી મને કાંઈક અવાજ સંભળાયો ને હું એ તરફ ગયો. મેં જોયું તો પેલી છોકરી પોતાનાં હાથ પગ બંધાયેલ હાલતમાં ત્યાં ધમપછાડા કરી રહી હતી. હું ગાડીમાંથી બહાર નીકળ્યો તો સામેથી અનુરાગ સાહેબ મોન્ટી અને બીજી એક વ્યક્તિનો કોલર પકડીને લાવી રહ્યા હતાં. તેમનાં ચહેરાઓ અને શરીરે જાતજાતનાં કરડવાનાં નિશાનો હતાં. મારો પ્લાન એ સફળ થયો હતો. મારા સાથીદારો તેમની પાછળ પાછળ આવી રહ્યા હતાં. મારા સાથીદારો મધમાખીઓ અને બીજી માખીઓ મોન્ટીની ગાડીમાં જ રહીને પ્લાનને અંજામ આપવાની હતી. જેવી ગાડી હાઇવે ઉપર સોદો કરવા ઉભી રહે કે મધમાખીઓએ પોતાને સોંપેલું કામ કરવાનું હતું જે તેમણે પૂર્ણપણે કરી બતાવ્યું હતું. મેં તેમનો ખૂબ જ આભાર માન્યો. તેઓ પોતપોતાના રસ્તે અથવા તો એમ કહો કે તેમની નવી મંઝિલે જવાં નીકળી ચૂક્યા હતાં.

મોન્ટીનાં કહેવાથી અનુરાગ સાહેબે ડેકી ખોલીને પોતાની વ્હાલસોયી પુત્રીને ગળે સરસો ચાંપી લીધી. તેમની આંખોમાં આવેલા સહર્ષ આંસુઓ જોઈને મને મારી ઝીંદગીને સાર્થક કરવાનો સંતોષ મળ્યો હતો. ત્યાંજ પોલીસની બીજી જીપ આવીને મોન્ટી અને તેના સાથીદારને પકડીને લઇ ગઈ.

અનુરાગ સાહેબની વર્ધી જેવો જ એક વ્યક્તિ ત્યાં આવ્યો.

"સાહેબ તમને કોણે કહ્યું હતું કે આ લોકો અહીંયા હાઇવે ઉપર જ છે? "

"જાની હું નથી જાણતો કે આ બધું કોણે અને કેવી રીતે કર્યું પણ હા એટલું જરૂર માનું છું કે ભગવાને તેને મારી મદદ કરવાના ઉદ્દેશથી જ મોકલ્યો હશે!! છેલ્લા એક મહિનાથી હું નિશા વગર એકલતાથી પીડાતો હતો પણ આ કરિશ્મા જોઈને મને ખરેખર સુખદ આંચકો લાગ્યો છે. ભગવાન મારા મદદનીશને લાંબું આયુષ્ય બક્ષે!"

(Day 4)

હવે તમને એમ થતું હશે કે શું ખરેખર અનુરાગ સાહેબની વાત ભગવાને સાંભળી હશે તો હું કહી દઉં કે "ના", આજે મારો ચોથો દિવસ છે. મારું શરીર વૃદ્ધ થઇ ચૂક્યું છે. હું પહેલાંની માફક ઉડી નથી શકતો. અત્યારે હું અનુરાગ સાહેબનાં ઘરમાં છું અને ભૂલથી નિશાનાં દૂધના ગ્લાસમાં પડ્યો છું ને મારા જીવનના આરંભથી અંતનાં દ્રશ્યો મારી આંખો સમક્ષ નિહાળી રહ્યો છું. મારામાં શક્તિ રહી નથી કે હું એ તરલમાંથી બહાર આવી શકું.

નિશાએ ગ્લાસ જોઈને તરત અનુરાગને આપ્યો.

"પપ્પા આમાં તો માખી પડી ગઈ છે. ઢોળી દઉં આને?"

"ઉભી રે હું એને ચમચી વડે કાઢીને બહાર નાખી દઉં છું. "

અનુરાગે ચમચી વડે માખીને કાઢીને પ્લેટમાં મૂકી.

"પપ્પા આને હું મારી નાખું?જુઓ કેવી તરફડે છે? " નિશાએ તરફડતી માખી તરફ જોતાં પૂછ્યું.

"નિશા તારો જીવ બચાવનાર કોઈક જીવ જ હતો. બસ હવેથી આપણે કયારેય કોઈ જીવનો જીવ નહીં લઈએ એવું નક્કી કરીએ છીએ ઓક્કે? "

નિશાએ ડોકું હલાવ્યું.

"કોને ખબર પપ્પા મારો જીવ બચાવનાર આ માખી જ કદાચ હોય! નહીં?!"

નિશાનાં શબ્દો સાંભળીને મેં હસતાં ચહેરે અનુરાગ સાહેબની સામું જોઈને મારા અંતિમ શ્વાસ છોડ્યા.

(આ માત્ર એક કાલ્પનિક વાર્તા છે. જેનો ઉદેશ્ય દરેક જીવમાત્રની સંભાળ રાખવાની સાથે પોતાનાં જીવનનો ધ્યેય પણ સૂચવે છે. )