kalubha-ek atit books and stories free download online pdf in Gujarati

કાળુંભા -એક અતિત

કાળુંભા -એક અતિત
રેતાળ પ્રદેશ માં નાના-નાના ઝુંપડા બાંધેલા, આજુબાજુ રેતીના નાના ઢગલા અને નજીક ના મેદાન માં ક્યાંક ખેજડી, બાવળ ને આંકડો તથા કાંટાળા થોર સિવાય કઇ નજરે ના પડે ઝુંપડા ની ભીંતે ગાર, માટી અને છાણ ના ના લેપ થી તૈયાર કરેલી. ભીંત ના રાખોડી રંગ માં સવારના ઝીણા તડકામાં પણ ઠંડક નો અનુભવ કરાવે.
પૂર્વ દિશામાંથી સૂરજદાદા ડોકિયું કરી બધા લોકોની ઊંઘ ઉડાડવા કિરણોનો પ્રકાશ આંખોમાં આંજતા બહાર આવી ગયા છે. સોનેરી સૂર્ય ના કિરણો ત્યાં પથરાયેલી રેતમાં પડતા સોનાની સવાર થઈ એવું લાગી રહ્યું છે. છોકરાઓ ખાટલામાંથી આળસ મરડીને બગાસું ખાતા ઉભા થયાં. સવારમાં બનેલી ચા પીવા માટે ગોદડા ને ધક્કો મારીને ઉભા થાય છે.
ઝુંપડાથી થોડેક દૂર એક ખેજડાના ઝાડ નીચે ચાર મજબૂત લાકડાને જમીનમાં ઉભા કરી, ઉપર ઘાસ ને પુળાઓ દ્વારા ઢાંકી દેવામાં આવેલું. એ માળા (ઓથા )માં 80 વરસ ના કાળુંભા દાદા આરામ કરતા હતા. ખાટલે હુંકો લટકાવેલો, આંખો ઊંડી ગયેલી છતાંય જવાનીના સ્વપ્નો ભ્રમરો તળે દબાવીને જોતા હોય તેમ ટગર ટગર જોઈ રહે છે. માથાના તથા મૂંછો ના સફેદ થઇ ગયેલા વાળ માંથી તેમના હુંકા નો ધુમાડો નીકળતો હોય તો ધુમાડા અને વાળને ઓળખવું મુશ્કેલ થઇ પડે. ધોળું સુતરાઉ ફાળિયું (પાઘડી) ને આંટી ઘૂંટી ને માથામાં બેસાડ્યું હતું. ઉઠતાંવેંત હુંકો પીએ તો જ દુનિયા થોડી ચોખ્ખી દેખાય. છોકરાઓ માંથી એક જણે દાદાજી ને પાણીનો લોટો આપ્યો. દાદાજી મોઢું ધોઈને હુંકો ભરવા બેઠા.
છોકરાઓ નિશાળમાં જવાની તૈયારીઓ કરતા હતા. નાહીને આવ્યા પછી માથામાં તેલ નાખે, પોતાના કપડાઓ પહેરે, દફતર માં એકેય વસ્તુઓ ના હોય તો બૂમો પાડે, પાછા એકબીજાથી વઢે અને દફતર લઈ ને નિશાળ ભણી ચાલી નીકળે. અને દાદા આ બધું પોતાના ભ્રમરો ઊંચા કરી ને જોઈ રહેતા. અને તેમના વખતમાં તેઓ ભણ્યા નહીં અને કેટલીયે કપરી પરિસ્થિતિ માંથી નીકળ્યા એ બધું યાદ કરીને તેઓ આજેય સ્તબ્ધ બની જતા.
દાદાનું નામ હતું કાળુંભા તેમનો જન્મ એક ગરીબ પરિવાર માં થયો હતો. કાળુભા ના પિતાજી ને ઊંટગાડી હતી. માતા ઘરના કામો કરીને સમય વિતાવતા. ગામમાં કામ ગોતવા માટે કાળુભા ના પિતાજી સવારે જ નીકળી જતા. કોઇ ગ્રામજનો ના માલ-સામાન ની હેરાફેરી માટે ઊંટગાડી માં કરતા. અને મળેલા વેતન માંથી તેઓ પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા. કોઇ દિવસ કામ મળતું પણ ખરા અને ના પણ મળતું. આમ ને આમ દિવસો પસાર થતા જતા.
કાળુભા ના રહેઠાણ થી દોઢેક કિલોમીટર જંગલ કાપીને જતા ત્યારે ગામ આવતું. ગામમાં આવેલી એક નાની ટેકરી ના મેદાનમાં સ્કૂલ હતી. છેવાડા ના ગામડા માં માસ્તરો ની પણ કમી હતી. પાંચ ધોરણ સુધી ના વિદ્યાર્થીઓ ને બે જ માસ્તરો ભણાવતા. વિધા મેળવવા ની સમજણ ના અભાવે માપના છોકરાઓ જ સ્કૂલ માં જતા. ગામમાં એ વખતે માપના લોકો જ થોડાક ભણેલા હોય તેવું જણાતું
કાળુભા નું ઘર ગરીબ હતું. અને ગામથી દૂર એટલે કોઇ સરકારી બાબુ પણ ત્યાં આવવાની તસ્દી લેતા નહિ. માતા -પિતા પણ ઘરકામ માં એટલા વ્યસ્ત હતાં.પિતાજી ધંધાર્થે બહાર ગયા હોય, માતાને દૂરથી પાણી ભરી લાવવું પડે, બળતણ માટે લાકડા વીણવા જવું પડે ત્યારે કાળુભા ના નાના ભાઈ ને સાચવવા માટે તેમને ઘરે રહેવું જ પડે. એટલે સ્કૂલ નું તો નામેય સુધ્ધા કાળુભા ના કાને પડતું નહોતું.
કાળુભા ની ઉંમર પાંચ વરસ ની થઇ હશે. પિતાજી ને થયું કે તેને ભણવા મોકલીએ. એટલે પોતાના બાળકને ભણવા મોકલવાની વાત તેઓ એમના ભાઈબંધો રાત્રે ભેગા બેસે ત્યાં કરી. પણ એમાંથી કોઈક બોલી ઉઠ્યા. "ભણવા થી કોનું ભલું થયું છે કે તારા દીકરાનું થશે."તારો છોકરો ઘરે હશે તો કામમાં પણ મદદ મળશે. અને ભણીને કઇ નોકરી મળવાની નથી.
આવા નકારાત્મક વિચારો પિતાજી ના મગજ માં ભરી નાખ્યા. હવે એમને પણ લાગ્યું કે કાળું ભણવા ના જાય તેમાં જ સારુ છે.
આમ, નાની ઉંમરે કાળુંભા ને નિશાળ માં ભણવા જવાની વાતને ભાગી ને ભુક્કો કરી નાખી. અને પિતાજી કહેતા ભણવાથી નોકરી નહિ મળે અને ઘરમાં રહેશો તો બે ચાર પૈસા કમાશો. આમેય ઘરમાં પૈસા ની કમી છે એટલે ભણ્યા વગર કામે જ વળગી જવાનું છે.આજુબાજુ ના અશિક્ષિત લોકોની વાતમાં આવીને એમની નબળી માનસિકતા ના ઘેરાવા માં કાળુભા નું બાળપણ હિલ્લોળા લે છે.
ભણવા જવાનો વિચાર માંડી વળાવી કાળુંભા આખોદિવસ ઘરે જ રહીને નાના ભાઈ સાથે વિતાવે છે. માતા પિતા કામ ની વ્યસ્તતા ના કારણે, તથા આર્થિક પરિસ્થિતિ અને સાચી માહિતી ના અભાવે કાળુંભા ઘરના કામો કરે છે. ધીમે ધીમે નાના ભાઈ ને બેસાડી તે આંગણે થી બહાર કચરો કાઢે છે.
નાના ભાઈ ને પાણી પીવડાવવાનું વગેરે નાના નાના કામો તે કરતો રહે છે.
કાળચક્ર ફરતું જ રહે છે સમય કોઈની રાહ જોતો નથી.
કાળુભા હવે મોટા થયાં છે. મૂંછ નો દોરો ફૂટતો હોય તેવું લાગી રહ્યું છે, અવાજમાં થોડી કરડાઈ આવવા લાગી ને અવાજ ભારે થયો હોય તેમ યુવાની ના લક્ષણો દેખાઈ આવે તેવું પ્રતીત થાય છે. પાંચ ફૂટ પૂરો, કાનમાં વાળી પહેરેલી, કાળા ભ્રમરો ધરાવતી એની આંખો, શરીર વધારે જાડુ નહોતું, ચહેરા પર સ્મિત અને હાથમા મોટી ડાંગ (લાકડી) ને ઊંટ ને ભગાડતો ગામ ભણી જતો જોવા મળે છે.
પિતાજી ની આટલી ઉંમર અને કામના લીધે શરીર બેસી ગયું હતું. કપાળ પર ની કરચલીઓ તેમના વૃદ્ધત્વ નું ચિહ્નન બતાવી રહી છે. હવે પહેલાના જેવું કામ એમનાથી નથી થતું. સાથે જ અસ્થમા ની બીમારી પણ એમને ક્યારેક હેરાન કરતી હતી. પિતાજી ની દવાઓ કાળુંભા પુરી કરતા. તેઓ પિતાજી ની ઊંટગાડી ચલાવી ને ઘર ની પરિસ્થિતિઓ ને પહોંચી વાળવાનો પ્રયત્ન કરતા હતાં.
એકદિવસ સવારમાં જ કાળું ભા ઉઠીને આળસ મરડે છે. પરોઢિયા નો સમય છે. આજુબાજુ પંખીઓ તથા ઢોર નો અવાજ કાને પડે છે.કાળુભા મોઢું ધોઈને ચા પીએ છે, પછી રોજની જેમ નાના ભાઈ ને પિતાજી ને જગાડવાનું કહે છે. નાનકો બાપુ ને જગાડવા જાય છે પણ આ શું? બાપુજી હલતા જ નથી. નાનકાએ કાળુભા ને બુમ પાડી બાપુજી ઉઠતાં નથી. કાળુભા સફાળો બેઠો થઇ ને દોડતો ત્યાં જાય છે, બાપુજી ને પકડી ને હલાવે છે પણ કઇ જવાબ ના મળતા તે નસકોરા ચેક કરતા જણાય છે. બાપુજી નો દેહાંત થયો છે. બાપુજી નું પ્રાણ પંખેરું ઉડી ગયું છે.આ ખબર પડતા જ તે હૈયાફાટ રુદન કરે છે, મનમાં થી બિલકુલ ભાંગી પડ્યો, માતા તથા નાનકા ને ખોળામાં લઈને રડે છે.
આ વાતની ખબર આજુબાજુ માં પડતા બધા દોડી આવ્યા અને શાંત્વના આપી છાના રાખ્યા. પણ કાળુભા ની માથે આભ તૂટી પડ્યું હોય તેમ એકલો રડ્યા જ કરે છે. પિતાજી ના અચાનક મૃત્યુ થી આઘાત પામેલો કાળુભા મનથી ભાગી પડ્યો છે ને ગુમસુમ બેસી જ રહે છે.
પતિ ના આઘાત માં કાળુભા ના માતાજી પણ વધારે જીવે એવું લાગતું નહોતું. તેઓ પણ પતિના વિરહ ની વેદના માં તૂટી ગયા હતા. છતાં તેઓ કાળુભા ને વારંવાર ટકોર કરતા કે હવે તારા લગન કરી લઈએ એટલે મને આરામ થાય અને કદાચ ઝાઝું ના જીવી તો તમને સુખી દેખી ને જાઉં. પણ કાળુભા ને તો ઘરની, માતાની અને નાનકા ની જ ચિંતા હતી. એ બધાના ચેહરા હસતા રાખવા માટે કાળુભા જીવન કુરબાન કરવા તૈયાર હતો.
ઘણુંજ મનાવવા છતાંય ના માનતા નાનકા ની સગાઈ કરીને લગન કરાવવાનું નક્કી રાખ્યું. કાળુભા ને પોતાના દુખાવો ની જરાયે ચિંતા નથી.પોતાના સગા સંબધીઓ માં જાણકારી મેળવી કાળુભા અને એમની માતા સગાઈ કરી આવ્યા. હવે લગન નું જ પાક્કું કરવાનું હતું એ પણ થઇ ગયું. કાળુભા પોતાના નાના ભાઈ ના લગનમાં કોઇ પણ પ્રકારની કમી ના રહી જાય તેમ તનતોડ મહેનત કરી બધું આયોજન કરે છે. અને નક્કી કરેલા સમય પ્રમાણે નાનકા ના લગન કરાવી ઘરે વહુ લાવે છે.
ઘર માં વહુ લાવવાથી માતાને ઘરકામ માંથી છુટ્ટી જ મળી ગઈ હતી. સારા ઘર ની સંસ્કારી વહુ હતી એટલે માં સાથે ભળી જઈ બધું કામ કરી નાખતી. હવે માતાના વૃદ્ધત્વ ના કારણે તેઓ પણ વધારે કામ નહોતા કરતા. હાથમાં લાકડી નો ટેકો રાખી ને ઉભા કરતા ત્યારે ચાલતા, અને વહુ એમની સારી રીતે સારસંભાળ રાખતી.
આમ ને આમ સમય વીતતો ગયો. કાળુભા ની ઉંમર વધી જવાના કારણે કોઇ કુંવારી છોકરી મળે એવું હતું જ નહીં આમેય કાળુભા પિતાના અવસાન થી એટલા બધા ભાગી પડ્યા હતાં કે ઘર બાંધવા તરફ ક્યારેય ધ્યાન ના આપ્યું. નાનકાને એક પછી એક ત્રણ બાળકો થાય છે. બે બાબા અને એક બેબી થાય છે.સમય ની સાથે પરિવાર પણ વધ્યો છે.
એકદિવસ એવો આવે છે કે માતા પણ છોડીને ચાલ્યા જાય છે. એમનું પણ મૃત્યું થાય છે. આવી અસહ્ય વેદનાઓ કાળુંભા ને અંદર થી હચમચાવી મુકે છે. તેઓ એકદમ ડઘાઈ ગયા છે. પરિવાર ના વડીલ માતા પિતા આમ જવાબદારી ઓ આપી ને ચાલ્યા જવાથી તે અંદર ને અંદર પડીભાંગે છે.
આવી વેદનાઓ લઈને પણ તેઓ ઊંટગાડી લઇને કામધંધો કરવા ઘરેથી નીકળી જાય છે, અને નાનકો પણ છૂટી મજૂરી કરવા બહાર જાય છે.ક્યારેક મોડા પણ ઘરે આવે અને ગુમસુમ ફર્યા જ કરતા હોય છે. નાનકા ના બાળકો હવે મોટા થઇ ગયા છે. એટલે કાળુભા ને દાદાજી કહીને બોલાવે. કાળુભા હવે બહારગામ જવાને બદલે ગામમાં જ જઈ આવતા.
પણ એમની શરીર ની આવી પરિસ્થિતિ જોઈને નાનકાએ તેમને ક્યાય પણ જવા ની ના પાડી છે. તેમને કેવળ આરામ જ કરવાનો. આવું કહી તે પોતે જ ઊંટગાડી લઈને બહાર જાય છે, અને કાળુભા આ બધું જોયા કરે છે.
આજે જે છોકરાઓ નિશાળે જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, તે નાનકાના છોકરાઓ છે, અને જે દાદા ટગર ટગર જોયા કરે છે તે કાળુંભા પોતે છે.
પોતાના જીવનના સંઘર્ષો ને ઘોળી ઘોળી ને પી જનાર એક અલગ વ્યક્તિત્વ ધરાવનાર કાળુંભા આજની પેઢી ના છોકરાઓના નિશાળે જવા ના નખરાઓ જોઈ ને ભૂતકાળ માં ડોકિયું કરવા જાય છે અને આ બધું યાદ કરતા તેમની આંખો ભરાઈ આવે છે. સવારના દશેક વાગ્યાં હશે, એવામા ઘરમાંથી બુમ સંભળાઈ દાદા જમવાનું તૈયાર છે, દાદા લાકડીના ટેકે ઉભા થઇ પોતાનો હુંકો સાચવીને મૂકી, આંગણે પાથરેલા ઓસડ ઉપર જમવા બેસે છે.
હવે કાળુભા સવાર સાંજ ભગવાન ની માળા કરે છે અને નાનકા ના છોકરાઓ ને પોતાના જમાનાની વાતો સંભળાવી દિવસ પસાર કરે છે.

લેખક~રાયચંદ ગલચર ""રાજવીર""



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED