Jokar - 44 books and stories free download online pdf in Gujarati

જોકર – સ્ટૉરી એક લુઝરની – 44

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 44
લેખક – મેર મેહુલ
અમે નિધિના પાપાને ટાર્ગેટ કર્યા હતા.મારી બધી હરકતો પર તેની નજર હતી.અમે તેની પાસેથી વાત કઢાવી તેનો ખેલ ખત્મ કરવાના જ હતાં ત્યાં તેણે મારાં બડી અને બાપુના મૃત્યુ પર મોટું પ્રશ્નાર્થચિન્હ રાખી દીધું હતું. બકુલે તેનાં પર ગોળી મારી પણ મારે મારાં માતા-પિતાને મૃત્યુનું કારણ જાણવું હતું એટલે મેં બકુલનો નિશાનો ચૂકવી દીધો.
“તે મારાં પાપાને મારવાની કોશિશ કરી?”નિધિ ફોનમાં રાડો પાડતી હતી.હું તેને હકીકત જણાવવા નહોતો ઇચ્છતો.મેં માત્ર એટલું જ કહ્યું હતું કે તેણે આપણને ડેરીડોનમાં જોઈ લીધાં અને જુવાનસિંહને બધી બાતમી આપી દીધી.હું કોઈપણ સંજોગોમાં નિધિને દુઃખી જોવા નહોતો માંગતો.
નિધિના પપ્પાએ પણ એક ચાલ ચાલી હતી.તેનાં ઘરે બોલાવી તેણે જે મારી બેઇજતી કરી હતી એનો હું બદલો લઈ રહ્યો હતો એ વાત તેઓએ નિધિના મનમાં ઘુસાવી દીધી હતી.
“હું તને બધું ના જણાવી શકું નિધિ”મેં કહ્યું, “બસ એટલું સમજી લે હું ખોટું નથી કરી રહ્યો”
“તારે જણાવવું પડશે જૈનીત”નિધિ વધુ જોરથી બરાડી, “મારાં પપ્પાને ખભે ગોળી લાગી છે,અત્યારે એ હોસ્પિટલમાં છે”
હું ચૂપ રહ્યો.નિધિ આવી રીતે રાડો પાડતી હતી એ મને નહોતું ગમતું.
“બોલ જૈનીત,તે કેમ આવું કર્યું?” નિધિએ એ જ ટોનમાં કહ્યું.એનો અવાજ જેમ જેમ ઊંચો થતો જતો હતો તેમ તેમ એ મારાથી દૂર જતી હોય એવો મને ભાસ થતો હતો.
“ફાઇન, મને એક સવાલનો જવાબ આપી દે”નિધીએ આખરે શાંત પડતાં કહ્યું, “તે જ મારાં પપ્પાને ગોળી મારી છેને, મને વિશ્વાસ નથી આવતો એટલે ખાત્રી કરવી છે”
“હમમમ”મેં ટૂંકમાં જવાબ આપ્યો.
“આજ પછી મારી સામે ના આવતો”તેણે કહ્યું, “હું તારી કોઈ નથી લાગતી”
ફોન કટ થઈ ગયો.એ શું કહી ગઈ હતી.મારે નિધીને ભૂલી જવાની હતી.બે વર્ષથી એક સાથે હતા અને હવે બે જ મિનિટમાં તેને ભૂલી જવાની.મને આઘાત લાગ્યો હતો.નિધિના આવા શબ્દો મને તીરની જેમ ચુભ્યા હતાં.તેનાં પપ્પાની હકીકત જણાવી હું નિધીને ફરી પામી શકું એમ હતો પણ મારે એ નહોતું કરવું.નિધિ દુઃખી થાય એનાં કરતાં હું દુઃખી થાઉં એ મને કબૂલ હતું.
ફરી સુરતના સમાચારોમાં મારી તસ્વીરો છપાણી.ટ્રાવેલ્સના માલિક પર આત્મઘાતી હુમલાની હેડલાઈન ખબર ફરી પવન વેગે ફેલાય.
જુવાનસિંહનો મારાં પર કૉલ આવ્યો.
“બાબુચક તને સમજાતું નથી”જુવાનસિંહે ગુસ્સામાં કહ્યું, “કેટલીવાર કહ્યું હતું તને અન્ડરગ્રાઉન્ડ થઈ જા.તને સમાજસેવા કરવાનું એટલું મોટું ભૂત ચડ્યું છે?”
મારી બાજુમાં બકુલ ઉભો હતો.તેણે મારી પાસેથી મોબાઈલ લઈ લીધો.
“હવે એવું નહિ થાય જુવાનસિંહ”બકુલે કહ્યું, “આજે જ તેને હું સુરત બહાર મોકલી દઈશ”
“જલ્દી કરજે”જુવાનસિંહે શાંત પડતાં કહ્યું, “વિક્રમ દેસાઇએ તેનાં બધાં ચમચાઓને એની પાછળ છુટા કર્યા છે”
ફોન કટ કરીને બકુલે જોરથી પગ પછાડ્યો.પોતાનાં જ વાળ નોચ્યાં અને બેડ પર બેસી ગયો.મેં ડ્રોવરમાંથી સિગરેટ કાઢી તેને આપી.
“તારે જવું પડશે અહીંથી”તેણે ઊંડો કશ ખેંચીને કહ્યું.
“શું બકવાસ કરે છે?”મેં કહ્યું, “હું ક્યાંય નથી જવાનો”
“સમજ તું અલા”બકુલે કહ્યું, “જીવતો રહીશ તો પછી પણ આ મિશન પૂરું કરી શકીશ,આ જાનવર જેવાં હાથ ધોઈને પાછળ પડ્યા છે”
“તો શું એ લોકોના ડરથી મારે છુપાઈને રહેવાનું”મેં કહ્યું.
“એ સમજ તું”બકુલે કહ્યું, “હાલ અન્ડરગ્રાઉન્ડ થવામાં જ ભલાઇ છે તારી”
“પણ હું જઈશ ક્યાં?”આખરે મને પણ બકુલની વાત સાચી લાગી.
“એ બધું હું ગોઠવી આપીશ” બકુલે કહ્યું, “આપણી પાસે પેલાં રૂપિયા છે એ હું તને લાવી આપું છું.તું થોડાં સમય માટે ભૂલી જા બધું.જ્યાં તને કોઈ ના ઓળખતું હોય એવા સ્થળે પહોંચી જા”
“અમદાવાદ?”મેં પૂછ્યું.
“ના,ગુજરાતમાં ક્યાંય નહીં”બકુલે કહ્યું, “કોઈ બીજા રાજ્યમાં જ ચાલ્યો જા”
“બીજે તો ક્યાં જવું”મેં પૂછ્યું.
“માઉન્ટ આબુ”બકુલે કહ્યું, “ત્યાં થોડાં ગુજરાતી લોકો પણ મળી જશે અને કઈ ઓળખશે પણ નહીં”
“તને જેમ યોગ્ય લાગે”મેં કહ્યું.
***
હું માઉન્ટ આબુ આવ્યો તેને એક અઠવાડિયું થઈ ગયું હતું.મેં બધું જ પાછળ છોડી દીધું હતું.નિધિ સાથે મેં તે દિવસ પછી વાત નહોતી કરી.નિધીએ પણ મારી સાથે વાત કરવાની કોશિશ નહોતી કરી.તેની યાદો મને વારે વારે રડાવી જતી.
શિયાળો શરૂ થઈ ગયો હતો.તાપમાન 10°થી પણ નીચે આવી ગયું હતું.માઉન્ટ આબુ સારી જગ્યા હતી.આબુ રોડથી ત્રીસ કિલોમીટરની ચડાઈ એક જુદો જ અનુભવ આપી ગઈ.વળાંકોથી રચાયેલો રસ્તો જોવામાં ક્યારે આબુ આવી ગયું મને ખ્યાલ જ ના રહ્યો.
મેં એક રૂમ ભાડે રાખ્યો હતો.સમય પસાર કરવા માટે મેં ગુરુશીખર તરફ જતાં રસ્તા પર એક દુકાન પણ ભાડે રાખી હતી.જ્યાં મેં રજવાડી તથા જુદાં જુદાં પગરખાંઓનું વેચાણ શરૂ કર્યું હતું.મને કોઈ ઓળખી ના જાય એ માટે મેં વાળ અને દાઢી વધારવાનું નક્કી કર્યું હતું.
છેલ્લાં આઠ દિવસમાં આ બધી વ્યવસ્થા કરી હતી.સાથે નવરાશના પળોમાં હું આબુમાં જોવાલાયક સ્થળોએ પણ ફરી આવ્યો હતો.આબુમાં ઘણા વિહારધામ હતા.જેમાં ગુરુશીખર,અચલગઢ,દેલવાડાના દેરા અને સનસેન પોઇન્ટ મુખ્ય હતા.રાત્રે નક્કી તળાવમાં બરફ જામી જતો.ક્યારેક ત્યાં પણ હું ફરી આવતો.
આ બધા સ્થળોમાંથી હું દરરોજ એકવાર ગયો હોઉં તેવી એક જગ્યા હતી.સનસેટ પોઇન્ટ પર બેસીને ડુબતા સૂરજ સાથે મારી લાઈફ પણ કેવી રીતે ડૂબી એ હું યાદ કરતો.એને ડાયરીમાં ઉતારતો હું લુઝર બની ગયો હતો. મારી લાઈફમાંથી બધું જ છીનવાઈ ગયું હતું.
મને અહીં બેસવું ગમતું.કલાકો સુધી હું અહી મૌન બેસી રહેતો.શરૂઆતમાં ગાઈડ અહીંથી જવા કહેતાં પણ રોજ જવાના કારણે એ પણ હવે મને ઓળખવા લાગ્યા હતા.હું અહીં આવતાં લોકોને જોતો.ઘણાં કપલ્સ અહીં હાથમાં હાથ રાખીને બેસતાં ત્યારે મને નિધિ યાદ આવી જતી.તેનો સ્પર્શ મને રડાવી જતો.ઘણીવાર ખુલ્લી આંખે રાત પસાર થઈ જતી.
બકુલનો રોજ ફોન આવતો.હું સુરક્ષિત છું એ જાણવા.હું નિધિના સમાચાર પૂછતો તો એ ચૂપ થઈ જતો.મારી સાથે નિધીએ પણ કૉલેજ છોડી દીધી.એ હવે કોઈના સંપર્કમાં નહોતી. બકુલ અને શેફાલી કૉલેજમાં અમને મિસ કરતાં એવું બકુલ કહેતો.નિધિની વાત આવતાં હું બકુલ સામે પણ રડી પડતો.એ મને રડવા દેતો.સાચો દોસ્ત હતો એ મારો.
એક મહિનો થઈ ગયો પણ નિધીનો કોઈ દિવસ ફોન ન આવ્યો.બકુલ મને કહેતો, ક્યારેક નિધિ નજરે ચડતી તો એ નજર અને રસ્તો બંને ફેરવી લેતી.
મેં જુવાનસિંહ સાથે પણ સંપર્ક કર્યો હતો.તેઓએ મને હજી બે-ત્રણ મહિના સુરતમાં ન આવવા સલાહ આપી.આ એક મહિનામાં મારી દાઢી વધી ગઈ હતી.વાળમાં પણ મને કોઈ ઓળખી ન શકે એવો વધારો થઈ ગયો હતો.
સનસેટ પોઇન્ટ જવાનો સિલસિલો અકબંધ હતો.હું રોજ ત્યાં બે કલાક બેસીને મારી ડાયરી સાથે વાતો કરતો.એ ડાયરીમાં મારી નિધિ જીવંત હતી.એ દિવસે હું સનસેટ પોઇન્ટ પર બેસીને નિધિની યાદો વાગોળી રહ્યો હતો. મારી આંખો આપોઆપ ભીંની થઈ ગઈ હતી.કોઈ મને આવી સ્થિતિમાં જોઈ ના જાય એટલે હું સૌથી દૂર બેસતો.
હું નિધિની યાદોમાં ખોવાયેલો હતો ત્યાં કોઈનો અવાજ મારાં કાને પડ્યો, “રોને સે અગર સબ કુછ ઠીક હો જાતા તો મેં ચોબીસો ઘંટે રોતી રહતી”
(ક્રમશઃ)
કોણ હતી એ છોકરી?શા માટે જૈનીત પાસે આવી હતી?,જૈનીત પોતાનો બદલો લઈ શકશે?,નિધિના પપ્પા જૈનીતના મમ્મી-પપ્પાનું શું રહસ્ય જાણતાં હતા?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED