Pratishodh - 1 - 18 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 18

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:18

મે 2002, અબુના, કેરળ

ઈલ્યુમીનાટી સંસ્થાનાં લોકો જ અબુનામાં આવેલી વિપદાઓ પાછળ જવાબદાર છે એ વાત જાણી લીધાં બાદ શંકરનાથ પંડિત અને સૂર્યા હેનરીનાં ઘરે પાછાં આવી ગયાં. જમવાનો વખત થઈ ગયો હોવાથી હેનરીની પત્ની કૅથરીનનાં કહેવાથી પંડિત અને સૂર્યાને હાથ-પગ ધોઈને ભોજન ગ્રહણ કરી લીધું.

જમતાં-જમતાં કૅથરીને જણાવ્યું કે આજે ગામમાં થયેલાં તીડનાં ભયંકર આક્રમણ પછી ગામનાં બધાં લોકોએ આગળ શું પગલાં ભરવા જોઈએ? એ માટે એક ગ્રામસભાનું આયોજન કર્યું છે. હેનરી એ સભામાં ગયો હોવાથી રાતે ક્યારે આવશે એનું કોઈ ઠેકાણું નથી એવું કૅથરીને કહ્યું. અબુનામાં આવી પડેલી આ વિપદાઓએ હેનરીની માફક કૅથરીનને પણ માનસિક રીતે પરેશાન કરી મૂકી હતી એ એની વાતોમાં ડોકાતું હતું.

સ્વાદિષ્ટ ભોજન જમાડવા માટે કૅથરિનનો આભાર માનીને શંકરનાથ પંડિત સૂર્યા સાથે પોતે રોકાયાં હતાં એ રૂમમાં આવી ગયાં. એમને રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો અને ત્યારબાદ બાથરૂમનો નળ ગતરોજની માફક ચાલુ કરી દીધો. આટલું ઓછું હતું તો એમને પોતાનાં સામાનમાંથી એક રેડિયો નીકાળી એની ઉપર આકાશવાણી ચાલુ કરી દીધું.

પોતાનાં દાદા બહાર અવાજ ના જાય એ હેતુથી આ બધું કરી રહ્યાં હતાં એ સમજતાં સૂર્યાએ જાણીજોઈને ટેબલ ફેન પણ ચાલુ કરી દીધો. સૂર્યાની આ હરકતથી પંડિતે પ્રસંશનીય નજરે સૂર્યાની તરફ જોયું અને બોલ્યાં.

"સૂર્યા, ઈલ્યુમીનાટી સંસ્થાનો સામનો કરવો હશે તો આપણે માનસિક રીતે પોતાની જાતને તૈયાર કરવી પડશે. આજે મોડી રાત સુધી સપ્તચક્ર જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી મારી ધ્યાનવિધી ચાલુ રહેશે. આ દરમિયાન કોઈ વ્યક્તિ મારી ધ્યાન વિધીનો ભંગ ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી તારી છે."

"દાદાજી, તમે કોઈ ખોટું કામ તો કરતાં નથી." સૂર્યાએ કહ્યું. "તો પછી આ કાર્ય આમ છુપાઈને કેમ કરવું પડે?"

"સૂર્યા, અમુક પ્રશ્નોનાં જવાબ ના હોય.!" સસ્મિત શંકરનાથે કહ્યું. "આમ છતાં કાલે રાતે તને તારાં પ્રશ્નનો જવાબ મળી જશે."

આટલું કહી શંકરનાથે પોતાની માટે એક આસન બિછાવ્યું. આસનની સામે દિવાલનાં ટેકે માં કાળીનો ફોટો મૂકી, એ ફોટોને કુમકુમ લગાવ્યું અને ત્યારબાદ ધ્યાનમગ્ન થઈને બેસી ગયાં.

ત્રણ કલાક કરતાં પણ વધારે સમય સુધી શંકરનાથ ધ્યાનમગ્ન અવસ્થામાં બેસી રહ્યાં. આ દરમિયાન સૂર્યાએ અનુભવ્યું કે એનાં દાદાજીનાં શરીરની આસપાસ હકારાત્મક ઉર્જા કેન્દ્રિત થવાં લાગી હતી. આ હકારાત્મક ઉર્જા એ વાતનું પ્રતીક હતી કે શંકરનાથ પંડિત હવે માનસિક રીતે આવતીકાલે રાતે શૈતાની શક્તિઓનો મુકાબલો કરવા આત્મસજ્જ છે.

"સૂર્યા, રાત બહુ થઈ ગઈ છે. તું સુઈ જા.!" ધ્યાનમાંથી બેઠાં થતાં જ શંકરનાથે સૂર્યાને સંબોધીને કહ્યું.

"પણ તમે ક્યાં જાવ છો?" પંડિતને દરવાજા તરફ આગળ વધતાં જોઈને સૂર્યાએ પૂછ્યું.

"એક અગત્યનાં કામે..!" પંડિતે કહ્યું. "તું શાંતિથી સુઈ જા."

આટલું કહી શંકરનાથ પંડિત કોઈ અવાજ ના થાય એ રીતે હેનરીનાં ઘરમાંથી બહાર નીકળી ગયાં. સૂર્યા પણ પોતાનાં દાદાજીની આજ્ઞાનું માન રાખી સુઈ ગયો.

*****

હેનરીનાં ઘરેથી નીકળી પંડિત ઉતાવળાં ડગલે ગામની બીજી તરફ આવેલાં હિંદુઓનાં ઘર તરફ આગળ વધ્યાં. અડધાં-પોણા કલાક સુધી સતત ચાલ્યાં બાદ પંડિત કેશવના ઘરની બહાર પહોંચી ચૂક્યાં હતાં.

શંકરનાથને અચાનક ત્યાં આવેલાં જોઈને કેશવ સ્તબ્ધ થઈ ગયો. કેશવે એમનાં ત્યાં અચાનક આવવાનું કારણ પૂછ્યું તો પંડિતે કેશવને જણાવ્યું કે તાત્કાલિક અહીં રહેતાં બધાં હિંદુ પરિવારને ફટાફટ એકઠાં કરવામાં આવે. પંડિતનો આદેશ માથે ચડાવી કેશવે ફટાફટ આસપાસ રહેતાં બધાં હિંદુ પરિવારોને એકત્રિત કર્યાં. કુલ મળીને ત્રીસ લોકો અત્યારે કેશવના ઘરની બહાર આવેલાં ખુલ્લા ભાગમાં મોજુદ હતાં.

"અમને અહીં અચાનક એકત્રિત કરવાનું કોઈ ખાસ કારણ!" કેશવના દીકરાએ પંડિતને ઉદ્દેશીને કહ્યું.

"તમે રામૈયાને ઓળખો છો?" પંડિતે સવાલ કર્યો.

"હા, રામૈયા મારાં દાદાનાં ભાઈનો દીકરો થાય." એક ચાલીસી વટાવી ગયેલાં પુરુષે કહ્યું. "શું થયું છે એને.?"

"આવતીકાલે ઈલ્યુમીનાટી સંસ્થાનાં લોકો રામૈયાની દીકરી નયનતારાની બલી આપવાનાં છે." પંડિતે કહ્યું. "પણ હું એ માસુમની બલી ચડવા નહીં દઉં, ભલેને એ માટે મારે મારાં પ્રાણ પણ ગુમાવવા પડે."

"તમે અમારાં બધાં માટે આટલું બધું જોખમ ઉઠાવવા કેમ તૈયાર થયાં છો?" એક વૃદ્ધ વ્યક્તિએ પંડિતને વાત સાંભળીને કહ્યું.

"કેમકે, તમે લોકો પોતાનાં માટે જોખમ ઉઠાવવા નથી માંગતા." પંડિતે સપાટ સુરમાં કહ્યું. "તમારામાં રહેલી એકતાનો અભાવ અને તમારા મનમાં વ્યાપ્ત ડર તમારી આવી દશા પાછળ જવાબદાર છે. રામૈયા જેવાં લોકો પર જે મુશ્કેલી આવે છે એને એ લોકોએ જ ભોગવવી રહી, એવો તમારો વિચાર તમારાં જ ભાઈઓની દારુણ સ્થિતિ માટે જવાબદાર છે. આપણી આ જ માનસિકતાને લીધે આપણે સદીઓ સુધી પહેલાં મુઘલોની અને પછી અંગ્રેજોની ગુલામી કરવાનો વારો આવ્યો. હજુ પણ આપણે જો પોતાની સમસ્યાઓ સામે લડવાને બદલે એનો સ્વીકાર કરીશું તો નજીકમાં આપણી ભાવિ પેઢીને પણ ગુલામી સહન કરવી પડશે."

શંકરનાથ પંડિતની વાતો સાંભળી ત્યાં મોજુદ બધાં લોકોનાં ચહેરા નતમસ્તક થઈ ગયાં. એમની વાતોમાં રહેલી સચ્ચાઈનો તાપ જીરવવાની ક્ષમતા એ લોકોમાં નહોતી.

"તો અમે કરી પણ શું શકીએ? સાંજે જે વૃદ્ધા ઈલ્યુમીનાટી વિશે જણાવતાં હતાં એમને શાંતિનો ભંગ કરતાં કહ્યું. "એ લોકો બહુ શક્તિશાળી છે, અમે બધાં એમનો મુલાબલો કેમ કરી શકીશું?"

"સાપ ગમે તેટલો શક્તિશાળી કેમ ના હોય!" પંડિતે કહ્યું. "કીડીઓનું ટોળું ધારે તો એનો ખાત્મો કરી શકે છે. તમારે કંઈ વધુ કરવાનું નથી પણ કાલે રાતે બાર વાગે ધર્માંતરણ પામેલાં તમારાં જ ભાઈઓને લઈને તળાવની પેલી પાર જંગલમાં આવેલી ગુફાઓમાં આવવાનું છે. તમારાં હાથમાં જે કંઈપણ નાનું-મોટું હથિયાર આવે એ સાથે લેતાં આવજો."

"શું તમે તમારાં દુશ્મનોનો મુકાબલો કરવા તૈયાર છો? શું તમે તમારા જોડે થતાં આવેલાં અન્યાયનો બદલો લેવાની હિંમત ધરાવો છો.? શું તમારી આવનારી પેઢીનું ભવિષ્ય સુદૃઢ કરવાની ચાહના તમારામાં છે?"

"હા..અમે તૈયાર છીએ.!" શંકરનાથના પ્રશ્નોનાં ઊંચા અવાજે જવાબ આપતાં ત્યાં હાજર બધાં લોકોએ એક સુરમાં કહ્યું.

"તો પછી હું પણ તમને વચન આપું છું કે આવતીકાલનો દિવસ ન્યાયનો દિવસ હશે, બદલાનો દિવસ હશે, મુક્તિનો દિવસ હશે.!" પંડિતના જુસ્સાપ્રેરક શબ્દોએ ત્યાં હાજર લોકોમાં જોમ ભરવાનું કામ કર્યું.

એ લોકોને અન્ય જરૂરી સલાહ આપી પંડિત શંકરનાથ જે રીતે આવ્યાં હતાં એ જ રીતે હેનરીનાં ઘર તરફ અગ્રેસર થયાં.

પંડિત જ્યારે હેનરીનાં ઘરે આવ્યાં ત્યારે રાતનાં ત્રણ વાગી ચૂક્યાં હતાં. આવતીકાલે રાતે થનારાં મુકાબલા માટે શરીરને થોડું ચુસ્ત રાખવું જરૂરી હતું, આથી પંડિત સૂર્યાની બાજુમાં જઈને સુઈ ગયાં.

**********

બીજાં દિવસનો સૂર્યોદય અબુનાનાં લોકો માટે ક્રાંતિનો દિવસ સાબિત થવાનો હતો કે પછી વિનાશનો એ તો કુદરતને જ ખબર હતી. સવારે જ્યારે પંડિત અને સૂર્યા સ્નાનઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરીને નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર આવ્યાં ત્યારે પંડિતે કૅથરિનને કહ્યું કે એ અબુનાથી જઈ રહ્યાં છે.

અબુના પર આવેલી વિપદાઓનો સામનો કરવાની એમની ક્ષમતા નથી એટલે નાછૂટકે તેઓ પોતાનાં પૌત્રને લઈને મયાંગ જવા રવાના થઈ રહ્યાં હોવાનું પંડિતે કહ્યું ત્યારે કૅથરીને એમને રોકવાનો પ્રયત્ન કરવાનાં બદલે એમ કહ્યું કે 'હવે જો એમને અબુનાનાં લોકોને નોંધારા મૂકીને જવાનું નક્કી કરી જ લીધું છે તો હવે એમને રોકવાનો કોઈ અર્થ નથી.!"

કૅથરિનનો આભાર માની પંડિત અને સૂર્યાએ પોતાનો સામાન લઈને હેનરીનાં ઘરમાંથી વિદાય લીધી. એ લોકો ત્યાંથી ગયાં ત્યાં સુધી હેનરી પોતાનાં ઘરે આવ્યો નહોતો.

પંડિત સૂર્યાને લઈને ફટાફટ સેન્ટ લુઈસ ચર્ચ તરફ અગ્રેસર થયાં. અચાનક પોતાનાં દાદાએ હેનરીનું ઘર મૂકવાનો નિર્ણય કેમ લીધો એ હજુપણ સૂર્યાની સમજ બહારનું હતું.

ચર્ચ પહોંચીને પંડિત શંકરનાથે રાત સુધી પોતાનાં અને પોતાનાં પૌત્રને કોઈ ઉચિત જગ્યાએ છુપાવી દેવાની વિનંતી ચર્ચનાં મુખ્ય પાદરી પોલ જોનાથનને કરી. પંડિત શંકરનાથ એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યાં હોવાનું જાણતાં ફાધર પોલે એમને અને સૂર્યાને પોતાનાં માટે ચર્ચની પાછળ બનાવવામાં આવેલી અલાયદા કેબિનમાં જઈને રાત સુધી રોકાવવાની સગવડ કરી આપી.

બપોરે આખા ગામમાં માખીઓ અને કીડાનો ઉપદ્રવ અચાનક વધી ગયો. ઈશ્વર દ્વારા અબુના લોકોને આપવામાં આવેલી આવેલી આ સાતમી વિપદા હતી. ઈશ્વરની આઠમી વિપદા રૂપે સાંજના પાંચ વાગે તો સમગ્ર અબુના પર અંધકારની ચાદર ફરી વળી. સામાન્ય અબુનાવાસી તો ગામમાં આવેલી આ વિપદાઓ સામે હાર સ્વીકારીને પ્રભુને શરણે બેસી ગયો ગયો.

રાતનાં અગિયાર વાગી ગયાં હતાં. રામૈયાની દીકરી નયનતારાની બલીને હવે માત્ર એક જ કલાકની વાત હતી. આકાશનો રંગ ધીરે-ધીરે કાળામાંથી રતાશ પડતો થઈ ગયો હતો. નજીકમાં જ આકાશમાંથી આગનાં ગોળા વરસવાના છે, એવું લાગી રહ્યું હતું.

પંડિત શંકરનાથ અને સૂર્યા તળાવની બીજી તરફ આવેલાં જંગલો તરફ જવા પ્રસ્થાન કરી રહ્યાં હતાં ત્યારે ફાધર પોલે એમને કહ્યું કે.

"દરેક મનુષ્ય ઈશ્વરની સંતાન છે. માનવતા સૌથી મોટો ધર્મ છે. અને જે લોકો માનવતાની વિરુદ્ધ હોય એ લોકોનો કોઈ ધર્મ નથી હોતો. હું પણ તમારી સાથે આવીશ, માનવતાનાં શત્રુઓનો મુકાબલો કરવા."

ફાધર પોલ જો સામેથી જ આવું કહી રહ્યાં હોય તો એમને ના પાડવાનો શંકરનાથ પંડિત જોડે કોઈ સવાલ જ નહોતો. આખરે એમને ફાધરને પણ પોતાની જોડે આવવા કહ્યું.

આ સાથે જ પંડિત, સૂર્યા અને ફાધર પોલ ઈલ્યુમીનાટી સંસ્થાનાં શૈતાન બની ચૂકેલાં મનુષ્યોનો સામનો કરવા માટે ચાલી નીકળ્યાં.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED