🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 44
વિરાજને ખબર હતી કે નતાશા પોતાને મોહ જાળમાં ફસાવી રહી છે છતાંયે એવું શું કારણ હતું કે એ આમ અચાનક એના સકંજામાં આવીને એની સાથે ફરવા લાગ્યો !?? સઘડી સંઘર્ષની....
❣️કૂબો સ્નેહનો❣️
અણધારી આવી પડેલી ઉપસ્થિતથી અમ્માએ પોતાની જાતને સંભાળીને, સજ્જતા જાળવી લીધી હતી અને વિરાજને પથારીમાંથી બેઠો કરવા પોતાને મજબૂત અને સક્ષમ બનાવી રહ્યાં હતાં..
અમ્માના આવી જવાથી નણંદ-ભોજાઈની વાતોનો દોર તૂટી જતાં મંજરી બેબાકળી બની ગઈ હતી, પોતાના ભઈલુંની વિતકથા સાંભળવામાં અડચણ ઉભી થતાં મંજરીને જરીક અડવું તો લાગી આવ્યું હતું અને સાથે પોતાના ભઈલું માટે દુઃખ પણ થતું હતું, પણ અમ્માને કશુંયે ખબર નહીં પડવા દેવાનું હોવાથી એ સમયે બેઉં જણે પોતાની જાતને સંભાળી લઈને, આંખો આંખોમાં વાતચીત કરી લીધી અને અધુરી વાતો પૂરી કરવા માટે આજે રાત્રે સાથે જ સૂવાનું નક્કી કરી બેઉં ઊભા થયા.
અમ્મા પોતે હતાશા હેઠળ ગુજરી રહ્યાં હતાં. છતાં પણ મંજરી અને દિક્ષાના ઉતરેલા અને દુઃખી ચહેરા જોઈને સાંત્વના આપતાં બોલ્યાં,
"હવે શું થશે!? એવુ વિચારીને, ડરી જવાથી કે હાથ જોડીને બેસી જવાથી કંઈ તકલીફો ભાગી તો જવાની નથી ને !! આમ મનથી હાર માની લેવાથી તો પથારીમાં પડેલ નિશ્ચેતન વ્યક્તિને ઉભો કરવામાં આપણે પોતાની કાબેલિયત ગુમાવી દઈએ અને એ ડર એક પ્રકારની હાર માની લેવાની માનસિક વૃત્તિ છે..
અને જે છે એને અપનાવ્યા વગર છૂટકો નથી.. ઈશ્વરનું કરેલું ગમે તેટલા ધમ પછાડા કરીશું તો પણ આપણે ફેરવી શકવાના તો છીએ નહીં..!! બેઉં જણ જમી લો જાઓ..!!"
એવું કહી અમ્માએ બંનેને જમવા મોકલ્યા ને એ ત્યાં ખુરશીમાં ખોડાઈ ગયાં, થોડીકવાર પહેલાં દિક્ષા અને મંજરીને જે સમજાવી રહ્યાં હતાં, એ ના એ જ વિચારો અમ્માનો પીછો ક્યાં છોડતાં જ હતા !! વિચાર કોશેટો ચારેકોરથી એમને ઘેરી વળ્યા હતા.
પણ આખરે તો આમ્માએ નક્કી કરી જ લીધું હતું કે હારવું તો નથી જ. વિરુને મોતના મોંમાંથી પાછો વાળવો એવો ભીતરથી માનસિક રીતે પોતાનો એક આત્મવિશ્વાસ વધારી રહ્યાં હતાં. સાથે સાથે દિક્ષાને પણ સમય સાથે બાથ ભીડવા તૈયાર કરી રહ્યાં હતાં. વૃધ્ધત્વને આરે બેઠેલ કોઈપણ વ્યક્તિ આવી ઘટનાને, કદાચ આવાં વિચારો રાખી વલણ દખવે તો એનું ઘડપણ પણ દુખદાઈ નથી રહેતું.
વાળું પાણી પતાવી મંજરી અને દિક્ષા મેડીએ પહોંચી ગયાં હતાં. મેડી પરની અગાશીએ ફટફટ સૌની પથારી પાથરીને મંજરી આકાશ તરફ મીટ માંડી, ઈશ્વરને આજીજી કરતી હોય એમ આંખો મીંચીને મનોમન પ્રાર્થના કરવા લાગી કે, 'હે પ્રભુ.. કંઈ ઊંચનીચ ન હોય તો સારું.. મારો ભઈલું કંઈ પણ ખોટું કામ કરે એવો નથી.. પણ મન મુંજાય છે. કંઈક અજુગતું મહેસૂસ થઈ રહ્યું છે કે, જરૂર વિધાતાએ ઊંધે રસ્તે પગરણ માંડ્યા છે.. હે કાન્હા.. હું જે વિચારી રહી છું એવું કંઈ ન હોય તો સારું !!'
"મંજીબેના શું વિચારોમાં ખોવાઈ ગયાં..?? આભના તારલા ગણવા આસાન છે પણ જિંદગીના તોફાનોને સમજવા ખૂબ અઘરા છે હો બેનબા!!" એમ કહીને દિક્ષાએ મંજરીનો ખભો પકડીને પોતાના તરફ ધ્યાન દોર્યું.
"હા ભાભી.. હું એ જ વિચારી રહી હતી, ખરેખર કોઈ મોટું તોફાન એને હલબલાવી ગયું હશે એ ચોક્કસ છે!! જે ભઈલું, બહેનની પકડેલી આંગળી નહોતો છોડતો એ આજકાલ ફોન કરવાનો પણ ભૂલી ગયો ??"
"હલબલાવી તો ગયું જ છે વિરુને એ તોફાન.. પણ કોને કેટલી હદે અને કોને કોને કેટલું નુકશાન કરી ગયું છે એ વખત ગયે જ ખબર પડે..
અને ફોન તો શું !! એ નતાશાએ એવા જાદુઈ ટોણાં કર્યા હતા કે, વિરુને અમને મળવા પણ દેતા નહોતા.. અને વિરુ તો અમને છોડીને નતાશાની બાહોમાં એવા લપાઈ ગયા હતા, અમને રસ્તે રઝળતાં કરી મુક્યા હતાં..
નતાશાએ મારા ઘરમાં અડીંગો જમાવી દીધો હતો.. જ્યાં મેં મારી લાગણીઓ ઠાંસી ઠાંસીને મકાનને એક ઘર બનાવ્યું હતું.. અહીંનો ખૂણે ખૂણો મારી ખુશીઓના આંસુઓથી સજાવ્યો હતો.. એણે એના પર જ તરાપ મારી હતી..
મેં જિંદગીમાં આવું વિચાર્યું નહોતું કે, મારી આ પરિસ્થિતિ સર્જાશે..!! મેં મારી એવી કોઈ પર્સનલ બચત પણ નહોતી રાખી કે, આવે વખતે મને સહારો આપે..
ગમતું પોતાનું કરી લેવું એવી નતાશાની ફિતરત હતી.. પોતાનું ધાર્યું ન થવા બદલ એણે ડરાવવા-ધમકાવવા અથવા બ્લેક મેઇલ કરતા પણ ખચકાય નહીં એવી એ હતી. કદાચ એ કોશિષ પણ કરી ચૂકી હતી.."
મંજરી તો આવું બધું સાંભળીને દંગ રહી ગઈ હતી. 'આવી સ્ત્રીઓ પણ આ દુનિયામાં છે !?' જે પોતાના સરળ વ્યક્તિત્વ બહારની વાત હતી.
"આવા સમયે એ અંકલ આન્ટી કદાચ ન હોત તો હું અહીં સુધી પહોંચી ન શકી હોત.. એમણે અમને સહારો આપ્યો હતો, અમેરિકા જેવા પરાયાં દેશમાં, છ બાય છ ફુટની પથારી રહેવા આપી, નહિંતર હું ક્યાં ભટકત્ !!! એમનો તો હું ગમે તેટલો ઉપકાર વ્યક્ત કરું ઓછો પડે.."
"તો ભાભી.. તમે અમ્માને વાત કરી એ શું હતું?? એ બધું ખોટું કહ્યું તમે?? આયુષની બર્થ-ડે પાર્ટી !! કેક લેવા જવું !! પાર્ટીમાં પ્રેગ્નેન્સીની સરપ્રાઈઝ આપવાની વાત !! એક્સિડેન્ટ થવો !!"
"મેં જે કહ્યું એ બધું જ તદ્દન સત્ય હકીકત છે.. ફક્ત પાર્ટી આપણાં ઘરે નહીં પણ બંસરીના ઘરે રાખી હતી.. બંસરી અને એ અંકલ આન્ટીએ પાર્ટી કરવા કહ્યું હતું કે, એ બહાને આયુષ વિરુ સાથે ટાઇમ સ્પેન્ડ કરે.. પણ પાર્ટીમાં આવવા માટે વિરુએ બેધડક ના કહી દીધી હતી.. જાણે અમને ઓળખતા જ નથી એવું વર્તન કરતા હતા. મારે એમને ખૂબ સમજાવવા પડ્યા હતા. કે, મારા માટે નહીં તો આયુષ ખાતર એની બર્થ-ડે પાર્ટીમાં આવો.. એ અમને પોતાના જીવનની કોઈ હિસ્સો માનવા તૈયાર જ નહોતા..
પહેલાં તો વિરુ કાયમ એમ કહેતા કે, 'છો ને એ નતાશાને ખોટું લાગતું કે, હું રુડ છું !! પણ મારા પોતાની વિચારધારા વિરુદ્ધ કોઈ કામ ન કરવું મારો અંતિમ નિર્ણય છે.. એને ક્યારેય કોઈ ફેરફાર કરી શકવા સક્ષમ નથી..'
તો એવું શું થયું હશે કે એમને નતાશાની મોહજાળમાં ફસાઈ જવા માટે મજબૂર થવું પડ્યું હશે.. શું કોઈ માણસ પારખું આવી ભૂલ કરી બેસે?? હું વિચારોની ખાઈમાં ખાબકી પડી હતી પણ એનું કોઈ નિરાકરણ નહોતું મળતું..©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 45 માં વિરાજની એવી શું મજબૂરી હતી કે નતાશાની મોહપાશમાં કેદ થવા તૈયાર થઈ ગયો હતો..
-આરતીસોની ©