શોધ – પુર્નજન્મની ગાથા - ૬ Chintan Madhu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ – પુર્નજન્મની ગાથા - ૬

ઇશાનને નીરજની શ્વેતા જેવી કોઇ વ્યક્તિ તેના જીવનમાં આવી જ ન હતી, તે વાત પર વિશ્વાસ બેઠો નહિ. ઇશાને જાતે જ વાસ્તવિકતાની તપાસ કરવાનું નક્કી કર્યું. માટે જ બીજા દિવસે વહેલી સવારે તે એકાંતમાં મનોમંથન કરવા સારૂ બોરીવલીમાં સ્થિત રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોર્નિંગ વોક માટે નીકળી ગયો. તે નીકળ્યો ત્યારે નીરજ ડ્રોઇંગ રૂમમાં સોફા પર જ સૂતેલો હતો. ગ્રે ટ્રેક અને ટી-શર્ટમાં સજ્જ ઇશાન ઝડપથી ઉદ્યાન તરફ ચાલી રહેલો. ઇશાન હંમેશા શ્વેતા સાથે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જતો. ઉદ્યાનમાં ઉત્તરની તરફ આવેલી બેઠક પર તેઓ હંમેશા બેસતાં. ત્યાંથી એકતરફ ઉદ્યાનની લીલોતરી તો બીજી તરફ કોંક્રીટનું બનેલું શહેર દેખાતું હતું. તે જ બેઠક પર ઇશાન બેઠો. તેની નજર ઉગતા સૂરજની કિરણો કે જેના કારણે શહેરમાં આવેલા ઊંચા ઊંચા વૃક્ષોની માફક ઊભેલી, નારંગી બનેલી ઇમારતો પર પડી.

‘કેટલું સુંદર ર્દશ્ય છે... કેમ?’, ઇશાન ઇમારતો તરફ જોઇ રહ્યો.

‘સાચે જ, અહીંથી ઉઠવાનું મન જ થતું નથી.’, શ્વેતાનો અવાજ ઇશાનના કાને અથડાયો.

‘ખરેખર...ચારેતરફ ઇમારતી જંગલ અને આપણા જેવા સામાજીક પ્રાણીઓ વચ્ચે આ ઉદ્યાન એટલું જ કિંમતી છે જેટલો જીવન જીવવા માટે પ્રાણવાયુ.’, ઇશાને શ્વેતા સામે જોયું.

‘હા...અને આટલા અલૌકીક વાતાવરણમાં તારી સાથે ગાળવા મળતો આ સમય જ મારા પ્રાણ માટે પ્રાણવાયુ છે.’,શ્વેતાની આંખો ભીની થઇ.

પ્રતિ પ્રભાતે બન્ને આ જ વાત કરતાં અને ઇશાન તેની આદત મુજબ આ ર્દશ્ય નિહાળતી વખતે શ્વેતાના હાથને સ્પર્શ કરતો. આથી જ તેણે હાથ બેઠક પર સહેજ સરકાયો, પરંતુ કોઇ હતું જ નહિ. ઇશાન ઢીલો પડી ગયો. બન્ને હથેળીઓથી ચહેરો ઢાંકી દીધો. તેના લાંબા વાળ હથેળીઓ પર આવી ગયા. વાળ ઊંચા કરી તે બેઠક પરથી ઉઠ્યો અને તેણે મનોમન નક્કી કર્યું, ‘શ્વેતા છે જ અને હું તેને શોધીને જ રહીશ. શ્વેતાનો ભૂતકાળ પણ શોધીશ અને મારા જીવન પાછળનો હેતુ પણ શોધી કાઢીશ. ચોક્કસ પણે હું કોણ છું? અને નીરજ મને કેમ શ્વેતા વિષે ભ્રમિત કરવા માંગે છે? તે પણ શોધી કાઢીશ.’ ઇશાન પાછો ઘર તરફ જવા લાગ્યો.

ઘરે પાછા ફરતાની સાથે જ ઇશાને નીરજને ઉઠાડ્યો, ‘ચાલ ભાઇ! હવે નોકરી જવા માટે તૈયાર થઇ જા અને હું પણ અર્ધા કલાકમાં નીકળી જઇશ.’

‘હા.. સારૂ!’, નીરજ પણ બને તેટલા વહેલાં ત્યાંથી નીકળવા માંગતો હતો. તેની ઇચ્છા પ્રમાણે ઇશાને જ તેને નોકરીનું બહાનું આપ્યું.

અર્ધા કલાક પછી ઇશાન ડ્રોઇંગરૂમમાં આવ્યો. તેણે નિહાળ્યું કે નીરજ નીકળી ચૂક્યો હતો. ઇશાને રૂમની તપાસ કરવાનું શરૂ કર્યું. તેણે ટી.વી.ની બરોબર નીચે લગાવેલ સૂક્ષ્મ કેમેરો જોયો. તેને આશંકા ગઇ. આથી તેણે પૂરા ઘરની તપાસ ચાલુ કરી. બેડરૂમમાં કોઇ કેમેરો નહોતો. કિચન અને ડ્રોઇંગ રૂમમાં જ કેમેરા લગાવેલા હતા. બેડરૂમના કબાટની ગોઠવણ જોતાં જ તે સમજી ગયો કે કોઇએ બધું ચકાસીને પાછું ગોઠવ્યું હતું. ગોઠવણ તેની અને શ્વેતાની શૈલીની નહોતી. જે ઇશાનની શંકાને વિશ્વાસમાં રૂપાંતરિત કરવામાં મુખ્ય કારણ બન્યું. દરેક ખાનાને બારીકાઇથી તપાસી પુન:ગોઠવવામાં આવેલા હતા. ઇશાને તુરત જ નીરજને ફોન જોડ્યો. ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. તેના કાર્યાલયમાં ફોન જોડ્યો. જાણવા મળ્યું કે નીરજે તો એક મહિના પહેલા જ નોકરી છોડી દીધી હતી. તેના ઘરે વાત કરવાનો પ્રયાસ કર્યો. ફોન કોઇએ ઉપાડ્યો જ નહિ. તેના ઘરે જવાનું નક્કી કર્યું. ઇશાન ઝડપથી પાર્કીંગમાં આવ્યો અને તેના બાઇક પર સવાર થઇ નીકળ્યો.

*****

‘અરે...ભાઇ... આ ઘર પર તાળું કેમ છે? અહીં તો નીરજ રહે છે ને?’, ઇશાન નીરજના ઘરે પહોંચ્યો. ઘર પર તાળું જોઇ આસપાસ નજર ફેરવી. પડોશીને પૂછ્યું.

‘હા... ઘર તો નીરજનું જ છે પરંતુ.’, પડોશી ભાઇ ઇશાન તરફ આવ્યા.

‘પરંતુ.’

‘તેના માતાપિતાની આજથી મહિના પહેલાં ક્રુર હત્યા થઇ ગઇ. બસ તે મહિનાથી જ નીરજનો પણ કોઇ પત્તો નથી. આ તાળું તો પોલીસે માર્યું છે.’, પડોશીએ તાળા તરફ હાથ લંબાવ્યો.

‘ઓહ... ભગવાન તેમની આત્માને શાંતિ આપે..’

‘તમે કોણ?’

‘હું નીરજનો દોસ્ત છું. કાલે જ મુંબઇ આવ્યો. આજે તેને મળવાનું હતું. તેણે મને આ વાત ક્યારેય જણાવી નહિ.’, ઇશાને વાત આગળ વધારવાનો પ્રયાસ કર્યો.

‘કેવી રીતે કહે? મુખ્ય આરોપી તરીકે પોલીસને તેના પર જ શંકા છે.’

‘એવું ના હોય, સાહેબ! તે તેના માતાપિતાને કેવી રીતે મારી શકે?’, ઇશાને નીરજ પરનો તેનો ર્દઢ વિશ્વાસ પડોશી સમક્ષ મૂક્યો.

‘તો, હવે મારી વાત ધ્યાનથી સાંભળો.’, પડોશીએ નીરજની વસ્તવિકતા વિષે જણાવવાનું શરૂ કર્યું,‘આજથી ચાર વર્ષ પહેલાં નીરજ તેના માતાપિતા સાથે અહીં રહેવા આવ્યો. આ મકાન ભાડાનું છે. મુખ્ય મકાન માલિક તો વિદેશમાં રહે છે. મારા ખુબ સારા મિત્ર છે. આથી હું ઘરનું ખાસ ધ્યાન રાખતો. નીરજે અમને જણાવેલું કે તે કોઇ ટેલીકોમ કંપનીમાં કાર્યરત છે અને સારો એવો પગાર પણ છે. પણ...’

‘પણ શું?’

‘પણ, છેલ્લાં થોડા સમયથી એટલે કે આશરે ત્રણેક મહિનાથી નીરજ રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જતો અને ઊંચા અવાજે એક જ વાક્યનું પુનરાવર્તન કર્યા કરતો હતો.’ પડોશીએ વાત પૂરી કરી.

ઇશાનના મનમાં નીરજ ચાર વર્ષ પહેલાં મુંબઇ આવ્યો, તે વાત ઘર કરી ગઇ. શ્વેતા પણ તેને ચાર વર્ષ પહેલાં જ મળી હતી. તેણે પડોશી સામે જોયું, ‘કયું વાકય?’

‘એ જ કે, દરવાજો ખોલીશ તો મારા ભવિષ્યનું શું? મહારાજ!’, પડોશીએ ઇશાનને જણાવ્યું.

‘મહારાજ! કોણ મહારાજ?’

‘તે તો ખબર નથી. ઘણાં મનોચિકિત્સકને બતાવ્યું. કોઇ ફરક પડ્યો નહિ. ઉપરથી દિવસે ને દિવસે તેના વર્તનમાં વિચિત્રતા વધવા લાગી.’, પડોશીએ નીરજની દશા જણાવી.

‘તેના સાથે કોઇ સ્ત્રીને તમે ક્યારેય જોઇ છે? આશરે તેના જેટલી જ ઉંમરની? મોટી આંખો, અણીદાર નાક, વાંકડીયા વાળ?,’ ઇશાને શ્વેતા વિષે જાણવાનો પ્રયત્ન કર્યો.

‘ના, તેના સાથે કોઇ સ્ત્રીને મેં જોઇ નથી. એક મિનીટ... એકવાર હું જ્યારે બહાર મુખ્ય માર્ગ પર ઘરવખરી લેવા નીકળેલો ત્યારે મેં તેના બાઇક પર એક સ્ત્રીને જોઇ હતી. ચહેરો તો મને યાદ નથી, પણ હા, તેના વાળ વાંકડીયા હતા.’, પડોશી પાસેથી ઇશાન આટલું જ જાણી શક્યો.

‘કંઇ વાંધો નહિ, સાહેબ. આપની મદદ અર્થે હું આપનો આભારી છું’, ઇશાને તેનું બાઇક ચાલુ કરવા કળ દબાવી અને ત્યાંથી નીકળી ગયો.

*****

‘મને શ્વેતા વિષે માહિતી જોઇએ છે?’ ઇશાને ડીવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલના લોક મદદનીશને કહ્યું.

નીરજના ઘરથી નીકળીને ઇશાન સીધો જ સ્કૂલ પર પહોંચ્યો, જ્યાં શ્વેતા નોકરી કરતી હતી. અર્ધા કલાકની પ્રતીક્ષા કર્યા બાદ તે મદદનીશ સુધી પહોંચી શક્યો. અજાણ્યા વ્યક્તિને સુરક્ષાકર્મી જ સ્કૂલમાં દાખલ થવા દેતા નહોતા. મહામહેનતે ઇશાન અંદર પ્રવેશી શક્યો હતો.

‘કોણ શ્વેતા? અહીં બે શ્વેતા નોકરી કરે છે.’, મદદનીશે સામો પ્રશ્ન પૂછ્યો.

‘શ્વેતા મહેતા, જે પ્રાથમીક વિભાગમાં ઇતિહાસ ભણાવે છે.’, ઇશાને જણાવ્યું.

‘અહીં શ્વેતા મહેતા તો છે, પણ તે ઇતિહાસ નહિ અંગ્રેજી ભણાવે છે.’

‘શું વાત કરો છો? તે મારી પત્ની છે અને મને ખબર છે તે ઇતિહાસ ભણાવે છે.’, ઇશાને તેની વાત જોરપૂર્વક મદદનીશ સામે મૂકી.

‘હા...તમે ગુસ્સે ના થશો. હું તેમને બોલાવી આપું છું. આપ મળી લો.’, મદદનીશે પ્રાથમીક વિભાગમાં ફોન લગાડ્યો.

ઇશાન ખુશ થઇ ગયો. શ્વેતા સ્કૂલે આવેલી હતી. વિચારોનું તોફાન શ્વેતા અંગ્રેજી ભણાવતી હતી તે વાત પર અટકી ગયું હતું. મદદનીશે ઇશાનને પ્રતીક્ષાકક્ષમાં સોફા પર બિરાજવાનું જણાવેલું. શ્વેતાને આવવામાં ૧૫ મિનીટ જેવું લાગવાનું હતું. ઇશાન શ્વેતાની પ્રતીક્ષામાં કક્ષના દરવાજા પર નજર અટકાવી સોફા પર બિરાજ્યો. આંગળીઓ સોફાના હાથા પર રમી રહી હતી. ડાબો પગ અવિરત કંપન અનુભવી રહેલો.

‘ક્યાં? પ્રતીક્ષાકક્ષમાં છે?’, શ્વેતાએ મદદનીશ સામે જોતા જોતા દરવાજો ખોલ્યો.

ઇશાન ઊભો થઇ ગયો, ‘શ્વેતા...’

શ્વેતા ઇશાન બાજુ ફરી, ‘હા..બોલો.’

‘તમે શ્વેતા નથી.’

‘હું જ શ્વેતા છું. શ્વેતા મહેતા.’

‘ના... એટલે તમે મારી શ્વેતા નથી.’

‘તમારે કોનું કામ છે?’, મદદનીશ દરવાજા પાસે જ ઊભેલી.

‘શ્વેતાનું...’, ઇશાને મદદનીશ સામે જોયું.

‘હા...તો.. આ જ શ્વેતા મહેતા છે જે અંગ્રેજી ભણાવે છે.’, મદદનીશે શ્વેતા તરફ હાથ લંબાવ્યો.

‘મારી પાસે ફોટો નથી. નહિતર હું તમને તે બતાવી જણાવત કે શ્વેતા કેવી દેખાય છે?’, ઇશાને મદદનીશ સામે જ જોયે રાખ્યું.

‘તમે જાવ મેડમ, હું સંભાળું છું.’, મદદનીશે શ્વેતાને કહ્યું અને ઇશાન તરફ આવી, ‘જુઓ, સાહેબ! આ જ શ્વેતા મેડમ છે અને તમે બીજા કોઇને મળવા માંગો છો તો મને માફ કરો. તમે જઇ શકો છો.’

‘તો...પછી બે દિવસ પહેલાં મેં જ્યારે ફોન કર્યો ત્યારે તમે એવું કેમ કહ્યું કે શ્વેતા રજા પર છે અને તમે પ્રાથમીક વિભાગમાં જે શ્વેતા છે તેની જ માહિતી આપી હતી.’, ઇશાને મદદનીશ સાથે થયેલ વાત યાદ કરાવી.

‘એમ...તે ફોન આપનો હતો?, તે દિવસે શ્વેતા મેડમ રજા પર જ હતા અને તમે ફક્ત પ્રાથમીક વિભાગ જ બોલ્યા હતા. તેઓ કયો વિષય ભણાવે છે?, તેવું ક્યાં જણાવ્યું હતુ? એટલે મે તમને મેડમ વિષે તે દિવસની મને જે ખબર હતી તે કહી દીધેલું.’, મદદનીશે ચોખવટ કરી.

‘બહેન, તમે મને મૂંઝવણમાં મૂકી દીધો. શ્વેતા અહીં અમે જ્યારથી બોરીવલીમાં રહેવા આવ્યા એટલે કે ત્રણ વર્ષથી નોકરી કરે છે અને આજે તમે એમ કહો છો કે તે શ્વેતા હમણાં મળવા આવ્યા તે મેડમ છે, અને હું કહું છું તે નથી.’, ઇશાને માથું ખંજવાળ્યું.

‘હા...અને હવે તમે પણ જાવ સાહેબ. અમારે બીજા ઘણા કામ હોય છે.’, મદદનીશે હાથ જોડ્યા.

ઇશાન મદદનીશ અને સ્કૂલ તરફથી મળેલી માહિતીથી અસંતુષ્ટ હતો. જે શ્વેતાને તે મળ્યો તે પણ ત્રણ વર્ષથી તે જ સ્કૂલમાં પ્રાથમીક વિભાગમાં નોકરી કરતી હતી. તે પણ શ્વેતા મહેતા જ હતી. બાઇક પર બેસી થોડી વાર માટે ઇશાન વિચારોમાં ખોવાયો, ‘શ્વેતા મહેતા જો આ છે તો મારી શ્વેતા ક્યાં નોકરી કરતી હતી? મારી શ્વેતા, મહેતા છે કે નહિ? તેણે મને કેમ ખોટું કહ્યું હતું કે તે આ સ્કૂલમાં નોકરી કરે છે? તેણે ઇતિહાસ વિષય જ કેમ કહ્યો? આખરે તે કોણ છે જેને હું શ્વેતા માનતો આવ્યો?’, ઇશાને બાઇકને ચાલુ કરવા કળ દબાવી.

*****