Jokar - 9 books and stories free download online pdf in Gujarati

જોકર - સ્ટૉરી એક લુઝરની - 9

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ - 9
લેખક - મેર મેહુલ
સવારના નવ થયા હતા.ક્રિશાએ અત્યારે પણ જૈનીતને ઘણા કૉલ કર્યા હતા.જૈનીતે એક પણ કૉલ રિસીવ નહોતો કર્યો એટલે ક્રિશા ધૂંધવાઈ હતી.
“ક્રિશુ,ચાલ આપણે નીકળીએ છીએ” હસમુખભાઈએ અવાજ આપ્યો એટલે ક્રિશા બહાર આવી.ક્રિશાને જોઈને હસમુખભાઈ હસી પડ્યા.
“આજે કેમ સવાર સવારમાં નાક પર ગુસ્સો છે?”હસમુખભાઈએ હસતાં હસતાં પૂછ્યું.
“તમારે જાણવું જરૂરી નથી હસમુખભાઈ,તમે ગાડી ચલાવો”ક્રિશાએ પણ પોતાનો ગુસ્સો સાઈડમાં રાખીને તેના અંકલ સાથે મજાકિયા અંદાજમાં વાત કરી.હસમુખભાઈએ મોઢું બગાડ્યું.
“તો આજે કંઈ બાજુ જશો તમે?”સ્વીફ્ટમાં ડ્રાઇવર સીટ પર બેસતાં હસમુખભાઈએ પૂછ્યું.
“જોકર બંગલે પે લે લો ડ્રાઈવર”
“જો હુકમ મેડમ સાહેબા”હસમુખભાઈએ હસીને કહ્યું.
“એ છોકરો કોણ હતો એ ખબર પડી?”હસમુખભાઈએ પૂછ્યું.
“ના,પણ તેનો દોસ્ત મળ્યો હતો જૈનીત નામ છે તેનું અને એ જ બંગલામાં રહે છે”ક્રિશાએ સાઈડ કાચમાં જોઈ પોતાના વાળ સરખા કરતાં જવાબ આપ્યો.
“એ છોકરો મળે તો તેનાં મમ્મી-પપ્પાને ઘરે કૉફી માટે લેતી આવજે, આપણે તારા લગ્ન માટે વાત કરીશું”હસમુખભાઈએ ક્રિશા તરફ જોઈ આંખ મારી.
“શું તમે પણ અંકલ”ક્રિશાએ હસમુખભાઈના ખભે મુક્કો માર્યો.
“ખોટું શું છે એમાં?,છોકરો સારો હોય અને તને પસંદ આવે તો વાત આગળ ચલાવીશું”
“સારું એમ રાખો”ક્રિશાએ કહ્યું.
વાતો વાતોમાં ક્રિશાની મંજિલ આવી ગઈ.
“સાંજે કૉલ કરું અંકલ,બાય”કહી ક્રિશા ઉતરી ગઇ.
“ધ્યાન રાખજે તારું”કહી હસમુખભાઈએ ગાડી હંકારી.
હસમુખભાઈના જતા ક્રિશાના ચહેરા પર ફરી પેલાં હાવભાવ આવી ગયા.ગેટ પાસે જઈ એ જોરજોરથી હાથ મારવા લાગી.વૃષભ બગીચામાં હતો.આટલો ઘોંઘાટ સાંભળી તેણે દોડીને દરવાજો ખોલ્યો.
“મેડમ તમને કેટલીવાર કહ્યું કે સવારે જૈનીતભાઈ ના મળે,તમે બપોર પછી આવવાનું રાખો”વૃષભે ક્રિશાને જોઈને કહ્યું.
“હું અહીં તારી સલાહ સાંભળવા નથી આવી,તારા જૈનીતભાઈને જલ્દી જગાડ અને કહે કે ક્રિશા રાહ જુએ છે”ક્રિશાએ હુકમ કર્યો.
“જુઓ મૅમ, હું તો એ કામ કરવાથી જ રહ્યો પણ તમને ઈચ્છા હોય જ તો તમે અંદર જઈ શકો છો”વૃષભે ઉપર તરફ ઈશારો કરતાં કહ્યું, “ત્યાં ઉપર એ સોફા પર સૂતાં હશે”
ક્રિશા બંગલામાં પ્રવેશી.નીચેના રૂમનું નિરીક્ષણ કરી સડસડાટ દાદરો ચડી ગઈ.અંદર જૈનીત લોવેર-બનીયાનામાં સોફા પર ઊંધો પથરાઈને પડ્યો હતો.ક્રિશાએ આજુબાજુ નજર કરી.ટીપોઈ પર પાણીની અડધી ભરેલી બોટલ હતી.ક્રિશાએ એ બોટલ જૈનીત પર ઠાલવી દીધી.
“***, કોણ છે?” સફાળા જાગતાં જૈનીતે ક્રિશાને જોયાં વિના જ ગાળ દીધી.ક્રિશા અદબવાળીને જૈનીત સામે ઉભી રહી.
“ક્રિશા??,તું અત્યારે અહીં?, સૉરી”આંખો ચોળતાં ચોળતાં જૈનીતે કહ્યું.
“સો કૉલ કર્યા તને,એકવાર રિસીવ નથી કરી શકતો?”ક્રિશાએ ગુસ્સામાં કહ્યું, “તને કહ્યું હતુંને આજે મારી સાથે બહાર આવવાનું છે”
અચાનક જ ક્રિશાનો વિચાર બદલાઈ ગયો હતો. તે નીચે રૂમમાં પ્રવેશી ત્યારે તેણે નિરીક્ષણ કર્યું હતું.એ પહેલીવાર અહીં નહોતી આવી.પહેલીવાર આવી ત્યારે બધું સામાન્ય હતું પણ આ વખતે પૂરો બંગલો જાણે ખૂફિયા એજન્સીનું ઠેકાણું હોય તેવું લાગતું હતું.તેને વિચાર આવ્યો જે વ્યક્તિ પોતાનાં ઘરમાં આટલી સિક્યોરિટી રાખે છે તે સામાન્ય વ્યક્તિ તો ના જ હોઇ શકે.
ક્રિશા સમજી ગઈ હતી કે જો તે ડાયરેક્ટ જૈનીત પર સવાલોનો મારો કરશે તો બનતી બાજી બગડી જશે.એટલે જ તેણે સીધી વાત કરવાનું ટાળી જૈનીતની વધુ નજીક જવાનું નકકી કર્યું.
“સૉરી મગજમાંથી જ નીકળી ગયું”આળસ મરડી બગાસું ખાતાં ખાતાં જૈનીતે સોફા પરથી કૂદકો માર્યો, “પંદર મિનિટ આપ હું ફટાફટ તૈયાર થઈ જાઉં”
“આ ગરદન પર શું થયું છે?”જૈનીતની નજીક સરકીને ક્રિશાએ તેના ગરદન પરના પાટા પર બે આંગળી રાખી, “હે ભગવાન..કેટલું બ્લીડીંગ થયેલું છે.”
“નાનકડું એક્સીડેન્ટ થયું હતું.ચીરો જ પડ્યો છે એટલે લોહી વધુ દેખાય છે.બીજું કંઈ નથી”જૈનીતે ગરદનને ડાબી બાજુ ઘુમાવી.એ સાથે જ તેના મોઢામાંથી સિસકારી નીકળી ગઈ.
“ફર્સ્ટએઇડ ક્યાં છે? પાટો બદલાવવાની જરૂર છે”ક્રિશાએ તેને સોફા પર બેસારી દીધો.જૈનીતે તેને ફર્સ્ટએઇડ બોક્સ ચીંધ્યું.થોડીવારમાં ક્રિશાએ જૈનીતના ઝખ્મને ડેટોલ વડે સાફ કરી ડ્રેસિંગ કરી આપ્યું.
“થેંક્યું”જૈનીતે ક્રિશા તરફ આભારભરી નજરે જોઈને કહ્યું.
“થેંક્યું કહેવાથી નહિ ચાલે”ક્રિશાએ લહેકો લીધો, “તારે બે દિવસ ડ્રેસિંગ કરવું પડશે અને હું બે દિવસ સુધી તારી કૉફીની લિજ્જત માણવાની છું”
જૈનીત હસવા લાગ્યો.સાથે ક્રિશા પણ.ક્રિશાએ સમજી વિચારીને પાસો ફેંક્યો હતો.બે દિવસ ડ્રેસિંગના બહાને જૈનીત વિશે વધુ જાણવાનો મોકો એ જવા દેવા નહોતી માંગતી.જૈનીત પણ ક્રિશાએ ફેંકેલા પાસાને ખુશી ખુશી ઝીલતો જતો હતો.કોણ જાણે જૈનીત ક્રિશાની બધી વાતો કોઈપણ રોકટોક વિના સ્વીકારતો હતો.અત્યારે પણ એ ક્રિશા સાથે જવા તૈયાર હતો.
“હું વોશરૂમનું ચક્કર લગાવી આવું ત્યાં સુધી કૉફી તૈયાર કરી રાખ”જૈનીતે કિચન તરફ ઈશારો કરીને કહ્યું.
“મને કૉફી બનાવતાં નથી આવડતું.મને તો બસ કૉફી પીવાની જ ખબર પડે છે એટલે તું આવ ત્યાં સુધી હું સોફા પર બેઠી છું”ક્રિશાએ આંખો પકલાવી સ્માઈલ કરી.
“જેમ તને યોગ્ય લાગે”કહી જૈનીત વોશરૂમમાં ચાલ્યો ગયો.
જૈનીત વોશરૂમમાં હતો એ દરમિયાન ક્રિશા ડ્રેસિંગ કાચ પાસે પહોંચી બધા ખાના ખોળવા લાગી.ઉપરના ખાનામાં જૈનીતનો મોબાઈલ હતો.ક્રિશાને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એ મોબાઈલમાં કોઈ પાસવર્ડ કે પેટન્ટ નહોતી.ઉતાવળથી તેણે કૉલ લોગ ચેક કર્યું તો તેમાં ક્રિશા ઉપરાંત ‘બકુલ જીગરી’ નામના મિસ્ડકોલ આવેલા હતા.ગેલેરીમાં પણ બંનેના જ ફોટા હતા.વોટ્સએપ પર પણ છેલ્લી ચેટિંગ ક્રિશા સાથેની જ હતી.
ક્રિશાએ મોબાઈલ ડ્રોવરમાં રાખી દીધો.બીજી વસ્તુ ખોળતા તેના હાથમાં એક ફુલસ્કેપ પેજ આવ્યું.જેમાં થોડાં નંબર લખેલા હતા.ક્રિશાએ ઉતાવળથી એ પેજનો ફોટો પાડી પેજ ડ્રોવરમાં રાખી દીધું.અન્ય સ્ટેશનરીની વસ્તુ તેને ઉપયોગી ન જણાતા બીજું ડ્રોવર ખોલ્યું.
એ ડ્રોવર ખોળતા પણ ક્રિશાને આશ્ચર્ય થયું.તેમાં લિપસ્ટિક, પાઉડર ઉપરાંત કોસ્મેટિક પ્રોડક્ટ હતી.
‘શું છે આ બધું?’ ક્રિશાએ પોતાને જ સવાલ કર્યો.
ત્રીજું ડ્રોવર ખોલતાં ક્રિશાને કામની વસ્તુ હાથ લાગી.એ હતી જૈનીતની બે ડાયરી.ક્રિશાએ એ ડાયરી હાથમાં લીધી અને બેગમાં નાખવા જતી હતી ત્યાં તેને વિચાર આવ્યો, ‘જો આ વાતની જૈનીતને ખબર પડી જશે તો એ સમજી જશે કે ડાયરી મેં જ લીધી છે,આમ પણ બે દિવસ મળવાનું જ છે.’ડાયરી ડ્રોવરમાં રાખી ક્રિશા સોફા પર આવીને બેઠી.
થોડીવાર પછી જૈનીત નાહીને બહાર આવ્યો ત્યારે ક્રિશા જેસે-થીની પોઝિશનમાં સોફા પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત હતી.જૈનીતને આવતો જોઈ તેણે મોબાઈલ બાજુમાં રાખ્યો અને બે ઘડી જૈનીતના કસાયેલાં શરીર પર નજર કરી.
જૈનીતના વાળ હજુ ભીનાં હતા.તેમાંથી નીકળતી પાણીની બુંદો જૈનીતની ગરદન પર રહેલાં પ્લાસ્ટિકના પાટાના આવરણ પરથી બદન પર સરકી જતી હતી.જૈનીતની બૉડી જોતાં જ ક્રિશાને ખ્યાલ આવી ગયો કે એ જીમમાં ખાસ્સો સમય પસાર કરતો હશે.છાતીનો વ્યવસ્થિત ઉભાર અને તેની નીચે ઉપસી આવેલા એબ્સ જૈનીતના શરીરને વધુ આકર્ષક બનાવતાં હતા.
“બસ બે જ મિનિટ હું આવું છું”કહી જૈનીત નીચે ચાલ્યો ગયો.
ક્રિશા વિચારમાં પડી ગઈ. ‘જૈનીત’ નામ સાથે તેને જૂનો સબંધ હતો.એક છોકરો હતો જેનાં પર એ આફરીન થઈ ગઈ હતી.એ આ જૈનીત જેટલો દેખાવડો તો નહોતો પણ તેના વિચાર અને વર્તન એટલું તો મૃદુ અને સ્પષ્ટ હતું કે ક્રિશા પોતાને તેનાં પ્રેમમાં પડતાં રોકી નહોતી શકી.એ એક અઠવાડિયાનો સહેવાસ ક્રિશાની જિંદગીની યાદગાર પળોમાંની એક પળ હતી.એ ઘટના તેની પાછળ ઘણાબધા પ્રશ્નો છોડીને ગઈ હતી.જેના જવાબ ક્રિશા આજદિન સુધી નહોતી મેળવ શકી,જેનો તેને મલાલ હતો કદાચ તે એ જૈનીતનો ભૂતકાળ ન જાણવાની ભૂલ બીજીવાર ન દોહરાવાય એટલે જ આજે તે ધૈર્યથી કામ લઈ રહી હતી.પોતાનાં કદમો ફૂંકી ફૂંકીને આગળ વધતી હતી.
થોડીવારમાં જૈનીત તૈયાર થઈને બહાર આવ્યો.તેણે આછા સ્કાય બ્લ્યૂ જીન્સ પર બૉડી ફિટ બ્લૅક ટી-શર્ટ પહેર્યું હતું.ક્રિશાને વિચાર આવ્યો, ‘હું ફરી એ જ ભૂલ કરવા જઈ રહી છું?’
પોતાની જ વાત પર હસતા ક્રિશા સોફા પરથી ઉભી થઇ.
“રસોડું આ તરફ છે”જૈનીતે દરવાજો ચીંધતા કહ્યું.
ક્રિશા રસોડા તરફ આગળ વધી.જૈનીત તેની પાછળ રસોડામાં પ્રવેશ્યો.
“સામાન્ય રીતે છોકરાઓને રસોઈમાં ખાસ રસ નથી હોતો,તને ક્યારથી કૉફી બનાવતાં આવડી ગઈ?”સ્ટેન્ડિંગ રસોડાના ઓટલે ટેકો આપી ક્રિશાએ પગની આંટી મારી અને અદબ વાળતા પૂછ્યું.
“તને ખોટી માહિતી મળી છે ક્રિશા, રસોડામાં અમને ખાસ રસ હોય છે. ખાસ કરીને એવા પ્રસંગે જ્યારે ઘરમાં કોઈના હોય.આમ પણ મમ્મી-પપ્પાના અવસાન પછી હું બધું શીખી ગયો છું”સ્ટવ શરૂ કરતાં જૈનીતે કહ્યું.
“તારા મમ્મી-પપ્પાના અવસાન થયાને કેટલો સમય થયો?”ક્રિશાએ પૂછ્યું.
“બે દિવસ પછી બે વર્ષ પૂરાં થશે.પપ્પાએ સ્યુસાઇડ કર્યું હતું અને મમ્મી એ આઘાત સહન ના કરી શક્યા એટલે બીજા જ દિવસે તેઓએ પણ….”જૈનીતે ગંભીર થતાં કહ્યું, “મમ્મીની તો લાશ પણ નહોતી મળી”
“ઓહહ…સૉરી”ક્રિશાને ગલત સમય પર ખોટો સવાલ પૂછવાની ભૂલ પર ગુસ્સો આવ્યો.
“ન સૉરી..યાદ છે ને અને આમ પણ આપણાં હાથમાં કશું નથી હોતું”જૈનીતે કહ્યું.
“મારા મમ્મી-પપ્પાનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. હું ત્યારે બે વર્ષની હતી.મારાં અંકલે મને મને સંભાળી. મારા માટે મમ્મી કહો કે પપ્પા,બધું જ અંકલ છે”ક્રિશાએ કહ્યું.
“સવાર સવારમાં તું ક્યાં આવી વાત લઈને બેઠી ગઈ” જૈનીતે વાત બદલતાં કહ્યું, “તને ખબર છે હું બોવ જ મસ્ત કૉફી બનાવું છું.એકવાર મારી કૉફી ચાખી લીધી પછી દુનિયાના કોઈપણ ખુણે જઈશ,આઆવી કૉફી નહિ મળે”
“ચાલો તો આજે ચાખી જ લઈએ તારા હાથની બનાવેલી કૉફી”ક્રિશાએ કહ્યું.
કૉફી તૈયાર થઈ ગઈ એટલે બંને બહાર હૉલમાં આવ્યા.ક્રિશાએ કૉફીનો એક ઘૂંટ ભર્યો.
“અહા…શું કૉફી છે.સાચે જ મારી લાઈફમાં કોઈ દિવસ આવી કૉફી મેં નથી પીધી”વખાણ કરતાં ક્રિશાએ કહ્યું, “મારે પણ આવી કૉફી બનાવતાં શીખવું છે”
“શીખવી દેશું એમાં શું”જૈનીતે હસીને કહ્યું.
“એક્ચ્યુઅલી એવું કરીશું તો હું જ ખોટમાં જઈશ.તારાં હાથની કૉફી પીવાના બહાને તો આપણી મુલાકાત થાય છે.”બંને આંખો મીંચકારી ક્રિશાએ સ્માઈલ કરતાં કહ્યું.
“છોકરીઓ આટલી સરળતાથી કેવી રીતે મેન્યુપુલેટ કરી લેતી હશે યાર.અમે તો કોઈ દિવસ આવું નથી શીખ્યાં”જૈનીતે હસતાં હસતાં કહ્યું.
“એ માટે છોકરી બનવું પડે,જે આ જન્મમાં શક્ય નથી”કહેતાં ક્રિશા પણ હસી પડી.બંનેએ કૉફી પુરી કરી.
“કોને પાઠ ભણાવવા જવાનું છે બોલ હવે”જૈનીતે ઉભા થતાં પૂછ્યું.
ક્રિશા વિચારમાં પડી ગઈ.આરાધનાના કહેવા મુજબ જૈનીત એવો વ્યક્તિ હતો જે છોકરીઓ સાથે બતમીઝીથી વાતો કરતો,જે છોકરીઓ વિશે ખરાબ બોલતો.પણ અહીં મામલો સાવ જુદો હતો.જૈનીતની સાથે વાત કરીને ક્રિશાનો ગુસ્સો મીણબત્તીની જેમ પીઘળી ગયો હતો.સવારે ગુસ્સામાં ભભકતી ક્રિશા અત્યારે સાવ શાંત અને ખુશ હતી.જેનું કારણ માત્ર જૈનીત જ હતો.
ક્રિશાએ આરાધનાનું કામ મોકૂફ રાખવાનું વિચારી વાત બદલી નાખી, “એ કામ તો પૂરું થઈ ગયું છે.તેણે સામેથી માફી માંગી લીધી છે”
“સારી વાત કહેવાય એ તો”જૈનીતે કહ્યું.
“તો હવે હું રજા લઈશ”ક્રિશાએ ઊભાં થતાં કહ્યું, “તારે સાથે આવવાનું હતું પણ હવે કામ નથી તો શું કરીશ સાથે આવીને”
“કોઈ કામ હોય તો કહેજે”જૈનીતે પણ ઉભા થતાં કહ્યું.ક્રિશાએ સામે ચાલીને જૈનીતને હગ કર્યો.શેકહેન્ડ કરી બંને છુટા પડ્યા.ક્રિશાએ દાદરો ઉતરી નીચે આવી.બહાર ગેટ સુધી પહોંચી ત્યાં તેનાં કાને જૈનીતનો અવાજ પડ્યો.
“હું સિટી બાજુ જઉં છું.એ બાજુ આવવું હોય તો હું લેતો જાઉં”
ક્રિશાએ સ્મિત કર્યું.તેને તો જોઈતું હતું અને વૈધે કહ્યા જેવું થયું હતું.તેનાં મગજમાં ફરી એકવાર શાતિર પ્લાન ઘડાઈ ચુક્યો હતો.જેને અંજામ આપવા તેને સહેજ મહેનત કરવાની હતી.પણ એનાં માટે એ મહેનત મજાનું કામ હતું.જૈનીતે ગાડી બહાર કાઢી એટલે ક્રિશા ખુશી ખુશી તેમાં બેસી ગઈ.
(ક્રમશઃ)
શું હશે ક્રિશાનો પ્લાન?,શા માટે ક્રિશા જૈનીતમાં આટલો રસ દાખવી રહી હતી.આગળ શું થશે એ મને પણ ખબર નથી.જાણવા વાંચતા રહો,જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED