પ્રતિશોધ પ્રથમ અંક - 1 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ પ્રથમ અંક - 1

પ્રતિશોધ પ્રથમ અંક

પ્રસ્તાવના

નમસ્કાર વાચક મિત્રો, તો તૈયાર થઈ જાઓ એક રહસ્યમય અને ભયાનક અનુભવ માટે. ડેવિડ, ડેવિલ રિટર્ન, આક્રંદ એક અભિશાપ જેવી હોરર સસ્પેન્સની ભવ્ય સફળતા પછી હું પુનઃ આપ સૌની પસંદગીનું લખાણ લઈને હાજર છું.

વર્ષોથી વિશ્વભરનાં લોકો માટે કાળી વિદ્યા, તંત્ર મંત્ર, ભૂત-પ્રેત એમનો રસનો વિષય રહ્યો છે. ભલે તમે ભૂતપ્રેતમાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ના ધરાવતાં હોવ પણ આ વિષયમાં જાણવાની રુચિ તમારાં મનમાં હંમેશા રહેલી જ હોય છે. તમારાં કાને જ્યારે આવી કોઈ વાત પડે કે તુરંત જ તમારાં કાન એ સાંભળવા સરવા થઈ જાય છે.

ગુજરાતી સાહિત્યમાં હોરર જોનર એ વર્ષોથી વાચકોની પસંદગીનું જોનર રહેલું છે. છતાં એચ.એન.ગોલીબાર સિવાય અત્યારનાં સમયમાં અન્ય કોઈ લેખક આ જોનરમાં જોઈએ એવી સફળતા મેળવી નથી શક્યાં. આનું કારણ હકીકતમાં શું છે એ તો મને નથી ખબર પણ, શક્યવત કલ્પનાનાં કેનવાસ પર લખાતાં આ લખાણને વિવેચકો નિમ્નકક્ષાનું માનતા હોવાં જોઈએ એ વાત આ બધાં પાછળ ક્યાંકને ક્યાંક જવાબદાર હોવી જોઈએ.

મારી ત્રણેય હોરર નવલકથાઓને જે હદે પ્રતિસાદ મળ્યો એ પછી વાચકોએ મેસેજ અને કોલ કરી એક હોરર નવલકથા લખવા જણાવ્યું હતું. તો આજે એ સર્વે વાચકોની ઈચ્છાને માન આપી રજૂ કરી રહ્યો છું હાડ થિજાવી મુકતી, પળે પળે ડર અને રોમાંચનો અનુભવ કરાવતી સુપર નેચરલ, સસ્પેન્સ, હોરર નવલકથા 'પ્રતિશોધ'.

આ નવલકથામાં બનતી ઘટનાઓ અલગ અલગ સમયગાળામાં ઘટિત થાય છે, જેનો એકબીજા સાથે સંબંધ છે. માટે આ નવલકથાનાં દરેક ભાગને ધ્યાનથી વાંચવો. બીજી મહત્વની વાત કે પ્રતિશોધ ગુજરાતી સાહિત્યની પ્રથમ એવી નવલકથા બનશે જે કુલ ત્રણ ભાગમાં પ્રકાશિત થશે. આજ સુધી ગુજરાતી લેખનમાં ક્યારેય આવું ક્યારેય બન્યું નથી કે કોઈ હોરર નવલકથા ત્રણ ભાગમાં પ્રકાશિત થઈ હોય.

બીજી મહત્વની વસ્તુ કે આ નવલકથા માં તમને દરેક ધર્મ સાથે સંબંધ ધરાવતી અલગ-અલગ જાતની શૈતાની શક્તિઓ વિશે જાણકારી મળશે. જીન્ન, ડિમન, શૈતાન, પિશાચ, પ્રેત દરેક પ્રકારની ભૂતાવળ આ નવલકથામાં સમાવવાનો પ્રયાસ કર્યો છે.

મારાં દ્વારા લખવામાં આવેલી ક્રાઈમ થ્રિલર નોવેલમાં જેમ એસીપી અર્જુન નામક પાત્ર છે એમ જ હવેથી મારી દરેક હોરર નવલકથામાં પણ એક એવું જ પાત્ર તમારી સમક્ષ આવશે જેનું નામ હશે સૂર્યા પંડિત. અર્જુનની માફક તમે સૂર્યાના ચાહક થઈ જશો એની ગેરંટી છે. હવેથી મારી દરેક હોરર નવલકથા એક સિરીઝનો ભાગ હશે 'સૂર્યા પંડિત સિરીઝ!'.

હોરર લેખન પસંદ કરતાં દરેક વાચક માટે આ નવલકથા મસ્ટ રીડ સાબિત થશે એમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. તો પછી દિલ અને દિમાગને તૈયાર કરી લો એક એવાં ભયાવહ અનુભવ માટે જે મહિનાઓ સુધી તમારાં માનસપટલ પર છવાયેલો રહેશે. જો તમને કોઈ હૃદય સાથે સંકળાયેલી બીમારી હોય તો મહેરબાની કરી આ નવલકથાથી દુર રહેવા અનુરોધ.

મારી જીવનસંગીની સીમરન, બહેન દિશા, મારાં માતા-પિતા અને સમસ્ત વાચકોનો આભાર માની રજૂ કરી રહ્યો છું આ રૂંવાડા ઊભાં કરી મુકનારી નવલકથા 'પ્રતિશોધ'.

-જતીન.આર.પટેલ (શિવાય)

*****

પ્રથમ ભાગ શરૂ કરતાં પહેલાં અમુક શબ્દો વિશે તમને માહિતી આપી દઉં જેનો ઉપયોગ આગળ જતાં નોવેલમાં વારંવાર થવાનો છે..

Exorcism:-આને તમે ગુજરાતીમાં ભુત ભગવવાની તંત્ર વિધિ કે ઝાડ ફૂંક વિધિ પણ કહી શકો..જેનાં દ્વારા દુષ્ટ આત્માનાં વશમાંથી કોઈ નિર્દોષ વ્યક્તિ ને મુક્ત કરવામાં આવે છે.

Evil spirit:- evil spirit નો સીધો સાદો અર્થ છે કે શૈતાની આત્મા.

Possession:-જ્યારે કોઈ વ્યક્તિ કોઈ આત્મા કે evil spirit નાં વશ માં આવે ત્યારે એ વ્યક્તિ pussest થઈ ગયો હોય એમ કહેવાય.

Rituals:-વર્ષો જૂની કોઈ વિધિ કે ઢબ

Spell:-એક વિશિષ્ટ પ્રકારનો કાળો જાદુ..જેમાં કોઈ ખાસ રીતે જાદુ વિધિ દ્વારા પોતાનાં દુશ્મન વ્યક્તિ ને શારીરિક,માનસિક કે આર્થિક રીતે નુકશાન પહોંચાડવામાં આવે છે.

Entity:-એવી કોઈ વસ્તુ જે અસ્તિત્વ ધરાવે છે ભલે એ દ્રશ્ય સ્વરૂપે કે હોય કે પછી અદ્રશ્ય સ્વરૂપે.

તો હવે આગળ વધીએ નવલકથા નાં પહેલા પ્રકરણ ની શરૂઆત તરફ.

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:1

ઓક્ટોબર 2001 મયાંગ, અસમ

અમાવસ્યાની કાળી અંધારી રાત હતી. ચોતરફ ભયાવહ સન્નાટો વ્યાપ્ત હતો. વાંસનાં જંગલોમાંથી આવતો પવન ચિત્ર-વિચિત્ર અવાજ પેદા કરી રહ્યો હતો. આ સિવાય વચ્ચે-વચ્ચે ઘુવડ અને ચિબરી જેવાં નિશાચર પક્ષીઓનાં કકર્ષ ધ્વનિ, તમરાંઓનાં તીણા અવાજ અને શિયાળ અને વરુઓની લવારીનાં સ્વર વાતાવરણને વધુને વધુ ડરામણું બનાવી રહ્યાં હતાં.

આવી સ્મશાન સમી જગ્યાએ એક જલકુંડની સમીપ બે માનવાકૃતિ બિરાજમાન હતી. પાણી ભરેલાં કુંડની જોડે સળગતી અગ્નિનાં પ્રકાશમાં એ બંને માનવાકૃતિનો ચહેરો દ્રશ્યમાન થઈ રહ્યો હતો. એ બંને વ્યક્તિમાંથી એક વ્યક્તિની ઉંમર સાઠ વર્ષની આજુબાજુ હતી જ્યારે એની જોડે પીળાં રંગના પીતાંબર જેવું વસ્ત્ર ઓઢીને બેસેલાં બાળકની ઉંમર આઠથી દસ વર્ષ.

એ લોકોની આગળ અમુક પાત્રો અને ખોપડીઓ મોજુદ હતી. આગળ પડેલાં પાત્રોની અંદર કુમકુમ, ચોખા, ઘી, અને રક્ત ભરેલું હતું. આ ઉપરાંત ત્યાં એક કાચની બંધ બોટલ, ચાંદીની છરી, અરીસો, એક રાક્ષસની મુખાકૃતિ ધરાવતી નાની તાંબાની પ્રતિમા અને અમુક તંત્ર-મંત્રની ચોપડીઓ નજરે પડી રહી હતી.

"તો સૂર્યા, તું હવે તૈયાર છે ને આગળની વિધિ માટે?" પોતાની તેજસ્વી આંખોને પોતાની જોડે બેસેલાં બાળક પર કેન્દ્રિત કરતાં એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું. આ ઉંમરે પણ એ વૃદ્ધ વ્યક્તિનાં ચહેરા પર યુવાનો જેવી સ્ફૂર્તિ અને ચમક દેખાઈ રહી હતી.

"હા, દાદાજી." સૂર્યા નામનાં એ બાળકને ટૂંકાક્ષરી જવાબ આપતાં કહ્યું.

"સારું તો હવે હું કહું ત્યારે જ તારે આ કાચની બોટલનું ઢાંકણું ખોલવાનું છે. એ પહેલાં આ બોટલનું ઢાંકણું ખૂલવા માટે અદ્રશ્ય શક્તિઓ પોતાની તમામ તાકાત લગાવી દેશે પણ તારે મારાં આદેશ પહેલાં એ ઢાંકણું ભૂલેચૂકે પણ ખુલે નહીં એનું ધ્યાન રાખવું પડશે. તું કરી શકીશને આ કાર્ય?" મમતાભરી નજરે બાળકની તરફ જોતાં વૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું.

"તમે કેમ ભૂલી જાઓ છો કે હું વિશ્વનાં સૌથી મોટાં તાંત્રિક શંકરનાથ પંડિત એટલે કે સ્વંય તમારો પૌત્ર છું. દાદાજી, હું એ દરેક કાર્ય કરવા સમર્થ છું જે કરવાનો આદેશ તમે આપ્યો હોય!" આવી ભયાનક પરિસ્થિતિમાં પણ એ નાના બાળકના ચહેરા પર ભયની નાનકડી રેખા પણ નહોતી દેખાઈ રહી.

"શાબાશ મારાં દીકરા! મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં જ્યારે પણ આ જગતને તારી જરૂર પડશે ત્યારે તું અવશ્ય પોતાની સાર્થકતા સાબિત કરીશ. આગળ જતાં ઘણી એવી આસુરી શક્તિઓ તારી સામે આવશે જેનો સામનો કરવામાં જીંદગી ગુમાવવાનું પણ જોખમ રહેલું હોય. છતાં તારે એ બધી જ આસુરી શક્તિઓને પરાસ્ત કરવી જ પડશે." પોતાનાં પૌત્રની પીઠ પર હાથ ફેરવતાં-ફેરવતાં શંકરનાથે કહ્યું.

"તમે જ મને કહ્યું છે કે આસુરી શક્તિઓ ગમે તેટલી શક્તિશાળી કેમ ના હોય હંમેશા દૈવીય શક્તિઓ અને સારપ આગળ એમની હાર જ થતી હોય છે." સૂર્યાના અવાજમાં આત્મવિશ્વાસ સાફ વર્તાતો હતો.

"તો પછી વિધિ શરૂ કરીએ?" શંકરનાથે પોતાની આંખો પુનઃ અગ્નિકુંડ પર કેન્દ્રિત કરતાં કહ્યું.

"હું તો ક્યારનોય તૈયાર છું દાદાજી." સૂર્યાનાં અવાજમાં આગળ જે થવાનું હતું એ જોવાની અને જાણવાની ભારે ઉત્કંઠા વર્તાતી હતી.

"સૂર્યા, આ પ્રતિમા કોની છે તને ખબર છે?"

"હા દાદાજી, આ મહાબલી અને રાક્ષસોમાં શ્રેષ્ઠ એવાં ભીમનાં પુત્ર ઘટોત્કચની પ્રતિમા છે. આપણે કોઈપણ તાંત્રિક વિધિ કેમ ના કરીએ, એ પહેલાં એમની મૂર્તિ અથવા ચિત્રની પૂજા થવી આવશ્યક છે."

"ખૂબ સરસ, પણ એવું કેમ કરીએ છીએ એ તું જાણે છે?"

"કેમકે એ આપણાં માટે પૂજનીય છે. આપણાં ગામમાં વસતાં દરેક લોકો જે તંત્રવિદ્યા કરે છે એ બધાનું માનવું છે કે એક સમયે આ વિસ્તારમાં વીર ઘટોત્કચનું રાજ્ય હતું. એ ભલે રાક્ષસકુળનાં હતાં પણ એમનું આચરણ મનુષ્યો કરતાં પણ ઉચ્ચત્તમ હતું."

"તો તું તારાં જ હાથે ઘટોત્કચ મહારાજની પ્રતિમાને કુમકુમ તિલક કરીને એમનાં આશીર્વાદ મેળવ." પોતાનાં દાદાજીની આજ્ઞાનું પાલન કરતાં સૂર્યાએ ઘટોત્કચની પ્રતિમાને કુમકુમ તિલક કર્યું અને નતમસ્તક થઈ એ પ્રતિમાને વંદન કર્યું.

"તો હવે હું વિધિની શરૂઆત કરી રહ્યો છું. તારે મારી સાથે સાથે મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે."

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

થોડી જ વારમાં વાતાવરણ આ શક્તિશાળી મંત્રનાં ઉચ્ચારણથી જીવંત થઈ ઉઠ્યું. જેમ-જેમ શંકરનાથ અને એમનો પૌત્ર સૂર્યા આ મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યાં હતાં એમ-એમ વાતાવરણમાં બિહામણા સ્વર ગુંજવા લાગ્યાં. નાના બાળકનાં રુદનથી લઈને સ્ત્રીઓની દયનિય ચીસોથી આસપાસનું શાંત વાતાવરણ દ્રવી ઉઠ્યું. ત્યાં પાસેનાં વૃક્ષો પર બેસેલાં પક્ષીઓ પણ ભયનાં માર્યા ત્યાંથી ઉડી ગયાં.

અમાસની આ કાળી ભયંકર રાત જાણે મોતનું તાંડવ કરવા ઉતાવળી બની હોય એવું લાગી રહ્યું હતું. દરેક મંત્રની સાથે શંકરનાથ દ્વારા હોમવામાં આવતું ઘી પવિત્ર અગ્નિની જ્વાળાને વધુ વિકરાળ બનાવી રહ્યું હતું. અચાનક વાવાઝોડાની ગતિએ પવન ફૂંકાવા લાગ્યો, જેનાં લીધે સૂકાં વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે અથડાઈને કંઈક અલગ જ ધ્વનિ પેદા કરી રહી હતી. પવનનાં લીધે શંકરનાથનાં શરીરનાં ઉપરનું અંગવસ્ત્ર ઉડવા લાગ્યું. એમનાં ખુલ્લાં સફેદ કેશ હવામાં લહેરાવા લાગ્યાં.

"સૂર્યા, કાચની બરણીનું ચંદનનું બનેલું ઢાંકણ કોઈપણ સંજોગોમાં હું ના કહું ત્યાં સુધી ખુલવું ના જોઈએ.! જો ભૂલથી એ ઢાંકણ સમય પહેલાં ખુલી ગયું તો તું જાણે જ છે એનું શું દુષ્કર પરિણામ આવી શકે છે." સૂર્યાને સ્પષ્ટ સંભળાય એ હેતુથી ઊંચા સાદે આટલું કહી શંકરનાથ પુનઃ પોતાની વિધિમાં લાગી ગયાં.

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

જેવાં જ શંકરનાથે આઠસો મંત્ર પૂર્ણ કર્યાં એ સાથે જ સૂર્યાનાં હાથમાં રહેલી કાચની બરણી જોરજોરથી ધ્રુજવા લાગી. સૂર્યાએ એ બરણીનું ઢાંકણું ખુલી ના જાય એટલે મજબૂતાઈથી એની ઉપર પોતાનાં બંને હાથ મૂકી દીધાં.

★★★★

ઓક્ટોબર 2019 મુંબઈ

"ટ્રીન.. ટ્રીન...ટ્રીન..ટ્રીન.." અચાનક વાગેલી લેન્ડલાઈનની રિંગનાં લીધે આદિત્ય અગ્નિહોત્રી નીંદરમાંથી બેઠો થઈ ગયો. હજુપણ એની આંખોમાં ઊંઘ દેખાઈ રહી હતી.

"બે વાગી ગયાં!" દીવાલ પર લટકાવેલી વોલક્લોક પર નજર પડતાં જ એ મનોમન બોલ્યો. હજુપણ લેન્ડલાઈનની રિંગ વાગવાની ચાલુ હતી એનું ધ્યાન આવતાં જ એને બેડની જોડે મોજુદ લેન્ડલાઈનનું રીસીવર ઊંચક્યું.

"આદિત્ય તું ક્યાં છે યાર? હું અહી એરપોર્ટ પર આવી ગઈ છું અને હજુ તું દેખાતો નથી. તારાં મોબાઈલ પર પણ દસ વાર કોલ કર્યો પણ ખબર નહીં કેમ તું રિસીવ જ નથી કરતો." ગુસ્સાભર્યો સ્ત્રેણ અવાજ ફોનમાં પડઘાઈ રહ્યો હતો. "ફ્લાઈટ ઉપડવામાં હવે બે કલાકની જ વાર છે. આપણે નક્કી થયું હતું કે અહીં એરપોર્ટ પર કેફેમાં બેસીને કોફી પીતાં-પીતાં એકાદ કલાક રોમાન્ટિક વાતો કરીશું પણ, હજુ તું અહીં આવ્યો નથી એટલે એ પ્લાન તો કેન્સલ જ થઈ ગયો." કોલ કરનાર યુવતી આદિત્યની વધુ પડતી નજીક હોવાનો અંદાજો એની વાત પરથી આવી જતો હતો.

"સોરી યાર, મારો મોબાઈલ ભૂલથી સાયલન્ટ મોડ ઉપર હતો તો ખબર જ ના રહી કે તારા આટલાં બધાં કોલ આવ્યાં હતાં." પોતાનાં ઓશિકા જોડે મૂકેલાં ફોનની ડિસ્પ્લે પર દેખાતા જાનકીનાં દસ મિસકોલને જોઈ આદિત્ય આટલું કહી આગળ બોલ્યો.

"મારાં ઘરથી એરપોર્ટ માંડ પંદર મિનિટનાં અંતરે છે, તો તૈયાર થઈને અડધાં કલાકમાં પહોંચું. પ્લીઝ યાર સોરી."

"સારું હવે વધુ ફોર્મલિટી કર્યાં વગર અહીં પહોંચ.!" આટલું કહેતાં જ સામેથી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.

"આજે તો જાનકી જીવ લઈ લેશે!" આટલું કહેતાં જ આદિત્ય ફટાફટ બેડ ઉપરથી ઊભો થયો અને ફ્રેશ થવાં બાથરૂમમાં પ્રવેશ્યો. જાનકી જોડે વાત થયાંની પાંત્રીસ મિનિટ બાદ આદિત્ય અગ્નિહોત્રી મુંબઈનાં છત્રપતિ શિવાજી ટર્મિનસ પર આવી પહોંચ્યો હતો. વ્હાઈટ શર્ટ, ડેનિમ પેન્ટમાં સૂર્યાનું છ ફૂટ એક ઈંચ ઊંચાઈ ધરાવતું, કસાયેલું શરીર વધુ આકર્ષક લાગી રહ્યું હતું.

આદિત્ય ત્યાં પહોંચતાં જ ચારેતરફ નજર ફેલાવી અને જાનકીને શોધવાની કોશિશ કરી. અચાનક આદિત્યની નજર સફેદ અને લાલ રંગનાં ફ્લોલેસ ડ્રેસમાં સજ્જ યુવતી પર સ્થિર થઈ. એ જાનકી હતી, આદિત્યની ગર્લફ્રેન્ડ.

"યુ લૂક ગોરજીયસ સ્વીટહાર્ટ.!" જાનકી પોતાનાં આલિંગનમાં લઈ આદિત્યએ એનાં રૂપની પ્રશંષા કરતાં કહ્યું. આમ જોઈએ તો જે પ્રકારનું દૈહિય રૂપ જાનકી ધરાવતી હતી એનાં માટે તો ડિક્શનરીમાં જેટલાં પણ સુંદરતાનાં પર્યયવાચી શબ્દો હતાં એ બધાં પણ ઓછાં પડે એમ હતાં. પાંચ ફૂટ છ ઈંચ ઊંચાઈ, તીખાં નયન-નક્ષ, મનમોહક મુખાકૃતિ, સપ્રમાણ ફિગર ધરાવતી જાનકી હકીકતમાં વિનસની પ્રતિકૃતિ સમી લાગી રહી હતી.

"થેન્ક્સ ફોર કોમ્પ્લીમેન્ટ. હવે બાકી વાતો પછી કરીશું પહેલાં અંદર જઈને ફ્લાઈટમાં બેસવા માટેની જરૂરી પ્રોસેસર પતાવીએ, મિસ્ટર અગ્નિહોત્રી!" આદિત્યની સામે જોઈ વિનંતી કરતી હોય એવી અદાથી જાનકી બોલી.

દોઢ કલાક બાદ જાનકી અને આદિત્ય મુંબઈથી દુબઈ જતી એર ઇન્ડીયાની ફ્લાઈટમાં સવાર હતાં. જાનકી અત્યારે ખૂબ જ ખુશ જણાતી હતી.

"આદિત્ય, તને ખબર છે ને તારે ત્યાં જઈને દીદી જોડે કઈ રીતે વર્તવાનું છે?" ફ્લાઈટ હવામાં સ્થિર થતાં જ જાનકીએ આદિત્યને પૂછ્યું.

"હા બાબા હા, અત્યાર સુધી તું વીસ વખત આ વાત કહી ચૂકી છો. હવે તું મને અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ મને આનો જવાબ ખબર છે." આદિત્યએ જાનકીને ઉદ્દેશીને કહ્યું.

"આદિત્ય હું વારંવાર આ બધું તને એટલે કહું છું કે દીદી સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. મમ્મી-પપ્પાનાં આકસ્મિક નિધન બાદ એમને જ મને માં અને બાપ બંન્નેનો સ્નેહ આપ્યો છે. જો એ આપણાં સંબંધને આગળ વધારવા હામી ભરશે તો જ હું તારી સાથે મેરેજ કરીશ અન્યથા..!" આટલું કહી જાનકી અટકી ગઈ.

"હું તારી ફીલિંગ સમજુ છું ડિયર. પણ ચિંતા ના કર હું તારી દીદીને મનાવીને જ રહીશ. ઇટ્સ માય પ્રોમિસ." આદિત્યના આમ બોલતાં જ જાનકીનો મુરઝાયેલો ચહેરો પુનઃ ખીલી ઊઠ્યો.

*********

"તમે આજે પણ ઘરે નથી આવવાનાં?" દુબઈનાં એક આલીશાન ફોર બી.એચ.કે ફ્લેટમાં સોફા પર બેસેલી ત્રીસેક વર્ષની ઉંમર ધરાવતી સુંદર સ્ત્રી ફોનમાં કોઈની સાથે ઉગ્ર બની વાતો કરી રહી હતી.

"આધ્યા, કેટલી વાર કહું કે હું હવે સીધો કાલે રાતે જ આવીશ. તો વારંવાર એક જ પ્રશ્ન પૂછવાનું કારણ?"

"સમીર, આજે મારી બહેન જાનકી એનાં બોયફ્રેન્ડને લઈને મને મળાવવા મુંબઈથી દુબઈ આવી રહી છે. તો તમે જોડે હોવ તો સારું રહે એટલે જ તમને હાજર રહેવા જોર આપું છું." આધ્યાએ આજીજીનાં સુરમાં કહ્યું.

"મારું ત્યાં શું કામ છે? એન્ડ તું બહુ સ્માર્ટ છે, તો તને મારાથી પણ વધુ સારી રીતે માણસોને ઓળખવાની સમજ છે. મને વિશ્વાસ છે કે તું તારી બહેનની પસંદનું યોગ્ય ઈન્ટરવ્યુ લઈ શકીશ." આધ્યાથી પીછો છોડાવતો હોય એમ સમીરે કહ્યું.

"માણસોને ઓળખવાની સમજ હોય તો તમારી જોડે લગ્ન ના કર્યાં હોત." આ શબ્દોને મનમાં ધરબીને આધ્યા બોલી.

"સારું, ધ્યાન રાખજો તમારું."

હજુ તો આધ્યાની વાત પૂરી થાય એ પહેલાં જ સામે છેડેથી કોલ કટ થઈ ગયો. પોતાનાં ફોનને ટેબલ પર મૂકી પોતાની આંખમાં ઉભરાઈ આવેલાં આંસુઓને લૂછતાં આધ્યા સ્વગત બબડી.

"હે ભગવાન ખબર નહીં અમારાં સંબંધને છેલ્લાં ચાર-પાંચ મહિનાથી કોની ખરાબ નજર લાગી ગઈ છે.!"

આ જ ક્ષણે બે ચમકતી આંખો બારી બહારથી આધ્યાને નિહાળી રહી હતી. બીજી જ ક્ષણે એ બંને આંખો અચાનક એ રીતે વિલિન થઈ ગઈ જાણે એનું કોઈ અસ્તિત્વ જ નહોતું!

★★★★

ક્રમશઃ

આખરે સૂર્યા સાથે ભૂતકાળમાં શું બન્યું હતું? જાનકી અને આદિત્ય વચ્ચેનાં સંબંધને આધ્યાની સ્વીકૃતિ મળશે કે નહીં? સમીર અને આધ્યા વચ્ચેનાં સંબંધમાં કડવાશનું કારણ આખરે કોણ હતું? આ સવાલોનાં જવાબ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર પ્રતિશોધ. આ નવલકથા દર મંગળ અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)