" પરી " ભાગ-2
આરતી: તમે બંને ચૂપ રહો, માધુરી આવી રહી છે.
માધુરી આવે છે એટલે શિવાંગ તેની સામે જ જોઇ રહે છે. લાઇટ ગ્રે કલરની સોલ્ડર કટ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં માધુરી ખૂબજ સુંદર લાગી રહી હતી. એકદમ પતલી અને લાંબા વાળ, સુંદર ગોરા ગાલ ઉપર અથડાતી, નખરા કરતી વાળની લટ...શિવાંગની નજર તેની ઉપરથી ખસતી ન હતી.
એટલામાં માધુરી બધાને " ગુડમોર્નિંગ " કહે છે. એટલે શિવાંગ, આરતી અને રોહન ત્રણેય સાથે " ગુડમોર્નિંગ"
બોલે છે. અને એકબીજાને સ્માઈલ આપે છે.
રોહન અને આરતી બંને બાજુ બાજુમાં રહેતા હતા, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતા એટલે બંને રોજ સાથે એકજ એક્ટિવા ઉપર કોલેજ આવતા.
માધુરી બસમાં કોલેજ આવતી એટલે શિવાંગ તેને રોજ પૂછતો કે," તને ડ્રોપ કરી જવું ઘરે ? " અને માધુરી રોજ સ્માઈલ સાથે " ના " પાડતી.
શિવાંગ વિચારતો કે ક્યારે માધુરી મારા બાઇકની સીટ પાછળ બેસશે. તે આરતીને કહ્યા કરતો કે," માધુરીને મારા માટે પૂછ ને " અને આરતી, " શટઅપ યાર, એનું નામ ન લેતો " કહી વાતને કાપી કાઢતી હતી.
ચારેય જણનું ખૂબજ સરસ ગૃપ થઇ ગયું હતું. ચારેય ક્યારેક કોલેજ કેમ્પસમાં તો ક્યારેક પાર્કિંગમાં તો ક્યારેક કેન્ટીનમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં સાથે બેસતા, ચા-નાસ્તો કરતાં અને છૂટા પડતા.
માધુરીને એક સબ્જેક્ટમાં થોડી ઓછી ખબર પડતી હતી એટલે તેણે આરતીને શીખવવા માટે કહ્યું. એટલે આરતી તેને કહે છે કે, " મારા કરતાં આ સબ્જેક્ટ શિવાંગને વધારે ફાવે છે તો તે તને શીખવાડે તો તને વાંધો તો નથી ને ? "
માધુરી: ના, કંઇ વાંધો નઇ.
આરતીના ઘરે બધા ભેગા થાય છે અને માધુરીને પણ ત્યાં જ બોલાવે છે. શિવાંગને તો, " ભાવતું'તું ને વૈદ્યે કીધું. " તે સમયસર આરતીના ઘરે પહોંચી જાય છે. અને બધા માધુરીની રાહ જોતા બેઠા છે. એટલામાં માધુરીને તેના પપ્પા ડ્રોપ કરી જાય છે. રાત્રે મોડા સુધી આરતીને ઘરે બધા રોકાય છે. શિવાંગને આરતીને કહેવું છે કે, " હું તને પસંદ કરું છું. " પણ યોગ્ય સમયની રાહ જુએ છે.
રાત્રે ઘરે જવાનું થાય છે એટલે શિવાંગ માધુરીને પૂછે છે કે, " તને ડ્રોપ કરી જવું તારા ઘરે ? " માધુરી તેના પપ્પાને બોલાવવાનું કહે છે. પણ આરતી અને રોહન તેને સમજાવે છે કે, " શિવાંગ, તારા ઘર પાસે થઇને જ જાય છે તો તને ડ્રોપ કરતો જશે તેમાં વાંધો શું છે ? "
શિવાંગ મનોમન ખુશ થાય છે તે જે ક્ષણની રાહ જોઇ રહ્યો હતો કે માધુરી તેની બાઇકની સીટ પાછળ બેસે તે ક્ષણ આવી રહી છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે માધુરી " હા " પાડે અને ભગવાન તેની પ્રાર્થના સાંભળે છે. માધુરી " હા " પાડે છે.
માધુરી " હા " પાડે છે એટલે આરતી ધીમેથી બોલીને, આંખ મારીને મજાક પણ કરે છે. " જા, કાનુડા, તારી રાધા તૈયાર છે. " અને શિવાંગ ઇશારાથી " ચૂપ રે " કહીને માધુરીની રાહ જોતો બહાર ઉભો રહે છે.
માધુરી કદી કોઇની પાછળ આ રીતે બેઠી નથી એટલે તેને એટલો બધો સંકોચ થાય છે ને કે વાત ન પૂછો, એમાં પાછું શિવાંગનું બાઇક પણ સ્પોર્ટસ બાઇક એટલે તેણે શિવાંગને પકડીને જ બેસવું પડે.
ખરેખર બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. શિવાંગ એટલે ટોલ એન્ડ હેન્ડસમ બોય, ગમે તે છોકરી તેની પર ફીદા થઇ જાય. કોલેજમાં પણ બધી છોકરીઓ તેની ફ્રેન્ડ, બધી છોકરીઓને તે એટલો જ ગમતો. કોઈની સાથે લવ અફેર નહિ. બસ, તેને ખુલ્લા મને બધાની સાથે મસ્તી કરી બોલવા જોઈએ. ફ્રેન્ડશીપ ડે ના દિવસે તે ઢગલો બેલ્ટ લઇ આવે અને છોકરાઓમાં ખાલી રોહનને જ બાંધે અને છોકરીઓ તેની લાઇનમાં ઢગલો હોય. તેનો હાથ પણ ફ્રેન્ડશીપ બેલ્ટ થી ભરેલો હોય. કામનો પણ એવોજ. બધી ફ્રેન્ડની એક્ઝામ અને સબમિશન સમયે હેલ્પ પણ એટલી જ કરે એટલે તે બધાને પ્રિય.
એક્ઝામ સમયે તેની આજુબાજુ એટલી બધી છોકરીઓ હોય કે આરતી તેની મજાક ઉડાવે, " કાનુડા, તારી બધી ગોપીઓ આવી તારી પાસે શીખવા. " અને તે કોલર ઉંચા કરી જવાબ આપે, "આઇ એમ સુપીરીયર ઇન એવરીથીંગ " હા, ભણવામાં પણ તે એટલો જ હોંશિયાર, બે વર્ષથી કોલેજ ફર્સ્ટ આવે છે.
રસ્તામાં શિવાંગ માધુરીને તેના ફેમીલી બેગ્રાઉન્ડ વિશે પૂછે છે. એટલે માધુરી જણાવે છે કે, " મારા પપ્પા સેલટેક્ષ ઓફિસર છે.હું એકની એક છું. મમ્મી-પપ્પાએ ખૂબ લાડ પ્યારથી મને ઉછેરી છે.અમારી કાસ્ટમાં છોકરીઓને મેકસીમમ દશ ધોરણ સુધી જ ભણાવે છે. પણ હું ભણાવામાં પહેલેથી જ બ્રાઇટ છું. પપ્પાની પહેલેથી જ ઇચ્છા હતી કે, હું મારી દીકરીને ખૂબ ભણાવીશ અને અમારા સમાજમાં એક આદર્શ પૂરો પાડીશ અને મારે પણ આઇ.ટી. એન્જીનીયરીંગ કરવું હતું. તેથી અહીં એલ.જે.માં એડમિશન લીધું છે. "
શિવાંગ માધુરીને પોતાની વાત કરે છે કે નહિ વાંચો આગળના ભાગમાં....