Nasifa ane Ninaad books and stories free download online pdf in Gujarati

નફીસા અને નિનાદ

આ કૉલેજમાં તમે ભણેલાં છો નફીસા.હા આ એ જ કૉલેજ છે.જયાં તમે તમારી યુવાનીના ત્રણ વર્ષ વિતાવ્યા છે.
આજે અહીં તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં આવેલાં છો.કૉલેજનો એક-એક ખૂણો તમારા ભૂતકાળના કેટલાંય સંસ્મરણો સાચવીને બેઠો છે.
કૉલેજકાળ દરમિયાન તમે સૌંદર્ય સામ્રાજ્ઞી હતાં,નફીસા. અત્યારે તમને જોઈને કોઈ ભલે એ વાત ન માને પણ આ હકીકત છે.ખોટું ન લગાડતાં આજે તમે પાંત્રીસના છો પણ પિસ્તાલીસના લાગો છો.
નફીસા.
તમારા પાસે હાલ તો રુસ્વા મઝલૂમીની'મોહતાજ ના કશાનો હતો કોણ માનશે? મારો એક જમાનો હતો કોણ માનશે? એ પંક્તિ ગણગણાવ્યા વગર છૂટકો નથી.
હા,નફીસા તમે કૉલેજમાં દાખલ થયાં એ જ દિવસે તમને ફોર્મ અને ફી ભરવા સહિતની એક છોકરાએ મદદ કરેલી.એ યુવક સાથેનો આ સામાન્ય પરિચય ધીમે-ધીમે દોસ્તીમાં પરિણમ્યો.વિચારોની સામ્યતા અને એકસરખાં સપનાઓના કારણે તમે એકબીજાની નજીક આવી ગયા.તમે બંને વધુ કંઈ સમજો એ પહેલા તો તમારા મિત્ર વર્તુળે તમને પ્રેમી-પંખીડા જાહેર કરી દીધેલાં.એના પછી તમે બંનેએ પણ તમારી મિત્રતાને પ્રેમ નામ આપી દીધેલું.
બંને વચ્ચે ગજબની સમજણશક્તિ અને સમર્પણની ભાવનાએ તમારા પ્રેમને ચાર ચાંદ લગાવી દીધા હતા.જાણે તમે બંને એકબીજાના બનવા જ સર્જાયેલા હતાં.એ છોકરાનું નામ હતું નિનાદ.
નફીસા તમે મુસ્લિમ અને એ હિન્દુ.બંનેની રીતભાત અલગ-અલગ.તમે માંસાહારી અને નિનાદ ચુસ્ત વૈષ્ણવ વાણિયો.પણ જ્યારથી તમે નિનાદના થઈ ગયેલાં ત્યારથી તમે માંસાહારનો ત્યાગ કરેલો.તમે સમજતાં હતાં કે એક જ છત નીચે અલગ રહેણી-કહેણી ધરાવતાં લોકો સાથે રહી ન શકે. અને નફીસા પ્રેમીજનો તો જુદાં હોતાં જ નથી.જો તમે એક છત નીચે બે વ્યકતિ છો તો તમે પ્રેમી નથી.પ્રેમમાં તો શરીર બે ને આત્મા એક હોય છે.હા,તમારી અને એની ઈશ્વરને ભજવાની રીત પણ નોખી હતી.એ આરતીનો માણસ અને તમે અજાનના.તમામ પ્રાર્થના પદ્ધતિઓ છેવટે તો એક ઈશ્વરની જ આરાધના કરે છે એ ન્યાયે તમને બંનેને એનો કોઈ વાંધો ન હતો.
ઈશ્વરને પણ એનો વાંધો નથી હોતો,પણ એ પ્રાર્થના પદ્ધતિને માનનારા લોકોને વાંધો છે એમણે મારો ઈશ્વર અને તારો ઈશ્વર એમ ભાગ પાડી દીધા છે.કોણ જાણે કેમ ઈશ્વર પણ આ બધું લાચાર બનીને જોઈ રહે છે.
પ્રેમ છાનો નથી રહેતો.જાહેર થઈ જવું એ એની જૂની આદત છે.એમ તમારો પ્રેમ પણ જાહેર થઈ ગયો.નફીસા તમારા ઘરે પણ ખબર પડી કે તમે નિનાદ નામના હિન્દુ છોકરાને ચાહો છો,નિનાદને ત્યાં પણ કે એ કોઈ મુસ્લિમ છોકરીને પ્રેમ કરે છે.આ વાત આપણો બિનસાંપ્રદાયિક દેશ શી રીતે સ્વીકારે?
તમને નજરકેદ કરી લેવાયાં,નિનાદને એવો માર પડ્યો નફીસા કે એ તો માંડ બચ્યો.તમારા ચારેય ભાઈઓએ ભેગાં થઈને એને ખૂબ માર્યો.વધુ કોઈ ધટના ન બને એ આશયથી અને ડરના લીધે નિનાદના પરિવારે તો શહેર છોડી દીધું.
તમને તરત જ તમારા માસીના દીકરા રીયાઝ સાથે નિકાહ પઢાવી દેવામાં આવ્યાં.નિકાહ વખતે છોકરીની નિકાહ માટે લેવાતી મંજૂરી નિનાદને જીવતો છોડવાની શરતે લેવાઈ ગઈ.તમે નિનાદની ધર્મપત્ની બનવાના બદલે રીયાઝની બેગમ બની બેઠાં.
તમારા જીવનમાંથી નિનાદ ચાલ્યો ગયો અને રીયાઝ આવી ગયો.રીયાઝ તમારા માટે બેરહેમ બાદશાહ બની રહ્યો.એના માટે તમારી કિંમત કામવાળીથી વિશેષ ન હતી.માર મારવો,દારુ પીવો,ખોટા ધંધા કરવા એ એનું જીવન હતું.તમારું જીવન દોજખ બની ગયું.ચાર વર્ષમાં તમે ત્રણ બાળકોને જન્મ આપ્યો.એ બાળકોના લાલન-પોષણ માટે તમારે લોકોના ઘરનું કામ કરવાનુ શરું કરવું પડ્યું.આજે તમે નફીસા કામવાળી છો.
ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં તમે સૌથી પાછળની હરોળમાં બેઠા છો.લોકોની નજર તમારા પર ન પડે એવો પ્રયત્ન કરી રહ્યાં છો તમે.તો પછી શું કામ આવ્યા છો તમે અહીંયા?ન આવ્યા હોત તો કોઈની નજર તમારા પર ન પડત.
તમે એક એવી નજરને જોવા આવ્યા છો જે નજર તમને શોધતી હોય.તમે નિનાદને જોવા અહીં આવ્યાં છો નફીસા.
સૉરી નફીસા,નિનાદ નહીં આવે.એ વખતે તમારા ભાઈઓના મારથી એ મરતાં-મરતાં બચી ગયેલો પણ એના મગજ પર થયેલી અસરના કારણે એ શુધબુધ ખોઈ બેઠેલો અને માનસિક વિકલાંગ બની ગયેલો.ધણી બધી દવા કરાવા છતાં એ સાજો ન થયો તે ન જ થયો.થોડાં દિવસ પહેલા એના મમ્મી-પપ્પાની નજર ચૂકવી ઘરમાંથી બહાર નીકળી ગયો અને હાઈવે પર ટ્રકની અડફેટે ચડી ગયો.નિનાદ હવે આ દુનિયામાં નથી.
શરદ ત્રિવેદી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED