ઘરના બધા જ કામ પતી ગયા હતા એટલે હવે હું સંસ્થાનું કામ લઈને બેઠી. અવની થોડી વાર પહેલા જ ઓફિસ જવા નીકળી હતી. આજે ઘણા સમય પછી સાથે બેસીને જમ્યા હતા અમે બાકી એના ઓફિસના કામના કારણે એ જલ્દી નીકળી જતી અને મોડા પછી આવતી પણ આજે એનું મહત્વનું કામ પતી ગયું હોવાથી ખાસ કરીને મારા માટે મોડા ઓફિસ ગઈ હતી.
હું ખુશ હતી કારણ કે મારી પુત્રી પોતાનું કામ અને ઘર બંને સંભાળી રહી હતી. હજુ હું મારું કામ શરૂ કરું એ પહેલા જ ઘરના બારણે ટકોરા પડ્યા. ટીકુ અંદર બાકીના કામ પતાવતી હતી એટલે મેં જ ઉભા થઈને બારણું ખોલ્યું.
સામે જોયું તો મારી નાનપણની મિત્ર સુરેખા મારી સામે ઉભી હતી. આટલા વર્ષો પછી એને જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એને આમ મળવાનું થશે અને એ પણ આમ અચાનક એ મારા બારણે આવીને ઉભી રહેશે. મેં એણે અંદર બોલાવી ટીકુને ચા-નાસ્તો તૈયાર કરવાનું કહ્યું.
અમે બંને એકબીજાને જોઈને ખુબ ખુશ હતા. હું અને સુરેખા નાનપણથી સાથે જ મોટા થયેલા, ઘર પણ બાજુ-બાજુ માં અને સ્કૂલ-કોલેજ પણ સાથે જ પતાવી. સમય જતા એ લગ્ન કરીને અમેરિકા જતી રહી અને હું અહીં અમદાવાદમાં સેટલ થઇ ગઈ.
શરૂઆતમાં અમારી ઘણી વાતો થતી પણ પછી ઘરની જવાબદારી અને બાળકોમાં એટલા વ્યસ્ત થઇ ગયા કે ધીમે ધીમે હવે તો વારે-તહેવારે જ એકબીજાને યાદ કરી લેતા.
પણ આજે અચાનક આમ આવી એણે મને જોરદાર ઝાટકો આપ્યો અને એ પણ સુખદ ઝાટકો.
એને જોઈને ખરેખર લાગ્યું કે એ પુરેપુરી અમેરિકાના ક્લચરમાં ક્લચરમાં ઢળી ગઈ છે. સલવાર-કમીઝ માં ફરતી એ સુરેખા આજે આ ઉંમરે જીન્સ-ટી શર્ટ માં આવી હતી.
ટીકુ સુરેખા માટે ચા-નાસ્તો લઈને આવી અને અમે બંને વાતોએ વળગ્યા.
“તો બોલ સુનીતિ કેવું ચાલે છે તારે? તું તો એવીને એવી જ રહી બિલકુલ પણ બદલાઈ નહિ!” સુરેખાએ વાત શરુ કરતા કહ્યું.
દરવાજા પાસે ગળે મળી એકબીજાના આંસુ જોઈ હવે એ થોડી મસ્તીના મૂડમાં આવી ગઈ હતી એટલે મેં પણ મસ્તીના મૂડમાં જ જવાબ આપ્યો.
“બસ જો શાંતિ છે પણ તારે કેવું ચાલે અને તું પણ તો ક્યાં બદલાઈ છે એવી ને એવી જ છે ને!”
સુરેખા હસી અને નાસ્તો ખાતા ખાતા બોલી, “ બસ જો મારે પણ શાંતિ જ છે. આ તો તારા બનેવીને અહીં થોડું કામ હતું એટલે આટલા વર્ષો પછી પાછા આવવાનું થયું બાકી ઘર અને બાળકોને સાચવવામાંથી ફુરસત જ ક્યાં મળે છે.”
મારી વાત મૂક તું એ તો કે મારા બનેવી ક્યાં છે? એને ચા નો ઘુંટળો ભરતા પૂછ્યું
તારા બનેવી હમણાં થોડા કામથી બહાર ગયા છે બસ થોડી વારમાં આવતા જ હશે. તું તારે આરામથી નાસ્તો કર હજી આપણે ઘણી વાતો કરવાની બાકી છે.
એને ચા-નાસ્તો પતાવ્યો પછી અમે અમારી વાતો માં લાગી ગયા. નાનપણની ઘણી વાતોના પટારા ખુલી ગયા. સ્કૂલમાં કરેલી મસ્તી, બધી બહેનપણીઓ સાથે રમવા જવું, તહેવારમાં નવા કપડાં પહેરી સાથે ફરવું, ગૌરીવ્રતમાં કરેલી મજા, નવરાત્રીમાં મોડા સુધી ગરબા રમવા, દિવાળીમાં એકબીજાના ઘરે ફરસાણ બનાવવામાં મદદ કરવી.
વાતો વાતોમાં સમય ક્યાં નીકળી ગયો ખબર જ ના પડી.ઘડિયાળમાં નજર જતા મેં ટીકુને સાંજના જમવાની તૈયારીઓ કરવાનું કહ્યું. અવની પહેલાથી કહીને જ ગઈ હતી એટલે મારે વધારે કઈ કરવાની જરૂર નહોતી.
સુરેખા આ બધું જોઈ રહી હતી અને પછી એણે અચાનકથી પૂછ્યું, “ સુનીતિ હું તો પુછાતા જ ભૂલી ગઈ, તારો દીકરો અને દીકરી શું કરે છે?
“ઓહ, ભાવિન, એ એક મલ્ટી-નેશનલ કંપનીમાં જોબ કરે છે. અને મારી દીકરી લગ્ન કરીને સાસરીમાં ખુશ છે”, મેં જવાબ આપ્યો
ટેરો દીકરો શું કરે છે?, મેં એને પૂછ્યું
“હાલ તો એ કઈ નથી કરતો પણ તારા બનેવી ત્યાંનો ધંધો સંભાળે છે એટલે શાંતિ છે. સમય આવતા મેક્સ ધંધો સંભાળી લે એટલે શાંતિ.
“હાલ તો અમે એના માટે છોકરી જોવા માટે આવ્યા છે.
આ સાંભળી મને આશ્ચર્ય થયું એટલે મેં કહ્યું, “ સુરેખા, અમેરિકામાં આપણી નાતના બહુ બધા લોકો રહે છે તો ત્યાંથી કોઈ છોકરી પસંદ કરવાના બદલે તમે લોકો અહીંથી કેમ છોકરી પસંદ કરવા માંગો છો?
મારી વાત સાંભળી સુરેખા એ જવાબ આપ્યો, “ વાત જવા દે ને, તારા બનેવીને ભારતીય સંસ્કાર વાળી વહુ જોઈએ છે. પહેલા મેં ના પાડી પણ પછી મેં વિચાર્યું કે જો ત્યાંની મોડર્ન બહુ આવશે તો ઘરમાં હુકમ બજાવશે એટલે મેં નક્કી કર્યું કે અહીંથી કોઈ છોકરી પસંદ કરી મેક્સના લગ્ન કરાવી દઈએ.”
“ત્યાં લઇ જઈએ એટલે દબાવીને રાખી શકાય અને રહ્યો સવાલ નોકરી કરવાનો તો ઘરનો ધંધો છે જ તો એમાં જ મદદ કરે.”
એના આવા વિચારો પર મને બિલકુલ નવાઈ ના લાગી. એ પહેલાથી કે ફક્ત પોતાના માટે વિચારતી અને આજે પણ ફક્ત પોતાના વિશે જ વિચારી રહી હતી.
હું હજી વિચારોમાં જ હતી એટલામાં ફરીથી ડોરબેલ વાગી અને આ વખતે ટીકુએ દરવાજો ખોલ્યો તો અવની હતી. એ સીધી આવીને મારા ગળે વળગી ગઈ અને બોલી, “ મમ્મી આજે મને પ્રમોશન મળી ગયું, મારી આટલા દિવસની મહેનત સફળ થઇ ગઈ. હું બહુ જ ખુશ છું.“
અવનીની આંખમાં ખુશીના આંસુ હતા અને ખુશ જોઈ હું પણ ખુશ થઇ ગઈ. એને મારાથી અલગ કરી અને સુરેખાને મેળવી.
સુરેખા સાથે થોડી વાત કરી એને મારી તરફ જોયું અને કહ્યું,” મમ્મી, આજે કેક બનાવીએ?”
મેં હા કહ્યું અને એ ખુશ થઇ અને ફરીથી મને ગળે વળગી પડી. થોડી વાર પછી એ એના રૂમમાં ફ્રેશ થવા ગઈ.
આ જોઈ સુરેખા બોલી,” કેટલી સુશીલ છે તારી દીકરી, નોકરીમાં પ્રમોશન મળ્યું તો પહેલા તારી પાસે આવી અને ખુશખબર પહેલા તને આપી બાકી આજ કાલની વહુઓ તો સાસુને કઈ ગણતી જ નથી.
મેં એની સામે જોયું અને કહ્યું,” વાત તો તારી સાચી છે પણ ખાલી વહુ એ જ નહિ સાસુ એ પણ થોડું બદલાવું જોઈએ. જેવી રીતે હું જમાના સાથે બદલાઈ છું અને અવની મારી પુત્રી જેવી પુત્રવધુ છે.”
આ સાંભળી સુરેખાના ચહેરાનો રંગ ઉતરી ગયો અને એને પૂછ્યું, “અવની તારા દીકરા ભાવિનની પત્ની છે?”
હા, મેં સહજતાથી જવાબ આપ્યો.
સુરેખા આ સાંભળી કઈ ના બોલી એટલે મેં કહ્યું, “ખાલી મોડર્ન કપડાં પહેરવાથી મોડર્ન નથી થવાતું. વિચારો ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ. કોઈની દીકરીને પુત્રવધુ બનાવીને લાવીએ એટલે એને પુત્રવધુની જેમ જ રાખવી જરૂરી નથી. એની માતા બની એને પોતાની પુત્રી પણ બનાવી શકાય.
મારી વાત સાંભળી સુરેખા થોડી ભોઠી પડી ગઈ પણ કઈ બોલી નહિ. થોડી વાર પછી અવની મારી પાસે આવી એ મારો મનગમતો નાસ્તો લાવી હતી જે એને ટીકુને અંદર રાખવા આપી દીધો હતો અને હવે એ કેક બનાવવામાં લાગી ગઈ હતી.
વધારે કઈ કહેવાનું હતું નહિ એટલે સુરેખાએ થોડી વારમાં વિદાય લીધી.
હું જાણતી હતી એને ખરાબ લાગ્યું હશે પણ હવે આજના જમાના પ્રમાણે બધી સાસુઓએ પોતાનો દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ.
પોતે પણ પરણીને બીજાના ઘરે આવી છે અને પોતાની દીકરીને પણ પરણાવીને બીજાના ઘરે મોકલી છે. એવી જ રીતે પોતાના ઘરે આવનારી પુત્રવધૂને પુત્રી સમજીને જ રાખવી જોઈએ.
પુત્રવધુ એ પણ પુત્રી જ છે ખાલી પોતાનો દ્રષ્ટિકોણ નો જ ફરક છે.