Modern Shivani books and stories free download online pdf in Gujarati

મોર્ડન શિવાની

શિવાની,તમારા દીકરાની વહુ,દેખાવે મોર્ડન,બૉયકટવાળ,છેલ્લામાં છેલ્લી ફેશનના કપડાં પહેરવાની શોખીન,બી.ડી.એસ.ડેન્ટલ. જયારે તમે એને પહેલી વખત જોઈ ત્યારે તમે એમ માની લીધેલું મનજી કે પેટે પાટા બાંધીને ભણાવેલા છોકરાને સાવ ખોઈ દઈશું.શિવાની એક તો તમારા સમાજની ન હતી ઉપરથી પૈસાદાર બાપની છોકરી.શહેરમાં જ ઉછરેલી.ગામડું એણે જોયલું નહી.તમારા દીકરા કાનજી સાથે એને પ્રેમ થઈ ગયેલો.કાનજી એમ.બી.બી.એસ.પુરુ કરી એ વખતે એમ.ડી.કરતો હતો.તમને તો એટલી જ ખબર કે એ વધારે ભણવા દિલ્હી ગયો છે.તમે અંગૂઠા છાપ પણ તમારો દીકરો કાર્ડીયાક સર્જરીનો અભ્યાસ કરી રહ્યો હતો.શિવાનીના પપ્પાને શિવાનીએ જ્યારે એના અને કાનજીના પ્રેમની વાત કરી ત્યારે એમણે તો તરત જ સંમતિ આપી.કાનજીને ઘરે મળવા બોલાવેલો.કાનજીએ તમારા ઘર,તમારી આર્થિક સ્થિતિ વગેરે વિશે વાત કરેલી પરંતુ શિવાનીના પપ્પાએ કહેલું'અમને કોઈ વાંધો નથી અમે તો તને જોઈને અમારી દીકરી આપવા તૈયાર છીએ'એમણે કાનજીનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ લીધેલું.આવા હોનહાર છોકરાંને કોણ દીકરી ન આપે.આમ તો તમે કાનજીની સગાઈ નાનપણમાં જ બાજુના ગામના રાસેંગની દીકરી ગગી સાથે કરી નાંખેલી.ગગીને એના બાપે દસ ઘોરણ સુધી ભણાવીને ઉઠાડી દીધેલી.કાનજીની સગાઈ કરી ત્યારે તમને કયાં ખબર હતી કે ગામડાં ગામનો આ છોકરો ઠેઠ દિલ્હી સુધી પહોંચશે.કાનજી જ્યારે બારમું પાસ કરી મેડીકલમાં ગયો ત્યારથી તમને ગગી સાથેની સગાઈ તોડી નાંખવાનું કહેતો હતો.એક તો ગગીના બાપા લગ્નની ઉતાવળ કરતાં હતાં,બારમુંય માંડ પુરુ કરવા દીધેલું.કાનજી હાલ લગ્ન કરવા માંગતો ન હતો.એના મતે એને એની કારકિર્દી બનાવવી હતી.બીજું એ કહેતો,'બાપા,મારા અને એના વિચારો કયારેય નહી મળે.બંને જીવનભર દુઃખી થઈશું.એના કરતાં હાલ એને એના લાયક છોકરો મળી રહેશે ને મને પણ મારા લાયક,મારી બુદ્ધિક્ષમતાને અનુરુપ કોઈ છોકરી મળી રહેશે.'એણે આ બાબત તમારા સૌથી નાના ભાઈ અને એના કાકા રવજીને કરેલી.રવજી ગામની હાઈસ્કૂલમાં શિક્ષક હતો.એ કાનજીની વાત સમજેલો અને એના કહેવાથી સમાજના વિરોધ વચ્ચે તમે કાનજીની સગાઈ તોડી નાંખેલી.તમારા મતે ગગી તમારા ઘર માટે યોગ્ય હતી,પણ કાનજી અને રવજીની વાતને ધ્યાને લઈ તમારે કમને આ નિર્ણય લેવો પડેલો.ત્યારે તમને એમ કે સમાજની કોઈ બાર પાસ કરી કૉલેજના ત્રણ વર્ષ કરેલી છોકરી કાનજી માટે શોધી લઈશું,પણ કાનજી તો હાઈ-ફાઈ છોકરી શોધીને જાતે જ લાવેલો.સ્લીવલેસ મીડી અને હાફ સ્કર્ટ,બૉયકટ વાળ,ઊંચી હિલવાળા ચપ્પલ પહેરીને,જાતે ગાડી ચલાવી તમારા કાનજીને બાજુમાં બેસાડી એ તમારા ખેતરે આવેલી.તમારા ખેતરના ઢાળિયામાં તમારા સામે ખાટલા પર બેઠેલી.કાનજીએ જ્યારે કહ્યું કે આ છોકરી સાથે મારે લગ્ન કરવાના છે ત્યારે તમે તો અર્ધબેભાન થઈ ગયેલાં.તમને થયું આને ન ભણાવ્યો હોત તો સારું હતું.આવી વહુને શું કરવાની?સંસ્કારનો છાંટો પણ નથી.પણ હવે શું થાય?દીકરો ખોયો.ધર જમાઈ બનાવીને રાખશે? સાવ ગરીબ હતાં એટલે ગામમાં કોઈક જ બોલાવતું,પણ કાનજી ડૉકટરી લાઈનમાં ગયો એટલે માન વધી ગયેલું.પણ કાનજી આ છોકરી સાથે લગ્ન કરી અમને કોઈને મોંઢું બતાવા લાયક નહી રાખે.ગામના રીવાજ મૂજબ લાજ ન કાઢે તો કંઈ નહી પણ થોડાં શોભે એવા કપડાં પહેરતી હોય તોય ઠીક.વાળ પણ છોકરાઓ જેવા રાખે છે.એમાંય પાછું એણે કહેલું કે મને રાંધતા બીજુ કશુંય આવડતું નથી.ત્યારે તો તમને થયેલું છોકરીની જાત છે ને એની માએ રાંધતાય નથી શીખવાડ્યું.
કાનજીએ તો એનો અંતિમ નિર્ણય જણાવી દીધેલો.એ શિવાની સાથે જ લગ્ન કરશે,ભલે ગમે તે થાય,તમારે તો માત્ર નામની હા પાડવાની હતી.તમારી 'ના'ની પરિણામ પર કોઈ અસર થવાની ન હોતી.
છેવટે તમે કમને, છોકરો ગુમાવવાનો છે એમ માની,ગામમાં કાનજીના કારણે મળેલી થોડી ઈજજત ખોવાની તૈયારી સાથે કાનજીને શિવાની સાથે લગ્નની હા પાડેલી ત્યારે શિવાનીએ એકદમ ઊભા થઈ તમારા ખાટલા પર બેસી તમારો હાથ પકડી તમને'થેંક્યું સો મચ ડેડ'કહેલું,ત્યારે તો તમારા જૂનવાણી સ્વભાવને ધરતી જગ્યા આપે તો સમાઈ જવું એવી લાગણી થયેલી.
એના પછી તમારો ભાઈ રવજી અને એના ઘરથી અણદી બંને જઈ કાનજીની શિવાની સાથે સગાઈ કરી આવેલાં.લગ્નની વિધિ પણ દસ માણસોને લઈ જઈ તમે પતાવી આવેલાં.છોકરાને પરણાવાનો કોઈ ઉત્સાહ જ તમારામાં ન હતો.
લગ્ન પછી કાનજી અભ્યાસાર્થે દિલ્હી ગયો,ત્યારે શિવાની શહેરમાં એના પપ્પાને ત્યાં રહેવાના બદલે ગામડે તમારા ઘરે જ રહી ગયેલી.એના પપ્પાએ કરિયાવરમાં આપેલી વસ્તુ મૂકવા માટે તમારા ઘરમાં કોઈ જગ્યા જ ન હતી.ઢાળિયું હતું તમારે,એમાં ચોમાસામાં ત્રણના બદલે ચાર ખાટલાય રાખવાં મુશ્કેલ હતાં.પતરા ઢાંકીને રસોડું બનાવેલું.ખાટલા આડા રાખીને ન્હાવાનું બાથરુમ,ખુલ્લા આકાશ નીચે શૌચાલય.આ વૈભવ હતો તમારો.શિવાનીએ આ અભાવોવાળા વૈભવ વચ્ચે રહેવાનું સ્વીકાર્યું.એના માટે આ બધું અકલ્પનીય હતું.
એ ધીરે ધીરે ગામડાની લાઈફમાં ગોઠવાવા માંડી.શરુઆત એણે તમારી પત્ની અજોતિ પાસેથી રોટલા બનાવતાં,કપડાં ધોતાં,વાસણ માંજતાં,ભેંસ દોહતાં,વલોણું કરતાં શીખવાથી કરી.હોંશિયાર તો હતી જ.ટૂંક સમયમાં શીખી ગઈ.એણે ખેતીમાં પણ રસ લેવાનું શરુ કર્યું.ખેતીના જાણકારો પાસેથી માહિતિ મેળવી,ઇન્ટરનેટ પરથી સર્ચ કરી એણે આધુનિક ખેતી કરવાની એ જ વર્ષે શરુઆત કરી.મજૂરો રાખી કામ કરાવી તમારા ખેતરમાં એણે દાડમની ખેતી શરુ કરી.
આઠેક મહિનામાં તો એણે આખા ગામનું દિલ જીતી લીધું.એનો મિલનસાર સ્વભાવ,લોકોને મદદ કરવાની ભાવના અને સંસ્કારીપણાએ એની સુવાસ ફેલાવી દીધેલી.
પછી તો કાનજીનો અભ્યાસ પૂર્ણ થઈ ગયેલો.શિવાનીના પપ્પાની મદદથી કાનજીએ તમારા ગામની બાજુના શહેરમાં હૉસ્પિટલ ખોલેલી.શિવાની પણ ડેન્ટીસ્ટ હતી પણ એણે ડૉકટરીની પ્રેકટીસ કરવાના બદલે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરેલું.
ખેતી અને પશુપાલનનું વિસ્તરણ કરીને એણે એક અલગ મહિલા તરીકેની પોતાની છાપ ઉભી કરી છે.આજે તમે વિશાળ ફાર્મ હાઉસના માલિક છો.ગઇ સાલ જ સરકારે તમને દાડમના વિક્રમજનક ઉત્પાદન માટે એવોર્ડથી નવાજ્યા છે.તમારી પત્નીનું પણ સહકારી ડેરીએ સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર પશુપાલક તરીકે સન્માન કર્યું છે.એ તમારી મોર્ડન પુત્રવધુ શિવાનીને આભારી છે.
હા,શિવાની હજી બૉયકટ વાળ જ રાખે છે,ગોગલ્સ પહેરીને કાર ચલાવે છે.તમને હાય ડેડ અને અજોતિને હાય મોમ જ કહે છે.આધુનિક ફેશનના કપડાં પહેરવાનું એણે બંધ નથી કર્યું, પણ પરિવારને એણે પુરતો સમય આપ્યો છે.પરિવારને આર્થિક સદ્ધર કર્યો છે.ગામમાં જ નહી આખા પંથકમાં તમારી ઈજજત વધારી છે.બધા એનાથી ખુશ છે,એ પણ બધાથી ખુશ છે.તમારી મોર્ડન વહુએ બંને ઘરને ઊજળા કર્યા છે.શિવાનીના પિતાને શિવાની જેવી દીકરી હોવાનું ગૌરવ છે તો તમને પણ ગૌરવ છે શિવાની જેવી પુત્રવધુ હોવાનું.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED