vatnno kanudo books and stories free download online pdf in Gujarati

વતનનો કાનુડો

વતન નો કાનુડો

ગરવી ગુજરાત ની ધીંગી ધરતી ના કણ કણ માં વ્યાપ્ત જીવ અને શિવ વચ્ચેનો જે અનુપમ પ્રેમ છે તે અજોડ છે. પ્રકૃતિ પ્રેમી માનવીઓ થી જીવનનો અનુપમ આનંદ રેલાવનાર સંસ્કૃતિ ની અનેક ગાથાઓ ધરબાયેલી પડી છે.જે આપણી સંસ્કૃતિ માં, આપણા અંતર્મનમાં તથા આપણા જીવનમાં સચવાયેલી પડી છે.
વાત કરવી છે મારા વતન એવા ઉત્તર ગુજરાત ની સંસ્કૃતિ ની, એમના લોકજીવનની જેઓ પ્રભુપ્રેમ ના ઉન્માદ અને આનંદમાં પોતાના જીવનની દરેક ક્ષણો મોજથી જીવીને પોતાનો જીવન -નિર્વાહ એક્દમ સુખેથી જીવે છે. માં પ્રકૃતિની ગોદ માં અવિચલ આંનદ થકી પોતાના જીવનમાં નવીન રંગો પુરે છે.
અમારે ત્યાં ઉજવાતો તહેવાર અને સંસ્કૃતિ નું અજોડ ઘરેણું એવા "જન્માષ્ટમી " ના તહેવાર ની ઉજવણી માં જે લોક સંસ્કૃતિ નું દર્શન થાય છે એના પ્રભુપ્રેમ ના ઝરણાં માં આજે સ્નાન કરીને મન પવિત્ર કરવું છે.
દ્વાપરયુગ માં જન્મેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એવું જીવન જીવી ગયા છે કે જેમને યાદ કરીને આજે પણ લોકો પોતાના જીવનમાં તારણહાર કૃષ્ણ નો જન્મદિવસ "ગોકુળ આઠમ " તરીકે ઉત્તરગુજરાત ના ગામડાઓ માં
માટીનો કાનુડો બનાવી ને ધામ -ધૂમ થી ઉજવે છે , જે હર્ષોલ્લાસીત વાતાવરણ માં માનવ -મહેરામણ ના મનમાં હિલ્લોળા લેતો પ્રભુપ્રેમથી આપણે પરિચિત થઈએ.
ઉનાળામાં ધોમ ધખતા, અંગારસમા તડકામાં રવિ નો તાપ સહન કરતા ધરતીપુત્રો પોતાના પાકોની લણણી કરી હોય, બાજરી નો પાક લીધા પછી ખેડૂતો થાકીને લોથ-પોથ થઇ ગયા હોય છે એટલે આવું કઠિન કામ પતાવીને બીજા પાક ના વાવેતર માટે તેઓ તૈયારી માં લાગી ગયા હોય છે, એવા માં દિવસો જતા રાજરાણી વર્ષાઋતુ નું આગમન થાય છે. વર્ષાઋતુ નું આગમન થાતાં જ અસહ્ય ગરમી વેઠતા જીવોમાં શીતળતાની મીઠી લહેર દોડી જાય છે.
ખેડૂતો ને સારો વરસાદ થવાથી બીજા પાકો ની વાવણી પણ કરીને શાંતિ નો અનુભવ કરતા હોય છે. આ ઉપરાંત વરસાદ ના લીધે આસપાસ નું પર્યાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય છે, ધરતી ના કણ કણ માંથી નવજીવન પ્રાપ્ત કરતા છોડવાઓ પણ વરસાદ ના વધામણાં માં નાચી ઉઠતા હોય છે.
ચારેયકોર હરિયાળી જ હરિયાળી જોવા મળે છે. માં પ્રકૃતિ ના ખોળામાં કિલ્લોલ કરતા પશુ -પંખીઓ પણ પોતાના મધુર અવાજો થી વાતાવરણ ને સંગીતમય બનાવી દે છે. મેહુલિયા ના વધામણાં માં મોર પણ પોતાની ઢેલ ચડાવી નૃત્ય કરતો નજરે પડે છે. ભીની માટી ની સુગંધ ચારેયકોર પ્રસરી ગઈ હોય. સૃષ્ટિ જાણે " નંદનવન " સમી ભાસે છે.
શ્રાવણ મહિના માં વરસાદ સતત સરવડીયા રૂપી ચાલુ જ હોય છે. જન -જીવન પ્રકૃતિમય બની ગયું હોય એવામા ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ આવતો હોય છે. જેને "ગોકુળઆઠમ" ના નામે ઓળખવામાં આવે છે.અને ગોકુળઆઠમ ની તૈયારી ઓ માં આખુંય ગામ લાગી ગયું હોય છે. જન્માષ્ટમી ના આગળના દિવસો માં રાંધણ -છઠ્ઠ અને શીતળા સાતમ આવે છે. રાંધણ છઠ્ઠ ના દિવસે અમારે ત્યાં ઘેંસ (બાજરી ને ખાંડણિયા માં ખાંડીને, વલોણાં ની છાશ માં રાંધવામાં આવતી વાનગી )બનાવવામાં આવે છે. આ ઉપરાંત
ગામમાં શીતળામાતા નું મંદિર પણ આવેલું છે એટલે માતા ને સાતમના દિવસે ધૂપ કરવા માટે સુખડી પણ બનાવવામાં આવે છે, સાતમ ના દિવસે ગરમ ભોજન ના લેવામાં આવતા રાંધણ છઠ્ઠ ના દિવસે બધું બનાવવામાં આવે છે.
શીતળા સાતમ ના દિવસે ગામમાં શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે, સવારના પહોરમાં જ ગામના દરેક ઘર માંથી એક જણ માતાના મંદિરે અચૂક ધૂપ આપવા માટે આવે છે. શેરી માંથી નીકળીએ તો દરેક ઘર માંથી કોઇ હાથમા સુખડી સાથે ઘરેથી મંદિરે જવા માટે નીકળી ગયો હોય છે. બધાના મુખારવિંદ ઉપર આંનદ ની લહેર દોડતી જોવા મળે છે.
આ દિવસે આખુંયે ગામ માતાજી ના દર્શન કરવા અને મેળા ની મોજ માણવા આવ્યું હોય છે, યુવતીઓ નવા વસ્ત્રાભૂષણ થી સજ્જ થઈને મેળામાં આવી ગઈ હોય, યુવાનો અને વડીલો પણ મેળામાં આવી જતા હોય છે.
બીજીબાજુ દેશી સંસ્કૃતિ ના પડઘા પાડતું વાજિંત્ર એવો ઢોલ ના ધ્રીબાંગ સાંસ્કૃતિક વારસા ના સરોવર માં ડૂબકી લગાવવા આહવાન કરે છે. બહેનો પોતાના પોશાક માં સજી ધજી ને ઢોલવાળા ની ફરતે ગોળ ફરી ને દેશી ઢાળ માં ગીતો ઉપાડે (ગાવે ) છે. ઠંડા વાતાવરણ માં બહેનો ઢોલ ના તાલે રમવામાં બધાને આનન્દિત કરી દે એવું આહલાદ્ક દ્રશ્ય પોતાની સંસ્કૃતિ નું એક અમીટ ઉદાહરણ પૂરું પાડે છે.
આ ઉપરાંત બીજા દિવસે ગોકુળઆઠમ, કનૈયા નો ધરતી ઉપર આવવાનો દિવસ.બધા લોકો એની તૈયારીઓ માં લાગી ગયા હોય છે. ગામમાં ચાલતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે સંચાલિત યુવાકેન્દ્ર ના યુવાનો ની સાથે અમે પણ શેરીનાટક ની તૈયારીઓ કરવા માટે લાગી ગયા હોય છે.
કનૈયા નું સ્વાગત કરવા બહેનો પણ સામૈયા ને શણગાર કરવા લાગી છે. મેળામાંથી પરત ફરેલી બહેનો પોતપોતાના સામુહિક સ્થળે ઢોલના તાલે ગીતો ગાવાનું ચાલુ કરી દે છે. ગામમાં દરેક ખૂણામાંથી જુના ગીતોના સૂરો નિરંતર સાંભળવાનું ચાલુ થઇ જાય છે. એના પછી બહેનો પોતપોતાના ઘરેથી પાવડા કોદાળી લઈને ગામના તળાવે માટી લેવા માટે જાય છે. જે ગામના મંદિરે મુકવામાં આવે છે.
ધીમે ધીમે સૂર્યનારાયણ સંતાવા ના મૂડમાં આવી પોતાનો પ્રકાશ ધીમો કરવા લાગે છે અને રાતરાણી પોતાની કાળી ચાદર લઈને આગમન કરવા ઇચ્છુક ઉતાવળી થાય છે. રાંધણ છઠ્ઠ નુ બનાવેલું ઠંડુ ભોજન કરીને પાછા ઢોલ ના તાલે રમવા બહેનો ચબૂતરે ભેગી થાય છે અને ગીતોની રમઝટ બોલાવે છે.
બીજી બાજુ માટીકામ માં પારંગત એવા વડીલો કાનુડો બનાવવા માટે મંદિરે એકઠા થાય છે. માટીને પલાળી ને ગાળવામાં આવે છે, એના પછી હાથવડે તેને સરખી કરવામાં આવે છે એના પછી કાનુડો બનાવવામાં આવે છે. રાતના 12વાગ્યે માટીમાંથી કાનુડો અને કાનુડી બનીને તૈયાર થઈજાય છે. રાત્રે 12 વાગ્યે અમે ઝાલર, શંખ ને નગારા ના નાદ સાથે કૃષ્ણજન્મ ના વધામણાં કરીએ છીએ. ભીનીમાટી માંથી બનાવેલી મૂર્તિને સુકાવા માટે મંદિરમાં જ મુકવામાં આવે છે. અને રાતરાણી ની ચાદર નીચે આખું ગામ ઘસઘસાટ ઊંઘી જાય છે.
રાત્રે સુતા લોકો પણ આખો દિવસના અનુભવો ને વાગોળતા, ઊંઘમાં પણ ઢોલના તાલે નાચતા અને બાજુમાં સુતેલા લોકોની ઊંઘ બગાડતા, પાછા માથા પર ટપલી મારીને સુઈ જતા. આમ આખા દિવસના થાકના લીધે ઊંઘમાં પણ મીઠાં અનુભવો કરતા પ્રગાઢ નિંદ્રાને આધીન થઈને નસકોરા બોલાવતા સુતા હોય છે.
જોત જોતામાં ગોકુળ આઠમ ના દિવસનું પરોઢિયું થાય છે, પશુ -પંખીના અવાજો સિવાય વાતાવરણ એકદમ શાંત જ જોવા મળે છે. ગામલોકો માં ઉત્સાહ નો કોઇ પાર નથી, રાતના મોડેથી સુતેલા લોકો પણ પોતાની સવારની મીઠી ઊંઘ છોડીને રોજિંદા કાર્યોને પુરા કરવા જાગી ગયા હોય છે, પશુઓને દોહવાની, ચારોં કાપવાનું બધું જોરશોર થી ચાલી રહ્યું હોય છે.
ઘર નું આંગણું અને શેરીઓ સાફ કરતા ભગવાન ભાસ્કર પોતાનો તેજોમય પ્રકાશ પાથરતા આગળ વધી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે.
ઘરના નાના -મોટા બધા માણસો નાહી -ધોઈને નવા
વસ્ત્રાભૂષણો થી સજ્જ થઈને ગામની ભાગોળે જવા માટે નીકળી પડે છે. યુવાનો તથા વડીલો પોતાના નવા કપડામાં જાજરમાન શોભી ઉઠે છે. બહેન -દીકરીઓ નવા શણગાર સજીને કાનુડા ના દર્શન કરવા જેમ ગોપીઓ થનગની ઉઠે તેમ એક એક પળ ને જીવી લેવાની અને ભગવાન પ્રત્યે નો પ્રેમ દર્શાવતી નજરે પડે છે. ભગવાન કૃષ્ણ સાથે ફરીથી
"મહારાસ " ની રમઝટ ધરતી પર ગુંજતી કરવા માટે માનવમન ના હૈયાઓ તડપી રહ્યા છે.
બીજી બાજુ સ્વાધ્યાય કેન્દ્ર ના યુવાનો દ્વારા મટકીફોડ, નાટકો રાખેલા હોય છે, તેની તૈયારીઓ ચાલી રહી છે. સંસ્કૃતિ ના સમન્વયસમા યુવકેન્દ્રના યુવાનો "કૃષ્ણામ વન્દે જગદ્દગુરુમ"
જગત ના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણ ના વિવિધ રૂપો થકી જે સંસાર સાગર ને જીવન જીવવામાટે જે અમૂલ્ય વિચારો આપ્યા છે, એમના વિચારો ને માનવ જીવન માં લાવવા માટે
મટકીફોડ, નાટકો, ભાવગીતો દ્વારા પોતાની કૃતિ ભક્તિ ભગવાન ના ચરણોમાં અર્પિત કરે છે.
ગામલોકો બધા પોતાના ટ્રેકટરો લઈને આવી ગયા હોય છે, સામૈયા માટે બહેનો તૈયાર થઇ ગઈ હોય છે. કેન્દ્ર ના યુવાનો આવેલા ટ્રેકટરો ને આસોપાલવ ના તોરણ અને તિલક થી તેનું
પૂજન કરે છે. બાળસંસ્કાર કેન્દ્ર નો નાનો એવો "બાળકનૈયો"બનાવવામાં આવે છે, ભગવાન કૃષ્ણ ના શણગાર કરી તેમને કૃષ્ણ નું રૂપ આપવામાં આવે છે. હાથમા મોરલી, માથાપર મોરપીંછ,માં પ્રકૃતિ પુરુષ કનૈયો શોભી ઉઠે છે.
"હાથી ઘોડા પાલખી
જય કનૈયાલાલ કી "
ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે, શણગારેલા ટ્રેકટર માં કનૈયા ને બેસાડી ભાવફેરી માટે ગામમાં જવા પ્રસ્થાન કરે છે. યુવાનો અને ગામલોકો તથા બહેનો ઢોલના તાલે નાચતા -ગાતા પ્રભુભક્તિ માં તરબોળ થઈને નથી ઉઠે છે.
યુવાનો થકી પિરસાયેલા વિચારો ને લઈને ગામલોકો માં પોતાના જીવન માં ભગવાન ની ઉપસ્થિતિ છે તેવી અનુભૂતિ થાય છે. કનૈયા ના પ્રેમ માં મુગ્ધ બનેલા ગામલોકો પોતે વ્રજ માં જ છે, અને વ્રજવાસી બનીને ભગવાન ની સાથેજ રહેવાનું, અને જીવન વિતાવવાનું પોતાના અંતર્મન માં થાય છે.
બીજી બાજુ યુવકેન્દ્ર ના કાર્યક્રમો પુરા થતાં માટીમાંથી બનાવેલા કાનુડા ને બહાર લાવી ને બહેનો દ્વારા શણગારવામાં
આવે છે. બહેનો પોતાના ઘરેણાં થકી કાનુડો અને કાનુડી ને શણગારે છે. શણગારેલા કાનુડાને મંદિરમાંથી વાજતે ગાજતે બહેનો પોતાના માથાપર મૂકીને બહાર લઇ આવે છે.
કાનુડા ના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડે છે. કાનુડાના દર્શન કરી પોતાના જીવનને ધન્ય ગણતા નર - નારીઓ ખુશીથી ઝૂમી ઉઠે છે. બહાર કાનુડાને ઉતારી ઢોલ ના તાલે બહેનો ગીત ઉપાડે છે.
અમર ભમર રો સાહિબો કોનુંડો......
એમના દેશી ગીતો ના લય, રાગ ને તાલ માં મંત્રમુગ્ધ બનીને એક એક શબ્દ ને પોતાના કાનો થી સાંભળવા માટે માનવ મહેરામણ ત્યાંજ થંભી જાય છે. અને ગીતોના તાલે ડોલતા પ્રતીત થાય છે.
બપોર સુધી ઢોલ પર રમતી બહેનો જે થાક ખાઈ ને ફરીથી રમવા તૈયાર થઇ જાય છે, પોતાના સાસરિયા માંથી પિયરે કાનુડો રમવા આવતી બહેનો, એકબીજા ને ઘણા સમયે મળતા એમના હર્ષ નો પાર નથી હોતો. મળવા માટે કાનુડામાં બધા ભેગા થતા હોય છે. એકબીજાની સુખ દુઃખ ની વાતો કરતી બહેનો, ઢોલી ને પણ થાકી જાવું પડે તેવા ગીતો ગાનાર બહેનો, મિંટ માંડીને સાંભળતા દાદા -દાદીઓ પણ પોતાના ભ્રમરો ઉંચા કરીને જોતા દ્રશ્યમાન થાય છે.
બપોર પછી કાનુડાને પધરાવવા માટે બહેનો માથા પર
કાનુડાને લઈને તળાવે જવા નીકળી પડે છે. ત્યારે ગામના કોઇ વડીલ સામે આવી હાથ જોડીને ભગવાન ને પાછા વળવા વિનવે છે, પોતાના ઘરે આવવાનું આમન્ત્રણ આપે છે, અને અબીલ ગુલાલ ની છોળો વડે, આમન્ત્રણ આપનાર વડીલ કાનુડાને પોતાના ઘર તરફ પાછા વાળે છે.
બહેનો એ વડીલ ના ઘરે કાનુડો રાખીને ત્યાં ગીતો ગાવે છે.
વડીલ બધાને શીરા ના પ્રસાદ થી એના ઘરે જમાડે છે. અને ભગવાનને પોતાના ઘરે મહેમાન રાખવાનો જે આંનદ છે તેને પોતાના જીવનનો એક અમૂલ્ય ભાગ માને છે.
ધીમે ધીમે આઠમની સાંજ ઢળવાની તૈયારી થઇ છે. સંધ્યા ટાણું થઇ જાય છે, બહેનો પોતપોતાના ઘરે જઈ ને રોજિંદા કામો પુરા કરી મોડી રાત સુધી એ વડીલના ઘરે ઢોલ પર ગીતો ગાય છે.
બીજા દિવસે બધાને ફરીથી વડીલ ના ઘરે ભેગા થાય છે. કાનુડાને વિદાય આપવાની તૈયારીઓ થઇ રહી છે. લોકોના મુખારવિંદ ઉપર એક ઉદાસી ની છાપ હોય તેવું જણાય છે.
પોતાના આત્મજ એવા કાનુડાને વિદાય આપવાની મનમાં કોઇ
ને ઈચ્છા નથી. બહેનો ગીતો ચાલુ જ રાખે છે.
ગામના આગેવાનો દ્વારા બહેનોને કાનુડાને વિદાય આપવાનું જણાવવામાં આવે છે. બહેનો કાનુડાને પોતાના માથા પર મૂકીને ગીતો ગાતા તળાવ જવા માટે રવાના થતી હોય ત્યારે ગામના બધા લોકો ભગવાન ના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આગળનું વર્ષ કેવું આવશે એ કોઈને ખબર નથી, પણ આવતા વર્ષે વહેલા પધારવા ની આજીજી સાથે એમને વિદાય અપાય છે.
કાનુડાને માથે મૂકીને બહેનો અને આગળ ઢોલ વાળો ચાલે છે. ગામના પાદરે થી તળાવે જવા માટે લાંબી લાઈનો નજરે પડે છે, ચારેય કોર હરિયાળી જ છે.
તળાવની આજુબાજુ લીલોતરી જે બાજુમાં રેતિયા ધોરા -ડુંગરો થી શોભતું તળાવ એક કુદરતી કળાનો ખજાનો જણાય છે . ડુંગરઉપર ચરતા ઘેટાં -બકરા જાણે ધરતીમાતા ની લીલી સાડીમાં રંગબેરંગી આભલા ટાંક્યા હોય એવું લાગે છે.
તળાવની પાળે કાનુડાને મૂકીને બહેનો ફરીથી રાસ ની રમઝટ બોલાવે છે.એના પછી કાનુડાના વસ્ત્રાભૂષણો બહેનો પોતપોતાના આપવામાં આવે છે, ગામના યુવાનો કાનુડાને લઈને
તળાવમાં જળમગ્ન કરવામાં આવે છે. આ સાથે જ જન્માષ્ટમી ના તહેવાર ની પુર્ણાહુતી થાય છે. બહેનો એકબીજાના રોજિંદા કાર્યોમાં વળવા માટે ત્યાંથી ફરી જન્માષ્ટમી માં મળવાના કોલ સાથે છૂટી પડે છે .
આજના સમયમાં જોવા જઈએ તો આજની પેઢી પોતાની સંસ્કૃતિ ને ભૂલતો જ ગયો છે. જે જીવિકાલક્ષી જ્ઞાન પાછળ ગાંડો થઇ જીવનલક્ષી તરેહો ને ભૂલી જ ગયો છે. આવા સમયે ઉત્તરગુજરાત ના હજી પણ આવા ગામડાઓ છે જે નિઃસ્વાર્થ પ્રેમ થી પ્રભુ ભક્તિ માં લિંન થઇ ને સંસ્કૃતિ ને ઉજાગર કરતા રહે છે. જેના કારણે માનવ હ્રદય માં નવો તેજપુંજ દેદીપ્યમાન થાય છે.


લેખક -રાયચંદ ગલચર "રાજવીર"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED