લોકડાઉનમાં લોટરી !
આમ તો રિટાયરમેન્ટ લેવાની ઉમર ૬૫ વર્ષ હોય છે પરંતુ મારે ૭૦ સુધી ખેંચવું પડ્યું હતું. ઠાકરશી પણ ૬૮ સુધી મિલમાં જતો હતો. ફક્ત વસરામ, કાનજી અને થોભણ ૬૫માં અથવા એ પહેલા નિવૃત થઈ ગયેલા. ઠીક છે ભાઈ, જેવું જેનું નસીબ અને જેવી જેની જરૂરિયાત. આમ તો જરૂરિયાતનું તાજવું પોતાના સંતાનોના સંસ્કાર ઉપર નિર્ભર કરે છે કે છોકરાઓ બાપાને ક્યાં સુધી ઢસરડા કરાવે રાખે છે. ક્યારેક અમુક માં-બાપ પણ હરખપદુડા હોય છે કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા હારું આખું જીવતર હોડમાં મૂકી દે અને મરે ત્યાં લગી ઢસરડા કર્યા જ કરે અને અંતે એ જ દીકરાઓ એમનું બાવડું પકડીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ! લો બોલો, શું કાંદા કાઢ્યા ?
સારું ચાલો આ તો કહાની હર ઘર કી હૈ. હું મારી રિટાયરમેન્ટની લાઈફમાં ઘટેલી એક અલૌકિક ઘટના તમારા બધા સાથે વહેંચવા માંગુ છું, આઈ મીન શેર કરવા માંગું છું. આ કોરોનાના કાળમાં લોકડાઉન આવ્યું, એટલે ઘરની બહાર તો કોઈ જવા ના દે. વેઈટ, વેઈટ... હું તમને માંડીને જ વાત કરું, આમ તમને કંઈ ટપ્પો નહિ પડે.
હું, વસરામ, કાનજી, ઠાકરશી અને થોભણ અમે પાંચે નાનપણથી જ લંગોટિયા ભાઈબંધ. પહેલા તો અમે ચાર જ હતા, થોભણ પછી અમારી ટોળકીમાં જોડાયો. અમે ભણવામાં આગળ-પાછળ ધોરણમાં હતા પણ નીશાળ બધાની એક. ગામડાની નીશાળમાં ૧ થી ૭ ધોરણ હોય પણ માસ્તર બે કે ત્રણ જ હોય. એટલે અમે બધા ભેરુઓ એક માસ્તર પાસે જ ભણ્યા છીએ એવું કહેવું હોય તો કહી શકાય. એમાંય હું અને વસરામ તો એક જ ધોરણમાં સાથે જ ભણતા હતા અને બાજુ-બાજુમાં જ બેસતા હતા. વસરામ નાનપણથી જ શાંત સ્વભાવનો અને સિન્સિયર પણ બહુ જ. મારું એનાથી સાવ ઉલટું, હત્પતીયો અને રઘવાટિયો બહુ, ભણવાનું આમ ગમે ખરું પણ ગણિતનો વિષય આવે એટલે આપણા બારણા બંધ થઈ જાય. બા એ માથામાં તેલ નાખી-નાખીને, કેશુ સાહેબે હાથમાં સોટીઓ મારી-મારીને ઘણું ય ગણિતને મારી ખોપરીમાં ઉતારવાની ટ્રાય કરી પણ બધું પથ્થર ઉપર પાણી !
ઓહ, સોરી ! હું ક્યાં તમારી આગળ આ ભૂતકાળ ઉખેડી બેઠો ? વાત જાણે એવી હતી કે અમે પાંચે લંગોટિયા ભાઈબંધો પોતપોતાના નોકરી કે ધંધામાંથી રિટાયર થયા પછી દરરોજ સાંજે એક્જેટ સાડા પાંચના ટકોરે સરદાર બાગમાં, સરદાર વલ્લભભાઈ પટેલના બાવલાની પાછળ ભેગા થતા. પાછળ એટલા માટે કે અમારા હા...હા... હી...હી... થી બીજા કોઈને ખલેલ ના પહોંચે. રોજ અમે પાંચે ય આ જ જગ્યાએ અમારા ફિક્સ ટાઈમે મળતા. તો ય ક્યારેય વાતો નો ખૂટતી ! મોટેભાગે ભૂતકાળને જ અમે વાગોળતા. ક્યારેક કોઈ પોતાના કરમની કહાણી માંડી બેસતું તો કોઈ અત્યારના આધુનિક જમાનાની વગોવણી કરતુ. હું ય એમાં આવી ગયો હો, હું કંઈ દુધે ધોયેલો નો’તો. ફક્ત વસરામ સહુથી ઓછાબોલો અને મિતભાષી. એ બોલતો ઓછુ અને સાંભળતો વધારે. ક્યારેક ક્યારેક થોભણ કે કાનજીની પારિવારિક સમસ્યાઓનો એવો ઉકેલ જણાવતો કે અમે બધા તો દંગ રહી જતા. વસરામ ઓછું બોલે પણ તેના એક-એક શબ્દમાં જાણે વાતનું સોલ્યુશન મળી જતું. ક્યારેક ક્યારેક તો અમને શંકા પડતી કે આ કોઈ ઓલિયા પુરુષ કે કોઈ જ્ઞાની મહાત્મા તો નથી ને ? પણ ભગુભાઈના ગાંઠિયા અમને બધું જ ભૂલાવી દેતા. અઠવાડિયે એક જ વખત મંગાવવાના અને તે ય કોઈ એક વ્યક્તિએ નહિ, વારા કાઢવાના બધાએ. સાલ્લી ભગુભાઈ શું ચટણી બનાવતા ! હજુ તેનો સ્વાદ ભૂલાતો નથી. થોભણ તો ચટણી હાટુ જ ગાંઠિયા ખાતો હોય એવું લાગતું. હા, એ ગાંઠિયા કરતા તો ચટણી વધારે ચાટી જાતો. આમ તો અઢીસો ગાંઠિયામાં કંઈ અમારું પેટ તો નો’તું ભરાતું પણ અમારી ભાઈબંધીમાં એક પ્રકારનું મોણ નંખાતું અને મિત્રતામાં દિવસે દિવસે મીઠાસ વધતી જતી. આમે ય જીવનની ઢળતી સંધ્યાએ સમદુખિયાઓ જ એક-બીજાને સમજી શકે.
ક્યારેક કોઈ મિત્ર કોઈ કારણોસર નિર્ધારિત સમય અને સ્થળ પર ના આવે તો તે દિવસે વાતોનો રંગ ઉડી જતો, એક ગમગીનીનું વાદળ છવાઈ જતું. અરે મને યાદ છે કે અમે વરસતા વરસાદમાં ય ફાટેલી છત્રી લઈને ઢીંચણ સુધી લેંઘાના પાઈચા ચઢાવીને સાંજે સાડા પાંચ થાય એટલે સરદાર બાગમાં અચૂક ભેગા થતા જ. પણ આ કાળની કઠણાઈ તો જુવો છેલ્લા કેટલાય દી’થી એક-બીજાનું મોઢું નથી જોયું..!! હાસ્તો ! આ લોકડાઉનના લીધે જ વળી ! લોકડાઉનની શરૂઆતમાં તો છાનામુના અમે મળી લેતા પણ પછી કાયદો કડક થયો, બહાર એક ચકલું ય નો ફરકે તો અમારા જેવા બુઢાને તો કોણ બહાર નીકળવા દે !
આખો દી’ ઘરમાંને ઘરમાં. એક-એક કલાક, એક-એક મહિના જેવડી લાગે ! સાંજે સાડા પાંચ થાય અને મને ઈ ચારેયના ચહેરા દેખાવા લાગે, સરદાર બાગનો ઝાંપો દેખાય, સરદાર પટેલનું બાવલું દેખાય, રોજ જે જગ્યાએ બેસતા’તા એ બાકળા દેખાય, ભગુભાઈના ગાંઠિયા અને ચટણી ય સાંભરે. પણ થાય શું !? મારી જેમ બધા ય ને યાદ આવતું હશે આ બધું. અમારા પાંચમાંથી બે જણા પાસે મોબાઈલ હતા, એ ય તે દીકરાએ દીધેલા. હું, છગન અને કાનજી અમે ત્રણેવ ઠનઠન ગોપાલ. તો ય મે તો હિમ્મત કરીને દીકરા પાસેથી ફોન માંગી વસરામને ફોન કર્યો. લગભાગ આજે સોળમો દિવસ હતો, અમે એક-બીજાનો અવાજ પણ નોતો સંભાળ્યો. વસરામને સામે ફોન પર સંભાળતા જ મારાથી ડૂસકું ભરાઈ ગયું. “અરે, રડે છે કેમ ?” કહેતા કહેતા વસરામની આંખો પણ વરસી રહી હોય તેવું તેના અવાજથી લાગતું હતું.
ચમત્કાર તો ત્યારે થયો જયારે એકવીસ તારીખે સાંજે સાડા પાંચે અમે બધાએ એક સાથે ફોન પર મળવાનું નક્કી કર્યું અને મળ્યા પણ ખરા. અને એ ય તે નોર્મલ ફોન નહિ હો ! વિડીયો કોલ !! એક-બીજાના ચહેરા જોઈને જે અમે હરખાણા છીએ, વાત ના પૂછો ! થોભણના કાનમાંથી ઈયરફોન પણ વારંવાર નીકળી જતા તોય હાથેથી દબવીને ય અમે લગભગ એક કલાક સુધી અલક-મલકની વાતો કરી. લોકડાઉનમાં શું કરતા હતા ? એક-બીજાની યાદ આવતી હતી કે નહિ ? સરદાર બાગ અને ભગુભાઈના ગઠીયા વિથ ચટણી બધાને યાદ આવતા હતા ? એવી કંઈ કેટલીએ વાતો મન ભરીને કરી. પછી કોરોના એ આખા દેશ પર કાળો કેર વર્તાવ્યો છે અને હવે સરકાર ક્યારે છોડશે બધાને !? એવી જાત-જાતની વાતો કરીને દર અઠવાડીએ આવી રીતે છોકરાઓ પાસે કાલાવાલા કરીને પણ વિડીયો કોલ પર મળવાનું નક્કી કરી અમે છુટા પડ્યા.
એક-બે-ત્રણ એમ અઠવાડિયાઓ વિતતા ગયા. લોકડાઉન પણ લંબાતું ગયું. દરેકના ઘરમાં તંગ વાતાવરણ સર્જાવા લાગ્યું. દરેકના ઘરમાં લોકડાઉનના લીધે કૌટુંબિક સમસ્યાઓ વધવા લાગી. એક વસરામ પહેલાની જેમ શાંત અને આનંદમાં જ જાણતો હતો. અંતે મારાથી ના રહેવાયું અને મેં વસરામને તેના આનંદનું કારણ પૂછી નાખ્યું. અમારી શંકા હતી તે પ્રમાણે તેમણે એ જ કહ્યું કે “તેની પાસે એક પ્રકારનું જ્ઞાન છે, એક વિશેષ સમજણ છે જેના લીધે તે કોઈપણ પરિસ્થિતિમાં સ્વસ્થ રહી શકે છે અને તેને કોઈ પણ પ્રકારનો ભોગવટો કે ચિંતા નથી સતાવતી” અને અમે ? અમે તો આખો દિવસ ચિંતા-ઉપાધિમાં જ ઘેરાયેલા રહીએ છીએ. અમે બધાએ વસરામને તે જ્ઞાન, તે સમજણ અમને પણ આપવા માટે વિનંતી કરી. વસરામના કહેવા મુજબ તે એક વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. પરમ પૂજ્ય દાદા ભગવાનને જે અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે જ જ્ઞાન આજે આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ સહુ કોઈને આપી રહ્યા છે. અને તે ય પાછુ ફ્રી ઓફ કોસ્ટ. અત્યારે પીવાનું પાણી પણ જ્યાં મફત નથી મળતું ત્યાં આવું અમુલ્ય જ્ઞાન મફતમાં મળે છે, એવું વસરામે કહ્યું. આમ તો અમારામાંથી કોઈને કંઈ ટપ્પો ના પડ્યો. વસરામની બધી વાતો ઉપરથી જ ગઈ. કોણ દાદા ભગવાન ? અને કેવું અક્રમ વિજ્ઞાન ? એ કંઈ અમારા ચારેવ માંથી કોઈને સમજાતું નો’તું.
અમને નાનપણથી જ ઓળખતા વસરામે વધારે લમણાજીંક ના કરી અને “આવતા રવિવારે પૂજ્ય દીપકભાઈ જ્ઞાનવિધિ કરાવશે તેમાં તમે ચારેય જોઇન્ટ થઈ જજો અને ઓન-લાઈન જ્ઞાન લઇ લેજો” એવું કહ્યું. અમારા બધાના મગજમાં કંઈ કેટલાએ સવાલો સળવળવા માંડ્યા. પણ વસરામ પર અમને ગળાડૂબ વિશ્વાસ હતો એટલે શંકાને તો કોઈ સ્થાન નો’તું. વસરામના કહેવા અનુસાર અમે બધાએ અમારા દીકરાઓની મદદથી ઓન-લાઈન ફોર્મ ભરી દીધું અને રવિવારની કાગડોળે રાહ જોવા લાગ્યા. જાણે આ રવિવારે કંઇક ચમત્કાર થવાનો હોય.
તમે નહિ માનો, ખરેખર ચમત્કાર જ થયો. ફક્ત ૧૦ મીનીટ પૂજ્ય દીપકભાઈએ ટૂંકી જ્ઞાનવિધિ કરાવી, (ટૂંકી એટલા માટે કે પછી લોકડાઉન ખુલે ત્યારે આખી જ્ઞાનવિધિ માટે ફેસ ટુ ફેસ જ્ઞાન લેવા માટે જવાનું હતું) અને બીજા એક ભાઈએ હવે પછીંનું જીવન કેવી રીતે જીવવું તેની ચાવી બતાવી. માય ગોડ, જીવન જીવવાની જાણે નવી દ્રષ્ટી મળી. અરે ફક્ત અમે ચાર જ નહિ અમારા બધા જ કુટુંબીઓએ પણ બીજા-ત્રીજા રવિવારે ટપો-ટપ જ્ઞાન લઇ લીધું. વાહ ! આખું જીવન બદલાઈ ગયું, જાણે જ્ઞાન લીધા પછી નવું જીવન મળી ગયું બધાને. બોલો, કોઈ માને કે કોરોનાના કાળમાં, લોકડાઉનના સમયમાં કોઈને લોટરી લાગે ? અમને લાગી. અને એવી છપ્પર ફાળકે લાગી કે વાત જ ના પૂછો. હવે તો અમે પાંચે ય ભાઈબંધો એક કાતરા વિડીયો કોલ કરીને મળીએ છીએ. બધાના દીકરાઓ પણ કચકચ કરવાને બદલે સપોર્ટ કરે છે અને હા, હવે કોઈ અલક-મલકની વાતો રહી નથી, ફક્ત જ્ઞાનની જ વાતો થાય છે. બધાના ઘરે હવે આખું ઘર ભેગા મળીને દરરોજ રાત્રે ૯ થી ૧૦ સત્સંગ જુવે છે.
અને હા, ક્યારેક કંઇક મુંજવણ હોય તો પૂજ્યશ્રીને અમે પ્રશ્ન પણ પૂછીએ છીએ. લાઈવ ! જાણે પૂજ્યશ્રી દીપકભાઈ સામે બેસી ને જ અમને ના સમજાવતા હોય ! એવું જ લાગે છે. ગઈ કાલે જ ઠાકરશીનો પ્રશ્ન આવ્યો હતો. સાલું આ ટેકનોલોજી પણ કમાલની વસ્તુ છે. અમને પાંચે ય ભાઈબંધોને તો નજીક લાવી દીધા પણ જ્ઞાનીનો ભેટો પણ ઘેર બેઠા કરાવી આપ્યો. હવે તો આખો દિવસ હે ય ને દાદાની ચોપડીઓ વાંચવામાં ક્યાં જતો રહે છે તે જ ખબર નથી પડતી. હવે ખરેખર જીંદગી ટૂંકી લાગે છે !! આ હતી મારી રિટાયરમેન્ટની લાઈફમાં ઘટેલી એક અલૌકિક ઘટના.
અરે હા, હું તો તમને કહેવાનું જ ભૂલી ગયો, તમારે પણ આ અદ્ભુત જ્ઞાન લેવું હોય તો લઇ શકો છો. આ તમારા મોબાઈલમાં Akonnect એપ જેવું કંઇક આવે છે, ઈ નાખી દેજોને, એમાંથી બધું સમજાઈ જશે.