પ્રિંસેસ નિયાબી - ભાગ 35 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિંસેસ નિયાબી - ભાગ 35

બધા હજુ ચૂપ જ હતા. ત્યાં ઓનીરે કંજના હાથમાં થી નકશો લીધો અને એને ખોલીને જોવા લાગ્યો.

નિયાબી ઓનીરની પાસે જઈને નકશો જોવા લાગી.

અગીલા: એવું નથી લાગતું કે બધું ડોહોળાઈ ગયું? કઈક અલગ જ થઈ ગયું.

ઝાબી: શુ અલગ થઈ ગયું અગીલા? અત્યાર સુધી આપણી પાસે કોઈ નક્કર પુરાવો નહોતો નાલીન સામે લડવાનો. પણ હવે છે રાજા માહેશ્વર. યામનની ખુશીઓ, કંજના પિતાનું સન્માન આ બધું છે.

અગીલા: એવું નહિ ઝાબી. પણ વિચાર્યું નહોતું એવું જાણવા મળ્યું. મનેતો હજુ પણ વિશ્વાસ નથી આવતો કે એક દીકરો પોતાના પિતાને આ રીતે દુઃખી કરી રહ્યો છે. એમને બંધી બનાવીને રાખ્યા છે. શુ ખરેખર માણસનો લોભ ને લાલચ આટલો બધો વધી ગયો છે? એને પોતાના લોકો પણ પારકા લાગવા લાગ્યા છે?

આ સાંભળી નિયાબી એકદમ ઉદાસ થઈ ગઈ. એ અગીલાની સામે જોવા લાગી.

ઝાબી: હા લાગી તો એવું જ રહ્યું છે અગીલા. લાગે છે કે કળીયુગ આને જ કહેવતો હશે.

માતંગી: હા સાચી વાત છે. કળીયુગમાં જ આ બધું શક્ય બની શકે છે. માણસ સ્વાર્થી અને લાલચુ બની ગયો છે. પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ આગળ બીજા ને જોતો જ નથી.

અગીલા: હા.

ઓનીરે નિયાબી સામે જોયું. એનો ચહેરો ઉદાસ થઈ રહ્યો હતો. ઓનીરને ખબર હતી કે એવું કેમ થઈ રહ્યું છે. એણે તરત જ બાજી સંભાળતા કહ્યું, અરે! એ વાતો અત્યારે જવાદો. હવે આ નકશાના આધારે શુ કરવું એ વિચારો. આપણી પાસે સમય બહુ ઓછો છે. પછી નિયાબી સામે જોઈ પૂછ્યું, બરાબરને રાજકુમારીજી?

નિયાબીએ ઓનીરની સામે જોયું ને હકારમાં માથું હલાવ્યું. પછી કંઈપણ બોલ્યાં વગર ત્યાંથી બહાર નીકળી ગઈ. બધા એકબીજાની સામે જોવા લાગ્યા.

ઓનીર: કઈ નહિ તમે કદાચ રાજકુમારીને એમનો ભૂતકાળ યાદ અપાવી દીધો. થોડીવાર એકલા રહેવા દો.

માતંગી કંજ પાસે જઈને બોલી, કંજ તું બરાબર છે?

કંજ: હા માતંગી. બસ આ બધું સાંભળી થોડો વિચલિત થઈ ગયો હતો. પણ ચિંતા ના કરો જલ્દી સ્વસ્થ થઈ જઈશ.

ઝાબી: એજ બરાબર રહેશે કંજ. નહીંતો આપણું કામ રહી જશે. આ નકશો જો. ને હવે આગળ શુ કરવું એ કહે.

ઓનીર: નકશો એકદમ બરાબર છે. ને ક્યારે કામ શરૂ કરવું એ પણ લખ્યું છે. ને રાજાને કઈ જગ્યાએ લઈ જવા તે પણ સ્પષ્ટ છે. રાંશજે રાજાની સુરક્ષાની વ્યવસ્થા કરી છે. એટલે આપણા માટે સરળ રહેશે. કામ પૂરું કરી આપણે પાછા ઉજાણીમાં સામેલ થઈ જઈશું.

કંજ: તો ઓનીર તું આ નકશો મને આપ. હું જઈશ રાજાને છોડાવવા માટે.

ઓનીર: કંજ એમ ઉતાવળો ના થા. આ કામ તારા એકલાનું નથી. ને હજુ આપણને ખોજાલની યોજનાની કઈ ખબર નથી. એ જરૂર આપણી પર નજર રાખી રહ્યો હશે. આપણી દરેક ગતિવિધિઓની એને ખબર હશે. એટલે સંભાળીને કામ કરવું પડશે.

અગીલા: ઓનીર તારી વાત એકદમ બરાબર છે. મારુ માનવું છે કે રાજા માહેશ્વરને છોડાવવા માટે હું અને નિયાબી બંને જઈએ. અમે યુવતીઓ છીએ. કોઈને અમારી પર શંકા નહિ થાય. ને કદાચ અમારી પર ધ્યાન પણ ના હોય.

અગીલાની વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા. વાત સાચી હતી.

માતંગી: પણ આપણે રાજકુમારીનો જીવ જોખમમાં ના મૂકી શકીએ અગીલા.

કંજ: ના એ શક્ય નથી. રાજા ને છોડાવવા માટે હું જ જઈશ. આ મારી જવાબદારી છે. હું કોઈ બીજા પર જવાબદારી ના નાંખી શકું. ને એમાં પણ યુવતીઓ પર તો નહિ જ.

કંજની વાત સાંભળી અગીલા એકદમ ભડકી ને તાળુકી, એટલે? તારો કહેવાનો મતલબ શુ છે? અમે આ કામ કરવાને લાયક નથી? અમે નિર્બળ છીએ?

કંજ: મારો એવો કોઈ મતલબ નહોતો. બસ હું મારી જવાબદારીઓ બીજાને આપવા નથી માંગતો.

અગીલા: તો પછી અમે અહીં શા માટે છીએ કંજ? તારે બધું જાતે જ કરી લેવું જઈએ. ઓનીર મને નથી લાગતું કે અહીં આપણી જરૂર હોય.

કંજ: અગીલા તું ખોટી ગુસ્સે થઈ રહી છે. હું માત્ર.....

પણ કંજ આગળ કઈ બોલે તે પહેલા ઓનીર બોલ્યો, કંજ શાંત. ને અગીલા તું શા માટે ગુસ્સે થાય છે? કંજ હજુ તને અને રાજકુમારીને બરાબર ઓળખતો નથી. એટલે એની ચિંતા એક સામાન્ય વ્યક્તિ તરીકે યોગ્ય છે. ને કંજ તું તારી જગ્યાએ બરાબર છે. પણ આ કામ તું ના કરી શકે. કારણકે ખોજાલ અને નાલીન બંનેની નજર તારી ઉપર છે. એ દિવસે પણ એ લોકો તારી પર નજર રાખશે. એટલે અગીલાની વાત બરાબર છે. આ કામ અગીલા અને રાજકુમારી કરશે. ને રહી વાત રાજકુમારીની સુરક્ષાની તો માતંગી તું ચિંતા ના કરીશ. એ મારી જવાબદારી.

માતંગી: જી ઓનીર.

ઓનીર: તો વાત નક્કી અગીલા અને રાજકુમારી રાજાને છોડાવવા જશે. હું એમની પર નજર રાખીશ. ને કંજ તું, ઝાબી અને માતંગી જાહેરમાં બધાની વચ્ચે રહેશો. જેથી કોઈને શંકા ના જાય.

ઝાબી: પણ તમારું શુ? એ લોકો આપણી પર પણ નજર રાખી રહ્યા હશે.

માતંગી: એની ચિંતા ના કરીશ ઝાબી. એનો ઉપાય છે. એ દિવસે ઘણાબધા રંગારંગ પ્રસંગો છે. અગીલા અને રાજકુમારીને એમાં સામેલ કરી દઈશું. પછી જોઈ લઈશું.

ઝાબી: સરસ યોજના છે સેનાપતિ માતંગી. ખૂબ સરસ.

કંજ: તો પછી આપણે પણ જોડાઈ જઈએ આ ઉજાણીમાં. એકવાર રાજા માહેશ્વર પાછા આવી જાય. પછી હું નાલીનને છોડીશ નહિ.

ઓનીર: એની કોઈ જરૂર નહિ પડે. જેવી એને ખબર પડશે કે રાજાને કોઈને બંધીગ્રહમાં થી છોડાવી લીધા છે. એ સીધો તારી પાસે જ આવશે. તને પકડવા.

કંજ: કોઈ વાંધો નહિ. હવે એની ખેર નથી. કંજ ગુસ્સામાં બોલ્યો.

અગીલા: તો પછી ઠીક છે કામે લાગી જઈએ.

ઓનીરે ઉભા થતા કહ્યું, તમે જોઈલો હું રાજકુમારીને જોવું. પછીએ બહાર નીકળી ગયો.

કંજ એને જતો જોઈ ને બોલ્યો, લાગે છે કે રાજકુમારીની ચિંતા ઓનીર ને વધુ છે.

ઝાબી: હા બરાબર છે. પોતાના પ્રેમની ચિંતા કરવી યોગ્ય છે.

આ સાંભળી કંજ ખુશ થતા બોલ્યો, સાચે જ?

ઝાબી: હા પણ એક તરફી. હજુ સામેવાળા નો કોઈ જવાબ નથી.

અગીલા હસતા હસતા બોલી, ઝાબી જવાબ પ્રશ્નનો ના હોય. હજુ ઓનીરે નિયાબીને કહ્યું પણ નથી અને પૂછ્યું પણ નથી.

ઝાબી નિસાસો નાંખતા બોલ્યો, હા સાચી વાત. ખબર નહિ એ દિવસ ક્યારે આવશે?

કંજ: આવશે આવશે ઝાબી. એ દિવસ પણ જરૂર આવશે.

ઓનીર નિયાબીને શોધતો યામનની નદી કિનારે પહોંચી ગયો. એ જાણતો હતો કે નિયાબી જ્યારે ઉદાસ થાય ત્યારે એ શાંત જગ્યાએ બેસવું પસંદ કરે છે. એણે ત્યાં નિયાબીને એક પથ્થર પર બેસેલી જોઈ. એ એની સામેના પથ્થર પર જઈને બેઠો. નિયાબીએ એની સામે જોઈ સ્મિત કર્યું.

ઓનીર: ઉદાસ છો?

નિયાબી: ના.

ઓનીર: તો પછી આમ અહીં કેમ આવી ગયા?

નિયાબી: એટલા માટે કે દૂર છૂટી ગયેલો ભૂતકાળ પાછો વર્તમાનમાં ના આવી જાય.

ઓનીરે હસીને કહ્યું, તમે એને બહુ પાછળ છોડી દીધો છે. તમે ઈચ્છશો નહિ ત્યાં સુધી એ તમારા વર્તમાનમાં નહિ આવે.

નિયાબી: જાણું છું. ને એટલે જ એનો સામનો કરું છું.

ઓનીર: હા પણ ક્યારેક દેખાઈ જાય છે કે એ ભૂતકાળ તમને ડરાવી જાય છે.

ઓનીરની વાત સાંભળી નિયાબી એની સામે જોવા લાગી.

ઓનીર: માણસ ભલે પ્રયત્ન કરે પોતાના ભૂતકાળને પાછળ છોડવાનો. પણ ક્યારેક પ્રસંગોપાત એ પાછો આવી જ જાય છે. જેમાં કઈ ખોટુ નથી. પાછળ જોવાથી માણસ પાછળ નથી ધકેલાઈ જતો.

નિયાબી ઓનીરની વાત સાંભળી થોડી સ્વસ્થ થઈ.

નિયાબી: કોઈ કોઈ ભૂતકાળ માણસને એના વર્તમાનને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે મારા કિસ્સામાં બન્યું છે. જેનો મને ઘણો આનંદ છે. હું આજે મારા ભૂતકાળને યાદ કરી એનો આભાર માનું છું. જો એ દુઃખદાયક ભૂતકાળ ના હોત તો આજે હું અહીં ના હોત. હું ક્યારેય રાયગઢ ના જઈ શકી હોત. ને આજે મારી પાસે જે છે એમાંનું કઈ ના હોત. તમારા લોકોનો સાથ ના હોતો.

ઓનીર: હા આ એક સકારાત્મક વિચાર છે. દરેકે તમારી જેમ દુઃખમાં થી પણ સારું શોધવાની ભાવના કેળવવી જોઈએ. દુઃખ હળવું થઈ જાય.

નિયાબી હસીને બોલી, ધન્યવાદ.

ઓનીરે હસીને કહ્યું, એની કોઈ જરૂર નથી. તમે બસ આમ વિચાતા રહેશો તો ઝડપથી પ્રગતિ કરી શકશો.

નિયાબી: હવે કોઈ પ્રગતિની જરૂર નથી. જે પણ કઈ છે એટલું બરાબર છે. હું એનાથી ખુશ છું. બસ હવે મારો ઉદ્દેશ મારી પ્રજાની સુખ શાંતિ છે. એમની પ્રગતિ છે. એક રાજા માટે એનાથી વિશેષ શુ હોય શકે?

ઓનીર કઈ જ નહિ. પણ તમે માત્ર રાજા જ નથી. એ સિવાય પણ કઈક છો. એક સ્ત્રી.

નિયાબી હસીને બોલી, હા એ હું ક્યારેય નથી ભૂલી ઓનીર. પણ હાલ હું રાજા પર ધ્યાન આપવા માંગુ છું. સ્ત્રી પર નહિ.
ઓનીર આ સાંભળી ઉદાસ થઈ ગયો. પણ એણે એ ઉદાસી ચહેરા પર ના છલકવા દીધી. એ ઉભા થતા બોલ્યો, તો ચાલો રાજાજી હવે એના પર ધ્યાન આપીએ. પછી બને ઘરે આવી ગયા.

યામનમાં જોરશોરથી નાલીનના જન્મદિવસની તૈયારીઓ ચાલવા લાગી. ચારેતરફ હર્ષઉલ્લાસનું વાતાવરણ હતું. લોકો ખૂબ ખુશ હતા. યામનને શણગારવામાં આવી રહ્યું હતું.

પણ ખોજાલ ખુશ નહોતો. એને કંજને છોડી દીધાનો ગુસ્સો હજુ પણ હતો. પણ નાલીનની આગળ એ કઈ બોલી શકે એમ નહોતો. પણ એણે વિચારી રાખેલું કે જો કંજ કઈક કરે તો એ એને ત્યાં જ દંડ આપશે. એ પણ મૃત્યુદંડ.

આ તરફ રાંશજે પોતાની તૈયારીઓ કરી દીધી હતી. એણે રાજા માહેશ્વર સુધી કંજ વિશે વાત પહોંચાડી દીધી હતી. ને એમની મુક્તિની વાત પણ. એ સારી રીતે જાણતો હતો કે એ પછી શુ થશે? એટલે એણે રાજા માહેશ્વરને સુરક્ષિત જગ્યાએ રાખવાની વ્યવસ્થા પણ કરી દીધી હતી. તેમજ બીજી જરૂરી તૈયારીઓ પણ કરી લીધી હતી. બસ હવે એ દિવસ રાહ હતી.


ક્રમશ.................