પ્રતિશોધ પ્રથમ અંક
ભાગ:17
ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન
માધવપુરનાં જર્જરિત કિલ્લામાં જવાનું મન બનાવી ચૂકેલાં આધ્યા, રાઘવ, યુસુફ, યુસુફની પત્ની રેહાના, રેહાનાનો ભાઈ જુનેદ અને આધ્યાની બહેન જાનકી એક અંધારિયા રસ્તે આગળ વધી રહ્યાં હતાં.
આ રસ્તાનાં પ્રવેશદ્વાર જોડે મળેલાં ત્રણ ક્ષત-વિક્ષત મૃતદેહોને જોયાં પછી મનથી હચમચી ગયાં હોવાં છતાં એ છ જણા ટોર્ચનાં લાઈટનાં અજવાળે પોતાની આગળની સફર તરફ અગ્રેસર થઈ રહ્યાં હતાં.
એ રસ્તાની શરૂઆતમાં એક અંધારી ગલી હતી, જે સર્પાકાર હતી. આવી વિચિત્ર રચના આ કિલ્લામાં કેમ બનાવવામાં આવી હતી એ હજુપણ એ લોકો માટે ભારે નવાઈની વાત હતી. રાઘવ હવે એ બાબતે આશ્વસ્થ હતો કે સમીર અને બાકીનાં લોકો કોઈ આંધી તોફાન જેવી કુદરતી વિપદાનો ભોગ તો નહોતાં જ બન્યાં.
બીજી તરફ આધ્યા હતી જે આ મૃતદેહો જોઈને ખૂબજ ડરી ગઈ હતી. જો સમીર સાથે પણ આવું કંઈ બન્યું હશે તો? આવું વિચારતાં આધ્યાનાં પૂરાં શરીરમાં ભયનું લખલખું પસાર થઈ જતું. આમ છતાં એક હિંમતવાન ભારતીય નારીની જેમ આધ્યા પોતાનાં પતિને શોધવા કટિબદ્ધ બની હતી. ભગવાન ના કરે પણ ક્યાંક સમીરનો મૃતદેહ જોવો પડે, તો એની પણ માનસિક તૈયારી પણ આધ્યા કરી ચૂકી હતી.
સર્પાકાર અંધારી ગલી વટાવીને એ લોકો ખૂબ મોટાં ખુલ્લાં ભાગમાં આવી પહોંચ્યાં. એક મેદાન જેટલાં મોટાં આ ભાગમાં સૂર્યનો પ્રકાશ મહદઅંશે પથરાઈ ગયો હતો; જેનાં લીધે ત્યાંનું સંપૂર્ણ દ્રશ્ય નજરે ચડી રહ્યું હતું.
આ જગ્યાની દીવાલો પર હિંદુ દેવી-દેવતાઓની વિશાળ મૂર્તિઓ બનેલી હતી. રણપ્રદેશ હોવાથી અહીં વિપુલ પ્રમાણમાં માટીનાં થર મોજુદ હતાં. આટલી સુંદર સ્થાપત્ય કળા હજુ સામાન્ય લોકોની નજરોથી કેમ સંતાયેલી છે એ વાત રાઘવ માટે ભારે અચરજભરી હતી. રાજસ્થાનનાં અન્ય જૂનાં મહેલ અને કિલ્લાઓ જ્યાં દર વર્ષે લાખો સહેલાણીઓને પોતાની તરફ આકર્ષી રહ્યાં હતાં તો આ સ્થાન કેમ લોકોની નજરોથી દૂર રહ્યું એ સમજ બહારની વસ્તુ હતી.
"દીદી, અહીં કોઈનાં પગલાં પડ્યાં હોય એવું લાગે છે!" એ જગ્યાએ માટીમાં પડેલાં પગલાં તરફ ઈશારો કરતાં જાનકીએ આધ્યાને કહ્યું.
"હા, એકસાથે ઘણાં બધાં લોકો આ રસ્તે આગળ વધ્યાં હોય એવું લાગી રહ્યું છે." પગલાંને ધ્યાનથી જોતાં આધ્યાએ કહ્યું. "શક્યવત આ પગલાં સમીર અને એની સાથે રહેલાં લોકોનાં હોવાં જોઈએ."
"ચલો, તો પછી આ રસ્તે આગળ વધીએ.!" રાઘવ બોલ્યો. સમીર અને અન્ય કર્મચારીઓને શોધવાનું જે કામ પોતાની કંપનીએ એને સોંપ્યું હતું એને યોગ્ય રીતે અંજામ આપવાનો મક્કમ નિર્ધાર રાઘવે બનાવી લીધું હતું.
રાઘવનો પ્રસ્તાવ બધાંએ માન્ય રાખ્યો અને એ ડગલાંને અનુસરતાં અગ્રેસર થયાં. હા રેહાના અને જુનેદને આ વાત ખટકી જરૂર હતી પણ એમને પણ ડરતાં-ડરતાં બધાંની સાથે આગળ જવા માટે હામી ભરી દીધી.
એ વિશાળ મેદાનની ડાબી તરફ જતાં રસ્તે એ પગલાં આગળ વધતાં માલુમ પડી રહ્યાં હતાં. એ પગલાંને અનુસરતાં એ લોકો હજુ માંડ બસો મીટર આગળ વધ્યાં હતાં ત્યાં રાઘવની નજરે નીચે પડેલી એક સોનામહોર ચડી. રાઘવે આ સોનામહોરને નીરખીને જોઈ અને અન્ય લોકોને પણ જોવાં આપી. આ સોનામહોરની એક બાજુ એક રાજાની અને બીજી બાજુ એક કિલ્લાની આકૃતિ બનેલી હતી. એ રાજા કોણ હતો એ તો કોઈને ના સમજાયું પણ એ કિલ્લો નક્કી માધવપુર હતો એનો કિલ્લાની રચના પરથી આછો-પાતળો ખ્યાલ આવી જતો હતો.
હવે એ લોકો જેમ-જેમ આગળ વધી રહ્યાં હતાં એમ-એમ જમીન પર રેતીની માત્રા ઓછી થતી હોવાથી ત્યાં પડેલાં પગલાંની છાપ અદ્રશ્ય હતી. આગળ વધતાં-વધતાં જુનેદ બોલ્યો.
"તમને લાગતું નથી આપણે અહીંથી પાછાં વળી જવું જોઈએ.." જુનેદે કહ્યું. "આગળ મળેલી ત્રણ લાશો અંગે આપણે ઈન્સ્પેકટરને જણાવવું જોઈએ. વધુ આગળ વધવાનું જોખમ ઉઠાવવું યોગ્ય નથી."
"દીદી, જુનેદ સાચું કહી રહ્યો છે..!" જાનકી જુનેદને ટેકો આપતાં બોલી.
"મને પણ લાગે છે કે આગળ વધવું હિતાવહ નથી.!" આધ્યાએ કહ્યું. "આપણે મોહનગઢ પોલીસ સ્ટેશનનાં એ ખડૂસ ઈન્સ્પેકટરને અહીં લેતાં આવીએ અને એને સાથે રાખીને સમીર સહિત બાકીનાં લોકોની શોધખોળ કરીએ એ ઉચિત રહેશે."
"યા અલ્લાહ..!" અચાનક યુસુફે ઉચ્ચારેલાં આ શબ્દોએ બધાનું ધ્યાન એની તરફ ખેંચ્યું.
"શું થયું યુસુફ ભાઈ..?" રાઘવે યુસુફને સંબોધીને કહ્યું.
"અહીં પગથિયાં પર જોવો.." એ લોકો આગળ વધી રહ્યાં હતાં એ રસ્તે નીચેની તરફ જતાં પગથિયાં તરફ આંગળી કરતાં યુસુફ બોલ્યો.
યુસુફના આમ બોલતાં જ બધાંની નજર એ પગથિયાં પર થઈને નીચે જતાં રસ્તા તરફ કેન્દ્રિત થઈ. આ રસ્તે એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો, જેનાં જમણાં ખભેથી લઈને ડાબી તરફની સાથળ સુધીનો ભાગ ઘાતકી રીતે ચિરાઈ ચૂક્યો હતો. કપડાં પરથી એ વ્યક્તિ કોઈ મજૂર જેવો લાગતો હતો. એની હાલત જોઈને જાનકીને ઉબકા આવવા લાગ્યાં.
એ મૃતદેહને ધ્યાનથી જોતાં-જોતાં એ છ લોકોનું દળ ખૂબ ઝડપથી પગથિયાં ઉતરવા લાગ્યું. હજુ એ લોકો ડાબી તરફ જતાં પગથિયે વળ્યાં ત્યાં એમની નજર પગથિયાં પર પડેલાં બીજાં બે મૃતદેહો પર પડી. આ બંનેને પણ તીક્ષ્ણ હથિયારનાં ઘાતક પ્રહારો થકી મારી નાંખવમાં આવ્યાં હતાં.
"અબ્દુલ, આ અબ્દુલ છે." ત્યાં પડેલાં બે મૃતદેહમાંથી એકની ઓળખ કરતાં રાઘવ ભયભીત સ્વરે બોલ્યો. "આ પણ સમીરની સાથે દુબઈથી આવ્યો હતો."
"મને લાગે છે હવે આપણે થોડું આગળ વધીને તપાસ કરી લેવું જોઈએ..!" આધ્યાનાં અવાજમાં હતાશા ભળી ચૂકી હતી. આધ્યાએ નંખાયેલાં અવાજે કહ્યું. "આગળ વધુ લાશો હશે એવું મને લાગે છે."
સમીર જીવિત મળી આવશે એવી હિંમત હવે આધ્યા હારી ચૂકી હતી એ એની વાતો પરથી સ્પષ્ટ હતું. જાનકી અને રેહાનાએ એને ધીરજ રાખવાની અને પોતાનાં ભગવાન પર ભરોસો રાખવાની વાતો કરી, પણ એની અસર આધ્યાને જરાપણ થઈ નહોતી એવું એનો ચહેરો જોતાં લાગી રહ્યું હતું.
આધ્યાની વાતનું માન રાખીને બધાં પગથિયાં ઉતરવા લાગ્યાં. નીચે ઉતરતાં આ પગથિયાં ચાર વખત જમણી તરફ વળતાં હતાં; ઉપરથી જોતાં આ પગથિયાં એક ચોરસ રચના બનાવતાં હતાં.
આધ્યાની કહેલી વાત સાચી પડી રહી હોય એમ પગથિયાં ઉતરતાં જ એ લોકોએ બીજાં બે મૃતદેહો જોયાં. જેમાંથી એકની ગરદન એનાં ધડ પર માંડ થોડી-ઘણી ચામડીનાં બળે લટકી રહી હતી. બધાંને હવે અહીંથી પાછાં વળી જવું હતું પણ ખબર નહીં એવું તે શું કારણ હતું કે એ લોકો આગળને આગળ વધી રહ્યાં હતાં.
આગળ જતાં એ લોકોએ એક પછી એક ચાર મૃતદેહો જોયાં..આ ચારેય મૃતદેહોનો પહેરવેશ એ તરફ સંકેત કરી રહ્યો હતો કે આ બધાં એ અભાગી મજૂરો હતાં જે પોતાનાં ઘરનો ચૂલો સળગતો રાખવા સમીરની સાથે અહીં આવ્યાં હતાં. આ રીતે આટલાં બધાં લોકોની નિર્મમ હત્યા કરવા પાછળ આખરે કોઈનો ઉદ્દેશ શું હશે? એ સમજવામાં અસમર્થ બધાં એક એવી જગ્યાએ આવીને અટકી ગયાં જ્યાં આગળ વધવાનો કોઈ રસ્તો નહોતો.
અત્યાર સુધી સમીરને શોધવા આવેલી છ લોકોની ટુકડી બાર લોકોનાં મૃતદેહ જોઈ ચૂકી હતી. સમીર અને એની સાથે દુબઈથી અન્ય ચાર લોકો અહીં આવ્યાં હતાં. આ રીતે દુબઈથી આવેલાં લોકોની સંખ્યા પાંચ હતી જ્યારે ઈન્સ્પેકટર ગુજરાલના જણાવ્યાં મુજબ એમની જોડે બીજાં દસ મજૂરો હતાં; જે પરથી સાબિત થતું હતું કે કુલ પંદર લોકો અહીં આવ્યાં હતાં. પંદરમાંથી બાર લોકોનાં મૃતદેહ એ લોકો જોઈ ચૂક્યાં હતાં એટલે હવે એ વાતની આશંકા હતી કે આગળ ત્રણ લોકોનાં મૃતદેહ અવશ્ય મળશે.
એ લોકો જે જગ્યાએ આવીને અટકયાં ત્યાં એમની ગણતરી મુજબ ત્રણ લોકોનાં મૃતદેહો પડ્યાં હતાં. આ ત્રણેય લોકોની ખૂબ જ ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોય એ એમનાં મૃતદેહોની હાલત જોઈને દૂરથી જ સ્પષ્ટ થતું હતું. ત્રણ મૃતદેહોને જોતાં જ આધ્યાની રહી-સહી હિંમત પણ મરી પરવરી. એનું માથું જોરથી ભમવા લાગ્યું અને એ આક્રંદ કરતાં-કરતાં નીચે ફસડાઈ પડી.
રેહાના અને જાનકી આધ્યાને સંભાળવામાં લાગેલાં હતાં એ દરમિયાન રાઘવ એ ત્રણ મૃતદેહો કોનાં હતાં એ જોવાં આગળ વધ્યો. રાઘવ ઉપર-ઉપરથી તો પોતાની જાતને સ્વસ્થ દેખાડી રહ્યો હતો પણ હકીકતમાં એ માનસિક રીતે પૂર્ણરૂપે ભાંગી ચૂક્યો હતો. આ બંને મૃતદેહો શક્યવત સમીર અને પોતાની કંપનીનાં બાકીનાં બે અધિકારીઓનાં હોવાં જોઈએ એવી ધારણા સાથે રાઘવે પ્રથમ મૃતદેહનો લોહીથી ખરડાયેલો ચહેરો ધ્યાનથી જોયો.
"સ્વામી.." રાઘવ એને જોતાં જ ઓળખી ગયો. સ્વામી રાઘવની માફક જ સાઉથ ઇન્ડિયન હતો, જેને આ કંપનીમાં નોકરી લાગે માત્ર ત્રણ મહિના જ થયાં હતાં.
સ્વામીનાં મૃતદેહની ઓળખ કર્યાં બાદ રાઘવ ટોર્ચનાં અજવાળે બીજાં મૃતદેહ તરફ આગળ વધ્યો. જેવો રાઘવે ટોર્ચનો પ્રકાશ બીજાં મૃતદેહ પર ફેંક્યો એ સાથે જ એનાં હાથમાં રહેલી ટોર્ચ છટકીને જમીન પર પડી ગઈ. આમ થતાં જ યુસુફ પોતાની ટોર્ચ લઈને રાઘવની નજીક આવ્યો. એને રાઘવની ટોર્ચ જમીન પરથી ઉપાડીને રાઘવનાં હાથમાં મૂકી.
રાઘવે એવું તે શું જોઈ લીધું કે એ આટલો બધો ડરી ગયો એ જોવાં યુસુફે પોતાનાં હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ બીજાં મૃતદેહ પર ફેંક્યો. એ મૃતદેહને જોતાં જ યુસુફ જેવો મજબૂત મનનો માણસ પણ બે ડગલાં પાછળ હટી ગયો.
એ મૃતદેહનો ચહેરો વચ્ચેથી કપાયેલો હતો. માથા પર કોઈએ તલવારનો ઘા કરીને એનો ચહેરો વચ્ચેથી કાપી નાંખ્યો હોય એવું લાગી રહ્યું હતું. આ જુગુપ્સાપ્રેરક દ્રશ્ય હતું.
"આ અમારી કંપનીનો એમ્પ્લોયી બશીર ખાન છે." ઘીમાં અવાજે રાઘવ બોલ્યો.
રાઘવ અને યુસુફ હિંમત કરીને એક ખૂણામાં પડેલાં ત્રીજા મૃતદેહ તરફ આગળ વધ્યાં જે શાયદ સમીરનો હતો. એ મૃતદેહનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. શારીરિક બાંધા પરથી આ મૃતદેહ સમીરનો હતો એવું પહેલી નજરે જોતાં લાગી રહ્યું હતું. આમ છતાં આ સમીર જ છે એ વાતનો કોઈ ઠોસ પુરાવો એ લોકોનાં હાથમાં નહોતો આવ્યો.
અચાનક રાઘવની નજર એ મૃતદેહનાં જમણાં હાથની મુઠ્ઠીમાં બંધ એક ચમકતી વસ્તુ પર પડી. રાઘવે સાવચેતી સાથે એ વસ્તુ પોતાનાં હાથમાં લીધી. સોનાની ચેન પર બાંધેલાં બાજની આકૃતિ ધરાવતાં લોકેટને જોતાં જ રાઘવના મુખે અનાયાસે સરી પડ્યું.
"સમીર..! આ લોકેટ સમીરનું છે."
*******
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)