Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૨

રાતના ૦૮:૦૦ કલાકે, પરેશના રૂમમાં

‘આપણે બને તેટલા વહેલા મૈસુર પેલેસની મુલાકાત લેવી પડશે.’, શ્યામાએ પરેશને જણાવ્યું.

ઘડિયાળના રહસ્યમાંથી સ્થળ જાણી જવાને કારણે શ્યામા ઉતાવળમાં હતી. તે જાણતી હતી કે હવે તેના સિવાય કોઇ નથી, જે ખજાનાની શોધમાં હોય અને પરેશ કે વિવેકની કોઇ ભૂલના કારણે તક ગુમાવવા માંગતી નહોતી. કોફીનો કપ હાથમાં રાખી પરેશ હજુ ઘડિયાળની ગોઠવણ વિષે જ અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે વિવેક તેના મોબાઇલમાં વ્યસ્ત હતો.

‘પરંતુ અત્યારે તો પેલેસ બંધ હશે.’, વિવેક મોબાઇલ પર આંગળીઓ ફેરવતાં બોલ્યો.

‘કાલે સવારે આપણે જવાના છીએ.’, શ્યામાએ વિવેક પ્રત્યે અણગમો દર્શાવ્યો.

પરેશ કોફી ગટગટાવી ગયો અને હાથ ચહેરા પર ફેરવ્યો, ‘અને આપણે ત્યાં જઇને શરૂઆત કેવી રીતે કરીશું. આ ઘડિયાળે તો ફક્ત જગ્યા બતાવી. હવે આગળ શું?’

‘હું પણ એજ કહું છું.’, વિવેક શ્યામાની પાસેની ખુરશી પર બેઠો અને મોબાઇલની સ્ક્રીન બતાવી, ‘આ જુઓ! પ્રાચીન પેલેસમાં રાજાની બહેનના વિવાહ સમયે આગ લાગી હતી. બધું બળીને ખાખ થઇ ગયું. ત્યાર પછી જીર્ણોદ્વાર કરી ફરીથી પેલેસ તૈયાર થયો. હવે ટીપુએ ખજાનો ક્યાં છુપાવ્યો હોય, આગ પશ્ચાત એ ત્યાં છે કે કારીગરો અથવા રાજાના ધ્યાનમાં આવ્યો હોય અને હવે ના પણ હોય..., આપણે આટલી બધી જહેમત ઉઠાવ્યા બાદ, ખાલી હાથે પાછા આવવું ના પડે...’

‘ટીપુ મૂર્ખ નહોતો કે સામાન્ય ઘટનાઓના કારણે ખજાનો સામે આવી જાય તેમ ગોઠવે.’, પરેશે વિવેકને ટપલી મારી.

શ્યામા વિવેકની સામે જોઇને ઝરાક મલકાઇ, ‘સાચી વાત છે, જીર્ણોદ્વાર વખતે ખજાનો રાજાને મળી ગયો હતો અને તે ખજાનાને તેમણે નવી જગા પર મૂક્યો, હવે એ તો ટીપુને ક્યાંથી ખબર હોય...’

‘તને કેવી રીતે ખબર?’, પરેશે શ્યામા સામે ઝીણી આંખ કરી.

‘પ્રોફેસર! જેમની પાસેથી મેં ટીપુ વિષે જાણ્યું, તેમણે જ મને વાતોમાં વાતો કહ્યું હતું કે રાજા કંઇક છુપાવવા માંગતા હતા, પણ કયાં છુપાવ્યું છે તે નહોતું કીધું.’, શ્યામાએ યાદ કરતા કહ્યું.

‘એટલે પાછા હતા ત્યાં ને ત્યાં.’, પરેશ નિરાશ થયો.

‘એવું નથી. ઘણું બધું જાણી લીધું છે આપણે, અને કાલે સવારે આપણે વધુ જાણીશું.’, શ્યામાએ પરેશને આશ્વાસન આપ્યું.

‘કેવી રીતે?’, વિવેક તેની આદત મુજબ વચ્ચે બોલી પડ્યો.

‘પેલેસની મુલાકાત માટે આપણે માર્ગદર્શક રાખીશું. કોઇ તો માહિતી આપણને કામ આવશે... અને હું પણ ઇતિહાસ વિષે જાણું છું, તો આ સમન્વયથી જ આપણે આપણી શોધ સુધી પહોંચી જઇશું.’. શ્યામાએ તેનો તર્ક રજુ કર્યો.

‘તારા તર્કના તીરને ચલાવવાનું તો અંધારામાં જ છે ને...’, પરેશ થોડે ગુસ્સે થયો.

‘ના...! આપણા મુખ્ય સુત્રધાર કાલે સવારે મૈસુર આવી જશે... પછી આપણને થોડી સહેલાઇ રહેશે. તેમને મૈસુરના મુખ્યત્વે પ્રત્યેક મહાનુભાવ સાથે ઘનિષ્ઢ સંબંધો છે.’, શ્યામાએ ગળે સુધી આવીને અટકી જતી જાણકારી આખરે પરેશ અને વિવેક સમક્ષ મૂકી.

‘કોણ? તે જ ભાઇ તો નહી ને જેમનો નીરજ પર ફોન આવતો હતો...’, વિવેકે શંકા દર્શાવી.

‘હા! એ જ ભાઇ! મારા પિતાશ્રી અને મારી ખોજમાં મને હરહંમેશ સાથ આપનાર... ડૉ. ભાટિયા...!’, શ્યામાની વાતથી રૂમમાં શાંતિનું આવરણ ચડી ગયું.

‘તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું?’, પરેશે થોડા સમય માટેની શાંતિને ડહોળી.

‘જુઓ, ઘડિયાળમાં મુખ્યત્વે દક્ષિણ દિશાની વાત વધુ થઇ છે... તો આપણે પણ દક્ષિણથી જ શરૂ કરીશું.’, શ્યામાએ તીવ્રતાથી જવાબ આપ્યો.

‘એટલે...’, વિવેકે માથું ખંજવાળ્યું.

‘આમેય મૈસુર પેલેસનો પૂર્વીય પ્રવેશદ્વાર મુલાકાતીઓ માટે બંધ છે. અત્યારે દક્ષિણ અને ઉત્તર દિશા તરફના પ્રવેશદ્વાર જ ખુલ્લાં છે. માટે આપણે દક્ષિણ તરફથી પેલેસના પટાંગણમાં પ્રવેશ કરીશું.’, શ્યામાએ પાછો તર્ક લગાવ્યો.

‘દરેક દ્વારને નામ આપેલા છે અને દક્ષિણ દિશાના દ્વારનું નામ છે…’, વિવેકે પાછી મોબાઇલમાંથી માહિતી મેળવી.

શ્યામાએ વિવેકની વાત પૂરી કરી, ‘બલરામ પ્રવેશદ્વાર...’

*****

તે જ સમયે, હોસ્પિટલમાં

સવારે ઇશાન તેની વાત પૂરી કરે તે પહેલાં અશક્તિને કારણે તેને આરામની સલાહ આપી, ડૉક્ટરે વિજય અને સુનિતાએ રૂમની બહાર જવાનું સૂચવ્યું હતું. આખરે રાતે ઇશાન ભાનમાં આવ્યો અને તુરત જ સુનિતા તેની પાસે પહોંચી.

‘ડૉ. ભાટિયા... કોણ છે, તે વ્યક્તિ?’, ઇશાનના બેડની પાસે જ બેઠેલી સુનિતાએ ઇશાનને પૂછ્યું.

‘તે એ વ્યક્તિ છે, જેણે મને કંઇ ન થયું હોવા છતાં તેની હોસ્પિટલમાં દાખલ કર્યો અને દવા પણ કરી.’, ઇશાન હસ્યો.

‘કેમ દાખલ કર્યો?’, સુનિતાએ બીજો પ્રશ્ન પૂછ્યો.

‘કેમ કે હું નીરજને શોધી રહ્યો હતો... મને તે મળી જાત તો કદાચ અત્યારે મારી દશા આવી હોત જ નહી અને હું અહીં આવ્યો પણ ના હોત.’, ઇશાને જવાબ આપ્યો.

‘કેમ નીરજ?’, સુનિતાએ ફરી સવાલ ઊભો કર્યો.

‘કેમ કે, એ અને તેની સાથે રહેલી સ્ત્રી એટલે કે શ્વેતા, બન્ને ઘડિયાળ શોધી રહ્યા હતા. જે તેમને અહીં સુધી લાવી શકે. નીરજને મેં અટકાવી દીધો હોત, તો શોધની ગતિ થોડી ધીમી પડી જાત અને મને સમય મળી જાત તેઓને ગેરમાર્ગે દોરવાનો. પરંતુ નીરજ સુધી પહોંચતા પહેલા મારો અકસ્માત થયો, જેમાં મને કોઇ એવી હાનિ નહોતી થઇ, તેમ છતાં ત્યાંના દુકાનદારોએ મને હોસ્પિટલમાં ખસેડ્યો. હોસ્પિટલ હતી ડૉ. ભાટિયાની...’, ઇશાને યાદ કર્યું.

સુનિતાએ ઇશાનને સફરજનનો જ્યુસ આપ્યો, ‘તો એમાં શું? ડોક્ટરની ફરજ છે દર્દીની સારવારની...’

‘એમણે મારી સારવાર કરી જ નહોતી. મને કંઇ થયું જ નહોતું. પણ મને તેમના પર શંકા ત્યારે ગઇ જ્યારે તેમણે મને ઘડિયાળનું ચિત્ર દેખાડ્યું.’, ઇશાને વાત આગળ વધારી, ‘ અને મારી પાસે જે ચિત્ર હતું, તે મેં જે ડેનીમના પોકેટમાં રાખ્યું હતું, તે ડેનીમ એ દિવસે મેં પહેર્યું જ નહોતું. તો પછી ડોક્ટર પાસે ચિત્ર આવ્યું ક્યાંથી? તેમણે મને તે ચિત્ર આપી દીધું. જ્યારે ઘરે જઇને મેં તપાસ્યું, તો તે તો બીજી ઘડિયાળનું ચિત્ર હતું, જે તારા પિતાશ્રી પાસે હતી... બસ અહીં જ મારી શંકા હકીકતમાં ફેરવાઇ અને ડૉક્ટરની તપાસ કરતાં મને ખબર પડી કે તે પણ ટીપુના ખજાના પાછળ છે. પાછો તેમનો ફોન પણ આવ્યો કે પરેશ નામનો વ્યક્તિ મને ઘડિયાળ વિષે જાણવામાં મદદ કરી શકે છે. એનો અર્થ થયો કે પરેશ અને બન્ને એક જ માળાના મણકાઓ છે, બીજા દિવસે પરેશનો ફોન કે નીરજ ત્યાં આવ્યો હતો, અને મારા પર હુમલો... બધી ઘટનાઓ પરોવતા જ જાણી જવાયું કે માળાના મણકાઓ જે ગાંઠથી બંધાયેલા છે, તે ગાંઠનું નામ જ ભાટિયા છે, અને મુખ્ય વાત...’

‘મુખ્ય વાત કઇ?’, સુનિતાથી રહેવાયું નહી.

‘મુખ્ય વાત એ કે તે શ્વેતાના પિતા છે...’, ઇશાન સુનિતા સામે જોઇ રહ્યો.

‘શું?’

‘હા! આખા પ્રપંચમાં પડદા પાછળનો કલાકાર એ જ છે.’

વાત અટકી રૂમનો દરવાજો ખૂલવાને લીધે. વિજય રૂમમાં પ્રવેશ્યો. સાથે ડૉક્ટર પણ હતા. ડૉક્ટરે ઇશાનની તપાસ કરી અને ખભા પર જ્યાં ગોળી વાગી હતી, ત્યાંથી જમણા હાથને સ્થાયી રાખવા માટે પટ્ટો બાંધ્યો અને તેનો એક છેડો જમણા હાથની હથેળી પરથી પસાર કર્યો. જેથી ખભાને વધુ હલનચલનથી રોકી શકાય.

‘અરે... પણ આ તો મારા કામમાં મુશ્કેલી ઊભી કરશે.’, ઇશાને ડૉક્ટર સામે જોયું.

‘આનાથી તમને રાહત રહેશે...’, ડૉક્ટર રૂમમાંથી રવાના થયા.

‘જો, ઇશાન! અત્યાર સુધીની તારી બધી વાતો સાંભળી અને તેના પર વિચાર કર્યા પછી, હું માનું છું ત્યાં સુધી જો પરેશ અને તેના સાથીઓ મૈસુરુમાં છે, તો તેઓ ખજાના માટે પ્રયત્નો ચાલુ જ રાખશે.’, વિજયે તેની આદત મુજબ સફરજનને હાથમાં રમાડવાનું શરૂ કર્યું.

‘પ્રયત્નો જ નહી, જ્યાં સુધી હું શ્વેતાને ઓળખું છું, તે જાણી ચૂકી હશે કે જગા મૈસુર પેલેસ છે.’, ઇશાને વિજયની શંકાને સમર્થન આપ્યું.

સુનિતાએ ઇશાનના ખભાના પટ્ટાને સરખો કર્યો, ‘તો આપણે શું કરવું જોઇએ?’

‘આપણે બને તેટલા વહેલા મૈસુર પેલેસની મુલાકાત લેવી પડશે...’, ઇશાને સુનિતાનો હાથ ખભા પર જ રોકી લીધો.

‘ક્યારે અને ક્યાંથી શરૂ કરવું છે?’, વિજયે ઇશાનની આંખોને પારખવાનો પ્રયત્ન કર્યો.

ઇશાને વિજય સામે જોયું અને થોડી વાર અટકી કહ્યું, ‘કાલે સવારે, બલરામ પ્રવેશદ્વાર.’

*****