જોકર – સ્ટૉરી એક લુઝરની – 50 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જોકર – સ્ટૉરી એક લુઝરની – 50

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 50
લેખક – મેર મેહુલ
સુરુએ મને માહિતી આપી હતી,એ લોકો એકસાથે સો છોકરીઓને દુબઈ મોકલવાના હતા.હું એને રોકવાનો હતો.મારે માણસોની જરૂર હતી.મેં કરમવીર સુનિતા કૃષ્ણન વિશે વાંચ્યું હતું.નારી અબળા નથી હોતી એનું એ શ્રેષ્ઠ ઉદાહરણ હતા.તેઓની સાથે પંદર વર્ષની ઉંમરે બળાત્કાર થયો હતો,તેઓએ એ બળાત્કારીને સજા અપાવી હતી અને ત્યારબાદ એક સંસ્થા સ્થાપી હતી.જેમાં તેઓ આવી ઘટનાઓનો શિકાર થયેલી યુવતીઓને મદદ કરતાં.
સમાજ દ્વારા અપાતાં માનસિક ત્રાસથી દુર રાખી યુવતીઓનું ગુજરાન ચલાવવા તેઓએ લઘુ ઉદ્યોગ મારફત તેઓને શરૂઆતથી જીવન શરૂ કરવા કહેતા.તેઓની સંસ્થા વિશાળ હતી અને ગોપનીય હતી.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો મદદ કરતાં. તેઓની ટ્રેજડી પણ મારાં જેવી જ હતી.તેઓને કોઈ રેડ એરિયા વિશે માહિતી મળતી તો એક સાથે પુરી ટિમ મિશન પર ઉતરતી અને જગ્યાને નેસ્ત-નાબૂત કરી દેતી.
મારાં માટે આ વ્યક્ત કામની હતી.તેઓનાં કાર્યકરો દેશમાં બધે જ ફેલાયેલાં છે એવું તેઓએ કહેલું.મેં તેને મેઈલ કર્યો હતો.જેમાં મેં આ ડિલ વિશે માહિતી આપી હતી અને મદદ માટે વિનંતિ કરી હતી.તેઓએ તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ ધરી છોકરીઓને બચાવવાનું પગલું ભર્યું હતું.તેઓની સાથે હું પણ જોડાયો હતો.એક જ દિવસમાં મારી બાજુમાં હજારો લોકો ઉભા છે એવું મને ફિલ થતું હતું.
જ્યારે અમે લોકોએ ઓપરેશન પાર પાડ્યું ત્યારે એક ગુંડાને પટ્ટી પઢાવી મેં વિક્રમ દેસાઈને એક સંદેશો મોકલ્યો હતો.જેમાં ફરી એ જ ધમકી હતી.
પછીના દિવસે એ જ સમાચાર પુરા દિવસ ટીવી પર ચાલતાં રહ્યા.આ કામ કોણે કર્યું,કેવી રીતે થયું એ કોઈ નહોતું જાણતું.બસ બધી છોકરીઓ સલામત રીતે બહાર નીકળી ગઈ હતી.
વિક્રમ દેસાઈ માટે આ ફરી એક નમૂનો હતો.તેનો નાશ થવાનો છે તેની આગાહી,એક ચેતવણી.
***
“હા બકુલ”મેં કૉલ રિસીવ કરીને કહ્યું.હું સૂતો હતો.વહેલી સવારે બકુલનો ફોન આવ્યો એટલે મને ફાળ પડી.
“મારાં ઘરે આવી શકીશ?”બકુલે પૂછ્યું.હું બહાર ઓછો નીકળતો એટલે હવે બકુલના સંપર્કમાં પણ નહિવત કહી શકાય એમ હતો.
“શું થયું?”મેં ડર મિશ્રિત અવાજે કહ્યું.
“તું આવી જા”બકુલે કહ્યું, “અહીં આવીશ એટલે તને ખબર પડી જશે”
હું તૈયાર થયો ના થયો ઉતાવળે પગલે બકુલના ઘર તરફ ચાલ્યો.આટલાં સમય દરમિયાન મને સિગરેટની વ્યવસ્થિત લત લાગી ગઈ હતી.મેં પાનના ગલ્લેથી એક સિગરેટનું પાકીટ પણ લઈ લીધું,રખેને કોઈ ટેંશનની વાત હોય તો કામ લાગે.
બકુલના ઘર નીચે બાઇક પાર્ક કરી મેં દરવાજો નૉક કર્યો.મારી સામે જે દ્રશ્ય હતું એ જોઈ મારા તો હોશ જ ઉડી ગયા.મારી સામે નિધિ ઉભી હતી.એ નિધિ જેને દોઢ વર્ષ પહેલાં હું ભુલાવી ચુક્યો હતો અથવા હજી ભૂલવાના પ્રયાસો કરતો હતો.તેનાં ચહેરા પર બનાવટી સ્મિત હતું.ચહેરો હજી એટલો જ સુંદર હતો બસ થોડો વૃક્ષ જણાતો હતો.
“ઓહહ…નિધિ”મને ઓકવર્ડ ફિલ થયું.ફરી નિધિ સાથે કેવી રીતે વાત કરવી એ મને સમજાતું નહોતું.પહેલીવાર હું વાત કરવાની કોશિશ કરતો હતો પણ આ સમયે મને એવી કોઈ જ ઈચ્છા નહોતી.
“જૈનીત…”નિધિ માત્ર એટલું જ બોલી.તેનાં અવાજમાં ભારોભાર ફરિયાદ હતી.જે કહેતી હતી, ‘તું મને છોડીને ક્યાં ચાલ્યો ગયો હતો. એકવાર પણ વાત કરવાની કોશિશ ના કરી.તું આટલો તો નિર્દયી નહોતો’
“અંદર આવી જા બકા”અંદરથી શેફાલી બોલી.બકુલ અને શેફાલી સોફા પર બેઠાં હતાં.
“ઓહહ.. શેફાલી..તું પણ આવી છે?”નિધિ અંદર ગઈ એટલે હું પણ તેની પાછળ રૂમમાં પ્રવેશ્યો.
“હા,પાપાના ઘરે આવી હતી તો તમને મળવાની ઈચ્છા થઈ ગઈ એટલે દોડી આવી”શેફાલીએ કહ્યું.
“કેમ છે બધા ઘરે?” મેં પૂછ્યું,ફોર્મલિટી તરીકે, “મજામાં ને?”
“અમે તો મજામાં જ છીએ”શેફાલીએ લાંબો લહેકો લઈને કહ્યું, “પણ તે આ શું હાલ કરો લીધાં છે?,લાંબા વાળ,કસાયેલું શરીર અને તું તો દાઢી રાખતોને,કેમ ક્લીન શૅવમાં છે?”
“ઘણુંબધું બદલાય ગયું છે”મેં સોફા પર બેસતાં કહ્યું, “એ છોડ બધું કેમ અચાનક આવી પહોંચ્યા,ના કોઈ ફોન,ન કોઈ મૅસેજ”
“એ તો તારી નિધીને જ પૂછ”શેફાલીએ કહ્યું, “એણે જ મને કૉલ કરીને આવવા કહ્યું”
મેં શેફાલી સામે આંખો મોટી કરી.હું એને કહેવા માંગતો હતો કે નિધિ હવે મારી નથી.
“બકુલ”મેં હાથ ઊંચા કરીને કહ્યું, “ શું છે આ બધું?”
“તું મારી સાથે વાત કરને”નિધિ વચ્ચે આવી, “મેં જ બધાને ભેગા થવા કહ્યું છે”
મેં માત્ર તેની સામે જોયું.એ મને ઘુરી ધુરીને જોઈ રહી હતી.
“અમે બંને અગાસી પર ટહેલીએ છીએ”બકુલે કહ્યું, “તમારી પ્રેમકથા પુરી થાય એટલે અવાજ આપી દેજો”
કંઈ પ્રેમકથા?,કોની પ્રેમકથા?,અરે કેવી પ્રેમકથા?..અમારી વાતનો તો દોઢ વર્ષ પહેલાં જ અંત આવી ગયો હતો.બકુલ નાહકની ગૂંથી બનાવતો હતો.એ બંને બહાર જઈ દાદરો ચડી ગયો,મને કફોડી હાલતમાં છોડીને.
નિધિ આમ અચાનક મારી સામે આવી જશે એ મેં કલ્પનામાં પણ વિચાર્યું નહોતું.એને તો મેં ભૂતકાળમાં બનેલી એક સારી પળોમાં કેદ કરી લીધી હતી અને ભૂતકાળનાં માત્ર સંસ્મરણ થાય એને વર્તમાન ન બનાવાય.મેં મૌન રહેવાનું જ પસંદ કર્યું.હું કંઈક બોલીશ એ આશાએ નિધીએ પણ મૌન સેવ્યું હતું.દસ મિનિટ સુધી અમે બંને એ જ અવસ્થામાં બેસી રહ્યા.એકદમ ચુપચાપ.
“બકુલને બોલાવી લઉં?”આખરે મારાથી ન રહેવાયું એટલે મેં કહ્યું.
“ના”નિધીએ ધીમેથી કહ્યું, “મારે વાત કરવી છે”
મેં અણગમા સાથે હળવું સ્મિત કર્યું.એ ફરી ચૂપ થઈ ગઈ.એ બોલે તેની હું રાહ જોઈ રહ્યો હતો.
“આઈ એમ સૉરી”થોડી ક્ષણો પછી નિધીએ કહ્યું.
સૉરી!,એક સૉરીથી બધું બદલાય જવાનું હતું?,એનાં વિના દોઢ વર્ષ પસાર કર્યા એ ફરી આવવાના હતા?
“આ જ કહેવું હતું?”મેં બેરુખીથી પૂછ્યું.નિધિ શું વિચારશે એની મને હવે પરવાહ નહોતી.
“મારા પપ્પા”નિધીએ કહ્યું, “તેઓના કારણે જ બધું થયું”
“ઓહ,લાલજી પટેલ”હું સહેજ હસ્યો, “એનાં માટે હું સૉરી કહું છું.મેં જ તેનું મર્ડર કર્યું છે અને મને ખબર છે તું એ માટે ફરી કહીશ,મારી નજર સામે કોઈ દિવસ ના આવતો”
“સારું કર્યું તે”નિધીએ કહ્યું.
શું!,એનાં પપ્પાનું મર્ડર કરીને મેં સારું કર્યું એ એમ કહી રહી હતી.
“તેઓના વિશે મને ખબર પડી ગઈ હતી”નિધીએ કહ્યું, “આજે નહિ તો કાલે આ તો થવાનું જ હતું”
“તારી પાસે બધી માહિતી નથી” હું ઉશ્કેરાયો, “એણે મારાં બાપુનું મર્ડર કરાવ્યું,મારી બડીને વેચી નાંખી અને ખબર નહિ કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાંખી”
“મને બધી જ ખબર છે”નિધીએ કહ્યું, “એટલે જ તો સૉરી કહેવા આવી છું”
“ઇટ્સ ઓકે”મેં વાત પૂરી કરતાં કહ્યું, “પત્યું હોય તો બકુલને બોલાવી લઉં”
“જૈનીત તું બદલાય ગયો છે”નિધીએ રડમસ આવજે કહ્યું.તેની આંખોમાં આંસુ બાઝી આવ્યા.
“બદલવા માટે તે જ કારણ આપ્યાં છે”મેં કહ્યું, “અને જે થયું એ સારું જ થયું છે. હું હાલ કશું જ અનુભવતો નથી.”
“જૈનીત”નિધિ રડવા લાગી, “તને એક જ તકલીફ પડી હશે?,તારાં વિના મારી હાલત શું થઈ હતી તે એનાં વિશે વિચાર્યું કોઈ દિવસ?”
“ઘણું વિચાર્યું મેં”મેં કહ્યું, “પછી જ મેં નિર્ણય લીધો છે.હું કોઈ વાત જાણ્યા વિના સીધો નિર્ણય નથી લેતો”
એ મારી સામે તાંકીને જોઈ રહી.તેનાં ચહેરા પર ઘણીબધી પીડા હું જોઈ શકતો હતો.બોલ્યા વિના હું બધું જ સમજી ગયો હતો પણ હાલ મારી પાસે નિધિ માટે સમય નહોતો એ વાત સનાતન સત્ય હતી.નિધીને કારણે જ મેં આ મિશન હાથ ધર્યું હતું અને આજે જ એ મારાં કામમાં અડચણ બની રહી હતી.કેવું કહેવાય નહીં,જે વ્યક્તિ આપણાં માટે સર્વસ્વ હોય એ જ ક્યારેક આપણી માટે મૂલ્યહીન થઈ જાય છે.
નિધિ મારા માટે મૂલ્યહીન નહોતી.એની જગ્યા તો કોઈપણ લઈ શકવાનું નહોતું.બસ હું તેનાથી ગુસ્સે હતો.હકીકત માલુમ પડે પછી તો દૂશ્મન પણ પોતાની ભૂલ કબુલ કરે છે.હું તો એ વ્યક્તિને ઇચ્છતો હતો જે કોઈ પણ પરિસ્થિતિમાં મારાં પર વિશ્વાસ અકબંધ રાખે.નિધીએ એ નહોતું કર્યું.હકીકત જાણ્યા વિના નિર્ણય લઈ લીધો હતો અને હાલ એનું ફળ તેને મળી રહ્યું હતું.
હું નિધીનો રડતો ચહેરો ના જોઈ શક્યો.મારી લાગણીઓનાં ફરી નવા કૂંપળ ફૂટ્યાં હતાં.એણે થોડાં દિવસ પહેલાં જ પોતાનાં પિતાને ગુમાવ્યા હતા.ગમે તેમ પણ પિતાને ગુમાવ્યાં પછીની હાલત હું સમજી શકતો હતો.
હું નિધિની નજીક ગયો.તેનાં ગાલ પર હાથ રાખી આંસુ લૂછી તેને બાહુપાશમાં ભરી લીધી.
(ક્રમશઃ)
શું નિધિએ જૈનીતના જીવનમાં પુર્નઆગમન કર્યું હતું?, દોઢ વર્ષ પહેલાં જે સબંધોનું વૃક્ષ સુકાય ગયું હતું એમાં ફરી ચેતના આવશે? શું જૈનીત અને નિધિ ફરી મળશે?
વિક્રમ દેસાઈને ફટકો લાગ્યો હતો.તેને કરોડોનું નુકશાન થયું છે એ જાણી વિક્રમ દેસાઈ શું પગલાં ભરશે?જૈનીત અને વિક્રમ દેસાઈનો ભેટો થશે ત્યારે શું થશે?,શું જૈનીત તેને માત આપી શકશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Ghananjay

Ghananjay 2 વર્ષ પહેલા

maheshjoshi99131

maheshjoshi99131 2 વર્ષ પહેલા

yogesh

yogesh 2 વર્ષ પહેલા

Krishna Thobhani

Krishna Thobhani 2 વર્ષ પહેલા