ચંદ્રા દોડીને કૂવા પાસે ગઈ હતી. પાણીની અંદર માછલીઓની જેમ સ્ત્રીઓ તરફડી રહી હતી. ચંદ્રા માટે આ અત્યંત ભયાનક દ્રશ્ય હતું. એણે મદદ માટે બૂમરાણ મચાવી હતી,
“સોનલ...સોનલ...જરાક તો માણસ બન! આ બધી મરી જશે એમની મદદ કર, કોઈકને બોલાવ. કોઈ છે? રખેવાળ? બચાઓ...બચાઓ..." ચંદ્રાએ પોતે જ મહેલમાં હાજર દરેક જણને ઘેનની દવાવાળી લાડુડી ખવડાવી હતી. હવે એમાનું કોઈ મદદે આવી શકે એમ ન હતું."
થોડીક જ વારમાં કૂવાની અંદરનો તરફડાટ શાંત થઈ ગયો હતો. શરીરનો તરફડાટ બંધ થયો અને એ સાથે જ આત્માઓનો ચાલું... શરીર છોડી મુક્ત થયેલી દરેક આત્મા ક્રોધિત હતી. એમને એમના પર થયેલા અમાનુષી અત્યાચારનો બદલો જોઈતો હતો. કહેવાય છે કે માણસ જીવતે જીવ જેટલો ભોળો અને નબળો હોય એના મર્યા બાદ એની આત્મા એટલી જ ચપળ અને મક્કમ હોય છે! કૂવામાં તરી રહેલ શબ એ અંત નહિ પણ શરૂઆત હતી એ વાતથી બેખબર સોનલ હવે સાબદી થઈ હતી.
“તમે મને બળજબરી કરવા મજબૂર કરી રહ્યા છો બા, સીધી રીતે મારી સાથે ચાલો." સોનલે ચંદ્રાનો હાથ પકડ્યો અને એને પોતાની પાછળ ખેંચતી આગળ ચાલી.
ચંદ્રા હાલ ખૂબ દુખી હતી. એની નજર આગળ જ મોતનો ભયાનક ખેલ ખેલાઇ ચૂક્યો હતો. એનો એક હાથ સોનલના હાથમાં હતો એ એની પાછળ ઢસડાઈ રહી હતી. આગળ શું થશે? એ વાતનું હવે અનુમાન કરવું પણ એના માટે મુશ્કેલ હતું. એને હવે કુમારની ચિંતા હતી. સોનલે કહ્યું એ પ્રમાણે કુમાર બેવફાઈ કરી જ ના શકે એનું મન કહી રહ્યું હતુ. તો? એ અત્યાર સુધી આવ્યો કેમ નહિ? ક્યાંક એને મારી નાંખ્યો... આગળ વિચારતા પણ ચંદ્રા ધ્રુજી ઉઠી!
સોનલે ચંદ્રાને એના ઓરડામાં ધકેલી હતી. ચંદ્રાની પાછળ પેલી નાની બાળકી પણ અંદર દાખલ થઈ હતી.
“તું અહીંયા છે અને કુમારે મન ખોટું જણાવેલું કે તારી તબિયત ખરાબ છે. ચાલ તું મારી સાથે ચાલ." સોનલે બાળકીનો હાથ ખેંચ્યો.
“ના મારે નથી આવવું, હું અહીંયા જ રહીશ, મારે આમની સાથે રહેવું છે..." બાળકીને બૂમરાણ મચાવી.
“આ માસૂમ ઉપર તો જરાક દયા કર, હજી નાની બાળકી છે! ડાકણ પણ એક ઘર છોડી દેતી હોય છે." ચંદ્રાએ કહ્યું.
“હું ડાકણ નથી. આની સાથે શું કરવાનું છે એ મહારાજ નક્કી કરશે મારે તો બસ એ પાછા આવે ત્યાં સુધી આને સાચવવી પડશે." સોનલે એક ઝાટકો મારી બાળકીને બહાર ખેંચી લીધી અને બારણું બહારથી બંધ કરી એ ચાલી ગઈ.
એ દિવસનો સૂરજ ઊગ્યો ત્યારે ચંદ્રાના જીવનનો સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હતો. એ કુમારની રાહ જોતી, બસ એના પાછા ફરવાની પ્રતીક્ષા કરી રહી હતી. એણે અન્ન જળનો ત્યાગ કરેલો...બે દિવસ વીતી ગયા છતાં કુમાર પાછો ન આવ્યો ત્યારે એણે હતાશ થઈ ગળે ફાંસો ખાઈ લીધેલો...
એ દિવસની સાંજે સોનલે બારણું ખોલ્યું ત્યારે ચંદ્રાનું મૃત શરીર લટકી રહેલું...
મહારાજ પાછા આવ્યા ત્યારે મહેલમાં જે કંઈ બની ગયું એ જાણી વ્યથિત થયેલા. આટલા બધા મૃત્યુ થયા એના કરતા વધારે ફિકર હવે પકડાઈ ના જવાય એની હતી. એમણે એવું ચિત્ર ઊભું કર્યું કે એમની ગેરહાજરીમાં એમની ભત્રીજી ચંદ્રા એના પ્રેમી કુમાર સાથે ભાગી ગઈ અને એ વાતથી મહારાજે અત્યંત દુખી થઇ એની સાથેના બધા સંબંધ કાપી નાખ્યા. બધી લાશોને ભેગી કરીને મહેલની બહાર લઈ જવાઈ હતી.. ક્યાં? એ કોઈને ખબર નથી.
કબીરે એની વાત પૂરી કરી. કૂવામાં ડૂબીને એ ગામમાં જઈ પહોંચ્યો હતો અને એણે જે જે સીન જોયા હતા એ બધું જ કહી નાખ્યું.
બધા ચૂપ હતા. કોઈ કંઈ બોલી શકે એ હાલતમાં ન હતું. પ્રોફેસર નાગ એમની જગ્યાએથી ઊભા થયા અને મહેલની દીવાલે લટકી રહેલા એક ચિત્ર સામે જોઈ કહ્યું,
“તમારી લોકો સાથે મોટો અન્યાય થયો છે. જે કંઈ બન્યું એ ન હતું બનવું જોઈતું. વરસોથી તમારી આત્મા અહીં ભટકી રહી છે. તમારી મુક્તિ માટે હું શું કરી શકું એ મને જણાવો. હું તમારી મદદ કરવા ઇચ્છું છું. જેણે તમને તકલીફ આપી એની સામે તો તમે બદલો લઇ જ લીધો છે. એ દિવસ પછી એક રાત મહારાજ આ મહેલમાં શાંતિથી સૂઈ નથી શક્યા. સોનલને અડધી રાત પછી એક પછી એક કૂવામાં કૂદી પડતી સ્ત્રીઓ દેખાતી, કોઈ પણ બારણું ખોલતા એને એમાં ચંદ્રાનો દેહ લટકતો દેખાતો...અને એક દિવસ એ ગાંડી થઈ ગયેલી અને બળી મરેલી. મહારાજ શહેરમાં રહેવા ચાલ્યા ગયા તોય એમના પાપે એમને આંતરેલા અને ભયંકર બીમારીના ભોગ બની, રૂંવે રૂંવે કીડા ખદબદતા હોય એવા શરીર સાથે એ રિબાઈ રિબાઈને મરેલા."
“તમને આ બધી કેવી રીતે ખબર પ્રોફેસર?" રવિએ પૂછ્યું.
“એ બધી જાણકારી મેળવવી એ અમારી ટીમના કામનો જ એક હિસ્સો છે. જે દિવસે સનાએ મને આ મહેલ વિષે વાત કરેલી અને મદદ માંગેલી ત્યારથી અમે પેન્ટાગોનના સભ્યો આ મહેલ વિશે માહિતી મેળવી રહ્યા હતા. મહારાજ અને એમના દીકરા વિશે ઘણી વાતો જાણવા મળેલી, કેટલીક ખૂટતી કડીઓ હવે મળી ગઈ."
“હવે શું?" સનાએ કહ્યું.
અચાનક જોરથી એક પવનનું લહેરખુ આવ્યું અને એ રૂમમાં ટેબલ ઉપર પાથરેલા ઘરેણાં હલી ઉઠયા. એમાંની ઘૂઘરી ઓ રણકી ઉઠી...એક અટ્ટહાસ્ય અને તરત એક સ્ત્રીનો પડછાયો દેખાયો.
“રતનચંદ તે લાલચમાં આવીને અમારું ચિત્ર બનાવી રાજાને આપેલું અને રાજાએ અમારી જિંદગી બરબાદ કરી. આ પાપની શરૂઆત કરનાર તું જ થયો ને?" એ સ્ત્રીનો પડછાયો કહી રહ્યો. શાંત પણ પ્રભાવશાળી એ અવાજ બધાના દિલમાં ડરની આછી ધ્રુજારી પેદા કરી ગયો.
“મને પહેલા બિલકુલ અંદાજો ન હતો કે મારા દોરેલા ચિત્રથી આવું પણ થઈ શકે. મહારાજને હું કળાના પારખું સમજતો હતો. જ્યારે મને એમની નિયત પર વહેમ ગયો ત્યારે મેં ચિત્ર દોરવાનું છોડી દેવાનું નક્કી કરેલું પણ મહારાજના હુકમને હું ડરપોક માણસ અવગણી ના શક્યો. મને માફ કર માવડી! હું તારો ગુનેગાર છુ અને તું જે સજા આપે એ ભોગવવા તૈયાર છું. જો મને મારીને તમને શાંતિ મળતી હોય તો હું મરવા તૈયાર છું."
“તને મારીને અમે શું કરીશું? અમે કોઈ ખૂની નથી. અમારો જીવ અવગતે ગયેલો એ મહારાજના મૃત્ય સાથે મુક્ત થઈ જાત પણ અમને મુક્તિ ના મળી. અમારી માટે પોતાનો જીવ ગુમાવનારા ચંદ્રાબાનું અમારી ઉપર ઋણ છે. એ ઋણ ચૂકવાય પછી આ મહેલ હંમેશા માટે શાંત થઈ જશે."
“મારી પાછળ આવો..."
એ પડછાયાએ આટલું કહ્યું અને હવામાં અધ્ધર ઉડતો એ કૂવા પાસે પહોંચી ગયો. બધાના આશ્ચર્ય વચ્ચે ત્યાં સાત સ્ત્રીઓ ઊભી હતી. બિલકુલ એવી જ જેવી ચિત્રમાં દેખાતી હતી. એમનાથી થોડે દૂર એક નાની બાળકીનો હાથ પકડી એક સ્વરૂપવાન યુવતી ઊભી હતી. એ ચંદ્રા હતી. ચંદ્રપ્રભા બધાને ખ્યાલ આવી ગયો.
“આ બાળકી તો જીવિત હતી તો પછી એનો આત્મા અહીંયા?" હેરીએ પૂછ્યું.
“મહારાજે અમારા બધાના શરીર બહાર કઢાવેલા અને એમને એક મોટી ગાડીમાં ભરીને શહેરની બહાર લઈ ગયેલા, એ વખતે આ બાળકીનું શરીર પણ એમાં હતું. દર સાલ આજના દિવસે આ સમયે અમે લોકો અહીંયા ઊભા રહીએ છીએ. ચંદ્રાબા કહે છે કે, થોડી રાહ જુઓ કુમાર હમણાં આવતો જ હશે. એની સાથે આપણે બધા અહીંથી બહાર નીકળી જઈશું. અમે રાહ જોઈએ છીએ. ઠેઠ સવાર લગી. કોઈ નથી આવતું. ચંદ્રાબા રડતી રડતી મહેલમાં જતી રહે છે અને અમે બધી કૂવામાં કૂદી પડીએ છીએ... જે મોત વરસો પહેલા મરી ચૂક્યા છીએ એને ફરી ફરીને મરીએ છીએ. કુમાર પાછો કેમ ના આવ્યો? એ પાછો આવે અને અમને અહીંથી લઈ જાય તો કંઇક નવી ઘટના ઘટે અને કદાચ અમે મુક્ત થઇએ!" એ પડછાયો અચાનક દેખાતો બંધ થઈ ગયો પણ સામેવાળું દૃશ્ય હજી જેમનું તેમ હતું. ત્યાં સાચુકલા બધા ઊભા હતા.
“કબીર એ લોકો તારી રાહ જોઈ રહ્યા છે. એમને મુક્ત કરવા જ કુદરતે તને કુમાર જેવો જ બનાવ્યો છે અને અહીંયા સુધી લઈ આવી."
“તમે કહો એમ કરવા હું તૈયાર છું!" કબીરે વિશ્વાસથી કહ્યું.
“સરસ. થોડી ઝડપ કરવી પડશે. હેરી આપણી ગાડી લઈને બહાર જા, જેમ્સ તું પણ તારી ગાડી સાથે બહાર નીકળ." પ્રોફેસરે કંઇક વિચારી લીધું હતું.
થોડીક વાર રહીને મહેલના વિશાળ દરવાજામાંથી એક ગાડી અંદર પ્રવેશી હતી. ચંદ્રા ઝડપથી દોડતી થોડે આગળ સુધી આવેલી અને બોલી,
“આ અત્યારે કોણ આવ્યું? આ ગાડીમાં કુમાર ન હતો ગયો."
“હું તારો કુમાર જ છું ચંદ્રા!" ગાડીમાંથી નીચે ઉતરી કબીરે કહ્યું અને એનો અવાજ સાંભળતા જ ચંદ્રાના જીવમાં જીવ આવ્યો હોય એમ એના ચિંતિત ચહેરા પર હાસ્ય ખીલી ઉઠ્યું.
“આટલું બધું મોડું કરવાનું? હું ક્યારની તારી રાહ જોતી હતી." ચંદ્રાની આંખોમાં આંસુ તગતગી ઉઠયા.
“રસ્તામાં ગાડી બગડી ગયેલી. જોને આ બીજી ગાડીમાં આવવું પડ્યું. ચાલ હવે મોડું નથી કરવું." કબીરે શાંત પ્રેમાળ અવાજે કહ્યું હતું.
“ચાલો બહેનો, હવે ઝડપ કરો. મેં કહ્યું તું ને મારો કુમાર આવશે અને આપણને અહીંથી લઇ જશે જુઓ એ આવી ગયો."
ચંદ્રા સાથે બીજી સ્ત્રીઓ અને એક નાની બાળકી આવીને ગાડીમાં ગોઠવાઈ ગયા. ચંદ્રા બાળકીને લઈને આગળ કબીર સાથે બેઠી અને બાકીની સ્ત્રીઓ પાછળની બે સીટમાં જેમ તેમ કરીને ગોઠવાઈ ગઈ. ગાડી મહેલની બહાર નીકળી અને આગળ વધી ગઈ. એની પાછળ જ બીજી એક ગાડી નીકળી હતી જેમાં પ્રોફેસર નાગ, જેમ્સ, હેરી, રવિ અને સાગર હતા.
“આ લોકો ક્યાં જઈ રહ્યા છે? કબીરને તો કંઈ નહિ થાય ને?" સાગરે પ્રોફેસરને પૂછ્યું.
“આટલા સુધી આપણા હાથની વાત હતી હવે કુદરત જે કરે એ ખરું. મનમાં ઈશ્વર સ્મરણ કરો અને શુભ થાય એવી કામના કરો. કુદરત ક્યારેય અન્યાય નથી કરતી. જે આત્માઓની મુક્તિ માટે તમારા જેવા શહેરી છોકરાઓને આટલે સુધી લાંબા કર્યા એ કુદરતે કેટલી લાંબી યોજના ઘડી હશે!"
કબીર શાંતિથી ગાડી ચલાવી રહ્યો હતો. આગળ ક્યાં જવાનું છે એનાથી તદ્દન બેખબર એ રસ્તા ઉપર સીધો જઈ રહ્યો હતો. એની બાજુની સીટ પર ચંદ્રા બેસી હતી જેને જોતા જ એના દિલમાં કંઈનું કંઈ થઈ જતું હતું. આ પળે કબીરને થઈ રહ્યું હતું કે એ પણ ચંદ્રાની સાથે સાથે અનંતની સફરે ઉપડી જાય. જે છોકરી પોતાની રાહ જોતી ના જાણે કેટલાય વરસોથી ઉભી હતી એને છોડી દેતા કબીરનો જીવ ચાલતો ન હતો. પ્રેમનો અહેસાસ અત્યારે, આ પળે જ એને થઈ રહ્યો હતો...
“અહીંયાથી આ તરફ વાળી લો, આ કાચા રસ્તે." પેલી ચંદ્રાના ખોળામાં બેઠેલી છોકરીએ કહ્યું. કબીરને નવાઈ લાગી પણ એણે ગાડી વાળી લીધી.
“કબીરે અહીંયા ગાડી કેમ વાળી?" હેરીએ કબીરની ગાડી પાછળ પોતાની ગાડી લેતા કહ્યું. એ વચ્ચે થોડુક અંતર રાખી કબીરની પાછળ પાછળ જ જઈ રહ્યો હતો.
“કુદરત...એને રસ્તો બતાવી રહી છે."
જંગલ જેવા વિસ્તારમાં થોડે સુધી ગાડી આગળ વધી અને પછી એ બાળકીએ ગાડી રોકવા કહેલું. ગાડી ઉભી રહેતા જ એ બહાર આવેલી અને એક આંબાના ઝાડ નીચે જઈ એક જગ્યાએ આંગળી બતાવી કહેલું,
“અહીં...અહીંયા જ અમને બધાને એક મોટા ખાડામાં સુવડાવી દાટી દીધા હતા. હું ત્યારે જીવતી હતી. એ લોકોએ મારા મોઢા ઉપર માટી નાખી હતી. મને માટી નીચે દબાવી દીધી હતી. હું બૂમ પાડીને કહેવા માંગતી હતી કે હું જીવું છું, મને ગભરામણ થાય છે, મને બહાર કાઢો પણ મારાથી બોલાતું ન હતું. હજી ક્યારેક ક્યારેક હું બૂમો પાડું છું પણ કોઈ મારો અવાજ નથી સાંભળતું."
“હેરી, જેમ્સ, સાગર અહીંયા ખોદવું પડશે. થોડું ઝડપથી." પાછળ આવી ઉભેલી ગાડીમાંથી બહાર આવેલા પ્રોફેસરે બાળકીની વાત સાંભળીને કહ્યું અને તરત ડેકીમાંથી સમાન કાઢી ખોદવાનું ચાલું કરાયું.
થોડીક જ વાર થઈ હશે કે ત્યાંથી હાડપિંજર નીકળવાના શરૂ થયા. અડધા ઉપરનું બધું ખવાઈ ચૂકેલું છતાં અણસાર આવતો હતો કે આ માણસોના જ હાડકા હતા. એક કંકલના હાથના પંજામાં કશુંક ચમકી રહ્યું હતું. હેરીએ એને અલગ કર્યું અને પ્રોફેસર સામે ધર્યું. એ એક ચાવી ભરાવવાનું કિચેઇન હતું..
“આ મેં જોયુ હતું. જે ગાડી લઈને મારે પાછા આવવાનું હતું એ ગાડીની ચાવીનું આ કિચેઈન છે. મને થોડું થોડું યાદ છે. શહેરમાં દિવાન સાહેબ અને ડ્રાયવરને છોડ્યા બાદ થોડો સમય ત્યાં રોકાઈ હું એ ગાડીની ચાવી લઈને નીકળ્યો હતો. હું જેવો ગાડીમાં બેઠો અને મેં ચાવી ભરાવી કે તરત એક માણસે મને પાછળથી માથામાં કંઇક મારેલું. હું બેભાન થઈ ગયો હોઈશ અને આ ગાડીની ચાવીનું કિચેઈન મારી મુઠ્ઠીમાં રહી ગયું હશે. એનો મતલબ કે હું ત્યારે જ મરી ગયેલો કે મારી નાંખવામાં આવેલો અને આ બધાની બોડી સાથે મને પણ અહીં જ દાટી દેવાયેલો."
કબીરને જાણે એ બધું યાદ કરતા પીડા થઈ રહી હોય એમ કહી રહ્યો હતો. એણે જોયું કે એની આસપાસ ઉભેલી બધી આત્માઓ ગાયબ હતી સિવાય એક ચંદ્રા..
ચંદ્રા કબીરની પાસે આવી હતી અને એણે ખૂબ પ્રેમથી કહ્યું, “મને હતું જ કે મારો કુમાર કદી મને દગો ના દે. એ જનમમાં ના આવી શક્યો તો બીજો જનમ લઈને પણ તું આવ્યો અને મને મુક્તિ અપાવી. મને ગર્વ છે તારી ચાહત પર. અફસોસ કે આપણે સાથે જીવી ના શક્યા પણ આજે તે મારું મોત સુધારી નાખ્યું. હું રાજી થઈને જાઉં છું...."
એ જ ક્ષણે અંધારામાં જાણે આકાશમાં સૂરજ ઉગી નીકળ્યો હોય એટલું અજવાળું પથરાઈ ગયું અને ચંદ્રાનો આત્મા ઉડીને એ પ્રકાશપુંજ માં સમાઈ ગયો. એક એક કરીને બધી સ્ત્રીઓના આત્મા એ પ્રકાશપુંજમાં દેખાયા, જાણે આ બધાને આખરી વિદાય આપી રહ્યા અને બીજી જ પળે બધું સમેટાઈ ગયું.
કબીર ત્યાં ભેગી થયેલી માટીના ઢગલા ઉપર ફસડાઈ પડ્યો. પ્રોફેસર નાગ એની પાસે ગયા અને એના ખભે હાથ મૂક્યો.
“આ જીવનમાં હવે કોઈ છોકરીને હું પ્રેમ નહિ કરી શકું પ્રોસેસર. ચંદ્રા સાથે વિતાવેલી આ કેટલીક ક્ષણો મને હંમેશા યાદ રહેશે."
“કેટલાક માણસોને આખું જીવન વીતી જાય તોય એમનો સાચો પ્રેમ નથી મળતો તું ખુશ થા તને કેટલીક એવી ક્ષણો તો નસીબ થઈ!"
બધા મહેલમાં પાછા આવ્યા ત્યારે સવાર પડી ચૂકી હતી. રઘુ કબીરની ગાડી ઠીક કરાવી પાછી લઈ આવેલો અને સના બધા માટે નાસ્તાના ટેબલ ઉપર ગરમ ચા અને બટેટા પૌંઆ સાથે રાહ જોઈ રહી હતી.
આજે મહેલની હવા બદલાયેલી લાગતી હતી. ગમગીન અને ભારેખમ વાતાવરણ ચાલ્યું ગયું હતું. દીવાલે લટકી રહેલા ચિત્રો કંઈ ખાસ ન હતા લાગી રહ્યા, બીજા ચિત્રો જેવા જ સામાન્ય હતા.
પ્રેફેસર નાગે શેઠ રતન ચંદને એમના ઘરે જવાની વ્યવસ્થા કરી આપી અને બાકીના બધા પણ એમના રસ્તે પડ્યા... બધાને ઘણી વાતો કરવી હતી, ઘણું કહેવું હતું પણ કોઈ કંઈ બોલી ના શક્યું. કુદરતના જે ખેલનો એ હિસ્સો બનેલા એ અનુભવ કોઈ આગળ કહેવાનો ના હતો. કહે તો કોઈ માનવાનું ન હતું...
પેન્ટાગોનની ટીમે સોનપૂરના મહેલનો કેસ સફળતા પૂર્વક સોલ્વ કર્યો હતો અને હવે એમની ટીમ નીકળી ગઈ હતી કોઈ બીજી જગ્યાએ, કોઈ બીજી આત્માને કે માણસોને રાહત પહોંચાડવા...
આપ સૌને જો આ વાર્તા ગમી હોય તો એને શેર કરવાનું અને પાંચ સ્ટાર આપવાનું ના ભૂલતા. આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે તમે મારું પેજ (niytikapadia's stories) લાઈક કરી શકો છે,
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏