પ્રતિશોધ પ્રથમ અંક
ભાગ:19
ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન
"સમીરનું લોકેટ..!" રાઘવના મુખેથી આ શબ્દ સાંભળી આશ્ચર્યાઘાત સાથે સંધ્યાએ કહ્યું.
માંડ શાંત પડેલી આધ્યા સમીરના લોકેટનાં એ મૃતદેહ જોડેથી મળવાની વાત સાંભળી બેબાકળી થઈને કલ્પાંત કરવા લાગી. આધ્યાની બહેન જાનકી અને રેહાના મળીને પણ એને કાબુમાં રાખવામાં અસમર્થ હતાં.
"દીદી, આમ રડવાનું બંધ કરો..?" જાનકીએ રડમસ સ્વરે કહ્યું.
"જાનકી..મારી સામે સમીરનો મૃતદેહ પડ્યો છે અને તું મને એમ કહે છે હું રડવાનું બંધ કરું.." રડતાં-રડતાં આધ્યાએ કહ્યું. "મને આ દુનિયામાં એકલી મૂકીને સમીર ચાલ્યો ગયો..હવે શું જીવીને શું કરીશ."
જે આધ્યા સમીર જોડે ડાયવોર્સ લેવાનાં કાગળિયાં પણ તૈયાર કરી ચૂકી હતી એ જ આધ્યા અત્યારે સમીરની મોત બાદ જે રીતે કલ્પાંત કરી રહી હતી એ જોઈ રેહાનાને ભારે આશ્ચર્ય થયું. આધ્યાની હાલત જોઈને એને એ વાત યાદ આવી કે ભારતીય નારી માટે એનો પતિ એની દુનિયા હોય છે..ભલે એ અંદરોઅંદર લડે-ઝઘડે પણ એમનાં હૃદયમાં રહેલો પ્રેમ એકબીજા પર આવેલી મુશ્કેલી દરમિયાન બહાર અચૂક આવે છે.
"આ રહ્યું સમીરનું લોકેટ." અધ્યાના હાથમાં લોકેટ મુકતાં રાઘવે ગમગીન સુરમાં કહ્યું.
બાજની આકૃતી ધરાવતું આ લોકેટ સમીર જોડે એ સમયથી હતું જ્યારે આધ્યા એને પ્રથમ વખત મળી હતી. આંખોની જગ્યાએ લાલ રંગનાં ડાયમંડ ધરાવતું આ બાજનું લોકેટ જોતાં જ આધ્યા એ લોકેટને તુરંત ઓળખી ગઈ.
"હા, આ સમીરનું જ લોકેટ છે.."આટલું કહી આધ્યા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને લથડીયા ખાતી-ખાતી સમીરના મૃત શરીર તરફ આગળ વધી.
ગરદન વગરનાં એ શરીરને જોઈને આધ્યા ક્યાંક બેહોશ થઈને ઢળી ના પડે એ વિચારી રાઘવ અને જાનકીએ એને ટેકો આપ્યો. રેહાના પણ આધ્યાની સાથે જ હતી.
"સમીર..!" સમીરના મૃતદેહ જોડે પહોંચી આધ્યા જમીન પર ઢગલો થઈને ઢળી પડી.
સમીરને યાદ કરી ત્યારબાદ આધ્યાએ જે આક્રંદ કર્યું એ જોઈ ત્યાં હાજર દરેકની આંખો છલકાઈ આવી. દસ દિવસથી ગાયબ પોતાનાં પતિની ગરદન વિનાની લાશ મળી આવવી એક પત્ની માટે કેટલી પીડાદાયક હોય એ સમજવું ખરેખર અશક્ય હતું. આધ્યાની ચીસો અને હીબકાં એ બંધ રૂમમાં ગુંજવા લાગ્યાં. પોતાની દીદીને આવી હાલતમાં જોઈને જાનકી પણ રડવા લાગી. સમીરે જ પોતાનાં ભણતરનો બધો ખર્ચો ઉપાડીને એને ઈચ્છિત ભણતર મેળવવામાં મદદ કરી હતી, એ યાદ આવતાં જ જાનકી પણ શોકાતુર થઈ ગઈ.
આધ્યા રડતાં-રડતાં સાચેમાં બેહોશ થઈને સમીરના મૃતદેહ જોડે ઢળી પડી. રેહાના પોતાનાં બેગમાંથી પાણીની બોટલ નીકાળીને, બોટલમાં રહેલું પાણી આધ્યાના મોં પર છાંટી એને ભાનમાં લાવવાની કોશિશ કરી રહી હતી.
આ દરમિયાન જાનકીએ કંઈક એવી વસ્તુ નોંધી, જે ધ્યાનમાં આવતાં જ એનાં ચહેરા પરનાં ભાવ બદલાઈ ગયાં.
"જુનેદ, ટોર્ચ આપને..!" જુનેદને ઉદ્દેશીને જાનકી બોલી. જુનેદે તુરંત પોતાનાં હાથમાં રહેલી ટોર્ચ જાનકી તરફ લંબાવી. જાનકીએ જુનેદ જોડેથી ટોર્ચ પોતાનાં હાથમાં લઈને એનો પ્રકાશ ત્યાં પડેલા મૃતદેહ તરફ ફેંક્યો.
"આ લાશ જીજાજીની નથી..!" જાનકીનાં આ શબ્દો સાંભળી ત્યાં હાજર દરેક લોકોને ચારસો ચાલીસ વોલ્ટનો ભારે આંચકો લાગ્યો.
"શું કહ્યું આ લાશ સમીરની નથી.?" યુસુફે અચરજભર્યાં સુરમાં કહ્યું.
જાનકીની આ વાત સાંભળી આધ્યા પણ થોડી ઘણી ભાનમાં આવી ચૂકી હતી..એને આંખો ઊંચી કરી જાનકી તરફ જોયું અને પૂછ્યું.
"તું આટલાં બધાં વિશ્વાસથી કઈ રીતે કહે છે કે આ લાશ તારા જીજાજીની નથી.?
"દીદી, તમે આ મૃતદેહનો જમણો હાથ ધ્યાનથી જોવો.." ટોર્ચ લાઈટનાં પ્રકાશને ત્યાં પડેલાં મૃતદેહના જમણાં હાથની નીચેની બાજુ તરફ ફેંકતા જાનકી બોલી.
જાનકીની વાત સાંભળી આધ્યાએ ત્યાં પડેલાં મૃતદેહનાં જમણાં હાથને ધ્યાનથી જોયો.
"હા, જાનકી સાચું બોલે છે. આ લાશ સમીરની નથી." આધ્યાના અવાજમાં ખુશી હતી. "કેમકે, સમીરના જમણાં હાથ પર એક ટેટુ બનેલું હતું. આ લાશમાં એવું કોઈ ટેટુ નથી.. માટે એ વાત સ્પષ્ટ છે કે આ મૃતદેહ સમીરનો નથી.
ત્યાં મોજુદ મૃતદેહ સમીરનો નથી એ સાંભળી બધાંનાં ચહેરા પર મોજુદ દુઃખ ઓછું તો થયું પણ એ દરેકનાં મનમાં હવે અમુક નવા સવાલો રમવા લાગ્યાં.
જો આ સમીરનો મૃતદેહ નહોતો તો પછી આ મૃતદેહ કોનો હતો?
સમીર જીવિત હતો કે મૃત? જો જીવિત હતો તો એ આખરે હતો ક્યાં?
ગુજરાલનાં કહ્યાં મુજબનાં દસ મજૂરોને ગણતરીમાં લઈએ તો અહીં કુલ પંદર લોકો હોવાં જોઈએ, મૃતદેહ પંદર જ હતાં પણ જો એ મૃતદેહ સમીરનો નહોતો તો કોનો હતો.?
સમીરનું લોકેટ એ મૃતદેહનાં હાથમાં કઈ રીતે આવ્યું?
**************
આફતાબ પોતાનાં ફ્લેટનાં હોલમાં સોફા પર બેઠો-બેઠો પોતાની ડાયરીમાં કંઈક હિસાબો કરી રહ્યો હતો. વચ્ચે કંઈક અગત્યનું યાદ આવતાં એ પોતાની જગ્યાએથી ઊભો થયો અને પોતાનાં બેડરૂમમાં ગયો. અડધી એક મિનિટમાં આફતાબ બેડરૂમમાંથી એક લેપટોપ લઈને બહાર આવ્યો અને પુનઃ હોલમાં આવીને બેસી ગયો.
એને લેપટોપ ઓન કર્યું અને એક્સલ શીટ ઓપન કરી. ડાયરીનાં હિસાબોને એક્સલમાં ઉતાર્યા બાદ આફતાબે એ એક્સલ શીટ કોઈકને મેઈલ કરી દીધી. પોતાની ઓફિસનું પેન્ડિંગ કામ પૂરું કર્યાં બાદ આફતાબે લેપટોપને બંધ કર્યું અને પુનઃ લેપટોપને પોતાનાં બેડરૂમમાં મૂકી આવ્યો.
બહાર આવીને એને ટીવી ચાલુ કર્યું અને ટીવી જોતાં-જોતાં સોફામાં લાંબો થયો. ટીવી જોતાં-જોતાં એને ઊંઘ આવવા લાગી, આફતાબે વોલક્લોક તરફ એક નજર કરી, પોણા બાર થઈ ગયાં હતાં. એને ટીવી બંધ કર્યું અને ત્યાં જ સોફામાં સુઈ ગયો.
પોણા બે વાગ્યાં ત્યાં આફતાબ એક આંચકા સાથે ઉભો થઈ ગયો. એની આંખોનો રંગ અત્યારે સાવ બદલાઈ ચુક્યો હતો. ભૂરાશ પડતી આફતાબની આંખો ઘાટી કાળી દ્રશ્યમાન થઈ રહી હતી. એ સોફમાંથી બેઠો થયો અને પોતાનાં ફ્લેટની બાલ્કની તરફ યંત્રવત આગળ વધ્યો. આફતાબની ચાલ પરથી એવું લાગી રહ્યું હતું કે એનાં શરીર પર એ નિયંત્રણ ગુમાવી બેઠો છે.
બાલ્કની અને હોલ વચ્ચે આવેલો સ્લાઈડિંગ ડોર પૂરો ખોલીને આફતાબ બાલ્કનીમાં આવ્યો. બાલ્કનીની રેલિંગ તરફ આગળ વધતાં-વધતાં આફતાબે અચાનક દરવાજા તરફ જવાની કોશિશ કરી. આફતાબ ત્યાંથી પાછો હોલમાં જવા માંગતો હતો પણ કોઈ અદ્રશ્ય શક્તિ એને આમ કરતાં રોકી રહી હતી સાત-આઠ મિનિટ સુધી આફતાબે હોલમાં જવાની કોશિશો ચાલુ તો રાખી પણ અદ્રશ્ય શક્તિ આગળ એની એક ના ચાલી.
આફતાબ પોતાનાં શરીરને પોતાની મરજી ના હોવાં છતાં પણ રેલિંગ તરફ આગળ વધતાં રોકવામાં અસમર્થ હતો. આફતાબને સમજાઈ ચૂક્યું હતું કે કોઈ અદ્રશ્ય શક્તિ એને બાલ્કનીમાંથી નીચે પછાળી જાનથી મારી નાંખવા માંગે છે. આમ થતાં એને બચાવ માટે અવાજ આપવાની કોશિશ કરી જોઈ, પણ એનાં મોંઢામાંથી કોઈ અવાજ નીકળી જ ના શક્યો.
આફતાબે પોતાનું સઘળું બળ લગાવી પોતાની જાતને રેલીંગથી દુર કરવાનો પ્રયત્ન કરી જોયો પણ એ જે શક્તિ સામે લડી રહ્યો હતો એની સામે લડવું એનાં સામર્થ્ય બહારનું હતું. એકાએક આફતાબના પગ ઊંચા થયાં, એને આમ થતાં પોતાનાં હાથથી રેલિંગને વધુ મજબૂતાઈથી પકડી લીધી.
"આફતાબ, તને તારાં અમ્મી-અબ્બુ બોલાવે છે..!" આફતાબના કાને એક વિચિત્ર પ્રકારનો ધ્વનિ સંભળાયો. આ ધ્વનિમાં રહેલી ચુંબકીય શક્તિની અસર રૂપે એને રેલિંગ છોડી દીધી. બીજી જ ક્ષણે એનો દેહ બાલ્કનીમાંથી નીચે પડ્યો. આફતાબ બાલ્કનીમાંથી નીચે પડ્યો એ સાથે જ એનાં શરીરમાંથી એક કાળો ધુમાડો બહાર નીકળી ગયો.
"યહહહહ.." આફતાબની છેલ્લી ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી..માત્ર બે સેકન્ડમાંતો આફતાબનું શરીર બાલ્કનીથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને જોરથી પટકાયુ. એની ખોપરી નીચે પડવાથી ફાટી ગઈ, ત્રણ-ચાર વખત આફતાબનું શરીર ધ્રુજયું અને પછી સાવ શાંત થઈ ગયું.
"આફતાબ...!" ચીસ પાડતાં આદિત્ય ઊંઘમાંથી બેઠો થયો. આદિત્યનું આખું શરીર પરસેવેથી રેબઝેબ થઈ ગયું હતું. એનું હૃદય બમણી ગતિએ ધબકી રહ્યું હતું અને છાતી ધામણની માફક ઊંચે-નીચે થઈ રહી હતી.
આદિત્યએ પોતાનાં પલંગ જોડે પડેલ જગમાંથી થોડું પાણી જગની જોડે પડેલાં ગ્લાસમાં રેડયું અને એક ઘૂંટમાં બધું પાણી પી ગયો.
"આફતાબે આત્મહત્યા નહોતી કરી પણ એને આમ કરવા મજબુર કરવામાં આવ્યો હતો." આદિત્ય સ્વગત બબડ્યો. "આફતાબની મોત શાયદ ઈશારો હતી કે મારે હવે ત્યાં જવાનો સમય આવી ગયો છે."
આદિત્યએ ઘડિયાળની તરફ જોયું..છ વાગી રહ્યાં હતાં. એ ફટાફટ પલંગમાંથી બેઠો થયો અને સ્નાનઈત્યાદિ પ્રવૃત્તિ માટે બાથરૂમમાં પ્રવેશ્યો.
આઠ વાગે આદિત્ય પોતાની બેગ ખભે ઉઠાવી કોલકતા રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો.
*********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)