વસંતોત્સવની યાદો Dr.Sharadkumar K Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંતોત્સવની યાદો

આજે તમારી બાવીસ વર્ષની દીકરી ક્રેયાએ તમને કહ્યું.'કૉલેજના વસંતોત્સવ કાર્યક્રમમાં મારે એક ગીત ગાવાનું છે.તું પણ મારી જ કૉલેજમાં ભણેલી છે,મમ્મી.મારા આચાર્ય સાહેબ કહેતાં હતાં કે તું કૉલેજના લાસ્ટ યરમાં હતી ત્યારે તેં પણ વસંતોત્સવના દિવસે એક ગીત ગાયેલું. એ જ ગીત સાહેબે મને ગાવા કહ્યું છે.સાહેબ કહેતાં હતાં કે તારો અવાજ પણ તારી મમ્મી જેવો છે એટલે એ ગીત તું બહુ સરસ રીતે ગાઈ શકીશ.એ કયું ગીત હતું મમ્મી?તારી પાસે છે?તું મને એનો રાગ શીખવાડીશ?'
તમારાથી બોલાઈ ગયું'ઓહ!'
ક્રેયાએ કહ્યું 'કેમ મમ્મી,શું થયું?તમે અસ્વસ્થ થઈ ગયા?'
'ના,ના બેટા આ તો કૉલેજના એ વખતના અમારા યુવાન લેકચરર અને હવે તારા આચાર્ય ડૉ.દિવાકરને હજુ પણ મારું ગીત યાદ છે એ જાણી ઓહ નીકળી ગયું'તમે તરત જ સ્વસ્થતા ધારણ કરી લીધી.
વસંતોત્સવનું એ ગીત હાલ પીસ્તાલીસ વર્ષેય તમને કંઠસ્થ હતું.તમે ક્રેયાને આખું ગીત ગાઈ સંભળાવ્યું.ચહેરા પરના હાવભાવને બહુ જ જબરજસ્ત રીતે કાબુમાં રાખી ગીત પૂર્ણ કર્યું.એ ગીત સાથે જોડાયેલ તમારી સંવેદનાથી અજાણ ક્રેયા બોલી ઉઠી'વન્ડરફૂલ મમ્મી,અત્યારે તમે આ ગીતને સરસ ગાયું તો એ વખતે કેટલું સરસ ગાયું હશે!એટલે ડૉ.દિવાકર સરને હજુ પણ યાદ છે.તમે સ્મિતથી જવાબ આપેલો.
પછી દીકરી ક્રેયાએ એ ગીતને તમારી પાસે લખાવીને તમારી સ્ટાઈલમાં જ એ જ અદાથી ગાયેલું.લોકો આફરીન પોકારી ઉઠેલા.હા,તમે તબિયતનું બહાનું બનાવીને એ કાર્યક્રમમાં ન હોતાં ગયાં પણ તમારી દીકરીએ તમને યુટયુબ પર મુકાયેલો એનો વિડીયો બતાવ્યો ત્યારે ક્રેયાને સાંભળતા-સાંભળતા તમે તમારી કૉલેજના એ વસંતોત્સવમાં પહોંચી ગયેલાં.
તમારી ક્રેયાના જેમ જ તમે શરીરે પાતળા હતાં.ક્રેયાને ચશ્મા છે તમારે ન હોતા,અલકા.
તમે ગીતની શરુઆત કરી ત્યારે જ વસંતોત્સવમાં આવેલ કૉલેજિયનોએ ચિચિયારીઓ કરી મૂકેલી.એક તો વસંતોત્સવ,એક એવું ગીત,તમે ખુદ વસંત અને પ્રેક્ષકોની યુવાની.તમારું પરફોર્મન્સ ગજબનું રહેલું.અલબત્ત એ વખતે એનું રેકોર્ડીંગ થયું ન હતું.આ ગીત એ વખતે તમારા યુવાન પ્રોફેસર દિવાકરે જ તમને આપેલું.તમે એ ગીતના ગીતકાર કોણ છે એ વિશે કોઈ માહિતી ધરાવતાં ન હતાં.તમારે તો ગાવાથી મતલબ હતો એટલે તમે ડૉ.દિવાકરને પૂછેલું પણ નહી.
તમારું ગીત પુરું થયું.તાળીઓનો ગડગડાટ શમવાનું નામ લેતો ન હતો.ડૉ.દિવાકર એ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યાં હતાં.એમણે તમારી ગાયકી પર તો પ્રશંસાના પૂષ્પો વેર્યા.પછી એમણે એ ગીતના લેખક તરીકે તમારી જ સાથે ભણતાં અવિનાશનો પરિચય કરાવીને સૌને ચોંકાવી દીધા.અવિનાશ આટલા ઉચ્ચ દરજ્જાનો ગીતકાર છે એની સૌને આજે જ ખબર પડી.સ્ટેજ પર તમારી સાથે જ અવિનાશને પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.તમે પણ અવિનાશને થેંક્યુ કહ્યું.એણે પણ એના શબ્દોને સ્વર આપવા બદલ આભાર માન્યો.
તમારી બંનેની આંખમાં એ જ વખતે વસંતના કામણને તમે બંનેએ અનુભવ્યું હતું,અલકા.લવ એટ ફર્સ્ટ સાઈટ એ આને જ કહેવાતું હશે.ધૂળેટીના દિવસે બંને એકબીજાના રંગમાં રંગાઈ ગયાં.કેસૂડાના રંગબેરંગી ફૂલોએ તમને બંનેને વધાવી લીધાં.વસંતોત્સવ તમારા બંનેના જીવનમાં વસંત લઈને આવી જાણે.'ધીરે ધીરે સે મેરી જીંદગીમેં આના' એના બદલે બહુ ઝડપી આવી ગયાં.
તમારી અને અવિનાશની જોડી રતિ અને કામદેવની જોડીથી કંઈ કમ ન હતી.તમે એકબીજાના પ્રેમમાં લીન થવા લાગ્યાં,પણ આ વસંત તમારા જીવનમાં લાંબો સમય ન ચાલી.તમારા ઘરમાં તમારા પ્રેમ પ્રકરણની જાણ થતાં જ તમારા પિતાજીને હ્દયરોગનો હુમલો આવી ગયો.સમયસર સારવાર મળતાં એ બચી ગયાં પણ એમણે બોલાવીને તમને કઈ દીધું.'તારે જે કરવું હોય એ કરજે પણ એનું પરિણામ કાં તો હું નહી અને કાં તો તમે બેય નહી એ જ રહેશે.તારી પાછળ મારે ચાર છોકરીઓ છે.તું આવું કરીશ તો એમનો હાથ સમાજમાં કોણ પકડશે? તું હજુ મને ઓળખતી નથી હું તને અને છોકરાંને ભડાકે દેતાં વાર નહી કરું'
તમારા માટે ધર્મસંકટ ખડું થઈ ગયું.લાંબા વિચારના અંતે તમે તમારા સુખને જતું કરવાનું વિચાર્યું.પિતાજીની ઈજ્જત અને નાની બહેનોનો ખ્યાલ તમને અવિનાશને છોડવા માટે મજબૂર કરવા લાગ્યાં,સાથે અવિનાશની સલામતી પણ એટલી જ અગત્યની હતી.
આખરે એક દિવસ છેલ્લી વાર તમે અવિનાશને મળ્યાં.એને ચોંટીને ચોધાર આંસુએ રડ્યાં.રડતાં રડતાં તમે અવિનાશને છોડવાનો તમારો નિર્ણય જણાવી દીધો.અવિનાશને તો કોઈ નિર્ણય કરવાનો રહ્યો નહી.તમે એને કહ્યું 'અવિનાશ હું આજે તને મારા પ્રેમને મારું કુંવારું શરીર ભેટ કરવા માંગું છું.હું કાયમ માટે તારી શૈય્યા સાથી તો ન બની શકી પણ એક વખત તો એક વખત તું મારી આ અંતિમ ભેટનો સ્વીકાર કર'એમ કહી તમે એને તમારી બાહોમાં લઈ ,એના પર ચુંબનોનો વરસાદ વરસાવી દીધો.
અવિનાશે થોડીવાર સુધી તમારી પીઠ થપથપાવીને,એના શરીરથી તમારા શરીરને અળગું કર્યું.તમારા હાથમાં હાથ લઈને એણે કહ્યું'અલકા,હું તારી ભાવના સમજુ છું પણ મારા પવિત્ર પ્રેમને છેલ્લી ઘડીએ લાંછન નહી લાગવા દઉં.પ્રેમ ભોગવતો નથી ત્યાગ કરે છે.મારે તને ભોગવીને મારા પ્રેમને નિમ્ન કક્ષાએ નથી લઈ જવો.તારી જાતને સંભાળ.'
બસ એ છેલ્લી મુલાકાત પછી તમારા લગ્ન સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થઈ ગયાં.તમારા નસીબે તમને સંસ્કારી પરિવાર અને પ્રેમાળ પતિ મળી ગયા.
અવિનાશ ભારત છોડી અમેરિકામાં સ્થાયી થઈ ગયો.એ માત્ર લેખક જ ન હતો પણ અર્થશાસ્ત્રનો સારો વિદ્યાર્થી હતો,ત્યાં જઈને એણે ઈકૉનોમિકસમાં સારું એવું કામ કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.
અલકા,આ અવિનાશ આજથી સાત વર્ષ પહેલાં પહેલી વખત ઈન્ડિયા આવ્યો ત્યારે તમને મળેલો.તમને અને તમારા પતિ બંનેને એણે જે હૉટલ પર રોકાયો હતો ત્યાં મળવા બોલાવેલાં.એ સમયે તમારા પતિ ધંધાના કામાર્થે બહારગામ હતાં એટલે એમની મંજૂરી લઈને તમે અવિનાશને મળવા હૉટલ પર પહોંચેલા.હૉટલના એના રુમમાં પહોંચતાની સાથે જ તમે 'આઈ લવ યુ'કહીને એને ભેટી પડેલા.એણે પણ લવ યુ ટુ કહીને પ્રત્યુતર વાળેલો.આટલા વર્ષે મળ્યા પછી પણ તમે એને કહેલું'અવિનાશ એક વખત તું મારા શરીર સાથે તારા શરીરને એકાકાર કરી દે'એ વખતે પણ તમને એણે 'પાગલ'કહી વાત ઉડાવી દીધેલી.એના પરિવાર વિશેના પ્રશ્નો એણે સિફતપૂર્વક ટાળેલાં.બે કલાકના રોકાણ દરમિયાન તમે બંનેએ સાથે ભોજન લીધેલું.
અલકા,અવિનાશને કોઈ પરિવાર નથી.એના મમ્મી-પપ્પા અવસાન પામ્યાં છે.એણે લગ્ન કર્યા જ નથી.અર્થશાસ્ત્ર જ એનો પરિવાર છે હવે.હમણાં જ ત્યાંના અખબારમાં અવિનાશનો પરિચય આપતો લેખ લખાયો છે.એમાં લખ્યું છે'અવિનાશ સરનો પ્રથમ પ્રેમ અર્થશાસ્ત્ર છે.અર્થશાસ્ત્ર પ્રત્યેના પ્રેમના કારણે એમને લગ્ન કરવાનો સમય જ ના મળ્યો!'
એ પત્રકારને ક્યાંથી ખબર હોય કે અવિનાશ સરનો પ્રથમ પ્રેમ કોણ છે અને એમણે શા માટે લગ્ન નથી કર્યા.
હા,બરાબર આ સમયે અવિનાશ પણ યુ -ટ્યુબ પર ક્રેયાનું ગીત સાંભળી રહ્યો છે.એ પણ તમારી જેમ જ વસંતોત્સવની યાદમાં ખોવાઈ ગયો છે.એની નજર સમક્ષ અર્થશાસ્ત્ર નથી માત્ર તમે જ છો, અલકા.
जुबां पे यु दर्दभरी दास्तां चली आई।
बहार आने से पहेले फिजां चली आई।।