Discovery - the story of rebirth - 9 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા - ૯

પરેશ સાથેની મુલાકાતના બીજા દિવસે સવારે

ઇશાન ઘરે સોફા પર જ આગળના દિવસના થાકના કારણે સૂઇ ગયેલો. પરંતુ તેના મનને શાંતિ નહોતિ. નીરજ તેને જોઇને ભાગ્યો કેમ? તે સવાલે હેરાન કરી દીધો હતો. એટલામાં જ તેનો મોબાઇલ રણક્યો.

‘હેલો...’, ઇશાને આળસ મરડી.

‘હેલો...ઇશાન! પરેશ બોલું, કાલે આપણે મળ્યા હતા. ખાર... ઘડિયાળની દુકાન.’, સામેથી આવતા અવાજે ઇશાનની ઊંઘ ઉડાડી.

‘હા...પરેશભાઇ...બોલો.’, ઇશાન સફાળો સોફા પર બેઠો થયો.

‘કાલે સાંજે, તમારા ગયા પછી કોઇ મળવા આવેલું. તેની ઓળખ તમારા મિત્ર તરીકે આપી.’, પરેશે વાત જણાવી.

‘કોણ હતું?’

‘કોઇ નીરજ... કરીને’

‘હા...શું પૂછતો હતો?’

‘પૂછતો કઇ નહોતો. તેણે જણાવ્યું કે તમારી કોઇ ડીપ્રેશન માટેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જેના કારણે માનસિક અસર થયેલી છે અને તમે જે નથી તેને શોધી રહ્યા છો.’, પરેશે જણાવ્યું.

‘તમે તેને શું કહ્યું?’

‘આજે તે મને ફરી મળવા આવવાનો છે. અને હા તે પણ તે ઘડિયાળ વિષે પૂછતો હતો. તેની પાસે ઘડિયાળ છે પણ માહિતી નથી.’, પરેશે નીરજનો હેતુ કહ્યો.

‘કેટલા વાગે?’

‘સાંજે, લગભગ ૦૬:૦૦ કલાકની આસપાસ.’

‘તમે તેને મળો. જણાવતા નહિ કે આપણી વાત થઇ ચૂકી છે. હું પણ ત્યાં હાજર રહીશ. પણ તે મને ઓળખી ન શકે તે રીતે.’, ઇશાને પરેશને યોજના કહી.

‘અને એક વાત કહેવાની રહી ગઇ.’

‘કઇ?’

‘તેની સાથે કોઇ સ્ત્રી પણ હતી.’

‘તેનો ચહેરો તમે જોયો???’

‘ના, તેણે દુપટ્ટો બાંધી રાખેલો. ચહેરો કેવી રીતે જોઇ શકાય?’

‘કંઇ વાંધો નહિ, સાંજે બધી ખબર પડી જશે.’

‘સારૂં. મળીએ તો પછી સાંજે.’, પરેશે ફોન કાપી નાંખ્યો.

ઇશાન ફોનને એક હાથમાંથી બીજા હાથમાં દડાની માફક રમાડવા લાગ્યો. તેણે તુરત જ ટીપોઇ પર મૂકેલ ઘડિયાળના ચિત્રવાળું કાગળ ખોલ્યું. ઘડિયાળમાં નક્શો કેવી રીતે હોય? તેવું નાનું અમથુંય કાગળ ઘડિયાળની કામગીરી અટકાવી દે, તો જો નક્શો છે તો ક્યાં ગોઠવેલો હશે? ગમે તેમ કરીને ઘડિયાળ મેળવવી પડશે, તો જ આગળની યોજના અથવા આ નીરજ વિષે બધું જાણી શકાશે.

*****

તે જ દિવસે, બપોરના ૦૩:૦૦ કલાકે

‘આપણે, ઘડિયાળ માટે ૦૬:૦૦ કલાકે મળવાનું છે. બધાને કહી દો તૈયાર રહે.’, નીરજે ઘડિયાળ વિષે પૂરી માહિતી અર્થે જણાવ્યું.

નીરજ મરીન લાઇન્સમાં સ્થિત શાલીમાર બિલ્ડીંગના ગુઘન સુપ્રીમ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં તેના અન્ય સાથીઓ સાથે બેઠેલો. નીરજે મૈસુર સ્મોલ ઓનિયન ઢોંસા અને તેના સાથીઓએ ફક્ત ઇડલી મંગાવેલી. તેમણે મંગાવેલ બધું જ ૧૫ મિનિટમાં તેમના ટેબલ પર આવી ગયું. નીરજના અન્ય બે સાથીઓ હતા, વિવેક અને પંકજ. વિવેક, નીરજ સાથે જ નોકરી કરતો હતો. કોમ્પ્યુટર બાબતે નિષ્ણાંત અને કોઇ પણ પ્રકારના કોયડાઓને ઉકેલનાર, નીરજ જેટલી જ ઊંચાઇ ધરાવતો. ઝીણી માંજરી આંખો અને તેના પર અદ્યતન ફ્રેમ ધરાવતા ચશ્મા. જ્યારે પણ મળો ત્યારે નવી ફ્રેમ હોય. ચશ્માનો શોખીન જીવડો. જ્યારે પંકજ તેનાથી એકદમ વિપરીત હતો. વિવેક અને નીરજ કરતા એક વેંત ઊંચો, મજબૂત તન, આંખો અમાસની રાત જેવી કાળી અને ઊંડી. હોઠ અવિરત સિગરેટ પીવાને કારણે કાળા પડી ગયેલા. નોકરી કરતો નહિ, પરંતુ નીરજ જેવાના કામ, પૈસા ખાતર કરી આપતો.

‘ચાલુ કરો નાસ્તો...’, નીરજે ઓનિયન ઢોંસાનો એક ટૂકડો ફોર્ક વડે લીધો અને ચાર ચમચી સંભાર પી ગયો.

‘પણ, મેડમ ક્યાં છે?’,વિવેકે ઇડલીને હાથથી ભાંગીને તેના પર સંભાર રેડ્યો.

‘આવતા જ હશે... તમે ચાલુ કરો.’, નીરજે ફરીથી આગ્રહ કર્યો.

‘અમે તો આપના આદેશ પ્રમાણે જ કરીશું. ફક્ત કિંમત નક્કી કર્યા મુજબની મળવી જોઇએ.’, પંકજ એક જ વારમાં વાટકી ભરીને સંભાર ગટગટાવી ગયો.

‘કિંમત મળી જશે. એક વાર મેડમને આવી જવા દો.’, નીરજે પંકજને વધુ સંભાર આપ્યો.

‘લો...આવી ગયા. પણ આ દર વખતે મોંઢું કેમ ઢાંકેલું રાખે છે?’, વિવેકે દરવાજા તરફ જોતા કહ્યું.

નીરજ ઊભો થયો અને બીજી ખુરશી પર બેઠો, ‘ખબર નથી, તમે જ પૂછી લો આજે.’

‘આવો મેડમ! તમારી પ્રતીક્ષામાં હું બે વાટકી સંભાર પી ગયો.’, પંકજ હસવા લાગ્યો.

‘એક ફિલ્ટર કોફી.’, નીરજે ઓર્ડર આપ્યો.

‘ફક્ત કોફી. કંઇ નાસ્તો નહિ.’, વિવેકે મેડમ સામે જોયું.

મેડમે હાથના ઇશારાથી ના પાડી અને આંખો પર ચડાવેલ ચશ્મા દૂર કર્યા. તેણે નીરજ સામે જોઇ ઇશારામાત્રમાં જ ખરાઇ કરી લીધી કે બન્ને જણાને કામ સમજાવી દીધું હતું કે કેમ? નીરજે પણ આંખો પટપટાવીને હકારાત્મક પ્રતિભાવ આપ્યો.

‘સારૂં, આ લો તમારી કિંમત.’, મેડમે બન્નેના હાથમાં એક એક કવર આપ્યું.

‘સાંજે ૦૬:૦૦ કલાકે, ખાર સ્ટેશનથી નજીક મળીશું. સમજી ગયાને?’, નીરજે બન્નેને પૂછ્યું.

બન્ને જણાએ માથું ધુંળાવી હા પાડી અને ત્યાંથી નીકળી ગયા. ટેબલ પર કોફી આવી ગયેલી. બન્ને બહાર ગયા ને દરવાજો બંધ થયો. નીરજ સાથે જોવા મળતી સ્ત્રી એટલે કે તે મેડમે ચહેરા પર બાંધેલો દુપટ્ટો ખોલ્યો. તે મેડમ, તે સ્ત્રી એટલે શ્વેતા પોતે જ.

*****

‘અરે...યાર! મને તો ચોખ્ખા આકાશ જેવી આ નીરજની દાળમાં વાદળોના કાળા ડાઘ દેખાય છે.’, રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયા પછી પંકજે વિવેકની સામે જોયું.

‘ના...ના... નીરજ મારો મિત્ર છે. એનું આકાશ અને વિચાર બન્ને સાફ છે.’, વિવેકે પંકજના ખભા પર હાથ મૂક્યો.

‘મને તો નથી લાગતું.’ પંકજે ખભો ઉલાળ્યો.

બન્ને નીરજે સોંપેલ કામની ચર્ચામાં હતા. નીરજે તેમને સાંજે ૦૫:૩૦ થી ૦૬:૦૦ કલાક વચ્ચે ખાર પહોંચવાનું જણાવ્યું હતું. સાથે સાથે ઇશાનનો ફોટો પણ આપેલો. તેઓએ ઇશાનને નીરજે જણાવેલ ઘડિયાળની દુકાન સુધી પહોંચવા દેવાનો નહોતો. તે પહેલાં જ સારી તક ઝડપી ઇશાનનો ખાતમો બોલાવી દેવાનો હતો. નીરજ નહોતો ઇચ્છતો કે ઇશાન ઘડિયાળ વિષે આગળ તપાસ કરે. બન્ને સમય કરતાં પહેલાં ખારના તે વિસ્તારનું અવલોકન કરવા માંગતા હતા જ્યાં ઘડિયાળની દુકાન હતી.

ખાર રોડ સ્ટેશનથી ખાર માર્કેટમાં આવેલી ઘડિયાળની દુકાનને જોડતા માર્ગમાં એક જ જગા એવી જોવા મળી કે જ્યાં ઇશાનનું કાસળ કાઢી શકાય તેમ હતું. ખાર સ્ટેશનથી ચિત્રકાર ધુરંધર રોડ પર લગભગ ૭૫ મીટરના અંતરે આવેલ મોબાઇલની દુકાન સુધીનો માર્ગ સાવ સૂનો રહેતો હોય તેવું પ્રતીત થતું હતું.

‘આ મોકાની જગા છે. અહીં જ કામ પતાવવું યોગ્ય રહેશે.’, વિવેકે નાનકડા મેદાન તરફ ઇશારો કર્યો. તે અને પંકજ મેદાનની લગોલગ જ ઊભા હતા.

‘હા... બરોબર છે.’, પંકજે હામી ભરી.

‘પણ સ્ટેશનથી ઘણી બધી વ્યક્તિઓ બજાર તરફ ચાલીને જતી હશે. તેઓની વચ્ચે...’, વિવેકે જમણો હાથ વાળમાં ફેરવ્યો.

‘આપણે, ચાર માણસો પહેલેથી જ ખાર રોડ સ્ટેશન પર રાખવા પડશે. જે તેની પ્રત્યકે ગતિવિધિને અનુસરે અને અહીં સુધી તેની સાથે સાથે જ આવે.’, પંકજે વિચાર દર્શાવ્યો.

‘અને હા... અહી આવતાની સાથે જ આપણે તેને ઘેરી વળીશું. પછી બસ...’, વિવેકે પંકજના વિચારને પૂરો કર્યો.

‘પછી... બસ... હિસાબ, નીરજ અને તેની મેડમ સાથે...’, પંકજે તાળી આપવા હાથ ઊંચો કર્યો.

વિવેકે પણ હાથ લંબાવ્યો. બન્ને એકબીજાના હાથ ટકરાવાને કારણે ઉદ્દભવેલ તાળીના અવાજ સાથે ત્યાંથી રવાના થયા.

*****

પરેશ, તેની દુકાન સાંજે ૦૬:૦૦ કલાકે જ ખોલતો. તેને તો ફક્ત નિવૃત્તિનો સમય જ વીતાવવાનો રહેતો. આથી દુકાનને સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ અને સાંજે ૦૬:૦૦ થી ૦૯:૦૦નો સમય આપતો. સાંજે ચિત્રકાર ધુરંધર માર્ગથી જ બજારમાં આવેલી તેની દુકાને પહોંચતો. ઇશાન પણ આગળના દિવસે તે જ માર્ગે દુકાને પહોંચેલો. દુકાનનું નામ હતું, ટાઇમ કોર્નર.

સાંજના ૦૫:૪૫ કલાકે ઇશાન ખાર રોડ સ્ટેશન પર ઊતર્યો. તેણે કાળું જીન્સ અને ટી-શર્ટ પહેરેલી. ઉપરથી કાળા કાચ ધરાવતા ચશ્મા. આમેય તે એક ગ્રીક યોદ્ધા જેવો લાગતો અને આ દેખાવમાં તે એક હોલીવુડના હિરો જેવો ર્દશ્યમાન થતો હતો. સ્ટેશનથી તે ટાઇમ કોર્નર તરફ જવા નીકળ્યો. વિવેક અને પંકજ મેદાનની પાસે જ તેની પ્રતીક્ષામાં હતા. તેમણે મોકલેલા ચાર વ્યક્તિઓ ખાર સ્ટેશનથી જ ઇશાનની પાછળ જ હતા. ધુરંધર માર્ગ પર થોડાંક ડગલાઓનું અંતર કાપતાં જ ઇશાન જાણી ગયો કે કોઇ તેની પાછળ જ હતું. ધીરે ધીરે તે વ્યક્તિઓ ઇશાનની નજીક અને ચારેતરફથી ઘેરીને સાથે સાથે ચાલવા લાગ્યા. ઇશાન સમજી ગયો કે કંઇક અજુગતું બનવાનું હતું. પરંતુ તે આમાંથી છટકે પણ કેમ કરીને? ના તો તેને લડતા આવડતું હતું કે ના તો તે ભાગી શકે તેમ હતું. આગળ-પાછળ, ડાબે-જમણે, અસમાજીક દેખાવ ધરાવતા ચાર વ્યક્તિઓ, જેઓ ઇશાનથી પણ ઊંચાઇમાં વધુ, ભયંકર દેખાવ અને પાછા ડોળા કાઢીને ઇશાન તરફ જોયા જ કરે.

આમનાથી થોડાં જ અંતરે પાછળ જ પરેશ આવી રહેલો. આ રીતે કોઇને ઘેરીને જવું અને પછી તેને મેથીપાક આપવો કે મોત બક્ષી દેવી, તે વાત મુંબઇ માટે નવી નહોતિ, ન તો નવી હતી પરેશ માટે. એટલે તેણે સાહજીક ભાવ સાથે આંખો આગળ પાટો બાંધ્યો હોય તેમ બંધ આંખે ચાલવાનું ચાલુ જ રાખ્યું. વિવેક અને પંકજ પણ ઇશાન અને તેમણે મોકલેલા ભાડૂતીઓને આવતા જોઇ તે તરફ આગળ આવવા લાગ્યા. બન્નેએ તેમના ચહેરા પર નકાબ ધારણ કરી લીધું. પેલા ચાર જણાના ચહેરા ખુલ્લાં જ હતા. તેઓનો તો ફક્ત પૈસા લઇને કોઇના હાડકાં ભાંગી નાંખવાનો જ આશય રહેતો. કોઇ જોઇ જાય તો સારૂ. તેઓ આ કામ માટે મુંબઇમાં પ્રખ્યાત બને તો કામ પણ વધુ આવે. તેમના માટે તો ખોટા કામ માટે જાણીતું બનવું એટલે સમ્માન બરોબર કહેવાય. નક્કી કરેલી જગા આવી ગઇ. વિવેકના કિનાય સાથે જ ઇશાનની બરોબર પાછળ ચાલી રહેલા વ્યક્તિએ ધક્કો માર્યો. ઇશાન આગળની તરફ ધકેલાયો અને આગળ ચાલી રહેલા વ્યક્તિએ પાછા ફરી તેના ચહેરા પર જોરદાર મુક્કો માર્યો. અચાનક થયેલા હુમલાથી ઇશાન થોડો ડઘાયો, પણ પહેલેથી તે જાણી તો ગયો જ હતો કે ચારેય જણા તેના માટે જ સ્ટેશનથી પાછળ હતા. અહી પહોંચી બીજા બે તેઓની સાથે જોડાયા. મુક્કાના પ્રહારથી ઇશાન ડાબી તરફ જમીન પર ફસડાયો. તેના ચશ્મા પડી ગયા અને વાળ વિખરાઇ ગયા. તે જ સમયે ડાબી તરફના વ્યક્તિને બાવડું ઝાલીને ઇશાનને ઊભો કર્યો અને ચાકુથી તેના પર વાર કર્યો. ઇશાન વારથી બચવામાં સફળ રહ્યો. પણ તેમ કરવા તેને જમણી તરફ ઝૂકવું પડ્યું. આ તકનો લાભ લઇ જમણી તરફથી તેના પર ચાકુનો વાર થયો. ઇશાન બચી શક્યો નહિ. તેના જમણા બાવડા પર ચાકુથી ખેંચાઇ ચૂકેલી રેખામાંથી લોહી ટપકવા લાગ્યું. તોય ઇશાન પાછો ઊભો થયો. બધી બાજુએથી ઘેરાયેલા ઇશાનને પરેશે જોયો. પરેશના તીવ્ર ગતિથી ચાલતા પગ થોભી ગયા. તે કંઇ પણ ઉચ્ચારી શકે તેમ નહોતું. ચૂપચાપ ડઘાઇ ગયેલા ચહેરે ઇશાન તરફ જોયે જ રાખ્યું.

ઇશાન પર જમણી તરફથી ચાકુનો વાર થયો. ચાકુ ઇશાનની આંખો પાસેથી જ પસાર થયું, તેણે વાર કરતા હાથને જ પકડી લીધો. આથી ચાકુ તેને અડકી શક્યું નહિ. ચાકુ પકડેલા હાથને ઇશાને ઊંધો વાળી તે વ્યક્તિ પર જ ચાકુથી હુમલો કર્યો. વ્યક્તિ ઘવાયો અને જમીન પર પટકાયો. જેના લીધે ઇશાન વિમાસણમાં મૂકાયો. કેવી રીતે તેણે કર્યું, વિચારમાં પડ્યો અને સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો. બીજો વાર પાછળ અને આગળની તરફથી એકસાથે થયો. ઇશાન તક ઝડપી નીચે નમ્યો અને બન્ને વ્યક્તિઓના પગ સામસામે અથડાયા. ઇશાને બેઠા બેઠા જ બન્નેના પગ હવામાં જ પકડી ઊછાળ્યા. એકસાથે હવામાં ઉછળી બન્ને પટકાયા. ચોથો વ્યક્તિ થોડો ગભરાયો. પરેશ અચંબિત હતો. પંકજના જોરપૂર્વક ઇશારા સાથે ચોથો વ્યક્તિ ઇશાન પર હુમલો કરવા આવ્યો, તેને પણ ઇશાને એક મુક્કા સાથે જમીન પર પાડી દીધો. ચારે જણા ફરી ઉઠ્યા અને ઇશાનની ચોતરફ ગોઠવાઇ ગયા. બધાએ એકસાથે હુમલો કર્યો. ઇશાન દરેક વારને રોકતો અને વળતો પ્રહાર કરતો. જમણેથી ચાકુ રોક્યું ડાબી તરફના વ્યક્તિને ખોસી દીધું. આગળથી આવતી લાતથી બચી તે જ પગ પર ચાકુથી વાર કર્યો. પાછળથી બન્ને હાથમાં ચાકુ સાથે આવતા વારને રોકી જોર કરી ઉછાળીને ભોંય ભેગો કરી દીધો. ચારેય જણા આ વખતે એક જ તરફ હતા. પરંતુ દરેકની આંખોમાં ઇશાન નામનો ડર દેખાવા લાગ્યો. વિવેક અને પંકજ તો અડધી લડાઇએ જ ભાગી છુટ્યા હતા. પરેશ ઇશાનની તરફ પગ માંડવા લાગ્યો. ઇશાન હુમલાખોરો તરફ આગળ વધ્યો. તેઓ પણ નાસભાગ કરવા લાગ્યા. પળવારમાં તો તેઓનું નામોનિશાન દેખાતું બંધ થઇ ગયું. ઇશાને જમીન પર પડેલા તેના ચશ્મા ઉપાડ્યા અને સાફ કરી આંખો પર ચડાવી લીધા. વાળમાં હાથ ફેરવી સરખા કર્યા. ચહેરા પર ધૂળનું થર જામી ગયેલું. જમણો ગાલ લોહી ગંઠાવાને લીધે લાલ બની ગયેલો. શ્વાસ વાદળોની માફક ગર્જના કરી રહેલો.

‘પરેશભાઇ...! તમે જોયું. મેં આજ સુધી કોઇના પર હાથ ઉપાડ્યો નથી. આજે ખબર નહિ પણ મારામાં શું શક્તિ આવી કે....’, ઇશાને પરેશને નજીક આવતા જોઇ કહ્યું.

‘શક્તિ આવી કે..., તમે ચાર તો શું ચારસોને પણ આજે માટીમાં મેળવી નાંખત.’, પરેશ વિચારોમાં ખોવાયેલો અને જાણે કંઇક અલગ દુનિયામાં રાચતો હોય તેવું લાગ્યું.

‘પરંતુ મારામાં આ શક્તિ આવી ક્યાંથી? મને લડતા કેવી રીતે આવડ્યું? કોઇને મારવા માટેનો આક્રોષ ક્યાંથી આવ્યો? કોણ છું હું? કોણ? કોણ?....’

‘તમે... તમે... તમે છો... મહારાજ....!’

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED