જનરેશન ગેપ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

જનરેશન ગેપ


જનરેશન ગેપ

"પણ પપ્પા શું આ નિર્ણય લેવો જરૂરી છે, ને આવી જરૂર પણ શું છે. મમ્મી તું સમજાવને પપ્પાને ! આ બધું અત્યારે કરવું ક્યાં જરૂરી છે, એવો સમય આવશે ત્યારે વિચારીશું. રુચિકા સમજદાર છોકરી છે એ એડજસ્ટ થઈ જ જશે આપણી સાથે, તમે નાહકના આવો કઠોર નિર્ણય કરી રહ્યા છો."

આદર્શ ઘણા સમયથી અશોકભાઈને સમજાવી રહ્યો હતો, પણ અશોકભાઈ ટસના મસ થતા ન હતા. એમણે નિર્ણય કરી લીધો હતો ને હવે એમાં કોઈ ફેરફાર કરી શકે એમ ન હતું. વર્ષાબેન ઘણા દિવસથી પ્રયત્ન કરતા હતા પણ પથ્થર પર પાણી... અશોકભાઈ માનવાના હતા જ નહીં. ઘરમાં ખુશીનો માહોલ ધીમો પડી ગયો, નવો સંઘર્ષ ચાલુ થયો હતો.

આજે શોપિંગ પતાવી આદર્શ રુચિકાને ઘરે સાથે લઈને આવ્યો. ડિનર પતાવી બધા સાથે બેઠા, રુચિકા આમ ખુશમિજાજી છોકરી, પહેલી જ નજરમાં આદર્શને ગમી ગઈ. બંને ઓફિસના કામથી ઘણી વખત મળતા. આદર્શે પ્રપોઝ કરી ત્યારે રુચિકા ખૂબ ખુશ થઈ હતી. ના પાડવાનો તો કોઈ અવકાશ જ ન હતો. આદર્શ પણ કઈ હીરોથી કમ ન હતો લાગતો. કસાયેલું શરીર, નમણો ચહેરો ને આકર્ષક વ્યક્તિત્વ. રુચિકાએ પણ પ્રપોઝલ સ્વીકારી લીધું. બંનેના સંબંધોને પરિવારે સહર્ષ સ્વીકાર્યા. ને હવે લગ્ન પણ નક્કી થઈ ગયા જેની તૈયારીઓમાં બધા વ્યસ્ત હતા. રુચિકા અશોકભાઈ તરફ જોઈને બોલી,

"પપ્પા ! તમને હું નથી ગમતી ? કે આ લગ્ન થાય એ તમને પસંદ નથી ?"

અશોકભાઈ સમજી ગયા કે આ મિઠુંડી છોકરી પોતાને મનાવવાની કોશિશ કરે છે. અશોકભાઈ પણ સમયની ધૂળ ખાધેલ વ્યક્તિ. એ સક્ષમ હતા બધાને પોતાના નિર્ણયમાં સહકારી બનાવવા. એ બોલ્યા,

"રુચિકા ! ગમા-અણગમા તો બદલાતા રહે બેટા ! આજે જે સૌથી પ્રિય હોય એ કાલે સૌથી વધુ અપ્રિય પણ બની જાય..."

રુચિકા બોલી,"એટલે શક્યતાઓને આધારે માણસે કઠોર બની જવાનું એમ ! આમ જ થશે કે બનશે એમ માની અત્યારે આવો નિર્ણય લેવો તમને યોગ્ય લાગે છે ?"

વર્ષાબેનને થનારી વહુની સમજદારી માટે માન થઈ ગયું. એમણે અશોકભાઈ સાથે નજર મેળવી જાણે આજીજી કરી કે આ નિર્ણય બદલી નાખે...

અશોકભાઈ ઉભા થતા બોલ્યા,
"આદર્શ, રુચિકાને મોડું થતું હશે એને ઘરે મૂકી આવ, સવારે ફરી લગ્નની દોડધામ શરૂ કરવાની તો થાકી જતા હશો, આરામ કરો બધા...."

અશોકભાઈ રૂમમાં ગયા. રુચીકા થોડી ઉદાસ થઈ ગઈ. વર્ષાબેન પણ મુંઝાયા. વાતાવરણને હળવું કરતા આદર્શ બોલ્યો,

"હવે તમે બંને રડવા ન માંડતા...."

ત્રણેય હસી પડ્યા. ત્રણેઉ જાણતા હતા કે જેટલી માનીએ છીએ એટલી હળવી વાત તો નથી જ છતાં કોઈનું કશું ચાલે એમ નહતું. આદર્શ રુચિકાને ઘરે મુકવા ગયો ને વર્ષાબેન રૂમ તરફ ગયા. વર્ષાબેન આવ્યા એટલે અશોકભાઈને થયું કે એ જરૂર પોતાને મનાવવાનો પ્રયત્ન કરશે જ એટલે એમણે જ વાત ચાલુ કરી ,

"તને મેં એક વાત નથી કહી. હું વર્ષો પહેલા ટ્રેન નીચે આપઘાત કરવા ગયો હતો, પણ પછી હિંમત ન ચાલી એટલે ફરી આવી ગયો, આ વાત મેં તને ક્યારેય નથી કહી. તું ઈચ્છે છે કે આપણો આદર્શ પણ એવી પરિસ્થિતિમાં મુકાય ? ને એમ ન કહેતી કે હરવખતે એવી જ પરિસ્થિતિ આવે એવું થોડું છે, કારણ કે આ પરિસ્થિતિ ગમે ત્યારે આવી શકે છે. આ જનરેશન ગેપને કારણે મતભેદો ઉભા થવાના જ છે. તને ખબર તારી ને મારી મા વચ્ચે હંમેશા વિવાદો જ થયા છે ને તમારી બંનેની વચ્ચે હું હંમેશા પીસાયો હતો. એ સમયે તો એટલી પરિપક્વતા પણ ન હોય કે તમે તટસ્થ રહી શકો ને એટલે જ એવા વિચારો આવતા, ઘરથી દૂર રહેવાના. આપણા સમાજની મોટામાં મોટી સમસ્યા શું છે તને ખબર ! વડીલોને એ ખબર નથી કે નિવૃત ક્યારે થવું ને સંતાનોને એ ખબર નથી કે પ્રવૃત ક્યારે થવું. આને લીધે જ વર્ષો સુધી ઘરમાં ખટરાગ થયા કરે છે. હું નથી ઇચ્છતો કે ફરી ઘરમાં આવા જ વિવાદો ઉદ્દભવે. એટલે જ મેં નિર્ણય કર્યો છે આપણે આપણા નવા ફ્લેટમાં રહેવા જઈશું ને આદર્શ ને રુચિકા આ ઘરમાં રહેશે. સંબંધો જેટલા દૂર રહે એટલી જ મીઠાશ વધુ રહે છે. રુચિકા આજની આધુનિક છોકરી છે એ તારું વર્ચસ્વ નહિ સ્વીકારે ને તારા હાથમાં ક્યારેય આધિપત્ય આવ્યું નથી એટલે તું પણ અહમ છોડીશ નહિ. વળી આદર્શ એ નવી જનરેશનનો યુવાન એ મારી જેમ અંદર જ ઘૂંટાશે નહિ પણ સીધું જ બોલી દેશે જે મારાથી સહન નહિ થાય. ને પછી ઘરમાં કંકાશ શરૂ થશે એના કરતાં એ જ સારું છે કે આપણે દૂર રહીને જ એકબીજાની પાસે રહીએ.."

હવે વર્ષાબેન પાસે કહેવા માટે કઈ બચ્યું ન હતું. જનરેશન ગેપની મુસીબત એણે આજીવન સહી હતી. ઘરડા સાસુ સાથે ક્યારેય વિચારો મળ્યા જ નહતા એથી સાસુ ક્યારે સ્વર્ગે સિધાવે એવી જ રાહ એમણે આજીવન જોઈ હતી. અશોકભાઈ એકના એક પુત્ર હતા તો માથી અલગ થવાનું વિચારી પણ ન શકાય ને લોકો શું કહેશે, વૃદ્ધ ને વિધવા માતાને તરછોડી દીધી.. બસ આવા જ સંઘર્ષો, પીડા, ઝઘડા, મતભેદ, મનભેદ વચ્ચે એમનું જીવન પસાર થયું હતું. સાસુના મૃત્યુ પછી હમણાં થોડા વર્ષો શાંતિ ના પસાર થયા હતા. નાનું કુટુંબ, સુખી કુટુંબ જેવો ઘાટ ઘડાયો જ હતો ત્યાં અશોકભાઈએ કઠોર થઈ નિર્ણય લઈ લીધો. વર્ષાબેનને પણ હવે આ નિર્ણય સાચો લાગ્યો. એમણે આજીવન એમ જ લાગ્યું કે પોતાનાથી ઓછા ભણેલા, જુનવાણી, જરાય પ્રેક્ટિકલ નહિ એવા સાસુના આધિપત્ય નીચે પોતાની જિંદગી ધૂળધાાણી થઈ ગઈ.

હવે વધુ ભણેલી નોકરી કરતી વહુ સાથે પોતે તાલમેલ નહિ મેળવી શકે એના કરતાં તો અલગ ને સ્વતંત્ર રહેવું સારું. વર્ષાબેન કામગરા ખરા એટલે વહુ આવીને કામ કરશે ને પોતે આરામ કરશે એવું સ્વપ્ન એમને ક્યારેય નહોતું જોયું. એટલે અલગ રહેવામાં એમને કામની બીક ન હતી પરંતુ આવો નિર્ણય સમાજમાં કઈક નવીનતાસભર હતો એટલે ઘડીકમાં કોઈ સ્વીકારે નહિ એ સ્વાભાવિક છે. આમ પણ આપણા સમાજમાં પરિવાર અલગ થાય ત્યારે ઘણી વાતો કરે લોકો. લોકોને મોકો મળી જાય પરિવાર વચ્ચે પડેલી તિરાડો વધુ પહોળી કરવાનો. બસ આ જ બીક વર્ષાબેનને હતી. પણ પતિની વાત પર વિચાર કરતા એમને પણ આ વાત બહુ સાચી લાગી.....

વિચારતા વિચારતા જ વર્ષાબેનને ઊંઘ આવી ગઈ...

સવારે ફરી લગ્નના કામમાં બધા વ્યસ્ત થઈ ગયા. આજે અશોકભાઈએ રુચિકાના મમ્મી પપ્પાને જમવા બોલાવ્યા. રુચિકાએ બધી વાત કરી હતી તો એમને પણ ચિંતા થતી હતી કે વેવાઈ આ શું કરી રહ્યા છે. આજે બંને પરિવાર મળીને ચર્ચા કરે એવું અશોકભાઈ ઈચ્છતા હતા.

રુચિકાના પપ્પા બોલ્યા, "વેવાઈ આ તમેં ખોટુ કરી રહ્યા છો હજી તો આદર્શ ને રુચિકા બાળક કહેવાય ને તમે આમ એકલા મૂકીને જતા રહો એ કેમ ચાલે..."

અશોકભાઈ બોલ્યા,

"જીતેનભાઈ તમારી વાત સાચી પણ માવતર બેઠા હોય ત્યાં સુધી સંતાનો બાળકો જ રહે, આપણે એમને વિકસવા જ નથી દેતા આપણે હટી જઈએ તો જ એ વિકસી શકે ને ! અમે કઈ દૂર નથી જતા અહીં જ છીએ અમારી માતાપિતા તરીકેની બધી ફરજો નિભાવશું. રુચિકા નોકરી કરે છે તો બે કામવાળી રખાવી દીધી છે જેથી એને તકલીફ ન પડે. જ્યારે એના બાળકો થશે તો એને પણ મોટા કરવાની જવાબદારી અમારી જ રહેશે, અમે એમના બાળકોને મોટા કરી આપશું. આખરે અમારે પણ અરમાન છે પૌત્ર- પૌત્રી ને મોટા કરવાના. અલગ રહીએ છીએ એનો અર્થ એમ નથી કે સંબંધો તૂટી ગયા. ઉલટાનું અમે તો એ બંનેને સ્પેસ આપીએ છીએ એમના જીવનના મહત્વના વર્ષો એકબીજાની સાથે એકલા પસાર કરી શકે. અત્યારની પેઢી ને આપણો ક્યાંય મેળ ન પડે અરુણભાઈ ! ઉઠવાથી માંડી સુવા સુધી આપણી ને એમની બધી રિતભાતો અલગ, ને આપણે વડીલો એમને રોકટોક કરીએ એ એમને ગમે નહિ. વળી આપણે પણ ખૂબ મહેનત કરી હવે થોડી શાંતિ ને ઈશ્વર આરાધના માટે શાંતિ જોઈએ છે બસ એટલે જ આ નિર્ણય કર્યો. રુચિકા ઘર સંભાળતા શીખી જશે પછી જ અમે જઈશું અહીંથી અત્યારે તો બસ થોડો સામાન જ ત્યાં ફેરવ્યો છે....."

હવે અશોકભાઈ રુચિકા તરફ ફરીને બોલ્યા,

"રુચિકા તું એમ ન માનતી કે તારા આવવાથી મેં આ નિર્ણય લીધો છે, મેં તો બહુ પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે આ જનરેશન ગેપ હું દલીલોથી ભરીશ નહિ, પણ સમજદારીથી જાળવી રાખીશ. તને ઘર સંભાળવામાં થોડો વખત અઘરું પડશે પણ પછી તને ટેવ પડી જશે કમસે કમ સાંજે ઘરે આવીશ ત્યારે કોઈને જવાબ તો નહીં આપવો પડે. ને અમારે કોઈની રાહ નહિ જોવી પડે. જ્યારે પણ તકલીફ પડે તું બસ કહી દેજે અમે બેઠા જ છીએ....."

હવે વારો આવ્યો આદર્શનો... આદર્શને સંબોધતા અશોકભાઈ બોલ્યા,

"આદર્શ તું તો સમજે જ છે ને કે મેં આ નિર્ણય કેમ લીધો એ. નાનપણથી જ તને ખબર છે આપણા ઘરમાં કેવી સમસ્યાઓ ઉભી થતી. બસ એ ફરી ઉભી ન થાય માટે જ મેં આ નિર્ણય લીધો. ને હવે ઢળતી ઉંમરે તારી મા ને સમય આપવો છે ને એનો સમય લેવો પણ છે, એણે ઘણું સહન કર્યું છે ને હજી પણ કરી પણ લે પરંતુ હવે મારે જ એવું થવા નથી દેવું. આપણી બે પેઢી વચ્ચે મારે પગથિયાં કરવા છે ખાઈ નહિ. જનરેશન ગેપ જાળવીને જીવન માણવું છે....."

હવે તો કોઈને દલીલો માટે અવકાશ જ ન હતો. બધાને અશોકભાઈની વાત સાચી લાગી. લગ્ન ધૂમધામથી પૂર્ણ પણ થઈ ગયા ને રુચિકા ઘરમાં સેટ પણ થઈ ગઈ. હવે રજાના દિવસોમાં આદર્શ ને રુચિકા અશોકભાઈ ને વર્ષાબેન પાસે જાય છે આનંદ મસ્તી કરે છે ને ફરી પોતાના ઘરે આવી જાય છે. બે પેઢીઓ જનરેશન ગેપ ઓળંગી ખૂબ આનંદ સાથે એકબીજાથી દુર પણ દિલથી નજીક રહે છે.......

અસ્તુ... આભાર... આપનો કિંમતી પ્રતિભાવ ઉત્સાહવર્ધક નીવડશે..

© હિના દાસા