જોકર - સ્ટૉરી એક લુઝરની - 7 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જોકર - સ્ટૉરી એક લુઝરની - 7

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ- 7
લેખક- મેર મેહુલ
જૈનીત સાથે વાત કરી ક્રિશા સુવાની તૈયારી કરતી હતી એટલામાં જ તેને યાદ આવ્યું કે મિતલે તેને પેલા છોકરાનો ફોટો મોકલ્યો છે.ક્રિશાએ વોટ્સએપ ખોલીને ફોટો ડાઉનલોડ કર્યો.
ફોટો જોઈને તેના હોશ જ ઉડી ગયા.તેનું મગજ એક મિનિટ માટે ચક્કર ખાઇ ગયું.જે છોકરા સાથે થોડીવાર પહેલાં વાત કરતી હતી,જેના સ્વભાવના તેણે ભારોભાર વખાણ કર્યા હતા…અરે જે છોકરાના મોઢે તેણે પોતાનાં પણ વખાણ સાંભળ્યા હતા..એ છોકરો છોકરીઓને ધિક્કારે છે?
ક્રિશા આમ-તેમ રૂમમાં આંટા મારતી રહી.થોડીવાર બેડમાં આડી પડે તો થોડીવાર બાલ્કનીમાં જઈને આકાશમાં ટમટમતા તારાઓ પર ઝીણી નજર કરી,પછી બેડ પર રહેલો મોબાઈલ ઉઠાવી કૉલ-લોગમાંથી લાસ્ટ નંબરમાં કૉલ લગાવ્યો.પુરી રિંગ વાગી પણ કૉલ રિસીવ ના થયો.
એકવાર...બે વાર…ત્રણ વાર..
ક્રિશાએ અનેક વાર ટ્રાય કરી પણ કૉલ રિસીવ ના થયો તે ના જ થયો.
‘હું તેના ઘરે જઈશ’સ્વગત બોલી ક્રિશાએ કપડાં ચેન્જ કર્યા.
“અંકલ હું થોડીવારમાં આવી”હસમુખભાઈને જણાવી ક્રિશાએ સ્વીફ્ટ જોકર બંગલા તરફ મારી મૂકી.
*
રેંગો હાલ વેલંજાથી ત્રણેક કિલોમીટર દૂર ઘલુડી જતાં રસ્તા પરના એક ફાર્મ હાઉસમાં હતો.આ ફાર્મ વિક્રમ દેસાઈએ જ રેગાને આપ્યું હતું.મોટાં ભાગના કામો એ અહીંથી જ પતાવતો.પાર્કિંગમાં જતા સમયે રેંગાએ પોતાનાં આદમીઓને વારાફરતી ફોન જોડ્યા હતા પણ કોઈ પાસેથી તેને એ વ્યક્તિના ખબર નહોતા મળ્યા.રેંગો વધુ ગભરાયો હતો.તેનું મગજ અત્યારે સામાન્ય સ્થિતિ કરતાં વધુ મુવમેન્ટ કરતું હતું.કોઈ પણ સંજોગે એ વ્યક્તિનો પત્તો લગાવવો જરૂરી હતું. જો એ વ્યકિત પોતાનાં બોસને એક્સપોઝ કરી દેશે તો પોતાનું પણ બેકડું બેસી જશે એની તેને ખાતરી હતી.
ઉપરથી તેણે જ એ વ્યક્તિને માર્યો હતો.જ્યારે એ વ્યક્તિ પર તે ગોળી ચલાવતો હતો ત્યારે તેણે તેની આંખોમાં નીરખીને જોયું હતું.એ કાળી દ્રાક્ષ જેવડી ગોળ આંખોમાં અંગાર ભભકતા હતા.ભય કે ડર જેવું તો તેમાં નામો-નિશાન પણ નહોતું.ઉપરથી એ તો હસતો હતો.રેંગાને એ વ્યક્તિના છેલ્લાં શબ્દો યાદ આવ્યાં.તેણે કહ્યું હતું, ‘કાળથી કોઈ ભાગી નથી શકતું.દુનિયાના કોઈપણ છેડે છુપાઈ જઈએ તો પણ જેમ બાજ પોતાનો શિકાર શોધી લે છે એમ કાળ પોતાનાં શિકારને શોધીને ભરખી જાય છે.મને સારા ઉદાહરણ આપતાં નથી આવડતું પણ એટલું સ્વીકારી લે કે તારો એ કાળ હું જ છું”
એ સમયે તો બોસ સાથે એ પણ હસી હસીને લોથપોથ થઈ ગયો હતો પણ આજે..આજે તેના એક એક શબ્દોનો પડઘો રેંગાના કાને પડતો હતો.
રેંગાએ ખખડી ગયેલી ફિયાટ પાર્કિંગમાંથી બહાર કાઢી.તેનું મગજ ભમતું હતું.તેને શાંત કરવા તેની પાસે એક જ રસ્તો હતો.સુરું..તેની હવસ અને મગજને શાંત કરી શકતી એક માત્ર સ્ત્રી.પહેલાં પણ આવી સ્થિતિમાં એ આવું જ કરતો.ગજવામાંથી સિગરેટનું પેકેટ કાઢી સિગરેટ સળગાવી તેણે ચાવી ઘુમાવી.ઝટકા સાથે ફિયાટ શરૂ થઈ એટલે તેણે ગિયર બદલી એક્સીલેટર પર વજન આપ્યું.સુમસામ સડક પર અવાજ કરતી ફિયાટ સુરત તરફ દોડવા લાગી.એ સુરત તરફ આગળ તો વધતો હતો પણ તેને ખબર નહોતી કે આગળ જતાં તેની સામે એક એવું દ્રશ્ય ખડું થવાનું હતું જે તેની મુસીબતને જડ મૂળમાંથી ઉખેડી નાંખવા સક્ષમ હતું.
*
ક્રિશાનો કોલ કાપી જૈનિતે મોબાઈલ સાઇલેન્ટ કરી ડ્રોવરમાં રાખ્યો.બીજો મોબાઈલ સ્વીચ ઓન કરી બ્લુટુથ કનેક્ટ કર્યું.ફરી એ જ જુના ગીતોની વણજાર.ડ્રેસીંગ ટેબલ પાસે આવી જૈનિતે ત્રીજા ડ્રોવરમાંથી ડાયરી કાઢી આરામ ખુરશી પર લંબાવ્યો.પેજ નંબર અઢાર પર અટકી જૈનીત ભૂતકાળને વાગોળવા લાગ્યો.એ નિધિ અને જૈનીત વચ્ચેનો પહેલો સંવાદ હતો.કોઈ દિવસ ન ભૂલી શકાય તેવો વોટ્સએપ પરનો સંવાદ.એકાએક જૈનીતના ચહેરા પર મુસ્કાનનું મોજું ફરી વળ્યું.
(પાંચ વર્ષ પહેલાં)
“હેલ્લો”ધડકતા દિલે જૈનિતે મૅસેજ ટાઈપ કર્યો.તેનું હૃદય અત્યારે સામાન્ય ગતિ કરતા બમણી સ્પીડે ધડકતું હતું.છેલ્લી ત્રીસ મિનિટમાં તેણે સો વાર ‘હાય,હેલ્લો’જેવા મૅસેજ ટાઈપ કરીને ડિલેટ કર્યા હતા.ફરીવાર તેણે મૅસેજ ડીલીટ કરી દીધો.
‘શું લખું?’જૈનીત સ્વગત બબડયો.
‘હેલ્લો નિધિ….’ .
‘નામ ના લેવાય’ મૅસેજ ડીલીટ.
‘Hey Dear…’
‘અંગ્રેજ સમજશે’ મૅસેજ ડીલીટ.
‘નમસ્કાર’ ‘
પાગલ થઈ ગયો છે?’ મૅસેજ ડીલીટ.
‘એક મૅસેજ કરવાની પણ હિંમત નથી તારામાં જૈનીત’પોતાની જાતને જ તેણે ચેલેન્જ આપી.
“ઑય નિધિ.. શું કરતી હતી?’” ધ્રૂજતી આંગળીએ જૈનિતે મૅસેજ ટાઈપ કર્યો.ત્રણની ગણતરી બાદ સેન્ડ બટન પર અંગૂઠો રાખવો એવો નીર્ધાર કરી જૈનિતે આંખો બંધ કરી.
એક…બે…ત્રણ….
‘નહિ યાર…નહિ થાય મારાથી’એક નિસાસો નાખી જૈનીતના ખભા નીચે ઝૂકી ગયા.
‘એ અડધી કલાકથી ઓનલાઈન છે પણ એક મૅસેજ નથી કરી શકતી’ સાવ નાદાની ભરી ફરિયાદ જૈનિતે કરી.
અન્ય વ્યક્તિને મૅસેજ કરવા માટે એક સેકેન્ડ પૂરતું પણ ન વિચારતા જૈનીત માટે આજે નિધિને મૅસેજ કરતાં સો વિચાર આવતા હતા.આવે જ ને,આ એ જ નિધિ હતી જેને એ વર્ષોથી ચોરીછૂપે જોતો.પામવા માટે નહિ પણ ખુશી ખાતર.ભૂલથી પણ જો એ સપનાંમાં આવી જતી તો જૈનીત પૂરો દિવસ ખુશખુશાલ રહેતો.જેના નામ પર જૈનીત મૂર્ખામી ભરી હરકતો કરી લેતો અને સહજતાથી સ્વીકારી પણ લેતો.
તેણે ભાગ્યેય નહોતું વિચાર્યું કે તેના સપનાંની મહારાણી સાથે વાત કરવાનો લ્હાવો મળશે.એ તો બસ તેને જોઈને જ ખુશ રહેતો.આજે જ્યારે નિધિએ સામેથી જૈનીતને નંબર આપ્યો ત્યારે એ પોતાનાં હાવભાવ દબાવી શક્યો નહોતો અને એટલે જ કોલેજ બંક કરી ઘરે આવી ગયો હતો.આ કામ પણ તેનું મૂર્ખામી ભર્યું જ હતું કારણ કે ઘરે આવી તેની બેચેની અનેક ગણી વધી ગઈ હતી.સામેથી મૅસેજ કરવો કે નહીં એ જ વિચારવામાં તેણે કલાકોનો સમય વેડફી નાખ્યો.જ્યારે મૅસેજ કરવાનો નિર્ધાર કર્યો ત્યારે શું શું વાતો કરવી એ વિચારવામાં બીજી કલાકો.
અંતે રાત્રે નવ વાગ્યે જ્યારે નિધિ ઓનલાઈન થઈ ત્યારે જૈનીતની બેચેની જવાબ આપી ગઈ અને ‘નંબર આપ્યો છે તો મૅસેજ કરવો જ જોઈને’ એમ વિચારી છેલ્લી અડધી કલાકથી મૅસેજ કરવા મથી રહ્યો હતો.રખેને જો હિંમત આવી જાય તો એક મૅસેજ મોકલી શકે.પણ આજે તો બધા હથિયારને જંગ લાગી ગયો હોય એમ જૈનીત માટે મૅસેજ કરવો હથિયાર વિના જંગ લડવા જેવી વાત બની ગઈ હતી.
બે મિનિટ પછી આખરે તેને સફળતા મળી જ.પોતે નહિ પણ કોઈએ સામેથી જંગ જીતીને તેની જોળીમાં નાખી દીધી હતી.
“કેટલું ટાઈપ કરીશ હવે?,આટલું એક્ઝામમાં લખ્યું હોત તો કે.ટી. ના આવેત” આ હતો નિધિનો પહેલો મૅસેજ.જેને મૅસેજ કરવા માટે એ કેટકેટલી મહેનત કરી ચુક્યો હતો એનો સામેથી મૅસેજ આવ્યો.
જૈનીતની સ્માઈલ કાન સુધી ખેંચાઈ આવી.
“ઓહહ..તો હું એક વિષયમાં નાપાસ થયો એ તને ખબર છે”જૈનિતે મૅસેજ કર્યો.
“હાસ્તો,પુરા ગામમાં ચર્ચા થાય છે અને તું તો મારી કૉલેજનો જ છે તો મને તો ખબર જ હોવાનીને”
“હા ખબર છે પુરા ગામની,મારી નાનીસુની ભૂલની પણ આ લોકો અયોધ્યાના રામમંદિરના કેસની માફક ચર્ચા કરશે.”મોં બગાડતાં ઇમોજી સાથે જૈનિતે મૅસેજ કર્યો.
“એ લોકો ખોટું તો નથી કહેતાને!! તારા કાંડ જ એવા હતાને.કોઈને પણ નહિ છોડ્યા હોય તે હેરાન કરવામાં”હસતાં ઇમોજી સાથે નિધીનો રીપ્લાય આવ્યો.
“તને બાદ કરતાં”જૈનિતે ટાઈપ કર્યું.પછી એ ભૂંસીને નવો મૅસેજ ટાઈપ કર્યો, “હું કોઈને હેરાન કરતો નહિ,બધા કરતા મારા વિચાર જુદા છે તો એમાં મારો કોઈ પ્રોબ્લેમ નથી”
“પણ તે મને કોઈ દિવસ હેરાન નથી કરી નહિ”નિધિનો મૅસેજ આવ્યો, “મારી ફ્રેન્ડ્સ પણ મને ભાગ્યશાળી સમજતી.તું મને કેમ હેરાન ના કરતો.”
“તારા પપ્પા આટલા મોટા જાગીરદાર છે,તને હેરાન કરીને મારે મારા પગ પર કુલ્હાડી મારવી?,અને તને કહું છું ને હું કોઈને હેરાન નહોતો કરતો” ચોખવટ પાડતાં જૈનિતે મૅસેજ મોકલ્યો.
“એ તો ઠીક છે પણ મને એ વાત નથી સમજાતી કે પેલો બારમાં ધોરણનો તોફાની જૈનીત કૉલેજમાં આવીને ડાહ્યો કેમ થઈ ગયો?,પ્રિન્સિપાલને કારણે કે પછી છોકરીઓને કારણે?”
“મારી બડી કારણે…તેઓએ મને સલાહ આપી છે કે કૉલેજમાં હું કોઈની સાથે ઝઘડો ના કરું.”જૈનીત પોતાની મમ્મીને બડી કહીને સંબોધતો.
“એટલે જ તે દિવસે રિદ્ધિને ગાલે પપ્પી ભરી અને પાછળથી ‘સૉરી બેન રેગીંગનો શિકાર થયો છું’ એમ કહી ભાગી ગયો હતો”એક સાથે ડઝન જેટલા હસતાં ઇમોજી સાથે નિધિનો મૅસેજ આવ્યો.
“છોડને યાર…કોઈને સીધા માણસોની કદર જ નથી..”મોં બગાડતાં ઇમોજી સાથે જૈનીતે મૅસેજ મોકલ્યો.
“આપણે કોલમાં વાત કરીએ,ઇમોજીમાં એક્સપ્રેશન ના સમજાય મને”નિધીનો મૅસેજ આવ્યો.
*
જૈનીત જબકી ગયો.આજુબાજુનું વાતાવરણ ગજબ ચિત્કાર ભોંકતું હતું.ગીતોનો અવાજ આજે કાન સાથે નહોતો અથડાતો,હ્રદયની સોંસરવો જ પેસી જતો હતો.જૈનીત કોઈ જુદી જ દુનિયામાં પહોંચી ગયો હતો.
“સાલી ક્રિશા”મનમાં ગાળો ભાંડતો જૈનીત ઉભો થયો.લાલ સ્યુટ,લિપસ્ટિક,પાઉડર પોતાનો વેશ ધારણ કરી એ રસોડામાં આવ્યો.ફ્રીજમાંથી દારૂની બોટલ કાઢી અને ગ્લાસ ભરી ટીપોઈ પર રાખ્યો.
‘ક્રિશા સાળી હોય તો નિધિની બહેન કહેવાય નહિ?,હાહાહા..’બેફીજુલની બડબડાટ કરતાં જૈનીત એક જ શ્વાસે એ બધી દારૂ પેટમાં ગટકાવી ગયો.બે પૅગ પીધા હશે ત્યાં કોઈનો કૉલ આવ્યો.
‘અડધી કલાકમાં પહોચ્યો’આટલું કહી જૈનીત કાચ સામે આવ્યો.સિગરેટ સળગાવી પોતાના ચહેરાને નિહાળી બોલ્યો, ‘લાગે છે નિધિના જોકર જેવો’
મર્સીડી બહાર કાઢી જૈનીત પોતાની મંજિલ તરફ અગ્રેસર થયો.
બરોબર એ જ સમયે ક્રિશા ત્યાં પહોંચી હતી.બ્લૅક મર્સીડીને ગેટની બહાર નિકળતી જોઈને ક્રિશાને એકના બે કરતાં વાર ન લાગી કે ગાડી કોની છે અને તેમાં કોણ સવાર છે?
માપસરનું અંતર જાળવી ક્રિશાએ સ્વિફ્ટને મર્સીડી પાછળ ભગાવી.અડધી કલાક પછી મર્સીડી એક અવાવરું જગા પર જઈને ઉભી રહી અને બંધ થઈ ગઈ.ક્રિશાએ પણ આગળની ગલી પર પોતાની સ્વીફ્ટ ઉભી રાખી ગાડી બંધ કરી દીધી.થોડીવાર પછી બુરખાંમાં એક ઓરત મર્સીડી પાસે આવી એટલે ગાડીનો કાચ નીચે થયો.એ ઓરતે કશુંક બોક્સ જેવી વસ્તુ અંદર ફેંકી એટલે કાચ બંધ થઈ ગયો અને ગાડી શરૂ થઈ.એ ઓરત ત્યાથી ચાલવા લાગી.
યુ ટર્ન લઈ મર્સીડી પોતાના રસ્તે આગળ વધી ગઈ.ક્રિશાએ તેનો પીછો કર્યો.
સાડા બારનો સમય થવા આવ્યો હતો.એકવાર હસમુખભાઈનઓ કૉલ પણ આવી ગયો હતો. ક્રિશાએ તેને ચિંતા ના કરવા અને સુઈ જવા માટે કહ્યું.
થોડા વળાંક લઈ એક જગ્યા પર મર્સીડી ઉભી રહી.જૈનીત ગાડીમાંથી બહાર આવ્યો.તેની સાથે પેલું બોક્સ પણ હતું.ક્રિશાએ પણ મોકો વર્તી સ્વીફ્ટને બાજુમાં પાર્ક કરી અને બહાર આવી ગઈ.જૈનીત પોતાની મંજિલ તરફ આગળ વધતો જતો હતો.ક્રિશા ચોક્કસ અંતરે તેનો પીછો કરી રહી હતી.તે કંઈ જગા પર હતી તેનું ભાન નહોતું.એ તો માત્ર પેલા રેડ સ્યુટમાં રહેલા વ્યક્તિનો પીછો કરી રહી હતી.
આગળ જતાં ક્રિશાએ જે નજારો જોયો તેનાથી તેના હોશ ઉડી ગયા.તેણે સામે નજર કરી ત્યારે તેને ભાન થયું કે તે રેડ એરિયામાં પહોંચી ચૂકી છે.સામેની સાંકડી ગલીમાં માત્ર પુરુષોની જ અવરજવર હતી.જેમાં કેટલાય નશાની હાલતમાં ધૂત પોતાની હવસ બુઝાવવા શરીર શોધી રહ્યા હતા.અર્ધ નગ્ન અવસ્થામાં અધુકડા બારણાં ખુલ્લા રાખી પોતાનાં જિસમની નુમાએશ કરતી યુવતીઓ પોતાનાં કસ્ટમરને બોલાવી રહી હતી.
અચાનક નશામાં ધૂત આશરે ત્રીસેક વર્ષનો યુવાન ક્રિશા સાથે અથડાયો.ક્રિશા તેનાથી દૂર હટી ગઈ.
“ઑય ચમિય, કેટલાં લઈશ?”નશાની હાલતમાં તેણે ક્રિશાને પૂછ્યું.કંઈ પણ વિચાર કર્યા વિના ક્રિશાએ તેને એક લાફો ચોડી દીધો અને કહ્યું, “ઘરે જઈને તારી બેનને પૂછ”
પેલો ગાલ ચોળતો-ચોળતો નિકળી ગયો.બરોબર એ જ સમયે તેનાં કાને ગોળી ફૂટવાનો અવાજ અથડયો.ક્રિશા થરથરી ઉઠી.આજુબાજુ અફરાતફરી મચતાં અહીં ઉભું રહેવું પોતાના માટે જોખમી છે તેમ વિચારી ક્રિશાએ એક નજર જૉકરના લિબાસમાં રહેલા વ્યક્તિ તરફ કરી.તે એક બહુમાળી મકાનમાં ઘૂસી ગયો હતો.પગ પછાડતી પેલાં યુવાનને ગાળો ભાંડતી ક્રિશા પોતાની સ્વીફ્ટમાં આવીને બેસી ગઈ.ક્રિશાએ ગૂગલ મેપ કરી પોતાનાં ઘર તરફ ગાડી હંકારી લીધી.
‘કેટલો ગયો-ગુજરેલનો નીકળ્યો જૈનીત.તેનો દોસ્ત ઘરે જ છે એ વાત છુપાવી.આરાધના સાચું જ કહેતી હતી. આ વ્યક્તિ સારો નથી.કાલ સવાર થાય એની જ રાહ છે.સરખો સબક શીખવાડીશ’મનમાં જૈનીતને ગાળો આપતી ક્રિશા ઘરે પહોંચી.ઘરે આવી કપડાં બદલી એ સુવા માટે આડી પડી પણ ઊંઘ તો તેનાથી કૉસો દૂર હતી.તેના મગજમાં રહીરહીને પેલા રેડ એરિયાવાળા દ્રશ્યો ઘૂમી રહ્યાં હતાં.
‘જૈનીત ખરેખર આવો વ્યક્તિ છે કે દુનિયા સામે ખરાબ બનાવનું નાટક કરે છે?’ક્રિશાને એક વિચાર ઝબુકયો.
(ક્રમશઃ)
શું હતું જૈનીતનું રહસ્ય.શા માટે એ પોતાની હકીકત છુપાવતો હતો.એ રેડ એરિયામાં શા માટે ગયો હશે?જાણવા વાંચતાં રહો જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Naresh Bhai

Naresh Bhai 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Nikita panchal

Nikita panchal 2 વર્ષ પહેલા

very nice 👌

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

Khyati Soni ladu

Khyati Soni ladu 2 વર્ષ પહેલા