Pratishodh - 1 - 3 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 3

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:3

ઓક્ટોબર 2001 મયાંગ, અસમ

પોતાનાં દાદાની આજ્ઞાનું પાલન કરવા સૂર્યા અબ્રાહમની આત્માનો શિકાર કરવા બિહામણા જંગલોમાં પ્રવેશી ચૂક્યો હતો. જાણે મોટું ચક્રવાત આવવાનું હોય એમ જંગલોમાં પવનનું જોર વધી ગયું હતું. આમથી તેમ હાલકડોલક થતાં વૃક્ષોનાં પરસ્પર ઘસાવાના લીધે ઉત્તપન્ન થતો વિચિત્ર ધ્વનિ આ સમયે હાડ ધ્રુજાવી નાંખે એવો ભયાનક લાગી રહ્યો હતો.

"એ બાળક, જતો રહે અહીંથી પાછો!" એક તીણો સ્ત્રી અવાજ સૂર્યાના કાને પડ્યો. "અબ્રાહમની આત્મા હવે એકલી નથી, એની સાથે અમે પણ છીએ."

"તો પછી હું તમારાં બધાંનો પણ એની સાથે શિકાર કરીશ.!" સૂર્યા આજુબાજુ નજર ઘુમાવતાં મક્કમ અવાજે બોલ્યો.

"તારાં દાદા છેલ્લાં પાંચ દશકાથી અમારી જેવી આત્માઓ પાછળ હાથ ધોઈને પડ્યાં છે." ક્રોધભર્યો પુરુષ સ્વર પડઘાઈ રહ્યો હતો. "એનાં લીધે જ હું દહેરાદૂનથી આ વેરાન જંગલોમાં આવી ગયો. એ બુઢ્ઢાને વળી મારી જોડે એવી તે શું દુશ્મની હતી કે મને છેક દેહરાદૂનથી અહીં લાવીને આ જંગલોમાં કેદ કરી દીધો."

"જે લોકોની આત્મા કોઈ નિર્દોષને પરેશાન કરી રહી હોય એવી દરેક આત્માઓ સાથે મારાં દાદાને આપમેળે દુશ્મની બંધાઈ જતી હોય છે." સૂર્યાના અવાજમાં થોડો પણ ડર નહોતો. "કોઈપણ ધર્મનાં લોકો કેમ ના હોય, જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા શૈતાની આત્માને પકડવા મારાં દાદાને બોલાવવામાં આવે તો એ તુરંત મદદે પહોંચી જાય છે; દાદા દરેક ધર્મનાં લોકોની મદદ કરે છે,હિંદુ, મુસ્લિમ, શીખ હોય કે ઈસાઈ હોય. તમે પણ આવી જ શૈતાની આત્માઓ છો એટલે જ તમને અહીં જંગલમાં લાવીને કેદ કરવામાં આવી છે."

"તારાં દાદાએ અમારી સાથે જે કર્યું છે એનો બદલો અમે આજે તારી જોડે લઈશું." ફરીવાર એ જ સ્ત્રી અવાજ સંભળાયો, જે સૌથી પહેલાં સંભળાયો હતો.

"સ્વાગત છે તમારું." આટલું કહી સૂર્યાએ એની ડાબી તરફ આવેલાં પીપળાનાં વૃક્ષની ઉપર જોયું, જ્યાં બેસેલી એક સ્ત્રીની આત્મા એની તરફ જોઈ રહી હતી. સૂર્યાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વિનાં પોતાનાં ખિસ્સામાં રહેલી કપડાંની નાની પોટલી એ આત્માની ઉપર ફેંકી.

એ પોટલી જેવી પીપળા પર બેસેલી સ્ત્રી આત્મા સાથે અથડાઈ એ સાથે જ એની ઉપર બાંધેલી નરાસરીની ગાંઠ ખૂલી ગઈ અને અંદર રહેલ ભભૂત અને સિંદૂર જઈને એ સ્ત્રી આત્મા ઉપર પડ્યું. બીજી જ ક્ષણે એ સ્ત્રી આત્મા આગની જ્વાળાઓમાં સપડાઈ ગઈ. સૂર્યા જોડે બદલો લેવાની વાત કરનારી એ સ્ત્રી આત્મા એક મિનિટમાં તો નામશેષ થઈ ગઈ.

પોતાને પડકાર ફેંકનાર અન્ય પુરુષ આત્મા પણ સૂર્યાએ વાંસનાં છોડ પાછળ જોઈ લીધી. આઠ વર્ષના માસુમ બાળક દ્વારા જે રીતે શક્તિશાળી આત્માનું નિકંદન કાઢી નંખાયું હતું એ જોઈ ઈસાઈ ધર્મી પુરુષ આત્મા ગભરાઈ ચૂકી હતી. એને જોઈને સૂર્યા સમજી ગયો કે આ ડેવિડ નામક વ્યક્તિની આત્મા છે જેને એનાં દાદા દહેરાદૂનથી કેદ કરીને અહીં લાવ્યાં હતાં. પોતાનાં પરિવારની હત્યા કરનારાં ડેવિડનું મોત તો પોલીસની ગોળીઓ દ્વારા થઈ ગયું હતું પણ એની આત્મા ભટકતી રહી ગઈ. સતત ત્રણ વર્ષો સુધી દહેરાદૂનનાં લોકોને રંઝાડયાં બાદ ડેવિડની આત્માને કેદ કરી શંકરનાથ અહીં લઈ આવ્યાં હતાં.

"તું ડેવિડ છે ને?" સૂર્યાએ ડેવિડ તરફ જોતાં કહ્યું.

"તું મને જોઈ શકે છે?" ડેવિડ ગભરાતાં સુરે બોલ્યો.

"હા હું જન્મથી પરલૌકિક શક્તિઓને નરી આંખે જોઈ શકવાની શક્તિ ધરાવું છું. દાદાજીએ તો તારી આત્માને એટલાં માટે અહીં કેદ કરી કે તું જો અહીં રહીને સુધરી જાય તો એ તારી આત્માને મુક્ત કરી હેવનમાં મોકલી શકે; પણ લાગે છે તું હેલમાં જવાનાં જ લાયક છો." આટલું કહી સૂર્યાએ પોતાનાં જોડે રહેલ પાણી ભરેલાં ફુગ્ગાને ડેવિલ તરફ ફેંક્યો.

ફુગ્ગામાં રહેલું પાણી ચર્ચનું હોલી વોટર હતું; જે ડેવિડ પર પડતાં જ એની આત્મા પણ આગળની સ્ત્રી આત્માની માફક સળગી ઉઠી. ડેવિડની આત્માને એને અંજામ સુધી પહોંચાડ્યા બાદ સૂર્યાએ પોતાનાં હાથને પહેલાં છાતી અને પછી કપાળને સ્પર્શ કરાવી ક્રોસનું નિશાન બનાવ્યું અને મનોમન બાઇબલની અમુક પંક્તિઓ બોલ્યો.

"અબ્રાહમ, હવે છુપાઈને રહેવાનો કોઈ અર્થ નથી." અબ્રાહમનો બચાવ કરવા વચ્ચે આવનાર સ્ત્રી આત્મા અને ડેવિડની આત્માનો અંત કરી દીધાં બાદ સૂર્યાએ ગર્જના કરતાં કહ્યું. "તું શાંતિથી મારી સામે આવી જા તો હું તારી આત્માને કોઈ દર્દ આપ્યાં વગર મુક્તિ આપી દઈશ, નહીં તો.."

હજુ સૂર્યા પોતાની વાત પૂરી કરે એ પહેલાં તો સૂર્યાને પીઠ પર જોરદાર ધક્કો લાગ્યો અને એ જમીન પર પટકાયો. જમીન પર પટકાવાથી એનાં હાથમાં રહેલી ચાંદીની કટાર નીચે પડી ગઈ. સૂર્યા ઉભો થાય એ પહેલાં તો એક મોટું લાકડું ઉડીને આવ્યું અને સૂર્યા એની નીચે દબાઈ ગયો; લાકડાંની નીચેથી નીકળવાની ઘણી કોશિશ કર્યાં પછી પણ સૂર્યા પોતાની ઉપરથી એ લાકડું ખસેડવામાં અસમર્થ રહ્યો.

"આવ્યો હતો મારો શિકાર કરવા!" અબ્રાહમનું અટ્ટહાસ્ય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું. "હવે હું કરીશ તારો શિકાર!"

★★★★★★★

ઓક્ટોબર 2019, દુબઈ

"જાનકી...જાનકી, પ્લીઝ હેલ્પ મી." બાલ્કનીની રેલિંગ પકડીને નીચે લટકી રહેલો આદિત્ય મદદ માટે ચિલ્લાઈ રહ્યો હતો. નીચે પડ્યાં પહેલાં આદિત્યએ સ્ફુર્તિથી બાલ્કનીની રેલિંગને પકડી લીધી હતી, જો એને આવું ના કર્યું હોત તો દસમા માળેથી નીચે પડવા પર એ સીધો ઉપર સ્વર્ગલોક પહોંચી જાત.

"આદિત્ય, તું અહીં કઈ રીતે?" આદિત્યનો અવાજ સાંભળી જાનકી અને આધ્યા કિચનમાંથી દોડીને બાલ્કનીમાં આવી પહોંચ્યાં હતાં.

"એ બધું પછી પૂછજે, પહેલાં તું આદિત્યને ઉપર ખેંચવામાં મારી મદદ કર." આધ્યાએ આદિત્યને ખભેથી પકડીને ઊંચો કરવાની કોશિશ કરતાં જાનકીને કહ્યું. પાંચેક મિનિટની જહેમત બાદ જાનકી અને આધ્યા મહાપરાણે આદિત્યને ઉપર ખેંચવામાં સફળ રહ્યાં.

આદિત્ય, જાનકી અને આધ્યા બાલ્કનીમાંથી હોલમાં આવ્યાં ત્યાં સુધી એ ત્રણેય મૌન હતાં, પણ જેવાં એ લોકો હોલમાં મૂકેલાં સોફા પર બેઠાં એ સાથે જ જાનકી આદિત્ય પર તાડુકી.

"તું ત્યાં બાલ્કનીમાં શું કરતો હતો? દીદીનો ફ્લેટ છેક દસમા માળે છે એ જાણતો હોવાં છતાં તારે રેલિંગની આટલી નજીક જવાની શું જરૂર હતી? તને કંઈ થઈ ગયું હોત તો..!"

"જાનકી, જસ્ટ રિલેક્સ. ઉપરવાળાનો આભાર માનીએ કે આદિત્ય સહીસલામત છે, એન્ડ હવે તું આ બધી વાત મૂક અને આદિત્ય માટે ઠંડુ પાણી લેતી આવ." આધ્યાનાં આમ બોલતાં જ જાનકી કિચનમાં ગઈ અને પાણીનો ગ્લાસ ભરતી આવી.

જાનકી જોડેથી ગ્લાસ લઈ એમાં રહેલું પાણી પીધાં બાદ આદિત્ય હકીકત છૂપાવતાં બોલ્યો.

"હું બાલ્કનીમાં ઊભાં-ઊભાં દુબઈની આલીશાન ઈમારતોને જોઈ રહ્યો હતો, ત્યાં અચાનક ખબર નહીં શું થયું અને મારું બેલેન્સ જતું રહ્યું. બેલેન્સ જતું રહેતાં જ મારું શરીર બાલ્કનીની રેલિંગ કૂદીને બીજી તરફ ઝૂકી ગયું. આ બધું ખૂબ જ ત્વરાથી બન્યું હતું, એટલે હું કંઈ સમજુ એ પહેલાં તો બાલ્કનીની બીજી તરફ ઉથલી પડ્યો." આદિત્યએ ઉપજાવેલી આ વાત પર જાનકીએ તો વિશ્વાસ મૂકી દીધો પણ આધ્યાને આદિત્યની વાત ગળે ના ઉતરી. સાડા ત્રણ ફૂટ ઊંચાઈની બાલ્કની રેલિંગ પરથી કોઈ આ રીતે પડી જાય એ આધ્યા માટે પચાવવું અઘરું હતું.

આ ઘટનાથી આદિત્ય થોડો ડરી જરૂર ગયો હતો પણ એને પોતાની જાતને તુરંત સ્વસ્થ કરી લીધી. જાનકીને આદિત્ય જોડે બેસવાનું કહી આધ્યા ડિનરની તૈયારીઓ માટે પુનઃ કિચનમાં પ્રવેશી. જાનકીએ આદિત્ય સાથે થોડી હળવી વાતો કરીને એનો મૂડ ફ્રેશ કરવાનો પ્રયત્ન કરી જોયો પણ આદિત્યના ચહેરા પરથી લાગતું હતું કે એ હજુ પણ જે કંઈપણ થયું એનાં કારણથી આઘાતમાં હતો.

એક કલાક જેટલું આદિત્ય જોડે બેઠાં બાદ જાનકી પોતાની બહેનની મદદ કરવા કિચનમાં ગઈ એટલે આદિત્યએ ટેલિવિઝન ચાલુ કર્યું અને માન્ચેસ્ટર સીટી તથા આર્સેનલ ક્લબ વચ્ચેની ફૂટબોલ મેચ જોવામાં વ્યસ્ત થઈ ગયો. આદિત્ય એવાં જૂજ ભારતીયમાં હતો જેને ક્રિકેટ કરતાં ફૂટબોલ વધુ પસંદ હતું.

"આદિત્ય, હેન્ડ વોશ કરી લે. ત્યાં સુધીમાં ડિનર ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ જશે." જાનકીનાં આમ કહેતાં જ આદિત્ય હાથ-મોં ધોવા બાથરૂમમાં ગયો.

બાથરૂમમાં લગાવેલાં વોશબેસીનનાં પાણી થકી હાથ-મોં ધોઈને, આદિત્ય મિરર સામે ઊભો રહી જયારે ટુવાલ વડે પોતાનો ચહેરો સાફ કરી રહ્યો હતો ત્યારે એને પોતાની પાછળ કોઈ ઊભેલું હોય એવું અનુભવ્યું. આદિત્યએ તાત્કાલિક પોતાની ગરદન પાછળની તરફ ઘુમાવીને જોયું તો ત્યાં કોઈ નહોતું. આમ થતાં પોતાને ભ્રમ થયો હશે એવું વિચારી આદિત્ય ડાઈનીંગ ટેબલ તરફ આગળ વધ્યો. આદિત્યના બાથરૂમમાંથી નીકળતાં જ એક કાળા રંગની આકૃતિ બાથરૂમમાં લગાવેલાં મીરરમાં દ્રશ્યમાન થઈ; જેની આંખો દિવાની માફક ચમકી રહી હતી.

ડિનર કરતાં-કરતાં આદિત્ય, જાનકી અને આધ્યા મજાકમસ્તી ભરી વાતો કરી રહ્યાં હતાં. આ વાતચીત દરમિયાન જ્યારે જાનકીએ સમીર વિશેનો સવાલ આધ્યાને કર્યો ત્યારે એનો ચહેરો થોડો કરમાઈ ગયો. પોતાનાં મનમાં શું ચાલી રહ્યું હતું એને છુપાવવાની કોશિશ કરતાં આધ્યાએ હસીને કહ્યું કે સમીરને હમણાંથી ઓફિસમાં વધુ કામ હોવાથી એ આમ જ વચ્ચે-વચ્ચે ત્રણ-ચાર રાતો સુધી ઘરે નથી આવતો.

પોતાનાં અને સમીર વચ્ચે થોડાં સમયથી બધું ઠીક નથી ચાલી રહ્યું એ વાત આધ્યાએ આદિત્ય અને જાનકીથી છુપાવવાની કોશિશ તો કરી, પણ આદિત્યને અનુમાન આવી ગયું હતું કે આધ્યાનું વૈવાહિક જીવન હમણાંથી ડામાડોળ છે.

રાતે મોડે સુધી એ ત્રણેયે સાથે મળીને ખૂબ એન્જોય કર્યો અને પછી સુઈ ગયાં. જાનકી અને આધ્યા જઈને આધ્યાનાં બેડરૂમમાં સુઈ ગયાં, જ્યારે આદિત્ય ગેસ્ટ રૂમમાં.

રાતનાં ચાર વાગી રહ્યાં હતાં ત્યાં આદિત્યના ફોનની રિંગ વાગી. આદિત્ય એ સમયે ભરચક નિંદ્રામાં હતો છતાં એને મોબાઈલની સ્ક્રીન પર લખેલ વેંકટ નામ જોતાં જ કોલ રિસીવ કર્યો.

"હા વેંકટ, બોલ કેમ અત્યારે કોલ કર્યો?"

"શું? આફતાબે સુસાઈડ કર્યું?"

"ક્યારે?"

"ઓહ માય ગોડ!"

"તું ક્યાં છે?"

"તે ઝેબાને આ વિશે જાણ કરી?"

"સારું, હું જેમ બને એમ વહેલી તકે મુંબઈ આવવા નીકળું છું."

પોતાનાં મિત્ર વેંકટ સાથે સંપર્ક વિચ્છેદ થયાં પછી પણ આદિત્ય બે-ત્રણ મિનિટ સુધી એ જ સ્થિતિમાં પોતાનાં કાને મોબાઈલ ધરીને બેસી રહ્યો; જે દર્શાવી રહ્યું હતું કે આફતાબ નામક વ્યક્તિનાં આત્મહત્યા કરવાની ખબરથી એને કેટલો મોટો આઘાત લાગ્યો હતો. અદિત્યની ઊંઘ ઊડી ગઈ હતી અને ચહેરા પર ચિંતાનાં ભાવ ઊભરી આવ્યાં હતાં.

"પણ આફતાબ સુસાઈડ શું કામ કરે?" મનોમન આટલું કહી આદિત્ય આધ્યાનાં બેડરૂમ તરફ અગ્રેસર થયો.

*******

ક્રમશઃ

સૂર્યા પોતાની જાતનો બચાવ કરી અબ્રાહમનો શિકાર કરી શકશે? કોણ હતો આફતાબ અને એને સુસાઈડ કેમ કર્યું હતું? આધ્યાનાં ઘરમાં સાચે જ કોઈ શૈતાની શક્તિનો વાસ હતો? સમીર અને આધ્યા વચ્ચેનાં સંબંધમાં કડવાશનું કારણ આખરે કોણ હતું? આ સવાલોનાં જવાબ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર પ્રતિશોધ. આ નવલકથા દર મંગળ અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED