બીજા દિવસે, સવારના ૧૦:૩૦ કલાકે
શ્યામા અને પરેશ તીવ્ર ગતિથી બલરામ પ્રવેશદ્વાર તરફ પગ ઉપાડી રહ્યા હતા. વિવેક લટાર મારવા નીકળ્યો હોય તેમ આરામથી તેઓની પાછળ જ હતો. જ્યારે બીજી તરફથી ઇશાન અને સુનિતા પણ દ્વાર તરફની ગતિમાં જ હતા. સમય આવી ગયો હતો સામસામે આવવાનો.
‘તું?’, શ્યામાના પગ જમીન સાથે જડાઇ ગયા.
‘હા!’, ઇશાન બરોબર તેની સામે ઊભો હતો. ઇશાને પરેશ સામે પણ નજર નાંખી. પરેશ હેબતાઇ ગયો. ઇશાન જીવતો હતો. કેવી રીતે?
‘અરે...! ઇશાનભાઇ... તમે?’, પરેશે ના માત્ર સ્મિત ચહેરા પર ફરકાવ્યું.
‘તે...મારા પિતાની હત્યા કરી છે’, સુનિતા શ્યામા તરફ ગુસ્સામાં આગળ વધી.
ઇશાને સુનિતાને અટકાવી અને પરેશ સામે જોયું, ‘હા! પરેશભાઇ... એમ તો જલ્દી તમે તમારી ઇચ્છા પૂરી નહિ કરી શકો.’
‘તો હવે પૂરી કરી દઇએ.’, વિવેકે બંદૂકનું નાળચું ઇશાન તરફ રાખ્યું.
‘મારી હત્યાથી તમારો ફાયદો શું થશે? કેમ શ્વેતા... ઓહ સૉરી... શ્યામા ભાટિયા’, ઇશાને શ્યામા તરફ ત્રાંસી નજરથી જોયું.
‘તે સાચું કહે છે? આપણે તેના પર હુમલો એટલે કર્યો હતો કે તેને ટીપુનો જન્મ યાદ આવી જાય.’, શ્યામા વિવેકના હાથને નીચે કરી, બંદૂક નીચી કરાવી દીધી.
‘એક્ઝેટલી...હું માનું છું ત્યાં સુધી તમે ઘડિયાળના ઉખાણાને ઉકેલી નાંખ્યો હશે. પરંતુ અહીં આવ્યા પછી આગળ શું? પૂરો પેલેસ ખૂંદી વળો, કંઇ નહિ મળે...’, ઇશાને ગળામાંથી ડૉક્ટરે લટાકાવેલ પટ્ટો દૂર કરી હાથને મુક્ત કરવા થોડો મચેડ્યો.
‘હા... આખી વાત તો ફક્ત ઇશાન જ જાણે છે.’, સુનિતા વચ્ચે બોલી.
‘આ કોણ છે?’, શ્યામાએ સુનિતા સામે જોયું.
‘તારા કોઇ સત્કર્મો હજી તને બચાવી રહ્યા છે, કે આની પાસે કોઇ પૂરાવા નથી, નહીં તો અત્યારે તું જેલમાં હોત...’, ઇશાને સુનિતાના ખભા પર હાથ મૂક્યો.
‘ઓહ... અરેસ્ટ અને એ પણ મને... કોઇ પૂરાવા મળશે પણ નહિ.’, શ્યામા અટ્ટહાસ્ય કરવા લાગી.
‘આપણે આપણો ધ્યેય ભૂલવો ન જોઇએ.’, પરેશે વાતને વચ્ચે અટકાવી અને પેલેસની મુલાકાતના કારણ પર ધ્યાન દોર્યું.
‘જો ઇશાન! મારા જીવનનો એક જ હેતુ છે અને એ છે ટીપુનો ખજાનો... અને તેના માટે હું કોઇ પણ હદ પાર કરી નાંખીશ. એ તું જાણે જ છે.’, શ્યામાએ પેલેસ તરફ જવા પગ ઉપાડ્યા.
‘કેવી રીતે? ટીપુનો જન્મ યાદ આવે તો પણ શું? કારણકે જીર્ણોદ્વાર પછી ખજાનો ત્યાં થોડી હશે જ્યાં ટીપુએ છુપાવ્યો હોય... જસ્ટ યુઝ યોર કોમન સેન્સ…’, ઇશાનના બોલતાં જ શ્યામાના ગતિ પકડી રહેલા પગ રોકાયા.
‘ઇશાન બરોબર બોલી રહ્યો છે.’, અવાજ ઇશાનની પાછળથી આવ્યો. દરેકના કર્ણપટલ પર અથડાયેલો ભારે અવાજ હતો ડૉ. ભાટિયાનો. ઇશાન કરતા એક આંગળ ઊંચા એવા ભાટિયાનો ચહેરો ગોરો, ગોળ અને ઝીણી ભૂરી આંખોથી શોભતો હતો. ઝીણી દાઢી સાથે આંખે ચશ્મા ચડાવેલા. શ્યામા તરફ નજર નાંખી તેમણે ઇશારો કર્યો, ‘ઇશાન સાથે સહમત થવું જ પડશે. તે જ આપણને ખજાના સુધી પહોંચાડી શકે તેમ છે.’
ઇશાને તુરત જ ભાટિયા સામે જોયું, ‘વાહ... તમે પણ પહોંચી ગયા, શ્યામાએ ઘડિયાળને શું ઉકેલી, તમને એમ કે ખજાનો મળી ગયો...’
‘બહુ જ વિશ્વાસ છે તમને તમારી દીકરી પર...’, સુનિતાએ પણ સૂર પૂરાવ્યો.
‘કોણ? આ અને મારા પિતા... કોણે કહ્યું?’, શ્યામા હડબડાયી.
‘બસ... હવે નાટક બંધ કર, શ્વેતા... પછી શ્યામા અને બીજા કેટલા નામ છે તારા...?’, સુનિતાએ શ્યામાના પ્રશ્નને થોભાવી દીધો.
‘હેં...! આ તારા પિતા છે?’, પરેશે શ્યામા તરફ જોયું.
વિવેકને આ વાતોમાં કોઇ રસ નહોતો, ‘બસ હવે...! જે હોય તે... આપણે ખજાનાને શોધો અને મારો ભાગ મને આપો...આપણે છુટા પડીએ. હું થાક્યો આ સંબંધોની માયાજાળથી.’
‘ઓકે. હિસાબ તો ખજાનો મળશે ત્યારે કરીશું.’, ઇશાને વિવેક સામે જોયું.
‘ચૂપચાપ... ખજાના સુધી લઇ જા. સુનિતાનું જીવન તો કિંમતી છે ને, એને ગુમાવવી ન હોય તો ઝડપ કર...’, વિવેક બંદૂક સુનિતા તરફ તાકી.
‘સારૂ, તમે અત્યાર સુધી જે માહિતી મેળવી છે તે કહો, કારણ કે જે પ્રોફેસરને શ્યામા મળી હતી, એટલે કે સુનિતાના દાદાજી, તેમણે આપેલી માહિતી મુજબ ખજાનો છે તો મૈસુર પેલેસમાં જ, પણ તેને છુપાવવામાં આવ્યો છે વિવિધ યુક્તિઓથી અને મારી પાસે કોઇ પણ યુક્તિની માહિતી નથી.’, ઇશાને ભાટિયા તરફ નજર નાંખી. ભાટિયા ચશ્મા સાફ કરવામાં વ્યસ્ત હતો.
‘તો પછી, તારો કોઇ ઉપયોગ નથી... એમ ને... તો ગુડ બાય...’, વિવેકે પરેશના ઇશારાથી ઇશાન તરફ બંદૂક ફેરવી.
‘ના, એવું નથી... મારા દાદાજીએ આપેલું એક કાગળ મારી પાસે છે... તે કદાચ મદદરૂપ બને.’, સુનિતાએ ઇશાનની આગળ આવી વિવેકને રોક્યો.
બધા સુનિતા સામે ધારીધારીને તાકવા લાગ્યા.
‘લાવ...!’, શ્યામાએ કાગળ સુનિતાના હાથમાંથી ખેંચી લીધો.
‘શું લખ્યું છે કાગળમાં?’, પરેશથી રહેવાયું નહિ.
‘વાંચુ છું.’, શ્યામાએ પીળા પડી ગયેલા કાગળ પરના લખાણને વાંચવાનો પ્રયત્ન કર્યો.
“ઝડપ તેમની પહોંચી ન વળાય, માફક તેઓની સાથ ન અપાય;
ભાગી ક્યાં સુધી તમારાથી જવાય, સામે આવી જાય તો તન કંપાય.”
‘હવે, આ નવું શું છે?’, વિવેક અકળાયો.
‘આ ઇશારો છે, પહેલું પગથીયું છે, ખજાના તરફના માર્ગનું.’, પરેશે વિવેકની પીઠ પર હાથ સરકાવી શાંતિ આપવાનો પ્રયાસ કર્યો.
‘ઇતિહાસના જાણકાર શ્યામા ગુરૂ, ઉકેલો આને હવે?’, સુનિતાએ શ્યામા તરફ તીણી નજર નાંખી.
‘જેની ઝડપની પહોંચી ન વળાય તેવું કોણ? ટીપુ હંમેશા ઘોડા પર સવાર રહેતો... તો ઘોડા હોઇ શકે...’, પરેશે અનુમાન લગાવ્યું.
‘ના… સૌથી ઝડપી... હોય છે, ચિત્તો, દીપડો…’, ઇશાને પરેશને કહ્યું.
‘હા... પરંતુ પેલેસમાં ચિત્તા ક્યાંથી હોય? વળી તેમની જેમ સાથ આપી ન શકાય...’, ભાટિયાએ ઇશાન સાથે સહમત દર્શાવ્યો.
‘માફક તેઓની સાથ ન અપાય એટલે તેઓ એકબીજાની સાથે જ છે... એટલે કે જોડીમાં’, સુનિતાએ ચપટી વગાડી ઉત્સાહ દર્શાવ્યો.
‘હા... અને સામે આવી જાય તો તન કંપાય, માને તે હકીકતમાં હોય...’, શ્યામાએ આખરી કડીનો અર્થ નીકાળ્યો.
‘ચિત્તા તો નથી પણ પેલેસમાં જગુઆરની જોડી છે, જે આવી ત્યારથી એક જ જગા પર ગોઠવાયેલી છે, અને સૌથી હિંસક પણ દેખાય છે...’, ઇશાને બધી જ કડીઓનો અર્થ ભેગો કર્યો.
‘યસ... તો ચાલો ત્યાં.’, શ્યામા બોલી અને પેલેસમાં તે તરફ જવા પગ ઉપાડ્યા.
બધા પણ ઉત્સાહભેર તેની પાછળ ચાલ્યા.
*****
જગુઆરની જોડી પાસે
પહેલી કડીનો ઉકેલ મેળવી બધા આનંદમાં હતા. દરેક જગુઆરની જોડીનો અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ કંઇ હાથે લાગ્યું નહિ. પરેશ અને વિવેક હતાશ થવા લાગ્યા. ઇશાન અને શ્યામા બન્ને જગુઆરની આસપાસ ઘુમી રહ્યા હતા. કોઇ નિશાન કે કોઇ જગા એવી નહોતી દેખાતી કે જેના દ્વારા કંઇ માહિતી મળી શકે.
‘એક મિનિટ... આપણે હજી પૂરો ઉકેલ મેળવ્યો જ નથી. જગા પર તો આવી ગયા, પણ...’, ઇશાને સુનિતા તરફ નજર નાંખી.
‘પણ...’, પરેશ વચ્ચે પડ્યો.
‘પણ... આખરી કડી... તન કંપાય એટલે કે ડર અનુભવાય...’ સુનિતા બોલી.
‘યસ... અને ડર ક્યાં અનુભવાય?’, ઇશાન જગુઆરની નજીક ગયો.
‘સામેવાળાની આંખોમાં’, શ્યામા બીજા જગુઆરની નજીક આવી.
‘તો... આ રહ્યો આપણો આગળનો સંકેત...’, ઇશાને જગુઆરની આંખો પર આંગળી ફેરવી, અને થોડું દબાણ આપતાની સાથે જ જગુઆરનો આગળનો જમણી તરફનો પગ જરાક ખસ્યો અને પગની નીચે એક નાની ડબી મળી.
‘વાહ... અદ્દભૂત...’, ડૉ. ભાટિયાના મુખથી શબ્દો સરી પડ્યા.
પરેશે ડબી ઉપાડી અને ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખુલી નહિ. આખરે વિવેકે થોડું બળ લગાડી ડબી ખોલી.
‘એક બીજું કાગળ...’, વિવેક અકળાયો.
‘કાગળ નથી... આગળ જવાનો માર્ગ છે.’, સુનિતાએ કાગળ ડબીમાંથી લીધું.
‘તો વાંચો... એમાં શું લખ્યું છે?’, ભાટિયા જગુઆરની પાસેના પગથીયા પર બેઠો.
‘હા...’, સુનિતાએ કાગળની ગડીઓ ખોલી અને વાંચવાનું ચાલું કર્યું.
“સાત બહેનપણીઓ સાથે આવી, બીજા ઘરથી અહીં લાવી;
ભેટમાં મળેલી વાત ન કરે, બોલે ત્યારે બોલતી બંધ કરે.”
‘અરે...યાર! પાછું ઉખાણું, આપણે ખજાનો શોધવા આવ્યા છીએ, કે ઉખાણા ઉકેલવા...’, વિવેક પાછો અકળાયો.
‘ચૂપ, બેવકૂફ... બધા ઉકેલના અંતે ખજાનો મળશે, ત્યારે ચહેરો એટલો જ મલકાશે જેટલો અત્યારે અકળાયો છે.’, પરેશે વિવેકને સમજાયો.
‘ઇશાન... શું વિચારે છે?’, સુનિતાએ કાગળને પહેલાની જેમ વાળી દીધો.
‘એ જ કે... સાત બહેનપણીઓ અને બીજા ઘરેથી અહી લાવવામાં આવી હોય તે...’, ઇશાને બે આંગળીઓ કપાળ પર ફેરવી.
‘અને બહેનપણીઓ કોઇ ભેટમાં થોડી આપે...’, પરેશે ઇશાનની વાત પૂરી કરી.
‘એવું નથી... સાત તો અહીં ફક્ત તોપ જ છે, જે બહારની તરફ ગોઠવેલી છે, અને જયાં સુધી હું જાણું છું, તે ટીપુને અંગ્રેજોએ ભેટમાં સંધિ સમયે ભેટમાં આપી હતી...’, શ્યામાએ ઇશાન તરફ જોયું.
‘હા... અને તે પહેલાં શ્રીરંગપટમના ગઢમાં હતી અને ત્યાંથી પેલેસમાં લાવવામાં આવી છે.’, સુનિતાએ પણ તેની જાણકારી જણાવી.
‘ચાલો, તો પછી, રાહ શેની છે…?’, ભાટિયાએ કહ્યું.
‘શાબાશ... સુનિતા.’, ઇશાને સુનિતાનો ખભો થપથપાવ્યો.
બધા તોપો તરફ ચાલ્યા.
*****
સાત તોપોની પાસે
દરેકે સાતેસાત તોપની બારીકાઇથી ચકાસણી કરી, પરંતુ કંઇ મેળવી શક્યા નહિ. ઇશાન વિચારોમાં ખોવાયેલો હતો. સુનિતા તેની પાસે જ ઊભી હતી. શ્યામા તેમનાથી થોડી દૂર ચોથા ક્રમની તોપનું નીરિક્ષણ કરવામાં વ્યસ્ત હતી. પરેશ અને વિવેક પણ તે જ કાર્યમાં જોડાયેલા હતા. ડૉ. ભાટિયાએ પાણીની બોટલમાંથી થોડું પાણી ચહેરા પર તાજગી અર્થે છાંટ્યું.
‘અહીં તો કંઇ નથી?’, પરેશે શ્યામા તરફ નજર નાંખી.
‘ભેટમાં મળેલી વાત ન કરે...’, શ્યામા ગણગણી.
‘હા... તો નિર્જીવ તોપ શું વાત કરવાની એકબીજા સાથે...’, વિવેક બોલ્યો.
‘બોલે ત્યારે બોલતી બંધ કરે...’, ઇશાન બોલ્યો, ‘અને બોલાય મુખથી... તોપોનું મુખ... યસ! તોપોનું મુખ...’
પ્રત્યેક ક્રમાનુસાર તોપોનું મુખ તપાસવામાં લાગ્યા.
‘અહીં મને કોઇ કળ જેવું પ્રતીત થાય છે.’, વિવેકે સાતમા ક્રમની તોપના મુખ પાસે જ અંદરની તરફ હાથ રાખેલો.
‘હે... અહીં શું કરો છો, પેલેસની કોઇ પણ ચીજવસ્તુને અડવાની મનાઇ છે...’, પેલેસના ગાર્ડે વિવેકને ટોક્યો, ‘અને તમે તો સમજું પ્રતીત થાવ છો. તો સુચનાઓનું પાલન કરો... સાહેબ!’
બધા થોડી ક્ષણો માટે, ગાર્ડની હાજરી હતી ત્યાં સુધી વાતે વળગ્યા અને પ્રતીક્ષા હતી, ગાર્ડની ત્યાંથી જરાક ખસવાની.
જેવો ગાર્ડ ત્યાંથી હટ્યો કે તુરત જ વિવેકે તોપના મુખની અંદરની તરફની કળ દબાવી અને તેના હાથમાં એક કાગળ પડ્યું, ‘ફરીથી એક કાગળ, એટલે એક નવું ઉખાણું...’, વિવેક હસવા લાગ્યો.
‘હા તો... ઝડપથી કાગળ ખોલ અને વાંચ...’, ડૉ. ભાટિયા વિવેક પર અકળાયા.
‘આ જુના કાગળમાં લખેલું ઝડપથી વાંચી શકાતું નથી... છતાં પ્રયત્ન કરૂ છું.’, વિવેક ટીખળ કરી અને કાગળ પરનું લખાણ વાંચ્યું.
“બે મહાકાયને ચણાવી દીધા ભીંતમાં, મારી તેમને હાર ફેરવી જીતમાં;
જે દેખાય તે હોય નહિ, જુઓ જે તરફ તેમની નજર - એ જ છે હકીકતમાં.”
*****