કપિલાની કથા Dr.Sharadkumar K Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કપિલાની કથા

કપિલા કૉલેજમાં આવી એ વખતે જ એણે નકકી કરી નાંખેલું કે કૉલેજમાં કોઈ પૈસાદાર નબીરો શોધી કાઢી એને પ્રેમ કરવો છે,બાળપણ અને કિશોરાવસ્થા તો નિમ્ન મધ્યમવર્ગમાં કાઢી છે પણ હવેની જીદંગી રાજરાણી થઈને જીવવું છે.કપિલા સ્વરૂપવાન હતી એટલે એ એમ માનતી કે સુંદર છોકરી પાછળ છોકરાઓ ફૂલ પર ભમરા મંડરાતા હોય એમ મંડરાતા હોય છે.એની વાત પણ સાચી હતી.કૉલેજના શરૂઆતના દિવસોમાં જ એ કૉલેજીયન છોકરાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી હતી.ઘણા છોકરા એની પાછળ ફિલ્ડીંગ ભરવા લાગેલાં.કપિલા પણ એ જોઈને હરખાતી હતી અને ઈશ્વરનો મનોમન આભાર પણ માનતી કે ભલે તેં મને પૈસાદાર નથી બનાવી પણ રૂપ આપીને પૈસાદાર બનવાનો રસ્તો ખોલી નાંખ્યો છે.
કૉલેજમાં ભણવા આવતા છોકરાઓની નજર કપિલા પર રહેતી પણ કપિલાની નજર તો કૉલેજમાં આવતાં પૈસાદાર નબીરા પર રહેતી.એ આવા છોકરાઓ પર નજર રાખતી.કોણ બ્રાન્ડેડ કપડા પહેરે છે?કોણ મોંધો મોબાઈલ વાપરે છે?કોણ ગાડી લઈને કૉલેજ આવે છે?કોના હાથમાં સોનાની વીંટીઓ છે?એણે ધીરે ધીરે આવા પૈસાદાર નબીરાઓ સાથે પરિચય કરી દોસ્તી વધારવાનું શરુ કર્યુ.પૈસાદાર છોકરાઓને પણ આવી સુંદર છોકરીની મિત્રતા ગમે જ.કપિલા હવે એમની ગાડીઓમાં ફરતી થઈ ગઈ.પૈસાદાર છોકરા સાથે હોટલમાં લંચ અને ડીનર કરતી થઈ ગઈ.મિત્રતાના નામે વિવિધ ભેટ મેળવતી થઈ ગઈ.એને તો મજા પડી ગઈ.
ઘણા પૈસાદાર છોકરાઓ સાથે મિત્રતા બાંધ્યા પછી એમાંથી કોની સાથે પ્રેમ કરવો એ કપિલા વિચારવા લાગી.કોની પાસે વધારે પૈસા છે એનું ગણિત માંડવા લાગી.કોણ એને વધારે સુખી કરી શકે એમ છે એ પણ વિચારવા લાગી.
એ બધામાં એને વિપુલ પર પસંદગી ઉતારી.વિપુલ જેટલો પૈસાદાર હતો એટલો જ દેખાવડો હતો.કપિલાને રૂપની રાણી કહીએ તો વિપુલ પણ કામદેવથી કમ ન હતો.શહેરના મશહૂર ઉદ્યોગપતિ ધનશ્યામ શાહનો એ એકનો એક છોકરો હતો.એનું રૂપ અને પૈસો બંને,એને કોઈ પણ છોકરીના સપનાનો રાજકુમાર બનાવી દેતાં હતાં.એ પણ સુંદરતાનો શોખીન હતો.
કપિલાએ વેલેન્ટાઈન ડેના દિવસે એને સામેથી પ્રપોઝ કરવાનું મન બનાવી લીધું હતું.
એ જ્યારથી પૈસાદાર છોકરાઓ સાથે મિત્ર થઈને એમની ગાડીઓમાં ફરતી અને એ છોકરાઓના પૈસે મોજ કરતી ત્યારે એ પોતાની જાતને ગૌરવાન્વિત મહેસુસ કરતી.બીજી છોકરીઓને એ તુચ્છ સમજવા લાગેલી.કેટલાય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં છોકરાઓએ તો કપિલાના નામનું નાહી નાંખેલું.કપિલાને એમણે વિશલીસ્ટની સૂચિમાંના પ્રથમ નંબરેથી હટાવી એના પછીના નંબરને 'અપના બનાને કે લિયે' કમર કસી નાંખી હતી.
રાજન જે નાનપણથી કપિલા સાથે ભણતો એ કૉલેજમાં કપિલા સાથે હતો.કપિલામાં આવેલા પરિવર્તનની એણે નોંધ લીધી.રાજન છેક નાનપણથી કપિલાનો સહાધ્યાયી.બંને પહેલાથી લઈ બારમા સુધી સાથે ભણેલાં,હાલ કૉલેજમાં પણ સાથે હતાં.જે કપિલાને માત્ર ઓળખતો જ ન હતો પણ કપિલાને ચાહતો પણ હતો.કપિલા એનું સ્વપ્ન હતી.એણે કપિલાને એક બે વખત પૈસાદાર નબીરાઓની દોસ્તી બાબતે ચેતવી પણ ખરી,પણ કપિલા તો હવામાં ઉડતી હતી.એને એની સુંદરતા અને બુદ્ધિમત્તા બંને પર વિશ્વાસ હતો એટલે એણે રાજનની વાતને હસી કાઢેલી.
વેલેન્ટાઈન ડે આવી ગયો.ઘણા છોકરાઓ આજે ગુલાબ લઈને આવેલા.દરેક એક જ છોકરીને ગુલાબ આપવા માંગતાં હતાં પણ વિપુલ બાજી જીતી ગયો.કપિલાનું ગુલાબ વિપુલને મળ્યું.માનો કે વિપુલે સ્વંયવરમાં કપિલાને જીતી લીધી.બીજા પૈસાદાર નબીરાઓએ કપિલા પાછળ ખર્ચેલ નાણાં એળે ગયાં.
રાજન,કપિલાનો નાનપણનો સહપાઠી,મધ્યમવર્ગીય પરિવારનો છોકરો,એનું ફૂલ તો ખિસ્સામાં જ રહી ગયું.કપિલા સ્મિત વેરતી વેરતી વિપુલ સાથે લોન્ગ ડ્રાઈવ પર નીકળી પડી.આજનો આખો દિવસ બંનેએ સાથે ગાળ્યો.
વિપુલ અને કવિતા બંને એકમેકના થઈ ગયાં.વિપુલ કપિલાની સુંદરતાને પ્રેમ કરતો હતો,કપિલા વિપુલના પૈસાને.વિપુલ કપિલાની માંગણીઓ સંતોષવા લાગ્યો.મોંઘી ગીફ્ટ્સ,હોટલમાં જમવાનું,જૂદી જૂદી ગાડીઓમાં ફરવાનું કપિલાના કોઠે પડી ગયું.સામે પક્ષે વિપુલ પણ કપિલા પાસેથી એની કિંમત વસુલવા લાગ્યો.પૈસા પાછળ ભાન ભૂલેલી કપિલાએ પોતાનું શરીર પણ વિપુલને સુપ્રત કરી દીધું.વિપુલ મધુકરની માફક ફૂલનું રસપાન કરવા લાગ્યો.કાર,હોટલથી માંડી એના વિક-એન્ડ હાઉસ સુધી કપિલા વિપુલથી ભોગવાવા લાગી.
સમય વ્યતિત થતો ચાલ્યો.આ સમય દરમિયાન કપિલાને બે વખત ગર્ભપાત કરાવવો પડ્યો,પણ સોનાની વિંટી કે જન્મદિવસ પર મળેલ સોનાની ચેઈનઆગળ એને એનું કંઈ મૂલ્ય ન લાગ્યું.એને એમ હતું કે વિપુલ એની સાથે લગ્ન કરવાનો જ છે પછી શું વાંધો?આ અરસામાં વિપુલે એનો નવો શિકાર શોધી કાઢ્યો.
કપિલા સાથે એણે સંબંધોને કાપી નાંખ્યાં.કપિલાને ખબર પડી કે એનું સ્થાન બીજી કોઈ છોકરીએ લઈ લીધું છે.એણે વિપુલને મળી વિપુલે આપેલા લગ્નના વચનની વાત કરી.વિપુલે હસીને કહ્યું 'કેવું વચન?તું પણ મને ક્યાં પ્રેમ કરતી હતી?તારો પ્રેમ મારાથી નહી પણ મારા પૈસાથી હતો?મેં એ પૈસાથી તારી સુંદરતાની કિંમત ચૂકવી દીધી છે.'
કપિલાને એની ભૂલ સમજાઈ.એને થયું કે અહીંયા તો ખુદ શિકારી જ શિકાર થઈ ગયો.હવે પસ્તાવાથી કંઈ વળે એમ ન હતું.એણે તરત જ વિપુલનો શિકાર બનવા જઈ રહેલી બીજી છોકરીને મળી વિપુલ સાથેના એના સંબંધની સધળી હકીકત જણાવી.કપિલાએ એને ચેતવી કે તારી હાલત પણ મારા જેવી થશે નીચોવીને ફેંકી દેશે.એ છોકરીને પરિસ્થિતિનું ભાન થતાં એ ચેતી ગઈ.એણે કપિલાનો આભાર માન્યો.
ફરી આજે વેલેન્ટાઈન ડે છે.રાજન આજે પણ તાજું ગુલાબ લઈને આવ્યો છે.હવે જોઈએ કે રાજન કપિલાને તાજું ગુલાબ આપે છે કે નહી?