એણે એને પ્રથમ વખત નવરાત્રીમાં જોયેલી.પારિતોષને નવરાત્રી રમવાનો ખૂબ શોખ હતો. ગુલાબી રંગની ચણિયાચોળી પહેરીને ગરબે ઘુમતી હિરવાને પહેલો વખત જ્યારે પારિતોષે જોયેલી ત્યારથી એ એના દિલમાં વસી ગયેલી.
પારિતોષ દેખાવે કોઈ પણ છોકરીને ગમી જાય એવો હતો.સુંદર વાંકડીયા વાળ,કાળી ભમ્મર આંખો,ક્લીનશેવ દાઢી,ગૌરવર્ણ.હા,જરા ઠીંગણો ખરો.બાકી હેન્ડસમ.હિરવાને જોયા પછી બાકીની નવરાત્રીમાં એ જ શેરી ગરબે જઈ પારિતોષ પણ હિરવાની સાથે ગરબે ઘુમતો.બંનેને નવરાત્રીના છેલ્લા દિવસે બેસ્ટ પર્ફોરમન્સનું ઈનામ મળ્યું.એ જ નવરાત્રીમાં એમનો પરિચય થયો.હિરવાના પપ્પા આર્મીમાં હતાં,એટલે હિરવા,એની મમ્મી શિલાબેન અને એનો નાનોભાઈ જય ત્રણને પારિતોષ મળેલો.નવરાત્રી પુરી થયા પછી પારિતોષ હિરવાના ઘરે પણ આવેલો.હિરવાના મમ્મી આધુનિક સમજ ધરાવતી સ્ત્રી હતા એટલે હિરવાના પુરુષમિત્ર તરીકે પારિતોષ આવે જાય એનો વાંધો ન હતો.થોડા સમયમાં તો પારિતોષ એમના કૌટુંબિક સભ્ય જેવો થઈ ગયો.કયારેક જમવાના સમયે આવે ત્યારે હિરવા અથવા એના મમ્મીના હાથની ગરમાગરમ રસોઈ પણ જમતો.હિરવા પણ એની સાથે હળી મળી ગઈ હતી.હિરવાનું એના સાથેનું વર્તન એકદમ નિખાલસ હતું.એ પારિતોષને ક્યારેક જરુર કરતા વધુ મહત્ત્વ પણ આપતી.અભ્યાસ,કેરીયર બાબતે સલાહ પણ લેતી.
પારિતોષ હિરવાને પ્રેમની નજરે જોતો.એનું દિલ દરેક વખતે હિરવાના વર્તનને પ્રેમની દ્રષ્ટિએ જ મૂલવતું.પારિતોષનું વ્યકતિત્વ એવું હતું કે કૉલેજની ઘણી છોકરીઓએ એને પ્રપોઝ કર્યો હતો,પણ એ સામેથી ના પાડી દેતો.એ કહેતો 'મને એક છોકરી ગમે છે એના સિવાય બીજાને મારા જીવનમાં કોઈ સ્થાન નથી.'
હિરવાનું એના પ્રત્યેના વર્તન,વાતચીત વગેરે પરથી એ એવા તારણ પર આવેલો કે હિરવા એને પ્રેમ કરે છે,એ બાબતે એણે કયારેય ખૂલીને હિરવા સાથે વાત નહોતી કરેલી.પ્રસંગોપાત હિરવા અને પારિતોષ એકબીજાને ગીફટ પણ આપતાં.હિરવાએ આપેલ ગીફટ એ જીવની જેમ સાચવતો.
સમય સરતો રહ્યો.હિરવા પણ બારમું પાસ કરી કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયેલી.પારિતોષ અને એની દોસ્તી કૉલેજમાં પણ એવીને એવી જ રહેલી.પારિતોષ એને પ્રેમ કરે છે એ હિરવાને ખ્યાલ પણ ન હતો.પારિતોષને એમ હતું કે હિરવા પણ એને પ્રેમ કરે છે.ઘરમાં પારિતોષની સગાઈની વાત શરુ થયી.પારિતોષે એ હિરવા સાથે લગ્ન કરવા માંગે છે એમ જણાવ્યું.
ઘરનાએ કહ્યું 'છોકરી અને એના મા બાપને વાંધો ન હોય તો અમને વાંધો નથી'
બીજા દિવસે પારિતોષે હિરવાની મમ્મીને બધી વાત કરી હિરવાનો હાથ માંગી લીધો.
હિરવાની મમ્મીએ કહ્યું'ના,એ શક્ય નથી.હિરવા માટે અમે સમાજમાં જ સારો છોકરો જોઈ લીધો છે.એની સાથે સગાઈ કરવાનું લગભગ નકકી છે.હિરવાને પણ એ છોકરો બતાવ્યો છે.એને પણ પસંદ પડ્યો છે.'
પારિતોષના પગ નીચેથી જમીન સરકી ગઈ.બેભાન અવસ્થામાં ઘરે પહોંચ્યો.સખત આઘાત લાગ્યો એને.કયારેય એણે પોતે હિરવાને પ્રેમ કરે છે એ બાબતે હિરવાને જણાવ્યું નહી.હિરવાના સહજ વર્તનને એ પ્રેમ સમજતો રહ્યો.
હજુ પણ એના મગજમાં એ જ વાઈરસ હતો કે હિરવા તો એને જ પ્રેમ કરે છે.એના મા બાપ એને બીજે પરણાવી દેવા માંગે છે,પણ હિરવા સાથે આ બાબતે વાત કરવાની એની હિંમત ન હતી.
હિરવા અને પોતાના પ્રેમમાં ફિલ્મની જેમ સમાજ વિલન બનશે એમ એણે માની લીધું હતું.સમજ્યા વગર એ ધુમ્રપાન અને શરાબના રવાડે ચડ્યો.ઘરનાને તો ખબર ન પડી,પણ એના દોસ્ત શિરીષને ખબર પડી.એણે હકીકત જાણી.શિરીષને ખ્યાલ આવી ગયો કે પારિતોષના મગજમાં એક તરફી પ્રેમનો વાઈરસ ઘુસી ગયો છે.એક દોસ્ત તરીકે એણે આ વાઈરસને સ્કેન કરી પારિતોષના મગજમાંથી ડીલીટ કરવાનું નકકી કર્યું.
એ એક દિવસ હિરવાના ઘરે પહોંચ્યો.હિરવા અને એની મમ્મી હાજર હતા.પારિતોષના મિત્ર તરીકે ઓળખાણ આપી એણે પારિતોષ અંગે સઘળી હકીકત જણાવી.હિરવાને પણ પૂછ્યું'શું તું પારિતોષને પ્રેમ કરે છે?'હિરવાએ સ્પષ્ટ ના પાડી.હિરવાએ કહ્યું કે મારુ વર્તન સહજ હતું.મેં ક્યારેય પારિતોષને પ્રેમ કરવાનો વિચાર સુદ્ધાં નથી કર્યો.શિરીષે હિરવાને જરુર પડે પારિતોષની સ્થિતિ સુધારવા મદદ કરવા જણાવ્યું.હિરવા પ્રેમનું નાટક કરવા સિવાય બધી બાબતે સહમત થઈ.
એ દિવસે રક્ષાબંધન હતી.શિરીષ પારિતોષના ઘરે પહોંચ્યો.એણે હિરવા અને એની મમ્મી સાથે એણે કરેલી વાતચિત બાબતે જાણકારી આપી.હિરવા પારિતોષને પ્રેમ નથી કરતી એ પણ જણાવ્યું.પારિતોષના મગજમાં ઘુસેલો વાઈરસ આ માનવા તૈયાર ન હતો.શિરીષે ફોન કરી હિરવાને બોલેવી લીધી.પારિતોષના ઘરનાની હાજરીમાં જ હિરવા આવીને પારિતોષને કહ્યું'પારિતોષ તારે બહેન નથી એટલે તને અને તારા ભાઈને રાખડી બાંધવા આવી છું.લાવ તારો જમણો હાથ'પારિતોષને વાસ્તવિકતાનુંભાન થઈ ગયું.એના પાસે હવે કોઈ વિકલ્પ ન બચ્યો.હિરવાએ એ કંઈ સમજે એ પહેલા એના જમણા હાથે રાખડી બાંધી દીધી.શિરીષે હિરવા નામના પ્રેમ વાઈરસને એના મગજમાંથી કાઢી નાંખ્યો.
પારિતોષના પપ્પાએ રાખડી બાંધવા બદલ પાચસો રુપિયા હિરવાને આપ્યા.શિરીષે બહુ ઝડપથી પારિતોષના એકતરફી પ્રેમ વાઈરસથી પારિતોષની જિદંગીને ડેમેજ થતી બચાવી લીધી.
આજે પારિતોષ એક દીકરીનો બાપ છે.હિરવાથી પણ રુપાળી પત્નીનો પતિ છે.વેલ સેટલ્ડ છે.હિરવાનું શું થયું એ ન એને ખબર છે ન શિરીષને.