શોધ – પુર્નજન્મની ગાથા - ૭ Chintan Madhu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ – પુર્નજન્મની ગાથા - ૭

ઇશાન તે દુકાનદાર પાસે પહોંચ્યો, જેણે શ્વેતાને બે દિવસ પહેલા સ્કૂલ તરફ જતા જોઇ હતી. તેણે વિચાર્યું કે જો શ્વેતા, જેને તે સ્કૂલમાં મળીને આવ્યો હતો તે ત્રણ વર્ષથી નોકરી કરતી હતી. તો દુકાનદારે કેમ શ્વેતા, તેની પત્નીના ફોટાને ઓળખ્યો હતો?

‘અરે...ભાઇ! તમે મને શ્વેતા મેડમ વિષે કહ્યું હતું ને, બે દવસ પહેલાં હું અહી તેમને શોધવા આવ્યો હતો.’, ઇશાને દુકાનના પ્રવેશદ્વાર પર ગોઠવેલા કબાટ પર હાથ ટેકાવ્યા.

સામાન્ય રીતે કરીયાણાની દુકાનમાં પ્રવેશદ્વાર પાસે જ કમર સુધીની ઊંચાઇ ધરાવતા ટેબલની ઉપર એલ્યુમિનિયમના બનેલા ડબ્બાઓ ગોઠવેલા હોય છે. તેમજ આ દુકાન પણ એવી રીતે જ શણગારેલી હતી. ઇશાન ટેબલ પર ગોઠવેલા તે જ ડબ્બાઓની આગળ રહેલ ટેબલના ખાલી વિસ્તાર પર હાથ ટેકાવી ઊભો રહેલો. તેને પ્રતીક્ષા હતી, દુકાનદાર કામ પતાવી તેની તરફ ફરે તેની. તે ક્ષણે દુકાનદારની પીઠ ઇશાન તરફ હતી.

‘બોલો...સાહેબ! શું પૂછતા હતા તમે?’, દુકાનદાર ઇશાન તરફ ફર્યો.

‘તમે...તમે કોણ છો? દુકાનના માલિકને બોલાવી આપો.’, ઇશાન દુકાનદારને જોઇ અચંબિત થયો.

‘હું માલિક છું.’

‘તો...બે દિવસ પહેલાં... ટેબલ પાસે જે બેઠેલા હતા તે કોણ હતા?’

‘બે દિવસ નહિ સાહેબ! હું છેલ્લા સાત વર્ષથી આ દુકનાનો માલિક છું અને દરરોજ ટેબલની પાસે હું જ બેસું છું.’, દુકાનદારે સમજાવ્યું.

‘તમે ખોટું કેમ બોલો છો? મને સાચું કહો...’, ઇશાને આજીજી કરી.

‘સાહેબ! હું ખોટું બોલતો નથી. તમારાથી કોઇ ગેરસમજ થઇ લાગે છે.’, દુકાનદારે ઇશાનને વિચારતો કરી દીધો.

‘એવું બને જ નહિ. હું ચહેરો ઓળખવામાં કોઇ દિવસ થાપ ખાઉં તેમ નથી.’, ઇશાન દુકાનદારની નજીક આવ્યો.

‘તો...તમે શોધી લો આ દુકાનના માલિકને તમારી રીતે. હું કહું છું કે હું જ માલિક છું, તો સાંભળતા જ નથી. જાઓ અહીથી અને મને મારૂ કામ કરવા દો.’, દુકાનદાર અકળાયો.

દુકાનદારનો ગુસ્સો જોઇ ઇશાનને તેના પર થોડો વિશ્વાસ બેસવા લાગ્યો. અમથું જ કોઇ માણસ આવી હઠ થોડી કરે? ઇશાન દુકાન પાસેના માર્ગ પર આવ્યો. આસપાસ નજર ફેરવી. તેણે નિહાળ્યું કે શાકભાજી, ચા અને નાસ્તાની રેકડીવાળાઓ તેમની નિયત જગાઓ પર ગોઠવાયેલા હતા. ઇશાને તેમને પૂછવાનું મનોમન નક્કી કર્યું. પરંતુ દરેક જગાએથી તેને નિષ્ફળતા જ મળી. કોઇ રેકડીવાળાએ શ્વેતાના ફોટાને ઓળખ્યો નહિ. ઇશાન ગુસ્સે થયો. તેણે હાથ બાઇકની સીટ પર પછાડયો. જમણો હાથ કપાળ પરથી વાળમાં ફેરવ્યો, ‘ ત્રણ વર્ષથી શ્વેતા નોકરી કરતી હતી તે સ્કૂલમાં તો કોઇ બીજી જ શ્વેતા નોકરી કરે છે. આ દુકાનદાર બે દિવસ પહેલાં જે દુકાન પર હાજર હતો તે વ્યક્તિ નથી. તે દિવસે જેટલા રેકડીવાળાને રસ્તા પર વ્યાપાર કરતા જોયા, તેમાંથી આજે કોઇ જ જે તે રેકડી પર નથી. આખરે શું થઇ રહ્યું છે? કોણ કરી રહ્યું છે? કેમ કરી રહ્યું છે? એકવાર મારા હાથમાં માહિતી આવી જાય, અને ખબર પડી જાય, છોડીશ નહિ જે પણ છે તેને...

*****

ઇશાન ઘરે પાછો ફર્યો. તેણે ઘરમાં રહેલો બધો સામાન ફરી એકવાર તપાસવાનું નક્કી કર્યું. તેના સામાન સિવાય કંઇ પણ હાથે લાગ્યું નહોતું. તે શ્વેતાને લગતી માહિતી શોધવા માંગતો હતો. કારણ કે જ્યારથી શ્વેતાના કંઇ સમાચાર નહોતા અને નીરજ અલોપ હતો, ત્યારથી ઘરમાંથી શ્વેતાનો સામાન પણ અલોપ થઇ ચૂક્યો હતો. તેમ છતાં ઇશાને હજી હાર માની નહોતી. આથી જ તેણે ડ્રોઇંગરૂમથી શરૂઆત કરી. સોફાની નીચે, ટી.વી.ના કબાટના દરેક ખાના, બે સોફાની વચ્ચે મૂકેલી નાની ટીપોઇના બે નાના ખાનાઓ, પણ કંઇ મળ્યું નહિ. રસોડામાં પ્રત્યેક ડબ્બાઓ, ફ્રીજ, ઘરઘંટી, ઓવન દરેક સાધનોના ખૂણેખૂણા, બધું જ તપાસી નાંખ્યું. રસોડાના ભોંયતળીયા પર ચારેબાજુ લોટ, દાળ, ચોખા વેરાયેલા. ઇશાનના હાથ પર પણ લોટ ચોંટી ગયેલો. ડ્રોઇંગરૂમમાં પણ કાગળો ઉડી રહેલા. વારો હતો બેડરૂમનો. પેટીપલંગને ખોલી બધી જ વસ્તુઓ, તપાસવા લાગ્યો. બધા જ કબાટ ખંખોળી કાઢ્યા. તેના શર્ટ, પેન્ટ, ટી-શર્ટ પલંગ પર જેમતેમ ફેંકવા લાગ્યો. શ્વેતાનો કબાટ પણ ખોલ્યો. તે પહેલેથી જ ખાલી હતો. તેમ છતાં ઇશાને ફરી એકવાર જોવાનું વિચાર્યું. ખાલી કબાટ પણ ફેંદી વળ્યો. પરંતુ ખાલી હાથ...બસ..!

પરસેવાથી તેનો શર્ટ ભીનો થઇ ગયેલો. હાથ ધ્રુજવા લાગેલા. સવારથી મનમાં ઉઠતા અસંખ્ય પ્રશ્નોના જવાબ શોધવામાં લાગેલો હતો. અશક્તિના કારણે તેને ચક્કર આવવા લાગ્યા. પેટીપલંગની ધારનો ટેકો લઇ તે જમીન પર જ બેસી ગયો. ધાર પરની ફાંસ હથેળીમાં વાગી અને હથેળી પર લોહીનો લાલ ડાઘ પડવા લાગ્યો. તેણે તુરત જ હથેળીનો તે ભાગ ચૂસવા લાગ્યો, જેથી લોહી બંધ થઇ જાય. આમ કરતા કરતા તેની નજર ધારમાં નાની સરખી ખાંચ બનાવી, તેમાં ખોસેલ કાગળની ધરી પર ગયું. તુરત જ તેણે તે ધરીને પકડીને ધીમેથી કાગળ બહાર ખેંચ્યો. કાગળને ખોલ્યો. ખૂલતાંની સાથે જ ઇશાને તેમાં બનાવેલ ઘડિયાળનું ચિત્ર જોયું.

ઘડિયાળનો વ્યાસ ૪.૭ સેમી હતો. તે ચિત્રમાં જ પેન્સિલથી માપ લખેલું હતું. ગળામાં પહેરી શકાય તેવી સાંકળ દોરેલી હતી. એટલે કે ખિસ્સા ઘડિયાળ હતી. બે ચક્રો બનાવેલા; એક ઘડિયાળનો તે ભાગ જેમાં સમય જોઇ શકાય અને બીજો જે પહેલા ભાગ પર બંધ થઇ જાય, એટલે કે ઢાંકણું. ઉપરના ભાગ પર અર્ધું મનુષ્ય અને અર્ધું બળદનું તન દર્શાવતું ચિત્ર અંકિત થયેલું હતું. ચિત્રની બરોબર જમણી તરફ રાજાનો તાજ અને ડાબી બાજુ તલવાર કંડારાયેલી હતી. ઇશાન થોડી વાર માટે તે ઘડિયાળને જોતો જ રહ્યો.

ઇશાન લથડાતો અથડાતો ડ્રોઇંગરૂમમાં આવ્યો અને તેનો ફોન ટીપોઇ પરથી ઉપાડ્યો. તેણે મુંબઇમાં પ્રાચીન વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ માટે શોધકર્તા વેબસાઇટ પર શોધ કરી. યાદીમાં આવતા પહેલા જ નંબરને જોડી તેણે ઘડિયાળની વાત કરી. વેપારીએ ઘડિયાળનો ફોટો જોવા મંગાવ્યો. ઇશાને તે પ્રમાણે જ કર્યું.

ત્રણ મિનિટમાં જ વેપારીનો ફોન આવ્યો. ઇશાને ફોન ઉપાડતાંની સાથે જ વેપારીએ જણાવ્યું, ‘સાહેબ! તમે મોકલેલ ફોટામાં જે ઘડિયાળ છે, તે અદ્દભૂત લાગી રહી છે. ઘણી કિંમતી હશે. પરંતુ મુંબઇના બજારમાં તમને મળવી મુશ્કેલ છે.’

‘તો...પછી, આ ઘડિયાળ મળશે કયાં?’, ઇશાને કાગળને વાળીને પેન્ટના ખિસ્સામાં મૂક્યો.

‘સાહેબ! એક જ જગ્યા છે, જ્યાં આવી વસ્તુઓ મળી રહે છે.’

‘ક્યાં?’

“મુંબઇ – ચોરબજાર”

*****

તે જ દિવસે, સાંજના ૦૪:૩૦, દક્ષિણ મુંબઇ

ચોરબજારમાં એક સ્ત્રી, ચહેરા પર લીલા રંગનો દુપટ્ટો બાંધેલો અને પ્રાચીન ઘડિયાળોના વેપારી સાથે ઘડિયાળની કિંમત બાબતે માથાકૂટ કરી રહેલી. ચોરબજાર દક્ષિણ મુંબઇમાં એસ.વી. પટેલ અને મૌલાના શૌકત અલી રોડ વચ્ચે આવેલું પૂરા દિવસ વ્યસ્ત રહેતું સ્થળ હતું. ૧૫૦ વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવતા આ બજારનું સાચું નામ શોરબજાર હતું, કારણ કે વેપારીઓ અને ખરીદદારો વચ્ચે થતો કોલાહલ અત્યંત વધુ રહેતો. બ્રિટિશ પ્રજાએ તેનું ખોટું ઉચ્ચારણ કર્યું અને બની ગયું ચોરબજાર. સમય વહેતાંની સાથે જ બજારમાં ચોરીનો સામાન વહેંચાવા લાગ્યો અને પ્રજાએ પણ તેને ચોરબજારનું જ નામ આપી દીધેલું. એવું કહેવાય છે કે દુનિયાનો દરેક પ્રકારનો સામાન ચોરબજારમાં મળી રહેતો હતો. સામાન્ય રીતે સવારના ૧૧ થી સાંજના ૦૭:૩૦ કલાક સુધી બજાર ધમધમતું રહેતું. બજારમાં લેમ્પ, હસ્તકલાના નમૂના, તાંબા જેવી કિંમતી ધાતુની કલાકૃતિઓ, પુરાણી ઘડિયાળો, લઘુચિત્રો, કેમેરા, કારના વિવિધ ભાગો, બોલીવુડના ભીંતચિત્રો, ગ્રામોફોન, વિવિધ સંગીતના સાધનો, હાર્ડવેર વગેરે સામાન ખરીદવામાં તો આવતો જ અને વહેંચવામાં પણ આવતો હતો. ભાવ બાબતે સોદાબાજી કરવું જરૂરી હતું, કારણ કે દરેક વસ્તુનો ભાવ પહેલેથી જ વધારે જણાવવામાં આવ્યો હોય.

‘અરે...ભાઇજાન! આટલો બધો ભાવ થોડી હોય...’, તે સ્ત્રીએ દુકાનદારની સામે જોયું.

‘મોહતરમા...બહોત ઓછો ભાવ બોલ્યો છે.’, દુકાનદારે ભાંગ્યાંતૂટેલા ગુજરાતી-હિંદી મિશ્ર વાક્ય સાથે જવા આપ્યો.

‘પણ, હું આ ઘડિયાળના ૭૦૦ રૂપિયાથી વધુ નહિ આપુ.’, સ્ત્રીએ દુકાનદારે જણાવેલ ૧૫૦૦ની સામે સીધી જ અડધી કિંમત કહી.

‘આપ, અમદાવાદ, ગુજરાત સે હો...’, દુકાનદારે અનુમાન લગાવ્યું.

‘હા, કેવી રીતે ખબર પડી?’

‘યહાં, અડધા ભાવ ત્યાંના જ લોકો લગાવતા હે...એટલે’

‘સારૂં, લો...૯૦૦ બસ.. ઘડિયાળ મારી.’, સ્ત્રી ખડખડાટ હસતા હસતા રૂપિયા દુકાનદારના હાથમાં મૂકીને ઘડિયાળ લઇ નીકળી ગઇ.

બજારમાંથી ગ્રાંટ રોડ સ્ટેશન તરફ જતા માર્ગ પર બહાર નીકળતાની સાથે ચાર રસ્તા પર નીરજે તે સ્ત્રીનો હાથ પકડી મોહંમદ અલી રોડ તરફ ખેંચી, ‘શું થયું? મળી ઘડિયાળ...’’

‘હા, મળી ગઇ. આખરે આટલા દિવસોની મહામહેનતે આપણે તે ઘડિયાળ શોધી જ નાંખી. આના માટે મેં સતત ચાર મહિના ચોરબજારની દુકાનો ફેંદી નાંખી, ત્યારે જઇને આ મળી છે. અને તને કહું, તે દુકાનદારને આ ઘડિયાળની કિંમત ખબર જ નથી. મને ૧૫૦૦ કહેતો હતો, ૯૦૦માં લીધી. પરંતુ.’, સ્ત્રીએ નીરજનો હાથ છોડાવ્યો.

‘પરંતુ...’

‘પરંતુ... આ ઘડિયાળની કિંમત તો કરોડોમાં છે.’

‘હા, હવે બજારની બહાર આવી ગઇ. ચહેરા પરથી દુપટ્ટો દૂર કર. હું તો તને ઓળખું જ છું.’, નીરજે સ્ત્રીના હાથમાંથી ઘડિયાળ લીધી.

‘હા, કેમ નહિ?’, સ્ત્રીએ દુપટ્ટાને મારેલી ગાંઠો ખોલવા બન્ને હાથથી માથાની પાછળની તરફ લઇ ગઇ. તેણે છેડાઓને બન્ને હાથની મુઠ્ઠીમાં પકડી ચહેરા પરથી દુપટ્ટો દૂર કર્યો.

*****

‘નીરજ..’, ઇશાને બૂમ લગાવી.

મુંબઇના વેપારીના કહ્યા અનુસાર ઇશાન ચોરબજારમાં તે કાગળ લઇને ઘડિયાળ વિષે તપાસ કરવા ગયો હતો. મોહંમદ અલી રોડના તે જ ખૂણાની સામે ઇશાન ઊભો હતો, જે ખૂણા પર એક સ્ત્રી અને નીરજ ઊભા હતા. નીરજનો ચહેરો ઇશાન તરફ હતો. સ્ત્રી નીરજ સામે જોઇ રહેલી. આથી જ ઇશાનને તેની પીઠ જ દેખાઇ રહેલી. નીરજે અવાજની દિશા તરફ નજર નાંખી અને ઇશાનને જોયો.

‘ભાગ...તેણે હજી તારો ચહેરો જોયો નથી. તું નીકળ. હું તેને ભટકાવું છું.’, નીરજ આટલું બોલતાં જ ગ્રાંટ રોડ સ્ટેશન તરફ ભાગ્યો.

ઇશાન જાણતો જ નહોતો તે કે તે સ્ત્રી કોણ હતી? આથી જ તેણે નીરજની પાછળ જ દોટ મૂકી. નીરજ સ્ટેશન તરફ તીવ્ર ગતિથી દોડી રહેલો. માર્ગની બીજી તરફ ઇશાન પણ તેટલી જ ઝડપથી પાછળ જ હતો. નીરજ માર્ગમાં આવતી દુકાનોએ મૂકેલા બોર્ડ કૂદતા કૂદતા વાયુવેગે જઇ રહેલો. ઇશાન પણ તેટલી જ ત્વરાથી તેની સમાંતર જ હતો. અચાનક ડાબી તરફ આવતા માર્ગ પર નીરજ વળી ગયો. ઇશાનને માર્ગ ઓળંગીને તે તરફ આવવાનું હતું. વાહનોથી ભરચક વિસ્તારમાં રસ્તો ઓળંગવો ખૂબ જ અઘરૂ કાર્ય હતું. ઇશાને મારોમાર આવતી ગાડીઓની સામે હિંમત કરી રસ્તા પર ઝંપલાવ્યું. તે માર્ગની વચ્ચોવચ માર્ગ વિભાજક પર આવીને ઊભો રહી ગયો. નીરજ તેની નજર સામેથી અલોપ થવા લાગ્યો હતો. ઇશાને ઝડપ પકડી અને વાહનોની ચિંતા કર્યા વિના માર્ગ પર ઉતરી ગયો. પૂર ઝડપથી આવતી ગાડીએ ઇશાનને ટક્કર લગાવી. તે હવામાં ઉછળ્યો અને માર્ગ પર પટકાયો. નીરજ આ જોઇ ઊભો રહી ગયો. ઇશાને માથું ઊંચક્યુ અને નીરજ તરફ નજર નાંખી. નીરજે ઇશાનની આંખો સાથે આંખો મેળવી. નીરજના ચહેરા પર ઝરાક અમથું પણ લુચ્ચું હાસ્ય દેખાયું. ઇશાનની આંખો ધીમે ધીમે બંધ થઇ ગઇ અને અંધારૂ છવાઇ ગયું.

*****