કલાકાર ભાગ – 2
લેખક – મેર મેહુલ
દેવેન્દ્ર સફેદ સફારીમાં લાંબી ખુરશી પર બેસીને હુક્કો પીતો હતો. થોડીવાર પહેલાં મેનેજર સાથે વાત થઈ ત્યારથી તેને ચેન નહોતું પડતું એટલે તેણે એક માણસને મોકલીને તેનાં પાર્ટનર સંતોષ જાનીને બોલાવવા મોકલ્યો હતો. A.k. પાલિતાણામાં હતો એ વાત જાણી તેને આશ્ચર્ય થતું હતું અને દિપકે તેની સાથે દુશ્મની વહોરી લીધી એ વાતનો તેને ડર પણ લાગતો હતો. દિપક તેનો સગો ભાઈ નહોતો પણ દિપક સાથે તેનાં વર્ષોની મહેનત પછી ઉભા કરેલાં સામ્રાજ્ય પર ખતરો હતો એની તેને ચિંતા થતી હતી.
થોડીવારમાં સંતોષ જાની તેની પાસે આવીને બેઠો. દેવેન્દ્રના કપાળ પર ઉપસી આવેલી કરચલીઓ જોઈને વાત કેટલી ગંભીર છે એ વાતનો તેને અંદેશો આવી ગયો હતો એટલે તેણે બની શકે એટલા શાંત અને ધીમા અવાજે પુછ્યું, “શું થયું દેવું ?”
જાની દેવેન્દ્રની સમકક્ષ ઉંમરનો હતો એટલે તેને દેવું કહીને બોલાવતો. બંનેએ છેલ્લાં ચાર વર્ષમાં સાથે મળીને શહેરને પાયમાલ કરી દીધું હતું.
“A.k. પાલિતાણામાં છે” દેવેન્દ્રએ સીધી વાત કરી.
“હેં ???, શું કહ્યું” જેવી રીતે A.k.નું નામ સાંભળીને દેવેન્દ્ર ચોંકી ગયો હતો એવી જ રીતે જાનીને પણ આ વાત સાંભળીને ઝટકો લાગ્યો.
“તેને આપણી ખબર છે ?” જાનીએ પુછ્યું.
“મુશ્કેલી એ નથી. A.k. એ કામ છોડ્યું એને બે વર્ષ થઈ ગઈ અને એટલે જ આપણે ખુલ્લેઆમ બધું કરી શકીએ છીએ. પ્રોબ્લેમ બીજી છે”
જાનીએ નેણ ઊંચા કરીને ઇશારામાં જ વાત કહેવા કહ્યું.
“અઠવાડિયા પહેલાં દિપક લંડનથી પાછો ફર્યો હતો. એ પપ્પાની તરફેણમાં ન જાય એ માટે મેં જ તેને મનફાવે એમ કરવાની છૂટ આપી હતી. મને થોડી ખબર હતી બધાનો બાપ પાલિતાણામાં પહોંચી ગયો છે. દિપકે તેની સાથે ઝઘડો કર્યો છે અને હવે એ દીપકને શોધે છે” દેવેન્દ્રએ શાંત રહેવાની કોશિશ કરી છતાં તેનાં અવાજમાં એ કંપન મહેસુસ થતું હતું.
“દિપક તારો સગો ભાઈ નથી અને આમ પણ એ મરે તો બધી મિલ્કતનો વારિસ તું એકલો જ બચીશ. તારાં માટે તો સારાં સમાચાર છે” જાનીએ ખુશ થતાં કહ્યું.
“A.k.ને તું ઓળખે છે ને !, એ દિપક પાસેથી બધી વાત કઢાવી લેશે. જો એને માલુમ પડ્યું કે પાલિતાણામાં જેટલાં ગુન્હા થાય છે એની જડમાં આપણે બંને જ છીએ તો એ આપણને નહિ છોડે”
“તો શું કરવું છે ?” જાનીને પણ હવે પરસેવો વળવા લાગ્યો હતો, “એ પહોંચે એની પહેલાં આપણે તેનાં સુધી પહોંચી જવું છે?”
“તુફાનને કોઈ રોકી શક્યું છે ?, એને આજ સુધી મોટાં મોટાં માફિયા નથી રોકી શક્યા તો આપણી જેવાં ગાજર-મૂળા શું રોકવાના છે ?”
“તો કરવું છે શું એમ બોલને ?”
“એક કામ કર, દિપકને અહીં મોકલ અને તેનાં ફ્લેટ પર આપણાં માણસો ગોઠવી દે અને એને ઓર્ડર આપી દે કે A.k. ને જુવે એટલે ગોળીએ ઠાર કરી દે”
“કેટલાં માણસોને મોકલું ?” જાનીએ પુછ્યું.
“કેટલાં છે તારી પાસે?”
*
જાનીના ગયાં પછી દિપક દેવેન્દ્રને મળવા આવ્યો હતો. તેણે શું ભૂલ કરી છે એનાથી અજાણ દિપક પોતાની જ ધૂનમાં મગ્ન હતો.
“તમે મને બોલાવ્યો મોટાભાઈ ?” દિપકે સોફા પર બેસીને પગ પર પગ ચડાવ્યાં.
“હા એક કામ હતું તારું” દેવેન્દ્રએ ઉભા થઈને કહ્યું, “ગયાં અઠવાડિયે કોઈની સાથે ઝઘડો થયો હતો તારો ?”
“કોની વાત કરો છો તમે ?”
“યાદ કર, કોઈ સ્યુટવાળો પોણા છ ફુટીયો માણસ, જેનાં લાંબા વાળ હતા, સાથે કૂતરો હતો….”
“ઓહ..તો તમે પેલાં મર્સીડીવાળાની વાત કરો છો, હા મેં જ તેને માર્યો હતો. તેનાં કૂતરાએ મારું કામ બગાડ્યું એટલે માર્યો”
“એ કોણ છે તને ખબર ?”
“તમારાથી મોટો વગવાળો તો નહીં જ હોયને અને એ સુકલખડીથી તમે એટલા બધાં ડરો છો કેમ ?” દેવેન્દ્રનાં ચહેરા પર ડર જોઈને દિપકે કહ્યું, “એકવાર પણ વળતો પ્રહાર નોહતો કરી શક્યો એ, એ શું ઉખાડી લેવાનો છે ?”
દેવેન્દ્ર દીપકની નજીક ગયો, તેની બાજુમાં સોફા પર બેઠો અને જોરથી લાફો મારીને કહ્યું, “એ તારાં બાપનો બાપ છે”
દેવેન્દ્રનાં લાફાથી દિપક હચમચી ગયો. જેટલો જોરથી લાફો નહોતો વાગ્યો એટલા જોરથી એનો અહમ ઘવાયો હતો. ગાલ પર હાથ રાખીને દિપક ઉભો થયો. ગુસ્સાને કારણે પળે પળે કાચીડાની જેમ તેનાં ચહેરાનો રંગ બદલાતો હતો.
“એનાં લીધે તમે આજે મને લાફો માર્યો ભાઈ, એ આજની સાંજ નહિ જુવે” મૂર્ખ દિપકે આવેશમાં આવીને ઝેર ઓકવાનું શરૂ કરી દીધું.
દીપકની વાતને કારણે દેવેન્દ્ર વધુ ગુસ્સે ભરાયો.
તેણે દીપકની કૉલર પકડી અને દાંત ભીંસીને કહ્યું, “શું જાણે છે તું એનાં વિશે ?, ત્રણ વર્ષ પહેલાં A.k.નાં ડરથી બધા માફિયા ગેરકાનૂની ધંધા બંધ કરીને શરીફ બની ગયાં હતાં. A.k. જેની પાછળ પડતો તેનું સામ્રાજ્ય જડમૂળમાંથી ઉખેડી નાંખતો. દસ લોકોને એ ગણતરીની સેકેન્ડમાં મારી શકે છે. તને ખબર છે કેવો કલાકાર છે?, આંખો બંધ હોય તો પણ ખાલી અવાજથી નિશાનો તાંકી શકે છે અને આજ સુધી તે નિશાનો ચુક્યો નથી. આજ સુધી એકપણ વ્યૂહ નહિ હોય જેણે તે તોડી ના શક્યો હોય. અમદાવાદનાં ડોન બાદશાહે તેની સામે ત્રણસો માણસની ફોજ ઉભી કરી હતી. માત્ર દસ મિનિટમાં બધાં ઢગલો થઈને પડ્યા હતા અને બાદશાહ તેનાં પગમાં પડીને જીવની ભીખ માંગતો હતો અને A.k. પથ્થર દિલ છે. એ ખાલી મારતો નથી, મારી નાંખે છે. આજ સુધી તેણે કેટલી હત્યા કરી એનો આંકડો એને પણ નહીં ખબર હોય. અને એનો ખાસ હથિયાર શું છે ખબર?, એક મામૂલી પેન્સિલ. એક સમયે હોલિવૂડનો ફેન હતો. જ્હોન વિકનાં ફિલ્મો જોઈને આ બધું શિખ્યો હતો, હવે એનો પણ બાપ બની ગયો છે.
ત્રણ વર્ષ પહેલાં, A.k.ને મારવા માટે ગુજરાતનાં બધા માફિયાઓની મિટિંગ થઈ હતી. બધાએ એનાં ડરથી પોતાનાં માણસોને મોકલ્યાં હતાં અને પોતે બિલમાં છુપાઈ ગયાં હતાં.A.k.એ જે બિલ્ડીંગમાં મિટિંગ થતી હતી એ જ બિલ્ડીંગ બૉમ્બથી ઉડાવી દીધી.તેને ખબર હતી કે આ બધા તેઓના માણસો છે તો પણ કોઈના પર રહેમ ના કર્યું. લોકો ભગવાને દૂધ, પાણી, તેલ ચડાવીને અભિષેક કરે છે અને A.k. લોહી ચડાવીને. બોલ હવે તારે એને મારવો છે ?”
દેવેન્દ્રની વાત સાંભળી દીપકનાં પગની આટી છૂટી ગઈ. તેને પણ પરસેવો વળવા લાગ્યો હતો.
“એને મારવાનો કોઈ તો રસ્તો હશેને?” દિપકે મહામહેનતે પુછ્યું. તેનું ગળું સુકાય રહ્યું હતું.
“A.k. ને મારવા કરોડોનો સુપરી અપાય છે પણ આ જ સુધી કોન્ટ્રેક કિલરની લાશ સિવાય બીજા કોઈ સમાચાર નથી મળ્યા. તે આને છોડીને દુનિયાના બીજાં કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની વ્હોરી લીધી હોત તો હું તને બચાવી શકેત પણ A.k. માફિયાનો બાપ છે. એનાથી બચવું એટલે શ્વાસ લીધાં વિના જીવવા જેવું છે”
“મને બચાવી લો મોટાભાઈ, મારે મરવું નથી” દિપક રડવા જેવો થઈ ગયો.
“ હું તને કંઈ નહીં થવા દઉં” દેવેન્દ્રએ કહ્યું, “બસ તારે એક કામ કરવાનું છે”
“જીવવા માટે હું કંઈ પણ કરી શકું ભાઈ, તમે જલ્દી કહો”
“જ્યાં સુધી તું એને તારાથી ઉપરનાં વ્યક્તિનું નામ નહિ આપે ત્યાં સુધી A.k. તને મારશે નહિ, માટે ગમે તે થાય તારે મારું નામ નથી લેવાનું. જો તે મારું નામ આપ્યું તો તને મારી નાંખશે અને પછી મારી સુધી પણ પહોંચી જશે. માટે જીવ વહાલો હોય તો સહન કરી લેજે”
“હું અહીંથી દૂર ચાલ્યો જાઉં તો?, અથવા A.k. નાં પગમાં પડી જીવની ભીખ માંગુ તો?”
“ભૂલથી પણ આવું ન કરતો, A.k. નું દિલ પથ્થર જેવું છે. લાગણી જેવું એનાંમાં કશું છે જ નહીં ઉલ્ટાનું, જે લોકો જીવની ભીખ માંગે તેને તડપાવી તડપાવીને મારે છે”
“તો શું શું કરું ભાઈ?” દીપકનાં આંખમાંથી રીતસરનાં આંસુ આવી ગયાં.
“તું ડર નહિ, તારાં ફ્લેટ પર મેં માણસો ગોઠવી દીધાં છે, એ લોકો A.k.ને જોશે એટલે ઠાર કરી નાંખશે”
પહેલાં દેવેન્દ્રએ દીપકને એટલો ડરાવી દીધો હતો દેવેન્દ્રની વાત તેને ગળે નહોતી ઉતરી. ડરતો ડરતો દિપક પોતાનાં ફ્લેટ પર ગયો. દીપકનાં ગયાં પછી દેવેન્દ્રએ એક વ્યક્તિને ફોન કર્યો અને કહ્યું, “મારી મુંબઈ જવાની વ્યવસ્થા કરો આપણે અત્યારે જ નિકળવાનું છે”
*
દિપકનાં ફ્લેટમાં બધી જગ્યાએ માણસો ગોઠવાઈ ગયા હતા. બધાના હાથમાં લોડેડ રાઈફલો હતી. તેઓ રસ્તા તરત મીટ માંડીને A.k.ની રાહ જોઈ રહ્યા હતાં. દિપકનાં રૂમની બહાર પણ રાઈફલથી સજ્જ આઠ-દસ લોકો પહેરો આપી રહ્યા હતાં. દિપકનાં રૂમમાં ત્રણ પહાડી બાઉન્સર A.k. નું સ્વાગત કરવા તૈયાર હતાં.
થોડીવારમાં એક જૂની અલ્ટો દરવાજો તોડીને ફ્લેટનાં પરસાળમાં ઘુસી ગઈ. અચાનક ઘુસી આવેલી અલ્ટોને જોઈને બધાં માણસોએ તેનાં પર ફાયરીંગ શરૂ કરી દીધું. આ અક્ષયનો પ્લાન હતો એ આ લોકો જાણતા નહોતાં. અલ્ટોમાં પંદર લિટરનાં પાંચ ડ્રમ હતાં જેમાં પેટ્રોલ હતું. ગોળીઓનાં થયેલાં વરસાદને કારણે અલ્ટો સળગી ઉઠી અને મોટાં ધડાકા સાથે હવામાં ઉછળી.
ધડાકાના કારણે પરસાળમાં અને નીચેનાં માળે રહેલાં માણસો માણસો ઉછળીને દૂર ફંગોળાય. થોડીવાર માટે બધું સુન્ન પડી ગયું હતું. તેઓની સાથે શું થઈ રહ્યું હતું એ તેઓ સમજી શકતાં નહોતાં. તકનો લાભ ઉઠાવી અક્ષય ફ્લેટમાં ઘુસી ગયો. બીજો માળ ચડવાનાં દાદરે એક વ્યક્તિ રાઇફલ લઈને ઉભો હતો. એ માણસ કંઈ સમજે એ પહેલાં તેનાં ગળા પરથી છરી પસાર થઈ ગઈ અને એ વ્યક્તિ નીચે પટકાયો. અક્ષય ત્યાંથી આગળ વધ્યો.તેની સામે લોબીમાં બે માણસ રાઈફલનું મેગ બદલતાં હતાં. અક્ષયે રાઈફલની બે ગોળી છોડી. એ ગોળી બંનેની ખોપરીમાં ઘુસી ગઈ.
બીજા માળના દાદરે અક્ષયે સાથે લાવેલ પાંચ લીટર પેટ્રોલનું ડ્રમ ઢોળી નાખ્યું અને ઉપર જઈ તેનાં પર એક ગોળી છોડી. દાદરો ભડકે બળવા લાગ્યો. એ સમય દરમિયાન ત્રીજા માળનાં દાદરે ઉભેલો વ્યક્તિ નીચે આવી ગયો અને અક્ષય પર ગોળી છોડી. ગોળી અક્ષયનાં પેટમાં ડાબા પડખે પસાર થઈને નીકળી ગઈ. અજયે જે જગ્યાએ ઉભો હતો ત્યાંથી જ રાઇફલ ઊંધી કરીને ખભે રાખીને ગોળી છોડી. પેલો ત્યાં જ ઢગલો થઈ ગયો.
ત્રીજો માળ ચડતાં અક્ષયની સામે વધુ એક માણસ આવ્યો.અક્ષયે તેને નાક પર મુક્કો મારી નિસ્તેજ કરી દીધો અને તેને ઢાળ બનાવી લોબીમાં આગળ વધ્યો. લોબીના છેલ્લા રૂમના ખૂણે પેલા દસ માણસો અક્ષયની રાહ જોઇને ઊભાં હતાં. કારના ધમકાથી તેઓ સચેત થઈ ગયાં હતાં. અક્ષયે જાણીજોઈને તેઓનાં તરફ એક ગોળી છોડી. બધાં જ્યાં છુપાવાની જગ્યા મળે તેની ઢાલ લઈને અક્ષય તરફ ગોળી છોડવા લાગ્યાં. સામે તેનો જ માણસ ઉભો છે એ તેઓને ખબર નહોતી. અક્ષય તો દીવાલ પાછળ આડશ લઈને ઉભો હતો.
તેઓએ બધી ગોળી પોતાનાં જ માણસના શરીરમાં ઠાલવી દીધી. એ બે ડગલાં પાછળ ચાલીને નીચે પટકાયો.
“જીવે છે કે નહીં એ જોઈ આવો” એક માણસે હુકમ કર્યો. બે માણસો રાઇફલનું નિશાન તાંકતા આગળ વધ્યા. હજી એ પેલાં માણસ સુધી પહોંચે એ પહેલાં જ ડાબી તરફથી બે ગોળી છૂટી અને બંનેના ભેજામાં ઘુસી ગઈ.
બાકી રહેલા આઠ લોકોએ ફરી ફાયરીંગ શરૂ કર્યું. જોતજોતામાં બધાની રાઇફલમાં ગોળી ખૂટી ગઈ.
“હવે શું કરીશું ?” એક માણસે ગભરાઈને પૂછ્યું.
“એ શું એક્શન લે છે એની રાહ જોવા સિવાય કશું નથી કરી શકવાના”
એ બંને હજી ચર્ચા કરી રહ્યા હતાં એ દરમિયાન બંનેના ગળા પર એક પ્રહાર થયો. તેઓએ જોયું તો એક પેન્સિલ તેનાં ગળાની આરપાર થઈ ગઈ હતી, અક્ષય તેની પાસે ધસી આવ્યો હતો અને ગણતરીનાં સમયમાં તેણે આ કામને અંજામ આપ્યું હતું.
વધેલા છ લોકો એક સાથે અક્ષય પર હુમલો કરવા આગળ વધ્યા. અક્ષયે કમરેથી પિસ્તોલ કાઢી અને કોઈ તેનાં સુધી પહોંચે એ પહેલાં ત્યાં જ ઠાર કરી દીધાં.
અંદર રૂમનો માહોલ કંઈક જુદો જ હતો. દિપક બાથરૂમમાં લઈને છુપાઈ ગયો હતો. પેલાં બે બાઉન્સર હાથમાં હોકી જેવી સ્ટીક લઈને દરવાજાની બંને તરફ ગોઠવાઈ ગયા હતા.
એક ઝટકા સાથે દરવાજો તૂટ્યો. અક્ષય અંદર ઘૂસ્યો અને એ જ સમયે એક બાઉન્સરે અક્ષયની છાતી પર પ્રહાર કર્યો. અક્ષય ઉછળીને નીચે પટકાયો. બંને અક્ષય પર તૂટી પડ્યા. થોડીવારમાં દિલા-નિલાએ અક્ષયનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો.
“બોસ બહાર આવો, હવે ખતરો નથી” દિલાએ કહ્યું.
દિપકે ધીમેથી બાથરૂમનો દરવાજો ખોલ્યો. અક્ષય ફર્શ પર ચત્તેપાટ પડ્યો હતો એ જોઈને દિપક બહાર આવ્યો. અક્ષય પાસે આવીને ભયમિશ્રીત અવસ્થામાં એ હસવા લાગ્યો.
“તે તો મને પેશાબ કરાવી દીધો હતો, તારાં વિશે સાંભળી સાંભળીને હું અડધો તો મરી જ ગયો હતો પણ ભાઈ ખોટો પડ્યો. એ તો મોટી મોટી વાતો કરતો હતો. તને વાવાઝોડું કહેતો હતો. માફિયાનો બાપ કહેતો હતો. જો મેં તને ચુંટકીમાં મસળી નાંખ્યો. હાહાહા…અને એક ઝઘડા માટે મારવા પર ઉતરી આવ્યો હરામી?, માણસ છે કે જાનવર?, દિલા-નિલા તમને બંનેને હું લાખ-લાખ રૂપિયા આપીશ. તમે બંનેએ આજે મારો જીવ બચાવ્યો છે. તમારો આ અહેસાન હું કોઈ દિવસ નહિ ભૂલું. મારી નાંખો અને ફેંકી આવો ગટરમાં, હું ભાઈને મળી…..”
દિપકની વાત પૂરી થાય એ પહેલાં દિલો-નિલો ફર્શ પર ઢળી ગયાં હતાં. અક્ષયે બંનેનાં પગમાં પેન્સિલ પરોવી દીધી હતી. બંને નીચે પડ્યા એટલે અક્ષયે બંનેની છાતીમાં છરા ભોંકી દીધાં.
એ દિવસની જેમ અક્ષય ઉભો થયો અને કપડાં ખંખેર્યા. દિપકની હાલત કાપો તોય લોહીનાં નીકળે એવી થઈ ગઈ હતી. આ બધું કેવી રીતે થઈ ગયું એને સમજાતું નહોતું. અક્ષય તેની પાસે આવ્યો. અક્ષયની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. ગુસ્સાને કારણે તેનાં શ્વાસોશ્વાસની ક્રિયા એકદમ વધી ગઈ હતી.
“તું..તું..તું તો ઢળી પડ્યો હતોને” દિપકે હકલાતા હકલાતા પુછ્યું.
“તારાં ભાઈએ મારાં વિશે પુરી માહિતી નથી આપી, ઘાવ મને વધુ મજબૂત બનાવે છે. અને કહ્યું હતુંને હું ઝઘડો નથી ઇચ્છતો” અક્ષયે દાંત કસીને દીપકની ગરેવાન પકડી.
“મને માફ કરી દે A.k., મને તારાં વિશે ખબર નહોતી” દિપકે કાંપતા કાંપતા કહ્યું. એ સરખી રીતે ઉભો પણ નહોતો રહી શકતો.
“માફી ભગવાન પાસેથી મળે, A.k. પાસે માત્ર સજા જ મળે”
“મેં તારું શું બગાડ્યું છે?, એક નાનકડો ઝઘડો જ ને?, તું મને હાથપગ વગરનો કરી દે બસ મને મારતો નહિ” દિપક બે હાથ જોડી આજીજી કરવા લાગ્યો.
“તે ઝઘડો કર્યો, હું જતું કેરેત પણ તે મારાં ગળામાં રહેલું લોકેટ છીનવી લીધું એ ભૂલ કરી. જો લોકેટ ના લીધું હોત તો તું કાલની સવાર જોઈ શકેત”
દિપકે કૉલર છોડાવી. ટેબલ પાસે જઈને લોકેટ અને લાખ રૂપિયાનું બંડલ લઈ આવ્યો અને અક્ષયના હાથમાં રાખ્યું.
“આ તારું લોકેટ અને ગાફી રિપેરનો ખર્ચો, હવે મને છોડી દે”
“આ બધું તો ઠીક છે પણ તે મારો ઈગો હર્ટ કર્યો છે અને મારો ઈગો લાખનો નથી” કહેતાં અક્ષયે છેલ્લી વધેલી પેન્સિલ પેન્સિલ દિપકની છાતીમાં ડાબી બાજુ પરોવી દીધી. દિપક તરફડીયા મારતો નીચે પડ્યો.
“A.k. સાથે દુશ્મની એટલે મૌતને આમંત્રણ”
અક્ષયે ગજવામાંથી ફોન કાઢ્યો અને દાદાને જોડ્યો.
“ડોકટરની વ્યવસ્થા થશે ?” મેનેજરે ફોન રિસીવ કર્યો એટલે અક્ષયે પૂછ્યું.
“જી, આપણી હોટેલમાં શ્રેષ્ઠ ડોકટરો છે” દાદાએ એ વિનમ્રતા સાથે જવાબ આપ્યો.
“એકને લઈ આવો અને તમારાં માણસોને બોલાવી લો” કહી અક્ષયે ફોન કટ કરી દીધો.
(ક્રમશઃ)
શરૂઆત આટલી જોરદાર છે તો આગળ શું થશે? આ તો હજી ટ્રેલર હતું, ફિલ્મ તો હજી બાકી જ છે. A.k. નું નામ માફિયાઓનાં દિમાગમાં એવી રીતે છપાઈ ગયું હતું કે માત્ર નામ સાંભળીને જ ઘણાબધાંનાં પેન્ટ પલળી જતાં. કોણ હતો એ અક્ષય ?, શા માટે માફિયાઓની પાછળ હાથ ધોઈને પડેલો ?, અને એવું તો શું હતું કે બે વર્ષથી એણે પોતાનું કામ છોડી દીધું હતું ?
જાણવા બધું મળશે. બસ વાંચતા રહો. કલાકાર.
આપનાં અમૂલ્ય પ્રતિભાવ આવકાર્ય.
-મેર મેહુલ
Contact info. - 962475526