'અનુપમ'ની ખોજમાં - પ્રો.વિ.કે.શાહ Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

'અનુપમ'ની ખોજમાં - પ્રો.વિ.કે.શાહ

૧ પ્રાર્થના

ન ટાળશો નાથ! મારી ઉપાધિ,

ન ખાળશો નાથ! આધિ ને વ્યાધિ!

ચહંત હું નાથ ફૂલો ન, - કાંટા,

તણા રાહ પર કદમને મિલાવી

આવી રહ્યો ‘નાથ’ બની જવાને.

બુદ્ધ, મહાવીર, ઈસુ સર્વ સિદ્ધપુરૂષોના માર્ગ ફૂલ – બિછાત ન હતા. ડગલે ડગલે કાંટા હતા. મુશ્કેલીઓ હતી. તો મારા માટે પણ શા માટે સુંવાળો પંથ હોય? આદર્શને અનુસરવા માટે માર્ગ પણ આદર્શ જ જોઇએ ને? તેથી જ કવિ પ્રીતમે લખ્યું હશે ને!! ‘હરિનો મારગ છે શૂરાનો…’

૨. Yet Junior

જ્યારે મિત્રો સહુ પરણીને પત્ની સહ ઘૂમતા’તા,

ત્યારે હું કો બગ સમ બની માછલી ઢૂંઢતો’તો.

મિત્રો કે’તા ઝટકર હવે વાર શાની લગાડે,

તારા પે’લા પરણી જઇને ક્યારની વાટ જોતા.

આવી રીતે સમય વીતતાં જો રહ્યો તું કુંવારો,

તો તો તારી કરૂણામયી આ જિંદગી શે જવાની?

તારાથી ય જુનિયર અને ઉંમરે ને જીવનમાં,

જો ને કેવા સિનિયર બન્યા? તો હવે જાગ તું.

“મિત્રો મારા શ્રવણ કરી લો કે જ થોડા દિનોમાં

પત્ની સાથે ભ્રમણ કરવા સાથ આવીશ તમારી

ત્યારે સૌએ જુનિયર મટી મ્હાલશું જિંદગીમાં,

સૌએ સાથે યુગલ મહીં ત્યાં ઘૂમીશું ભેદ ભૂલી.

અંતે જ્યારે સમય વીતતાં માછલી કો’ મળી ગઇ,

ત્યારે મિત્રો જનક બનીને ઘૂઘરા ઢૂંઢતા’તા.

સમવયસ્ક મિત્રોમાંથી કેટલાક પરણી જાય અને જે મિત્ર કુંવારો રહી ગયો હોય તેની મનોદશા દર્શાવતું કાવ્ય!

૩. લજામણી

સ્પર્શ બન્યો હું લજામણી તું,

આંખ બીડી કાં શરમાણી?

હૈયું પુલકિત તો યે તારી,

કાયા કાં કરમાણી?

અકળ અગોચર કરતક તારાં,

કઈ માયામાં ભરમાણી?

સાગર જેવા આ હૈયામાં,

કહે ને કાં ન સમાણી?

મેં તો માની તુજ ને પ્રિયતમ,

જીવતર કેરી કમાણી?

ભોળા દિલની ભોળી વાતો,

કહે ને કાં ન ખમાણી?

શમણાં મારા લાવ્યો દિલબર,

કરવા તેની લાણી.

તું માને કે ના માને,

હું રાજા તું રાણી.

પ્રેમ જીવનનું સર્વોત્તમ સંભારણું છે. પ્રિયતમા સાથે પ્રેમની લાગણીઓનું શબ્દ ચિત્ર અને સ્ત્રીના મનોભાવોની લાવણ્યમય રજૂઆત

૪. ‘અનુપમ’ની ખોજમાં

(શિખરિણી છંદ)

હવે ડૂબાડી દો કઠણ હ્રદયે સિદ્ધિ સઘળી,

અને દફનાવી દો સમિકરણ -સિદ્ધાંત – નિયમો.

બધું ભૂલી જાઓ, વિકસિત થયેલું મગજ આ

લઈને ચાલો ત્યાં – પથરયુગના તે જીવનમાં.

તરુની છાલોના – શરીર ઉપરે વસ્ત્ર દીપશે.

ફળો દેવા માટે વિટપ કદિ યે ના નહીં કહે.

સૂવા માટે પેલી સરસ હરિયાળી વિનવતી,

“અહીં આવી લેટો, જીવનભરનાં દુઃખ વિસરી.”

નહિ સ્પર્ધા – ઈર્ષા, વદન પર ના કૈં ગમગીની

સ્પૃહા ના કાલે શું જમશું, અથવા શું થઈ જશે?

અને શાંતિ થાતાં, વિકસિત થયેલું મગજ આ

ચહે – ‘શોધી કાઢું અવલ કંઈ – ના ભૌતિક કંઈ.’

અને ગૂફા વિના – જપ તપ વિના યે મળી જશે,

મળ્યું જે બુદ્ધોને ‘અનુપમ’ અતિ કૈં પરિશ્રમે.

ભૌતિક સમૃદ્ધિઓની પરાકાષ્ઠા સાથે માનવી અસંતોષની પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો. માનસિક વિકાસની સાથે અશાંતિનો પણ એટલો જ વિકાસ થયો. ચરમ શાંતિ – પરમ શાંતિની ખોજમાં નીકળેલા સિદ્ધ પુરૂષો – બુદ્ધ, મહાવીર, ઈસુ વગેરેને અનેક પરિશ્રમે પરમ સત્ય લાધ્યું. ‘त्येन तक्तेन भुंजिथा।‘ હવે ભૌતિક સાધનાનું વિસર્જન કરી આધ્યાત્મિક સાધના કરવા માટે આજના વિકસિત મગજને બુદ્ધ, મહાવીર, ઈસુ જેટલું કષ્ટ નહીં પડે. તેમને માર્ગ શોધવો પડ્યો હતો. આપણે તો અપનાવવાનો જ છે.

૫. આમ શાને?

(મંદાક્રાન્તા છંદ)

જ્યારે જ્યારે ટમટમ થતી જ્યોતને મેં નિહાળી,

ને તેમાં યે ઉપર વળતી મેશને મેં નિહાળી.

ત્યારે ત્યારે હ્રદય પૂછતું, ‘આમ શાને બને છે?’

ધોળી ધોળી દીવટ ઉપરે તેલ પીળું બળે છે,

ને જ્યોતિ શી અગન બનીને રક્ત રંગે જલે છે!

તો કાળી કાં ઉપર વળતી મેશને તે ધરે છે?

આવી રીતે કુતૂહલ થકી એક દિ’ હું મુંઝાતો,

હૈયા મહીં રટણ રટતો – આમ શાને બને છે

ને તે ટાણે શરમ તજીને ઓડકારો જ ખાટાં,

આવી લાગ્યા ઉદર મહીંથી દહીં અને દહીંવડાના,

ને મેં પૂછ્યું ટમટમ થતી જ્યોતને –‘તું કહી દે’,

તેં શું ખાધું ઝટપટ હવે કે પછી હું કહી દૌં,

કાળું કાળું જરૂર ઉદરે ઠાલવ્યું તેં હશે ને

“હા! અંધારું હડપ કરી ગૈ, તેહનો એ પ્રતાપ.”

‘અન્ન એવો ઓડકાર’ આ કહેવતને દીપકની દીવેટ સાથે સરખાવી મંદાક્રાન્તા છંદમાં લિખિત કાવ્ય મર્મસભર ચોટ કરે છે. આપણે માત્ર ભોજનમાં જ નહીં વિચારો અને લાગણીઓમાં પણ જે આરોગીએ છીએ તે જ બહાર કાઢીએ છીએ.

તસવીર સૌજન્યઃ પ્રિયા પરિયાની