કરસન પાછો ખોવાયો
(પ્રકાર : હાસ્યલેખ, સાહિત્યકાર : નવનીત પટેલ)
ગઈ ઉતરાયણમાં અંતે કરસન મળી ગયો તેની ખુશીમાં જ ગંગારામપાએ “કોઈ દી’ કરસન ઉપર હાથ નહિ ઉપાડવાનું” નેમ જાહેરમાં લીધેલ. પણ અનુભવી કરસનને બાપની ટેક પર વિશ્વાસ નો’તો બેસતો. એટલે જ કરસન જયારે તેની ટોળકીની સંસદ મીટીંગ થતી ત્યારે વારંવાર કહેતો કે “જો આ વાતની ખબર મારા બાપને નો પાડવી જોય હો...!!”
કાગડોળે હોળીની રાહ જોઈ રહેલા કરસનના ભેરુઓ દિવસો ગણતા હતા ! અંતે હોળીના દિવસનો સૂર્ય ઉગમણે ઊગ્યો ને ગેલમાં આવી ગયેલો. કરસન સવારથી જ થોભણ, વસરામ, છગન અને ભીખાને લઈને નીકળી પડેલો પણ કર્મ કૌશલ્ય બતાવવાનો યોગ્ય સમય બપોરનો રહેશે, એવો થોભણનો મત હતો. જે બધાએ માન્ય રાખ્યો અને બપોર થવાની રાહ જોઈ જેથી સર્વે ગ્રામજનો બપોરા કરીને પોઢી જાય.
સૂર્યનારાયણ માથાપર આવતા જ આ સેના તો નીકળી પડી, જેના વાડામાં જવાની જગ્યા મળે તેમાં પેસીને છાણા, અડાયા, લાકડા જે મળે તે બારોબાર ગામને પાદર ભેગું કરવા મંડી ગયા. સાંજ થતા સુધીમા તો કેટલાયના વાડામાંથી હોળીનો સામાન ગામની ભાગોળે ઠાલવી દીધો.
સાંજ પડતા જ જેમ-તેમ વાળું પતાવી બધા ભેરુઓ ભેગા થયા. આ બાજુ ગામના વડીલોએ હોળી પ્રગટાવવાની શરુ કરી. ધીમે ધીમે હોળીની જ્વાળાઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા માંડી તેમ-તેમ કરસનનું મગજ મર્શીડીસની ઝડપે ગતિ પકડવા માંડ્યું.....!! ગામના ડાહ્યા લોકો હોડીના દર્શન કરતા હતા. તો કેટલાક નાના છોકરાને તેડીને જલધારા સાથે હોળીની પ્રદક્ષિણા કરતા હતા. અને આ કરસન ટોળકી તો હોળીના તાપથી ગાલ દાઝવા છતાં આગળની જ લાઈનમાં રહેવાની હઠ લઈને ઊભી હતી.
થોડીવારમાં પાંચ હાથ લાંબા છગનને સૂરાતન ચડ્યું તો તેણે ગરગળતી દોટ મૂકી ને સળગતી હોળી ઠેકી ગયો...!! આખા ટોળાએ તેણે તાલીઓના ગડગડાટથી વધાવી લીધો. આ જોઈને થોભણ ને થયું મારુ બેટુ ! આ છાગનું હોળી ઠેકી ગયું તો હું નો ઠેકી દઉં....!! તેણેય ચપલ કાઢીને દોટ મૂકી ને માંડ-માંડ હોડીની પેલે પાર સોસરવું નીકરાણું. હજુ ગામના લોકો થોભણને પુરો જોવે તે પહેલા તો પાછળથી વસરામે જપટ બોલાવી ને હોળીની કિનારીએ જ્યાં ઓછી અગનજ્વાળા હતી ત્યાંથી સર્કસના જોકરની જેમ કુદી ગયો...!!
હવે બાકી રહ્યો કરસન. હોળીને જોતા જ કરસનને સમજાઈ ગયું કે આપણો પનો તો ૧૦૦% ટૂંકો જ પડવાનો, પણ એમ પાછી પાની કરે તો ઇ કરસન શાનો...?!! કરસને તો આઘા... રે’જો.....આઘા....રે’જો..... કરતાંકને હડી કાઢી પણ હોળીની જેવો નજીક ગયો કે ખબર પડી, મારું બેટુ હવે તો નહિ ઠેકી શકું...!! પણ પછી તો બ્રેક મારવાનો પણ ટાઇમ નો’તો રહ્યો. કરસને તો હનુમાનજી સાગર કુદે તેમ હોળીને કુદવા કુદકડો તો માર્યો પણ છેલ્લે અડધા ફૂટ હારું રહી ગયો અને હોળીના સળગતા ગરમા ગરમ છાણામા કરસનના ચરણ જઈને થંભ્યા...!! કરસન તો ફાટી આંખે પગની વેદનાને ગળી જવા પ્રયત્ન કરતો હતો.
એવામાં ભીખાને શું સુજ્યું કે કરસન જ્યાં પડ્યો હતો ત્યાંથી તેણે હોડીનું નારીયેર દેખાઈ ગયું... તે ભીખો તો કોઈને પૂછ્યા વગર જ પગેથી લાતો મારતો મારતો નાળિયેરને લોકોના ટોળામાંથી બહાર લઇ ગયો. પાછળ વસરામ, છગન અને કરસનતો ખરા જ. હોળીનું પહેલું જ નારિયેર મળ્યાના આનંદમાં કરસન દાઝેલા પગનું દુઃખ વિસરી ગયો અને બધાની સાથે ધુવાળા કાઢતા નારિયેરને પાટુ મારતા મારતા છેટે લઇ ગયા...!!
નાળિયેરને ઠારવાની મથામણ કરતા થોભાનને આશ્ચર્યનો એટેક આવ્યો ઇ જાણીને કે તેણે કાઢેલું નાળિયેર તે નાળિયેર નહિ પણ નાળિયેરના આકારનું સળગતું છાણું હતું. બધી જ મહેનત પર પાણી ફરી વળવાથી આખી ટોળકી નિરાશ થઇ ગયી. ઇ તો સારુ થયુ કે તભાકાકા આવ્યા ને બધાને થોડી થોડી પ્રસાદી માટે સેકેલ નાળિયેર અને ઘુઘરી આપ્યા એટલે બધાને અપજસની કળ વળી.
બીજા દિવસે સવારથી જ બધા રંગે રમવા માટે નીકળી પડ્યા. વાત એમ બની કે આ ફક્કડ ગિરધારી ટોળકી પાસે રંગ લેવાના પૈસા તો હતા નહિ, એટલે બધાયે નક્કી કર્યું કે ગામને પાદર પડેલા ઈંટો અને નળિયાના કટકાને ઘસી-ઘસીને તેમાં પાણી નાખી રંગ બનાવવો. પણ મહા મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ ના આવતા દોઢ ડાહ્યા છગનીયાએ સજેસન આપ્યું કે દકુબાપાની વાડીએ ટ્રેક્ટરની એક જૂની ટ્રોલી પડેલી છે, તેમાંથી બળી ગયેલું ઓઇલ કાઢી લઈએ તો...? મફતમાં કાળો કલર થઇ જાય...!! સવારના ઈંટોના કટકાને ઘસી-ઘસીને હાથના ટેરવા પાકી ગયેલા બધાને આ પ્રસ્તાવ ગમી ગયો. બધાયે એકી અવાજે વધાવી લીધો. આખી ટોળકી ઉપડી દકુબપાની વાડીયે.
મહા મહેનતે ટ્રેક્ટરની ટ્રોલીમાથી ઓઇલનો પાઇપ કાઢ્યો પણ થયું એવું કે પાઇપ છટકતા, ઢીંચણીયા વાળીને જોર કરતા કરસન પર ઓઇલનો અભિષેક થઇ ગયો. ટ્રોલીમા હાઈડ્રોલીક હોવાથી ઓઇલનું પ્રેસર જાજુ હતું એટલે કંટ્રોલ નહિ થવાથી બધા સામે પાણીના ફુવારાની જેમ પિચકારી મારતું ઓઇલ ઉડ્યું અને બધાના મોઢા કાળા ડીબાંગ કરી મેલ્યા. બપોર થતા સુધીમાં તો આખી ગેંગે પોતે જ ઓટોમેટીક ધુળેટી રમી લીધી. કોઈ એક-બીજાના મોઢા ઓળખી શકવાની સ્થિતિમાં નો’તુ. એવામાં દુષ્કાળમાં અધિક માસ સમ ટ્રોલીમાંથી ઓઇલ લીક થવાની શંકા પડતા દકુબાપા હાથમાં દંડુકો લઈને આવ્યા...!! આંખોમા ઓઇલ ઘુસી જવાથી ૬ નંબરના ચશ્માં જેવું બધાને દેખાતું હતું છતાં સામે સાક્ષાત યમરાજ સમાન દકુબાપા ને જોતા જ બધા મુઠીયું વાળીને ભાગ્યા.
ગામમાં ઘુસતા જ કરસનના બાપા સામે મળ્યા. સવારના કરસનને ગોતવા માટે ઉઘાડા પગે આખા ગામમાં આંટા મારતા ગંગારામબાપાના મગજનો પારો તેની ચરમસીમા વટાવી ગયો. કરસનનું બાવડું પકડીને ઓઇલવાળા ગાલ પર જ બે-ત્રણ અડબોથ વરગાડી દીધી અને ગડદા-પાતું મારતા-મારતા ઘેરે લાવ્યા અને જીવીબેનને સોંપ્યો.
જીવીબેને લૂગડાં ધોવાનો સાબુ ક્યાંય સુધી ઘસ્યો ત્યારે છોરો ઓળખાય એવો થયો. પણ આ જોઈને જીવીબેન તો અવાક જ રહી ગયા....!! હસવું કે રડવું તે નહિ સમજાતા, બંન્નેના મિસ્રભાવ સાથે જીવીબેને ગંગારામબાપાને બોલાવ્યા અને ઘટનાસ્ફોટ કર્યો કે તમે જેને ઢીબીને અહી લઇ આવ્યા તે આપણો કરસન નથી પણ સંતોકનો છગનીયો છે....!! ગંગારામબાપાય ફાટી આંખે જોઈ રહ્યા...!! વરી પાછી એક અડબોથ થોડા ચોખા થયેલા ગાલ પર લગાવી ગંગારામબાપા તાડુક્યા, “અલ્યા ટોપા, મોઢામાંથી ફટાતુ નથી કે હું કરસન નહિ છગન છુ” એમ.
બંને આંખમાથી શ્રાવણ ને ભાદરવાની સફાઈ કરતા છગને કહ્યું કે તમે તો મને ઓછો માર્યો છે, મારા બાપા પાહે ગયો હોત તો મારી ડીટેલમાં સર્વિસ કરી નાખત, એના કરતા મફતમાં આટલો ઉજળો થઇ ગયો ઇ શું ખોટું...!! જીવીબેનને તો સાબુનો આખો ગોટો વપરાઇ જવાથી એવી ખીજ ચડી હતી કે લૂગડાં ધોવાનો ધોકો લઈને આવ્યા. “ઉભો રે’જે મારા રો’યા...!! તુંય તારી મા જેવો જ હરામ પાનીનો જ નીકળો...” કે’તાકને જીવીબેન પાછળને છગનો આગળ... ગામની ઉભી બજારે જાય ભાગ્યા....!!
હજુ જડ્યા નથી. કરસનન પણ ક્યાંય દેખાણો નથી. વાચક મિત્રોને વિનંતી કે ધુળેટીમાં અમારા રાખના રાતનોમાથી કોઈનો પતો મળે તો પાર્સલ કરીને તમારા ખર્ચે ને જોખમે મોકલાવજો.