મારા વટુલાલ Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા વટુલાલ

વટુલાલ કહેતી હું એમને!! પપ્પાને બેન્કમાંથી અમદાવાદની પોસ્ટિંગ આવી હતી જેના લીધે અમે બરોડાથી અમદાવાદ આવીને વસ્યા હતાં. શાંતિનિવાસની પરમ શાંતિનાં સ્થાપક વટુલાલ જ હતાં. ત્યાંજ તો મળ્યા હતાં મને વટુલાલ!! તેમનાં શરીરની કરચલીઓ તેમને સહેવી પડેલી પીડાની અનુભૂતિ કરાવતાં હતાં. તેમનાં અંગો શિથિલ અવસ્થાએ હોય તેવું ભાસતું હતું.

મારી ઉંમર ત્યારે આશરે દસેક વર્ષની હશે. વટુલાલની ઉંમર વિશે મને બાજુમાં રહેતા ચમનકાકાએ જણાવ્યું હતું કે તેઓ આશરે એંસી વર્ષનાં તો હશે જ!! પપ્પાની આ ત્રીજી બદલી હતી. હું માંડ સ્કૂલમાં નવાં દોસ્તારો સાથે સેટ થતી ત્યાંજ મારે એ અણગમતો વિરહ સહેવો પડતો.

અમદાવાદ આવ્યાને મહિનો થઇ ગયો પણ અહીંયાના છોકરાઓ બહુ વધારે પડતાં આગળ હોય તેવું લાગ્યું મને!! મારું કોઈ ફ્રેન્ડ નહોતું બનતું!! મને હવે એકલતા કોરી ખાતી હતી. પપ્પા તો ઓફિસે જતાં રહે અને મમ્મી પણ સામાજિક કાર્યકર્તાની સેવામાં જોડાઈ જાય પણ આ બધામાં હું ક્યાંક ગૂંગળાતી જતી હતી.

બહાર બગીચામાં આવીને હું આકાશ તરફ મીટ માંડી રહી હતી. એવામાં મને વટુલાલની ઘેઘુર દાઢીઓ જેવી જટા હવામાં લહેરાતી દેખાઈ. તેને જોઈને મને ઝૂલવાનું મન થઇ આવ્યું.

"ઓ ભાઈ હું તારા બાવડાં પકડીને ઝૂલું?? " મેં તેના મજબૂત બાવડાં જોતાં પૂછ્યું.

તેનો કોઈજ જવાબ નાં આવ્યો. હું ઘડીક તો ચિડાઈ ગઈ. મને થઇ ગયું કે મૂંગું હોય તો શું થયું પણ કાંઈક ઈશારો તો આપી શકે ને!! હા મને ખબર હતી કે વટુલાલ મૂંગા છે પણ મારે પણ એકલતા દૂર કરવા કોઈના સાથની, કોઈની હૂંફની, કોઈની લાગણીની જરૂર હતી. હું પાછળ વળીને જતી હતી ત્યાં જ વટુલાલનાં શરીરે વીંટળાયેલ વસ્તુ નીચે પડી ને હું તેનો ઈશારો સમજી ગઈ!! હું ખુશ થતી થતી તેના બાવડો પકડીને ઝૂલતી રહી. તેની દાઢી જેવા ઘેઘુર ભૂખરા વાળને હું કયારેક કયારેક ખેંચીને વટુલાલને હેરાન કરી મૂકતી પણ તેઓ તો હંમેશા હસતાં મોંએ જ મને અને મારા તોફાનોને સહન કર્યા કરતાં!!

વટુલાલ મારી ખુશી જોઈને બેવડા જોમમાં આવી ગયા હતાં. તેમનું વૃદ્ધપણ હવે જાણે જુવાનીમાં હિલોળે ચઢ્યું હોય એમ તેઓ જાતે જ મને ઊંચકીને હવામાં લહેરાવી રહ્યા હતાં. એ દિવસ હું કયારેય નહીં ભૂલું!! વટુલાલ સાથેની નિકટતા અને આત્મીયતાનું એ પ્રથમ સોપાન હતું.

મારી એકલતા હવે દૂર જવાં લાગી હતી. સ્કૂલેથી છૂટીને હું સીધી વટુલાલ પાસે બેસી જતી. મેં જ તેમને ત્યારે આ ઉપનામ "વટુલાલ" આપ્યું હતું. મારું ઉપનામ સાંભળીને તેઓ ખુશીનાં માર્યા એવા હસ્યાં કે નીચે જમીન પર જાણે તેમનાં હાસ્યથી લોટપોટ થઇ ગઈ હોય!! વટુલાલનાં ઘેઘુર દાઢી જેવા વાળોને હું હવે વ્યવસ્થિત કરવા લાગી હતી. આખરે મારી સિવાય કોણ એમનું ત્યાં ધ્યાન પણ રાખતું!!

એક દિવસ હું સ્કૂલેથી આવીને મેં જોયું તો બે ત્રણ જણા વટુલાલ પાસે બેસીને તેમની આરાધના કરતાં હતાં. મને ખૂબ ગુસ્સો આવી ગયો. અત્યારસુધી વટુલાલની પરવા નાં કરનાર આ લોકો અચાનક શા માટે વટુલાલની શરણે થયાં હતાં એ મને સમજમાં ના આવ્યું. તેમનાં ગયા બાદ હું વટુલાલ પર ખૂબજ ચિડાઈ. તેના કપાળે લાલ ચાંદલો અને ગળામાં સુતરની દોરી લપેટાયેલી જોઈને મેં તરત એને કાઢવાનો પ્રયાસ કર્યો પણ વટુલાલે મને આમ કરતાં રોકી દીધી. હું ગુસ્સે ભરાઈને ત્યાંથી નીકળી ગઈ. ચાર દિવસ સુધી નાં મેં વાત કરવાનો પ્રયાસ કર્યો નાં વટુલાલે!!

હા, તેઓ મૂંગા હતાં પણ શું મૂંગા લોકો પોતાની પીડા, વેદના, હાસ્યરસ વ્યક્ત નહીં કરતાં હોય!! હું વળી જિદ્દી એટલે વટુલાલે જ નમતું જોખવું પડ્યું. સ્કૂલેથી આવતી વખતે પોતાનાં હાથ હવામાં ફેલાવીને તેમણે મારો રસ્તો રોકી લીધો. હું આગળ વધું એ પહેલાં તો તેમનાં મજબૂત બાવડામાં હું તેમનાં માથે ચઢીને બેઠી હતી. આસપાસની હરિયાળી અને કુદરતનાં અસીમ રંગોની ભવ્યતા જોઈને હું અચંબિત થઇ ગઈ હતી. મારો ગુસ્સો વટુલાલનાં પ્રયત્નની માફક ઠંડા બરફ જેવો થઇ રહ્યો હતો. તેમણે મને સાચવીને નીચે ઉતારી!! બાજુમાં એક ચંપાનું ઝાડ હતું. તે જાણે અમારો નિસ્વાર્થ પ્રેમ જોઈને મુસ્કુરાઈ રહ્યું હતું.

વટુલાલે મને ચંપાના ઝાડમાંથી ચંપાનું શ્વેત ફૂલ આપ્યું. હું મનોમન હરખાઈને વટુલાલને વળગી પડી!! સાથોસાથ મેં મારી ભૂલની પણ માફી માંગી!! આટલું થયું હોવાં છતાં વટુલાલનાં ચહેરા ઉપર હાસ્ય રમતું હતું. ત્યારબાદ મેં વટુલાલને કયારેય પણ જુદા નાં પડવાનું વચન આપ્યું!!પાનખરનાં દિવસોની જેમ વટુલાલની પણ ઉંમર પ્રમાણે શારીરિક ફેરફારો થતાં હતાં. તેમનાં વસ્ત્રોમાં ઠેર ઠેર થીગડાં પડતાં હતાં. હું આ બધું મારી નજરો સામે જોઈ રહી હતી પણ હું એમની માટે કશું જ કરી નહોતી શકતી!!

જેમ ઋતુમાં પાનખર બાદ વસંતનું આગમન થાય એમ વટુલાલનાં શરીરમાં પણ હવે જાણે નવો ઉર્જાસંચય થઇ રહ્યો હતો. અલબત્ત વાતાવરણની અસરતા દરેક સજીવસૃષ્ટિ માટે ભિન્ન ભિન્ન હોય છે. હું જેમ જેમ જુવાનીનો ઉંબરો ચઢતી હતી એમ એમ વટુલાલ વૃદ્ધ થતાં જતાં હતાં. હું હવે સોળ વર્ષની સોળે કલાએ ખીલી હતી. વટુલાલ હવે મારા માટે સર્વત્ર હતાં!! તેઓ માત્ર મારા મિત્ર નહીં પણ એક માઁ બાપ, ભાઈ, બહેન બધું જ હતાં!!

એક દિવસ હું વટુલાલને વળગીને જુના દિવસો યાદ કરતી હતી ત્યાંજ મારું ધ્યાન તેમનાં વાંસા પર પડેલાં સફેદ જીવડાંઓ ઉપર ગયું. હું ગભરાઈને તેમનાથી વિખુટી પડી.

"વટુલાલ આ બધું શું છે?? તમે યાર તમારા શરીરનું ધ્યાન જ નથી રાખતાં!!" મેં ચિડાઈને વટુલાલ સામે જોયું તો તેમનાં ચહેરા ઉપર હજુ પણ નિર્મળ હાસ્ય છવાયેલું હતું. હું ચિડાઈને ત્યાંથી નીકળી ગઈ.

રાતે પપ્પા ઘરે આવ્યા. હું તેમને વટુલાલની તબિયત વિશે કહું એ પહેલાં તો પપ્પાએ એમની બદલી સુરત થઇ છે એવું જણાવ્યું!! મારા માથે તો જાણે આભ પડ્યું. હું ત્યાંથી નીકળીને તમસભર્યા રજનીશની ગેરહાજરીમાં વટુલાલને શોધી રહી હતી. ટોર્ચને ચાલું કરીને મેં તેમનાં ચહેરા ઉપર પ્રકાશ નાખ્યો તો તેઓ તો આરામથી સુઈ રહ્યા હતાં. મારું ધ્યાન તેમનાં શરીરે પડેલાં એ જીવાતો ઉપર ગયું જે તેમનાં શરીરને નૉંચી રહ્યા હતાં. તેમ છતાંય વટુલાલના ચહેરા ઉપર એ જ હાસ્ય સાથે નિદ્રાદેવી બેસીને આરામ ફરમાવી રહ્યા હતાં. હું અશ્રુભીની આંખે ત્યાંથી નીકળીને ઘરમાં આવી ગઈ.

મારા આંસુ મમ્મીથી છાનાં નહોતા. મારી પાસે આવીને તેમણે મારી પીડાનો કયાસ લગાવ્યો. વટુલાલને વળગીને જે મારે હમણાં કહેવું હતું એ હું મમ્મીને વળગીને બોલી રહી. મારી વિરહની એ વેદના કદાચ મમ્મી સમજી શકતી હતી. તેણે મને વિશ્વાસ અપાવ્યો કે તે વટુલાલને સાજા કરી દેશે. મમ્મીએ કહ્યું કે, "જવાની વાત મારે વટુલાલને જણાવી દેવી જોઈએ!!" પણ મારાથી વટુલાલની સમીપ રહીને વિરહની વેદના નહોતી જીરવાઈ શકતી. મને એ ડર પણ લાગતો કે ક્યાંક મને ખોવાના ડરથી વટુલાલની જીજીવિષા ખૂટી નાં પડે!! વટુલાલને મેં આ વાત નાં કરવાનું જ મુનાસિફ સમજ્યું.

બીજા દિવસથી અમારો સામાન ફેરવાઈ રહ્યો હતો ને હું વટુલાલથી દૂર મારી ફ્રેન્ડનાં ઘરે મમ્મી પપ્પાની રાહ જોઈ રહી હતી. સમયનાં એક એક સેકન્ડનાં વટુલાલનાં એ ધબકારા જાણે મને અનુભવાઈ રહ્યા હતાં. મારો અંતરાત્મા મને કહેતો હતો કે જાણે વટુલાલ કુટી કુટીને રોઈ રહ્યા હશે!! એ મૂંગો જીવ વેદનાની કારમી ચીસો પાડતું હશે!! એક સેકન્ડે વિચાર આવ્યો કે જતી જ રહું મારા વટુલાલ પાસે અને વળગીને તેને હિંમત આપું ને હું પણ થોડી હિંમત લઉં પણ ત્યાંજ પપ્પાની ગાડી આવી ને અમારે ત્યાંથી નીકળવું પડ્યું!! અમદાવાદથી સુરત જતાં રોડનાં દરેક કિલોમીટર મને વટુલાલનાં પ્રેમથી દૂર કરી રહ્યા હતાં!! એ વૃદ્ધની કરચલીઓ જાણે મારા જીવનમાં પણ કરચલીઓ પાડીને મને ગૂંચવી રહી હતી.

મને સુરત આવ્યાને મહિનો થઇ ગયો હતો પણ મારી સૂરત તો ફક્ત વટુલાલ પાસે જ હતી!! એક રાત્રે ભયકંર વાવાજોડું આવ્યું!! મુશળધાર વરસાદ મારી વિરહની સાક્ષી પૂરતો અનરાધાર મારા નયનોના બંધમાફક વરસી રહ્યો હતો!! મને વટુલાલની ત્યારે ખૂબજ યાદ આવી રહી હતી. બહાર નીકળીને જોઈ રહી. પવનના સુસવાટાભર્યા વરસાદમાં મારા વિરહની પીડા અશ્રુરૂપે વરસાદનાં ટીપાઓની સાથે મિશ્રિત થતી નીકળી રહી હતી. મારી આંખો સમક્ષ પાણીનાં ટીપાંઓના લીધે મારી દ્રષ્ટિ ઝાંખપ અનુભવતી હતી. ધીરે ધીરે મને આંખે અંધારા આવવા લાગ્યા ને હું કદાચ ત્યાં ને ત્યાં ઢળી પડી. મને હજુ વટુલાલનો એ હસતો ચહેરો જ માત્ર દેખાતો હતો.

મારી આંખો ખુલી પણ મારા અંગો શિથિલ થઇ ગયા હોય એમ હું હલનચલન નહોતી કરી શકતી!! ઘડીક તો મને લાગ્યું કે વટુલાલે મને તેના મજબૂત હાથોથી મને તેમના શરીર સાથે ભીંસી દીધી હોય પણ ડોક્ટરનો પપ્પા સાથેનો વાર્તાલાપ મારા કાને અથડાઈ રહ્યો હતો. તેમનાં કહેવા અનુસાર હું છેલ્લા પાંચ દિવસથી આઘાતથી કોમામાં સરી પડી છું!! મને કોઈ પણ જાતનું ટેન્શન ન આપવામાં જ ભલાઈ હતી!! આ જાણીને મને કાંઈ ઝાઝું દુઃખ નહોતું થયું એથીયે વધું દુઃખ તો હું વટુલાલથી દૂર રહીને સહી રહી હતી.

પપ્પા રોજ આવતાં ને મને કાંઈક ને કાંઈક સુખભરી વાતો કરતાં પણ મને ક્યાં એમાં રસ હતો. આશરે બે મહિના બાદ પપ્પાની જગ્યાએ મમ્મી મારી પાસે આવી હતી. તેણે ખુશ થઈને મને એમ કહ્યું કે, "પપ્પાની બદલી ફરી અમદાવાદ થઇ ગઈ છે અને આપણે ફરી તારા વટુલાલ પાસે જઈએ છીએ!!" આટલું સાંભળતા તો મારી આંખોના ખૂણેથી ટીપા નીકળીને ઓશિકા પર પડી રહ્યા!! મારામાં જાણે વટુલાલની માફક અશક્ત તનમાં જોમ પુરાઈ ગયું.

બે દિવસ બાદ અમે સુરતથી ફરી અમદાવાદ જવાં નીકળ્યા. હકીકતમાં તો મમ્મીએ જૂઠું કહ્યું હતું પણ મને ફરી બેઠી જોઈને પપ્પાએ એ જુઠને હકીકતમાં ફેરવી દીધું. હું વટુલાલ પાસે ફરી જવાં ખૂબજ ઉત્સુક હતી. તેને વળગીને હું કલાકો સુધી તેમનાં ખોળામાં સુઈ રહેવાનાં સ્વપ્ન સેવતી હતી!! મમ્મીનાં ચહેરા ઉપર તણાવની રેખાઓ હું જોઈ શકતી હતી પણ મારા માટે ત્યારે વટુલાલથી વિશેષ કાંઈ જ નહોતું!!

શાંતિનિવાસ પાસે જેવી કાર આવીને ઉભી રહી ને મારા મોંઢામાંથી જોરથી ચીસ નીકળી રહી!! મારા વટુલાલનો મૃતદેહ મારી આંખો સામે પડ્યો હતો!! તેમનાં ચહેરા પર હજુ પણ એ હાસ્ય છવાયેલું હતું!! હું શૂન્યમયન્સક બનીને એમના મૃતદેહને જોતી રહી!! મારું ધ્યાન ગયું તો તેમનાં શરીર ઉપર હજુ પણ એ જીવાતો તેમનાં નિશ્ચેતન દેહને કોરી ખાઈ રહી હતી. મેં ગુસ્સામાં એ જીવાતોને મારી આંગળીનાં ટેરવાં વડે મારવાનું શરુ કર્યું. મારી ચીસ સાંભળીને આસપાસનાં લોકો જમા થઇ ગયા હતાં!! વટુલાલને લેવા ટ્રેક્ટર આવી ગયું હતું પણ હું હજુ પણ તેમને વીંટળાઈને આ પરિસ્થિતિનો કયાસ લગાવતી બેસી રહી હતી!! એવામાં એક માણસ મારી પાસે આવ્યો, " બેટા આ ઝાડ માટે આટલી બધી લાગણી નાં બંધાય!!" મને તેના શબ્દો સાંભળી ગુસ્સો આવી ગયો.

"આ ઝાડ નથી સમજ્યા!! આ લાગણીઓનો એ દેહ છે જે કોઈ માનવજાતિમાં પણ નહીં હોય!! આ મારા માટે મારા માબાપથી પણ વિશેષ હતાં!! પરિસ્થિતિનો સામનો હસતાં મોંએ કરવાનું એમણે જ મને શીખવ્યું હતું પણ તમારા જેવા નિષ્ઠુર મારા વટુલાલની પીડા શું સમજે!! જો તમે ધારત તો વટુલાલની દવા કરી શકત પણ તમે તો એમનો જીવ લઈને જ જંપ્યા!! તમે ખૂન કરી નાખ્યું મારા વટુલાલનું!! તમે ખૂન કરી નાખ્યું!!" આટલું કહેતા હું જમીન પર ફરી ઢસડાઈ પડી.

વિરહની વેદના શમવામાં પણ વટુલાલનો જ ભાગ છે. આજે વટુલાલને ગયાં ને વર્ષ થયું છે. મારા વટુલાલ એ જ સ્થળે મારી માટે નાનકડું વટુબાબુ મૂકતાં ગયાં છે!! હું તેને ખૂબજ સાચવી રહી છું!! વટુલાલ જેમ મને સાચવતા એમ હું એને સાચવી રહી છું!! ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સમયનું ચક્ર એવું ફરશે કે મને સાચવનારનાં અંશને જ હું સાચવીશ!! વટુબાબુની વડવાઈઓ હમણાં બે દિવસ પહેલાં જ નીકળી આવી છે!! તેની વડવાઈ જોઈને મને ફરી વટુલાલની એ ઘેઘુર ઘટાડાળ જટાઓ યાદ આવી ગઈ ને હું વિરહની યાદોને પાછળ ધકેલતી ફરી મારી કાલ્પનિક દુનિયામાં વટુલાલની વડવાઈઓ ખેંચીને ઝૂલવાં લાગી!!