જોકર – સ્ટૉરી એક લુઝરની – 51 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જોકર – સ્ટૉરી એક લુઝરની – 51

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 51

લેખક – મેર મેહુલ

“તું કરે છે શું ડફોળ?”વિક્રમ દેસાઈ ધૂંધવાયો હતો, “એક મચ્છર પણ નથી મારી શકતો તું?”

જૈનીતના કારણે તેને કરોડોનું નુકશાન થયું હતું. સામેની પાર્ટીએ તેને ધમકી પણ આપી હતી,જો બે દિવસમાં છોકરીઓની વ્યવસ્થા ન કરી આપી તો વિક્રમ દેસાઈની આબરૂ પર માછલાં ધોવાય જવાના હતા.માછલાં તો જૈનીતે ધોયા હતા.ખુલ્લે આમ ધમકી અને એ પણ સુરતના માફિયા ગણાતાં વિક્રમ દેસાઈને.એની સામે મોટી હસ્તીઓ આંખો ઝુકાવીને વાત કરતી અને એક અદના આદમીએ જે કહ્યું એ કરી દેખાડ્યું હતું.

“માલિક તેને આ માહિતી કેવી રીતે મળી એ જ હું વિચારું છું,વાત આપણી વચ્ચે જ થઈ હતી તો આટલાં બધાં લોકો ત્યાં કેમ પહોંચી ગયાં?”રેંગો પોતાનો બચાવ કરતો હતો.

“એ હરામી કહે છે એ કરીને બતાવે છે અને તું હજી એ જ વિચારે છે”વિક્રમ દેસાઈ બરાડયો, “એને જલ્દી શોધ અને મારી સામે લાવ નહીંતર મારાથી ખરાબ કોઈ નહિ થાય”

“જી માલિક”કહી રેંગાએ જગ્યા છોડવાના ઈરાદાથી પગ ઉપાડ્યા.

“એક મિનિટ”વિક્રમ દેસાઈએ કહ્યું, “હું થોડાં દિવસ માટે બહાર જાઉં છું.પાછો ફરું ત્યાં સુધીમાં બધું પતાવી દે જે”

રેંગાએ ફરી માથું ધુણાવ્યું અને બહાર નીકળી ગયો.રેંગાના ગયાં પછી વિક્રમ દેસાઈએ હાથમાં રહેલી ચિઠ્ઠી બીજીવાર ખોલી.

‘આ બીજી ચેતવણી છે.હવે ચેતવણી નહિ આપું.હજી સમય છે.આ બધું બંધ કરી દે નહીંતર છેલ્લાં શ્વાસ સુધી તું પછતાઇશ.સરેન્ડર કરી દે તો જ મારાથી બચીશ તું,બીજો કોઈ વિકલ્પ નહિ તારી પાસે’

“સાલો મને સરેન્ડર કરવાની સલાહ આપે છે”નસકોરાં ફુલાવી વિક્રમ દેસાઈએ ચિઠ્ઠીની ગડી વાળી દૂર ફેંકી દીધી.

‘આ કામ જરૂરી ના હોત તો આ જોકર આજની રાત ના જુએ’મનમાં વિચારતાં તેણે પોકેટમાંથી એક ફોટો કાઢ્યો.સહેજ મુસ્કુરાયો અને ફોટાને એકીટશે જોતો રહ્યો.

‘હાય..કેટલી સુંદર છે તું’ફોટાને કિસ કરતાં તેણે કહ્યું, “આટલાં વર્ષો સુધી તું ક્યાં હતી?”

વિક્રમ દેસાઈના ફાર્મેથી નીકળી રેંગો એક વ્યક્તિને મળ્યો હતો.રેંગાથી જે કામ ન થતું એ કામ રેંગો તેને સોંપી દેતો.એ વ્યક્તિ બીજી કોઈ નહિ હસુમખ હતો.એ રેંગા કરતાં વધુ ચાલાક હતો.એની ઓળખાણ છેક ધારાસભ્યો સુધીની હતી.

રેંગાએ તેને બધી વાત કરી એટલે તેણે પોતાનાં જાસૂસ એવા પી.આઈ. ઝાલાનો કોન્ટેક કર્યો અને ગઈ રાત્રે જે લોકોએ છોકરીઓને બચાવી હતી તેઓની માહિતી લેવાં કહ્યું.

રેંગો હસમુખને વાત કરી નિશ્ચિત થઈ ગયો હતો.એ તો ખુશ થઈ સુરુની ઓરડીએ પહોંચી ગયો,સુરુને બધી ઘટનાથી વાકેફ પણ કરી.સુરુની પાછળ ઘેલો થયેલો રેંગો જાણતો જ નહોતો કે એ ખુશી ખુશી જેને વાત કહી રહ્યો હતો એ જ તેની કબર ખોદવામાં મદદ કરતી હતી.

***

નિધિ ફરી મારી લાઈફમાં આવી હતી.હું ધારેત તો ફરી તેને અપનાવી શક્યો હોત પણ હું હવે એમાં સમય બરબાદ કરવા નહોતો ઇચ્છતો.મારું લક્ષ્ય બીજું હતું.

એ મારી સામે રડી રહી હતી એ મારાથી સહન ના થયું.ગમે તે હોય,હું હજી તેને પ્રેમ કરતો હતો.મેં તેને બાહુપાશમાં ઝકડી લીધી.એ મને બાથ ભીડીને રડતી જતી હતી.

“પપ્પાએ મારી લાઈફ બરબાદ કરી નાંખી”નિધીએ રડતાં રડતાં કહ્યું, “તેઓને કારણે જ હું તારાથી દૂર થઈ.અઠવાડિયા પહેલાં તેઓએ મારી મરજી વિરુદ્ધ મારી સગાઈ નક્કી કરી દીધી છે.હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું,મારે એવા વ્યક્તિ સાથે લગ્ન નથી કરવા જે મારાં કરતાં સાત વર્ષ મોટો હોય અને જેને હું ઓળખતી ના હોઉં”

હું હચમચી ગયો.હું જેને પ્રેમ કરતો હતો એનાં લગ્ન નક્કી થઈ ગયા હતા. મેં નિધીને અળગી કરી.

“તારી લાઈફ છે,તને જેમ ઠીક લાગે એમ કર”મેં અણગમા સાથે કહ્યું.હકીકતમાં એ લગ્ન માટે ના કહે એવું હું ઇચ્છતો હતો.

“હું લગ્ન કરી લઈશ અને તું ચુપચાપ જોયાં કરીશ?”નિધીએ પૂછ્યું, “તારો પ્રેમ આટલો જ હતો?”

“દોઢ વર્ષ પહેલાં પણ મેં તારાં નિર્ણયને સ્વીકાર્યો હતો નિધિ”મેં કહ્યું, “તને પ્રેમ કરું છું એટલે જ તારી ખુશી જોઉં છું”

“પણ હું તારી સાથે ખુશ છું”નિધીએ કહ્યું, “હું તારી પત્ની બનવા ઈચ્છું છું”

“હાલ તો એ શક્ય નથી”મેં કહ્યું, “તને વચન આપી શકું એ હાલતમાં પણ હું નથી.કાલે સવારે મારું શું થશે એની મને પણ ખબર નથી અને મેં શરૂઆતમાં તને આ બાબતથી દૂર રાખી છે અને હાલ પણ એ જ કરી રહ્યો છું”

“હું રાહ જોઇશ”નિધીએ કહ્યું, “પણ બનીશ તો તારી જ પત્ની,બીજાં કોઈની નહિ”

“તું સમજતી નથી”હું ઉશ્કેરાયો, “હું એવી મુસીબતોથી ઘેરાયેલો છું જેમાં આગળની ક્ષણમાં શું થશે એ વિચારવું પણ મુશ્કેલ છે.મારાં કારણે તારે ઘણુંબધું સહન કરવું પડ્યું છે.આગળ જતાં મારાં કારણે તું મુસીબતમાં ફસાય એવું હું નથી ઇચ્છતો”

“મારાં કારણે તું ફસાયો છે”નિધીએ શાંત સ્વરે કહ્યું, “જો એ દિવસે મેં તને પ્રોફેસરને ઇક્સપોઝ કરવા ના કહ્યું હોત તો આજે આ બધું ના થતું હોત”

“તું તો માત્ર બહાનું હતી મને આ દિશા તરફ દોરવા માટે”મેં કહ્યું, “મારાં નસીબમાં પહેલેથી જ આ લખ્યું હતું અને ખુશ છું,હું જે પણ કરી રહ્યો છું એનાથી મને સંતોષ મળે છે”

“એ બધું મને નથી સમજાતું”નિધીએ મારાં ગાલ પર હાથ રાખ્યો, “હું બસ તારી સાથે રહેવા ઈચ્છું છું,કોઈપણ સંજોગોમાં”

“તું ફરી કોઈના કહેવાથી મારાથી દૂર થાય એ હું સહન નહિ કરી શકું”મેં સપાટ ભાવે કહ્યું, “જ્યારે મારે તારી સૌથી વધુ જરૂર હતી ત્યારે જ તું મારી પાસે નહોતી અને હવે જ્યારે તારાં વિના રહેતા શીખી ગયો છું ત્યારે તું ફરી એમ જ કરીશ એ ડર લાગે છે મને”

“એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે જૈનીત”નિધીએ કહ્યું.

“હું ભગવાન નથી પણ”મેં મારો નિર્ણય જણાવતા કહ્યું, “આપણે બંને હાલ સાથે ન રહીએ એ જ સારું જ”

“ઠીક છે”નિધીએ બનાવટી સ્માઈલ કરી, “આપણાં પહેલાં જેવા સંબંધ ફરી જીવંત થાય એવી હું કોશિશ કરીશ”

નિધિ હજી મારાં માટે સર્વસ્વ જ હતી.એને હું ગુમાવવા નહોતો માંગતો.બસ મારાં કારણે તેને મુસીબતોનો સામનો કરવો પડે એવું હું નહોતો ઇચ્છતો.મુસીબતો તો મારાં નસીબના બારણે દસ્તક આપી જ ચુકી હતી.દસ્તક શું આપી ચુકી હતી એ તો દરવાજો તોડીને અંદર જ ઘુસી ગઈ હતી.વિક્રમ દેસાઈ ગમે ત્યારે વળતો પ્રહાર કરવાનો હતો.એ ચૂપ બેસી રહે એ વાતમાં દમ નહોતો.મારે બસ તેનાથી બચીને રહેવાનું હતું.

મેં નિધિને ફરી હગ કર્યું.તેને ફોરહેડ કિસ કરી.એ મારાં શરીર માત્રથી દૂર હતી,મારી આત્મથી દૂર નહિ.હું હજી તેને વહાલ કરવા ઇચ્છતો હતો પણ સમય અને સંજોગો મને એમ કરતાં રોકતાં હતા.

“તમારી વાત પૂરી થઈ હોય તો અમે અંદર આવીએ?”બકુલે ખુલ્લો દરવાજો નૉક કરતાં કહ્યું.

“આવી જા”મેં કહ્યું અને નિધિથી થોડો દૂર થયો.

કોલેજના સમયમાં અમે જે દિવસો સાથે વિતાવ્યા હતા એ દિવસ ફરી એકવાર આવ્યો હતો.અમે સૌ સાથે હતાં.બકુલે નાસ્તો પીરસ્યો.અમે સૌ સાથે બેસીને વાતો કરી રહ્યા હતાં.

“આપણે આ વિક્રમ દેસાઈ નામની મુસીબતથી ક્યારે પીછો છોડવીશું?”બકુલે પૂછ્યું.

“આપણે સામે ચાલીને જ મુસીબતને ગળે લગાવી છે,સમય આવવા દે,એ પણ થઈ જશે”મેં કહ્યું.

“ફરી એ જ ઘસાયેલો સવાલ પૂછું છું”બકુલે મારી સામે જોયું, “આગળ કોઈ પ્લાન છે મગજમાં?”

“હાલ તો ચૂપ અને છુપાઈને રહેવાનો સમય છે.પહેલાં વિક્રમ દેસાઈનો ચહેરો સામે એવું કંઈક કરવું પડશે અને મેં એ માટે એક યુક્તિ શોધી રાખી છે”

“શું છે યુક્તિ?”શેફાલીએ પૂછ્યું.

“થોડા દિવસ રાહ જુઓ,આપોઆપ તમે સમજી જશો”મેં હસીને કહ્યું.મારાં મગજમાં જે ચાલતું હતું એને મેં પહેલેથી જ અંજામ આપી દીધું હતું,હવે બસ રાહ હતી તો વિક્રમ દેસાઈના એક્શનમાં આવવાની.

(ક્રમશઃ)

શું ચાલતું હતું જૈનીતના ખુરફાતી દિમાગમાં?,વિક્રમ દેસાઈ કોઈ ભૂલ કરશે?,વિક્રમ દેસાઈએ કોનો ફોટો જોઈને એવું કહ્યું હતું?,નિધિ ફરીવાર જૈનીત સાથે પહેલા જેવાં સંબંધ સ્થાપી શકશે?

સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Neel Sojitra

Neel Sojitra 3 વર્ષ પહેલા

ashit mehta

ashit mehta 2 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 2 વર્ષ પહેલા