મનુષ્ય એક સામાજિક પ્રાણી છે.એકલો અટૂલો એ લાંબો સમય સુધી રહી શકતો નથી.પ્રત્યેક મનુષ્ય ને કોઈ ને કોઈ સાથ સંગાથ ની જરૂર પડતી હોય છે પછી તે પુખ્તવય નો હોય કે નાનું બાળક હોય.
એક નાનું બાળક પોતાના માંબાપ ઘર પરિવાર થી જીવન માં પહેલી વાર દૂર ત્યારે જાય છે જયારે એ શાળા માં દાખલ થાય છે.ઉઘડતી શાળા નો પ્રથમ દિવસ રડારોળ થી ભરપૂર હોય છે.પરંતુ રડીરડી ને પણ કેટલું રડાય?આખરે તો ચૂપ થવુજ પડે. અને જ્યાં પહેલા દિવસે શાળા ના દરવાજે પહોંચેલું બાળક ચુપ થાય એની નજર એની બાજુ માં બેઠેલા સહપાઠી પર પડે છે, અને માનવસહજ પ્રકીયા એટલે કે વાતચીત નો પ્રારંભ થાય છે. ને પ્રથમ મૈત્રી ના બીજ રોપાય છે.
મારો પ્રથમ શાળા મિત્ર કોણ બનેલો એ અત્યારે યાદ નથી.પરંતુ 5 માં ધોરણ માં મેં રાંદેર ની જૂની ને જાણીતી M.M.P.high school માં પ્રવેશ લીધો ને ત્યાં બંધાયેલી મિત્રતા આજે પણ યાદ આવે છે.કારણ કે અહીં હું સહુ પ્રથમ હિન્દૂ મિત્રો ના સંપર્ક માં આવ્યો.
ધોરણ 5 નો મારો પ્રથમ હિન્દૂ મિત્ર હતો
વિલાસ વિશ્વાસરાવ પવાર.પોલીસ પુત્ર, રાંદેર પોલીસલાઈન માં રહેતો,રોજ સવારે સાયકલ પર મારા ઘરે મને લેવા આવતો ને પાછળ બેસાડી નિશાળે લઇ જતો.ખૂબ બહાદુર, કબડ્ડી નો શ્રેષ્ઠ ખેલાડી હતો લંગડી પણ ખૂબ સરસ રમતો. સ્કૂલ છૂટી એનો સાથ છૂટી ગયો હાલ ક્યાં છે મને ખબર નથી.એના થકી પોલીસ લાઈન માં ઘણા મિત્રો બન્યા ને વર્ષો સુધીએ મિત્રો સાથે ક્રિકેટ ટીંચ્યા કર્યું. સંતોષ ભાવસાર એમાનો એક. તે હાલ ઉધના એકેડેમી સ્કૂલમાં શિક્ષક છે
બીજો મારો જીગરી દોસ્ત હતો જયદેવ સોલંકી ગરીબઘર નો છોકરો જીંદાદીલ ને ફાઇટર.મને એના પ્રત્યે ના ખેંચાણ નું કારણ હતું એની ક્રિકેટીંગ સ્કિલ,ગજબ ઓલરાઉન્ડર ખેલાડી.ગરીબી ને અનુસુચિત જાતી નડી ગઈ બાકી ખૂબ આગળ જતે આજે પણ એટલુંજ સારું રમે છે.ગોડ ગિફ્ટેડ પ્લેયર.s m c માં છે.ખુબજ દુઃખ સાથે ને અશ્રુભીની આંખે જણાવાનું કે મારો આ પ્રિય મિત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ની સેવા બજાવતા બજાવતા કોરોનારૂપી રાક્ષસ નો શિકાર બન્યો ને ફકત ચાર દિવસ ની ટૂંકી માંદગી બાદ ગઈ કાલે તારીખ 23 મી જુલાઈ 2020 ના ગુરુવાર ના રોજ આ ફાની દુન્યા ને અલવિદા કહી ગયો.અલવિદા દોસ્ત મીસ યુ.
મારો ત્રીજો મિત્ર હિરેન ઇચ્છાપોરિયા એની ને મારા વચ્ચે અભ્યાસ બાબત ની હરીફાઈ રહેતી. કદી એ આગળ તો કદી હું પણ કયારે દુર્ભાવના નહીં .વર્ષો થી મુલાકાત થઈ નથી.
આવોજ ભણશેરી મારો ચોથો મિત્ર એટલે વિપુલ પટેલ.અમારા વર્ગ જુદા પણ એક કૉમનફ્રેન્ડ થકી મિત્રતા થઈ ને એવી જામી કે સવારે સ્કૂલ જઈએ તો પહેલા બજાર માં આવેલી એની દરજી ની દુકાન પર હાજરી આપી ભેગા થઈ ને જઇએ.સાંજે ગામના તળાવ પર ફરવા જવા એની દુકાન પર ભેગા થઈએ.એના પિતાશ્રી ખીજાય કે ગાજબટન કરવાના છે નઈ આવે ભાગો. હા એની માં બહુ પ્રેમાળ અમે ઘરે જઈએ તો સ્વાદિષ્ટ નાસ્તો કરાવે.પાતરવેલી ના ભજીયા નો સ્વાદ હજુ દાઢે છે.
મુસ્લિમ મિત્રો તો ઘણા હતા શોએબ બેલીમ, ઇશાપટેલ, સલીમ નાખુદા, કાસુલાલકાકા,સોનીભાઈઓ, અખ્તર મેમન વગેરે. આજે પણ ગામ માં રહેતા હોવાથી તેમની જોડે મુલાકાત થાય છે.પણ ઉપર વરણાવ્યા એ મિત્રો પૈકી જયદેવ સોલંકી સિવાય કોઈ ની મુલાકાત કે ભાળ મળતી નથી.ખુદા જાણે એ લોકો મને યાદ પણ કરતા હશે કે કેમ.અલબત મારુ દિલ કહે છે કે કરતા તો હસેજ.બાળપણ ની યાદો આસાની થી ભુલાતી નથી.