Humsafar o mere humsafar books and stories free download online pdf in Gujarati

હમસફર ઓ મેરે હમસફર

ટૂંકા ઉભા વાળ,બેઠી દડીનું શરીર,કાળો કહી શકાય એવો શ્યામ વર્ણ,છેલ્લી પાટલીનો વિદ્યાર્થી રામલો એક વખત અચાનક તમારી દુકાને આવેલો.તમારો સહાધ્યાયી એટલે તમે એને આવકારેલો.આમ નામ એનું રમેશ પણ એની શકલ અને એની રીતભાત એને રમેશને બદલે રમલો કહેવા મજબૂર કરે એવી હતી.કપડા પણ ક્યારેય મેચિંગ પહેર્યા ન હોય.માથું ઓળવાનું તો નામ જ નહી.એ રમલો એટલે કે રમેશ એકાદ બે દિવસે તમારી દુકાને આવવા લાગેલો.કૉલેજ પૂરી થાય એ પછી તમારા પિતાજીની કરિયાણાની દુકાન તમે સંભાળતા.એ તમારી દુકાનથી તો પાંચેક કિમી દૂર ગામમાં રહેતો.છતાં એકાદ બે દિવસે તમારી દુકાને આંટો મારી જતો.

એક વખત તો તમે એને પૂછી લીધું'રમેશ ખાલી મારી દુકાન સુધી આવે છે કે પછી બીજું પણ કંઈ કામ હોય છે.'શિષ્ટતા ખાતર તમે રમલો કહેવાનું ટાળેલું.

રમેશે કહ્યું'આ તો એક છોકરી સાથે હમણાંથી પ્રેમ થઈ ગયો છે,એટલે જોવા મળવા આવું છું.એ તારી દુકાન આવતાં રસ્તામાં આવતા સોનનગરમાં રોડ પર રહે છે.એની બેન પોલીસમાં છે.એ છોકરીનું નામ મંજુ છે.'

તમે ખડખડાટ હસી પડેલા.'શું મજાક કરે છે,રમલા.તને કોણ પ્રેમ કરે.વાદળી શર્ટ સાથે લાલ પેન્ટ પહેરીને ફરતા તને જોઈને તો તારી સામે કોઈ ન જૂએ'

એણે કહ્યું'એ જે હોય તે,તું તો શાયરીઓ લખે છે અને લખતો રહીશ.તારી શાયરીઓ વાંચી છોકરીઓ બીજાને પ્રેમ કરતી થઈ જશે,પણ તને નહી કરે.હું ભલે શાયરી નથી લખતો પણ,છોકરીને પ્રેમ કરતી કરી દીધી'
તમે રમલાની વાતને હાથ પગ વગરની ગણી ઉડાવી દીધી,અને કહ્યું'કોઈ છોકરી તને પ્રેમ કરવા માંડે તો મારે શાયરીઓ લખવાનું છોડી દેવું પડશે'
અને એક દિવસ જન્માષ્ટમી નિમિત્તે સોનનગર વિસ્તારમાં ભરાયેલા મેળામાં રમલો તમને લઈ ગયો,ત્યાં મંજુ એની રાહ જોતી હતી.તમે ત્રણેય એકસાથે ચકડોળમાં બેઠા.રમેશે મંજુ સાથે તમારો પરિચય કરાવ્યો.

મંજુએ પણ તમારી સામે જ કહ્યું 'આ તમારો ભાઈબંધ મને ગમે છે.હું ગમે તે થાય તો એની સાથે જ લગ્ન કરવાની છું.આ તો એ કહેતો હતો કે હું એને પ્રેમ કરું છું એ તમે માનતા નથી એટલે કહું છું.બાકી રમેશને મેં સાત જનમ સુધી મારો ભરથાર નકકી કરી લીધો છે.'
તમે તો મંજુની હિંમત જોઈને જ દંગ રહી ગયેલા.સોનનગર વિસ્તારમાં એના ઘરની સામે જ ભરાયેલા મેળામાં એ ચકડોળમાં રમલા સાથે બેસીને તમને બહુ સ્પષ્ટ શબ્દોમાં એના રમેશ પ્રત્યેના પ્રેમને અભિવ્યકત કરી રહી હતી.દસ પાસ દેખાવે સુંદર તો ન કહી શકાય પણ રમલાની સરખામણીમાં તો એને સોમાંથી સિતેર માર્ક તો આપવા પડે.

તમે બીજા દિવસે તમારી દુકાને આવેલા રમેશને પૂછ્યું 'રમેશ,તને મંજુ મળી શી રીતે?'

રમેશે કહ્યું'અરે,દીવાળી વેકેશનમાં મારા એક મિત્રની ટ્રાવેલ્સ પ્રવાસીઓને લઈને દસેક દિવસ રાજસ્થાનના પ્રવાસે જતી હતી.વેકેશન હતું એટલે એણે મને સાથે આવવાનો આગ્રહ કર્યો.મેં પણ એને કંપની આપવા જવાનું નકકી કર્યું.એમાં આ મંજુ એની દાદીમાને લઈને આવેલી.આમ દસ દિવસ અમે પ્રવાસમાં સાથે રહ્યાં. પ્રવાસ દરમિયાન હું જમવાની વ્યવસ્થા સંભાળતો.વળી દસે દિવસ ફરવામાં,સાથે પ્રવાસ કરવામાં અમે એકબીજાની નજીક આવી ગયાં.એ મને ગમી ગઈ,હું એને.પ્રવાસના છેલ્લે દિવસે બસની પાછળની સીટમાં બંને બેઠા હતાં ત્યારે મેં એને આઈ લવ યુ કહી દીધુ.એણે એના બેય હાથ એના ચહેરા પર મૂકી,આંખો બંધ કરી આઈ લવ યુ કહી જવાબ આપ્યો.પછી તો આખી રાત અમે એકબીજાની આંખોમાં આંખો પરોવી પ્રેમાલાપ કરતા રહ્યા'

તમે કહ્યું'વાહ,સફરના સહપ્રવાસીને તેં તો જીવનભરના સહપ્રવાસી બનાવી દીધા'

રમલો બોલ્યો'અલ્યા તમે કવિઓ એને કાંઈક હમસફર જેવું કહો છો ને?'તમે હસીને હા પાડી.
રમેશ એના પિતાજીનો એકનો એક દિકરો અને પટેલ.એ છોકરી ઠાકોર જાતિની.રમેશના પપ્પા એના ગામના પ્રતિષ્ઠિત વ્યકતિ,બંનેની જાતિ અલગ.લગ્નની સહમતિ મળવી અશક્ય હતી.
રમેશ એક દિવસ મંજુને ભગાડીને લઈ ગયો.એના પિતાનો ગુસ્સો સાતમાં આસમાને હતો. એમના મતે છોકરાએ પ્રતિષ્ઠા પર પાણી ફેરવી નાખ્યું.એમણે રમેશ અને મંજુને શોધવા આકાશ પાતાળ એક કરી નાંખ્યાં.એ દરમિયાન રમેશે મંજુ સાથે કૉર્ટ મેરેજ કરી લીધા. રમેશ અને મંજુ પકડાઈ ગયા.એમને રમેશના પિતા પાસે લઈ ગયા ત્યારે એ એટલા ગુસ્સામાં હતાં કે એમણે એમના એકના એક દીકરા રમેશ પર પોતાની વ્યકતિગત રિવોલ્વૉરમાંથી ફાયરિંગ કરી દીધું.આ તો સમય સૂચકતા વાપરી રમેશ નીચે બેસી ગયો નહી તો ગોળી એના શરીરની આરપાર નીકળી જાત.તરત જ રમેશના પિતાજીની બાજુમાં ઉભેલા કાકાએ રિવોલ્વોર છીનવી લીધી.નહી તો બાપના હાથે દીકરાની હત્યા જ થઈ જાત.
શરુઆતમાં તો એમણે રમેશને ઘરમાંથી કાઢી મૂક્યો,પણ છેવટે બાપ એ બાપ હતો.એકાદ વર્ષ પછી એમનો બિઝનેસ રમેશને સોંપી પોતે પ્રભુભજનની તૈયારી કરી લીધી.થોડો સમય સમાજમાં પણ ચણભણાટ ચાલ્યો,પણ અંતે બધાએ રમેશની સાથે મંજુને પણ સ્વીકારી લીધી.
આજે ગામના ગોંદરે પ્રવેશતાં જ સૌથી મોટો બંગલો રમેશનો છે.સહ પ્રવાસીમાંથી રમેશની જીવનસંગિની બનેલી મંજુ એ બંગલાની અને રમેશના હ્દયની રાજરાણી છે.રમલો કહે એમ કવિઓની ભાષામાં મંજુ રમેશની હમસફર છે.
सरेराह चलते चलते ऐसे ही कोई भिल गया,जो हमसफर बन गया


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED